Home » ટ્રાફિક લેખ-૧: ડંડા વગર કાયદો પાળવો કેમ પસંદ નથી?

ટ્રાફિક લેખ-૧: ડંડા વગર કાયદો પાળવો કેમ પસંદ નથી?

by Jaywant Pandya

સબ હેડિંગ: આ પહેલા લેખમાં સરકારની વાત. આ દેશમાં બધા એમ માનતા હતા કે કાયદા તો હોય. પાળે કોણ? કાયદો નહીં પાળવામાં અને કેવી રીતે છટકબારી શોધી તેને ન પાળ્યો તે કહેવામાં લોકો ગર્વ લેતા. એટલે ટ્રાફિક નિયમો હોય કે બીજા કોઈ કાયદા, લોકોને કેટલાંક વર્ષો તકલીફ રહેવાની.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૨/૯/૧૯)

એક ભાઈએ તેમની દીકરીને આદેશ કર્યો, “નાનકી તારે કાલથી ઘરમાં અને બહાર સ્કાર્ફ અને સ્વેટર પહેરીને જ ફરવાનું છે. તને કાયમ શરદી રહે છે. ડેન્ગ્યુ થવાની શક્યતા પણ ખરી.” નાનકી કહે, “પણ ઘરમાં કેમ? અત્યારે તો ભાદરવો છે.” ભાઈ કહે, “ના. નહીં ચાલે. તને શરદી બહુ થાય છે. તારી તબિયતનું હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? તારી માને તો તારી કંઈ પડી નથી.” નાનકીની મા કહે, “પણ તમે ઘરમાં આઈસક્રીમ, સોડા વગેરે લાવીને ફ્રિજમાં ભરી દો છો. તેના કારણે નાનકીને શરદી થાય છે. ભાદરવામાં સ્કાર્ફ-સ્વેટર પહેરશે તો ગરમીથી મરી જશે, બિચારી.” એટલામાં ભાઈને જ છીંક આવી. નાનકી બોલી ઊઠી, “પપ્પા, મફલર લાવી આપું?” ભાઈ કહે, “ના. મને કંઈ નથી થયું.”

આવી જ સ્થિતિ નીતિન ગડકરીની છે. પોતે હેલમેટ પહેર્યા વગર સ્કૂટર ફેરવે (કારણકે તો ફોટા ન આવે) અને ટ્રાફિક દંડ એટલા જબરદસ્ત ફટકારી દીધા કે જનતાની રાડ ફાટી ગઈ છે. (એક વાત નોંધી? વડા પ્રધાન સહિત કોઈ પ્રધાને ગડકરીના આ કાયદાની પ્રશંસા નથી કરી. અને ઉલટું ભાજપી રાજ્યોમાં જ દંડ ઘટાડી દેવાયો છે!) એ સ્વીકાર્ય અને મેં તો વિવિધ મંચ પરથી ટ્રાફિક સેન્સ વિશે એટલું લખ્યું પણ છે. ટ્રાફિક નિયમો પાળવા બાબતે સરકાર કડક થઈ તે મને ગમ્યું છે. અમદાવાદમાં ફૂટપાથ સહિત અનેક જગ્યાએ ગેરકાયદે દબાણ હતું જે ગયા વખતે હટાવાયું હતું તે પછી અને આ નવા ટ્રાફિક નિયમો ૧૬ સપ્ટેમ્બરથી લાગુ થયા પછી માર્ગો પર રીતસર ફરક જોઈ શકાય છે. ભય વિના પ્રીતિ નાહીં. સંવેદના સાથે કાયદાનો કડક અમલ કરવામાં આવે તે અનિવાર્ય અને સમયની માગ છે.

આ દેશમાં કાયદો ખિસ્સામાં લઈને ફરનારા મોટા મહાનુભાવોથી લઈને સામાન્ય જનતા સુધી હતા. આજે પણ છે. કાયદો તોડતા પકડાયા તો પૈસા આપીને કે ઓળખાણથી છૂટી જશું તેવું માનતા હતા. એટલે ચોરી, બળાત્કારથી લઈને ટ્રાફિક સુધી કોઈ કાયદાનો કોઈ ભય જ નહોતો. અને એટલે પૂરા દેશમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. લોકો કાયદો તોડવામાં અને તે કઈ છટકબારીથી તોડ્યો તેની વાતો કહેવામાં ગર્વ અનુભવતા. બહુ બહુ તો સામાન્ય માણસ દંડાતો. ચોર પકડાય તો ય નાનો ચોર પકડાતો. કોઈ નેતાને જેલ થઈ હોય તેવું બનતું નહોતું. પરંતુ ચિદમ્બરમ્ જેવા ચિદમ્બરમને જેલમાં પૂરનાર નરેન્દ્ર મોદીએ કૈલાસ વિજયવર્ગીય જેવા પ. બંગાળમાં ભાજપને બીજા ક્રમે લાવી દેનાર મોટા નેતાના પુત્ર આકાશ વિજયવર્ગીયને પણ માફ ન કર્યો તો બીજાની ક્યાં વાત છે. શરૂઆત ઘરથી જ કરવી પડે. ગત મુદ્દતમાં રાજનાથના દીકરા પંકજસિંહની પણ કથિત ભ્રષ્ટાચારની વાત આવી ત્યારે તેમ કરતા મોદીએ સૂચના આપી હોવાનો કિસ્સો આવ્યો હતો. જાસૂસી તો પોતાના પર પણ કરવી પડે કારણકે સત્તા મળે ત્યારે પારકા કરતાં, પોતાના લોકો પડખે ચડીને નામ વટાવીને ભ્રષ્ટાચાર કરવા માંડે, સત્તાનો દુરુપયોગ કરવા માંડે એ આપણે સંજય ગાંધી અને ભાજપના મુખ્યપ્રધાનોના જમાઈઓના કથિત કિસ્સાઓમાં સાંભળ્યું જ છે.

એટલે ટ્રાફિકમાં પણ દંડ થાય તો પરચૂરણનો ઢગલો આપી દેવો (વર્ષો પહેલાંની અમદાવાદની વાત છે), મેમો બુક લઈને નાસી જવું, ટ્રાફિક હવાલદાર પર હુમલો કરવો વગેરે અનેક કિસ્સાઓ બને છે. પેલાને હેલમેટ વગર જવા દીધો અને મને જ કેમ પકડ્યો? ટ્રાફિક હવાલદાર એક કે બહુ બહુ તો ત્રણ હોય. એ ત્રણ જણા પકડી શકવાના તો ત્રણ જ સ્કૂટરને. તો કોઈક છૂટી પણ જાય. આપણે ત્યાં આ બહુ મોટી તકલીફ છે. પેલો ખોટું કરે છે તો મને ય કરવા દો. ફિલ્મોમાં અશ્લીલતા આવશે તો તેના કલાકારો ટીવીની વાત કરશે. ટીવીવાળા વેબસીરિઝની અને વેબસીરિઝવાળા પૉર્ન વેબસાઇટની. સરવાળે, આખું કુચક્ર ચાલતું જ રહે. એટલે નિયમો કડક ન હોવાના કારણે તમે જતા હો ત્યારે ગમે ત્યારે સાઇડ બતાવ્યા વગર બરાબર તમને અડીને તમારી ડાબી બાજુથી અચાનક જમણી બાજુ કે તમારી જમણી બાજુથી અચાનક ડાબી બાજુ સાઇકલ, સ્કૂટર, રિક્ષાથી લઈને કાર સુધીનાં વાહનો નીકળી જાય. (ગઈ કાલ સુધી જે લોકો સ્કૂટર ચલાવતા તેઓ આજે સ્ટેટસ માટે કારમાં ફરવા લાગે તો સ્કૂટરવાળી ટેવ તો ન જ બદલાય. ચાલુ કારે ગમે ત્યારે દરવાજો ખોલી પાનની પીચકારી મારી દેવી.)

ડાબી બાજુ વળવાનું હોય અને આગળ વાહનો ઊભાં હોય, સિગ્નલ પર ટાઇમર મહત્તમ ૬૦ સેકન્ડ બતાવતું હોય તોય પાછળથી હૉર્ન પર હૉર્ન મારી આગળનાં વાહનોને સ્ટોપના સંકેતથી આગળ ઊભા રહેવા ફરજ પાડશે. જેમ કકળાટિયા માણસથી ત્રાસીને તેની વાત માની લેવામાં આવે તેમ આ સતત હૉર્નના ત્રાસથી ઘણા ખસી જતા હોય છે. પરંતુ એક મિનિટ ખમવાની ધીરજ પણ માણસમાં નથી રહી. (આ હૉર્ન માટે કડક કાયદો ક્યારે?) આવી જ ધીરજનો અભાવ રાહદારીઓમાં છે. રસ્તો ઓળંગતી વખતે તે જોશે નહીં કે તે જે બાજુથી રસ્તો ઓળંગે છે તે સિગ્નલ ખુલવામાં જ છે. સિગ્નલ ખુલશે એટલે પોતે હાથ બતાવીને નીકળશે. તે પણ હાથીની મદમસ્ત ચાલે. હવે ટ્રાફિક એટલો થઈ ગયો છે, ગરમી પણ એવી છે અને એમાં આ હેલમેટનો નિયમ તો ૨૦૦૬થી અમદાવાદમાં કડક રીતે છે, અને સમયની મારામારી પણ એટલે દરેકને સિગ્નલ ખુલે તે પહેલાં નીકળી જવું હોય. પરંતુ આવા રાહદારીના કારણે અટકી જવું પડે.

ક્યાંક ચાર રસ્તે જો ટ્રાફિક હવાલદાર ન હોય તો વાહનવ્યવહાર કેવો અટકી જાય છે તે પણ આપણે જાણીએ જ છીએ. બધા પોતાની સાઇડેથી નીકળવા જાય અને સરવાળે કોઈ નીકળી ન શકે. આવી સ્થિતિમાં કોઈ ભલો નાગરિક ઉતરીને ટ્રાફિક હવાલદારની ભૂમિકા ભજવે ત્યારે વાહનોને જવાનો માર્ગ મોકળો થાય. આગળ કોઈ વાહન કોઈ આડશ કે બીજા વાહનના કારણે જમણી બાજુ ચાલે છે અને તેના કારણે તમે તેને ઑવરટેક કરી શકતા નથી તે તમારી પાછળવાળો પણ જોશે અને તોય હૉર્ન વગાડી તમારું માથું ફેરવી નાખશે. એક બહેનને પગની તકલીફ. ટેકાની ઘોડી લઈને કારમાંથી ઉતરી રહ્યા હતા. આ જોવા છતાં પાછળનાં વાહનો ટેં ટેં કરવા લાગ્યાં. બોલો, આમાં સામાન્ય બુદ્ધિનો અભાવ ગણવો, સંવેદનાની ઉણપ ગણવી કે ધીરજની અછત? ટ્રાફિકનું ટેન્શન ઘટી જાય તો માણસનો અડધો સ્ટ્રૅસ ઘટી જાય.

આ સ્ટ્રૅસ ક્યારે ઘટે? જ્યારે બધા નાગરિકો ટ્રાફિકના નિયમો પાળે. જરા ધીરજ રાખે. સામેવાળાની સ્થિતિમાં પોતાને મૂકે. પરંતુ આપણે ત્યાં નિયમો અને કાયદાનું પાલન પોલીસ કે કરવેરા અધિકારીઓના ડંડા વગર થતું જ નથી. જ્યારથી અમદાવાદમાં સીસીટીવીનો ઉપયોગ કરીને સિગ્નલ તોડનારા કે સ્ટોપ લાઇનથી આગળ ઊભા રહેનારા કે હેલમેટ નહીં પહેરનારાને ઘરે જ ઇ-મેમો આવવા લાગ્યા ત્યારથી રાત્રે બે વાગે ટ્રાફિક હવાલદાર ન હોય તો પણ લોકો ચાર રસ્તે સિગ્નલ પાળવા લાગ્યા છે. આવું કેમ કરવું પડે છે? ભારતમાં મોટા ભાગના લોકો આવા કેમ છે?

આનું કારણ કાર્યસંસ્કૃતિ છે. અહીં વાત મોટા ભાગના લોકોની છે. બધાની નહીં. કારણકે બધા આવા હોત તો આ દેશ ચાલતો જ નહોત. જો ખાનગી અને સરકારી કાર્યાલયોમાં બાયોમેટ્રિક્સનું બૉક્સ મૂક્યું ન હોત તો સમયે નહીં આવનારો મોટો વર્ગ હતો. આજે કેટલીક ઑફિસોમાં અંદર આવી ગયા પછી બહાર જવામાં પણ કાર્ડ ઘસીને જવાનો નિયમ છે. તમે કેટલી વાર બહાર ગયા તેની નોંધ રહે તેવો નિયમ કેમ કરવો પડ્યો? કારણકે એક મોટો વર્ગ હતો જે કામ કરવાના બદલે બહાર નીકળી જતો હતો, કેન્ટીનમાં બેસી રહેતો હતો કે બીજા વિભાગમાં સહકર્મચારીઓ સાથે ગપ્પાં મારવાં બેસી રહેતો હતો. ખાનગી અને સરકારી ઑફિસોમાં કામ કેમ ઓછું કરવું તે જ રીતસર એક મંત્ર હોય છે. આના લીધે થાય છે શું? કાયદો-નિયમો પાળનારા, પ્રમાણિક, કાર્યનિષ્ઠ અને દક્ષ લોકો પણ દંડાય છે. સૂકા ભેગું લીલું બળે છે…

(ટ્રાફિક નિયમોથી જનતાને કેમ વાજબી ગુસ્સો આવે છે તેની વાત આવતા અંકે)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment