Home » પાકિસ્તાનમાં તોફાનો અને ફ્રાન્સની ચિંતા

પાકિસ્તાનમાં તોફાનો અને ફ્રાન્સની ચિંતા

by Jaywant Pandya

સબ હેડિંગ: પાકિસ્તાનમાં તાજેતરમાં ફાટી નીકળ્યાં જેમાં બે પોલીસ કર્મચારીનાં મૃત્યુ થયા અને ૪૦૦થી ૫૦૦ જવાન ઘાયલ થયા. આ તોફાનોના પગલે ફ્રાન્સે તેના નાગરિકોને પાકિસ્તાન છોડી જતા રહેવા કહ્યું. આ તોફાનો પાછળ કયું સંગઠન છે?

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૨૪/૦૪/૨૦૨૧)

ફ્રાન્સે તેના દેશના નાગરિકોને પાકિસ્તાન છોડી દેવા કહ્યું. ઇસ્લામાબાદમાં ફ્રાન્સના દૂતાવાસે એક ઇ-મેઇલ દ્વારા માહિતી આપી કે પાકિસ્તાનમાં રહેતા ફ્રાન્સના નાગરિકો પર ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. ફ્રાન્સનો કોઈ નાગરિક પાકિસ્તાનના કોઈ પણ હિસ્સામાં રહેતો હોય તે તરત જ બીજા દેશ રવાના થઈ જાય.

ફ્રાન્સે અચાનક આવો આદેશ કેમ બહાર પાડવો પડ્યો? વાત જૂની છે કે ફ્રાન્સમાં ‘શાર્લી હેબ્દો’એ મોહમ્મદ પયંગબર પર કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. તે પછી પેરિસમાં ત્રાસવાદી હુમલા પણ થયા હતા. તે પછી એક શિક્ષક સેમ્યુઅલ પેટીએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભણાવતી વખતે મોહમ્મદ પયંગબર પર કાર્ટૂન વિદ્યાર્થીઓ સમક્ષ દર્શાવ્યા હતા. આ સેમ્યુઅલ પેટીની ગત વર્ષે ૧૬ ઑક્ટોબરે હત્યા થઈ હતી.

હવે ઑક્ટોબર ૨૦૨૦ની આ ઘટના પછી પાકિસ્તાનમાં આ વર્ષે એપ્રિલમાં કેમ ફ્રાન્સના નાગરિકો પર જોખમ ઊભું થયું?

તેનું કારણ છે ત્યાંનો કટ્ટરવાદી ઇસ્લામિક પક્ષ- તહરીક-એ-લબાયક. એક તરફ બાંગ્લાદેશમાં સ્થાપક શૈખ મુજિબુર રહેમાનનાં દીકરી અને વડાં પ્રધાન શૈખ હસીનાએ ઘણા અંશે કટ્ટરતાને નિયંત્રણમાં લીધી છે જેના પરિણામે આ દેશ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે. બીજી બાજુ, પાકિસ્તાનમાં રાજકારણ માટે થઈને કટ્ટરતાને હંમેશાં પોષવામાં આવી છે; ચાહે તે ઝિયા ઉલ હક હોય, નવાઝ શરીફ હોય, બેનઝિર ભુટ્ટો હોય કે ઈમરાન ખાન, કોઈ શાસક તેમાંથી બાકાત નથી.

તહરીક-એ-લબાયક નામનો આ પક્ષ હજુ તો વર્ષ ૨૦૧૫માં જ સ્થપાયો છે પણ તેણે પાકિસ્તાનમાં સારી એવી પકડ બનાવી લીધી છે. અલ્લામા ખાદીમ હુસૈન રિઝવી નામના એક વ્યક્તિએ તેની સ્થાપના ૧ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ કરી હતી. આ પક્ષે ફ્રાન્સના રાજદૂતને મોહમ્મદ પયગંબર પરનાં કાર્ટૂનના વિરોધમાં હાંકી કાઢવા ચળવળ આદરી જે હિંસક તોફાનોમાં પરિણમી. આથી જ ફ્રાન્સે તેના નાગરિકોને પાકિસ્તાન છોડી જતા રહેવા કહ્યું.

ભારતમાં ક્યાંય ચર્ચનું છાપરું પણ પવનથી ઊડી જાય તો હિન્દુવાદી સંગઠનો પર આક્ષેપબાજી પીટીઆઈથી માંડીને રાષ્ટ્રીય મિડિયામાં શરૂ થઈ જાય છે અને અમેરિકાથી માંડીને સંયુક્ત રાષ્ટ્રો વગેરે બધાં જ ટપારવા લાગે છે. ટપલીદાવ રમવા લાગે છે, પણ પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ સાથે કેવું વર્તન થાય છે તે જુઓ.

ખ્રિસ્તી એશિયા નૂરીન જે એશિયા બીબી તરીકે પણ ઓળખાય છે, પર ઈશ નિંદા એટલે કે ઇસ્લામની નિંદાનો આક્ષેપ થયો. એશિયા બીબીએ બેરી ફળ લણતી વખતે તેની સાથેના કર્મચારીઓ અંગે કોઈ ચર્ચા કરી હતી. ચર્ચામાં સ્વાભાવિક દલીલો થઈ હતી. તેમાંથી વર્ષ ૨૦૦૯માં તેના પર ઈશ નિંદાનો આક્ષેપ થયો. આથી તેની ધરપકડ થઈ. નવેમ્બર ૨૦૧૦માં એક સ્થાનિક ન્યાયાલયે તેને ફાંસીની સજાનો આદેશ કર્યો. લાહોર ઉચ્ચ ન્યાયાલયે પણ આ સજા માન્ય રાખી. તેને છોડી મૂકવા સહી અભિયાન ચાલ્યું. કેથોલિક ખ્રિસ્તીઓના વડા પૉપ બેનેડિક્ટ સોળ અને પૉપ ફ્રાન્સીસે પણ તેને છોડી મૂકવા અપીલ કરી. પરંતુ પાકિસ્તાનીઓને તેની કોઈ અસર ન થઈ. (ભારતમાં ઘણા લોકો કહેતા હોય છે કે પાકિસ્તાનના શાસકો જ ખરાબ છે અને રાજકારણ માટે ભારત વિરોધી અભિગમ ધરાવતા હોય છે, પણ પાકિસ્તાની એવા નથી. જાવેદ અખ્તર જેવા ગીત લખે- પંછી નદિયાં પવન કે ઝોંકે, પરંતુ હકીકત એ નથી.) એશિયા બીબીને તેના પડોશીઓ કે ઇસ્લામિક પંથ વડાઓ તરફથી કોઈ સહાનુભૂતિ કે ક્ષમા ન મળી. ઉલટું, તેની તરફેણ કરનાર લઘુમતી પ્રધાન શાહબાઝ ભાટી અને પંજાબ (પાકિસ્તાન)ના રાજ્યપાલ સલમાન તસીરની હત્યા થઈ ગઈ!

૩૧ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ આ એશિયા બીબીને પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે નિર્દોષ છોડી મૂકતો આદેશ કર્યો. આના વિરોધમાં ઉપરોક્ત તહરીક-એ-લબાયક સહિતના ઈસ્લામિક પક્ષોએ વિરોધ પ્રદર્શનો કર્યાં.

મોદી સરકારના દબાણના કારણે સૈનિક અભિનંદનને પાકિસ્તાને છોડી મૂકવા ફરજ પડી ત્યારે ભારતના પાકિસ્તાન પ્રેમીઓ ઈમરાન ખાન પર સમરકંદ બુખારા ઓવારી ગયા હતા અને ઈમરાન ખાનને નોબલ પારિતોષિક આપવા સુધી માગણી કરવા લાગ્યા હતા. આ ઈમરાન ખાનની સરકારે તહરીક-એ-લબાયક સાથે સમજૂતી કરી કે એશિયા બીબીને દેશ છોડી જવા નહીં દેવામાં આવે. છેવટે ૨૦૧૯માં કોઈક રીતે એશિયા બીબી કેનેડા જવામાં સફળ થઈ. એટલું જ નહીં, એશિયા બીબીના વકીલ સૈફ-ઉલ-મુલૂકને પણ યુરોપ ભાગી જવું પડ્યું. તેણે કહ્યું, “મારે એશિયા બીબી માટે કાનૂની લડાઈ લડવાની છે, આથી મારે જીવતા રહેવું જરૂરી છે.”

ઈમરાન ખાનની પૂર્વ પત્ની જેમિમાએ પણ ઈમરાન ખાન સરકારની ટીકા કરી કે તે કટ્ટરવાદી ઇસ્લામીઓ સામે ઝૂકી ગઈ છે.

તહરીક-એ-લબાયક હકીકતે પાકિસ્તાનની સેનાનું પ્યાદું છે. જ્યારે નવાઝ શરીફની સરકાર હતી ત્યારે તેની સામે તહરીકનો ઉપયોગ કરી પાકિસ્તાની સેના ખુશ થતી હતી. ઈમરાન ખાનને પણ તેમાં પોતાનો ફાયદો દેખાતો હતો.

વર્ષ ૨૦૧૭માં જ્યારે તહરીક-એ-લબાયક હજુ રાજકીય પક્ષ તરીકે નોંધણી નહોતો પામ્યો ત્યારે તેના લોકોએ ફૈઝાબાદમાં ૨૧ દિવસના ધરણા પ્રદર્શન કર્યા હતા જેના લીધે રાવલપીંડી અને ઈસ્લામાબાદમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. તે વખતે તેનો હેતુ પાકિસ્તાનની નવાઝ શરીફની પીએમએલ-એન સરકારને અસ્થિર કરવાનો અને તેનું અપમાન કરવાનો હતો. તેને આઈએસઆઈનું પીઠબળ સાંપડેલું હતું તે દેખીતું હતું.

જ્યારે ગૃહ પ્રધાન (ત્યાં તેને આંતરિક પ્રધાન કહે છે) અહેસાન ઈકબાલે સેનાની મદદ લેવાની ઘોષણા કરી તો સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું, “અમે અમારા પોતાના લોકો સામે બળનો પ્રયોગ ન કરી શકીએ. સેનાને બોલાવવાનો વિકલ્પ છેલ્લો હોવો જોઈએ.”

સેનાના અન્ય જનરલ, મેજર અઝહર નાવીદ હયાત (તે વખતે પંજાબના ડીજી રેન્જર્સ હતા) તહરીક-એ-લબાયકના વિરોધકારોને રોકડ રકમ આપતા હોય તેવો વિડિયો પણ બહાર આવ્યો હતો. સ્પષ્ટ હતું કે આ પક્ષને સેના અને આઈએસઆઈનું પીઠબળ પ્રાપ્ત છે.

આ પક્ષને વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં પીએમએલ-એનને નુકસાન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. કેટલીક હદ સુધી આ હેતુમાં પક્ષ સફળ પણ રહ્યો. સિંધ વિધાનસભામાં તે ત્રણ બેઠક પર જીતી આવ્યો. પક્ષ આખા દેશમાં ચોથા ક્રમનો સૌથી મોટો પક્ષ બની ગયો અને તેને દેશભરમાંથી ૨૫ લાખ મત પણ મળ્યા!

જોકે ૨૦૧૮માં ઈમરાન ખાન (બાજવાની પડદા પાછળ) સરકાર બની એટલે ખેલ ઉલટો થઈ ગયો. એશિયા બીબીના ઈશ નિંદા કેસમાં તહરીક-એ-લબાયક તેના સંચાર કરનારા સામે જ પડ્યો. તેના સ્થાપક નેતા ખાદીમ રિઝવીની ધરપકડ કરવામાં આવી. લબાયકના પીર અફઝલ કાદરીએ સેનાના મુસ્લિમ જનરલોને ‘કાદિયાની’ (એટલે કે અહેમદીયા જેને પાકિસ્તાનના મુસ્લિમો મુસ્લિમ નથી માનતા) જનરલ બાજવા સામે બળવો કરવા અપીલ કરી.

જોકે જેલમાં જઈ આવ્યા પછી પીર અફઝલ કાદરીની સાન ઠેકાણે આવી ગઈ! તેમણે બહાર આવીને ક્ષમા માગતું નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે જનરલ કમર બાજવાની લાગણી દુભાવવા માટે તેઓ ક્ષમા માગે છે અને તેમણે પોતાની હૃદય, પેરાલિસિસ, હાઇ બીપી, ડાયાબિટિસ અને કિડની વગેરેની ગંભીર બીમારીના કારણે લાગણીમાં આવી જઈને આવું નિવેદન બહાર પાડ્યું હતું. અને તે પછી તેમણે પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી.

પરંતુ ખાદિમ રિઝવી શાંત ન બેઠા. ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં તેમણે નક્કી કર્યું કે તેઓ તેમના સર્જનહાર સામે લડશે. તેમણે ચૂંટણીમાં ગરબડો થવાનો આક્ષેપ કર્યો અને જનરલ બાજવાને સીધા પડકાર્યા. પરિણામ? પરિણામ એ આવ્યું કે તેના બે દિવસ પછી તેઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. જાહેર એવું કરાયું કે કોરોનાના કારણે તેમનું મૃત્યુ થયું છે.

જોકે ખાદિમ રિઝવીના મૃત્યુથી તહરીક-એ-લબાયક પક્ષનું બાળ મરણ નથી થયું. રિઝવીના દીકરો સાદ રિઝવીએ પક્ષનું સંચાલન સંભાળ્યું છે. અને ૧૨ એપ્રિલથી લઈને ત્રણ દિવસ સુધી પાકિસ્તાન ભડકે બળ્યું. ૧૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ સાદ રિઝવીએ તહરીક-એ-લબાયકના લોકોને પાકિસ્તાન સરકાર ૨૦ એપ્રિલ સુધીમાં ફ્રાન્સના રાજદૂતને કાઢી ન મૂકે તો વિરોધ કરવા વિડિયો અપીલ કરી. ૧૨ એપ્રિલે આ સાદ રિઝવીની ધરપકડ કરવામાં આવી. તે પછી લાહોરમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. લાહોર, ઇસ્લામાબાદ, પેશાવર અને ગુજરાંવાલા શહેરનો સંપર્ક કપાઈ ગયો. પથ્થરમારો થયો. બે પોલીસ કર્મચારીઓનાં મૃત્યુ થયાં. ૪૦૦થી ૫૦૦ પોલીસ જવાનો ઘાયલ થયા. તહરીક-એ-લબાયકના દાવા પ્રમાણે તેના બે જણાના મૃત્યુ થયા. સ્થાનિક પોલીસની મદદે અર્ધ લશ્કરી દળોને ઉતારવામાં આવ્યાં.

જનરલ બાજવાને ઈમરાન ખાન સાથે વાંકું પડેલું હતું. તેઓ છેલ્લાં ઘણાં સપ્તાહથી ઈમરાન ખાન સાથે બોલતા પણ નહોતા. પરંતુ આ તોફાનો પછી તેઓ ઈમરાનને મળવા દોડી ગયા. પોલીસ આ ઘટનામાં મૌન તમાશો જોતી રહી કારણકે તેને ખબર છે કે આ તોફાનો પાછળ કોણ છે. સેના સામે શા માટે લડાઈ વહોરી લેવી? અને સેનાની મદદ હોવાનું બે વિડિયો પરથી સ્પષ્ટ થાય છે જેમાં સેનાના સૈનિકો એક ચાલતી ટ્રકમાં તહરીક-એ-લબાયકના કાર્યકરોથી ઘેરાયેલા છે અને ‘લબાયક યા રસૂલ અલ્લાહ’નાં સૂત્રો પોકારી રહ્યા છે, તહરીક-એ-લબાયકના કાર્યકરો બે સૈનિકોના હાથ ચૂમી રહ્યા છે.

ત્રણ દિવસનાં હિંસક તોફાનો પછી પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે તહરીક-એ-લબાયક પર પ્રતિબંધ મૂકી દીધો છે. આથી તે ચૂંટણીમાં તો ભાગ નહીં લઈ શકે પરંતુ શેરીઓમાં ઉત્પાત જરૂર મચાવશે.

પાકિસ્તાનમાં સેના આવાં ત્રાસવાદી જેવાં સંગઠનો-પક્ષોને પોષતી રહે છે. ચીને પણ શંકા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો નીકળી જશે તો ત્રાસવાદીઓ તેનો લાભ લેશે. અમેરિકાના સેનેટ આર્મ્ડ સર્વિસ કમિટીના અધ્યક્ષ જેક રીડે ૧૫ એપ્રિલે અમેરિકાની સંસદમાં કહ્યું કે તાલિબાનના વિકાસમાં બહુ મોટું યોગદાન પાકિસ્તાનમાં તેમને મળતો આશ્રય છે. અમેરિકા તેને સમાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

પરવેઝ મુશર્રફ જ્યારે સેનામાં હતા અને ઝિયા ઉલ હક શાસક હતા ત્યારે પણ અમેરિકા તરફથી અફઘાનિસ્તાનમાં રશિયા સામે લડવા તાલિબાનો ઊભા કરાયા હતા અને તેની આડમાં ભારત વિરોધી ત્રાસવાદીઓ પણ ઊભા કરાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી પાકિસ્તાનની ભારત વિરોધી નીતિ ચાલુ રહી છે. પણ ‘ભેંસનાં શિંગડાં ભેંસને ભારે’ એ કહેવતની જેમ પાકિસ્તાનને તેના જ ઊભા કરેલા કટ્ટર ઈસ્લામી પરિબળો નડી રહ્યાં છે અને દેશને ગૃહ યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે.

જોકે અમેરિકામાં ઑફિસ ઑફ ધ ડિરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સે તેના આકલન અહેવાલમાં કૉંગ્રેસ (ત્યાંના નીચલા ગૃહ)ને જણાવ્યું છે કે પાકિસ્તાન જો સહેજ પણ ઉશ્કેરણી કરશે તો નરેન્દ્ર મોદી સરકાર સેનાની તાકાતથી તેનો જડબાતોડ જવાબ આપશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment