Home » મોટા ભાગના વિશ્વમાં એનજીઓ પ્રત્યે કેમ ધિક્કાર છે?

મોટા ભાગના વિશ્વમાં એનજીઓ પ્રત્યે કેમ ધિક્કાર છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: રશિયામાં તાજેતરમાં વિદેશી એજન્ટો કાયદો સુધારાયો છે. હવે વ્યક્તિ ઑનલાઇન ગમે તે લખે અને તે જો વિદેશથી નજીવું ભંડોળ પણ મેળવતી હોય તો તેની સામે એનજીઓની જેમ જ કડક કાર્યવાહી કરાશે. આની સામે ભારતમાં કાર્યવાહી હજુ ઢીલી ચાલી રહી છે કેમ કે ભારતમાં ૩૧ લાખ એનજીઓ છે અને તેમાંની મોટા ભાગની રિટર્ન પણ નિયમિત ફાઇલ નથી કરતી!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૨/૧૨/૧૯)

રામમંદિરના ચુકાદા અંગેની પૃષ્ઠભૂમિ પર આપણી વિગતવાર શ્રેણી ચાલી રહી હતી, પરંતુ નાગરિકત્વ સુધારા ખરડાનો મુદ્દો આવી ગયો એટલે બ્રૅક મારવી પડી પરંતુ આ શ્રેણી હવે મારી વેબસાઇટ www.jaywantpandya.com/ પર તમે વાંચી શકશો. આ શ્રેણી ‘સંજોગ ન્યૂઝ’માં અટકાવવાનું કારણ એ છે કે કેટલાક મહત્ત્વના મુદ્દા દેશ અને વિદેશમાં બની રહ્યા છે તેનાથી ‘સંજોગ ન્યૂઝ’ના વાચકો અજાણ ન રહી જાય.

તાજેતરમાં રશિયામાં વિદેશી એજન્ટનો કાયદો સુધારાયો. વિદેશી એજન્ટના કાયદામાં છેલ્લાં આઠ વર્ષથી અત્યાર સુધી એવું હતું કે એનજીઓ જો વિદેશથી નજીવું ભંડોળ પણ મેળવે અને કથિત રાજકીય પ્રવૃત્તિ કરવા લાગે તો તેમને વિદેશી એજન્ટ ગણાવી શકાતી અને તેમના પર દંડ લાગતો. બ્યુરોક્રેટિક અડચણો એટલી ઊભી કરાતી કે તેમને પોતાની ‘દુકાન’નાં પાટિયાં જ પાડી નાખવાં પડતાં.

હવે આ કાયદામાં સુધારો કરાયો છે. હવે કોઈ પણ વ્યક્તિ ઑનલાઇન ગમે તે લખી નાખે અને તેને વિદેશથી ભંડોળ મળ્યું હોય તો તેની સાથે એવો જ વ્યવહાર કરાશે જેવો એનજીઓ સાથે કરાતો હતો.

ભારતમાં આ થયું હોત તો સ્વતંત્રતાની અભિવ્યક્તિથી માંડીને અઘોષિત કટોકટી તેમજ એવોર્ડ વાપસી સુધી અનેક કક્ષાએ શોરબકોર થઈ ગયો હોત. હિન્દી ફિલ્મજગતના લિબરલ કલાકારોએ પણ તેમાં ટ્વીટ કરી ‘કા કા’ કાગડાઆલાપ કર્યો હોત. પરંતુ આ રશિયા છે.

રશિયાની કેજીબીના આધુનિક અવતાર જેવી એફએસબી (ફેડરલ સિક્યૉરિટી સર્વિસ)ના પૂર્વ નિર્દેશક નિકોલય કોવાલ્યોવનું કહેવું છે કે અમેરિકાની એનજીઓ રશિયામાં આંદોલનો કરીને અરાજકતા ઊભી કરવા પ્રયાસરત હોય છે.

ચીનની સ્થિતિ જુદી નથી. ટ્યુનિશિયા, ઇજિપ્ત, ભારત વગેરે દેશોની જેમ ચીનમાં પણ ૨૦૧૧ના વર્ષમાં લોકશાહી માટે ક્રાંતિની હિલચાલ થઈ હતી. તેને જાસ્મીન રિવૉલ્યૂશનના નામે ઓળખવામાં આવે છે. તે પછી ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીએ રાજકીય અસંતુષ્ટો, વિદેશી પત્રકારો અને ઇન્ટરનેટ પર તડાપીટ બોલાવી છે.

રશિયાના એફએસબીના બીજા એક તત્કાલીન નિર્દેશક નિકોલઈ પત્રુશેવે રશિયાની સંસદ (ડુમા) સમક્ષ કહેલું કે એનજીઓ વિદેશી જાસૂસોના નેટવર્ક માટેનું ઝડપી આવરણ (કવર) છે. તેમણે કહેલું કે અમેરિકા જેને પસંદ ન કરે (અર્થાત્ જે સરકાર તેની તરફેણ ન કરે) તે સરકારોને ઉથલાવવા તે માનવ અધિકારોની રક્ષાના બહાના હેઠળ વિરોધી જૂથોને નાણાં અને અન્ય સામગ્રી પૂરી પાડે છે અને સરકારો પર પ્રતિબંધો મૂકે છે. આ રીતે અમેરિકા ‘કલર રિવૉલ્યૂશન’ લાવે છે. કલર રિવૉલ્યૂશન એટલે લોકશાહી તરફી કહેવાતા લોકોને આગળ કરીને દેશમાં ફેલાવાતી અરાજકતા.

નિકોલય પત્રુશેવે રાષ્ટ્રીય ત્રાસવાદી વિરોધી સમિતિની બેઠકમાં કહ્યું હતું, “વિદેશી ત્રાસવાદીઓના દૂતો અને પંથીય અંતિમવાદી સંગઠનો (એટલે ઇસ્લામિક ત્રાસવાદી સંગઠનો એમ જ વાંચો) સામાજિક-આર્થિક સમસ્યાઓ, વંશીય, રાષ્ટ્રીય અને પંથીય મતભેદોનો ઉપયોગ કરી રહી છે અને તેઓ રશિયામાં પણ (ત્રાસવાદીઓની) ભરતી કરી રહ્યાં છે. તેમને કેટલીક વિદેશી એનજીઓ દ્વારા માહિતીની રીતે મદદ મળી રહી છે.”

એનજીઓ પર તડાપીટ માત્ર ચીન-રશિયા કે ભારત જ બોલાવી રહ્યું છે તેવું નથી. ઇથોપિયા જેવા આફ્રિકાના ઉભરતા અર્થતંત્ર જેવા દેશમાં પણ જાન્યુઆરી ૨૦૦૯માં કાયદો પસાર કરી સિવિલ સૉસાયટી ઑર્ગેનાઇઝેશનોમાં પારદર્શિતા અને જવાબદેહી લાવવાનું ફરજિયાત બનાવાયું હતું. હવે આમાં તેમને પેટમાં ચૂંક કેમ આવવી જોઈએ? આમ તો આ એનજીઓ લોકશાહી, પારદર્શિતા, માનવ અધિકાર, સ્વતંત્રતા, ગરીબી હટાવો, સમાનતા વગેરે વાતો કરતી હોય પરંતુ જો તેમાં કામ કરો તો ખબર પડે કે તેમાં કેટલી સ્વતંત્રતા છે, તેના કર્મચારીઓનું કેટલું શોષણ થાય છે અને કેટલી પારદર્શિતા છે. સેવાના નામે મેવા જ ખવાતા હોય. જે લોકો ખરેખર સેવા કરવા માગતા હોય તેમને ભોળવીને તેમને સમાજસેવા, ગરીબી હટાવો, સમાજમાં સમાનતા વગેરે મહાન ઉદ્દેશો બતાવીને તેમની પાસે ઢસરડા કરાવીને આ એનજીઓના કર્તાહર્તા પોતે વિદેશના અને દેશના એવૉર્ડ મેળવીને આરામદાયક-સુવિધારૂપ જિંદગી જીવતા હોય.

તેમના કર્મચારીઓને પોતાના પૈસે એસ.ટી. કે રેલવેમાં જવાનું પણ પોતે કાર સિવાય પગ પણ ન મૂકતા હોય. તેમના કર્મચારી ગાંઠના પૈસે સસ્તા ભોજનાલયમાં જમે પણ પોતે હૉટલ સિવાય જમતા ન હોય.

એટલે ઇથોપિયામાં આવો કાયદો ઘડાયો તેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથોએ તરત જ ‘કા કા’ એવો કાગડાઆલાપ ગાવા લાગ્યો. ઇથોપિયાના આ કાયદા મુજબ, એનજીઓ વિદેશથી વધુમાં વધુ માત્ર દસ ટકા જ ભંડોળ મેળવી શકે! ઇથોપિયા પછી ઇજિપ્ત અને નાઇજિરિયા પણ એનજીઓ બાબતે કડક બન્યું હતું.

આ એનજીઓ આટલી ફૂલેફાલે કેમ છે? એનો એક જવાબ તો મળી ગયો કે અમેરિકા તેને બીજા દેશમાં ઘોંચપરોણા કરવા પોષે છે. પરંતુ તો પછી પ્રશ્ન એ છે કે જે-તે દેશની સરકાર આવી એનજીઓને ચલાવી કેમ લે છે? કારણકે સરકાર પાસે આવકવેરા ખાતું અને ગુપ્તચર (આઈબી) સેવાઓ તો જોરદાર જ હોય છે. તેમને રજેરજની માહિતી મળતી હોય.

આનો એક જવાબ એ છે કે કેટલીક સરકારોને એનજીઓ પસંદ હોય છે. એનજીઓથી સરકાર પોતાની જવાબદારીથી હાથ ખંખેરી શકે છે. વંચિતો, ગરીબો, આરોગ્ય વગેરે જેવાં અનેક ક્ષેત્રે કામ કરતી એનજીઓ સરકારનું કામ સરળ કરી દે છે (તેવું સરકાર માનતી હોય છે.) સરકારને પોતાને કંઈ વિચારવાનું રહેતું નથી. વળી, સરકારમાં બેઠેલાઓ પણ પોતાના સગા દ્વારા કે બીજી કોઈ રીતે ‘એનજીઓ’ સ્થાપી કે પછી તેમાં પોતાના માણસો રાખી પોતાનો લાગો રાખે છે.

આ એનજીઓ વિદેશી ભંડોળ દ્વારા પોતાનું મિડિયા નેટવર્ક ઊભું કરે છે. એટલે તેમના નાના કાર્યને પણ મોટા સ્વરૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે. (આની સામે ખરા અર્થમાં સેવા કરતાં સંઘ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર વગેરે સંગઠનોના સમાચાર છપાશે જ નહીં, છપાશે તો માત્ર એક જ કૉલમમાં). આના લીધે એનજીઓ અને તેમના જે મોટા પદાધિકારીઓ હોય છે તેમની એક કૃત્રિમ આભા ઊભી થાય છે. સરકારના લોકો પણ આવા અહેવાલોને જ જોઈને તેમને એવૉર્ડ આપી દે છે કારણકે સરકારને સૂચન કરનારા પણ મિડિયાના સમાચારો જોઈને જ આવા લોકોને મોટા ભા માની લે છે. એવૉર્ડ મળી જાય એટલે આવી સંસ્થાઓ અને તેમના નેતાઓનું ઓર માનપાન વધી જાય છે. ટીવી ડિબેટમાં, સેમિનારોમાં, વક્તવ્ય આપવામાં આવા લોકોને બોલાવવાની હોડ લાગે છે. આવા લોકો જાહેરમાં સરકારની ટીકા કરવામાં કોઈ કચાશ રાખતા નથી. તેથી સરકાર વિરોધી લોકો પણ તેમને માનપાનથી જુએ છે.

બીજી તરફ, આ વિરોધના દબાણમાં કે પછી વિદેશના દબાણ હેઠળ સામ,દામ, દંડ અને ભેદ થકી સરકારની નીતિ નિર્ધારણ કરતી ટોળીમાં પણ આવા લોકોનો પ્રવેશ થઈ જાય છે. અને સરકાર માટે પણ સહેલું હોય છે કે તૈયાર માલે નીતિ નક્કી થઈ જતી હોય તો વધુ વિચારવું શું?

એ તો મોદી સરકારે ૧,૮૦૦ એનજીઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એનજીઓની નકારાત્મક ભૂમિકાની ચર્ચા ઉપડી. એપ્રિલ ૨૦૧૫માં મોદી સરકારે કહેલું કે ૪૨ હજાર એનજીઓ પર વિદેશી હુંડિયામણ કાયદાનો ભંગ કરીને દાન મેળવતી હોવાની શંકા છે. આના પરથી સ્વાભાવિક પ્રશ્ન થાય કે દેશમાં કેટલી એનજીઓ હશે? સર્વોચ્ચ ન્યાયાલયે સીબીઆઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલી એનજીઓ છે તેની માહિતી તેને આપવા નિર્દેશ આપ્યો અને એ પણ મોદી સરકારના નસીબમાં જ યશ લખ્યો હતો કે તેના રાજમાં સીબીઆઈએ એનજીઓ કેટલી છે તેનું મેપિંગ શરૂ કર્યું (નહીં તો કાળાં નાણાં પર ‘સિટ’ રચવાના સર્વોચ્ચના નિર્દેશને યુપીએ સરકાર ઘોળીને પી ગઈ હતી) અને ત્યારે ખબર પડી કે આપણા ભારતમાં ૩૧ લાખ જેટલી અધધ એનજીઓ છે!! એક અંદાજ મુજબ, આપણે ત્યાં શાળાઓ કરતાં પણ બમણી એનજીઓ છે!! બીજા એક અંદાજ મુજબ, દર ૬૦૦ વ્યક્તિ દીઠ એક એનજીઓ છે.

હવે જો આ એનજીઓ બરાબર કામ કરતી હોય તો તો ભારતનો ઉદ્ધાર થઈ જવો જોઈતો હતો, કેમ કે છસ્સો વ્યક્તિએ એક એનજીઓ એટલે એ એનજીઓમાં કામ કરતા સો લોકોનો કાચો અંદાજ મૂકીએ તો પણ એનજીઓની એક વ્યક્તિને ભારતની તેમની પરિભાષામાં ‘ગરીબ’, ‘વંચિત’, ‘શોષિત’, ‘અસમાનતાથી પીડિત’, ‘કુપોષિત’ એવી છ વ્યક્તિની જ દેખરેખ કરવાનું આવે.

પરંતુ આવું કરવાનું ક્યાં હતું? તેમને તો વિદેશી ભંડોળના બહાને પોતાનો ઉદ્ધાર કરવાનો હતો, મોજશોખ પૂરા કરવાના હતા, સમાજમાં પ્રશંસા મેળવવાની હતી, એવૉર્ડ જીતવાના હતા (જે પછી વિરોધી સરકાર વખતે એવૉર્ડ વાપસી વખતે કામ લાગે). સીબીઆઈએ સર્વોચ્ચમાં માહિતી આપી છે કે આ એનજીઓ આવકવેરા અધિકારીઓને તેમને મળેલી ગ્રાન્ટની પહોંચ પણ આપતી નથી કે ન તો તેમના ખર્ચના હિસાબો આપે છે! (અને વાતો પાછી પ્રમાણિકતાની અને ભ્રષ્ટાચાર નાબૂદીની કરવાની!) મોટા ભાગની એનજીઓ નિયમિત રીતે તેમના રિટર્ન પણ ફાઇલ નથી કરતી!

સર્વોચ્ચ ન્યાયાલયમાં અપાયેલી માહિતી પ્રમાણે, કાઉન્સિલ ફૉર ઍડવાન્સમેન્ટ ઑફ પીપલ્સ ઍક્શન એન્ડ રુરલ ટૅક્નૉલૉજી (ટૂંકું નામ – કાપાર્ટ, જે કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે) એ અન્ના હઝારેના હિન્દ સ્વરાજ ટ્રસ્ટને ૧૯૯૯-૨૦૦૧માં ત્રણ ગામોમાં વૉટરશૅડના વિકાસ માટે રૂ. ૧ લાખની ગ્રાન્ટ આપી હતી. પરંતુ ૯૦ ટકા ગ્રાન્ટ માનદ સેવા (માનદ સેવાનો અર્થ જ એ થાય કે નફા વગર અપાતી સેવા- પડતર કિંમત જ લેવામાં આવે), પ્રવાસ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પાછળ ખર્ચ થઈ ગઈ.

વર્ષ ૨૦૧૫માં સીબીઆઈએ ભલે આ માહિતી આપી હોય, પરંતુ વકીલ એમ. એલ. શર્માએ આ કેસ તો યુપીએ સરકાર વખતે એટલે કે વર્ષ ૨૦૧૨માં અન્ના હઝારેના ટ્રસ્ટ સામે દાખલ કરેલો, કેમ કે ત્યારે અન્ના હઝારે યુપીએ સરકારને નડતરરૂપ હતા. ‘કાપાર્ટે’ ઈનકાર કર્યો કે અન્ના હઝારેના ટ્રસ્ટે કંઈ ખોટું કર્યું નથી. ‘કાપાર્ટ’ ગ્રામીણ મંત્રાલય હેઠળ ૧૨ હજાર સ્વૈચ્છિક સંસ્થાઓને વિકાસલક્ષી કામો માટે સહાયતા કરે છે.

એનજીઓનો મુદ્દો ભારતમાં ફરી ચર્ચામાં એટલા માટે પણ આવવો જોઈએ કે તાજેતરમાં નાણાવટી-શાહ-મહેતા પંચનો જે અહેવાલ વિધાનસભામાં મૂકાયો (જેની નોંધ મોદી પર જેટલાં માછલાં ધોવાયાં તેના એક ટકા પણ ન લેવાઈ) તેમાં પંચે મુકુલ સિંહાના જનસંઘર્ષ મંચ અને તીસ્તા સેતલવાડના ‘સિટિઝિન ફૉર જસ્ટિસ એન્ડ પીસ’ની નેગેટિવ ભૂમિકાની નોંધ લીધી છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે જે ગુલબર્ગ સૉસાયટીના પીડિતો માટે આ તીસ્તાબેન લડતાં હતાં તેમાંના કેટલાકે જ એફઆઈઆર કરાવી ફરિયાદ કરી કે સૉસાયટીના પીડિતોના સ્મારક બનાવવા માટે રૂ. ૪.૬ લાખની રકમનો તીસ્તાએ દુરુપયોગ કર્યો હતો. ગુજરાત સરકારે પણ સર્વોચ્ચમાં કહ્યું હતું કે તીસ્તાએ વાઇન, વ્હિસ્કી, રમ, કેટલીક ફિલ્મોની સીડી, અનેક જોડી ચશ્મા, બહુ સારા રેસ્ટૉરન્ટ અને ફાસ્ટ ફૂડ આઉટલેટમાં અંગત મોજશોખમાં તે પૈસાનો દુરુપયોગ કર્યો છે અને તેને ‘સેક્યુલર ઍજ્યુકેશન’ અને ‘લિગલ ઍઇડ ઍક્સ્પેન્સ’ મથાળા હેઠળ હિસાબમાં ડેબિટ કર્યાં છે!

સુપ્રીમે નિમેલી ‘સિટ’એ ૨૦૦૯માં કહ્યું હતું કે તીસ્તાની સંસ્થાએ સાક્ષીને ટોર્ચર કરીને જુબાની આપવા ઉશ્કેર્યા હતા અને હત્યાની ભયાનક કથા ઘડવા માટેનો આરોપ પણ તીસ્તા પર લાગ્યો હતો.

એ વાત અલગ છે કે વડા પ્રધાન હતા ત્યારે મનમોહનસિંહે પણ કુડુનકુલમ પરમાણુ વીજળી પ્રૉજેક્ટના વિરોધ માટે અમેરિકા દ્વારા ભંડોળ પ્રાપ્ત એનજીઓ પર દોષારોપણ કર્યું હતું. આ કેસમાં ૯,૦૦૦ લોકો સામે રાજદ્રોહ સહિત આઈપીસી હેઠળ વિવિધ કલમો લગાડી તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા!

પરંતુ નેતાઓ ઘણી વાર પોતે ભૂતકાળમાં શું કર્યું હતું તે ભૂલી જતા હોય છે, જેમ મનમોહનસિંહ ભૂલી ગયા છે કે તેમણે ૨૦૦૩માં બાંગ્લાદેશના શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે એલ. કે. અડવાણી અને પ્રમોદ મહાજનની હાજરીમાં રાજ્યસભામાં રજૂઆત કરી હતી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment