Home » ભારતની વાયુ સેનાએ પોતાના જ દેશમાં કેમ હુમલો કરેલો?

ભારતની વાયુ સેનાએ પોતાના જ દેશમાં કેમ હુમલો કરેલો?

by Jaywant Pandya

સબ હેડિંગ: કૉંગ્રેસના સિદ્ધુ અને દિગ્વિજય જેવા નેતાઓ ભાજપને રાષ્ટ્રવાદના મુદ્દે રમવા મોકળું મેદાન આપી રહ્યા છે. તેઓ બાલાકોટ પર વાયુ સેનાએ વરસાવેલા બૉમ્બની સામે પ્રશ્નો ઉઠાવી પાકિસ્તાનનો જુસ્સો વધારી રહ્યા છે ત્યારે એવી પાંચ ઘટનાની વાત કરવી છે જે જો અત્યારે થઈ હોત તો કૉંગ્રેસે તે ઘટનાઓ મુદ્દે ગામ ગજવી મૂક્યું હોત…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૦૩/૧૯)

પુલવામા હુમલો થયો તેમજ તે પછી બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકૌટી એમ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ભારતીય વાયુ સેનાએ પરાક્રમ કરી આતંકવાદી સ્થાનોને નષ્ટ કર્યાં ત્યારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખૂબ સારું વલણ દાખવ્યું. તેમણે સરકારને ટેકો જાહેર કર્યો. જોકે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સરકારની ટીકા કરેલી જે પાછળથી ખોટી સાબિત થઈ. કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ કૉંગ્રેસે સરકારની કાર્યવાહીને સમર્થન જાહેર કર્યું.

પરંતુ વાયુ સેનાની જબરદસ્ત કાર્યવાહી પછી જ્યારે પાકિસ્તાન વિશ્વમાં એકલું પડી ગયું હતું ત્યારે નવજોતસિંહ સિદ્ધુએ (પેલી કહેવત મુજબ, કે ઉપાસના પદ્ધતિ બદલી હોય તો વધુ વાર પૂજા કરે) પાકિસ્તાન પ્રેમ બતાવવો શરૂ કર્યો. યુદ્ધ ઉપાય નથી, ઈમરાન તો શાંતિ દૂત છે, તમે બૉમ્બમારો કરી આતંકવાદી માર્યા કે ઝાડનો નાશ કર્યો જેવાં વાહિયાત નિવેદનો કર્યાં. આ જોઈ દિગ્વિજયસિંહને લાગ્યું કે નવજોત તો તેમનું સ્થાન લઈ લેશે એટલે તેમણે પાંચ માર્ચે પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી. વિવાદ થયો તો પણ તેઓ ‘દુર્ઘટના’ શબ્દને વળગી રહ્યા. જો આ હુમલો ‘દુર્ઘટના’ હોય તો ઈન્દિરાજીનું નિધન કે રાજીવજીનું નિધન પણ ‘દુર્ઘટના’ ગણાય ને? ૨૦૦૮નો મુંબઈ હુમલો પણ ‘દુર્ઘટના’ જ ગણાય ને?

આ રીતે કૉંગ્રેસે ભાજપ માટે ૨૦૧૯ની ચૂંટણીમાં મોકળું મેદાન કરી આપ્યું. કૉંગ્રેસના નેતાઓ સાથે ટીવી ડિબેટ પછી મારે વાત થાય છે ત્યારે હું કહું છું કે કૉંગ્રેસ રાષ્ટ્રવાદી પક્ષ હતો પરંતુ આવા નેતાઓના કારણે ઇમેજ ખરડાય છે. તેઓ પણ સ્વીકારે છે અને કહે છે,”શું કરીએ?”

માનો કે આ જ કૉંગ્રેસના નેતાઓ હોય અને અત્યારે કેટલીક ઘટનાઓ બને તો તેમની પ્રતિક્રિયા શું હોત?

ચીન સાથે ભારતનું યુદ્ધ થાય છે. ભારતનો ભૂંડો પરાજય થાય છે. દેશ આખામાં શોકનું અને ગ્લાનિનું વાતાવરણ છે. યુદ્ધના બે જ મહિનામાં દિલ્લીમાં કોઈ એક ટોચની ગાયિકાને બોલાવી ગીતનો કાર્યક્રમ રખાય છે. કોઈ ટોચના ગીતકાર પાસે દેશભક્તિનું લખાવેલું ગીત આ ગાયિકા ગાય છે. વડા પ્રધાનની આંખમાં આંસું આવી જાય છે.

કૉંગ્રેસના નેતા કે તેમના પાળીતા પત્રકારો કહેશે કે વડા પ્રધાન તો યુદ્ધમાં હારી ગયા પછી રોવાનું નાટક કરે છે. અથવા કહેશે કે યુદ્ધમાં હાર્યા પછી બૉલિવૂડની ગાયિકાને બોલાવીને આવા કાર્યક્રમો કરવાના હોય કે સેનાને મજબૂત કરવાની હોય?

પરંતુ ઉપરોક્ત ઘટના સત્ય છે. ચીન સાથેના યુદ્ધમાં પરાજય પછી દિલ્લીમાં સૈનિકોની વિધવાઓ માટે ભંડોળ ઉઘરાવવાના કાર્યક્રમમાં લતા મંગેશકરે જ્યારે કવિ પ્રદીપ રચિત ‘એ મેરે વતન કે લોગોં’ ગાયું ત્યારે નહેરુજીની આંખો છલકાઈ ગઈ હતી. આમાં કોઈ એવી શંકા કરી શકે કે નહેરુજીએ રડવાનું નાટક કર્યું હશે?

બીજી એક ઘટના વિચારો. મિઝોરમમાં દુષ્કાળ પડે છે. આસામ મદદ કરતું નથી. મિઝોરમના લોકોને લાગે છે કે કેન્દ્ર સરકાર પણ અમારી ઉપેક્ષા કરે છે. તેઓ બળવો પોકારે છે. સરકારી ઈમારતોને લક્ષ્ય બનાવે છે. સરકારી કર્મચારીઓ ભાગીને આસામ ચાલ્યા જાય છે. સૈન્ય કાર્યવાહી પણ સફળ નથી થતી. વડા પ્રધાનને પોતાના જ પક્ષની અંદર તકલીફ છે. અનેક લોકો તેમની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન પોતાના જ દેશના એક પ્રદેશમાં વાયુ સેનાને ત્રાટકવાનું કહે છે. વાયુ સેના ત્રાટકે છે પરંતુ તેમાં કેટલાક નાગરિકોનાં મૃત્યુ પણ થાય છે.

વર્તમાન કૉંગ્રેસના નેતાઓએ આવી કાર્યવાહીની કેટલી અને કેવી-કેવી ટીકા કરી હોત, વિચારો તો ખરા! આપણા વડા પ્રધાન પાકિસ્તાન સામે તો લડી શકતા નથી પણ પોતાના જ દેશના ‘નિર્દોષ’ લોકો પર બૉમ્બ વરસાવે છે. બિચારા મિઝોરમના લોકો દુષ્કાળથી પીડાય છે તે ઓછું હતું તો વાયુ સેના પાસે હુમલો કરાવ્યો? પોતાના પક્ષમાં વિરોધને ડામવા રાષ્ટ્રભક્તિનું નાટક કરે છે.

પરંતુ ઉપરોક્ત ઘટના સત્ય છે. લાલબહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ પછી ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન બનેલાં ત્યારે તે વખતે આસામના એક જિલ્લામાં મિઝોરમમાં દુષ્કાળ પડેલો. ૧૯૫૯ના વર્ષમાં વાંસના જંગલમાં ફૂલ ખીલેલાં. તેને ખાવા ઉંદરો આવવા લાગ્યા. અનેક દાયકાઓ પછી ખિલતાં આ ફૂલ ખાવાથી તેમની પ્રજનનશક્તિ વધી ગઈ. ઉંદરોની સંખ્યા અતિશય વધી ગઈ અને તેમણે ગોદામો અને ઘરોનાં અનાજને સફાચટ કરી નાખ્યું. કેન્દ્ર સરકાર ધ્યાન આપવામાં મોડી પડી. ત્યાં સુધીમાં ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓની મિલિભગતથી અનાજના કાળા બજાર થવા લાગ્યા. લોકો અનાજના એકએક દાણા માટે તરફડતા હતા. આવા સમયે આસામ સરકારના એક પૂર્વ એકાઉન્ટન્ટે લોકોને સંગઠિત કરીને રાહત કાર્યો શરૂ કર્યાં. પછી તેણે મિઝો નેશનલ ફેમિન ફ્રન્ટ બનાવ્યો. તેનું થયું મિઝો નેશનલ ફ્રન્ટ. આ ફ્રન્ટના લોકોએ કેન્દ્ર સરકાર સામે માથું ઉંચકેલું અને સશસ્ત્ર બળવો કરેલો. તેમને મિઝોરમને અલગ દેશ જાહેર કરવો હતો. આ આંદોલનને પાકિસ્તાનની પણ ધન અને હથિયારોના રૂપમાં મદદ મળી રહી હતી. અલગાવવાદીઓ અવારનવાર પૂર્વ પાકિસ્તાન (આજના બાંગ્લાદેશમાં) છુપાઈ જતા હતા. તે વખતે વાયુ સેના દ્વારા હુમલા સિવાય કોઈ ઉપાય જ નહોતો. આથી ઈન્દિરાજીએ પોતાના જ દેશમાં વાયુ સેનાને ત્રાટકવા આદેશ આપેલો. ૧૯૮૬માં રાજીવ ગાંધી સરકારમાં જી. પાર્થસારથીએ આગેવાની લઈ આ અલગાવવાદીઓ સાથે શાંતિ સમજૂતી કરાવી હતી. તે અલગાવવાદી લાલડેંગા પછી રાજ્યના મુખ્ય પ્રધાન થયા. અત્યારે આ એમએનએફ એનડીએનો ઘટક છે.

ત્રીજી એક ઘટના લો. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જાહેર થાય છે. ઇન્ડિયન ઍરલાઇન્સ સાથે જોડાયેલા તમામ પાઇલૉટોની રજા રદ્દ થાય છે, જેથી સૈનિકોને મદદ પહોંચાડી શકાય. માત્ર એક જ વ્યક્તિની રજા મંજૂર થાય છે. આ વ્યક્તિ વડા પ્રધાનના સાવ નિકટના સગા છે. આ વ્યક્તિ તેમના પત્ની અને બે બાળકો સાથે આવી નાજુક સ્થિતિમાં વિદેશ ભાગી જાય છે. આવી સ્થિતિમાં કૉંગ્રેસની કેવી આકરી પ્રતિક્રિયા હોત? રાષ્ટ્રપ્રેમની વાતો કરતા વડાં પ્રધાન પોતાના સગાને રજા આપી દે છે. તેમના સગા આવી સ્થિતિમાં ભારતનો સાથ દેવાના બદલે વિદેશ ભાગી જાય છે…વગેરે વગેરે.

પરંતુ આ ઘટના સત્ય છે. કંચન ગુપ્તા નામના વરિષ્ઠ પત્રકારે નોંધેલી આ ઘટના છે. આ વડાં પ્રધાન એટલે ઈન્દિરા ગાંધી. તેમના નિકટના સગા એટલે રાજીવ ગાંધી. આ જ પ્રકારે ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીનો પરાજય થયો ત્યારે સોનિયા ગાંધી પતિ રાજીવ ગાંધી અને બાળકો સાથે દિલ્લીમાં આવેલા ઈટાલીના દૂતાવાસમાં રહેવા ચાલ્યાં ગયેલાં! ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીએ ખૂબ સમજાવ્યાં કે આપણને કંઈ નથી થવાનું ત્યારે તેઓ ઘરે પાછાં ફરેલાં! રાહુલ ગાંધી પણ ૨૦૧૫ના બજેટ, રાજ્યની ચૂંટણી પત્યા પછી, જીએસટી જેવા સંસદના મધરાત્રિના સત્ર વખતે કે પછી સંસદમાં નીરવ મોદીના કૌભાંડનો મુદ્દો ચગ્યો હોય ત્યારે ગાયબ અથવા દેશની બહાર હોય છે. ૨૦૧૧ પછીથી સોનિયા ગાંધી પણ વારંવાર અમેરિકા જતાં હતાં અને એમ કહેવાતું હતું કે તેઓ બીમાર છે તેથી અમેરિકા જાય છે, પરંતુ યુપીએ વખતે વાસ્તવમાં સત્તાની ધૂરી જેમની પાસે હતી તે સોનિયા ગાંધીને કઈ બીમારી છે તે ક્યારેય જાણવા નથી મળ્યું.

આ ચોથી ઘટના લો. વડા પ્રધાન ખૂબ જ પ્રમાણિક હોવાની છબી ધરાવે છે, પરંતુ વડા પ્રધાન બન્યા પહેલાં તેઓ પ્રસિદ્ધિથી સાવ દૂર રહેતા હતા. પરંતુ વિકિલિક્સ (નામ તો યાદ જ હશે)ના ઘટસ્ફોટમાં બહાર આવે છે કે વડા પ્રધાન બન્યા પહેલાં આ વ્યક્તિએ શસ્ત્રોના સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. વિચારો, કૉંગ્રેસની પ્રતિક્રિયા અત્યારે કેવી હોત? રાફેલના મુદ્દે કોઈ જડબેસલાક પુરાવા ન હોવા છતાં ગજવે છે, અત્યારે ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં અમેરિકાના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના એક અહેવાલમાં કહેવાયું છે કે ભારતીય સેના પાસે દસ દિવસ ચાલે તેટલો જ દારૂગોળો છે તે વાતને ચગાવાય છે તો પછી આ વિદેશી વિકિલિક્સની વાત કેટલી ચગાવાઈ હોત?

આ ઘટસ્ફોટ પણ સત્ય છે. વિકિલિક્સે વર્ષ ૨૦૧૩માં ઘટસ્ફોટ કર્યો હતો. આ ઘટસ્ફોટમાં અમેરિકી દૂતાવાસે પોતાના દેશમાં મોકલેલી માહિતીને ટાંકીને કહેવાયું હતું કે રાજીવ ગાંધી વડા પ્રધાન નહોતા ત્યારે ૧૯૭૦ના દાયકામાં તેમણે શસ્ત્રોના સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. સ્વિડિશ કંપની સાબ સ્કેનિયાએ તેના વિજેન ફાઇટર જેટ વેચાય તે માટે રાજીવ ગાંધીને રોક્યા હતા. આ માહિતી મુજબ, તે વખતે રાજીવ ગાંધી રાજકારણથી દૂર હતા. તેઓ કૉમર્શિયલ પાઇલૉટ હતા. પરંતુ સાબ સ્કેન્ડિયાએ તેમને મુખ્ય વાટાઘાટકાર તરીકે રાખ્યા હતા. તેમને તેમની માતા ઈન્દિરા ગાંધી સુધી પહોંચવાનું સરળ હોવાથી તેમને આ માટે ‘કિંમત’ ચુકવાઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીનું નામ પછી બૉફોર્સ તોપ સોદામાં પણ આવ્યું હતું જેના પગલે તેમણે ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં હાર મેળવી હતી. આ વિકિલિક્સ મુજબ, કિસિંજર કેબલ તરીકે ઓળખાતા અમેરિકાના દૂતાવાસની માહિતીમાં આક્ષેપ કરાયો હતો કે ઈન્દિરા ગાંધીએ ૧૯૭૦ના દાયકામાં પોખરણ પરમાણુ પરીક્ષણો પોતાના ઘરેલુ રાજકારણમાં મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા કરેલાં. તે વખતે મંદી હતી, લોકોમાં અસંતોષ વધી રહ્યો હતો અને રાજકીય પક્ષો પણ જબરદસ્ત વિરોધ કરી રહ્યા હતા. અમેરિકી કેબલ અનુસાર, તે વખતે યુદ્ધની કોઈ પરિસ્થિતિ નહોતી કે પરીક્ષણો કરવાં પડે. હર્ષોલ્લાસ અને રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જવા અને ઉપરોક્ત મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા આવી કાર્યવાહી કરાઈ હતી. અમેરિકા તો કહે, પરંતુ આવી વાત સાચી મનાય? પરંતુ અત્યારે જો આવી ઘટના બની હોય તો કૉંગ્રેસ જરૂર સાચી માની લે.

હવે આ પાંચમી અને અંતિમ ઘટના. વડા પ્રધાન પદ પર રહી ચૂકેલી મોટા ગજાની વ્યક્તિ ગુજરી જાય છે. વડા પ્રધાન એ પૂર્વ વડા પ્રધાનના ફોટાનો ચૂંટણી પ્રચારમાં મોટા પાયે ઉપયોગ કરે છે. તો તેમની ટીકા કૉંગ્રેસ અત્યારે કેવી કરે? (જવાનોના ફોટા સંદર્ભમાં કરે જ છે.) પરંતુ આ વાત પણ સાચી છે. ઈન્દિરાજીની ૧૯૮૪માં તેમના અંગરક્ષકોએ હત્યા કરી. તે પછી રાષ્ટ્રપતિ જૈલસિંહે મંત્રીમંડળના સૌથી વરિષ્ઠ વ્યક્તિને વડા પ્રધાન બનાવવાના શિરસ્તાને તોડીને ઈન્દિરાપુત્ર રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવ્યા. તે વખતે ચૂંટણીમાં ઈન્દિરાજીની ‘શહીદી’નો ભરપૂર ઉપયોગ કરાયો હતો. પૉસ્ટરમાં લખાયું હતું:

“ઈન્દિરાજી કી અંતિમ ઈચ્છા, બુંદ બુંદ સે દેશ કી રક્ષા”

આવા સંદેશા સાથે ૨૫ લાખ પૉસ્ટર અને એક લાખ કાપડનાં બેનરો દેશભરમાં લગાડવામાં આવ્યાં હતાં. કહેવાની જરૂર નથી કે એ ચૂંટણી રાજીવ ગાંધી ન ભૂતો ન ભવિષ્યતિ જેવી તોતિંગ બહુમતી સાથે જીત્યા હતા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment