Home » શ્રી રામમંદિર તો બની જશે પણ હિન્દુત્વ વિમુખ નવી પેઢીનું શું?

શ્રી રામમંદિર તો બની જશે પણ હિન્દુત્વ વિમુખ નવી પેઢીનું શું?

by Jaywant Pandya


સબ હેડિંગ: આજનાં માતાપિતા બાળકને સ્વાર્થ અને પૈસાલક્ષી જીવનની ઘૂટ્ટી નાનપણથી પીવડાવે‌ છે. કિશોરાવસ્થાથી તેના‌ ગાઇડ તેના ભાઈબંધો, મોબાઇલ, ફિલ્મ, વેબસીરિઝ અને સિરિયલો‌ બને છે. આ બધાં તેને હિન્દુત્વથી વિમુખ બનાવે છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૬ ડિસેમ્બર ૨૦૨૦)

આજે છ ડિસેમ્બર છે. જર્જરિત, અવાવરુ ઢાંચાના ધ્વંસનો દિવસ. હવે તમામ વિવાદ સમાપ્ત થઈ સર્વોચ્ચના બહુમતી ચુકાદા બાદ ભવ્યતાથી શ્રી રામ મંદિર ભૂમિ પૂજનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને રોકવા પણ કૉંગ્રેસના હિન્દુવિરોધી દિગ્વિજયસિંહથી લઈ એઆઈએમઆઈએમઆઈના અસદુદ્દીન ઓવૈસીએ અને અન્યોએ નિવેદનબાજી અને અન્ય રીતે પ્રયત્ન કર્યા પણ હવે શ્રી રામના કામમાં વિઘ્ન ભગવાનને સ્વીકાર્ય નહોતું. એટલે તે સુખેથી સંપન્ન થયું. જય શ્રી રામના બદલે મોદીજીએ જય સિયા રામ સૂત્ર આપ્યું. પણ આટલાં વર્ષોથી જય શ્રી રામ બોલનાર જય સિયા રામ બોલી શકે?

આમેય આપણે ત્યાં શ્રી રામના નામ સાથે થતા અભિવાદનમાં જ ઘણું વૈવિધ્ય છે. કોઈ રામ-રામ કહે છે તો કોઈ જય શ્રી રામ, બજરંગદાસ બાપાના અનુયાયીઓ બાપા સીતારામ અથવા સીતારામ બાપા કહે છે. જ્યારે માણસની સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે રામ, રામ, રામ ડાઘુઓ બોલે છે તો હિન્દીમાં રામ નામ સત્ય હૈ બોલાય છે.

હવે મંદિર નિર્માણનો પ્રારંભ થઈ ગયો. બેએક વર્ષમાં ભવ્ય અને દિવ્ય મંદિર બની પણ જશે. પણ યુવા પેઢીનું શું? આજની યુવા પેઢીનો મોટો હિસ્સો સાચા હિન્દુ ઇતિહાસ અને હિન્દુ ધર્મથી વિમુખ બની ચૂક્યો છે. નેવુંના દાયકા જેવો સંઘર્ષ અત્યારે કરવો પડે તો કેટલા સ્વૈચ્છિક રીતે તૈયાર થાય?

આજની યુવા પેઢી મંદિરે નથી જતી તેવું નથી પણ તે આવી બાબતમાં હવે પડવા તૈયાર નથી. આજે પૈસો એ જ પરમેશ્વર એ કહેવત આજની યુવા પેઢીએ આત્મસાત કરી લીધી છે. અને નેવુંના દાયકાના યુવાન જે હવે માતાપિતા છે તે પણ નાનપણથી સંતાનને સ્વાર્થની ઘૂટ્ટી જ પીવડાવે છે. દાદા-કાકા કે મામા-ફઈનાં સંતાનો અપવાદને બાદ કરતાં વેકેશનમાં સાથે રહી શકતા નથી. પોતાની વસ્તુ બીજાને આપવામાં જીવ ચાલતો નથી. માતાપિતા નાનપણથી સંતાનનું ડૉક્ટર કે એન્જિનિયર બની વિદેશ જવા પ્રૉગ્રામિંગ કરે છે. ટ્યૂશન ક્લાસ, સહાયક સામગ્રી પર અઢળક ખર્ચો કરે છે. દાદા-કાકા કે મામા-ફઈનાં સંતાનોના માર્કની સરખામણી માબાપ કરતા રહે છે, સંતાન પણ સ્પર્ધામાં ઉતરી જાય છે. તેના પિતરાઈ કરતાં ઓછા માર્ક આવે એટલે નિરાશ થઈ જાય છે. સંતાનને ડાન્સ, ગિટાર, ચિત્ર વગેરે ક્લાસમાં પણ જવાનું હોય છે.

આવામાં શારીરિક મજબૂતી કેળવવા પર, સૌષ્ઠવ વધારવા તરફ કોઈ માબાપનું ધ્યાન જતું નથી. ધ્યાન જાય તો પણ અવગણના કરાય છે. બાળ વયથી જ હવે‌ રમવા માટે મેદાન નથી. માનો કે, માબાપ સંતાનને ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, સ્કેટિંગ માટે મૂકે તો પણ તેમાં ઘણા પૈસા ખર્ચવા પડે છે. આજે આપણે જાણીએ છીએ કે કલાકારો કે ખેલાડી કામ દ્વારા, જાહેરખબરોમાં કામ કરીને અને ઉદ્ઘાટનોમાં ઉપસ્થિત રહીને કમાવવામાં જ પડ્યા હોય છે. તેમને દેશની ખાસ‌ પડી હોતી નથી. કેટલાક તો ખેડૂત બની આવકવેરો બચાવી લે છે. અમિતાભ બચ્ચન સહિતના કલાકારો શ્રી રામ જન્મ ભૂમિપૂજન પર શુભેચ્છા પણ આપવાની હિંમત નથી ધરાવતા.

દસમા ધોરણ પછી કિશોરો વેબ સીરિઝ જોતા થઈ જાય છે. હમણાં એક ચોંકાવનારી વાત જાણવા મળી કે છોકરા કે છોકરીઓ ઑનલાઇન ક્લાસના નામે રૂમ બંધ કરી પૉર્ન ફિલ્મ જોવા લાગ્યા છે. આથી કિશોરોમાં સેક્સ અને બળાત્કારનું પ્રમાણ વધ્યું છે. તેમને બધી માહિતી આપી જાગૃત કરવા જોઈએ, છતાં તેમના ફૉન અને મોબાઇલ પાસવર્ડ રહિત રખાવવા જોઈએ. આના માટે માતાપિતાએ પોતાના ફૉનથી શરૂઆત કરવી જોઈએ. આજનાં બાળકો માતાપિતાનું જ અનુકરણ કરતાં હોય છે. પોતે ગોળ ખાતા હોય અને બીજાને ગોળ ન ખાવાની સલાહ આપી શકાય નહીં.

પણ અત્યારે આવતી અક્ષયકુમારની ‘મિશન મંગલ’ કે ‘લક્ષ્મી’ ફિલ્મ, અનેક વેબસીરિઝ, ટીવી સિરિયલોમાં હિન્દુ ધર્મને ખરાબ અને ઇસ્લામને સારો બતાવે છે. કોઈ પણ વેબસાઇટમાં ગૂગલ ઍડ.માં ઇસ્લામ ‌અને ખ્રિસ્તી પંથનો‌ પ્રચાર‌ કરતી જાહેરખબર જોવા મળે છે. તેના પર જાણતા કે ભૂલથી ક્લિક કરીને‌ બાળક ત્યાં જઈ શકે છે અને પછી તો મોબાઇલમાં પ્રચાર સામગ્રીના મેસેજ આવવા લાગે છે જેની માતા-પિતાને પણ ઘણી વાર જાણ હોતી નથી. પશ્ચિમમાં પ્રાઇવસીનો‌ વિચાર છે જે ભારતમાં પણ વધતો જાય છે પણ ભારતમાં સમાજના લોકો પંચાત કહો‌ કે‌ જે પણ‌, પૂછપરછ‌ કરતા. કોના ઘરે‌ કોણ આવ્યું અને કોણ‌ ક્યાં ગયું. કોઈ છોકરો બીડી પીતો‌ કે‌ જુગાર રમતો દેખાય‌ તો પડોશી કે શિક્ષક ધોલધપાટ કરી લેતા. આજે તો દાદા કે કાકા પણ આવું નથી કરી શકતા કારણકે માતા સંતાનનું ઉપરાણું લઈ તેમની સાથે ઝઘડે.
આવા સંજોગોમાં સાચું હિન્દુત્વ ગામેગામ પહોંચાડવું આવશ્યક છે. શ્રી રામમંદિરના સંઘર્ષની વાત કથા રૂપે કરી શકાય. તેની વેબસીરિઝ બનવી જોઈએ પણ એકદમ પ્રૉફેશનલ રીતે. હિન્દુવાદીઓ હવે મનોરંજન ઉદ્યોગમાં વધુ રોકાણ કરી હિન્દુનિષ્ઠ સારી ફિલ્મો, વેબસીરિઝ અને સિરિયલો, નાટકો બનાવડાવે, હિન્દુનિષ્ઠ સાહિત્યનું સર્જન કરાવવું જોઈએ (મનોજકુમારની ‘દસ નંબરી’માં ખ્રિસ્તી હેમામાલિની ‘હાય રામ ક્યા હોગા અંજામ ક્યા હોગા’ ગાય છે અને ઉત્તરમાં મનોજકુમાર ‘હરિ રામ‌ કા નામ લે કે ગંગાજલ પી લેના, …રક્ષા કરે તેરી સિયારામ’ ગાય છે. નવાબ બને છે તો પણ ભગવા રંગનો મુસ્લિમ પોશાક! હિફાઝતના બદલે રક્ષા‌ અને માફીના‌ બદલે ક્ષમા શબ્દવાળા સંવાદ આ પ્યૉર મસાલા ફિલ્મમાં છે).

કંગના રનૌતે જે અદ્ભુત ‘મણિકર્ણિકા’ બનાવી હતી, સંજય‌‌ રાઉતની ઘણી ટીકા થઈ શકે પણ ‘ઠાકરે’ અદ્ભૂત બનાવી હતી. આવી ફિલ્મ‌ વીર સાવરકર‌ (સુધીર ફડકેએ‌ સુંદર બનાવી છે છતાં) પર કેમ ન બનાવડાવી શકાય? ભક્તિ આંદોલનમાં હિન્દુ ધર્મ‌ ટકાવી રાખનાર સાધુ-સંતો, વિવેકાનંદજી, ગોવા સ્વતંત્રતા, જૂનાગઢ મુક્તિ, અરે! માત્ર રજવાડાંના એકત્રીકરણ, કટોકટીમાં પોલીસ અત્યાચારથી મૃત્યુ પામનાર અભિનેત્રી સ્નેહલતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના માત્ર કાશ્મીર સંઘર્ષ પર ફિલ્મ બની શકે. બાલાકૉટ ઍરસ્ટ્રાઇક તો તાજો વિષય છે. ૩૭૦ કલમ કઈ રીતે દૂર થઈ અને તેનાથી પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતોને મતાધિકાર, નાગરિકત્વ સહિત કેવા અધિકાર મળ્યા, લોકનાયક જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા, મોરારજી દેસાઈ…બાયોપિક અને એપિક…બધા માટે ઘણા વિષય છે. કોઈએ એ વિચાર્યું કે બીજા બધાની ફિલ્મો ધડાધડ આવી જાય છે અને સૂરજ બડજાત્યાની ફિલ્મ થોડા અંતરે બને છે પણ તેમની છેલ્લી, સુમધુર સંગીતવાળી, પારિવારિક ‘પ્રેમ રતન ધન પાયો’ના પાંચ વર્ષ પછી પણ કેમ કોઈ ફિલ્મ નથી આવી? બની રહી હોય તેવા પણ સમાચાર નથી. આમેય સમાચારમાં પ્રિયંકા ચોપડાએ નિકને કિસ કરી, તૈમુર બે ડગલાં દોડ્યો, અનુષ્કાનું બેબી બમ્પ દેખાયું, શાહરુખે બે સિગરેટ વધુ પી પત્રકારોની ફિરકી ઉતારી, સલમાને બિગ બૉસ પર ફલાણા કે ફલાણીને તતડાવી તેવા જ સમાચાર હોય છે. તેમાં સૂરજજીના સમાચાર તો ક્યાંથી આવે? એટલે વિષય તો ઘણા છે. ધનિક હિન્દુઓ આમાં નાણાં નાખશે તો કમાણી પણ થશે અને સાચો નેરેટિવ પણ ઊભો થશે.

લેખકોને પશ્ચિમી પ્રકાશક કંપનીની જેમ ઊંચું મહેનતાણું આપી તેને થોડો‌ વધુ સમય આપી ઉત્કૃષ્ટ સર્જન કરાવી શકાય. બધે‌ વામપંથી અને પશ્ચિમી અસરની ફરિયાદ કરતી રહેવી યોગ્ય‌ નથી. એક હવા નહીં હોય તો‌ જગ્યા ખાલી રહેવાની નથી. બીજી હવા સ્થાન લેશે જ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment