Home » હે પારસીઓ, અમને તમારી ચિંતા છે

હે પારસીઓ, અમને તમારી ચિંતા છે

by Jaywant Pandya

પ્રિય અને સન્માનનીય પારસીઓ,

તમને નવરોઝ મુબારક.

હિન્દી ફિલ્મ જગતના કલાકારો રામ મંદિરની જેમ આજે પણ નવરોઝ મુબારક આપવા ઉમટી નહીં પડે કે સેક્યુલર નેતાઓ પણ આજના દિવસનું મહત્ત્વ સમજશે નહીં.

તમે ખરા અર્થમાં લઘુમતી છો પરંતુ તમે તમારા હક માટે ક્યારેય કોઈ હિંસા કરતા નથી કે દેખાવ પણ કરતા નથી. કોઈ નેતા ક્યારેય તમારા માટે કોઈ યોજના વિશેષ રીતે જાહેર કરતો નથી. કોઈ વડા પ્રધાન એવું પણ કહેતા નથી કે આ દેશના સંસાધનો પર દેશભક્ત પારસીઓનો પહેલો હક છે. કોઈ વડા પ્રધાન એવું પણ નથી કહેતા કે પારસીઓના એક હાથમાં કમ્પ્યૂટર અને બીજા હાથમાં અવેસ્તા હશે ત્યારે જ વિકાસ થશે. તમે કેવા માણસો છો? આટલું બધું થવા છતાં પણ તમે ઈરાનમાં મુસ્લિમોના આક્રમણ અને પ્રતાડનાથી ત્રાસીને સંજાણ બંદરે જ્યારે પહેલીવાર ઉતર્યા ત્યારે રાજા જાદી રાણાને જે વચન આપ્યું હતું તે આજે પણ પાળી રહ્યા છો અને દૂધમાં સાકરની જેમ ભળીને
એટલા બધા ઓગળી ગયા છો કે તમારી અલગ હસ્તિ, તમારો અલગ વિસ્તાર, તમારી અલગ ઓળખ આ બધું ધ્યાનમાં આવતું નથી. ન બુદ્ધુજીવીઓ તમારા પર લેખ લખે છે (કારણકે આમ કરવાથી બીજા દેશમાં પ્રવાસ કરવા, એવૉર્ડ મેળવવા, કામ મળવામાં મદદ નહીં થાય), ન તો તમારા પર કોઈ સંશોધન થાય છે, ન તો તમારી કેટલી પ્રતાડના થાય છે તેવા કોઈ અહેવાલો આવે છે. અત્યાર સુધી તમારું કોઈ કટ્ટર હિન્દુવાદીઓ દ્વારા મોબ લિન્ચિંગ થયું હોય તેવું અનુમાન નથી. હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા તમને જય શ્રી રામ બોલવા ફરજ પાડી માર મરાયો હોય તેવું પણ ક્યાંય ધ્યાનમાં આવતું નથી. તમારી ઉપાસના પદ્ધતિ અલગ છે અને તમારા ઉપાસના સ્થળે પારસી સિવાય બીજા કોઈ પંથના લોકો આવી શકતા નથી અને કોઈ આવવા પ્રયત્ન પણ કરતા નથી અને તમે પણ બીજા કોઈ પંથના મામલામાં ક્યારેય હસ્તક્ષેપ કરતા નથી.

તમે ટોપી પહેરો છો પણ પહેરાવતા નથી એટલે તમારા લીધે સેક્યુલર રાજકારણીઓ અને લુટિયન ગેંગને તમે મુદ્દો નથી આપતા કે ફલાણા નેતાએ પારસી ટોપી કેમ ન પહેરી? તિલક ભી લગાના હોગા ઔર ટોપી ભી પહનની પડેગી. બાવાજી, તમારામાં ઉપવાસ જેવું કંઈ હોય છે કે નહીં તેની પણ અમને ખબર નથી કારણકે ધર્મના દર્શન કરાવતી પૂર્તિઓમાં તમારા કોઈ વિદ્વાનને તેના વિશે લખવા કહેવાતું નથી. સાચું કહું તો, તમારે જ એની જરૂર પણ નથી અને એટલે ઉપવાસના પારણા કરાવવા સેક્યુલરોને પાર્ટી આપવાનો મોકો પણ તમે છિનવી લીધો છે.

એ તો ઠીક, પણ હિન્દુના અનેક સંપ્રદાયો ચેનલ ખોલી બેસી ગયા છે જેમાં કેટલીક પર તો હિન્દુના ભગવાન વિશે જ ‘ટોટલી ફેઇલ’ કથા કરાય છે તો કોઈક વળી કવ્વાલી ગાય છે ને કોઈક વળી બીજાની પ્રાર્થના ટાણે કથા અટકાવી દે છે. તમે પૂજા કરો છો તો લાઉડ સ્પીકર પર અન્યની જેમ તમારે ગાંગરવું નથી પડતું લાગતું. તમારે પંથને ટકાવવા આવી કોઈ ચેનલની જરૂર જ નથી લાગતી.

તમે આફ્રિકા છોડો, ભારતના ભોળા વનવાસીઓની સેવા પણ કરતા નથી. તમારા કોઈ સર્વોચ્ચ પંથ વડા દિવાળી પર દિલ્લીમાં સંમેલન કરતા નથી કે હવે પછી આપણું લક્ષ્ય એશિયા છે.

તમે કોઈ બીજા દેશ પર ચડાઈ નથી કરી. ભારત પર તો કરી જ નથી. એટલે જ, એટલે જ, અમારાં રાજકારણીઓ, ફિલ્મ કલાકારો, એન્કરો, એન્કરણીઓ ઉત્સાહિત થઈ તમારા વેશમાં ફૉટા પડાવી સૉશિયલ મિડિયા પર નવરોઝ મુબારક લખવા તૂટી નથી પડતા. તમે ભારત પર શાસન નથી કર્યું અને એટલે અત્યાચારો પણ નથી કર્યા. મારી-મારીને પારસી નથી બનાવ્યા. જો આવું કર્યું હોત તો ભીરુ હિન્દુ બાપડો પોતાના હિન્દુઓના ગ્રૂપમાં પણ નવરોઝ મુબારક કહેતો હોત.

તમારા માટે ક્યારેય કોઈએ એમ કહ્યું નથી કે આ દેશનાં સંસાધનો પર પહેલો હક તમારો છે અને તમારી ગરીબી દૂર કરવા માટે પણ કોઈએ ક્યારેય વચન આપ્યું નથી. એનું કારણ છે કે ગરીબમાં ગરીબ પારસી પણ મહિને રૂપિયા ૯૦,૦૦૦ કમાય છે તેવું પારસી પંચાયતના કહેવાથી મુંબઈ હાઇ કૉર્ટે ઠરાવ્યું છે. આનું કારણ છે કે તમે ઝાઝાં બાળકો પેદાં કર્યાં નહીં. ઓછાં કર્યાં અને તેમને પૂરતું આધુનિક શિક્ષણ આપ્યું અને વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ તથા ફિલ્મ કલાકાર વગેરે બનાવ્યા.

તમે ક્યારેય કોઈ પ્રદેશને પચાવી પાડવાનું સપનું જોઈ નિર્દોષ લડવૈયાને મરીને હુર મળશે એવું સપનું બતાવી મરવા અને મારવા માટે મોકલતા નથી. સ્વતંત્રતા પછી તમારી વસતિ દિવસે ને દિવસે સતત ઘટતી જાય છે જેમાં તમારાં પોતાનાં પણ આંતરિક સામાજિક કારણો છે પરંતુ તેના માટે તમે ક્યારેય સરકાર કે બીજા સમુદાયને જવાબદાર ઠેરવ્યા નથી.

સરકાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના પ્રતાડિત હિન્દુ, શીખ, પારસી, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધને શરણ આપવા માટે સીએએ જેવો કાયદો બનાવે કે એન.આર.સી લાવવાની વાત કરે તો તમે તેનો વિરોધ કરી એમ કહેતા નથી કે હમ કાગઝ નહીં દિખાયેંગે. ભલા માણસો, તમે કોઈ આફત ઇન્દૌરી જેવો શાયર પણ પેદા ન કરી શક્યા જે એમ કહે કે હિન્દુસ્તાન કિસી કે બાપ કા નહીં.

તમારા તો કેટલાય લોકો ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે, કરી ચૂક્યા છે પરંતુ તમારું પારસીત્વ તમે ક્યારેય થોપવાની કોશિશ ન કરી. હિન્દુ પાત્રોના મોઢેથી ખોદાયજી કે એવી કોઈ બાબતો બોલાવી નહીં. ફિલ્મોમાં પારસીને હંમેશાં મજાકની રીતે બતાવવામાં આવ્યા પરંતુ તમે પોતે જ એટલા રમૂજવૃત્તિ ધરાવતા હોવાથી તમે તેને હળવાશથી જ લીધું.

તમે સામે મળો તો ક્યારેય તમારી વિશિષ્ટ શૈલીમાં તમને અભિવાદન કરવાની જરૂર પડતી નથી. કોઈ ટીવી શો કે કોઈ સંગીત સ્ટેજ શૉમાં એન્કર પણ માત્ર નમસ્તે, આદાબ, સત શ્રી અકાલ, અલવિદા, ખુદાહાફિઝ, અલ્લાહ હાફીઝ બોલે છે. તમારા અભિવાદનનો ક્યારેય તેમાં સમાવેશ થયો નથી. બોલ રાધા બોલ, ભાભીજી ઘર પે હૈ જેવી ફિલ્મ-સિરિયલોમાં તો અંગ્રેજી ઉર્દૂ શીખવવાના આડકતરા પાઠ ચાલે છે, કવિ સંમેલનોમાં આદાબ, ઇર્શાદ, માશાઅલ્લાહ, સુભાન અલ્લાહ કહેવાય છે પણ તમારી પારસી કવિતાના સંમેલનોમાં શું થાય છે તે અમને ખબર જ નથી. તમારી તો મૂળ ભાષા કઈ તે પણ અમને નથી ખબર. તમે કોઈ દિવસ તેનું દુઃખ પણ વ્યક્ત કર્યું નથી કારણકે તમે પોતાની જાતને બધાંથી અલગ માનતા નથી.

ગુજરાતમાં ઉત્તર ભારતમાંથી અનેક વર્ષથી રહેતા હિન્દુઓ પણ ગુજરાતી આવડતું હોય તો પણ બોલતા નથી, કદાચ બોલવા માગતા પણ નથી. તેમની જેમ ગુજરાતના ઘણા મુસ્લિમો પણ બાવા હિન્દી બોલવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમે સંજાણ બંદરે આવ્યા પછી ગુજરાત અને ગુજરાતી ભાષાને એવી અપનાવી લીધી કે ગુજરાત બહાર ગયા તો પણ તમે ભાંગીતૂટી ગુજરાતી ચાલુ રાખી અને એટલું જ નહીં પરંતુ તમારી ગુજરાતી ખૂબ જ મીઠી લાગે છે. તમારો રંગ સુરતની બોલીને પણ લાગ્યો અને સુરતના લોકો પણ જાણે પારસી હોય તે જ રીતે ગુજરાતીમાં સને બદલે હ અને અને તના બદલે ટ બોલે છે.

તમે હોમી જહાંગીર ભાભા હતા તો પરમાણુ વૈજ્ઞાનિક થયા, હોમી નુસેરવાનજી શેઠના હતા તો તમે પ્રથમ પરમાણુ વિસ્ફોટ યંત્રનું માર્ગદર્શન કરનાર કેમિકલ એન્જિનિયર થયા, તમે જમશેદજી તાતા થયા તો ટાટા ગ્રૂપનો મોટો ઉદ્યોગ સ્થાપ્યો. તમે અરદેશર ગોદરેજ થયા તો ગોદરેજ ઉદ્યોગ સ્થાપ્યો. તમે બેજાન દારૂવાલા થાય તો વૈદિક જ્યોતિષના આધારે મોટા જ્યોતિષી થયા. તમે જોન અબ્રાહમ થયા તો અમને ‘પરમાણુ: દ સ્ટૉરી ઑફ પોખરણ’ અને ‘બાટલા હાઉસ’ જેવી હિંમતભરી ફિલ્મો આપી. તમે દિન્યાર કૉન્ટ્રાક્ટર થયા તો અમને ખૂબ જ હસાવ્યા. તમે અરુણા ઈરાની, ઈન્દ્રકુમાર ઈરાની, અદી ઈરાની, ફિરોઝ ઈરાની થયાં તો અમને ખૂબ જ મનોરંજન પૂરું પાડ્યું. જ્યારે મહિલાઓ ઘરની બહાર ઓછી પગ મૂકતી હતી ત્યારે સૌપ્રથમ પહેલા મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા થયાં પરંતુ છતાં તમે ક્યારેય તમારો પંથ પ્રગતિશીલ હોવાનો દાવો કર્યો નહીં. તમે ભીકાજી કામા થયા તો દેશની ધરતી પર ભારતનો ધ્વજ ફરકાવનાર પહેલી વ્યક્તિ બન્યાં. પરંતુ સ્વતંત્રતા મળી ગયા પછી તમે રાજકારણમાં રસ લેવાનું ઓછું કર્યું અને જ્યારે પણ ટિકિટની વહેંચણી થાય કે કોઈ પદ પર નિમણૂક થાય તો તમારા માટે કોઈ એમ કહેતું નથી કે પારસીને કેમ ટિકિટ કોઈ પક્ષ આપતો નથી, કેટલા પારસીને ટિકિટ આપી કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદે કે વડાપ્રધાન પદે કેમ કોઈ પારસી હજુ સુધી આવ્યો નથી? ભાજપને કેટલાક સેક્યુલર પત્રકારો અને બુદ્ધિજીવીઓએ લઘુમતી વિરોધી ગણાવતા આવ્યા છે પરંતુ તે લોકોએ પણ ક્યારેય ભાજપના અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી કે અમિત શાહને આવો પ્રશ્ન કર્યો નથી.

દેશમાં થતાં અપરાધોમાં પણ અપરાધી તરીકે તમારાં નામો જવલ્લે જ આવે છે.

તમે ભારતને આગળ વધારવા આર્થિક ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, મનોરંજન ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહ્યા છો. એવું કહેવામાં ભારોભાર દુઃખ થાય છે કે તમે ઇરાનથી આવ્યા હતા પરંતુ તેમ છતાં એ વાતનો સંદર્ભ લઈને તમને પૂછવું છે કે તમે આદિ કાળથી અહીં જ રહેતા હો તેમ કઈ રીતે રહી શકો છો? જો તમે વૈજ્ઞાનિક હો તો આ જરા તમારા લોકોનાં ડી.એન.એ.નું સંશોધન કરી જણાવવા વિનંતી કે જેનાથી ભવિષ્યમાં આવાં ડી.એન.એ કોઈ કૃત્રિમ લૅબોરેટરીમાં બનાવવાનું શક્ય બને તો જથ્થાબંધ બનાવી શકાય અને જો તમે સામાજિક વૈજ્ઞાનિક હો એ જણાવો કે તો એવું કયું કારણ છે કે જે તમને તમારી અલગતા સાથે ભારત દેશમાં અન્ય સમુદાયો સાથે એકરૂપતા આપે છે?

તમને તમારી ઘટતી જતી વસતિની ચિંતા હશે જ પરંતુ તે કરતાં મને અને મારા જેવા અનેકોને વધારે છે કારણકે તમારા જેવા દેશભક્તોની સંખ્યા ઘટે તે આ દેશને બિલકુલ પરવડે નહીં એટલે વસતિ વધારો નહીં તો કંઈ નહીં પરંતુ વસતિ જળવાય તે માટે તો તમારે પ્રયત્ન કરવા જ પડે.

તમને કોટિ કોટિ વંદન. થોરામાં ઘન્નું વાંચજો. સાહેબજી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Aspi Bamanji Ambapardiwala 17/08/2020 - 11:21 AM

અમો પારસીઓને તમે આટલા સારી રીતે ઓળખો છો તે આનંદની અનુભૂતિ થઇ જે બદલ આપનો ખુબ ખુબ આભાર! આપે જે વર્ણન કર્યું છે તેવા જ રહીશું તેવી એક પારસી તરીકે ખાત્રી આપુ છું. Many thanks once again!🙏

Reply
KHUSHROO VARIAVA 22/08/2020 - 6:14 PM

ધન્ય છે તમારી લાગની, પારસીઓ પ્રત્યે પ્રેમ અને આદર, માન, સન્માન પન એનાથી પન ધન્ય છે આઈ તમારી લાજવાબ પારસી પ્રેમની ગાથા. તમારી પવિત્ર કલમને હું તથા મારો નાનકડો સમાજ શત શત નમન કરેછ.
ખુબ ખુબ આભાર વ્યક્ત કરી તમોને અભિનંદન પાઠવું છું.

Reply

Leave a Comment