Home » ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?

ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: પહેલાં પેઢીગત ધંધામાં ઉદ્યોગપતિ અને કર્મચારી બંને વચ્ચે આત્મીયતા હતી-સંતોષ હતો. આજે તે રહ્યું નથી. સામ્યવાદી પ્રભાવમાં યૂનિયનોના જોરના કારણે ઘણા ઉદ્યોગધંધા બંધ થયા. તો તે પછી ખાનગીકરણમાં નફાની લાલચ એટલી વધી કે કર્મચારીનું શોષણ થવા લાગ્યું…

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૦૭/૧૯)

(લેખાંક-૧)

હમણાં પાંચ જુલાઈએ નવનિર્વાચિત મોદી સરકારે ‘વહીખાતા’ રજૂ કર્યું. બજેટના બદલે વહીખાતા! પરંપરા પણ બદલી. બ્રીફકેસના બદલે લાલ કપડાંમાં ‘ખાતાવહી’ વીંટાળેલી હતી. આ ખાતાવહી પછી ચારેકોર ચર્ચા એ જ છે કે મોદી સરકાર અર્થતંત્રને કેમ પાટે ચડાવશે?

નરસિંહરાવની સરકાર, અટલ સરકાર, મનમોહન સરકાર કે પછી મોદી સરકાર…આ બધાની આર્થિક નીતિમાં તાત્ત્વિક ફેર ખાસ નથી. બધી સરકાર મોટા ભાગે એફડીઆઈ પર આધાર રાખે છે. ખાનગીકરણ પર જોર આપે છે. પરંતુ એફડીઆઈ અને ખાનગીકરણ બંનેના લાભાલાભ બંને છે.

તકલીફ એ છે કે આપણે ત્યાં અંતિમતા તરફ જ જવાનું પસંદ કરાય છે. ૧૯૬૦ના દાયકાથી આપણે રાષ્ટ્રીયકરણ તરફ ગયા. સામ્યવાદી મજૂર સંગઠનોનાં આંદોલનોએ અનેક ધંધાઉદ્યોગોને તાળાં મરાવ્યાં. સરકારી-ખાનગી કર્મચારીઓના પગાર સારા થઈ ગયા. કામના નિશ્ચિત કલાકો નક્કી થયા. પરંતુ સાથે યુનિયન મેનેજર અને કર્મચારીઓની દાદાગીરીના કિસ્સા પણ અનેક જગ્યાએ બનવા લાગ્યા. સમય પૂરો થાય એટલે ગમે તેવું કામ પડતું મૂકી દેવું. કામનો સમય ચાલુ હોય ત્યારે પણ કામને કેમ ટાળંટોળ કરી શકાય તે જોવું. કેટલીક જગ્યાએ તો સરકારી કર્મચારી હોય તેવા યૂનિયન મેનેજર હાજરી પૂરાવી ખાનગી કામો કરવા કે આરામ કરવા જતા રહેતા. તે સમયે ઉદ્યોગો-ધંધાઓના માલિકોને તકલીફો હતી. બંને તરફથી. સરકારમાંથી મંજૂરી મેળવવી હોય તો લાઇસન્સ રાજના કારણે મુશ્કેલી પડતી અને કર્મચારીઓના કારણે નુકસાન જતું.

પરિણામે કાયદા સુધરવા લાગ્યા. ૧૯૯૧ પછી મૂડીવાદી માનસિકતાએ જોર પકડ્યું. લગભગ બધે જ યૂનિયનો સમાપ્ત થવાં લાગ્યાં. જ્યાં હોય ત્યાં ઉદ્યોગપતિઓ ગણકારે નહીં તેવી સ્થિતિ થઈ. અવાજ ઉઠાવનાર કર્મચારીઓને બીજે બદલી કરીને કે તેમને ન ગમતું કામ સોંપીને હેરાન કરાવા લાગ્યા જેથી તે જાતે જ છોડીને જતા રહે. નોકરીમાં રહેવું હોય તો એક સાથે અનેક પદોની જવાબદારી (મલ્ટિટાસ્કિંગ)ની અવધારણા આવી. કામના કલાકો બેફામ વધી ગયા. પરિસ્થિતિ આજે એ છે કે (પહેલાના જમાનાની દૃષ્ટિએ તોતિંગ લાગતા પરંતુ) નજીવા પગારમાં દસ-બાર કલાક કામ કરવાનો કર્મચારીને વારો આવ્યો. પગારવધારો દસ ટકાથી લઈને બે ટકા સુધી માંડ થાય. આની સરખામણીએ મોંઘવારી તો કૂદકે ને ભૂસકે વધતી હોય.

આના પરિણામે કર્મચારીઓમાં એવી માનસિકતા આવી કે જો પગારવધારો અને પ્રમૉશન સારું મેળવવું હોય તો સમયાંતરે (એટલે બે વર્ષથી માંડીને પાંચ વર્ષે) બીજી કંપનીમાં નોકરી મેળવી લેવી. આના કારણે પહેલાં કંપની પ્રત્યે કર્મચારીને આત્મીયતાનો ભાવ જાગતો તે હવે બંધ થયો. કંપનીમાં પોતાનું જે કામ છે તે અધૂરું-પધૂરું પૂરું કરીને ‘આટલા પગારમાં આટલું જ થાય’ તેવી ભાવના આવી. પહેલાં પેઢીમાં તો માલિક અને કર્મચારી બંને એકબીજાના પરિવારોને જાણતા હોય. માલિક અને કર્મચારી  સુખદુઃખના પ્રસંગોએ એકબીજાની મદદમાં ઊભા રહે. પણ હવે માલિકોમાં પણ ‘પ્રૉફેશનલિઝમ’ આવી ગયું.

આંખની શરમ પણ ન રહી અને કર્મચારીની આંખમાં દેખાતી લાચારી-પીડા સમજવાની વાત પણ ગાયબ થઈ. ‘મારે કંઈ સમજવું નથી, આ કામ થઈ જ જવું જોઈએ.

’ તે એક લીટીનો આદેશ કર્મચારીના માથે થોપાઈ જાય. કર્મચારીને વીક ઑફ હોય તો પણ તેણે કોઈ ખાસ કામ હોય અથવા બીજા કર્મચારી ન હોય તો કામ કરવા ઑફિસે આવવું પડે, પરંતુ જો તેણે તે જ સપ્તાહમાં વીક ઑફ લેવો હોય તો તે ન લઈ શકે. લેવો હોય તો પણ રજા તરીકે લઈ બીજા મહિને સેટ કરવાનો થાય. આ માટે ઇ-મેઇલ વગેરે સરકારી તંત્ર જેવી પ્રૉસિજર કરવી પડે તે તો ખરી જ.

પહેલાં કેટલાક દાંડ કર્મચારી કામના સમયમાં ગુલ્લી મારી ફિલ્મ જોવા, ચા પીવા, પાનના ગલ્લે કે પછી ચા પીવા જતા રહેતા એટલે પછી ટૅક્નૉલૉજીની મદદ લઈ બાયૉમેટ્રિક્સની પદ્ધતિ આવી. હવે તમારે તમારા રૂમની બહાર જવું હોય તો પણ તમને આપેલું કાર્ડ ટેપ કરીને જવાનું, પરિણામે તમે કેટલી વાર તમારી જગ્યાએથી ઊભા થયા તે નોંધાય. કેટલીક જગ્યાએ કેન્ટીન જ કાઢી નાખવામાં આવી. કર્મચારીને જગ્યા પર જ ચા આપવાની પદ્ધતિ ચાલુ થઈ.

આ ચામાં મોટા ભાગે કંઈ ઠેકાણાં ન હોય (કારણકે કેન્ટીનવાળાને પણ ખાસ મળતું ન હોય અથવા જેના થકી કૉન્ટ્રાક્ટ મળ્યો હોય તેને હપ્તો પહોંચાડવો પડતો હોય- જી હા, આવું ખાનગી કંપનીઓમાં પણ બને) અને કેન્ટીનમાં જવા માટે કર્મચારી પોતાની જગ્યાએથી ઊભો થાય, પગ છૂટો થાય, બહાર નીકળી પોતાના સહકર્મચારી સાથે મન મોકળું કરી બૉસની બુરાઈ કરે, ગોસિપ કરે તે શક્યતા નીકળવા લાગી. વળી, ઑફિસમાં પણ સીસીટીવી મૂકાઈ ગયા. કર્મચારી શું કામ કરે છે, શું વાત કરે છે તે માલિક જોઈ શકે. પરંતુ માલિક કરતાંય સીઇઓ, એચઆર મેનેજર, સુપરવાઇઝર કે સીએફઓ (ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર) દોઢ ડાહ્યા હોય. તેમને પોતાનો પગાર વધારવો હોય એટલે ઓછામાં ઓછા મેનપાવરે કંપની કેમ ચાલે તે માટે નિતનવા નુસખા કાઢ્યા કરે.

ઑફિસમાં સીસીટીવી, રૂમની બહાર જવા બાયૉમેટ્રિક્સ, તેમાં ઉપર કહ્યું તેમ સીઇઓ, એચઆર મેનેજર, સીએફઓની કર્મચારીને શોષણ કરવાની નીતિ…આ બધાના કારણે ઑફિસ ઑફિસ ન રહી. કારખાનું કારખાનું ન રહ્યું, કેદખાનું જેવું ભાસવા લાગ્યું. સ્વાભાવિક, કર્મચારી પર સતત તણાવ વધવાનો જ.

ઉદ્યોગપતિને પણ પહેલાંના સમયમાં આધ્યાત્મિકતાના કારણે જે સારો નફો મળતો, જે સારું પ્રૉડક્શન થતું તેમાં સંતોષ રહેતો, પરંતુ હવે મૂડીવાદી માનસિકતાના લીધે જેટલો નફો વધુ ઉસેડી શકાય, જેટલું પ્રૉડક્શન વધુ થઈ શકે તેટલું કરવું. લોભને થોભ નહીં. આથી તેઓ ટાર્ગેટ સેટ કરવા લાગ્યા. આ ટાર્ગેટ પાસ ઑન થાય સીઇઓ-સીએફઓ-એચઆર મેનેજરને. તેઓ પાસ ઑન કરે નીચેના કર્મચારીઓને.

આ કર્મચારીઓમાં પણ કેટલાકને તો જાસૂસ તરીકે સીઇઓ, સીએફઓ-એચઆર મેનેજરે રાખ્યા હોય. કેટલાક ચાપલૂસ હોય. આવા લોકો કામમાં દાંડાય કરે તો પણ તેઓ ઉપરીઓને ઑફિસની અંદરની માહિતી પહોંચાડતા હોવાથી, ચાપલૂસી કરતા હોવાથી કે પછી બીજી કંપનીમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપતા હોવાથી અથવા કેટલીક ‘અંગત’ સેવાઓ આપતા હોવાથી તેમની કામની દાંડાઈ ચલાવી લેવામાં આવે.

આનાથી કામ જે પ્રમાણમાં થવું જોઈએ, જે પ્રૉડક્શન થવું જોઈએ તે થાય નહીં. કર્મનિષ્ઠ અને પ્રમાણિક કર્મચારીને વધુ કામ કરવાનું આવે. આવી સ્થિતિમાં તે નોકરી બદલી નાખે. અથવા ઑફિસમાં ચૂપચાપ થાય તેટલું કામ કર્યા રાખે. ભૌતિકતા વધવાના કારણે કર્મચારીને પણ ઘરમાં સારા માંહ્યલો સ્માર્ટ ફૉન, પત્ની માટે સ્માર્ટ ફૉન, એક કાર, બે સ્કૂટર, એ. સી., સારું સ્માર્ટ ટીવી, સારો ફ્લેટ, સારાં ઘરેણાં જોઈએ. જરૂરિયાતો વધતી ગઈ. તેથી તેને પણ નોકરી બદલે અથવા બે નોકરી કરે તો જ ઘરમાં પૂરું થાય. હવે જો બે નોકરી કરે તો એકેયને પૂરતો ન્યાય ન આપી શકે. કેટલાક તો એવા પણ જોવા મળે કે એક નોકરીમાં બીજી નોકરીના કારણે થાકી ગયાનું બહાનું કાઢે અને બીજી નોકરીમાં પહેલીનું. જો બૉસ કંઈ કહે તો એમ કહે કે તમે એટલો પગાર નથી આપતા, તેથી બે નોકરી કરવી જ પડે છે. પરંતુ જો કર્મનિષ્ઠ કર્મચારી હોય તો બે નોકરીના કારણે શરીરને ઘસારો દસ વર્ષમાં પડવાનો હોય એટલો પાંચ વર્ષમાં પડી જાય. માત્ર નીચેના કર્મચારી જ ટૂંકા સમયમાં નોકરી બદલવા લાગ્યા છે તેવું નથી. સીઇઓ-એચ આર મેનેજર-સીએફઓ પણ નોકરી બદલતા હોય છે.

તેમાં થાય છે એવું કે તેઓ જ્યારે કંપનીમાં આવ્યા હોય ત્યારે તેમણે તેના માલિકને રૂપાળા પીપીટી પ્રૅઝન્ટેશન દ્વારા આંબલીપીપળી બતાવી હોય. ‘આમ કરશું તો આમ થશે’ અને આપણી કંપની ટોચની કંપની બની જશે અથવા કામ ન કરતા આટલા જૂના કર્મચારી કાઢી નાખીએ આપણી હરીફ કંપનીના કર્મચારી (એટલે પોતાના કડિયાદાડિયા) તોડી લાવીએ તો આપણી હરીફ કંપની પડી ભાંગશે અને આપણી કંપની તેનાથી આગળ નીકળી જશે. હવે થાય એવું કે આવી આંબલીપીપળી ચાર-પાંચ વર્ષ ચાલે. ઉદ્યોગપતિ ધીરજ રાખે કે સીઇઓ વગેરે ઉચ્ચ અધિકારીઓને આટલો પગાર આપીએ છીએ તો જરૂર તે પરિણામ મેળવી બતાવશે.

એક-બે વર્ષ થાય એટલે ઉદ્યોગપતિ પણ સમજે કે હજુ તો એક કે બે વર્ષ જ થયાં છે. તેમને પણ ‘સેટ’ થવા દેવા જોઈએ. પરંતુ ચાર-પાંચ વર્ષ થાય એટલે સીઇઓ જેવા ઉચ્ચ અધિકારીઓનો ‘ક્લાસ’ લેવાનો શરૂ થાય. સીઇઓ વળી બીજું કંઈ કારણ આપે અને કંઈક સુધારાવધારા શરૂ કરી બીજા બે-ત્રણ વર્ષમાં સારું કરી બતાવવાનું વચન આપે. પરંતુ તેને ખબર હોય કે પોતે કહ્યું હતું તેમાં કેટલી વાસ્તવિકતા છે! તેણે આ કંપનીમાં પોતાનું ધાર્યું કરાવવા પોતાના માણસોને જ ગોઠવ્યા છે. તેમાંય કેટલાક તો એવા છે જે જાસૂસીનું કે ‘અંગત’ સેવાનું જ કામ કરે છે. નવા કર્મચારીઓ વધુ પગારે આવ્યા છે. પરિણામે કંપનીના જૂના કર્મચારીઓમાં અસંતોષ છે. અચ્છા! નવા કર્મચારીમાં માનો કે પ્રમાણિક, મહેનતુ અને કર્મનિષ્ઠ કર્મચારી હોય તો પણ વધુ પગારે આવ્યા હોય કે તેમનું વધુ ચાલતુ હોય એટલે જૂના કર્મચારીઓ તેમના કામમાં અવરોધો ઊભા કરવા રાજકારણ રમવાનું શરૂ કરે.

આ બધામાં પાંચ વર્ષ નીકળી જાય છે. સીઇઓ બીજા ઉદ્યોગપતિને આંબલીપીપળી બતાવી નોકરી શોધી લે છે. તેનાં દસ-વીસ વર્ષ આમ જ નીકળી જાય છે. તેને તો જે-તે સમયે મોંઘવારીની સાપેક્ષે ખૂબ સારો પગાર મળી જાય છે એટલે તેને જિંદગીનાં પાછલાં વર્ષોની ચિંતા રહેતી નથી. આમાં મરો થાય છે માત્ર ને માત્ર પ્રમાણિક, મહેનતુ અને કર્મનિષ્ઠ કર્મચારીનો અને સરવાળે કંપનીનો.

બધા જ સીઇઓ આવા હોય છે તેવું નથી કહેતો. તો તો કોઈ ધંધાઉદ્યોગ ચાલતા જ નહોત, પરંતુ ઘણી જગ્યાએ આવા દાખલા જોયા છે. દા.ત. એક કૉમેડી ચેનલમાં થોડાં વર્ષો પહેલાં કોઈ સીઇઓ આવેલા તેમણે આ ચેનલની ઓળખ બદલી નાખે તેવી અન્ય ચેનલો જેવી સાસુવહુ પ્રકારની સિરિયલો ચાલુ કરાવી. દરમિયાનમાં એક મોટા ગ્રૂપની બીજી ચેનલ પર કૉમેડી સિરિયલો ચાલુ થઈ. પેલી જે મૂળ કૉમેડી તરીકે જાણીતી ચેનલ હતી તે ખાડે ગઈ. જોકે સીઇઓ બદલાયા, વળી પાછી કૉમેડી ચેનલો શરૂ થઈ. અને ચેનલની ગાડી પાટે ચડી.

આવું થવાનું કારણ પાછું એ પણ હોય છે કે આજે ઉદ્યોગપતિઓને અનેક ઉદ્યોગો કરવા છે. એક ચેનલ હોય તો દસ ચેનલ શરૂ કરી દેવી છે. એક અખબાર હોય તો દસ એડિશનો દસ રાજ્યોમાં કરવી છે. કાપડનો ધંધો હોય તો કરિયાણાના ધંધામાં પડવું છે. પરિણામે ઉદ્યોગપતિને પણ સીઇઓ પર આધાર રાખવો પડે છે. તે પોતે બધું જ જોઈ શકતા નથી. કેટલાક ઉદ્યોગપતિઓ સ્માર્ટ હોય છે. તેમના પોતાના પણ જાસૂસો હોય અથવા તેમને પોતાને પણ ઘણી સૂજ પડતી હોય તો વાંધો ન આવે. (રાજકારણની ભાષામાં કહીએ તો નરેન્દ્ર મોદી-અમિત શાહ જેવા લોકોને.) પરંતુ જો કેટલાક ઉદ્યોગપતિ રાહુલ ગાંધીની જેમ પૂરતા સ્માર્ટ ન હોય અને પોતાના સીઇઓ પર જ આધાર રાખે તો સરવાળે ઉદ્યોગ ખાડે જવાના જ.

અર્થતંત્ર ખાડે જવાનાં કારણો અને તારણો બાકી છે. વધુ આવતા અંકે.

(ક્રમશ:)

(વાંચો લેખાંક-૨ ઉદ્યોગ-ધંધાની ખરાબ પ્રૅક્ટિસ અર્થતંત્ર માટે વિષચક્ર સમાન!)

(વાંચો લેખાંક-૩: અર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે?)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

4 comments

મિહિર પારેખ 15/07/2019 - 10:50 AM

સરસ લેખ લખ્યો છે.

Reply
Jaywant Pandya 19/07/2019 - 12:20 AM

આભાર મિહિરભાઈ.

Reply
એમ. એમ.‌ લાલસેત્તા. 16/07/2019 - 5:07 AM

વાહ, જયવંત. નરી વાસ્તવિકતા રજૂ કરી છે. મારા હાર્દિક અભિનંદન.‌

Reply
Jaywant Pandya 19/07/2019 - 12:19 AM

આભાર લાલસેત્તાસાહેબ.

Reply

Leave a Comment