Home » ઊગતો સૂર્ય જોવો હોય તો?

ઊગતો સૂર્ય જોવો હોય તો?

by Jaywant Pandya

શું તમે સૂર્યચંદ્રમાં માનો છો?

– હા, માનું છું ને.

સૂર્ય કેવો છે?

– લાલ ગોળા જેવો.

એ સ્થિર છે કે ફરે છે?

– સ્થિર છે. પૃથ્વી ફરે છે.

ના, ના. તમને બ્રહ્માંડનું જ્ઞાન જ નથી. પૃથ્વી ફરતી હોત તો જ્યારે ૧૮૦ અંશ ફરે આપણે પડી કેમ નથી જતા?

– એ તો ગુરુત્વાકર્ષણ બળ જકડી રાખે છે.

જાવ, જાવ. એવું કંઈ હોય? એ ક્યાં દેખાય છે?

– નથી દેખાતું. પણ છે.

– સૂર્ય દેખાય છે તેમ ગુરુત્વાકર્ષણ બળ પણ દેખાવું જોઈએ ને.

– જુઓ. આ બે લોહચુંબક. વિરોધી ધ્રૂવ સામે આવે ત્યારે એકબીજાને કેવા આકર્ષે છે. તેમની વચ્ચે પણ ચુંબકીય ક્ષેત્ર છે. તે ક્યાં દેખાય છે?

તમે તો યાર, ગુરુત્વાકર્ષણ પરથી લોહચુંબક પર આવી ગયા. એ કહો કે આ ચંદ્ર રાત્રે જ કેમ દેખાય? દિવસે કેમ નહીં?

-એનો ઉદય ઘણી વાર તો દિવસે જ થઈ જાય પણ સૂર્યના પ્રકાશમાં આપણું ધ્યાન ન પડે.

એટલે એ  દિવસે પણ હોય  છે?

-હા. પણ દેખાય અંધારામાં રાત્રે જ. ચંદ્ર દેખાવા અંધારું થવું જરૂરી છે.

પણ રાત્રે તો આપણે સૂઈ ગયા હોઈએ તો ચંદ્ર કેમ દેખાવાનો?

– તેને જોવો હોય તો થોડું તો થોડું, પણ ‘જાગવું’ પડે.

એમ નહીં, સહજ સાધ્ય રીતે કઈ રીતે જોઈ શકાય તે કહો.

-સહજ સાધ્ય કશું નથી.

તમે યાર, બહુ ગોળગોળ અને ભેદી જવાબો આપો છો. સમજાતું નથી. અચ્છા, એ કહો કે અજવાળું થાય એટલે સૂર્ય દેખાય કે સૂર્ય ઊગે એટલે અજવાળું થાય?

– બંને સત્ય છે.

ફરી પાછું તમે નરો વા કુંજરો વા જેવું કર્યું. સૂર્યનાં કેટલાં નામો છે? ચંદ્રનાં કેટલાં નામો છે?

– અનેક.

પણ મને તો સૂર્યનું દિનકર નામ જ ગમે. તમને?

– મને આમ તો બધાં જ ગમે પણ આદિત્ય વધુ પસંદ. સવારમાં ૐ હ્રીં ઘૃણિ સૂર્ય આદિત્યાય નમઃ મંત્ર સાથે સૂર્યપૂજા કરું.

પણ હું પૂજામાં નથી માનતો. મને તો લાગે છે કે સૂર્યની ફરજ છે. એ એનું કામ કરે છે.

-હું માનું છું કે એ એની ફરજ બરાબર નિભાવે છે તેથી આપણે એનો આભાર માનવો જોઈએ. વળી, આપણને સવારમાં વિટામીન ડી પણ મળે.

તમે ધર્મ અને વિજ્ઞાનને ભેગું ન કરો. ધર્મને ધર્મ રહેવા દો. વિજ્ઞાનને વિજ્ઞાન.

– એ બંને જુદા છે જ નહીં. તમે જેને વિજ્ઞાન કહો છો તે અને કર્તવ્ય બંને ભેગા થાય એટલે ધર્મ બને.

તમે તો આમાં કર્તવ્ય પણ લઈ આવ્યા. આ બધું બુદ્ધિગમ્ય નથી.

– એના માટે પૂર્વગ્રહ છોડી ચિંતન કરવું પડે.

પૂર્વગ્રહ અને અમને? અમે તો મુક્ત આકાશના પંખી. ઘડીક આ તરફના આકાશમાં ઊડીએ અને ઘડીક બીજા આકાશમાં ઊડીએ. અમારું કોઈ એક ઠેકાણું નહીં.

-એટલે જ ન સમજાય. ઘડીક અહીં અને ઘડીક ત્યાં એમ ડોલ્યા રાખો તો ક્યાંયના ન રહો.

તમે જડ છો. રૂઢિવાદી છો.

– ના. એવું નથી. સૂર્યને ઊગતો જોવો હોય તો પૂર્વ દિશા તરફ ઊભા રહેવું જ પડે. તમે એમ કહો કે તે સમયે હું પૂર્વ નહીં, પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી ઊભો રહીશ તો ન ચાલે. એટલી નિયમબદ્ધતા હોવી જ જોઈએ. તેને તમે જડતા કહો કે રૂઢિવાદિતા, તે અપનાવવી જ પડે. સ્વચ્છંદતાથી ધાર્યું પરિણામ ન મળે.

પણ હું પશ્ચિમ દિશા તરફ ઊભો રહી સૂર્યની પ્રતિક્ષા કરું તો? મને સૂર્ય ન દેખાય?

-દેખાય પણ મોડું થઈ જાય. સવારથી પશ્ચિમ તરફ ઊભા રહી રાહ જુઓ તો પણ સૂર્ય દેખાય જ. અને હા, ડૂબતો સૂર્ય દેખાય.

એ કોઈની તો પૂર્વ દિશા જ હશે ને. એ સમયે બીજા દેશમાં તો સૂર્યોદય જ થતો હશે ને.

-તમને ‘રેશનલો’ ને સમજાવવું અઘરું છે. પણ એક વાક્યમાં એટલું જ કહીશ:

સૂર્ય વહેલો વહેલો જોવો હોય તો જે દેશમાં, જે ગામ/નગરમાં રહેતા હો તેની પૂર્વ દિશા પ્રમાણે જ વિચારવું પડે. બીજા દેશની પૂર્વ દિશા પ્રમાણે જોવા જાવ તો ન દેખાય અને એ રીતે મુસાફરી કરો તો તો ક્યાંય ભટકી જાવ. સમજ્યા?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment