Home » વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો

વિરોધમાં ભાન ભૂલીને બંધારણની ગરીમાને લાંછન લગાડતા વિપક્ષો

by Jaywant Pandya

સબ હેડિંગ: ભાજપના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીનો વિરોધ હોઈ શકે. કરવો જ જોઈએ. પરંતુ વડા પ્રધાન તરીકે તેઓ દેશના વડા પ્રધાન છે. મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું કે તેઓ શ્રી મોદીને વડા પ્રધાન માનતા નથી. આવું કઈ રીતે ચાલે? કાલે પશ્ચિમ બંગાળના ગામનો સરપંચ મમતા વિશે કહે કે તે તેમને પોતાનાં મુખ્ય પ્રધાન નથી માનતો, તો?

(દિ.૧૮/૫/૧૯ના સાધના સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ)

વર્તમાન ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિપક્ષોનો એક આક્ષેપ એ રહ્યો છે કે તેમની સરકાર બંધારણનું અને બંધારણીય સંસ્થાઓનું સતત ઉલ્લંઘન અને તેમને નુકસાન પહોંચાડતી રહી છે. પરંતુ મોટી કરુણતા એ છે કે વિપક્ષો પોતે જ અત્યારે આ આક્ષેપને પાત્ર છે. કઈ રીતે? આવો જોઈએ.

તાજેતરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ શ્રી મોદીને વડા પ્રધાન જ માનતા નથી. તેમણે આવું નિવેદન વાવાઝોડું ફણી આવ્યું તેના સંદર્ભે શ્રી મોદીએ વાવાઝોડાથી નુકસાનનો કયાસ કાઢવા માટે બોલાવેલી બેઠકમાં હાજરી ન આપવા અંગે કહ્યું. આ તે કેવું નિવેદન! માન્યું કે તમારો વિરોધ શ્રી મોદી માટે આકરો છે. તમે શ્રી મોદીને એક મિનિટ પણ સાંખી શકતા નથી. પરંતુ છેવટે તો તેઓ ભાજપના નેતા નથી, દેશના વડા પ્રધાન છે. કુદરતી આપત્તિ આવી હોય ત્યારે પણ રાજકારણ રમવાનું? ત્યારે તો મતભેદો ભૂલીને કેન્દ્ર-રાજ્યોએ એક થઈને કામ કરવું જોઈએ. માનો કે કાલે સવારે પશ્ચિમ બંગાળના કોઈ ગામનો સરપંચ પોતાની રીતે કામ કરવા લાગશે અને કહેશે કે મમતાને તે પોતાનાં મુખ્ય પ્રધાન માનતો નથી, તો? જો બધાં આમ કરવા લાગશે તો તો દેશ તૂટી જશે.

આ એ જ મમતાદીદી છે જેમણે પશ્ચિમ બંગાળમાં સી.બી.આઈ.ને આવવા પર પ્રતિબંધ લગાવ્યો. અને જ્યારે શારદા કૌભાંડના સંદર્ભે સીબીઆઈની ટીમ પહોંચી ત્યારે પોલીસ દ્વારા આ અધિકારીઓની એવી રીતે ધરપકડ કરાવી જાણે તેઓ કોઈ રીઢા ગુનેગાર હોય. એટલું જ નહીં, તે જ રાત્રે તે પોલીસ કમિશનર રાજીવકુમાર જેની પૂછપરછ કરવા માટે સીબીઆઈ આવી હતી તે પોલીસ કમિશનર સાથે અનિશ્ચિત મુદ્દત્ત માટે ધરણા પર બેઠાં. પોતાની વિધાનસભાની કાર્યવાહી પણ ધરણાના સ્થળેથી જ ચલાવી! કોઈ પોલીસ કમિશનરની પૂછપરછ ન થવા દેવા માટે રાજ્યનાં મુખ્ય પ્રધાન પોતે ધરણા પર બેસે અને તે સમયે મમતાના કાર્યકરો તોફાન કરતા હોય તેમને અટકાવી કાયદો-વ્યવસ્થા જાળવવાના બદલે પોલીસ કમિશનર પોતે ધરણા પર બેસે તે કેવું લોકતંત્ર!

આવું જ વલણ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુનું છે. તેમણે પણ પોતાના રાજ્યમાં સીબીઆઈને આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. શું કોઈ રાજ્ય આવું કરી શકે? શા માટે આવું કરવું જોઈએ? આ દેશમાં રાજ્ય સ્વતંત્ર નથી. આ દેશ રાજ્યોનો સંઘ છે. સમવાયતંત્ર આ દેશમાં લાગુ થયું છે. કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને દેશ ચલાવવાનો છે અને તેમાં કેન્દ્રની સ્વાભાવિક રીતે મોટા ભાઈ તરીકેની ભૂમિકા છે. તેને વધુ સત્તા મળેલી છે. કેન્દ્રની સરકારની ચૂંટણી બધાં રાજ્યોના મતદારો મળીને કરે છે. કાલે સવારે કોઈ મુખ્ય પ્રધાન કહેશે કે અમે તો અમારી હાઇ કૉર્ટનો આદેશ જ માનીશું અને સુપ્રીમ કૉર્ટનો આદેશ નહીં માનીએ તો ચાલશે?

પક્ષોનું પોતાનું બંધારણ હોય છે પરંતુ આપણે ત્યાં મોટા ભાગના પક્ષોમાં વંશવાદ ચાલે છે. આંતરિક રીતે કોઈ ચૂંટણી થતી નથી. કૉંગ્રેસમાં ગાંધી પરિવારની વ્યક્તિ અથવા ગાંધી પરિવાર ઈચ્છે તે જ કૉંગ્રેસ પ્રમુખ અને જો સત્તા મળે તો વડા પ્રધાન થઈ શકે છે. શહેજાદ પૂનાવાલાએ આ અંગે પડકાર ફેંક્યો હતો પરંતુ કંઈ થયું નહીં. કૉંગ્રેસે દેશની બંધારણીય સંસ્થાઓનું કેટલું અપમાન કર્યું છે અને તેમને કેટલી નબળી પાડી છે તે અંગે પુસ્તક લખી શકાય તેટલી સામગ્રી છે. નહેરુથી માંડીને રાજીવ ગાંધી સુધીનો આ ઇતિહાસ છે, પરંતુ જો તાજો ઇતિહાસ ઉખેળીએ તો, યુપીએ સરકાર દરમિયાન સુપ્રીમ કૉર્ટે સીબીઆઈને બંધ પાંજરાનો પોપટ કહ્યો હતો. અર્થાત્ સીબીઆઈ એ યુપીએ સરકારની કઠપૂતળી છે.

યુપીએ પહેલી સરકાર વખતે સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સલાહકારી પરિષદ (એન.એ.સી.) રચાઈ હતી. સરકારના નિર્ણય ખરેખર તો એ જ લેતી હતી. તે વખતે વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)ની કોઈ ગરીમા જ જળવાતી નહોતી. એનડીએ સરકારે એન.એ.સી.ની ૭૧૦ ફાઇલો જાહેર કરી છે. તે આનું સ્પષ્ટ ઉદાહરણ છે. સોનિયા ગાંધી અને ડાબેરીઓ, એનજીઓવાળાઓ અને બુદ્ધિજીવીઓએ મળીને સંસદ અને કાર્યકારી સંસ્થાની સત્તાને અવગણીને પોતાનું ‘ડૉલઇકૉનૉમિક્સ’ ચલાવ્યું હતું અને દેશને પાયમાલની સ્થિતિમાં મૂકી દીધો હતો. (સંદર્ભ રૉઇટરનો તા.૩૦ મે ૨૦૧૦નો અહેવાલ)

આમાંથી એક ફાઇલ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજની છે. તેમાં બતાવાયું છે કે એન.એ.સી.નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશને પત્ર લખી મનરેગા યોજના હેઠળ કુદરતી સંસાધનોનું પ્રબંધન મજબૂત કરવા ભલામણ કરી હતી. તેના જવાબમાં શ્રી રમેશે પણ વડા પ્રધાનને વચ્ચે લાવ્યા વગર પોતે જ જવાબ આપી દીધો હતો કે આ ભલામણો માન્ય છે! આ બતાવે છે કે કોઈ પણ બંધારણીય હોદ્દા વગર શ્રીમતી ગાંધી સુપર પીએમનું પદ ભોગવતા હતા.

યુપીએ સરકાર વખતે કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ (કેગ) વિનોદ રાય અનેક કૌભાંડો બહાર લાવેલાં. વિનોદ રાયે ૨૪ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ ઘટસ્ફોટ કર્યો હતો કે યુપીએ સરકારે અને તેમના વતી રાજકારણીઓએ તેમના પર કોલસા કૌભાંડ અને કૉમનવેલ્થ કૌભાંડમાંથી નામો પડતાં મૂકવાં તેમના પર દબાણ કર્યું હતું! એટલું જ નહીં, આ લોકોએ આઈએએસ અધિકારી તરીકે રહેલા પોતાના મળતિયાઓ પાસે પણ પોતાના પર દબાણ કરાવ્યું હતું.

યુપીએ સરકાર વખતે આરબીઆઈને પણ સ્વાયત્ત રીતે કામ કરવાની છૂટ નહોતી. નાણા પ્રધાન શ્રી ચિદમ્બરમ્ ના દબાણથી ત્રાસીને આરબીઆઈના તત્કાલીન ગવર્નર વાય. વેણુગોપાલ રેડ્ડીએ ચિદમ્બરમ્ ૨૦૦૪માં નાણા પ્રધાન બન્યા કે તરત જ પદત્યાગ કરવાનું વિચાર્યું હતું. તે પછી તેમની મુદ્દત પૂરી થયા પહેલાં રાજીનામાનું વિચાર્યું હતું. એટલું જ નહીં, તેમને બિનશરતી માફી માગવા મજબૂર કરાયા હતા! (સંદર્ભ: ‘ઍડવાઇસ એન્ડ ડિસેન્ટ: માય લાઇફ ઇન પબ્લિક સર્વિસ’)

આ જ રીતે આરબીઆઈના બીજા ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે પણ પોતાનાં સ્મરણોનું પુસ્તક ‘હુ મૂવ્ડ માય ઇન્ટરેસ્ટ રેટ’ લખ્યું છે જેમાં તેમણે ચિદમ્બરમ્ સાથેના કડવા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું છે તે પ્રમાણે, તેઓ નાણા ખાતાના સચિવ હતા અને શ્રી ચિદમ્બરમે જ તેમને ગવર્નર બનાવ્યા હતા. પરંતુ તેમ છતાં બંને વચ્ચે સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જ્યારે દેશમાં આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ હતી ત્યારે ચિદમ્બરમે લિક્વાડિટી પર બહારના લોકોની સમિતિ બનાવી હતી તે વાત પર શ્રી સુબ્બારાવ બહુ ક્રોધિત થઈ ગયા હતા. તેમને વાંધો એ હતો કે નાણા સચિવ આ સમિતિના અધ્યક્ષ હતા અને આરબીઆઈએ તેમાં માત્ર પોતાનો પ્રતિનિધિ આપવાનો હતો. ભારતના આર્થિક જગતમાં આનાથી એવી છાપ ઊભી થઈ હતી કે શ્રી સુબ્બારાવ માત્ર સરકારની કઠપૂતળી જ છે જે શ્રી સુબ્બારાવને પસંદ પડ્યું નહોતું.

જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયાની વાત છે, કૉંગ્રેસે ચૂંટણી પંચ કે તેના અધિકારીઓનો દુરુપયોગ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અત્યારે તો કૉંગ્રેસ વિપક્ષમાં છે તો પણ તેની ઇકૉસિસ્ટમના આધારે તે આમ કરી રહી છે. ૬ મેએ જ્યારે મતદાન હતું ત્યારે અમેઠીનાં ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં ગૌરીગંજના ગુજરટોલા બૂથ નંબર ૩૧૬નાં મતદાતા એક સામાન્ય વૃદ્ધા એવું કહે છે કે તેમને તો કમળને મત આપવો હતો પરંતુ ચૂંટણી અધિકારીએ તેમનો હાથ પકડીને પંજા પર બટન દબાવડાવી દીધું!

પશ્ચિમ બંગાળમાં તો બૂથ કેપ્ચરિંગના દાખલા ઘણા છે. મમતા બેનર્જીના પક્ષના બ્લૉક પ્રમુખ ખોકન મિયા બુથ કેપ્ચર કરવા અને ઇવીએમ સાથે ચેડા કરવાનું ટ્યૂશન તેમના કાર્યકર્તાઓને આપે છે તેવી ટેપ ‘ટાઇમ્સ નાવ’ ચેનલે ગઈ ૧૦ એપ્રિલે સંભળાવી હતી. પશ્ચિમ બંગાળમાં બાબુલ સુપ્રિયો જેવા માત્ર ભાજપના નેતા-કાર્યકર્તા પર જ નહીં, મોહમ્મદ સલીમ જેવા સીપીએમના નેતાની કાર પર પણ ચૂંટણીમાં હુમલો તૃણમૂલના કાર્યકર્તાઓએ કર્યો હતો.

બિહારમાં લાલુપ્રસાદ દ્વારા બંધારણના ઉલ્લંઘનના અનેક દાખલા છે. જ્યારે પોતાને ઘાસચારા કૌભાંડમાં જેલમાં જવાનું થયું ત્યારે પક્ષના ચૂંટાયેલા નેતામાંથી કોઈ નહીં, પરંતુ પોતાનાં પત્ની રાબડીદેવીને તેમણે મુખ્ય પ્રધાન બનાવ્યાં હતાં. આ જ રીતે પુત્ર અખિલેશ યાદવને જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવાયા ત્યારે પિતા મુલાયમસિંહ યાદવ, શિવપાલ યાદવ અને રામગોપાલ યાદવ વગેરે સત્તાનાં કેન્દ્રો હતાં. જોકે ૨૦૧૭ની ચૂંટણી વખતે પછી અખિલેશ યાદવે પિતા મુલાયમ અને કાકા શિવપાલ સામે બળવો કરી તેમને હાંસિયામાં ધકેલી દીધા તે અલગ વાત છે. અખિલેશના રાજમાં પોલીસ પર ગુંડાઓના હુમલાઓના ૬૨૨ બનાવો બન્યા હોવાનું ‘ઇન્ડિયા ટુડે’એ નોંધ્યું હતું. આમ આદમી પક્ષના અરવિંદ કેજરીવાલે પણ મુખ્ય પ્રધાન બન્યા પછી જેમને પ્રધાન ન બનાવી શકાયા તેમને સંસદીય સચિવ નિર્ધારિત માત્રા કરતાં વધુ બનાવીને નિયમોનો સાર્વજનિક રીતે ભંગ કર્યો હતો જે માટે તેમની સામે ચૂંટણી પંચે લાલ આંખ પણ કરી હતી. કેજરીવાલે પોતે પક્ષનું બંધારણ બદલીને પોતે પક્ષના ત્રીજી વાર પ્રમુખ બની ગયા છે.

બાકી, રાહુલ ગાંધી હોય કે મમતા બેનર્જી કે અરવિંદ કેજરીવાલ, તેમણે વિરોધમાં વડા પ્રધાન શ્રી મોદીને તું કારો કરવા લાગ્યો છે. એટલું જ નહીં, ગાળો ભાંડવામાં પણ કોઈ કસર બાકી રાખી નથી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment