Home » ૨૦૩૦ સુધીમાં ભારત મહા સત્તા બની જશે?

૨૦૩૦ સુધીમાં ભારત મહા સત્તા બની જશે?

by Jaywant Pandya

સબ હેડિંગ: અમેરિકાના ભારતમાંના પૂર્વ રાજદૂત રિચાર્ડ વર્માએ આગાહી કરી છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત અનેક ક્ષેત્રે દુનિયાનું નેતૃત્વ કરતું હશે. તેમની આ આગાહીનો આધાર કયો છે? શું ખરેખર ભારત આટલા ટૂંકા ગાળામાં મહા સત્તા બની શકે ખરી? વર્તમાન સ્થિતિના આધારે આ આગાહી સાચી પડે તેમ લાગે છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૮/૦૮/૨૦૨૧)

આમ તો બધા નેતાએ ભારતને મહાન બનાવવાનું સ્વપ્ન જોયું પણ તેમાં બે જણાએ વિશેષ વાત કરી. આ બે નેતા એટલે રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી. સ્વપ્ન જોવું ખોટું નથી. સ્વપ્ન જોયું હોય તો આજે નહીં તો કાલે સાકાર થાય. પણ સ્વપ્ન માટે પ્રયત્નો જોઈએ અને ધીમેધીમે ભારત વેપાર-ધંધામાં, અંતરિક્ષ વિજ્ઞાનમાં, સંરક્ષણ ક્ષેત્રે, મનોરંજન ક્ષેત્રે મોટું બનતું જાય છે. અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રે ભારત માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું, પણ અન્ય દેશોને વેચવાની સ્થિતિમાં આવી ગયું છે. આવું જ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે છે. એટલે આજે નહીં તો ભવિષ્યમાં ભારત વિશ્વ ગુરુ બનવાનું જ છે. પણ ભવિષ્યમાં ક્યારે?

૨૦૩૦ સુધીમાં. અમેરિકાના ભારતમાં રહેલા પૂર્વ રાજદૂત રિચાર્ડ વર્માએ આ આગાહી કરી છે! પરંતુ મોદીના સમયમાં ભારત માટે કંઈ સારી વાત કહેવાય તો મિડિયા તેને બહુ મહત્ત્વ આપતું નથી. આથી આ સમાચાર ક્યાંક ખૂણે-ખાંચરે સ્થાન પામી ગયા. રિચાર્ડ વર્માએ શું કહ્યું તે જાણીએ તે પહેલાં રિચાર્ડ વર્માનો ભૂતકાળ અને કારકિર્દી જોઈ લેવી જોઈએ.

રિચાર્ડ વર્માનાં માતાપિતાનો જન્મ ભારતમાં થયો હતો. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેઓ ભારત છોડી અમેરિકા સ્થાયી થયાં. તેમના પિતા કમલ વર્મા અમેરિકાના જૉન્સટાઉનમાં પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ચાલીસ વર્ષ સુધી અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમની માતા સાવિત્રી સ્પેશિયલ ઍજ્યુકેશન ટીચર હતાં. રિચાર્ડ વર્માનો ઉછેર જૉન્સટાઉનમાં થયો. તેમણે પીએચ.ડી., એલ.એલ.એમ., અને ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં બીએસની ડિગ્રી લીધી.

રિચાર્ડ વર્માએ તેમની કારકિર્દીની શરૂઆત અમેરિકી વાયુ દળમાં જજ ઍડ્વૉકેટ તરીકે કરી. અમેરિકામાં સૈન્ય ન્યાય અને સૈન્ય કાયદા અંગે સેનાની શાખાને જજ ઍડ્વૉકેટ જનરલ્સ કૉર્પ્સ કહે છે અને તેમાં સેવા આપતા અધિકારીઓને જજ ઍડ્વૉકેટ કહે છે. તેમની ભૂમિકા તેઓ જે કમાન્ડમાં હોય તેમને કાનૂની સલાહ આપવાની હોય છે. ૧૯૯૪થી ૧૯૯૮માં વાયુ દળમાં કાનૂની સલાહકાર તરીકે કામ કર્યા પછી રિચાર્ડ વર્માએ વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન સેનેટના શાસક નેતા હેરી રેઇડના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કર્યું. તેઓ પ્રિવેન્શન ડબ્લ્યુએમડી પ્રૉલિફિરેશન એન્ડ ટેરરિઝમ પંચના સભ્ય હતા. આ પંચનું કામ ડબ્લ્યુએમડી એટલે કે વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન- સામૂહિક સંહારનાં શસ્ત્રોનો પ્રસાર અને ત્રાસવાદ અંગે કોઈ પણ દેશની પ્રવૃત્તિ, પહેલ અને કાર્યક્રમનું આકલન કરવાનું હતું. ૨૦૦૧માં અમેરિકામાં થયેલા ત્રાસવાદી હુમલાના પગલે આ પંચની રચના કરાઈ હતી. તેમણે આ પંચના અહેવાલ ‘વર્લ્ડ એટ રિસ્ક’નું સહલેખન કર્યું છે. યાદ રહે તે વખતે રિપબ્લિકનોની-જ્યૉર્જ ડબ્લ્યુ બુશની સત્તા હતી.

પરંતુ ઓબામા એટલે કે ડેમોક્રેટિક નેતા સત્તામાં આવ્યા પછી પણ રિચાર્ડ વર્માને દૂર ન કરાયા. ઓબામા પ્રશાસનમાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનના સહાયક સચિવ બન્યા. સપ્ટેમ્બર ૨૦૧૪માં પ્રમુખ ઓબામાએ તેમને ભારતમાં રાજદૂત નિમ્યા. આ પદ પર નિમાનાર તેઓ પહેલા ભારતીય મૂળના વ્યક્તિ હતા. તેમના સમયમાં, બધા જાણે છે તેમ, મોદી-ઓબામાની જોડી થકી ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા. ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી રિચાર્ડ વર્મા પોતે જ આ પદ પરથી હટી ગયા. અત્યારે તેઓ માસ્ટર કાર્ડમાં કામ કરે છે પણ ટી. રૉવ પ્રાઇસ ગ્રૂપ નામની વૈશ્વિક મૂડીરોકાણ પ્રબંધન કંપનીના બૉર્ડ પર તેઓ છે. તેની સાથે હાર્વર્ડ યુનિવર્સિટી અને જ્યૉર્જટાઉન યુનિવર્સિટીસ સ્કૂલ ઑફ ફૉરેઇન સર્વિસ સાથે તેઓ સંકળાયેલા છે. જોકે રિચાર્ડ વર્મા હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા છે.

એક રસપ્રદ આડવાત કરી લેવી જોઈએ. અમેરિકામાં પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી સિવાય કોઈ વ્યક્તિ રાજકીય ક્ષેત્રે આગળ આવી શકતું નથી. અમેરિકાના લુઇઝિયાનાના પ્રથમ ભારતીય-અમેરિકી ગવર્નર બોબી જિંદાલ, દક્ષિણ કેરોલિનાના નિક્કી હેલી અને અત્યારે ઉપ રાષ્ટ્રપ્રમુખ બનેલાં કમલા હેરિસ પણ પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી છે. અમેરિકામાં માત્ર જૉન. એફ. કેનેડી અને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જૉ બાઇડેન જ અપવાદરૂપ છે જેઓ કેથોલિક ખ્રિસ્તી હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શક્યા છે. અને અમેરિકા આપણને પંથીય સ્વતંત્રતાના ઉપદેશો આપે છે. ભારતમાં તો ઝાકિર હુસૈન, અબ્દુલ કલામ રાષ્ટ્રપ્રતિઅને હમીદ અન્સારી ઉપ રાષ્ટ્રપતિ જેવા ટોચના પદે પહોંચી શકે છે. ઑસ્કાર ફર્નાન્ડીઝ, એ. કે. એન્ટોની, માર્ગારેટ આલ્વા વગેરે ખ્રિસ્તીઓ પણ સરકારમાં પ્રધાનો રહી ચૂક્યાં છે. પરંતુ અમેરિકામાં માત્ર ખ્રિસ્તી જ નહીં, પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી હોય તે જ આગળ આવી શકે છે! આ વણલખ્યો નિયમ છે.

રિચાર્ડ વર્માની વાત કરીએ . તેમણે કહ્યું કે દુનિયાનાં બે સૌથી મોટાં લોકતંત્ર એક સાથે મળીને ઘણું બધું કરી શકે છે. તેમણે કહ્યું કે “હું જો ૨૦૩૦ને જોઉં તો મને એક એવું ભારત દેખાય છે જે લગભગ દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરી શકે છે.” આનો આધાર આપતા તેમણે કહ્યું કે “ઝાઝી વસતિ, સૌથી વધુ સ્નાતકો, સૌથી મોટો મધ્યમ વર્ગ, સૌથી વધુ મોબાઇલ ફૉન અને ઇન્ટરનેટ વપરાશકારો, ત્રીજી સૌથી મોટી સૈન્ય શક્તિ અને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર સાથે ભારત દુનિયાને નવી દિશા દેખાડી શકે છે કારણકે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ૨૫ વર્ષથી ઓછી ઉંમરના ૬૦ કરોડ લોકો છે.”

તેમણે કહ્યું કે આજે ભારત મોટા સ્તર પર થઈ રહેલા વિકાસની બાબતમાં શીર્ષ પર છે. આગામી દશકમાં આંતરમાળખાના વિકાસ પર લગભગ બે ટ્રિલિયન ડૉલર ખર્ચ કરાશે. વર્ષ ૨૦૩૦ માટે આવશ્યક પાયાગત માળખાનો મોટો હિસ્સો બનાવવાનો બાકી છે. આથી આજે લગભગ ૧૦૦ નવાં વિમાનમથકોનું કાં તો નિર્માણ થઈ રહ્યું છે અથવા તો યોજના બની રહી છે.

રિચાર્ડ વર્માની વાત અહીં સમાપ્ત થાય છે. ૧૯૯૮થી શરૂ કરીને અત્યાર સુધી ભારતના અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન સાથે સંબંધો દૃઢ બન્યા છે. કોરોના કાળમાં ચીને ઉંબાડિયાં ન કર્યાં હોત તો ચીન સાથે પણ સારા સંબંધો હતા. ભારતની વાત આજે બ્રિક્સ હોય, શાંઘાઈ કૉઓપરેશન, કે આસિયાન, કે પછી સંયુક્ત રાષ્ટ્રો, જેની સુરક્ષા પરિષદમાં ભલે એક મહિના માટે, પણ ભારત અધ્યક્ષ પદે પહોંચ્યું છે, વગેરે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વાતને વજન મળે છે. પહેલાં વિદેશો પાકિસ્તાનને ભારત સામે હથિયાર તરીકે અજમાવતા હતા. વારેઘડીએ કાશ્મીરના મુદ્દે ભારતની સળી કરતા હતા. પરંતુ હવે પાકિસ્તાન એકલુંઅટૂલું છે. ચીન તેનો ખપ પૂરતો ઉપયોગ કરે છે પણ તેનેય ખબર છે કે આને માપમાં રખાય. તુર્કી સિવાય હવે તો સાઉદી અરેબિયા અને યુએઇ પણ પાકિસ્તાનને ભાવ નથી આપતું.

નેપાળમાં ઓલી થોડો સમય ભારત વિરોધી પીપૂડી વગાડી ગયા પણ હવે તેઓ સત્તાની બહાર છે. શ્રી લંકા અને બાંગ્લાદેશ સાથે પણ ભારતના સારા સંબંધ છે.

પરંતુ શું વર્લ્ડ લીડર બનવા આ બધું પૂરતું છે? શું વર્તમાન સ્થિતિ ભારતને વર્લ્ડ લીડર બનવાના સંકેતો આપે છે? દુર્ભાગ્યે જવાબ નામાં મળે છે. માત્ર વેપારધંધામાં આગળ હોવું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સારા સંબંધ હોવું પર્યાપ્ત નથી. અમેરિકા અને રશિયાની જેમ મહા સત્તા બનવું હોય તો ભારતે દરેક ક્ષેત્રે તેનો ડંકો વગાડવો પડશે. ઑલિમ્પિકમાં આપણી કેવી સ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. જે એક-બે મેડલ મળે છે તેનાથી આપણે ખુશ થઈ જઈએ છીએ અને થવું જ જોઈએ પરંતુ ઑલિમ્પિક પતશે અને ભારતનું ઑલિમ્પિકને લગતું રમતજગત અને રમતપ્રેમીઓ ઘોર નિદ્રામાં સૂઈ જશે. ક્રિકેટ છવાઈ જશે.

અમેરિકાએ ‘નાટો’ દ્વારા પોતાના સાથી દેશો તૈયાર કર્યા છે જે તેના સૂરમાં સૂર પુરાવે છે. ઑસ્કાર, નૉબલ, મેગ્સેસે, પુલિત્ઝર કે બુકર, જાણીતા એવૉર્ડમાં અમેરિકા અને સાથી દેશો પોતાના તરફી લોકોને (અને હરીફ દેશોના વિદ્રોહી લોકોને) એવૉર્ડ આપતા હોય છે. ભારત તરફી સંસ્થ કેમ આવો કોઈ એવૉર્ડ ન શરૂ કરી શકે? ચાહે શુદ્ધ વિજ્ઞાનનાં હોય કે ટૅક્નૉલૉજીનાં, નિતનવાં સંશોધનો થાય. શિક્ષણમાં વિશ્વ ભરમાં નામના ધરાવે તેવી સંસ્થાઓ હોય. વિશ્વના રાજકારણમાં જેનું ધાર્યું થતું હોય. ચીને જે રીતે ‘હૂ’ને પોતાની આંગળીઓ પર નાચતી કરી દીધી તેવી રીતે. વિદેશમાં જેના એક નાગરિકની હત્યા થાય તો પણ તે વિદેશ ધ્રૂજી ઊઠે. જેના પોતાના દેશમાં રાજકીય અસ્થિરતા ન હોય. છેલ્લાં સાત વર્ષમાં ભારતમાં આ સ્થિતિ છે, પણ આ સ્થિતિ કાયમ રહી શકશે?

જેની વિદેશ નીતિમાં ધરખમ ફેરફારો ન થાય. જેના સૈનિકોને દુશ્મન સૈનિકો સરહદની અંદર આવીને મારીને જતા રહે તો પણ તેના વડા પ્રધાન ભારત આવે તો તેને ખખડાવવાના બદલે તેને બિરયાની ખવડાવી તેની મહેમાનગતિ થાય તેવા કાયરવેડા ન ચાલે. અને પોતાની બહુમતીની રક્ષા ખાસ કરે. ભારતમાં ચર્ચનું છાપરું ઉડે તો પણ અમેરિકાના પ્રમુખથી માંડીને સંસદની સમિતિઓ, માનવ અધિકાર સંસ્થાઓ વગેરે ભારત સામે કલબલાટ કરવા લાગે છે. વિશ્વ ભરમાં હિન્દુઓની સાથે અમાનવીય વર્તન, અપરાધો થાય તો ભારત આવું કરી શકે છે?

માનવ અધિકાર સંસ્થા પરથી યાદ આવ્યું. અમેરિકા અને યુરોપના દેશો આવી સંસ્થાઓ અને એનજીઓ મારફતે ભારત જેવા દેશોમાં ચંચૂપાત કરતા રહે છે. શું કોઈ માનવ અધિકાર સંસ્થાએ અમેરિકા અને યુરોપમાં માનવ અધિકાર બાબતે ભારત જેટલી હદે ઉહાપોહ કર્યો? એટલે આવી સંસ્થાઓ પણ રચવી પડે. સીઆઈએની જેમ જાસૂસી સંસ્થાઓ ખૂબ જ મજબૂત રાખવી પડે કે સહેજ નાની સરખી હિલચાલ થાય તો પણ ખબર પડી જાય. બીજા દેશોની ચૂંટણીને પ્રભાવિત કરવાની તાકાત કેળવવી પડે. જરૂર પડે, જો બીજા દેશોના શાસકો ભારત વિરુદ્ધ જાય તો ત્યાં બળવો કરાવવાની તાકાત પણ રાખવી પડે.

ભલે પ્રતિભા અને જ્ઞાની એવા લોકોને બહારથી બોલાવવામાં આવે, પણ ચાવીરૂપ નિયંત્રણ તો હિન્દુઓના હાથમાં જ રહે તેવું કરવું પડે. અમેરિકામાં જેમ પ્રૉટેસ્ટન્ટ લોકોના હાથમાં રહે છે તેમ. જાપાનમાં શિન્તો અને બૌદ્ધ લોકોનું વર્ચસ્વ રહે છે, ઇસ્લામિક દેશોમાં મુસ્લિમોનું વર્ચસ્વ રહે છે તેમ.

સાહિત્ય, કળા અને મનોરંજન જગતમાં વિશ્વ વાહ-વાહ કરે તેવી કૃતિઓ બનવી જોઈએ. આ માટે સંશોધન અને ખંતને મહત્ત્વ આપવું પડે. માત્ર ટિકટૉક પ્રકારના વિડિયો, મ્યૂઝિક કે ડાન્સના રિયાલિટી શૉમાં ભાગ લેવાથી ન થાય. સેક્સ અને હિંસાવાળી વેબસીરિઝથી કંઈ ન થાય. ક્રિએટિવિટી અને ઑરિજનાલિટી બાબતે ભારતમાં શૂન્યાવકાશ જેવું છે. કોઈ કંઈ મૌલિક સંશોધન કરે તો તેને સરકાર છોડો, લોકો પણ ઓછું મહત્ત્વ આપે છે. વિદેશી જ સારું એવી માનસિકતા સૌ પહેલાં તો કાઢવી પડે. પોતાની ભાષાને મહત્ત્વ આપવું પડે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ફ્રાન્સ, જર્મની વગેરે શક્તિશાળી દેશો પોતાની ભાષાના આધારે મહા સત્તા બન્યા છે. તેમને ત્યાં જવું હોય તો ત્યાંની ભાષા શીખવી જરૂરી છે. આની પાછળનું કારણ એ કે આવનાર વ્યક્તિ શક્ય તેટલો ત્યાંની સંસ્કૃતિમાં પળોટાઈ જાય. અમેરિકામાં પણ અંગ્રેજી ખરું, પણ અમેરિકી ઉચ્ચારણો સાથે સ્વીકાર્ય બને છે.

અને સૌથી અગત્યનું તો રાજકારણ અને મિડિયા. દેશ પ્રથમ એવી નીતિ અપનાવવી પડે. આ લેખકે સૉશિયલ મિડિયા પર વારંવાર ઉદાહરણો આપ્યાં છે. વિદેશનાં મિડિયા પોતાના દેશની દરેક સમસ્યામાં સરકારને ઢસડી લાવતા નથી. પોતાને ત્યાં આપદા કે માનવ સર્જિત દુર્ઘટના થાય તો દેશવાસીઓ નિરાશ થઈ જાય તેવું ચિત્ર સર્જતા નથી. અને પોતાના દુશ્મન દેશની દરેક ખામીને બરાબર ઉજાગર કરે છે. આપણે ત્યાં મિડિયા હોય કે મનોરંજન, પાકિસ્તાન પ્રેમ અનહદ છે. રાજકારણીઓ પણ સત્તા અને મત બૅન્ક માટે દુશ્મનો ખુશ થાય તેવું કરી બેસે છે. નીતિઓમાં મતભેદ ચોક્કસ હોઈ શકે પરંતુ સરકારનો વિરોધ કરતાં-કરતાં દેશવિરોધી કૃત્યો ન કરી બેસવાં જોઈએ. ન્યાયતંત્ર પણ વિકાસમાં અવરોધરૂપ ન બનવા જોઈએ. કોઈ મોટા પ્રૉજેક્ટ કે કાયદા વિરુદ્ધ પીઆઈએલ થઈ નથી ને સરકારને નૉટિસ ફટકારી નથી. ૨૦૧૯થી શાહીનબાગ, ખેડૂત આંદોલન વગેરેના નામે જે થયું તે દેશનો વિકાસ થવા દે? બુલેટ ટ્રેન પ્રૉજેક્ટ ભારતની છબિને ચમકાવી દેત પરંતુ મહારાષ્ટ્રમાં વિપક્ષોની સરકાર આવી એટલે તેની ગતિ અવરોધી દેવાઈ. જ્યાં ભાજપની સત્તા છે તેમાં પણ- અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રૉજેક્ટ કેટલો ગોકળગાયની ગતિએ આગળ વધ્યો-વધે છે? લૉન માફ કરી દેવાનું કે મફત ચીજો આપવાનું રાજકારણ અંતે દેશની તિજોરી ખાલી કરી નાખે છે. સાથે પ્રમાણિક કરદાતાઓને વધુ રાહત અને સુવિધાઓ મળે તેવું કરવું જોઈએ.

એટલે મહા સત્તા માટે ઘણું થયું છે અને ઘણું બધું થવાનું બાકી છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment