Home » ‘સેક્યુલર’ ભારતમાં આ ઘોંઘાટ ક્યારે શાંત થશે?

‘સેક્યુલર’ ભારતમાં આ ઘોંઘાટ ક્યારે શાંત થશે?

by Jaywant Pandya

સબ હેડિંગ: પ્રયાગરાજ યુનિવર્સિટીનાં ઉપ કુલપતિ પ્રૉ. સંગીતા શ્રીવાસ્તવે કલેક્ટરને પત્ર લખી ફરિયાદ કરી કે વહેલી સવારે મસ્જિદ પરથી થતી અઝાનથી તેમની ઊંઘ ખરાબ થાય છે. આ કારણથી પંથીય સ્થાનો પરથી થતા ઘોંઘાટનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તકલીફની વાત તો એ છે કે વર્ષ ૨૦૦૦માં સુપ્રીમે આપેલા ચુકાદાને બધાં ઘોળીને પી ગયા છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૧/૦૩/૨૦૨૧)

મસ્જિદો પરથી લાઉડ સ્પીકરમાં ગવાતી અઝાન ફરીથી ચર્ચાનો વિષય બની છે. આ વખતે કારણ છે પ્રયાગરાજ (હજુ પણ તેના માટે અલ્હાબાદ લખાય છે) યુનિવર્સિટીનાં ઉપ કુલપતિ પ્રૉ. સંગીતા શ્રીવાસ્તવનો કલેક્ટરને પત્ર.

ત્રણ માર્ચે લખેલા પત્રમાં સંગીતાજીએ ફરિયાદ કરી છે કે પ્રતિ દિન સવારે લગભગ સાડા પાંચ વાગે અલસુબહ મસ્જિદમાં અઝાન થાય છે. તેના અવાજથી ઊંઘમાં ખલેલ પડે છે. ખલેલ એટલી બધી પડે છે કે તેઓ બધા પ્રયાસો છતાં સૂઈ શકતા નથી. આના કારણે આખો દિવસ માથાનો દુઃખાવો રહે છે અને કામકાજને અસર પડે છે. તેમણે પત્રમાં એક કહેવતનો ઉપયોગ કર્યો છે જે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવે છે. તેમણે લખ્યું કે “તમારી સ્વતંત્રતા જ્યાં મારું નાક શરૂ થાય છે ત્યાં પૂરી થઈ જાય છે.” તેમણે લખ્યું કે તેઓ કોઈ સંપ્રદાય, વર્ગ કે જાતિ વિરુદ્ધ નથી. અઝાન લાઉડસ્પીકર વગર પણ કરી શકાય છે.

ઉપ કુલપતિએ પત્રમાં વધુમાં લખ્યું કે ઈદ પહેલાં સહરીની ઘોષણા સવારે ચાર વાગે થશે. તે પણ બીજાની મુશ્કેલીઓનું કારણ બનશે.

ઉપ કુલપતિ જેવા હોદ્દા પર આરૂઢ અને તેમાં પણ મહિલાના પત્રથી ઉત્તર પ્રદેશના તંત્રમાં ખળભળાટ મચી ગયો. પોલીસ સંબંધિત મસ્જિદમાં પહોંચી ગઈ અને લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરાવ્યો.

આ અગાઉ સોનુ નિગમે પણ આવો જ સૂર વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું જેના કારણે હિન્દી ફિલ્મ જગતના ડાબેરી અને હિન્દુ વિરોધી કલાકારો તેની વિરુદ્ધ પડ્યા હતા. સોનુ નિગમે ટ્વીટમાં એ અર્થનું લખ્યું હતું કે અઝાનથી ઊંઘમાં ખલેલ પડે છે અને આ તો પોતાનો સંપ્રદાય બીજા પર પરાણે થોપવા જેવી વાત છે. (This is forced religiousness) તેણે લખ્યું કે “ભગવાન બધાનું ભલું કરે. હું મુસ્લિમ નથી અને મારે સવારે અઝાનના અવાજથી ઊઠી જવું પડે છે. ભારતમાં આ પરાણે થોપવામાં આવતી સાંપ્રદાયિકતા ક્યારે સમાપ્ત થશે?”

“જ્યારે મોહમ્મદ સાહેબે ઇસ્લામની સ્થાપના કરી ત્યારે વીજળી નહોતી. મારે આ બેસૂરો ઘોંઘાટ શા માટે સાંભળવાનો?” તેણે એમ પણ લખ્યું કે “લોકોને ઉઠાડવા વીજળીનો ઉપયોગ કરતાં કોઈ પણ મંદિર કે ગુરુદ્વારામાં પણ હું નથી માનતો.” આગળ જતાં તેણે એમ પણ લખ્યું કે “ગુંડાગર્દી હૈ બસ.” આના વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળના એક મુસ્લિમ પંથગુરુએ ફતવો બહાર પાડ્યો કે જે પણ સોનુ નિગમનું માથું મુંડી નાખશે તેને રૂ. ૧૦ લાખનું ઈનામ મળશે.

આવો ફતવો બહાર પાડનારની ધરપકડ થવી જોઈતી હતી પરંતુ ધરપકડ તો શું, અટકાયત થયાનું પણ સમાચારમાં ક્યાંય જાણ્યું નથી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર આવું જોખમ થોડું લે? મુસ્લિમ મત બૅન્કનું શું થાય?

જોકે પછી સોનુ નિગમે પોતે જ મુસ્લિમ હૅરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમ પાસે પોતાનું માથું મુંડાવી નાખ્યું.

પરંતુ આ ભારત છે. તેના બંધારણમાં ‘સેક્યુલર’ શબ્દ લખાયો છે, પણ કહેવા પૂરતો જ સેક્યુલર દેશ છે. અહીં ચોક્કસ પંથોની દાદાગીરી મત બૅન્કના કારણે અને સામૂહિક ગુંડાગીરીના કારણે ચલાવી લેવાય છે. એ જ કારણ છે કે હિન્દુવાદી ભાજપ સરકારો પણ તેને રોકવામાં નિષ્ફળ ગઈ છે.

આ લેખક જ્યાં રહે છે ત્યાં આસપાસ ચાર કિલોમીટરમાં ક્યાંય મસ્જિદ નથી. પરંતુ થોડા મહિનાઓ પહેલાં વહેલી સવારે એક નહીં પણ અનેક મસ્જિદોમાં આગળ-પાછળ અઝાનના બેસૂરા અવાજો સંભળાવા લાગ્યા. કૉરસમાં એટલે કે એક સાથે ગવાય અને તે પણ મધુર સ્વરમાં તો સારું પણ લાગે, પરંતુ આ તો આગળ-પાછળ અને બેસૂરા સ્વરમાં. ઊંઘ બગડે. છેવટે સૉશિયલ મિડિયા પર સરકારને અને પોલીસને ટાંકીને લખ્યું. તે પછી હવે સંભળાતા નથી. પણ વિચારો! ચાર કિલોમીટરથી વધુ દૂર વિસ્તારોમાં અવાજ સંભળાય અને તો પણ ઘોંઘાટ લાગે એટલું ફૂલ વૉલ્યૂમ! એટલું રાગડા તાણીને ગવાય! તો આજુબાજુ જે મુસ્લિમો રહેતા હશે તેમની શું સ્થિતિ થતી હશે? નવરાત્રિમાં આજુબાજુ અલગ-અલગ રીતે માઇકમાંથી ગરબા ચાલતા હોય ત્યારે પણ ઘોંઘાટ સહન નથી જ થતો. પરંતુ તેમાં એક સુખ એ હોય છે કે રાત્રે દસ કે બાર વાગે તે પૂરું થઈ જાય છે. પોલીસ બંધ કરાવી દે છે. અને નવરાત્રિ માત્ર આસો મહિનાના નવ દિવસ પૂરતી હોય છે. અઝાન તો વર્ષના તમામ દિવસ ગવાતી હોય છે.

સંગીતાજીએ પત્ર લખ્યો એટલે સામે શિયા પંથગુરુ મૌલાના સૈફ અબ્બાસે કહ્યું કે અઝાન તો બેથી ત્રણ મિનિટની હોય છે. વધુમાં વધુ પાંચ મિનિટ. જો તેમણે (સંગીતાજીએ) સવારની આરતી અને કીર્તન સામે પણ ફરિયાદ કરી હોત તો મુદ્દો સમજાત. પરંતુ માત્ર અઝાન માટે ફરિયાદ કરતો પત્ર લખવો યોગ્ય નથી. સુન્ની પંથગુરુ મૌલાના સુફિયાન નિઝામીએ કહ્યું કે સંગીતાજી જે શહેરના છે ત્યાં કુંભ પણ થાય છે. આખો મહિનો લાઉડસ્પીકર પરથી અવાજો આવે છે. રસ્તાઓ બંધ કરી દેવાય છે. પરંતુ કોઈ મુસ્લિમે ક્યારેય પત્ર નથી લખ્યો. કાંવર યાત્રા નીકળે છે. હોળીના પ્રસંગે રસ્તાઓ બંધ કરી દેવાય છે. લાઉડસ્પીકર પણ વાગે છે. કોઈ મુસ્લિમે કોઈ પત્ર લખ્યો નથી.

કોઈ પણ પંથ કે સંપ્રદાય હોય, લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરાવી દેવો જોઈએ. બીજા પંથના લોકો શા માટે તે પરાણે સાંભળે? વળી, વડીલો જેમને બી. પી. હોય, માથું દુઃખતું હોય, વિદ્યાર્થીઓને વાંચવાનું હોય, ટાઇમ પિરિયડમાં રહેલી મહિલાઓને તકલીફો હોય, કોઈને પોતાના આરામ માટે ટી.વી. જોવું હોય કે ગીતો સાંભળવાં હોય તો તેમને મુશ્કેલી પડે. કોઈ વ્યક્તિ હાથ વીંઝવા માગતો હોય તો તે તેમ કરવા સ્વતંત્ર છે પરંતુ એ હાથ બીજા વ્યક્તિના ગાલ પર પડે કે શરીર પર માર રૂપે પડે તો તે ચલાવી લેવાય નહીં. આ જ રીતે પંથ કે સંપ્રદાયની બાબતો અંગત જ હોવી જોઈએ. હવે જનસંખ્યા અને તેના કારણે વાહનોની સંખ્યા એટલી વધી ગઈ છે કે ટ્રાફિકની સમસ્યા પારાવાર થઈ ગઈ છે. આવામાં રાજકારણીઓના રૉડ શો, આંદોલનો, સભાઓ, પંથ-સંપ્રદાયનાં આયોજનો વગેરેથી રસ્તાઓ છાશવારે બંધ રહે તેનાથી પેટ્રોલ-ડીઝલ કેટલું બળે? લોકોને તેમની ઑફિસ-ધંધાના સ્થળે પહોંચવામાં કેટલું મોડું થાય?

ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જનના દિવસે લોકો સરઘસ કાઢે છે. તેમાં દેખાડો વધી ગયો છે. એટલે તેમાં કેટલાક તો દારૂ પીને ધમાલ પણ મચાવે છે. તો વળી મોટા ભાગે તેમાં ડીજે મોટા અવાજે વગાડતા હોય છે. ડીજેમાં પણ પાછાં ગણેશ સ્તુતિ વગેરે હોય તો સમજાય પરંતુ હિન્દી ફિલ્મોના આઇટમ ગીતો વગાડાય છે. આ શું ઉપાસના છે? ભક્તિ છે? દરેક પંથની કથામાં ઈશ્વર મૌન અંતરાત્માની વાત સાંભળી લે છે તેવું આવે છે. પ્રાર્થના કરતી વખતે આપણે કંઈ માગીએ તો બોલતા નથી. મનમાં જ પ્રાર્થના કરીએ છીએ. તો પછી અઝાન, સ્તુતિ, યશોગાન કે ભક્તિસંગીત, સામૈયાનાં ભક્તિગીતોમાં લાઉડસ્પીકર કે ડીજે સંગીતની શું જરૂર પડે? લગ્નમાં પણ આવું જ જોવા મળે છે. વરઘોડા રસ્તા રોકીને ચાલતા હોય છે. તેમાં પણ આઇટમ ગીતો વગાડાતાં હોય છે. ફટાકડા ફોડાતા હોય છે. આજુબાજુથી પસાર થતાં વાહનચાલકો અને લગ્નના હૉલ આજુબાજુ રહેતા લોકોની મુશ્કેલીઓનો પાર રહેતો નથી. વળી, લગ્ન પહેલાં સંગીતના કાર્યક્રમો કરાય તેમાં પણ ફૂલ વૉલ્યૂમે બેસૂરા અવાજે ગાયકો ગાતા હોય છે. વાયુ કે જળ પ્રદૂષણ બાબતે આપણે થોડા ઘણા પણ ચિંતિત થવા લાગ્યા છીએ પરંતુ ધ્વનિ પ્રદૂષણ બાબતે આપણને સહેજ પણ ચિંતા નથી!

આપણને ખબર નથી પરંતુ આપણે ઘરમાં પણ ટીવી ઊંચા અવાજે સાંભળીએ કે ઊંચા અવાજે બોલીએ છીએ તેની બીજાને કેટલી ખરાબ અસર થાય છે. એક અભ્યાસ મુજબ, ધ્વનિ પ્રદૂષણથી માત્ર આરોગ્ય પર જ નહીં, વર્તન પર પણ અસર થાય છે. તે ફિઝિયોલૉજિકલ હૅલ્થ પર અસર કરે છે. તેનાથી કાર્ડિયૉવાસ્ક્યૂલર ડિસઑર્ડર, હાઇપરટેન્શન, ઉચ્ચ તણાવ, બધીરતા, ઊંઘમાં ખલેલ સહિત ખૂબ જ વિપરીત અસરો થાય છે. તમે આજુબાજુ અવલોકન કરજો, ઘણાને ધીમા અવાજે બોલાયેલું સંભળાતું નહીં હોય. મોબાઇલમાં પણ કૉલ કે વિડિયો વખતે ઊંચું વૉલ્યૂમ રાખવું પડતું હશે. આ આપણી આજુબાજુ સતત ઘોંઘાટનું પરિણામ છે.

પરંતુ આ બધાં સાંપ્રદાયિક કાર્યક્રમો કે પ્રાર્થના કરતા લોકો અને સરકારો સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૦૦માં સર્વોચ્ચ ન્યાયાલયમાં ચર્ચ ઑફ ગૉડ વિરુદ્ધ કે. કે. આર. મેજેસ્ટિક કૉલૉની વૅલફૅર એસો.નો કેસ આવ્યો હતો. તેમાં ચર્ચ પર આરોપ હતો કે ત્યાં મોટા અવાજે પંથીય કાર્યક્રમો યોજાય છે. તેનાથી કૉલૉનીના લોકો પરેશાન છે. આથી ત્યાંથી આવતા અવાજોને નિયંત્રિત કરવામાં આવે. સર્વોચ્ચ ન્યાયાલય અને ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો હતો કે અવાજ નિયંત્રિત કરાવા જોઈએ. પંથની સ્વતંત્રતા કોઈના મૂળભૂત અધિકારનું હનન ન કરી શકે. જે લોકો અવાજ સાંભળવા નથી માગતા તેમને સાંભળવા માટે વિવશ ન કરી શકાય.

માત્ર મુસ્લિમ, હિન્દુ, ખ્રિસ્તી જ નહીં, જૈનોના સંતોના સામૈયા પણ વહેલી સવારે કે મોડી રાત્રે ઘણી વાર નીકળતા હોય છે. તેમાં પણ બેસૂરા અવાજે અત્યંત હાઇ વૉલ્યૂમ પર પિક્ચરનાં ગીતોની ધૂનમાં ભક્તિ ગીતો ગવાતાં હોય છે. જૈનો તો અહિંસક! તેના કેટલાક મુનિ-સંતો તો માઇકનો ઉપયોગ પણ નથી કરતા હોતા. શું આ પ્રકારનો ઘોંઘાટ એ હિંસા નથી? તો પછી આવા ઘોંઘાટને અનુમતિ કેમ?

ગયા વર્ષે મે મહિનામાં પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે પણ આદેશ આપ્યો હતો કે અઝાન ગાવી તે પંથીય સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ માઇક્રૉફૉન પરથી અઝાન ગાવી તે અધિકાર નથી. આથી માઇક વગર અઝાન ગાવી જોઈએ. ન્યાયાલયે એમ પણ કહ્યું હતું કે રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કોઈ પણ કાર્યક્રમ મોટા અવાજે કરવા માટે સ્થાનિક અધિકારી પાસેથી અનુમતિ મેળવવી પડશે.

તે પછી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હાઇ કૉર્ટના આદેશના પગલે બધા જિલ્લામાં નિર્દેશ આપ્યો હતો કે સાંપ્રદાયિક અને સાર્વજનિક સ્થળો પર કેટલાં લાઉડસ્પીકર મૂકાયેલાં છે અને તેમને વગાડવાની અનુમતિ લેવામાં આવી છે કે નહીં. અનુમતિ વગર જો કોઈ લાઉડસ્પીકર વગાડશે તો તેને ઉતારી લેવામાં આવશે.

પરંતુ સંગીતાજીનો પત્ર જોતાં એમ લાગે છે કે સર્વોચ્ચનો આદેશ, પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ અને યોગી સરકારના આદેશને પંથીય ઉપાસનાનાં સ્થાનો ઘોળીને પી ગયાં છે. ચાહે તે મસ્જિદ હોય કે મંદિર, કે પછી કોઈ ખાનગી સ્થાન, પંથીય ઉપાસનાનું હોય કે લગ્ન હૉલ, કે પછી કોઈના ઘરે થતી ઘોંઘાટવાળી બર્થડે પાર્ટી, આ પ્રકારના બેસૂરા ઘોંઘાટ પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ. જે લોકો સભ્ય બનીને શાંતિથી પોતાના ઘરમાં રહેવા કે કામધંધાના સ્થાને કામ કરવા માગે છે તેમના પર આ પ્રકારની અસભ્યતા થોપાવી ન જોઈએ. જોકે કર્ણાટકના વક્ફ બૉર્ડે નિર્ણય કર્યો છે કે રાત્રે ૧૦થી છ વાગ્યા સુધી મસ્જિદો કે દરગાહ પર લાઉડસ્પીકર વગાડવામાં નહીં આવે. આને વિસ્તારીને દિવસ દરમિયાન પણ તેના પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને માત્ર મસ્જિદો જ નહીં, મંદિરો, દહેરાસરો, ગુરુદ્વારાઓ, ચર્ચો, લગ્ન માટેનાં પાર્ટી પ્લૉટ, હૉલ, એમ બધાંએ આ નિયમનો સ્વેચ્છાએ અને સ્વયંશિસ્તથી અમલ કરવો જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment