Home » મહિલા દિન: સાત રંગ મેં ખેલ રહી હૈ…

મહિલા દિન: સાત રંગ મેં ખેલ રહી હૈ…

by Jaywant Pandya

સબ હેડિંગ: આજે મહિલા દિન અને પરમ દિવસે ધૂળેટી. ચાલો, રંગોનો અર્થ, સ્ત્રીઓને કયા રંગ પસંદ છે અને હિન્દી ફિલ્મોમાં કયા રંગના પોશાકે કેવીકેવી યાદો સર્જી છે તે જોઈએ.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૮/૩/૨૦)

 આજે મહિલા દિન છે અને  પરમદિવસે ધૂળેટી. રંગોનો તહેવાર પુરુષ હોય કે મહિલા સહુ કોઈને પસંદ હોય છે. એકબીજા પર રંગ ઉડાડીને, રંગ લગાવીને નિર્દોષ આનંદ માણવાની મજા કંઈક ઓર છે. પરંતુ આ અલગ-અલગ રંગોનું સ્ત્રીઓના જીવનમાં કેવું મહત્ત્વ છે તે ક્યારેય વિચાર્યું છે? તો ચાલો, તે વિચારીએ અને તેને વલોવીને નવનીત નિપજાવીએ.

જાંબુડિયો રંગ: જાંબુડિયો-જાંબલી રંગ. પર્પલ-વાયૉલેટ કલર. માનસશાસ્ત્ર મુજબ તો એવું કહેવાય કે જાંબલી રંગનાં કપડાં પહેરનાર સ્ત્રી અંતર્મુખી હોય અને બીજા બધાં કરતાં તેને આત્મસન્માન વહાલું હોય. સમાજ શું વિચારશે તેને તેની પડી ન હોય. લાલ રંગ અને ભૂરો રંગ મળીને જે રંગ બને તે જાંબુડિયો રંગ. એટલે લાલ રંગનો ક્રોધ અને ભૂરા રંગની શીતળતા- આ બંનેનું સંયોજન આ રંગમાં થાય. એક રીતે આ રંગ રાજસી વૈભવનું પ્રતીક છે. અને એટલે જ ઘણી સ્ત્રીઓને ગુલાબીની જેમ જ આ રંગ ખૂબ જ પ્રિય છે. શ્રીદેવી હોય કે માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ હોય કે યસ, ‘પ્રેમ રતન ધન પાયો’માં નકલી યુવરાજ પ્રેમ દિલવાલેના હૃદયના તાર ઝણઝણાવી મૂકતી સોનમ કપૂર હોય, જાંબલી રંગનાં વસ્ત્રોમાં નારી દીપી ઊઠે છે અને આકર્ષણનું કેન્દ્ર અચૂક બની જાય છે.

નીલો રંગ: ગળી જેવો ભૂરો રંગ. ફેંગશુઈમાં આ રંગ પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો રંગ છે. આ રંગ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે કારણકે સમુદ્રનો રંગ છે. આ રંગ પરિપક્વતા અને ઔપચારિકતા સાથે પણ જોડાયેલો છે. પુરુષો સાથે વધુ જોડાયેલો રંગ છે. ખાસ કરીને પ્રૉફેશનલ હોય કે અન્ય ક્ષેત્રના પુરુષો- આ રંગનાં શર્ટ-ટીશર્ટ વધુ પસંદ કરતા હોય છે. અને ‘નીલી’ આંખોવાળા પુરુષોનાં તીર સ્ત્રીઓનાં દિલ પર બહુ ચાલી જાય. શમ્મી કપૂર અને લીના ચંદાવરકરનું ગીત યાદ છે ને, ‘તેરી નીલી નીલી આંખો કે દિલ પે તીર ચલ ગયે, ચલ ગયે, ચલ ગયે, ચલ ગયે’. (જૂનાં ગીતો યાદ કેમ રહી ગયાં છે તેનું એક કારણ એ પણ છે કે તેના મુખડાની કે અંતરાની બે કે ચાર લાઇનની પંક્તિ બે કે ઘણી વાર તો ચાર વાર ગવાય! યાદ ન રહી જાય? એમાં પાછું મધુર અવાજ અને એવી જ મધૂર ધૂન હોય!) પરંતુ શમ્મી કપૂર કરતાંય નીલી આંખો તો રાજ કપૂરની વધુ હતી. તેના પર તો એટલે જ કદાચ વિદેશીઓ પણ એટલા જ મરી પડતા હતા.

નરગિસ જેવી અનેક હિરોઇનો આ નીલી આંખોવાળા મોહક કલાકારના પ્રેમમાં પડી ગઈ. કહેવાય છે કે ‘આવારા’માં એક ગીતના શૂટિંગમાં આઠ લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા! ફિલ્મ ઑવરબજેટ થઈ ગઈ. નરગિસે પોતાનાં ઘરેણાં વેચીને રાજને મદદ કરી! ફિલ્મમાં સ્વિમિંગ સૂટ પણ પહેર્યો!

તો રાજના ભાઈ શમ્મી કપૂર શિકારામાં બેસીને કાશ્મીરની પ્રમાણમાં (તે વખતે ત્રાસવાદના ગ્રહણથી મુક્ત) શાંત વાતાવરણમાં શર્મિલા ટાગોર માટે ગાય, “યે ચાંદ સા રોશન ચહેરા, ઝુલ્ફોં કા રંગ સુનહરા, યે ઝીલ સી નીલી આંખે…’

કમલ સદાના અને રીતુ શિવપુરી તો ઘણાને યાદ નહીં હોય, પરંતુ તેમનું એક ગીત ભપ્પી લહેરીના મધુર સંગીતવાળું યાદ હશે- ‘સાંવલી સલોની તેરી ઝીલ સી આંખે, ઇન મેં ન જાને કહાં ખો ગયા હૈ મેરા દિલ’. યસ, વાદળી રંગ જ એવો છે કે જો તમારી પાસે હોય તો બીજા તમારામાં ખોવાઈ જાય, ડૂબી જાય. અને જો બીજા પાસે હોય તો તમે તેમાં ખોવાઈ જાવ કે ડૂબી જાવ.

મોરપિચ્છ રંગ: વાદળી પણ નહીં અને લીલો પણ નહીં- બંનેની વચ્ચેનો રંગ. એટલે તે શાંતિ આપનારો, ઠંડક આપનારો રંગ છે. હળવાશ આપતો રંગ એટલે મોરપિચ્છ. અનેક યુવાનોનાં હૈયાંને અશાંત કરનારી હિન્દી ફિલ્મની અભિનેત્રીઓ શ્રદ્ધા કપૂર હોય કે આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ હોય કે સોનમ કપૂર, પોતાનાં મનને કદાચ શાંત રાખવા આ રંગનાં વસ્ત્રો પસંદ કરતી હશે ને!

લીલો રંગ: આ રંગનો દુપટ્ટો પહેર્યો હોય તેવી યુવતીને જોઈને યુવાન હૈયામાં વસતો સલમાન ખાન ગાઈ ઊઠે- ‘ઓ હરે દુપટ્ટેવાલી, સીધી સાદી ભોલી ભાલી જાનમ રૂક જાના.’ તો ચંદ્રમુખી પણ ગાઈ ઊઠે, ‘હમ પે યે કિસને હરા રંગ ડાલા…ખુશીને હમારી હમેં માર ડાલા.’ લીલો રંગ ફળદ્રુપતાની નિશાની છે. ૧૫મી સદીમાં ખ્રિસ્તીઓમાં લગ્નના ગાઉન માટે લીલો રંગ માનીતો હતો. એક સમયે અમેરિકામાં એમ એન્ડ એમ ગ્રીન કેન્ડી સેક્સી સ્ત્રીનું પ્રતીક બની ગઈ હતી. વાત એમ બનેલી કે ૧૯૯૫માં તેનો ધંધો વધારવા માર્સ કેન્ડીએ માર્કેટિંગ એજન્સી બીબીડીઓને પોતાની સાથે જોડી. બીબીડીઓએ ચાર પાત્રોને રચ્યાં. લાલ કેન્ડી કટાક્ષની પ્રતીક હતી, પીળી સાદગીની, ભૂરી શાંતિની અને લીલી સેક્સી.

આપણે ત્યાં પણ લગ્નમાં લીલા રંગની સાડી અથવા ડ્રેસ માનતા પોશાકો પૈકીનો એક છે.

લીલો રંગ કુદરતનું પણ પ્રતીક છે. આપણે ત્યાં પહેલેથી હિન્દી ગીતોમાં અંગ્રેજી અને ઉર્દૂનો વધુ પડતો વઘાર કરવામાં આવે, પરંતુ લીલા રંગ અને શુદ્ધ હિન્દી (સંસ્કૃતપ્રચૂર)ને જોડતું એક ગીત હતું- હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન…યે કૌન ચિત્રકાર હૈ! મૂકેશનો મખમલી અવાજ અને શબ્દ-સંગીત માધુર્ય!

પીળો રંગ: પીળા રંગ વગર સ્ત્રી અધૂરી છે. હજુ ઘણી જગ્યાએ પુરુષ હોય કે સ્ત્રી, ગોરા દેખાવા, ચણાના લોટમાં હળદર મિશ્ર કરી દૂધ ભેગું કરી નહાતા હશે. જનોઈ હોય કે લગ્ન, પીળા રંગની હળદર લગાડાય જ. તેને પીઠી ચોળવી એવું નામ આપી દીધું. પીળા રંગની હળદર વ્યક્તિનો ગોરો રંગ લાવે છે. તે વર્ણપટનો સૌથી તેજસ્વી રંગ છે. તે એક તરફ સુખનું પણ પ્રતીક છે અને બીજી તરફ ઈર્ષાનું. ‘ઉસકી સાડી મેરી સાડી સે સફેદ કૈસે’? પીળી સાડી પહેરીને રવીના ટંડન ‘પાની ને આગ લગાઈ’ એમ કહે ત્યારે વિજ્ઞાનના સિદ્ધાંતથી વિપરીત હોવા છતાં તેનું ફિગર જોઈને માની લેવું પડે કે પાણી પણ આગ લગાડી શકે! શ્રીદેવી ઈચ્છાધારી નાગણમાંથી મહિલા બનીને, પીળી સાડી પહેરીને નાગણની જેમ જ શરીરને ડોલાવતી ‘બલમા, બલમા હો તુમ ખાલી નામ કે’ ઋષિ કપૂરને આકર્ષવા પ્રયાસ કરે. તો એ જ શ્રીદેવી ‘ચાંદની’માં ‘તેરે મેરે હોઠોં પે’ ગીત સ્વિત્ઝર્લેન્ડના પહાડ પર ઋષિ કપૂર સાથે ગાય ત્યારે આપણે પણ ગાઈ ઊઠીએ, ‘આગે આગે ચલે હમ, પીછે પીછે પ્રીત મિતવા’.

નારંગી રંગ: ભગવો કે કેસરી રંગ પણ કહી શકો. સુખ, ઉત્સાહ, આકર્ષણ અને તેજનું પ્રતીક. ભણવા માગતા પોતાના ‘સૈયાં’ રાજેશ ખન્નાને પોતાના ‘બહિયાં’માં રહેલી બંગડીઓ ખનકાવીને કહે કે તારે ભણવું હોય તો ભણ, પણ ‘બિંદિયા’ તો ચમકશે જ અને ‘ચૂડી’ તો ખનકશે જ. એ હતાં કેસરી સાડીમાં મુમતાઝ! અને ભાંગ ચડી જાય તો એ જ કેસરી સાડીમાં જ રાજેશ કાકા સાથે, આ ધૂળેટી પર અચૂક ગાવા જેવું ગીત- ‘કંધે પે સર રખ કે તુમ મુઝ કો સોને દો, મસ્તી મેં જો ચાહે હો જાયે હોને દો’. ‘જય જય શિવશંકર’! અને આ જ કેસરી રંગની સાડીમાં પાછા તે રાજેશ ખન્નાને કહે, ‘અદાએં દિલ કી જાનતા હી નહીં, મેરા હમદમ ભી કિતના સાદા હૈ’! પણ માત્ર રાજેશ ખન્ના માટે મુમતાઝે કેસરી સાડી અનામત નહોતી રાખી, રોમાન્સના રાજા શમ્મી કપૂર સાથે પણ આ રંગની સાડી, એક ખાસ અંદાજમાં વીંટાળીને, તે ગાય, ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર ઝબાન પર…તો ક્યા?’

‘બેટા’માં માધુરી દીક્ષિતે નારંગી સાડીમાં તે વખતે અને આજે પણ ઘણાં હૈયાંને ‘ધક ધક’ કરાવી દીધું હતું, યાદ છે ને?

રાતો રંગ: લાલ રંગ પ્રેમ, તાદાત્મ્યતા, ઈચ્છા, ગરમી, વાસના, આનંદ, તાકાત, નેતૃત્વ, હિંમત, ગુસ્સા એમ ભાવોનું પ્રતીક છે. તમને ગમે, તે ભાવ તમે ચૂંટી લો. ‘ઓ લાલ દુપટ્ટેવાલી તેરા નામ તો બતા’. નામ ખબર ન હોય એટલે તેના વસ્ત્રોના રંગનો ઉલ્લેખ તો કરવો ને. રાજેશ ખન્ના વળી ગાય કે ‘યે લાલ રંગ કબ મુઝે છોડેગા’. ડિમ્પલ કાપડિયા ઋષિ કપૂર સાથે તેના ઘરે જાય એટલે લાલ ચટ્ટાક સાડીમાં વિનંતી કરે ‘જાને દો ના’ પણ ઈચ્છા તો હોય રોકાવાની! વૈજંયતિમાલા પહેરે તો શમ્મી કપૂરને લાગે જાણે ‘બદન પે સિતારે લપેટે હુએ’ તેની પ્રેમિકા જઈ રહી છે.

 

ગુલાબી રંગ: મહિલાઓનું પ્રતીક. ૧૭મી સદીમાં યુરોપ અને અમેરિકામાં પહેલી વખત મહિલાઓના પ્રતીક તરીકે વપરાયો. તે મહિલાઓમાં રહેલું આકર્ષણ, ઋજુતા, કરુણા, મીઠાશ, સ્ત્રીત્વ અને પ્રણય દર્શાવે છે. ગુલાબી રંગ આવે એટલે સ્ત્રીઓના ફૂલગુલાબી સ્વભાવ અને ચહેરા યાદ આવ્યા વગર ન રહે. આપણા જીવનમાં, ચાહે આપણે પુરુષ હોય કે સ્ત્રી, જે કોઈ સ્ત્રી પાત્ર છે તેમના ફૂલગુલાબી ચહેરા ક્યારે જોવા મળે છે? જ્યારે તેમને કંઈ અમસ્તું સ્મિત પણ આપણે આપીએ, નાની એવી ભેટ પણ આપીએ, પ્રેમથી તેની રસોઈના વખાણ કરીએ કે તેણે આપણા માટે દાખવેલી કાળજીનો ભલે શબ્દોમાં આભાર ન માનીએ, પરંતુ ચહેરા પર હાવભાવથી પણ વ્યક્ત થઈએ, તેને જરૂર હોય ત્યારે આપણે તેની કાળજી લઈએ, તેના જીવનમાં કંઈક આનંદદાયક ઘટના બની હોય, પછી તે તેની વ્યક્તિગત હોય કે પછી પરિવારમાં કોઈ સભ્યએ સિદ્ધિ મેળવી હોય- પછી તે દીકરો/દીકરી પહેલી વાર મમ્મી બોલે કે પછી સારા માર્ક લાવે કે પતિનો પગાર વધે.

….અને ગુલાબી શબ્દ આવે એટલે રાજેશ ખન્ના-નંદાનું ‘ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દિલ હો ગયા’ યાદ આવ્યા વગર ન રહે. પતંગિયાની જેમ બાગમાં ઉડાઉડ કરતા રાજેશ ખન્ના અને મધુર સ્મિત સાથેનાં નંદા! આર. ડી. બર્મનનું સુપરફાસ્ટ મ્યૂઝિક અને મોહમ્મદ રફીનો ‘ગુલાબી’ સ્વર! કે પછી આધુનિક ‘શુદ્ધ દેશી રોમાન્સ’નું તાજા ગુલાબની સુગંધ જેવી જોડી સુશાંતસિંહ રાજપૂત અને પરિણિતી ચોપડાની ગુલાબી મસ્તીનું ગુલાબી ગીત ‘શામ ગુલાબી શહેર ગુલાબી’!

સફેદ રંગ: ઉપરના બધા રંગોનું મિશ્રણ એટલે સફેદ રંગ. શાંતિ, શુભત્વ, નિર્દોષતા, શુદ્ધતાનું પ્રતીક. સાધુત્વનું પ્રતીક. સફેદ રંગ અને ભગવા રંગમાં વ્યક્તિ હોય ત્યારે આદર થાય જ. પરંતુ જ્યારે હિન્દી ફિલ્મોની વાત આવે ત્યારે તેણે સફેદ રંગને પણ સૌંદર્યનું પ્રતીક બનાવ્યો છે. રાજ કપૂરને અને યશ ચોપરાને આ રંગ પ્રત્યે ખૂબ જ વળગણ હતું. (એસે નિર્દેશક અબ કહાં!) ‘જાબાંઝ’માં શ્રીદેવી સફેદ સાડીમાં ગાય ‘હર કિસી કો નહીં મિલતા’ ત્યારે આપણને થાય કે સાચી વાત છે, બોની કપૂર જેવા કોઈકને જ શ્રીદેવી જેવી પ્રેમિકા-પત્ની મળે છે.

કાળો રંગ: પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય અથવા પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે જે રંગ દેખાય તે કાળો. કાળો રંગ આમ તો રહસ્ય, ગૂઢ, અશુભ, દુઃખનું પ્રતીક છે. પરંતુ સમય સાથે પરિવર્તન આવ્યું છે તે મુજબ હવે શુભ પ્રસંગોમાં પણ સ્ત્રીઓ કાળા રંગના પોશાકમાં જોવા મળે છે. જ્યારે કરણ જોહરની ફિલ્મોના સંગીતમાં માધુર્ય રહેતું હતું ત્યારે રાની મુખર્જી કાળી સાડીમાં શાહરુખ ખાનને કહેતી હતી, ‘મૈં હૈરાન હૂં, તુમ્હેં ક્યાં કહૂં, યે દિન મેં હુઇ કૈસે ચાંદની’.

સ્ત્રીઓ રંગ માટે બનેલી છે અને રંગો સ્ત્રીઓ માટે! અને કદાચ એટલે જ દરેક રંગ સ્ત્રી પર જ વધુ ખિલી ઊઠે છે! મહિલા દિન અને રંગોના તહેવાર બંનેની શુભેચ્છા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment