Home » મેઇનસ્ટ્રીમ મિડિયાની ચમક ઝાંખી થવાનું કારણ શું?

મેઇનસ્ટ્રીમ મિડિયાની ચમક ઝાંખી થવાનું કારણ શું?

by Jaywant Pandya

સબ હેડિંગ: ઍક્ઝિટ પૉલ પરની ચર્ચામાં બરખા દત્તે કહ્યું કે મેઇનસ્ટ્રીમ મિડિયા હવે ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરતું નથી. બરખા દત્તની વાત સાચી છે, પરંતુ રાજકીય જ નહીં, સાંસ્કૃતિક રીતે પણ મેઇનસ્ટ્રીમ મિડિયા પોતાની ચમક ગુમાવી રહ્યું છે. આની પાછળ કારણ શું છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૧/૦૬/૧૯)

ચૂંટણી પરિણામો પહેલાં ઍક્ઝિટ પૉલમાં જ ભાજપ-એનડીએના ભવ્ય વિજયની મહદંશે વાત હતી. તમે નોંધ્યું હોય તો કૉંગ્રેસનાં મહિલા પ્રવક્તા શમા મોહમ્મદ હોય કે કૉંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, તેમણે જાણે આ ઍક્ઝિટ પૉલ સાચો પડવાનો હોય તેમ મતદારો પર માછલાં ધોવાનાં શરૂ કરી દીધાં હતાં. શમા મોહમ્મદે કહ્યું કે મોદી સરકારની મંજૂરીથી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં ત્રાસવાદીઓના અડ્ડાનો નાશ કર્યો તેવી વાતથી ઓછું ભણેલાઓ જ પ્રભાવિત થાય છે! તો પરેશ ધાનાણીએ મોદીને મત આપનારાઓને મૂર્ખ કહ્યા.

જોકે માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ જેને સદંતર ભાજપ વિરોધી અને કૉંગ્રેસ તરફી કહી શકાય તેવાં અને પહેલાં જેને પત્રકારો આદર્શ માનતા હતા પરંતુ સચ્ચાઈ આવ્યા પછી જેના પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો તે બરખા દત્તે ૨૧ મેએ ચર્ચામાં એવી વાત કહી જે તેમની પીડા છતી કરતી હતી અને જે લુટિયન તથા સીબીડી (ગુજરાતી મિડિયામાં વપરાતો શબ્દ-ચડ્ડી બનિયાનધારી) મિડિયા માટે સાચી છે.

બરખા દત્ત અત્યારે કૉંગ્રેસના નેતા, કુટિલ રાજનીતિમાં નિપુણ, કૉર્ટમાં કાવાદાવા કરીને જેમણે રામમંદિરનો કેસ ટલ્લે ચડાવ્યો તેવા કપિલ સિબલની ચેનલ પર કામ કરી રહ્યાં છે. બરખાએ કહ્યું કે “મને લાગે છે કે તમામ પ્રકારના રાજકારણીઓએ મિડિયામાં કામ કરવા માટે તેમની પોતાની પદ્ધતિઓ વિકસાવી લીધી છે. હું વચન આપું છું કે એક પત્રકાર તરીકે આવું કહેતા મને આનંદ નથી થતો. પરંતુ હું માનું છું કે આજે આ દેશમાં મતદારે કઈ રીતે (ખરેખર તો કોને) મતદાન કરવું જોઈએ તેને પ્રભાવિત કરવા સમર્થ હોવા માટે સંપૂર્ણ અપ્રાસંગિક હોવા તરફ મેઇનસ્ટ્રીમ મિડિયા ગતિ કરી રહ્યું છે.’

અંગ્રેજીવાળા લોકો શબ્દો અને વાક્યો એ રીતે કહે કે જેથી સામાન્ય વ્યક્તિને સમજતા વાર લાગે. આનો સીધો અર્થ એ થાય કે રાજકારણીઓ હવે મિડિયાને ‘મેનેજ’ કરતા થઈ ગયા છે અને મેઇનસ્ટ્રીમ મિડિયા મતદારોને ચૂંટણીમાં પ્રભાવિત કરી શકવા સક્ષમ રહ્યું નથી.

અહીં મેઇનસ્ટ્રીમ મિડિયાનો અર્થ સમજી લઈએ. સૉશિયલ મિડિયાના આગમન પછી મેઇનસ્ટ્રીમ મિડિયા પરંપરાગત મિડિયાને કહેવાય છે. સમાચારપત્ર, ટીવી અને વેબસાઇટ એ પરંપરાગત મિડિયા છે. મેઇનસ્ટ્રીમ મિડિયા છે. સૉશિયલ મિડિયાને એસ.એમ. એવા ટૂંકા નામે ઓળખવામાં આવે છે.

બરખા દત્તની વાત સાચી છે. મિડિયામાં આ વખતે જે ગણગણાટ છે તે એ છે કે આ વખતે કોઈ પણ પક્ષે મેઇનસ્ટ્રીમ મિડિયાને ખાસ જાહેરખબરો આપી નથી. જે આપી છે તે ચણામમરા બરાબર છે અને આથી ઇલેક્ટ્રૉનિક મિડિયા (ટીવી)માં છટણી તોળાઈ રહી છે. પરંતુ માત્ર રાજકીય અને ભારતની ચૂંટણી જ નહીં, પરંતુ કોઈ પણ બજાર માટે મેઇનસ્ટ્રીમ મિડિયાનું મહત્ત્વ ઘટી રહ્યું છે. ડિજિટલ રિસર્ચ પેઢી ‘ઇ-માર્કેટર’એ તો આગાહી કરી છે કે વર્ષ ૨૦૧૯માં ડિજિટલ ઍડ્વર્ટાઇઝિંગ પહેલી વાર પરંપરાગત ઍડ્વર્ટાઇઝિંગથી આગળ નીકળી જશે.

ડિજિટલ મિડિયા અને સૉશિયલ મિડિયા ધીમેધીમે આગળ નીકળી રહ્યાં છે. હજુ પરંપરાગત મિડિયાને ખાસ વાંધો નથી કારણકે જૂની પેઢી છે. ૩૦-૪૦થી ઉપરની પેઢીને હજુ અખબારો વાંચવા જોઈએ છે, ટીવી જોવા જોઈએ છે, પરંતુ ટેવો ધીમેધીમે બદલાઈ રહી છે. ૩૦-૪૦થી ઉપરની પેઢીમાં પણ ટેવો બદલાઈ રહી છે. વારંવાર બ્રેક સાથે ૩૦ મિનિટની આખી સિરિયલો જોવા કરતાં ટિકટૉક પર દસ મિનિટની ક્લિપ કે વેબ સીરિઝ જોવાનું પસંદ કરનારા પણ છે. ડ્રામાવાળા રિયાલિટી શૉ કરતાં યૂટ્યૂબ પર સાવ અજાણ્યા (રૉ-અમેચ્યૉર) ગાયક કે પછી કોઈ ઑરકેસ્ટ્રા પાર્ટીમાં ગાતાં ગાયકોનાં ગીતો સાંભળવાનું વધુ પસંદ કરનારા લોકો પણ છે.

કહેવાનો અર્થ છે કે મેઇનસ્ટ્રીમ મિડિયાએ આવનારા સમય સાથે તાલ મેળવવો પડશે. સાથે જ મોટી વાત ભારતના કે વૈશ્વિક સંદર્ભમાં એ છે કે મેઇનસ્ટ્રીમ મિડિયાએ સ્થાનિક પરિવેશ, સંસ્કૃતિ અને ભાષાને ઓળખી તેમાં સમાચાર આપવા પડશે. આજે ‘હપ્પુસિંહ કી ઉલટન પલટન’માં બુંદેલખંડી ભાષામાં સંવાદો હોય છે. ‘ભાકરવડી’માં મરાઠી અને ગુજરાતી પાત્રો છે. પરંતુ મેઇનસ્ટ્રીમ મિડિયાની ભાષા સામાન્ય લોકોને પસંદ પડે તેવી નથી. અંગ્રેજી ચેનલો પર કૉન્વેન્ટિયા લોકોને જ સમજાય તેવું અંગ્રેજી વધુ હોય છે. તો હિન્દી ચેનલો પર ઉર્દૂ શબ્દો વધુ ને વધુ વાપરવાની ફેશન છે. ગુજરાતી ચેનલો પર વપરાતી ભાષાની વાત કરવા જેવી નથી. હિન્દીનું અને અંગ્રેજીનું માત્ર ગુજરાતી ક્રિયાપદ સાથે ગુજરાતી હોય છે. ગુજરાતીના તળપદા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો જાણે પત્રકારત્વમાંથી ગૂમ છે.

Exit pollને હિન્દીમાં एग्झिट લખાય પરંતુ ગુજરાતીમાં ઍક્ઝિટ જ લખાય પરંતુ ગત ૧૯ તારીખે મોટા ભાગની ચેનલો પર ઍગ્ઝિટ લખાયેલું જોવા મળતું હતું. કારણ? ગુજરાતી ટીવી પત્રકારોએ માત્ર દેવનાગરી લિપિના બદલે ગુજરાતી લિપિમાં એગ્ઝિટ લખી નાખ્યું. પરંતુ અહીં એક્સ મૂળાક્ષરનો ઉચ્ચાર ક્ઝ થાય છે, ગ્ઝ નહીં.

મેઇનસ્ટ્રીમ મિડિયાની પ્રાસંગિકતા ખોવા પાછળ બીજી વાત એ પણ છે કે મેઇનસ્ટ્રીમ મિડિયાનો મોટા ભાગનો વર્ગ કૉંગ્રેસી સરકારમાં પળાયેલો-પોષાયેલો છે. તે ભાજપ વિપક્ષમાં હતો તો પણ તેની ટીકા કરતો અને ભાજપ સત્તામાં આવ્યા પછી તો ટીકા કરે તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે વાચકોને સૉશિયલ મિડિયા દ્વારા સંદેશાઓ પહોંચે કે પશ્ચિમ બંગાળમાં મતદાનમાં હિંસા થઈ તેના સમાચાર નહીંવત્ રીતે દર્શાવાય છે કે પછી કર્ણાટકમાં જેડીએસ-કૉંગ્રેસ સરકારમાં ખેડૂતોની આત્મહત્યાના સમાચાર દેખાડાતા જ નથી, પરંતુ અહીં તો આપણી ચેનલ પર ખેડૂતોની જ ગાથા ગવાય છે, ત્યારે તે સમજી જાય છે કે દાળમાં કંઈક કાળું છે અથવા દાળ આખી કાળી છે.

અત્યારે મેઇનસ્ટ્રીમ મિડિયાનો મોટા ભાગનો વર્ગ એવું માને છે કે આપણે તો સરકારની ટીકા જ કરવાની હોય, ચાહે તે કોઈ પણ સરકાર હોય. ના. આ વાત સાચી નથી. મિડિયાની જવાબદારી છે કે તે સરકારનાં સારાં અને સાચાં કામો વાચક સુધી પહોંચાડે. ભૂતકાળમાં આ થતું પણ હતું. ‘ભાવવધારો એ વિકાસની અનિવાર્ય પ્રક્રિયા છે’ તેવું વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી બોલે તો આઠ કૉલમની હેડલાઇન થાય અને તેમાં તંત્રીની કોઈ ટીપ્પણી ન જોવા મળે પરંતુ ‘આયુષમાન ભારત’ યોજના જાહેર થાય તો સીધું સમાચારમાં જ ‘પૈસા ક્યાંથી આવશે?’ આવી ટીપ્પણી જોવા મળે ત્યારે વાચક વર્ગને લાગે છે કે આવું કેમ થઈ રહ્યું છે? ટીકા-ટીપ્પણી માટે તંત્રી પાનું, કૉલમ હોય છે. તેમાં તમે કહેવું હોય તે કહી શકો છો. પરંતુ સમાચારને સમાચારની જેમ જ આપવા જોઈએ.

આજનો વાચક અને દર્શક વર્ગ હોંશિયાર છે. વળી, સૉશિયલ મિડિયા થકી તેની પાસે સત્ય સમાચાર પહોંચી જાય છે. ચેનલો અલવરમાં દલિત મહિલા પર મુસ્લિમ બળાત્કારીઓ દ્વારા બળાત્કાર અંગે મૌન સેવે ત્યારે દર્શક ભૂલતો નથી કે આ ચેનલોએ કઠુઆ કાંડ અંગે કેવી બૂમાબૂમ કરી હતી? મથુરામાં લસ્સી વેચનારા ૨૫ વર્ષીય ભરત યાદવને પૈસા નહીં આપવા જેવી બાબતે જિહાદી પ્રકારનાં તત્ત્વોએ ઢોર માર મારીને મારી નાખ્યો તે સમાચારને ઓછું મહત્ત્વ આપનારું મેઇનસ્ટ્રીમ મિડિયાએ ભૂતકાળમાં દાદરીમાં અખલાક કે મથુરા જતી ટ્રેનમાં હાફીઝ જુનૈદની હત્યા બાબતે અનેક દિવસો સુધી દેકારો કરીને બિહારની વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા કોશિશ કરી હતી.

આજે ભાજપ જ નહીં, પરંતુ કૉંગ્રેસ, આમ આદમી પક્ષ વગેરે તમામ રાજકીય પક્ષોના આઈટી સેલવાળા કેટલાક સમાચાર વૉટ્સએપ કે ફેસબુક પર મૂકે ત્યારે એક વાક્ય મૂકતા થઈ ગયા છે- મિડિયા આપ કો યે દિખાયેગા નહીં. આના કારણે આ તમામ પક્ષોના સમર્થકોમાં મેઇનસ્ટ્રીમ મિડિયાની તટસ્થતા વિશે શંકા દૃઢ થઈ ગઈ છે. આ જ રીતે કોઈ સંપ્રદાયનો કિસ્સો હોય ત્યારે તે સંપ્રદાયના ભક્તો પણ આવા જ વાક્ય સાથે પોતાના સંદેશાઓ વહેતા કરતા હોય છે. દરેકને લાગે છે કે મેઇનસ્ટ્રીમ મિડિયા અમારા પ્રત્યે ભેદભાવ રાખે છે.

કેટલીક વાર તેઓ સાચા પણ હોય છે; જેમ કે મેઇનસ્ટ્રીમ મિડિયામાં હિન્દુ કથિત સાધુના બળાત્કારના સમાચાર અને બિશપ દ્વારા બળાત્કારના સમાચાર. આ બંનેને કેટલું મહત્ત્વ મળે છે તે કહેવાની જરૂર નથી. ઘણી વાર તો મુસ્લિમ ધર્મગુરુએ અપરાધ કર્યો હોય તો પણ હેડિંગમાં સ્વામી કે તાંત્રિક લખીને તે હિન્દુ હોય તેવી છાપ ઉપસાવાય ત્યારે વાચકો-દર્શકોનો મિડિયા પ્રત્યે પૂર્વગ્રહ વધી જતો હોય છે. કોઈ ઘટનામાં એકાએક મિડિયા ઊછળી પડે પરંતુ પછી એકદમ શાંત થઈ જાય ત્યારે વાચક-દર્શક માની લે છે કે કંઈક ‘સેટિંગ’ થઈ ગયું હશે.

મોટા ભાગના મિડિયામાં ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં લેવાતી જ નથી. આથી જ શિક્ષક દ્વારા બાળકને તોફાન કરતા હોય ને સહેજ માર મારવામાં આવે કે પછી કચરો કઢાવવામાં આવે અથવા કોઈ કૉલેજ ડ્રેસ માટે નિયમો કરે ત્યારે તેને એ રીતે ચગાવવામાં આવે છે જાણે તાલિબાન રાજ આવી ગયું હોય. આનાથી જે વર્ગ નારાજ થાય છે તે બહુ બોલતો નથી. પરંતુ ધીમેધીમે આવા મિડિયાથી પોતાનું મોઢું ફેરવી લે છે કારણકે આજે તેની પાસે વિકલ્પો છે. વેલેન્ટાઇન ડેને જેટલો ગ્લૉરિફાય કરવામાં આવે છે અને હવે તો હૅલોવિનને પણ ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે તેની સામે હિન્દુ તહેવારો પર સૂફિયાણી સલાહો આપતી ઝુંબેશો ચલાવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન જે થયું તે પહેલી વાર થયું. આનું કારણ એ છે કે આ દેશમાં અત્યાર સુધી કૉંગ્રેસ કે કૉંગ્રેસી વિચારવાળા લોકો સત્તામાં રહ્યા. તેથી તેમના તરફી લોકોને હંમેશાં સંરક્ષણ લાગ્યું અને તેથી રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, સાગરિકા ઘોષ વગેરે લોકો માત્ર ટીવી પર જ નહીં, પરંતુ ટ્વિટર પર પણ તેમના પૂર્વગ્રહ સાથે લખતા થયા. ટીવી ડિબેટ થાય તો ભાજપના પ્રવક્તાને બોલવા ન દેવાય, જો બોલે તો એક વાક્ય પર જ એન્કર પ્રશ્ન પૂછી લે, અને બીજા પ્રવક્તાઓ સાથે આવું ન થાય, તેવું વર્ષોથી ચાલતું હતું. હવે આનાથી ઉલટું થવા લાગ્યું છે. જે પણ ખોટું જ છે. અનીશ દેવગન કે અર્નબ ગોસ્વામીની ડિબેટમાં આવું હોય છે.

ન્યૂઝ નેશન ચેનલ માટેના દીપક ચૌરસિયાએ લીધેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંનેએ મિડિયાને નિશાન બનાવ્યા. મોદીએ કહ્યું કે તમે આ પ્રશ્ન રાહુલ ગાંધીને કેમ નથી પૂછતા? રાહુલ ગાંધીએ કહ્યું કે તમારે આ વાત એડિટ કરવી હોય તો કરી નાખજો. આ બંને સમયે ખરેખર તો દીપકે કહેવું જોઈતું હતું કે તમે અમને સલાહ ન આપો. તંત્રી તરીકે અમને અબાધિત અધિકાર છે. પરંતુ બંને જગ્યાએ તેઓ દબાઈ ગયા હોય તેવું લાગ્યું.

આ મિડિયા માટે કસોટીનો સમય છે- સંક્રાંતિનો સમય છે. મેઇનસ્ટ્રીમ મિડિયાએ પોતાની ગરીમા પુનઃસ્થાપિત કરવી હોય તો નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવી પડશે. સમાચાર કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર આપવા પડશે. વ્યૂઝ સ્ટ્રૉંગ પણ એસિડિક નહીં, તે રીતે આપવા પડશે. ભાષાનું સૌંદર્ય સાથે પદની ગરીમા પણ જાળવવી પડશે. તો ફરીથી મેઇનસ્ટ્રીમ મિડિયાની ચમક પાછી ફરશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment