Home » શું ટૅક્નૉલૉજી માણસને સત્યના માર્ગે ચાલવા ફરજ પાડશે?

શું ટૅક્નૉલૉજી માણસને સત્યના માર્ગે ચાલવા ફરજ પાડશે?

by Jaywant Pandya

સબ હેડિંગ: સુરતમાં બહુચર્ચિત ખાખી-ખાદીના ટકરાવમાં ધ્યાનાકર્ષક પાસું ટૅક્નૉલૉજીનું હતું. સીસીટીવી હોય કે બાયૉમેટ્રિક્સ એટેન્ડન્સ, કૉલ રેકૉર્ડિંગ, સ્ક્રીનશૉટ, વગેરેના કારણે શું માણસને સત્યના માર્ગે ચાલવાની ફરજ પડશે? પરંતુ સાથે પ્રશ્ન એ પણ છે કે આ ટૅક્નૉલૉજી કારણે પતિ-પત્ની, બૉસ-કર્મચારી વચ્ચે ભરોસો પહેલાં જેવો રહ્યો છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૯/૭/૨૦૨૦)

હમણાં સુરતમાં જે બહુચર્ચિત ખાખી-ખાદીનો ટકરાવ થયો તેમાં જે પાસું ધ્યાન બહાર ગયું તે ટૅક્નૉલૉજીનું છે. જો એલઆરડી (મિડિયા પણ ખોટી રીતે તેને કૉન્સ્ટેબલ કે પોલીસ અધિકારી તરીકે સંબોધે છે જ્યારે કે તેણે પોતેય ચોખવટ કરી જ છે) સુનીતા યાદવ પાસે મોબાઇલનો સહારો ન હોત તો? તો શું લેડી સિંહમનું બિરુદ તેને મળ્યું હોત? જો આ મોબાઇલ રેકૉર્ડિંગ ન થતું હોત તો શું પ્રધાનપુત્ર આટલી શાલીનતાથી વર્તતો હોત? ઑડિયો રેકૉર્ડિંગ ન થતું હોત તો શું પોલીસ અધિકારી ‘આપ’ કહીને એલઆરડી સાથે વાત કરતા હોત?

અને એ જ ટૅક્નૉલૉજી સુનીતા યાદવના ભૂતકાળને પણ છતો કરે છે જેમાં તે પોતાની ખાનગી કાર પર પોલીસનું બૉર્ડ લગાવલી જોવા મળે છે. એક તસવીરમાં શેમ્પેઇનની બૉટલ સાથે કથિત રીતે જોવા મળે છે. એ જ ટૅક્નૉલૉજી તેની ‘આઆપ’ કે હાર્દિકના મિત્ર સાથે કહેવાતી તસવીરો વાઇરલ કરી દે છે.

આ રેકૉર્ડિંગની ટૅક્નૉલૉજી ઉપરાંત સૉશિયલ મિડિયાની ટૅક્નૉલૉજી તો ખરી જ. વિચાર કરો કે જો સૉશિયલ મિડિયા ન હોત તો આ સમાચાર જેવા ચગ્યા તેવા ચગત ખરા? જે મેઇનસ્ટ્રીમ મિડિયાવાળા પોતાની તાકાત ઘટવાના કારણે સૉશિયલ મિડિયાની ટીકા કરે છે તેમણે આ વાત સમજવી અને સ્વીકારવી જોઈએ. આ પહેલાં આપણી આગળ જે સમાચારો આવતા તે કેટલા સેન્સર થઈને આવતા હશે? (હજુ પણ ખ્રિસ્તી બિશપ ફ્રેંકો મુલ્લકલના બળાત્કારના કે તેના કેસના ફૉલો અપના, તે કોરોના ચેપ ક્ષેત્રમાં રહે છે તેથી કૉર્ટ સમક્ષ હાજર નથી થઈ શકતો વગેરે સમાચારને મોટા ભાગનું મિડિયા બ્લેક આઉટ કરી નાખે છે અને તેમાં જેને ગોદી મિડિયા કહેવાય છે તે પણ આવી ગયું. કોઈ મોટા ઉદ્યોગપતિના પુત્ર અકસ્માત કરી બેસે તો તે ગ્રૂપની જાહેરખબર બંધ ન થઈ જાય તે માટે તે સમાચાર ડાબેરી-જમણેરી-મધ્યમ માર્ગી એકેય મિડિયામાં આવે છે?

એટલે જ પ્રશ્ન થાય છે કે શું ટૅક્નૉલૉજી માણસને સીધે રસ્તે ચાલવા ફરજ પાડશે? આજે ભલભલા લોકો વૉટ્સએપ સમૂહમાં સંદેશા લખતા ડરે છે. પહેલાં કોઈ પણ સંદેશ ફૉરવર્ડેડ એઝ રિસિવ્ડના લખાણ સાથે આવી જતા. આજે તો વૉટ્સએપ પોતે જ ફૉરવર્ડેડનું બિરુદ મારી દે છે. એક પ્રયાસમાં પાંચથી વધુ લોકોને ફૉરવર્ડ કરી શકાતો નથી.

વૉટ્સએપમાં હવે તો સંદેશો ભૂલથી મૂકાઈ ગયો હોય કે મૂકાયા પછી ભૂલ લાગે તો તરત ડિલીટ કરવાનો વિકલ્પ પણ છે. એટલે ડિલીટ થનારા સંદેશાઓનું પ્રમાણ પણ વધી ગયું છે. મોબાઇલ દ્વારા સ્ક્રીન શૉટ લઈ શકાય છે એટલે વૉટ્સએપમાં બૉસ-કર્મચારીની વાતચીત હોય કે પ્રેમી-પ્રેમિકાની, તેના સ્ક્રીનશૉટ લઈ લેવાય છે. અગાઉ લેન્ડલાઇન હતા ત્યારે બેનામી કૉલ બહુ આવતા. પરંતુ હવે ટ્રુકૉલર જેવી ઍપ તમને ફૉન, સૅવ નહીં થયેલા નંબર પરથી આવે ત્યાં જ કહી દે છે કે કોનો ફૉન છે. અને માર્કેટિંગ કે છેતરપિંડીના ફૉન હોય તો ટ્રુકૉલર જેવી ઍપમાં તમે તેને સ્પામ તરીકે નોંધી શકો છો. આથી આવા નંબર પરથી જો બીજા કોઈને ફૉન જાય તો તેને જાણ થઈ જાય છે કે આ સ્પામ નંબર છે.

સૉશિયલ મિડિયા પર પોતાના જીવનની ઝીણામાં ઝીણી અને ખાસ તો મોજશોખની વિગતો અને તેમાંય તસવીરો લોકોને મૂકવી બહુ ગમે છે. પરંતુ આ તસવીરોનો દુરુપયોગ થઈ શકે છે. અને મિડિયામાં પણ તેને જો નકારાત્મક સમાચાર સાથે બતાવવામાં આવે તો તમે એક જ દિવસમાં વિલન સાબિત થઈ શકો છો. દા.ત. પ્રકાશ કાનાણી અને સુનીતા યાદવની જૂની તસવીરો.

ઘણા લોકો ખૂબ જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા હોય છે અને સૉશિયલ મિડિયા આખા ગામને (કમ્યૂનિટી, યૂ નો!) જાણ પણ કરે છે. દા.ત. ફલાણા ભાઈએ ફલાણી યુવતીની તસવીરને લાઇક કરી. આવું ન્યૂઝફીડમાં આવે એટલે એ ભાઈનાં પત્નીને ખબર પડે કે મારી તસવીરને તો લાઇક કરવાનો સમય નથી તેમ કહેતા હતા અને પેલી વાંદરીના ફૉટાને લાઇક કરો છો? ઘરે આવો એટલી વાત!

એટલું જ નહીં, ફેસબુકમાં તો કોઈ પૉસ્ટ પર તમારા ગ્રૂપની વારંવાર કૉન્ટેક્ટ થતી વ્યક્તિએ કૉમેન્ટ કરી હોય તો તે પણ અગ્ર રીતે બતાવે છે.

ટૂંકમાં, ટૅક્નૉલૉજી તમારાં સત્યને અને અસત્ય બંનેને જાહેર કરી દે છે. ભૂતકાળમાં રવીશ કુમારે ફલાણા કેસમાં કેવું ટ્વીટ કર્યું હતું અને આ કેસમાં કેવું ટ્વીટ કર્યું છે તે લોકો શોધી કાઢે છે. એટલે જ તો, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની મજાક ઉડાવનાર સ્ટેન્ડ અપ કૉમેડિયન અગ્રીમા જોશુઆ સામે મહારાષ્ટ્ર સરકારે કાયદેસર પગલાં લેવાં પડ્યાં (એટલા માટે કે મનસેએ જોશુઆએ જે કાફેમાં શૂટ કરેલું તે મ્યૂઝિક કાફેમાં તોડફોડ કરી હતી) તે પછી ઓછામાં ઓછા સાત આવા સ્ટેન્ડ અપ કૉમેડિયનોએ છત્રપતિ શિવાજી મહારાજની મજાક ઉડાવતાં ટ્વીટ ડીલીટ કરી દીધાં.

પ્રધાનો સાથેની વાતચીત પણ રેકૉર્ડ કરાય છે. ગત ૨૦૧૭ની ચૂંટણી પહેલાંથી આપણે આ જોતા આવ્યા છીએ. એટલે મોટી હસ્તીઓ હવે પ્રાઇવેટ નંબર રાખવા લાગી છે. તમે ક્યાંય પણ ગયા હો, ફૉનના કેમેરા હવે એવી સારી ખાસિયતો સાથે આવે છે કે દૂરથી પણ તમારું શૂટિંગ થઈ શકે છે. પેન, શર્ટનાં બટન, બ્રિફકેસમાં વગેરેમાં કેમેરા આવે છે. ફૉનમાં સ્પાઇ સૉફ્ટવેર દ્વારા જાસૂસી થઈ શકે છે.

સીસીટીવી પણ ગુના પકડવામાં સાક્ષી પૂરે છે. અને એટલે જ ઇ-મેમો આવવા લાગ્યા એટલે ટ્રાફિક પોલીસનું કામ ઘટી ગયું અને ઉપરના મળતા ‘પૈસા’ પણ ઘટી ગયા. અગાઉ તો પોલીસ કહે એટલે માની જ લેવું પડતું પરંતુ હવે તો ઇ-મેમોમાં તસવીર સાથે આવે છે કે તમે કઈ રીતે, ક્યાં ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો.

ગુજરાતમાં સીસીટીવીના અમલના કારણે પરીક્ષામાં ચોરીનું પ્રમાણ પણ ઘણું જ ઘટી ગયું અને થાય છે તો પકડાય પણ છે.

આ જ ટૅક્નૉલૉજીના કારણે આધાર-મોબાઇલ-બૅંક ખાતું વગેરે લિંક થવાના કારણે સરકારી યોજનાઓના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જમા થવા લાગ્યા. ભ્રષ્ટાચાર ઘટી ગયો. અને આ જ ટૅક્નૉલૉજીના કારણે સુનીતા યાદવની કારના નંબર પરથી તેણે વીમો નથી ભર્યો અને કાર કોના નામે છે તે પણ શોધી કઢાયું. જીપીએસ આવવાના કારણે ટ્રક હોય કે અન્ય રીતે ડિલિવરીની વાત, કોઈ વચ્ચે કારણ વગર તેમજ ઝાઝો સમય ખોટી (રોકાઈ) ન થઈ શકે. એના કારણે ડિલિવરીમાં સમયબદ્ધતા પણ આવી.

કોરોનાના કારણે ઘણાને આર્થિક ફટકો પડ્યો છે પરંતુ આ ટૅક્નૉલૉજી હતી તેથી ઘણા લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી શક્યા. સંગીતના કાર્યક્રમો, બૌદ્ધિક પરિસંવાદ વગેરે કરી સામાજિક રીતે મિલન થતું રહ્યું. નહીંતર લોકો માનસિક રીતે કોઈને મળ્યા વગર કેવા ભાંગી પડત? વિચાર કરો.

આજે સામાન્ય વ્યક્તિ પણ ફૉનમાં નિંદા, અસત્ય બોલતાં ડરે છે. તેને થાય છે કે સામેવાળી વ્યક્તિ કૉલ રેકૉર્ડ તો નહીં કરે ને? આના ઉપાયે વૉટ્સએપ કૉલ કરે તે જુદી વાત છે.

આ બધાના કારણે એ પણ થયું કે લોકોનો એકબીજા પર ભરોસો ઘટી ગયો. સુનીતા યાદવે જે કર્યું તે સારા માટે કર્યું પરંતુ તે થયું તો નિયમ વિરુદ્ધ જ ને. પોલીસ હોય કે સેના, તેમાં ઘણી વાત ગુપ્ત રાખવાની હોય છે. તેને બહાર પાડી દે તો? અથવા અપરાધીઓ કે દુશ્મન દેશને પહોંચાડી દે તો? આ જ સુવિધા આપણને ખૂંચે. સરકાર દ્વારા પણ ખાનગી વ્યક્તિઓના કે ધારાસભ્યો-સાંસદો કે બીજા લોકોના ફૉન રેકૉર્ડિંગ થતા હોય તો ઉહાપોહ મચી જાય છે તો આ તો એક સામાન્ય લોક રક્ષક દ્વારા ફૉન રેકૉર્ડ કરાયો. શું આ બાબત કાયદા વિરુદ્ધ નથી? જોકે હજુ સુધી આ બાબતે કોઈ એવો ખાસ મોટો કેસ થયો નથી જેમાં ન્યાયાલયે આદેશ આપ્યો હોય કે ખાનગી વ્યક્તિ કે સરકારી વ્યક્તિ આવી રીતે ફૉનમાં શૂટિંગ કરી શકે કે ફૉન કૉલ રેકૉર્ડ કરી શકે કે કેમ.

વિચાર કરો કે પહેલાં ૧૫ પૈસાના ખુલ્લા પૉસ્ટ કાર્ડ કે ૭૫ પૈસાના બંધ આંતરદેશીય ભૂરા રંગના કાગળ પર લોકો ખતખબર લગતા હતા. અને તે ટપાલ વિભાગના જેટલા હાથોમાંથી પસાર થાય તે વાંચી શકતા હતા (સ્વ. રાજીવ ગાંધી આવો કાયદો લાવેલા પણ ખરા પરંતુ પડતો મૂકવો પડેલો) અને જ્યારે ટપાલી ઘરે દેવા આવે ત્યારે પણ બધા વાંચી શકે. પરંતુ તેમ છતાં ભરોસો હતો. અને મહિને એક જ પૉસ્ટકાર્ડથી બધી વાત કહેવાઈ જતી હતી. આજે લગભગ રોજેરોજ ફૉન પર વાત થાય છે- ઘરમાં શું રસોઈ બની અને કયાં કપડાં પહેર્યાં તે બધી ઝીણી વિગતોની આપ-લે થાય છે પરંતુ છતાં ભરોસો અને શાંતિ ગાયબ છે.

શું પત્ની પોતાનો ફૉન પતિને વાપરવા આજે આપી શકે? શું પપ્પા તેમનો ફૉન દીકરા-દીકરીને આપી શકે? શું દીકરો પોતાના ફૉનમાં સિક્યૉરિટી વગર પરિવારના બધાં તે ફૉનને જોઈ શકે તેમ રાખી શકે? ના. મોટા ભાગના લોકોને પોતાનો ફૉન લૉક રાખવો પડે છે. પરિવારમાં એકબીજાને આપી શકાતો નથી.

ઘણાં સંતાન તો ચાલાક હોય છે. ફેસબુકમાં બે-બે એકાઉન્ટ એક નામે જ ચલાવે. એક એકાઉન્ટમાં પરિવારજનો હોય, સગાસંબંધી હોય, જ્યારે બીજા એકાઉન્ટમાં ભાઈબંધ-બહેનપણીઓ હોય. સંતાન જ નહીં, મોટા લોકો પણ આવું કરતા હોય છે.

ટૅક્નૉલૉજીએ જેટલું કાર્ય સરળ બનાવી દીધું તેટલો જ ભય અને અવિશ્વાસ વધારી દીધો. ઘણાંના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના કિસ્સા બન્યા છે. હવે તો ડેબિટ કાર્ડ વાઇફાઇવાળાં આવી ગયાં છે. ‘પિન’ નાખવાની જરૂર નહીં. (ઘણા ‘પિન નંબર’ ખોટું લખે છે. પિનનો પૂરો વિસ્તાર- પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર છે એટલે ખાલી પિન લખો તે પૂરતું છે.) જો તમારું કાર્ડ પડી ગયું અને બદમાશના હાથમાં આવી ગયું તો તે બિન્દાસ્ત તમારું ખાતું ખાલી કરીને તમને રસ્તા પર લાવી દે.

આજે ભારત-ચીન કે ઈઝરાયેલ-ઈરાન વચ્ચેની લડાઈમાં સૌથી વધુ ચિંતા સાઇબર એટેકની જ છે. અમેરિકા-બ્રિટન જેવા દેશો પણ ચીનના સાઇબર હુમલાથી ગભરાય છે.

હજુ તો હ્યુમનોઇડ (રૉબો) આપણી જિંદગીમાં ખાસ આવ્યા નથી. તે જો આવ્યા અને તેમાં આર્ટિફિશિયલ ઇમૉશન મૂકાયાં તો રજનીકાંતની

’રૉબો’ ફિલ્મની કથા સાચી પડી શકે છે.

ટૂંકમાં, નવી-નવી ટૅક્નૉલૉજી ભલે શોધાય, ભરોસો-વિશ્વાસ-પ્રેમ અને સંવેદનશીલતા જેવા ગુણો આપણે ન ખોઈ બેસીએ કારણકે આ બધા ગુણો આપણને ટૅક્નૉલૉજી નહીં પૂરા પાડી શકે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment