Home » શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

શું મોદી સરકારની યોજનાઓથી મુસ્લિમો વિકાસના પ્રવાહમાં ભળશે?

by Jaywant Pandya

સબ હેડિંગ: હિન્દુઓના એકતરફી મતદાનથી જીતેલા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પછી લઘુમતીનો વિશ્વાસ જીતવા વાત કરી. આનાથી પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું મોદી હવે અટલજી જેવા સેક્યુલર બની ગયા છે? મોદી સરકારે લઘુમતી છાત્ર-છાત્રાઓ માટે શિષ્યવૃત્તિ સહિતનાં કેટલાંક પગલાં જાહેર કર્યાં છે ત્યારે હવે દડો મુસ્લિમોના મેદાનમાં છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૬/૧૯)

તોતિંગ બેઠકો સાથે ભાજપના વિજય પછી ૨૫ મેએ સંસદના સેન્ટ્રલ હૉલમાં ભાજપના સાંસદોની બેઠકમાં નીતીશકુમાર જેવા સેક્યુલર નેતાની હાજરીમાં નરેન્દ્ર મોદીએ આપેલું પ્રવચન વર્ષો સુધી યાદ રખાશે. આ પ્રવચનમાં તેમણે સાંસદોને ઘણી સલાહ આપી. સાથે જ ચૂંટાયા પછી મતવિસ્તાર પૂરતું જ ન વિચારવું જોઈએ તેમ પણ કહ્યું. સાથે સરકાર કે સાંસદ માટે કોઈ પોતાના કે પારકા ન હોઈ શકે. મત આપનાર પણ પોતાના અને મત નહીં આપનાર પણ પોતાના. આ અગાઉ ભાજપના વિજય પછી તે જ દિવસે ૨૩ મેએ ભાજપ કાર્યાલય પરથી સંબોધતા તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ખોટા સેક્યુલરિઝમની પોલ ખુલી ગઈ. તો સેન્ટ્રલ હૉલમાં તેમણે લઘુમતીઓ સાથે થયેલા છળની વાત કરી તેમાં છિદ્ર કરવાની વાત કરી.

તેમણે સબ કા સાથ, સબ કા વિકાસની સાથે નવું સૂત્ર ઉમેર્યું- સબ કા વિશ્વાસ. અર્થ સ્પષ્ટ હતો કે આ મુદ્દતમાં તેઓ લઘુમતીનો વિશ્વાસ જીતવા માગે છે.

આવું કેમ? એ તો બહુ સ્પષ્ટ હતું કે ભાજપને જે ભવ્ય વિજય મળ્યો છે તે હિન્દુઓના મતના કારણે મળ્યો છે. ગઈ મુદ્દતમાં જનધન, ઉજ્જવલા, સૌભાગ્ય, ઉજાલા, મુદ્રા વગેરે દરેક યોજનાનો લાભ ગરીબ મુસ્લિમોને પણ એટલો જ મળ્યો છે. ગત મુદ્દતમાં પણ વડા પ્રધાને મુસ્લિમ યુવકોના એક હાથમાં કુર્આન અને બીજા હાથમાં કમ્પ્યૂટરની વાત કરી હતી. પરંતુ તેમ છતાં મૉબ લિંચિંગની જે થિયરીને ચગાવવામાં આવી (હકીકતે ગત પાંચ વર્ષમાં મૉબ લિંચિંગમાં હિન્દુ એવા પ્રશાંત પૂજારી, ડૉ. પંકજ નારંગ વગેરેનાં મૃત્યુ પણ થયાં જ હતાં), શાહરુખ ખાન, આમીર ખાન જેવા સુપરસ્ટાર દ્વારા મુસ્લિમોને દેશમાં ભય લાગતો હોવાની વાત ચગી, નસીરુદ્દીન શાહે પણ મુસ્લિમોને ભય હોવાની વાત કરી, સેક્યુલર કલાકારો, પ્રાધ્યાપકોએ કાગળ પર સહી કરી નરેન્દ્ર મોદીને હરાવવા અપીલ કરી આ બધાના કારણે સંભવ છે કે મુસ્લિમોએ ભાજપને મત આપવાનું પસંદ ન કર્યું.

જે હોય તે, પરંતુ અટલબિહારી વાજપેયી હોય કે નરેન્દ્ર મોદી, વડા પ્રધાન કાળની મુદ્દત પૂરી થતાંથતાં ભાજપ સરકારના વડા મુસ્લિમોના પ્રેમ જીતવા માટે અવશ્ય પ્રયાસો કરે છે. લાલકૃષ્ણ અડવાણીએ પણ ૨૦૦૪ની ચૂંટણી જીતવા સેક્યુલર ચહેરો બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ અટલજી હોય કે અડવાણીજી, તેમના આ પ્રયાસોમાં તેઓ હિન્દુઓનો વિશ્વાસ પણ ખોઈ બેઠા. મુસ્લિમોનાં હૃદય તો જીતી શક્યા જ નહીં. નરેન્દ્ર મોદી માટે આવું થાય છે કે કેમ તે જોવાનું રહેશે.

નરેન્દ્ર મોદીએ આ ઈદ પર ઉર્દૂમાં શુભકામના પાઠવતું ટ્વીટ કર્યું તે પણ ચર્ચાનું કારણ બન્યું. સંઘ પરિવારમાંથી આવતી વ્યક્તિ ઉર્દૂના શબ્દો ઓછામાં ઓછા વાપરતા હોય છે. ઉર્દૂનો વિરોધ નહીં, પણ સ્વભાષાનો આગ્રહ હોવાથી તેઓ આમ કરે છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન ગિરીરાજસિંહે નીતીશકુમારની ઇફ્તાર પાર્ટીના સંદર્ભમાં એવી ટીપ્પણી કરી કે નવરાત્રિમાં પણ ફળાહાર પાર્ટી રાખવી જોઈએ. આ અંગે મિડિયામાં એવા સમાચાર આવ્યા કે ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમને ખખડાવ્યા. આનાથી પણ ભાજપના સમર્થકોમાં રોષની લાગણી વધી.

આ ઓછું હોય તેમ, ૧૧ જૂને મોદી સરકારે પાંચ કરોડ લઘુમતી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી. તેમાંય પચાસ ટકા તો કન્યાઓ હશે. આ સિવાય વકફ બૉર્ડનું ડિજીટાઇઝેશન કરવાની, મદરેસાઓ અને હૉસ્પિટલોને સો ટકા ભંડોળ આપવાની જાહેરાત પણ ૧૨ જૂને કરવામાં આવી. આ બધાથી સમર્થકો એટલા ન ભડકત પરંતુ ભાજપનો વિજય થયો ત્યારથી ૧૨ જૂન સુધીમાં કેટલાક સમાચાર એવા આવ્યા જેના કારણે ભાજપના સમર્થકોનો રોષ વધી ગયો. તેમનું કહેવું છે કે મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહમાં લાવવાના ગમે તેટલા પ્રયાસો કરો તો પણ તેઓ કટ્ટરવાદ ફેલાવતા જ રહેશે. કયા હતા આ સમાચારો?

(૧) ૨૩ મેએ ભાજપનો વિજય થયો. તેના માત્ર ચાર દિવસમાં જ ૨૭ મેએ ઉત્તર પ્રદેશના મથુરામાં ૧૫ મુસ્લિમોના ટોળાએ લસ્સીની દુકાન ચલાવતા હિન્દુ ભરત યાદવ પર હુમલો કર્યો. કારણ? તેણે મફતમાં લસ્સી આપવાની ના પાડી હતી! સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી ટોળાને તો મફતમાં કોઈ ચીજ ન જ આપે. આ ભરત યાદવનું હુમલામાં થયેલી ઈજાના કારણે મૃત્યુ થયું.

(૨) ૫ જૂને બિહાર-બંગાળની સરહદે આવેલા ધુલાબારી ગામમાં આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચે ભીષણ લડાઈ થઈ. તેનું કારણ એ હતું કે મુસ્લિમો ઈદના પ્રસંગે નમાઝ પઢવા આવ્યા હતા અને આદિવાસીઓને બીક લાગી કે તેઓ તેમની જમીન પચાવી પાડવા આવ્યા છે.

(૩) ૫ જૂને જ દિલ્લીની ડીટીસી બસ પર કેટલાક ગુસ્સે ભરાયેલા નમાઝી મુસ્લિમોએ હુમલો કર્યો. કારણ? દિલ્લીના ખુરેજી ખાસ વિસ્તારની સાંકડી શેરીમાંથી એક કાર મારંમાર પસાર થઈ. હવે આ ટ્રાફિક સમસ્યા છે. આપણે સહુ આ રીતના ડ્રાઇવિંગની હેરાનગતિનો શિકાર છીએ. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તેનો ગુસ્સો કોઈ બીજા પર અથવા સરકારી સંપત્તિ પર ઉતારવા લાગીએ. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં રાત્રે કેટલાક મુસ્લિમ યુવકો પણ બેફામ બાઇક રેસ લગાડતા હોય છે. તો શું તેનો અર્થ એ કે તેનાથી પરેશાન લોકો એએમટીએસ બસ તોડી નાખે?

(૪) ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્વિન્કલ શર્મા નામની માત્ર અઢી વર્ષની હિન્દુ બાળાની ક્રૂર રીતે મુસ્લિમ યુવાનોએ હત્યા કરી. તેનું કારણ એ હતું કે તેના પરિવારે આ લોકો પાસેથી લૉન લીધી હતી અને તેની રકમ હતી માત્ર રૂ. ૧૦,૦૦૦. અને આ ગરીબ પરિવાર તે રકમ પાછો ચૂકવી શકે તેમ નહોતો. તેનો દેહ એટલો ક્ષતવિક્ષત કરી નાખવામાં આવ્યો હતો અને એમ પણ કહેવાય છે કે આરોપીના ઘરમાં ફ્રિજમાં રાખવામાં આવ્યો હતો જેમાં આરોપીની પત્નીની પણ સંડોવણી અને સહાય હતી! લોકોને શંકા છે કે આ બાળા પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. જો કઠુઆ કાંડને ધાર્મિક રંગ ન આપવામાં આવ્યો હોત અને તે વખતે સ્વરા ભાસ્કર, સોનમ કપૂર, કરીના કપૂર ખાન સહિતના સેક્યુલર કલાકારોએ તેને રાજકીય રંગ ન આપ્યો હોત અને અલીગઢમાં ટ્વિન્કલ શર્માની હત્યા વખતે તેમનું મૌન ન હોત તો આ કાંડ આટલો ન ચગ્યો હોત. તેને હિન્દુ બાળાની મુસ્લિમો દ્વારા હત્યાનો રંગ ન અપાયો હોત. પણ રે સેક્યુલરિસ્ટો!

(૫) ઉત્તર પ્રદેશના બારાબંકીના ટિકૈતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં બહાર રમી રહેલી આઠ વર્ષની બાળાને બાગમાં લઈ જઈ પડોશી આધેડ વ્યક્તિએ બળાત્કાર આચર્યો. આ આધેડનું નામ મોહમ્મદ સલીમ છે. સલીમ કારમાં તેના ઘરે પહોંચ્યો અને પોતાના ભાઈબહેનો સાથે રમી રહેલી બાળા સહિત તે બાળકોને લઈને ફરવા લઈ જવાનું કહ્યું. તે વખતે બાળાની માતાએ તેને રોક્યો પણ તે ન માન્યો. તે બાળકોને લઈ ગયો. પછી આ પીડિત બાળાને છોડીને બીજાં બધાં બાળકોને ઘર પાસે ઉતારીને ચાલ્યો ગયો. પણ આઠ વર્ષની બાળાને સાથે લેતો ગયો. બાળા ઘરે પાછી ન ફરી ત્યારે પિતાએ પૂછપરછ કરી ત્યારે બાળકોએ કહ્યું કે સલીમ તેને પોતાની સાથે લઈ ગયો છે. રાત્રે આઠ વાગે લોહી લાગેલા કપડાં સાથે તે બાળકી ઘરે પહોંચી ત્યારે આખો ભેદ ખુલ્યો!

(૬) ૧૨ જૂને આસામની એક ચોંકાવનારી ઘટના બહાર આવી. આસામના ગુવાહાટી પાસે આસોલપરામાં ઈદની ઉજવણી માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સાતસોથી આઠસો મુસ્લિમોએ ડાન્સ વૃંદની ૪૨ યુવતીઓની છેડતી કરી. તેમને કપડાં ઉતારવાં ફરજ પાડી. તેમના પર હુમલો કર્યો. આવી ફરિયાદ પોલીસમાં થઈ છે. સેક્યુલરો આવા બનાવને ધાર્મિક રંગ આપે છે. તેના કારણે મામલો વધુ બીચકે છે. ‘ધ હિન્દુ’ અખબારનાં મહિલા પત્રકાર નીના વ્યાસે આ મામલાની તપાસ કર્યા વગર જ ટ્વીટ ઘસડી નાખ્યું કે આ હિન્દુત્વની સંસ્કૃતિનું વધુ એક વરવું ઉદાહરણ છે. જ્યારે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે પણ તેમને ટંગડી ઊંચી રાખતા કહ્યું કે સારું થયું કે “તેઓ (બદમાશો)ની ધરપકડ થઈ….શરમની વાત છે કે આદિવાસી મહિલા સાથે આ રીતે વર્તન કરવામાં આવે, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ.” આમ, આ ઘટનામાં મુસ્લિમો આરોપીઓ હોવાની જાણ થયા પછી પણ તેમણે હિન્દુને ભાંડવાનું છોડ્યું નહીં.

(૭) ૧૨ જૂને opindia.com પર એક અહેવાલમાં જણાવાયું કે બિહારના બેગુસરાયમાં નુરપુરમાં મુસ્લિમોના એક ટોળાએ મહાદલિત સમુદાયના એક પરિવાર પર હુમલો કર્યો અને તે પરિવારની બે મહિલા પર જાતીય હુમલો કર્યો. એક સભ્યની હત્યાની કોશિશ કરી. આ ઘટના ૧૦ જૂનની રાત્રે બની હતી. તેના કારણમાં એવું જણાવાયું હતું કે આ મુસ્લિમો આ પરિવારને ઘર વેચી ત્યાંથી ચાલ્યા જવા દબાણ કરતા હતા. તેમણે એવું કહ્યું કે બજરંગ દળ પણ તમને નહીં બચાવી શકે.

આ સિવાય અનેક એવા કિસ્સા પણ વખતોવખત બહાર આવતા રહે છે જેમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવી પછી તરછોડી દે કે હત્યા કરી નાખે. આને હિન્દુવાદી સંગઠનો લવજિહાદનું નામ આપે છે. તાજેતરમાં જમશેદપુરમાં આદિત્યપુર સ્થિત મેડિટ્રિના હૉસ્પિટલમાં મેનેજર તરીકે રહેલી ચયનિકાકુમારીની તેના મુસ્લિમ પ્રેમી ડૉ. મિર્ઝા રફીકે હત્યા કરી નાખી. ન્યૂઝ એઇટીનના અહેવાલ મુજબ, મિર્ઝા રફીકે ચયનિકાને ઇસ્લામ સ્વીકારવા દબાણ કર્યું. ચયનિકા તેના માટે ન માની અને પછી મિર્ઝા રફીકે તેની હત્યા કરી નાખી.

આ બધા સંજોગોને જોતાં, તેમજ જમ્મુ-કાશ્મીર હોય કે મુંબઈ, ત્રાસવાદીની અંતિમ યાત્રામાં જે રીતે મુસ્લિમો ઉમટી પડે છે તે જોતાં તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવા હોય તો મદરેસાના આધુનિકરણ, અભ્યાસના આધુનિકરણનો ઉપાય જરૂરી છે જ. તેમાં કોઈ શંકા નથી. સાથોસાથ અબ્દુલ હમીદ, એ. પી. જે. અબ્દુલ કલામ, આરીફ મોહમ્મદ ખાન, મુખ્તાર અબ્બાસ નકવી, શાહનવાઝ હુસૈન જેવા રાષ્ટ્રવાદી મુસ્લિમોને આગળ લાવવા પણ જરૂરી છે. બધા જ મુસ્લિમો અપરાધી નથી. નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા મુજબ, તમામ દોષી અપરાધીઓના ૧૫.૮ ટકા મુસ્લિમો છે. ૨૦.૯ ટકા કાચા કામના કેદી છે. પશ્ચિમ બંગાળ જ્યાં ડાબેરીઓ અને મમતા બેનર્જી જેવાં સેક્યુલરોનું શાસન રહ્યું છે તે રાજ્યમાં પણ ૪૭ ટકા કાચા કામના કેદી મુસ્લિમો છે.

આમ, એક ડગલું હવે મોદી સરકાર ચાલી છે. બે ડગલાં મુસ્લિમ સમાજે ચાલીને પોતાના વિકાસ માટે હાથમાં આવેલી તક ઝડપી લેવી પડશે. યાદ રહે કે ભારતના મુસ્લિમો ગમે તેટલા સાઉદી કે પાકિસ્તાન તરફ જોતા હોય, ત્યાંના મુસ્લિમો ભારતીય મુસ્લિમોને મુસ્લિમ ગણતા જ નથી. અહીંના મુસ્લિમો પણ ભારતને પોતાનો જ દેશ ગણે છે. તો ભારતના વિકાસમાં તેમણે અગ્રેસર ભૂમિકા ભજવવી જ પડશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

GOPAL PRAFULBHAI BHATT 16/06/2019 - 9:50 AM

ખુબ જ મહત્વપૂર્ણ માહિતી આપતો ચિંતનિય લેખ…

Reply

Leave a Comment