Home » તુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…

તુલસીદાસજી લખી ગયા, જાકે પ્રિય ન રામ બૈદેહી…

by Jaywant Pandya

સબ હેડિંગ: શ્રી રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનું કાર્ય હવે હાથવેંતમાં છે ત્યારે શ્રી રામના નામને જનજન સુધી પહોંચાડનાર કથાકાર, સાહિત્યકાર અને સમાજસેવક તુલસીદાસજીએ જાતિપ્રથા વિશે શું લખ્યું છે? કલિયુગ વિશે શું લખ્યું છે? મોગલકાળના અત્યાચારો વિશે શું લખ્યું છે? તે જાણવું રસપ્રદ રહેશે.

(સંજોગ ન્યૂઝ, વિચારવલોણું કૉલમ, દિ.૧૪/૦૬/૨૦૨૦)

આખરે શ્રી રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણની ઘડી હવે હાથવેંતમાં છે. શ્રી રામજન્મભૂમિ પર મંદિર નિર્માણના જે પક્ષધરો હતા તેમને વિરોધીઓ હંમેશાં ટીકા કરી કહેતા કે મંદિર વહી બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે. કોરોના કાળ વિષમ છે પણ હવે સ્થાપિત (અ)હિતોના અંતનો પણ આરંભ શરૂ થઈ ચૂક્યો છે. ચાહે તે સંયુક્ત રાષ્ટ્રો હોય, વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) હોય, અમેરિકાની પડતી હોય કે ચીનની અંદર ઉકળતો ચરૂ કે ભારતના ઘરઆંગણે થઈ રહેલા અધર્મ સામે આવી રહેલી જાગૃતિ.

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે અને આ કોરોના કાળમાં આપણે દૂરદર્શન અને સ્ટાર પ્લસ ચેનલો પર ‘રામાયણ’ ધારાવાહિક જોયું. આ ધારાવાહિકે અનેક સંદર્ભો ફરીથી સ્પષ્ટ કરી દીધા. તેમજ અનેક લોકો તેના અને તેની સાથે સંકળાયેલા પાત્રો-રચનાકારો વિશે સંશોધન કરતા થઈ ગયા.

જ્યારે ‘રામાયણ’ના સરળ અને લોકભાષામાં આલેખનની વાત આવે ત્યારે તુલસીદાસજીનું નામ યાદ આવ્યા વગર ન રહે. એ શ્રી રામકથા કહેનારા આધુનિક યુગના કદાચ પ્રથમ વ્યક્તિ હતા. આખું જીવન લગભગ દરિદ્રતામાં વિતાવ્યું. તેમને તો જન્મથી જ સંકટો આવવાનાં શરૂ થઈ ગયેલાં. પહેલાં માતાની છત્રછાયા ઊઠી ગઈ તો પછી પિતાએ ચુનિયા દાસીના હવાલે તેમને કરી દીધા. પોતે વિરક્ત થઈ ગયા. નરહરિ બાબા તેમને મળ્યા અને તેમનું નામ રાખ્યું રામબોલા કારણકે એમ કહેવાય છે કે તુલસીદાસ જન્મતાવેંત રામ નામ બોલ્યા હતા અને તેમનું શરીર પાંચ વર્ષના બાળક જેવું હતું. જન્મથી જ તેમને બત્રીસે બત્રીસ દાંત હતા. તેઓ જન્મતાવેંત રોયા પણ નહોતા.

તેમણે કાશીમાં વેદ-વેદાંગનું અધ્યયન કર્યું અને તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે ખબર પડી કે તેમના પિતાનું તો અવસાન થઈ ચૂક્યું છે. તેમણે પિતાનું વિધિવિધાનપૂર્વક તર્પણ કર્યું અને પછી લોકોને કથા કહી પોતાનો જીવનનિર્વાહ ચલાવવા લાગ્યા.

પત્ની રત્નાવલીમાં આસક્તિ અને સાપને દોરડાવાળી કથા જાણીતી છે એટલે તે નથી કહેવી. જે કહેવું છે તે એ છે કે આજે કથાકારો વ્યાસપીઠની ગરીમાનો ભંગ કરી રહ્યા છે અને સનાતનીઓમાં વિવાદ ઊભો કરી વિધર્મનો જાણે-અજાણે પ્રચાર કરી રહ્યા છે અને તેમ કરીને સનાતનને હાનિ પહોંચાડી રહ્યા છે ત્યારે તુલસીદાસજીએ કથાકાર અને સાહિત્યકાર તરીકે વિષમ પરિસ્થિતિનો સામનો કરીને પણ સમાજમાં કેવી ચેતના લાવી?

તે સમયે હિન્દુ ધર્મમાં જાતિનો વિવાદ હતો જ. અયોધ્યા અને કાશીમાં અનેકોની સ્વાભાવિક જ ધર્મમાંથી શ્રદ્ધા ઊડી ગઈ હતી.

धन मद मत्त परम बाचाला । उग्र बुद्धि उर दंभ बिसाला ।।

जदपि रहेउं रघुपति राजधानी । तदपि न कुछ महिमा तब जानी ।।

અયોધ્યાવાસી પાપ પરાયણ થઈ ગયા હતા. તેઓ આ પવિત્ર સ્થળનો પ્રભાવ સમજી શકતા નહોતા. તેમના સમયમાં મોગલોનું શાસન હતું. તેમાં કોઈ નિયમ, મર્યાદા કે આદર્શ નહોતા. પુત્ર પિતાની હત્યા કરતો. કાકા ભત્રીજાની કે ભાઈ-ભાઈનો વધ કરી શાસન પચાવી પાડતો. એ શાસન ખરા અર્થમાં તો સૈનિક શાસન હતું. અને તેઓ અહંકારી, વિલાસી અને ક્રૂર હતા. આથી આની અસરમાં સમાજ જીવનનો ઉચ્ચ વર્ગ પણ વિલાસી થઈ ગયો હતો. નિમ્ન વર્ગ દરિદ્રતા અને શોષણથી ગ્રસિત હતો. શાસકો દંડને જ સર્વોત્તમ ઉપાય માનતા હતા. આથી જ તુલસીદાસજીએ લખ્યું:

गोड़ गंवार नृपाल महि, यमन महा महिपाल ।

साम न दाम न भेद कलि, केवल दंड कराल ।।

તુલસીદાસજી પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા અને તેમણે અનેક જગ્યાએ વિપ્ર શબ્દ વાપરી બ્રાહ્મણોના ગુણગાન ગાયાં છે તો રામચરિત માનસમાં ‘ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી, સકલ તાડન કે અધિકારી’ આવું સમુદ્ર અનેક પ્રાર્થના છતાં માર્ગ નથી આપતો ત્યારે કહેવાયું છે. અને તેના આધારે તુલસીદાસજીની ભારે ટીકા પણ થઈ છે. જોકે તાડનાનો અર્થ મારવું અને શિક્ષિત કરવા તે બે રીતે કરાય છે. પરંતુ તુલસીદાસજી પોતે શું જાતિવાદી હતા? તેઓ વર્ણાશ્રમવાદી હતા. એટલે કે કર્મથી વર્ણવ્યવસ્થામાં માનતા હતા પરંતુ જન્મથી જાતિમાં નહોતા માનતા. તેમણે લખ્યું:

लोग कहे पोच सो न सोच न संकोच मेरे

ब्याह न बरेखी जाति-पांति न चहत हो।

લોકો મને નીચ કહે, તેની મને કોઈ ચિંતા નથી. મારે ન તો વિવાહ કરવાનો છે કે ન કોઈની જાતિમાં બેસવાનું છે. મારા હાનિલાભ તો શ્રી રામના ક્રોધિત થવા અને કૃપા કરવાથી જ છે.

આ ઉપરાંત તેઓ શ્રી રામરાજ્યની જે કલ્પના કરે છે તેમાં પણ ચારેય વર્ણના લોકો રાજઘાટ પર એક સાથે સ્નાન કરે છે તેવું લખે છે:

राजघाट सब विधि सुंदर बर । मज्जहिं तहाँ बरन चारिउ नर ।।

રાજઘાટ બધી રીતે સુંદર છે તેમજ શ્રેષ્ઠ છે જ્યાં ચારેય વર્ણના પુરુષ સ્નાન કરે છે.

वरनाश्रम निज-निज धरम निरत वेद पथ लोग

चलहि सदा पावहि सुखहि नहि भय शोक न रोग।

અર્થાત્ બધા લોકો પોત-પોતાના વર્ણ (અર્થાત્ કર્મ પ્રમાણે વર્ણ) અને આશ્રમને અનુકૂળ સ્વધર્મનું પાલનમાં તત્પર થઈ સદા વેદ પથ પર ચાલતા હતા. આથી સુખ પામતા હતા. (વેદ પથ પર ચાલવાના કારણે જ) તેમને કોઈ ભય નહોતો કે ન તો શોક હતો કે ન તો કોઈ રોગ સતાવતો હતો.

તેઓ કલિયુગનું વર્ણન કરતા કેટલાક પથભ્રષ્ટ બ્રાહ્મણોની પણ ટીકા કરતા અચકાયા નથી. તેમણે લખ્યું:

बरन धर्म नहीं आश्रम चारी । श्रुति विरोध रत सब नर नारी ।।

द्विज श्रुति बेचक भूप प्रजासन । कोउ नहि मान निगम अनुशासन ।।

કળિયુગમાં વર્ણ, આશ્રમ નામની કોઈ ચીજ નહીં રહે. બધા મળીને વેદની નિંદા કરશે. બ્રાહ્મણો વેદ વેચીને પોતાનું પેટ ભરશે. રાજા પ્રજાને ખાઈ જનારી હશે. વેદની આજ્ઞા કોઈ નહીં માને.

તુલસીદાસજીએ કલિયુગનું વર્ણન કરતા એક જગ્યાએ વધુમાં લખ્યું:

तामस धर्म करिहिं नर जप तप ब्रत मख दान।

देव न बरषहिं धरनी बए न जामहिं धान॥

મનુષ્ય જપ, તપ, યજ્ઞ, વ્રત અને દાન વગેરે તામસી ભાવે કરવા લાગશે. દેવતા (ઈન્દ્ર) પૃથ્વી પર વરસાદ નહીં વરસાવે અને વાવેલું અન્ન નહીં ઉગે (દુકાળ પડશે.)

તુલસીદાસજી ભક્તિ આંદોલન સમયના છે અને કેટલાક વિદ્વાનો માને છે કે ઈસ્લામી શાસકોના અત્યાચારોના કારણે સનાતન ધર્મને ટકાવી રાખવા માટે ઉદાસીન થઈને તુલસીદાસજી સહિતના સંતોએ લોકોને ભક્તિ તરફ વાળ્યા હતા. પરંતુ હિન્દી સાહિત્યના જાણીતા નિબંધકાર, વિવેચક અને નવલકથા લેખક હજારીપ્રસાદ દ્વિવેદીનો તર્ક જાણવા જેવો છે: “જ્યારે મુસ્લિમ લોકો ઉત્તર ભારતમાં મંદિરો તોડી રહ્યા હતા ત્યારે તે સમયે દક્ષિણમાં આવું કંઈ નહોતું. પરંતુ ત્યાં ભક્તોએ ભગવાનની શરણાગતિની પ્રાર્થના કરી. જો મુસ્લિમોના અત્યાચારના કારણે (હતાશ થઈને જ) હિન્દુઓ ભક્તિમાર્ગ તરફ વળવાના હોય તો સૌ પ્રથમ તો સિંધ અને પછી ઉત્તર ભારતમાં ભક્તિ પ્રગટ થવી જોઈતી હતી, પરંતુ તે થઈ દક્ષિણમાં.”

શ્રી રામજન્મભૂમિ પર મંદિર તોડીને બાબરે મસ્જિદ બનાવડાવી અને ઈસ્લામી શાસકોના સમયમાં જે અત્યાચાર હતો તેના વિશે તુલસીદાસજીએ લખ્યું છે:

मन्त्र उपनिषद ब्राह्मनहुँ बहु पुरान इतिहास।

जवन जराये रोष भरि करि तुलसी परिहास॥

ક્રોધથી ઓતપ્રોત યવનોએ ઘણા બધા મંત્ર (સંહિતા), ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથો, પુરાણ અને ઇતિહાસ સંબંધી ગ્રંથોનો ઉપહાસ કરી તેમને બાળી નાખ્યા.

सिखा सूत्र से हीन करि बल ते हिन्दू लोग।

भमरि भगाये देश ते तुलसी कठिन कुजोग॥

પોતાની તાકાતથી શિખા અને યજ્ઞોપવિતથી રહિત કરીને તેમને ગૃહવિહીન કરી પૈતૃક દેશ (વતન)થી ભગાડી મૂક્યા. આજે મેવાતમાં આ જ થઈ રહ્યું છે ને?

बाबर बर्बर आइके कर लीन्हे करवाल।

हने पचारि पचारि जन, तुलसी काल कराल॥

હાથમાં તલવાર લઈને ક્રૂર બાબર આવ્યો અને લોકોની હત્યા કરી નાખી. આ કાળ ખરેખર ભીષણ હતો.

सम्बत सर वसु बान नभ ग्रीष्म ॠतु अनुमानि।

तुलसी अवधहिं जड़ जवन अनरथ किये अनखानि॥

સંવત ૧૫૮૫માં ગ્રીષ્મકાળમાં જડ યવનોએ અવધમાં વર્ણન ન કરી શકાય તેવા કુકૃત્યો કર્યાં.

राम जनम महि मंदरहिं, तोरि मसीत बनाय।

जवहिं बहुत हिन्दू हते, तुलसी किन्ही हाय॥

શ્રી રામજન્મભૂમિ પર રહેલું મંદિર નષ્ટ કરીને ત્યાં એક મસ્જિદ બનાવી. સાથે જ ઝડપી ગતિએ અનેક હિન્દુઓની હત્યા કરાવી. આ વિચારીને તુલસીદાસજી શોકાતુર થઈ ગયા.

दल्या मीरबाकी अवध मन्दिर रामसमाज।

तुलसी रोवत हृदय अति त्राहि त्राहि रघुराज॥

(સેનાપતિ) મીરબાકીએ મંદિર તેમજ શ્રી રામસમાજ (શ્રી રામદરબારની મૂર્તિઓ)ને નષ્ટ કરી. શ્રી રામ પાસે રક્ષાની યાચના કરતા ભારે હૃદયથી તુલસીદાસજી રોયા.

राम जनम मन्दिर जहाँ तहस अवध के बीच।

तुलसी रची मसीत तहँ मीरबाकी खल नीच॥

અયોધ્યામાં જ્યાં શ્રી રામમંદિર હતું ત્યાં નીચ મીરબાકીએ મસ્જિદ બનાવી.

रामायन घरि घंट जँह, श्रुति पुरान उपखान।

तुलसी जवन अजान तँह, कह्यो कुरान अज़ान॥

જ્યાં રામાયણ, શ્રુતિ, વેદ, પુરાણ, વગેરે સંબંધી ઉપાખ્યાનો થતાં હતાં, ત્યાં અજ્ઞાની યવનોની કુરાન અને અજાન થવા લાગી. (આ બધી વાતો ક્યારેય વ્યાસપીઠ પરથી કહેવાઈ હશે?)

અત્યારે વિધર્મીઓની પ્રાર્થના વ્યાસપીઠો પર ગવાઈ રહી છે ત્યારે તુલસીદાસજીએ તો શાસકોના માનસન્માનને ઠોકર મારી દીધી હતી.

हम चाकर रघुवीर के, पटौ लिखो दरबार।

अब तुलसी का होइंगे, नर के मनसबदार ।।

અકબરે તુલસીદાસજીને પોતાના દરબારીઓમાં સ્થાન આપવા મનસબદારી (એટલે કે શાસકીય અધિકારી કે સેનાપતિના પદ સમકક્ષ પદ. તેને રાજ્યનું વેતન મળતું.) આપવા પ્રસ્તાવ કર્યો ત્યારે તુલસીદાસજીએ તેને નકારી દીધો અને ઉપરોક્ત મુજબ લખ્યું. હું તો રઘુવીરનો ચાકર છું. બીજા કોઈની નીચે કામ કેવી રીતે કરી શકું?

અકબરે તુલસીદાસજીને પોતાના દરબારમાં બોલાવી ચમત્કાર દેખાડવા (અથવા શ્રી રામના દર્શન કરાવવા) કહ્યું. તુલસીદાસજીએ ના પાડી. એમ કંઈ તમે કહો એટલે શ્રી રામ દેખાઈ જાય? તેના માટે તો પ્રચંડ અને પ્રખર ભક્તિ કરવી પડે. બાદશાહનો મગજ ગયો. તેણે તુલસીદાસજીને કારાગારમાં પૂર્યા. કહે છે કે તુલસીદાસજીએ હનુમાનચાલીસા એ કારાગારમાં લખેલા. તે સમયે વાનરોએ ઉત્પાત મચાવી અકબરને ચમત્કાર બતાવી દીધો એટલે અકબરે તુલસીદાસજીને છોડવા પડેલા.

અંતમાં, પ્રખર શ્રી કૃષ્ણ ભક્ત મીરાબાઈએ તુલસીદાસજીને પત્ર લખી દીક્ષા ગ્રહણ કરવા માગી હતી અને માર્ગદર્શન માગ્યું હતું. તેના સંદર્ભમાં તુલસીદાસજીએ ‘વિનયપત્રિકા’માં નીચે મુજબ લખ્યું:

जाके प्रिय न राम बैदेही

तजिये ताहि कोटि बैरी सम, जद्यपि परम सनेही

तज्यो पिता प्रहलाद, बिभीषन बंधु, भरत महतारी

बलि गुरु तज्यो कंत ब्रज-बनितन्हि, भये मुद-मंगलकारी

नाते नेह राम के मनियत सुहृदय सुसेब्य जहां लों

તુલસીદાસજી મીરાબાઈને સમજાવે છે કે જેમને શ્રી રામ અને વૈદેહી (સીતામાતા) પ્રિય ન હોય તેવી વ્યક્તિ તમારી કેટલી પણ પ્રિય (સ્વજન) કેમ ન હોય, તેમને મોટા દુશ્મન સમજી છોડી દેવા જોઈએ. પ્રહલાદે પોતાના પિતા હિરણ્યકશિપુ, વિભીષણે તેમના ભાઈ રાવણ, ભરતે પોતાની માતા, રાજા બલિએ પોતાના ગુરુ શુક્રાચાર્ય અને વ્રજની સ્ત્રીઓએ શ્રી કૃષ્ણના પ્રેમમાં પોતાના પતિનો ત્યાગ કર્યો હતો. તેમણે પોતાના પ્રિયજનોને છોડ્યા ત્યારે જ તેમનું કલ્યાણ થયું. શ્રી રામ સાથે પ્રેમનો સંબંધ જ સૌથી મોટો સંબંધ છે.

અને અત્યારે? જેમને શ્રી રામ અને સીતા પ્રિય નથી તેમના કથામાં ગુણગાન ગવાય છે! આ પણ તુલસીદાસજીએ વર્ણવેલા કલિયુગનું એક લક્ષણ જ થયું ને.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment