Home » ઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર

ઝાયરા વસીમ: કટ્ટરતા સામે કલાની હાર

by Jaywant Pandya

સબ હેડિંગ: ફિલ્મોદ્યોગમાં અનેક મુસ્લિમોએ તેમનું પ્રદાન કર્યું છે. નરગીસથી લઈને હુમા કુરૈશી સુધી અનેક અભિનેત્રીઓ કામ કરી ચૂકી છે. તેમને મઝહબ ન નડ્યો તો ઝાયરાને જ કેમ નડી ગયો? લાગે છે કે કાશ્મીરની આ અભિનેત્રી પર કટ્ટર લોકોનું દબાણ કામ કરી ગયું છે…

(સાધના સાપ્તાહિક, દિ. ૧૩/૭/૧૯નો અંક)

આ વર્ષે ઑક્ટોબરમાં જેની ઉંમર ૧૯ વર્ષની થશે તેવી ‘દંગલ’ ખ્યાત અભિનેત્રી ઝાયરા વસીમે અભિનયક્ષેત્ર છોડી દીધું! મઝહબનું નામ આગળ કરીને આ નિર્ણય તેણે કર્યો તેથી ઘણી ચર્ચા થઈ. જમ્મુ-કાશ્મીરની આ અભિનેત્રી ઘણી આશાસ્પદ હતી. તેણે જે ફિલ્મ કરી હતી તે સુરૂચિપૂર્ણ હતી. તેણે ધાર્યું હોત તો આવી ફિલ્મો સાથે પોતાની કારકિર્દી આગળ વધારી શકી હોત. પરંતુ તેણે સૉશિયલ મિડિયા પર પોતાની પૉસ્ટ મૂકી ફિલ્મોદ્યોગમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો.

આ અગાઉ પણ તે એક વિવાદમાં સપડાઈ ચૂકી છે. તે વિમાનમાં દિલ્લીથી મુંબઈ મુસાફરી કરી રહી હતી ત્યારે તેની સાથેના મુસાફરે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હોવાની તેણે ફરિયાદ કરી ભારે હોબાળો મચાવ્યો હતો અને તેના સહયાત્રી વિકાસ સચદેવની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિકાસ પર મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદાથી મહિલા પર હુમલો કરવો અથવા અપરાધિક બળ વાપરવું અને બાળકોને જાતીય ગુનાઓથી બચાવવાના કાયદા (પૉસ્કો)ની સંબંધિત કલમો પણ લાગી હતી. તે વખતે ઝાયરા ૧૬ વર્ષની જ હોવાથી સગીર વયની હતી. તેથી આ કલમો લાગુ પડી હતી. વિકાસની પત્નીએ બચાવ કર્યો હતો કે “મારા પતિ દિલ્લીમાં તેમના સગાની મરણવિધિ પતાવીને આવી રહ્યા હોવાથી તેઓ થાકેલા હતા. તેઓ આરામ કરી રહ્યા હતા અને નીંદરમાં તેમનો પગ અજાણતાં ઝાયરાને લાગી ગયો. આમ છતાં વિકાસે વિમાનમાંથી ઉતરતી વખતે ઝાયરાની માફી માગી લીધી અને ઝાયરાએ પણ ‘ઓકે’ કહી દીધું હતું (અર્થાત્ વાત પતી ગઈ હોવાનો સંકેત આપ્યો હતો.)”

જોકે ઝાયરાએ વિમાનમાંથી ઉતરતાં વેંત વિડિયો ઉતારવાનું શરૂ કરી દીધું અને તેમાં તે અનેક વાર રડી પડી હતી. તેણે તેમાં કહ્યું કે “હું મુંબઈ આવી રહી હતી ત્યારે મારી પાછળ એક આધેડ વયનો પુરુષ બેઠો હતો. તેણે મારી બે કલાકની યાત્રા ખરાબ કરી નાખી….તે મારા ખભાને હળવો સ્પર્શ કરતો રહ્યો હતો. તે મારી પીઠ અને ગરદન પાછળ તેનો પગ ઉપર-નીચે કરતો રહ્યો હતો….આ ન ચાલે. હું ભારે વ્યથિત છું. શું આ રીતે તમે છોકરીઓની કાળજી લેવાના છો?” આના માટે એરલાઇન્સે પણ માફી માગી.

માની લઈએ કે આરોપીની પત્ની તો તેના પતિનો બચાવ કદાચ કરે, પરંતુ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સમાચારપત્રમાં અહેવાલ મુજબ, એક સહયાત્રીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઝાયરાના વર્ગમાં જ હતો/હતી. (સહયાત્રીનું નામ જાહેર થયું નથી તેથી તે પુરુષ છે કે સ્ત્રી તે ખબર નથી). આરોપીએ પોતાના પગ જ્યાં હાથ મૂકવાનો ડાંડો હોય ત્યાં મૂકવા સિવાય કોઈ અણછાજતું કૃત્ય કર્યું નહોતું. જોકે ત્યાં પગ ન મૂકવો જોઈએ પરંતુ તેના સિવાય તેનો કોઈ વાંક નહોતો. ઝાયરા તેના પર બૂમો પાડી રહી હતી ત્યારે વિકાસે માફી માગી લીધી હતી. વાત ત્યારે જ પતી ગઈ હતી.”

પરંતુ લાગે છે કે ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા પછી કેટલાક મુસ્લિમોને ભારે તકલીફ પડી રહી છે અને તેઓ નાનીનાની વાતનો મુદ્દો બનાવી લે છે. (તાજેતરમાં અભિનેતા નસીરુદ્દીન શાહના દીકરા અને અભિનેતા વિવાન શાહે પણ કહ્યું કે દિલ્લીમાં મુસ્લિમોને મકાન નથી મળતાં!) ઝાયરાને પણ નાનપણથી આ જ પ્રકારનું શિક્ષણ મળ્યું હશે કે કેમ? અથવા તો સેક્યુલર ફિલ્મોદ્યોગમાં તેના આમીર ખાન જેવા ‘માર્ગદર્શક’એ આ પ્રકારનું શિક્ષણ આપ્યું હશે? યાદ હોય તો, આમીર ખાને તેની પત્ની કિરણ રાવને ભારતમાં ડર લાગે છે તેમ કહીને વિવાદ જગાવ્યો હતો. તે પહેલાં શાહરુખ ખાને પણ કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે તેને તેનાં બાળકો માટે ભારતમાં ડર લાગે છે.

જોકે ઝાયરા સહિત ઉપરોક્ત તમામ અભિનેતાઓ-અભિનેત્રીઓ અને ખાસ કરીને ફેમિનિઝમના ઝંડાધારીઓએ ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમોની વસતિ જ્યાં સૌથી વધુ છે તે દેશમાં તાજેતરમાં આવેલા ચુકાદા પર નજર કરવી જોઈએ. ઇન્ડોનેશિયમાં તાજેતરમાં એક શિક્ષિકાએ પોતાના પ્રધાનાચાર્ય સામે જાતીય હેરાનગતિનો કેસ કર્યો હતો. તે અંગે તેણે અશ્લીલ ફોન કૉલનું રેકૉર્ડિંગ પણ આપ્યું હતું. આમ છતાં ન્યાયાલયે કહ્યું કે આ મહિલાએ ‘શાલીનતાના ઉલ્લંઘન’ કર્યું છે અને તેને છ માસની કેદની સજા આપવામાં આવી. તેના પર ૫૦ કરોડ ઇન્ડૉનેશિયા રૂપિયા (અંદાજે ૨૪ લાખ ભારતીય રૂપિયા)નો દંડ પણ ફટકારાયો. ન્યાયાલયે એમ પણ કહ્યું કે પીડિતા પોતાની તરફેણમાં નક્કર પુરાવો આપી શકી નહીં.

અહીં ભારતમાં તો મહિલાઓ માટે સારું છે કે મહિલાઓની વાત સાચી માનીને પહેલાં તો આરોપી સામે સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેને જેલ ભેગો કરવામાં આવે જ છે. પરંતુ (ટીવી અભિનેતા કરણ ઓબેરોય જેવા) ઘણા એવા કિસ્સા પણ આવ્યા છે જેમાં કથિત પીડિતાઓએ ખોટા આરોપ લગાવ્યા હોય.

ઝાયરાએ ફિલ્મ ઉદ્યોગ છોડવો હતો તો તે છોડી શકતી હતી પરંતુ તે માટે તેણે મઝહબને આગળ કર્યો, તેનાથી ફિલ્મોદ્યોગમાં જ નહીં, તેની બહાર પણ વિવાદ છેડાઈ ગયો છે. હિન્દુ મહિલાઓને કંઈ પણ કથિત અન્યાય થતો હોય તો નારીવાદીઓ અને ફિલ્મોદ્યોગના સેક્યુલર લોકો આગળ આવી જતા હોય છે. પરંતુ ઝાયરા મુદ્દે તેમણે સગવડ્યું મૌન ધારણ કરી આ તેનો અંગત નિર્ણય ગણાવ્યો હતો.

ઝાયરા ‘દંગલ’માં ચમકી ત્યારે તેના ટૂંકા વાળ હતા ત્યારે જ તેની સામે કટ્ટર મુસ્લિમોએ વિરોધ કરી આ વાતને ઇસ્લામવિરોધી ગણાવી હતી. ત્યારથી જ સ્પષ્ટ હતું કે ઝાયરા પર કટ્ટર મુસ્લિમોનું દબાણ છે. કાશ્મીરમાં આમેય લગભગ અઘોષિત શરિયા લાગુ છે. ૧૯૯૦ના દાયકાથી ત્યાં આવી સ્થિતિ છે. બની શકે કે ઝાયરાએ આ દબાણમાં જ ફિલ્મોદ્યોગ છોડવાનો નિર્ણય કર્યો હોય.

મુસ્લિમોમાં આટલી કટ્ટરતા કેમ આવી રહી છે? કોણ તેમને કટ્ટર બનાવવા ઉશ્કેરી રહ્યું છે? ક્યાં આગળ આવાં ઉશ્કેરણીજનક પ્રવચનો થાય છે? કેમ શુક્રવારની નમાઝ પછી કેટલીક વાર ટોળાઓ દ્વારા હિંસક પ્રવૃત્તિ થાય છે? આ બધી તપાસ કરવાની તાતી આવશ્યકતા છે. તાજેતરમાં સુરતના નાનીપુરામાં કથિત મૉબ લિંચિંગનો વિરોધ હિંસક બની ગયો. આગરા, મેરઠ, અલીગઢ વગેરે અનેક જગ્યાએ આ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યાં છે તે ચિંતાની વાત છે. જ્યાં સુધી મુસ્લિમો અને ફિલ્મોદ્યોગનો સંબંધ છે તો તેઓ ફિલ્મોદ્યોગનો અભિન્ન હિસ્સો છે.

શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, અયૂબ ખાન, ઈમરાન હાશ્મી… તે પહેલાં દિલીપકુમાર, મહેમૂદ વગેરે અનેક અભિનેતાઓ આવી ગયા. તેમનો અભિનય ઇસ્લામ વિરુદ્ધ નહોતો? મોહમ્મદ રફી અને નૌશાદે તો કેટલાંય સુમધુર ભજનો અને ગીતો ગાયાં છે જે ભારતીય આત્મા દર્શાવે છે. જોકે એક સમયે મોહમ્મદ રફી પણ કટ્ટર મૌલવીઓના દબાણમાં આવી ગયા હતા તેમ કહેવાય છે. તેઓ હજ કરીને આવ્યા પછી તેમણે થોડો સમય ગાવાનું છોડી દીધું હતું. રફીજી જ્યારે હજયાત્રાએ ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હવે તમે હાજી થઈ ગયા છો, તેથી તમારે ગાવાનું-વગાડવાનું બંધ કરી દેવું જોઈએ. રફીજી બિચારા સીધા અને ભોળા માણસ હતા. તેઓ આ વાતમાં આવી ગયા. તેમણે ગાવાનું બંધ કરી દીધું. ફિલ્મી દુનિયામાં આઘાત પ્રસરી ગયો. આ ઘટનાને કેટલાક લોકો અફવા કહે છે પરંતુ સ્વયં તેમના દીકરા શાહિદ રફીએ આ વાત સ્વીકારી છે. જોકે રફીજીએ થોડા સમય બાદ ફરીથી ગાવાનું ચાલુ કરી દીધું હતું. ઈમરાન હાશ્મીએ ભજવેલાં દૃશ્યો શું ઇસ્લામ પ્રમાણેનાં છે?

આ જ રીતે નરગીસ, વહીદા રહેમાન, શકીલા, સુરૈયા, મધુબાલા, શબાના આઝમી, પરવીન બાબી, ઝીન્નત અમાન, રીના રોય, ફરાહ, તબ્બુ, કેટરીના કૈફ, હુમા કુરૈશી, સારા અલી ખાન…કેટકેટલીય મુસ્લિમ અભિનેત્રીઓ આવી અને ગઈ. અનેકે પોતાની અમીટ છાપ સર્જી. શું નરગીસ, વહીદાજી, સુરૈયા, મધુબાલાના અમર અભિનયને કોઈ ભૂલી શકે ભલા? પરવીન બાબી અને ઝીન્નત અમાન જેવાં વસ્ત્રો અને દૃશ્યો આજે ઝાયરાએ આપ્યાં હોત તો કદાચ આ કટ્ટર લોકો તેની હત્યા કરવા સુધી પણ જઈ શકે તેવું લાગે છે. પરંતુ તે સમયે તેમનો આટલો વિરોધ થયો હોય તેવું ધ્યાનમાં આવતું નથી.

આપણને વધુ વાંધો તો આ લિબરલો અને કટ્ટર મુસ્લિમોના બેવડાં વલણથી આવે છે. અભિનેત્રી અને સાંસદ નૂસરત જહાંએ મંગળસૂત્ર, સિંદૂર, સાડી વગેરે લગાવ્યું તો તેનો વિરોધ કરવાનો પરંતુ ઝાયરા ફિલ્મોદ્યોગ છોડે તો તે તેની અંગત જિંદગી છે. તે તેની ઈચ્છા છે અને તેની ઈચ્છાને બધાંએ માન આપવું જોઈએ. ઝાયરા અગાઉ પણ કાશ્મીરનું માત્ર કન્યાઓનું ‘પ્રગાશ’ નામનું સંગીત બૅન્ડ હતું. તેમની સામે કટ્ટર મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. ધમકી આપી હતી. નવાઈની વાત તો એ છે કે તત્કાલીન સરકારે પણ સૌથી મોટા પૂજારી મુફ્તી બશીરુદ્દીન અહમદના આ બૅન્ડ વિરુદ્ધના ફતવાને સમર્થન આપ્યું હતું. અને વર્ષ ૨૦૧૫માં દેશમાં અસહિષ્ણુતા ફેલાઈ ગઈ હોવાનું કહેનારા શાહરુખ ખાને તે વખતે આ પ્રશ્ન પર મૌન સેવી પોતાની ફિલ્મ વિશે જ વાત કરવાનું હિતાવહ માન્યું હતું!

હિન્દુ બુદ્ધુજીવીઓ જે હિન્દુ કરવા ચૌથ, મંગળ સૂત્ર વગેરે બાબતે ઊછળીઊછળીને પોતાનો મત વ્યક્ત કરે છે તે લોકો પણ આ મુદ્દે ચૂપ છે. તેમને કદાચ ડર હશે કે જો તેઓ બોલશે તો તેમને પણ ભાઠા પડશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment