Home » ૨૩ વર્ષ શાસનમાં રહી ગુજરાતમાં ભાજપે શું ઉકાળ્યું?

૨૩ વર્ષ શાસનમાં રહી ગુજરાતમાં ભાજપે શું ઉકાળ્યું?

by Jaywant Pandya

સબ હેડિંગ: ગુજરાતમાં નવો-સવો પત્રકાર કે આર.જે. બહાર પડે એટલે સરકારનો વિરોધ કરવા લાગે છે. આમાં વાંધો ન હોઈ શકે પરંતુ હવે તો ભાજપના લીધે હિન્દુત્વનો-રામમંદિરનો-કુંભનો અંધવિરોધ કરવા લાગ્યા છે. અને આના માટે જવાબદાર કોણ છે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૪/૦૪/૨૦૨૧)

ગુજરાતમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. હૉસ્પિટલોમાં પથારી નથી મળતી. રેમડેસિવિરનાં ઇન્જેક્શનો નથી મળતાં. એમ્બ્યુલન્સમાં વેઇટિંગ ચાલે છે. એમ્બ્યુલન્સ સિવાય હૉસ્પિટલમાં દાખલો (ઍડ્મિશન) નથી મળતો. મરે તો છૂટકારો થઈ જાય, પણ મર્યા પછી સ્મશાનમાં પણ પ્રતીક્ષા કરવાની. હૉસ્પિટલમાં જગ્યા નથી માટે બહાર ઓસરીમાં ઑક્સિજન ચડાવાય છે. ઘરે-ઘરે કોરોનાના ખાટલા છે. આ બધા માટે જવાબદાર છે મોદી અને રૂપાણી.

વેઇટ. શું ખરેખર મોદી અને રૂપાણી જવાબદાર છે? હાસ્તો. ચૂંટણી કેમ થવા દીધી? ચૂંટણીમાં સભાઓમાં ભીડ કેમ થવા દીધી? અને ક્રિકેટ મેચમાં દર્શકો કેમ જવા દીધા?

બરાબર છે. ચૂંટણી ટાળી શકાઈ હોત. પરંતુ ગયા વર્ષે જ્યારે કોરોનાના કારણે ગૃહ મંત્રાલય લૉકડાઉન વગેરે કરતું હતું ત્યારે આ જ ટીકાકારો શું કહેતા હતા? કોરોનાના બહાને કેન્દ્રને રાજ્યો પર આધિપત્ય જમાવવાનું બહાનું મળી ગયું છે. આ લાંબું ચાલશે. જો ચૂંટણી ટાળી હોત તો ટીકાકારો શું કહેત? હાર ભાળી ગયા છે એટલે કોરોનાના બહાને ચૂંટણી ટાળી દીધી અને પરોક્ષ શાસન કરશે. શું વિપક્ષોએ ચૂંટણી ટાળવા ચૂંટણી પંચને અપીલ કરી? ના. શું વિપક્ષોએ કોરોનાના કારણે દંડાતી જનતાનો મુદ્દો બનાવ્યો? ના. શું વિપક્ષોએ પોતે કોરોનાના નિયમોનું પાલન કર્યું? ના. રાહુલ ગાંધીએ પણ બંગાળમાં હારવાનું નક્કી હોઈ સભાઓ જ કરી નહોતી અને મોડેમોડેથી સભા કરવા ગયા અને કદાચ કોરોના પૉઝિટિવનાં લક્ષણો દેખાયાં એટલે સભા રદ્દ કરી. મમતા બેનર્જીથી માંડીને તેજસ્વી યાદવ વગેરે કોઈએ સભા રદ્દ ન કરી. નરેન્દ્ર મોદી-અમિત શાહ માટે પશ્ચિમ બંગાળ જીતવું અગત્યનું છે. ખાસ કરીને જ્યારે શરજીલ ઈમામ જેવા લોકોએ ગયા વર્ષે શાહીનબાગના ઉપક્રમે ચીકનનેક-સિલિગુડીને ભારતથી જુદું કરવા જાહેરમાં વાત કરી હોય તો ખાનગીમાં તો શું-શું યોજના ઘડી હશે વિચારો.

અને આ વર્ષે તૃણમૂલ કૉંગ્રેસના નેતા શૈખ આલમ પણ જાહેરમાં કહેતા હોય કે જો ભારતના ૩૦ ટકા મુસ્લિમો પણ એક થઈ જાય તો ચાર પાકિસ્તાન બની શકે! અને મમતા બેનર્જી જાહેરમાં મુસ્લિમોને તૃણમૂલ કૉંગ્રેસને મત દેવા અપીલ કરતા હોય!

આ વાત તો થઈ પશ્ચિમ બંગાળની અને આસામની. ત્યાં સીએએ અને એનઆરસી બહુ મોટા મુદ્દા છે. પરંતુ ગુજરાતનું શું?

ગુજરાતમાં આરજે નામની પ્રજાતિ છે. આ પ્રજાતિ વિડિયો બનાવી બનાવીને માત્ર ચૂંટણી અને ક્રિકેટ મેચના કારણે જ કોરોના ફેલાયો હોવાનું જણાવે છે. આવી જ બીજી એક સેક્યુલર પ્રજાતિ છે. આ જમાત માત્ર ભાજપ શાસિત રાજ્યોના મુદ્દા જ ઉછાળતી રહે છે. ભાજપી રાજ્યોના હાથરસથી માંડીને કર્ણાટકમાં ધારાસભ્યોના પક્ષપલ્ટા મુદ્દે ચર્ચા કરતી આ જમાત મહારાષ્ટ્રમાં રોજના પચાસ હજાર કેસો કોરોનાના આવે છે તે મુદ્દે મૌન છે. સચીન વાઝેને તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મહિને સો કરોડની વસૂલીનું ટાર્ગેટ આપ્યું હતું તે મુદ્દે મૌન છે. પંજાબમાં કોરોનાની રસીનો ત્રીજા ક્રમે સૌથી વધુ વેડફાટ થાય અને તેના સ્વાસ્થ્ય પ્રધાન બલબીર સિદ્ધુ એમ કહે કે એક લાખ રસીનો વેડફાટ થયો તે કોઈ મોટી વાત નથી. તો આ જમાત મૌન રહે છે.

આમ તો અમે પ્રશ્ન પૂછીશું એવું રવીશકુમાર પ્રકારનું તેઓ બોલતા હોય છે, લોકોમાં જાગૃતિ ફેલાવવાની વાતો કરે છે પણ રેમડિસિવિર બધા માટે જરૂરી નથી તેવી જાગૃતિ તેઓ ફેલાવતા નથી. અને સી. આર. પાટીલ રેમડિસિવિર લોકોને નિઃશુલ્ક વિતરણ કરે તો પાછી બૂમરાણ મચાવે છે. સી. આર.એ રેમડિસિવિરનું વેચાણ કે કાળા બજાર નથી કર્યું, તેમણે તેની સંગ્રહખોરી પણ નથી કરી. ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર ગુજરાતના માર્કેટમાંથી રેમડિસિવિર લઈ જાય તો તેઓ જાણે સરકારે તેમને ભેટસોગાદરૂપે આપી હોય તેવું ચિત્ર રજૂ કરે છે પણ મુંબઈમાં સરકાર જ ખંડણીખોરના રોલમાં હોય અને ગુજરાતમાં તેમના ઈશારે ઇન્સ્પેક્ટરની બદલી થઈ જાય તેવા સંજોગોના કારણે મૂકેશ અંબાણી ગુજરાતના જામનગરમાં આશરો લે પરંતુ છતાં ઑક્સિજનની સહાય મહારાષ્ટ્રને કરે તો તેનો વિરોધ નથી. (અહીં વિરોધ મહારાષ્ટ્રના આપણા જ ભાઈ-બંધુઓની સહાય કરવાનો નથી, વિરોધ ત્યાંની સરકારની દાદાગીરીથી ડરી જઈને ગુજરાતની મદદ કરવાના બદલે મહારાષ્ટ્રને સહાય કરવાનો છે.) ઉદ્યોગપતિઓનો વિરોધ ન કરાય, યૂ સી!

ગુજરાતમાં નવા આર.જે. કે પત્રકાર બહાર પડે તો તેની સૉશિયલ મિડિયા પૉસ્ટ ભાજપ સરકાર વિરોધી હોય છે. બરાબર છે, સરકારની જ્યાં યોગ્ય હોય ત્યાં ટીકા કરવી જ જોઈએ. પરંતુ બન્યું છે એવું કે ભાજપ-સંઘ હિન્દુત્વનું સમર્થન કરે છે અને આથી આર.જે. કે પત્રકાર, કલમઘસુઓ કે પ્રાધ્યાપકો ટીકા કરતાં-કરતાં હવે હિન્દુ વિરોધ પર ઉતરી આવ્યા છે. તેમના મતે દર વર્ષે મળતા જમાતીઓ અને બાર વર્ષે એક વાર થતો મહા કુંભ બંને એક જ પંગતમાં આવે છે. ગુજરાત સહિત દેશભરનાં મંદિરો કોરોના કાળમાં પોતાના પરિસરનો ઉપયોગ કૉવિડ હૉસ્પિટલના વૉર્ડ માટે કરવા દે અથવા તેના રસોડામાંથી આવશ્યકતાવાળા લોકોને ભોજન જાય તો પણ કૉંગ્રેસના પૃથ્વીરાજ ચૌહાણ મંદિરોના સોનાને હસ્તગત કરવાની વાત કરે એટલે માત્ર મંદિર પર ચર્ચા કરવા લાગે છે. ત્યારે મસ્જિદો, વક્ફ બૉર્ડની સંપત્તિ કે ચર્ચો વિશે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી.

ગયા વર્ષે પણ સંદેશ ફર્યો હતો અને આ વર્ષે ફરી સંદેશ ફરી રહ્યો છે કે હમ તો મંદિર-મસ્જિદ કે લિયે લડે થે, હૉસ્પિટલ કે લિયે કહાં લડે થે, ઔર આજ મંદિર-મસ્જિદ બંધ હૈ. આમાં મસ્જિદ કરતાં મંદિર અને તેમાંય શ્રી રામમંદિર માટેની લડાઈની વાત ઇંગિત છે, કારણકે શ્રી રામમંદિર માટે હિન્દુઓ પાંચસો વર્ષ લડ્યા છે. અને આ પાંચસોએ પાંચસો વર્ષ કોરોના નહોતો. આવો મેસેજ તાજમહલ માટે કહી શકાય? કોરોના તો ચાલ્યો જવાનો, પણ તેની સામે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નકામું છે, ખોટો ખર્ચો છે તેમ કહેવું યોગ્ય તો જ હોય જો કોરોના માટે પીપીઇ કિટ, ઇન્જેક્શન, ઑક્સિજન સાવ મળતાં જ ન હોય. કોરોનાની રસી બહારથી આયાત કરવી પડતી હોય. હૉસ્પિટલો સાવ હોય જ નહીં.

ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ કોરોનાના યૌદ્ધાઓ તેમજ કોરોનાગ્રસ્તોનું અને જે લોકો ઘરમાં છે તેમનું મનોબળ વધારવા થાળી-તાળી વગાડવા કે પછી દીવા પ્રગટાવવા કહ્યું હતું. તેનાથી કોરોના ભાગી જાય તેમ કહ્યું નહોતું. પરંતુ આ વખતે કોરોના વધ્યો એટલે ગયા વર્ષે પણ વિકૃત અર્થઘટન કરનાર સેક્યુલર પ્રજાતિએ આ વખતે પણ મેસેજ વહેતા કરી દીધા કે થાળી-તાળીથી કોરોના ભાગી ગયો હતો તો પાછો કેમ આવ્યો?

મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો એક તરફી વિજય થયો, તે પહેલાં આઠેઆઠ ધારાસભા પેટા ચૂંટણીમાં વિજય થયો તેનાથી આ સેક્યુલર પ્રજાતિ ભૂરાયી થઈ છે. આઈટી સેલો સક્રિય છે. પરંતુ વાંક બધો તેમનો જ છે તેવું નથી. મોટો વાંક સંઘ-ભાજપનો છે. કેવી રીતે?

એમાં કોઈ શંકા નથી કે ભાજપ છેલ્લાં ૨૩ વર્ષથી સત્તા જાળવી રાખવા સફળ રહ્યો છે. પરંતુ શું તેનાથી હિન્દુત્વની વિચારધારાને કોઈ પોષણ મળ્યું છે? કોઈ બળ મળ્યું છે? શું સંઘ આ વિચારધારાને આગળ ધપાવી શક્યો છે? દુર્ભાગ્યે જવાબ ના છે. ગુજરાતની નવી પેઢી હિન્દુત્વ વિરોધી બની રહી હોય તેમ લાગે છે. આનું કારણ ફિલ્મો, વેબ સિરિઝ, ટીવી ધારાવાહિકો, મિડિયા તો છે જ, પણ સૌથી મોટો વાંક સંઘ-ભાજપનો છે. સંઘ-ભાજપ અને કૉંગ્રેસીઓ-સામ્યવાદીઓ વચ્ચે તાત્ત્વિક ફેર એ છે કે સંઘ-ભાજપ વિરોધીઓ-ટીકાકારો પ્રત્યે સહિષ્ણુ છે (અને ઘણી વાર પોતાના લોકો ટીકાકાર બને તો તેમના પ્રત્યે અસહિષ્ણુ છે.) તેમને સંવાદથી જીતવા માગે છે. સંઘ અને ભાજપના પ્લેટફૉર્મ પર પ્રણવ મુખર્જી, કૈલાસ સત્યાર્થી સહિતના વિરોધીઓની ભારે આગતાસ્વાગતા કરાય છે. ગુજરાતમાં મંદિર-કુંભ-આયુર્વેદ સહિતની ભારતીય બાબતોનો સતત વિરોધ કરતા અને રામાયણ-કાલિદાસ વગેરેનું વિકૃત અર્થઘટન કરી અશ્લીલતાને પ્રોત્સાહન આપતા લોકોને અછોવાના કરાય છે. આનાથી જે મેદાન પર વૈચારિક રીતે તેમનો વિરોધ કરે છે તેમનું મનોબળ ઘટે છે. અને પેલા કાબા વિરોધીઓ જાહેરમાં હસે છે કે જુઓ, અમે વિરોધ કરીએ તો પણ અમને અછોવાના કરાય છે. એવૉર્ડ અપાય છે. કૉંગ્રેસીઓ-સામ્યવાદીઓ આવું કરતા નથી. તેમની શરતે, તેમની વિચારધારા અપનાવો તો જ તેમના વર્તુળમાં પ્રવેશ મળે છે. તેમનાં સામયિકોમાં, તેમના સેમિનારોમાં લખવા-બોલવા મળે છે. તેમના પ્રભાવથી એવૉર્ડ મળે છે. અહીં ટીકાકારોને સાવ અવગણવાની વાત નથી. પરંતુ ચાર પ્રકારના લોકો હોય છે. એક જે આંધળી ટીકા જ કરે અને વિચારધારાને ઉધઈની જેમ કોતરી ખાય, પણ સરકારના કે સંઘના નેતાઓની વાહ-વાહ કરે. બીજા જે સરકારની કે સંઘના નેતાઓની ખોટી વાહ-વાહ ન કરે પણ વિચારધારાને પ્રમૉટ કરે. જરૂર પડે ત્યાં યોગ્ય ટીકા પણ કરે. ત્રીજો એક પ્રકાર ૨૦૧૪ પછી આવ્યો છે જે વિચારધારાને પ્રમૉટ નથી કરતો, તેમને વિચારધારાની ગતાગમ પણ નથી, તેની સાથે મતલબ પણ નથી, પરંતુ તે માત્ર મોદી-શાહ-મોહન ભાગવતની વાહ-વાહ કરે છે. તેમને કોઈ પદ કે રાજ્યસભાના સભ્ય બનવાની લાલસા છે. અથવા સંઘ-ભાજપના વર્તુળમાં કામ મેળવવાની ઝંખના છે. આવતીકાલે શાસન બદલાઈ જશે તો તેમનું વાજું પણ બદલાઈ જશે. તેઓ મોદી-શાહની અતાર્કિક રીતે વાહ-વાહ કરે છે, જેના લીધે અંધવિરોધીઓને મોકો મળી જાય છે. ચોથો એવો પ્રકાર છે જે માત્ર સંઘ/વિહિપ …વગેરે હિન્દુ સંગઠનોનો વિરોધ થાય તો જ મેદાનમાં આવે છે. આયુર્વેદનો વિરોધ થાય, રામાયણમાંથી અશ્લીલ વાતો ઉપજાવી કઢાય તો તેઓ વિરોધ નથી કરતા. તેમની ભક્તિ વિચારધારાની નથી. તેમની માત્ર સંગઠનાત્મક ભક્તિ જ છે. તેઓ ઉપર કહ્યું તેવા લોકોરૂપી ઉધઈ દ્વારા વિચારધારાને કોતરાતી જોયા રાખે છે. જાહેરમાં કંઈ લખવાનું કે બોલવાનું ટાળે છે.

સંઘ-ભાજપનું અહીં ૨૩ વર્ષથી એકધારું શાસન ઉપરથી લઈને નીચે સુધી હોવા છતાં વૈચારિક રીતે શું ફેર પાડી શક્યા? શું ઇકૉ સિસ્ટમ બદલી શક્યા? વિરોધી બૌદ્ઘિક બદમાશોની ટોળકીને હતોત્સાહિત કરી શક્યા? વિચારધારા સાથે જે સાચી રીતે જોડાયેલા છે તેમને પ્રોત્સાહિત કરી શક્યા? અમદાવાદનું નામ કર્ણાવતી થયું? ગાંધીનગર વિધાનસભા જવાના રસ્તાનું નામ આજે પણ ઈન્દિરા ગાંધી માર્ગ છે. યોજનાઓ-સંસ્થા-રસ્તાનાં નામ માત્ર નહેરુ-ઈન્દિરા-રાજીવ ગાંધી કે વિદેશી આક્રાંતાઓના નામ પરથી છે તે બદલાયાં છે? વહીવટી ભાષામાંથી અંગ્રેજી-ઉર્દૂ-ફારસીને કાઢી શક્યા? જવાબ નામાં આવે છે. આની સામે મહારાષ્ટ્રમાં માત્ર દોઢ વર્ષથી શાસન કરતી શિવસેના-કૉંગ્રેસની સરકાર જુઓ. મધ્ય પ્રદેશમાં એક વર્ષ શાસન કરી ગયેલી કૉંગ્રેસ સરકાર જુઓ કે પછી રાજસ્થાનમાં ત્રણ વર્ષથી શાસન કરતી કૉંગ્રેસ સરકાર જુઓ. આ સરકારો આવે છે ત્યારે પહેલું કામ તો જૂનું માળખું વિખેરવાનું કરે છે. પદો પરથી જૂના માણસોની વિદાય કરાય છે. શાળા-કૉલેજોમાં અભ્યાસક્રમ બદલવાનું કામ કરાય છે. મહારાણા પ્રતાપને મહાન ગણવાનો ઉલ્લેખ દૂર થાય છે. કટોકટીમાં લડનારાનાં પેન્શન બંધ કરવાનું કામ થાય છે. હિન્દુ વિચારધારાવાળી થોડી પણ જે ઇકૉ સિસ્ટમ હોય છે તેને તોડી વેરવિખેર કરી નાખે છે.

જ્યારે નરેન્દ્ર મોદી સત્તા પર નહીં હોય ત્યારનું ચિત્ર વધુ ડરાવનારું ભાસે છે. અને કોઈ એમ રખે કહેશો કે મોદી યાવત્ચંદ્ર દિવાકરૌ સત્તામાં રહેશે અને મોદીએ પણ ઇકૉ સિસ્ટમ બદલાવી છે. મોદીના રહેતા એકતા કપૂરો અને કરણ જૌહરોને પદ્મ એવૉર્ડ મળે છે. ‘તેરી મીટ્ટી મેં મિલ જાવા’ જેવા અદ્ભુત ગીતના બદલે ‘ગલી બૉય’ના ‘અપના ટાઇમ આયેગા’ ગીતને એવૉર્ડ મળે છે. અને મોદી ગુજરાતમાં પણ તેર વર્ષ શાસન કરી ગયા છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

કમલેશ દવે 25/04/2021 - 10:05 PM

નમસ્તે સર,
આપની ઘણી બધી વાતો સાથે હું સહમત છું. પણ કોઈક ખૂણે કશુંક વધારે લાગે તો આપના વાચક તરીકે શેર કરવાનો પ્રયત્ન કરું છું.
ગુજરાત ભાજપનું ગઢ છે. છતાં પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા દરેક જિલ્લામાં બેફામ સભાઓ થઈ..જેની સીધી અસર પ્રજા પર જોવા મળી..લગ્નપ્રસંગો અન્ય પ્રસંગો પર ભીડ વધવા લાગી. સરકાર નો સભાપ્રેમ…લોકોને ભેગા થતા ના રોકી શક્યો.
પ્રજા અંધ બને ત્યારે રાજા દિશા બતાવે. અહીં ઉલટું થયું..રાજાને જોઈ પ્રજા પણ બગડી. ચર્ચા લાંબી થઈ શકે.. પણ ગુજરાતમાં કોરોના વધવા માટેના કારણોનું લિસ્ટ બનાવીએ તો ટોપ ફાઈવ માં સરકારી અભરખા ને નજર અંદાઝ ના કરી શકાય..
આ મુદ્દા ને છોડી પશ્ચિમ બંગાળ કે રેમડિસિવિર ની બધી બાબતો સાથે સહમત ખરો. ધન્યવાદ..

Reply
HASIT BHATT 26/04/2021 - 3:37 PM

જોરદાર લેખ…..
ટુંક માં , સ્પષ્ટતાપૂર્વક , તમામ રજૂઆત…. વાહ…
સાવ જ હવા માં ગોળીબાર નહીં ,
પણ… નામ – ઉદાહરણ સાથે નો લેખ…
ખુબ ખુબ આભાર , જયવંતભાઈ પંડ્યા સાહેબ….

Reply

Leave a Comment