Home » કોરોના વાઇરસનો આવો કેર દસ વર્ષ પછી વર્તાયો હોત તો?

કોરોના વાઇરસનો આવો કેર દસ વર્ષ પછી વર્તાયો હોત તો?

by Jaywant Pandya

સબ હેડિંગ: જો કોરોના વાઇરસની મહામારી આજથી દસ-વીસ વર્ષ પછી આવી હોત તો? તો કેવી ભયંકર સ્થિતિ ફરજિયાત ઘર-વાસ (લૉકડાઉન) દરમિયાન અને તે પછી થઈ હોત? અત્યારે માબાપ તરીકે જે પેઢી છે તેમણે પોતે દરેક સ્થિતિ અને આનાથી ઓછી, પણ મહામારી-વાવાઝોડાં-પૂર વગેરે જોયેલાં છે. વળી પોતે અભાવમાં અગાઉ જીવેલા છે. તેથી તેઓ પોતાની વાત કહીને કિશોરો-યુવકોને સમજાવી શકશે.

સાચે જ. ૮૦ના દશકા જેવી લાગણી થઈ રહી છે. જાણે બધું રિવાઇન્ડ થઈ રહ્યું છે. કોઈ હૉર્ન નથી સંભળાતા. રસ્તાઓ ખાલીખમ છે. ઠંડી હવા આવી રહી છે. બધાં ઘરમાં પરિવાર સાથે કિલ્લોલ કરી રહ્યા છે. ઓછું હોય તેમ આમાં વૉટ્સએપ ભળ્યું છે. વૉટ્સએપમાં સ્માઇલીના કોયડાઓ ઉકેલાઈ રહ્યા છે. કોઈ સંસ્થા પોતાના આદરણીય વ્યક્તિત્વનું પુસ્તક વાંચવા આપીને તેની પ્રશ્નોત્તરી ગોઠવી રહી છે.

દૂરદર્શનની ડીડી નેશનલ ચેનલ પર રોજ સવારે નવ વાગે અને રાત્રે નવ વાગે રામાનંદ સાગરની ‘રામાયણ’નું પુનઃપ્રસારણ થઈ રહ્યું છે. ડીડી ભારતી ચેનલ પર બપોરે બાર વાગે અને રાત્રે સાત વાગે બી. આર.ચોપરાની જગપ્રસિદ્ધ ‘મહાભારત’નું પુનઃપ્રસારણ થઈ રહ્યું છે. ૧૩ વર્ષની ઉંમરે આ ધારાવાહિકો જોયા બાદ ૪૫ની ઉંમરે આ બંને ધારાવાહિકોમાંથી ઘણી નવી વાત-નવા દૃષ્ટિકોણથી જાણવા મળી રહી છે. તેના પ્રથમ હપ્તાઓમાં જ કેટલાં ગૂઢ રહસ્યો કેટલી સરળતાથી પણ અસરકારક રીતે કહી દેવાયાં? ‘રામાયણ’ના પહેલા હપ્તામાં રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને યજ્ઞોપવિત દેવાય છે. આ પેલા દલિતોના નામે ચરી ખાતા વામપંથીઓની દલીલનો ફરી એક વાર છેદ ઉડાડે છે કે યજ્ઞોપવિત માત્ર બ્રાહ્મણોને જ દેવાતી હતી. યજ્ઞોપવિત એટલે શું તે રાજા દશરથ તેમના ચારેય પુત્રોને સમજાવે છે ત્યારે આશ્રમની સાફસફાઈ પણ કરવી પડશે તેમ કહે છે. આ વાત પણ એ દલીલનો છેદ ઊડાવે છે કે અભ્યાસમાં રાજાનાં સંતાનોને સુવિધાઓ મળતી હતી. જાતિભેદ કે વર્ગભેદ હતો. બટુકોએ ગુરુ-ગુરુમાતા અને પોતાના માટે ભિક્ષા માગવી પડશે તેવું રાજા કહે છે ત્યારે ભરત કહે છે કે હું માતા પાસેથી ભિક્ષા લઈ જઈશ ત્યારે રાજા કહે છે કે ભિક્ષા પોતાના સગા-સંબંધી પાસેથી ન માગી શકાય. કૈકેયી આનું કારણ પૂછે છે ત્યારે રાજા પોતે જ સમજાવે છે કે આ એટલ માટે કે ધનવાન બટુકોને તેમના ઘરમાંથી સારી-સારી વસ્તુઓ મળી જાય. તેનાથી નિર્ધન બટુકોમાં હીનતાની ભાવના આવશે. તેનાથી બાળકોમાં સમાનતાની ભાવના કેવી રીતે રહે? કેટલી મોટી વાત! સમાજવાદ અને જે સામ્યવાદની વાત માર્ક્સે કરી હતી તે જાણે કે હિન્દુત્વનો અભિન્ન અંગ હતો. વળી દલિતોના નામે ચરી ખાતા લોકોની એ વાતનો પણ છેદ ઊડે છે કે ગરીબ ઘરના કે નીચી જાતિના લોકોને શિક્ષણ નહોતું મળતું.

કુમળા રાજકુમારોએ પણ કઠોર દિનચર્યામાંથી પસાર થવું પડે છે. તેમને પણ ઉઘાડા પગે ચાલવું પડે છે. તેમને પણ સામાન્ય ભગવાં વસ્ત્રો જ પહેરવાનાં. એ ગુરુકૂળમાં વશિષ્ઠ યોગ, સાત ચક્રો, કુંડલિની શક્તિનું વિઝ્યુઅલી શિક્ષણ આપે છે. વશિષ્ઠ તેમને પહેલાં જ કહી દે છે કે ગુરુ એટલે કે મારા ઉત્તમ ગુણો તમે લેજો. મારા અવગુણોને ગ્રહણ ન કરતા. સૂવાની દિશાની વાત પણ વશિષ્ઠ શીખવાડે છે કારણકે આપણું શરીર પણ ચુંબકીય ગુણો ધરાવે છે. ગુરુકૂળમાં વિદ્યાર્થીઓને ન તો પગરખાં મળે છે, ન તો તડકા-વરસાદમાં છત્રી મળે છે. આનું કારણ એ કે રાજાનાં સંતાનો જ કેમ ન હોય, પણ તેણે કઠોર પરિસ્થિતિને અનુકૂળ થવું પડે તો જ તેનો દેહ મજબૂત અને કઠોર થાય. આજે તો માબાપ પોતાનાં બાળકોને છૂટાં પાડતાં જ સો વાર વિચારે છે. બાળક પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દે છે. પરિણામે બાળકો પોલાં અને પોચાં થાય છે. શાળામાં સાફસફાઈ કરવાની આવે તો વામપંથી મિડિયા હોબાળો કરે છે અને વાલીઓ પણ. લોકભારતી સણોસરા, સાબરમતી ગુરુકૂળ વગેરે અનેક જગ્યાએ દરેક કામ શીખવાડવામાં આવે છે. વિદેશમાં પણ અહીંથી ભણવા ગયેલા યુવાનોને પોતાનાં કામ જાતે જ કરવાં પડે છે કારણકે ત્યાં કામવાળા મળતા નથી. રસોઈ પણ શીખવી પડે છે. પરંતુ અહીંનાં બાળકોને માબાપ પોચટ બનાવીને રાખવા લાગ્યાં છે.

અને એટલે જ એક પ્રશ્ન થાય છે કે જો કોરોના વાઇરસની મહામારી આજથી દસ-વીસ વર્ષ પછી આવી હોત તો? તો કેવી ભયંકર સ્થિતિ ફરજિયાત ઘર-વાસ (લૉકડાઉન) દરમિયાન અને તે પછીની મંદી વખતે થઈ હોત? તે વિચારતાં કંપારી છૂટી જાય છે. આનું કારણ એ છે કે અત્યારે માબાપ તરીકે જે પેઢી છે તેમણે પોતે દરેક સ્થિતિ અને આનાથી ઓછી, પણ મહામારી-વાવાઝોડાં-પૂર વગેરે જોયેલાં છે. વળી પોતે અભાવમાં અગાઉ જીવેલા છે. તેથી તેઓ પોતાની વાત કહીને કિશોરો-યુવકોને સમજાવી શકશે.

આ પેઢીએ દુષ્કાળ વખતે એકાદ કિમી ચાલીને ડંકી પરથી પાણી ભરીને ડોલ ઘરે લાવી છે. કૂવામાંથી પાણી પણ સિંચ્યું છે. રેશનની લાઇનમાં અને જીઇબીનાં બિલની લાઇનમાં તડકામાં ઊભાં છે. વાવાઝોડાં, પૂર, પ્લેગ, ધરતીકંપ અને રમખાણો- આ બધું જ જોયું છે. પરંતુ મિલનેયિમ ચિલ્ડ્રન એટલે કે એકવીસમી સદીમાં જન્મેલાં બાળકોએ આ પૈકી કંઈ જોયું નથી.

આ પેઢીએ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ જોયું છે અને તેના પર રંગીન કાચ લગાવીને રંગીન ટીવી જોવાનો સંતોષ પણ લીધેલો છે. ટીવીમાં ઝરમરિયાં આવી જાય કે ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ’નું પાટિયું આવી જાય તો પણ ધીરજપૂર્વક પ્રસારણ પાછું ચાલું થાય તેની રાહ જોતાં. ટીવી કાર્યક્રમો માત્ર ચાર કલાક આવતા! પડોશીને ત્યાં બાળકો ટીવી જોવા પહોંચી જતા. તે પછી રંગીન ટીવી બીજાના ઘરે આવેલું તે પણ સ્થિતિમાંથી તેઓ પસાર થયેલા છે. અને એ વખતે તેઓ પોતાનાં માબાપ પાસે જીદ નહોતા કરતા કે આપણા ઘરે રંગીન ટીવી આવવું જ જોઈએ. ઘરે ફ્રીજ ન હોય તો સગાં કે પડોશીના ઘરે ફ્રીજમાંથી બરફ લેવા જવું અને ટ્રે પાછી ભરીને મૂકી દેવી આ સ્થિતિ પણ જોયેલી છે. ઘોડાગાડીમાં પણ બેઠેલા છે અને એમ્બેસેડરમાં પણ. એક એક ગામે ઊભી રહેતી એસટીની ખખડધજ બસમાં ગરમીની વચ્ચે બીડી ફૂંકતા ભાભાઓની વચ્ચે બેસીને મુસાફરી કરી છે અને જરૂર પડે પરીક્ષા આપવા વહેલી સવારે બસ અમદાવાદ આવે ત્યારે ત્યાં મળતું દાતણ પણ કરેલું છે. ભણવા અને નોકરી કરવા સાઈકલ સવારી પણ વર્ષોનાં વર્ષ કરી છે. એટલું જ નહીં, ઘરની ચીજવસ્તુની હોય કે પોતાનાં નવાં એક જોડી કપડાંની, ખરીદી તો માત્ર દિવાળી પર જ થાય તે સ્થિતિ અનુભવેલી છે. પાંચ-સાત વર્ષમાં એકાદ વાર કદાચ હૉટલમાં જમવાનું થાય અને બહારના નાસ્તા તો ક્યારેક જ કરાય. અને ખિસ્સાખર્ચી (પોકેટમની શબ્દ ત્યારે નહોતો) માટે જે પૈસા મળે તેનો હિસાબ પણ આપવો પડે.

ઘરના ખબર-અંતર મહિને એકાદ આંતર્દેશીય ભૂરા રંગના પંચોતેર પૈસાની ટિકિટવાળા કાગળમાંથી મળી જતા. બહુ જ અગત્યનું હોય તો એસએમએમ જેવી સાવ ટૂંકી ભાષામાં તાર (ટેલિગ્રામ) થતા. અગત્યનો સંદેશ આપવો હોય તો મુંબઈ કે અમદાવાદના સગા બાજુના ઘરે પહેલાં ટ્રંકકૉલ કરીને સંદેશ આપતા કે ફૉન આવે છે એટલે પડોશી આપણને બોલાવી જાય અને પછી ફૉન પર ટૂંકી વાત કરી લેવાની. તે પછી એસટીડી-પીસીઓ બૂથ થવા લાગ્યા પણ તેમાંય પૈસા બચાવવા રાત્રે ૭.૩૦ પછી ક્વાર્ટર ચાર્જ લાગે અને રાત્રે ૧૦ પછી હાફ ચાર્જ લાગે. તેના માટે પણ લાઇનમાં ઊભા રહેવાનું બને. વાત કરતી વખતે નજર સતત ઉપર લંબચોરસ મીટરમાં ફરતા આંકડાઓ પર હોય! વર્ષે માંડ એક કે બે અને તે પણ હિટ ફિલ્મ જ થિયેટરમાં જોવાનું થતું. માબાપ નાનપણથી બાળકોના નામે બૅન્ક એકાઉન્ટ ખોલાવીને હૅન્ડી પ્લાસ્ટની કે રેડિયોના આકારમાં જે ગલ્લો આવતો તેમાં સિક્કા અને નોટ નાખી પૈસા ભેગા કરીને બચતની ટેવ પાડતાં.

રમતોમાં મોંઘી ચીજો નહોતી, મોટા ભાગે પાંચીકા, થપ્પો દા, પકડાપકડી, નારગેલ, લંગડી, કબડ્ડી, ખો-ખો, આઇસપાઇસ, નદી-પર્વત, લાકડું કે લોઢું, સંગીત ખુરશી, પત્તાં, કેરમ, જેવી રમતો રમાતી.

વાંચવાનો શોખ હોય તો પુસ્તકો ખરીદવા કરતાં પુસ્તકાલયો (લાઇબ્રેરી, યૂ નૉ)માં જઈને લવાજમ ભરીને પુસ્તકો લઈ આવવાનાં. તેમાં અમુક તો ઊભાંઊભાં થોડાંથોડાં વાંચી લેવાનાં. સમાચારપત્ર બાજુવાળાનું હકથી માગી લવાતું અને મેગેઝિન પણ. તેમાંય જો પડોશીને નોકરીસ્થળે લાઇબ્રેરી હોય તો તે ઘરે જે મેગેઝિન લાવે તે આપણને પણ વાંચવા મળે અને વાંચીને નવુંનક્કોર હોય તેવું જ પાછું પડોશીને આપી દેવાનું!

ત્રણ વિડિયો કેસેટ સોસાયટી/ફ્લેટવાળા શૅરિંગમાં લાવતા. અને એવું નહોતું કે જે શૅરિંગમાં લાવ્યા હોય તેમનો જ પરિવાર તે જોઈ શકે. બાળકો માટે તો આખા ફ્લેટમાં કોઈ પણ વીસીઆર લાવ્યું હોય તેના ઘરે વગર આમંત્રણે પહોંચી જ જવાનું અને કોઈ ના નહોતું પાડતું! એક રૂમમાં દસ-પંદર જણા સાંકડમુકડ બેસીને ફિલ્મ જુએ. તે વખતે રૂમ નાનો નહોતો પડતો.

બે રૂમ રસોડાના ઘરમાં ફઈ-ફુઆ, તેમનાં સંતાનો આવે તો પણ સમાવેશ થઈ જતો કારણકે ફર્નિચર ઓછું હતું અને ઘરનાં કામો પણ વાતો કરતાં ભાભી-નણંદો પતાવી દેતી. બપોરે વાળ ખુલ્લા કરીને સૂઈને અલક-મલકની વાતો કરતી. તો છોકરાઓ વિવિધ ભારતી મુંબઈ પર કે સિલોન પર નવી ફિલ્મોના પ્રમૉશનલ કાર્યક્રમો કે ગીતમાલા સાંભળતા. ભણવાની વાતો કરતા. આ પેઢીએ પેજર પણ જોયાં છે અને એન્ટિનાવાળા હાર્ડ કી-બૉર્ડવાળા મોબાઇલ પણ. ૩૮૬ પીસી પણ જોયાં છે અને આજે લેપટોપ કમ ટેબલેટ પણ જોયાં છે. રાત્રે ૧૦ વાગ્યા પછી નગરમાં સોપો પડી જતો. અને હવે રાત્રે બે-અઢી વાગે પણ ખાણીપીણીની દુકાનો ખુલ્લી રહી શકે છે. રાત્રે રસ્તા પર જતી વખતે ડર નથી લાગતો.

પરંતુ છેલ્લાં પંદર-વીસ વર્ષથી આ જે નવી લાઇફસ્ટાઇલ આવી ગઈ છે તેના લીધે આપણી અસ્થિરતા-અશાંતિ વધી ગઈ હોય તેમ નથી લાગતું? આખી રાત વાહનો દોડતાં જ રહે છે. તે અવાજ અશાંતિ પેદા કરતો હોય તેમ નથી લાગતું? ટ્રાફિક હોય કે સૉશિયલ મિડિયા, ઘૂરકિયાં વધુ થાય છે, સંવાદ ઓછો. મૉલમાં જે લિસ્ટ લઈને ગયા હોય તેના કરતાં વધુ ખરીદી લાવવાનું. ફેસબુક કે યૂટ્યૂબ પર ઍડ જોઈને એમેઝૉન કે ફ્લિપ કાર્ટમાં ધડ દઈને ખરીદી કરી લેવાની. ક્રેડિટ કાર્ડ તો છે જ ને. એક લૉન પતે તો બીજી લૉન લઈ લેવાની.

આ બધાના કારણે આપણી બચતશક્તિ તો ઘટી જ છે પણ આપણાં બાળકોને આપણે બચત કરવાની, અગવડો વચ્ચે જીવવાની ટેવ જ નથી પાડી. ૨૦૦૮-૦૯ની મંદીમાંથી આપણે એટલે જ ઉગરી શક્યા હતા કે આપણામાં બચતની ટેવ હતી પણ તે પછી તે દિનપ્રતિદિન ઘટી રહી છે. અત્યારે કુદરતે કે પછી ચીન સર્જિત આ આફતે આપણને ઘર-વાસ કરાવીને ફરીથી વિચારતા કરી મૂક્યા છે કે શું આપણે ક્યાંક ભૌતિકતા પાછળ વધુ દોટ તો નથી મૂકી રહ્યા ને? જેના લીધે ડાયાબિટિસ, હાઇ બીપી, હાર્ટ એટેક જેવી અનેક બીમારીઓને આપણે નોતરી રહ્યા છીએ અને અત્યારે જે લોકો મર્યા તેમાં મોટા ભાગના કોરાનાની સાથે આવી બીમારી પણ ધરાવતા હતા. આપણે આ સ્થિતિમાં ઍડ્જસ્ટ થઈ રહ્યા છે તે જોઈને કદાચ આપણાં તરુણ સંતાનો પણ શીખશે. વિચારો કે કોરોના દસ-વીસ વર્ષ પછી આવ્યો હોત તો? તો ફરજિયાત ઘર-વાસ દરમિયાન અનેક માબાપ અને તેમનાં બાળકો પાગલ થઈ જાય, આત્મહત્યાઓના કિસ્સા વધી જાત અને અમેરિકાની પ્રાઇમ કટોકટી વખતે જે સ્થિતિ થઈ હોત તેવી એ વખતે થાત.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

VISHVESH BHAGAT 29/03/2020 - 5:17 PM

Very Good Article. People who are 60 + today have lived such a life as mentioned.

Reply

Leave a Comment