Home » ટ્રમ્પથી મુલક્કલ…ઈડરથી કેરળ…

ટ્રમ્પથી મુલક્કલ…ઈડરથી કેરળ…

by Jaywant Pandya

(ડાબેથી) અમેરિકાનાં પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

સબ હેડિંગ: ગયું સપ્તાહ ઘણા સારા અને ઘણા ખરાબ સમાચારોથી ભરપૂર રહ્યું. તેમાંના કેટલાક મહત્ત્વના સમાચાર જે તમારા સુધી જે રીતે પહોંચવા જોઈતા હતા તે રીતે પહોંચ્યા નથી, તેનું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૧/૦૩/૨૦૨૦)

સેક્યુલર મિડિયા આપણી સમક્ષ સિલેક્ટિવલી કેટલાક સમાચાર હાઇલાઇટ કરે છે અને કેટલાકને અંડરપ્લે કરે છે. દા.ત. ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ની વેબસાઇટ ૨૬મીની સવારે જેમણે જોઈ હશે તેમને ખ્યાલ હશે કે તેમાં તેના એક પત્રકારની દિલ્લીના તોફાનમાં કેવી રીતે બચી ગયાની વાત હતી. તેનું હેડિંગ જ હતું, ‘હિન્દુ થે ઇસ લિયે બચ ગયે’. અને આ એક લાઇન પર મિર્ચ મસાલા ભભરાવીને લખાયું હોય તેમ લાગતું હતું. આનો હેતુ સ્પષ્ટ હતો કે દિલ્લીમાં તોફાનો પાછળ માત્ર હિન્દુ જ છે તેવું દેખાડવું. ૨૦૦૨ના જ આંકડામાંથી ૨૦૨૦ બને છે. અને ૨૦૦૨માં પણ આ સેક્યુલર મિડિયાએ આવી જ સ્ટોરીઓ ચલાવીને ગુજરાતને અને હિન્દુઓને કુખ્યાત કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. આ જ ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’માં હિન્દુ પોલીસ કૉન્સ્ટેબલ રતનલાલ જે પાકિસ્તાનમાંથી બચીને આવેલા વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન જેવી મૂછ રાખતા હતા તેમને મોહમ્મદ શાહરુખ નામના એક યુવાને મારી નાખ્યો તેના પરિવારની કરુણ પરંતુ હકીકતસભર ગાથા ન આલેખી.

પરંતુ આપણે માત્ર દિલ્લીનાં તોફાનોની વાત નથી કરવી. ગયું સપ્તાહ ઘણા સારા અને ઘણા ખરાબ સમાચારોથી ભરપૂર રહ્યું. તેમાંના કેટલાક મહત્ત્વના સમાચાર જે તમારા સુધી જે રીતે પહોંચવા જોઈતા હતા તે રીતે પહોંચ્યા નથી, તેનું વિશ્લેષણ આપવું છે.

પહેલાં સારા સમાચાર

ટ્રમ્પ: રેડિકલ ઇસ્લામિક ટેરરિઝમના ઉલ્લેખથી યાત્રાના પૈસા વસૂલ

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ આવવાના પહેલાં સેક્યુલર મિડિયાએ રોદણાં રોયાં. વર્ષોથી દેશહિતમાં સારું કંઈ થવાનું હોય એટલે સામ્યવાદીઓ રોદણાં રોવાં લાગે. ૧૯૭૪માં ઈન્દિરા ગાંધીએ કરાવેલાં પ્રથમ પરમાણુ પરીક્ષણ, ૧૯૯૮માં અટલજીએ કરાવેલા દ્વિતીય પરમાણુ પરીક્ષણ, ૨૦૦૭ની મનમોહનસિંહે કરાવેલી સિવિલ ન્યુક્લીયર ડિલ, સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ ઍરસ્ટ્રાઇક…દર વખતે દેશનું નેગેટિવ ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થાય. ભારતનું સૈન્ય નહીં પહોંચી શકે. પરમાણુ પરીક્ષણ કરવાની શું જરૂર હતી. આટલા પૈસા ગરીબો પાછળ વાપર્યા હોત તો? (આ જ દલીલ હિન્દુ તહેવારો વખતે પણ આ જ સામ્યવાદી વિચારવાળા લોકો ફેલાવે છે.) યુદ્ધથી કોઈનું ભલું નથી થયું.

આ જ રીતે ડૉનાલ્ડ ટ્રમ્પ આવ્યા તે પહેલાં પણ સો કરોડનો આંકડો રામ જાણે, ક્યાંથી આવી ગયો. અને આટલો ખર્ચો દિલ્લીની જેમ સ્કૂલ પાછળ કરવાની જરૂર હતી…વગેરે વગેરે.

આ સામ્યવાદીઓના ટેકાની કૉંગ્રેસને જરૂર હોવાથી જ ભારત સોવિયેત યુનિયન તરફ ઢળી પડેલું જેના લીધે ૧૯૮૦થી ૨૦૦૦ સુધી અમેરિકાના કોઈ પ્રમુખ ભારત ન આવ્યા. અમેરિકા પાકિસ્તાનને ટેકો કરતો રહ્યું અને પાકિસ્તાન ત્રાસવાદીઓને. ભારતમાં હજારો-લાખો લોકો બૉમ્બ ધડાકામાં મરાતા રહ્યા.

ડૉનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાની ફળશ્રુતિ તો ઘણી બધી છે. એક તો, તેમણે પણ આવતા પહેલાં ઘણી ભ્રમણાઓ ફેલાવી દેશવિરોધી-સીએએ વિરોધી-કાશ્મીરની ખરી સ્વતંત્રતા વિરોધી-લઘુમતીની ખોટી આળપંપાળ કરનારી તાકાતોનાં મોઢાંમાં લાળ ટપકાવી દીધી. પરંતુ અહીં આવીને તેમણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં કટ્ટર ઇસ્લામિક ત્રાસવાદની વાત કરીને યાત્રાનો તમામ ખર્ચ વસૂલ કરાવી નાખ્યો. (કેટલાક સેક્યુલર પત્રકારોએ એવી વાતો પણ વહેતી કરી હતી કે ડૉનાલ્ડ ટ્રમ્પ તાજમહલ, મેલિનિયા ટ્રમ્પ દિલ્લીની સ્કૂલ જવાના છે. તાજમહલ મોગલોએ અને દિલ્લીની સ્કૂલ આઆપ સરકારે બનાવી છે. મોદીએ શું બનાવ્યું? તો મોટેરામાં ટ્રમ્પે અને મોદીએ તેમને જવાબ આપી દીધો કે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોદીએ બનાવડાવ્યું છે.) ટ્રમ્પ પણ મોદીની જેમ જ મિડિયાને (તેમને પણ ઘર આંગણે આવી જ સ્થિતિ છે.) જાણતા હોવાથી આવતા પહેલાં તેમણે ટ્રેડ ડીલ નહીં થાય તેમ સ્પષ્ટ કહી દીધું હતું જેથી યાત્રા પછી મિડિયા એમ ન કહે કે બંનેની મુલાકાતમાંથી કંઈ ન નીપજ્યું. ટ્રમ્પે સીએએ અને કાશ્મીર ભારતનો પોતાનો મામલો હોવાનું કહીને સીએએ વિરોધી અને કાશ્મીરની ખરી સ્વતંત્રતા વિરોધી તાકાતોના મોઢા પર સજ્જડ થપ્પડ લગાવી દીધી. આમ છતાં, સેક્યુલર મિડિયાએ ટ્રમ્પે દેવાળું ફૂંક્યું છે, તે ખોટું બોલવા જાણીતા છે, અમેરિકા પાકિસ્તાનને ટેકો ક્યારેય બંધ નહીં કરે, આપણને અમેરિકા કરતાં રશિયાએ વધુ મદદ કરી છે, ટ્રમ્પના સ્વામી વિવેકાનંદનો ઉચ્ચાર ખોટો હતો, મોદીનો ડૉનાલ્ડ ટ્રમ્પનો ઉચ્ચાર ખોટો હતો વગેરે ક્ષુલ્લક વાતો પ્રાઇમ ટાઇમમાં કહીને ‘દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ’વાળી કરી. આટલી બધી મોટી વાતોમાં તેમને પણ રાજી થવા કેટલાંક ક્ષુલ્લક રમકડાં તો આપવાં પડે ને. ટ્રમ્પ-મોદીએ આપી દીધાં.

કાશ્મીરની નિશાળોમાં બાળકોની હાજરીએ દેશવિરોધી તત્ત્વો પર થપ્પડ મારી

જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર થશે તો લોહી વહેશે, તિરંગાને કાંધ આપનારો કોઈ નહીં મળે તેવી દેશવિરોધી ધમકીઓ કૉંગ્રેસના ગુલામનબી આઝાદ અને મહેબૂબા મુફ્તિ-ફારુક અબ્દુલ્લા જેવાં નેતાઓએ ઉચ્ચારી હતી. પરંતુ મહેબૂબા-ફારુકને કેદમાંથી છોડાવવા કોઈ જનતા મેદાનમાં ન નીકળી. અને ૨૫ ફેબ્રુઆરીના સમાચાર મુજબ, કાશ્મીરમાં ૨૦૦ દિવસ પછી નિશાળોમાં સંપૂર્ણ હાજરી જોવા મળી. આનો અર્થ સ્પષ્ટ છે ત્યાંની જનતાને અને બાળકોને ભણવું છે. પ્રગતિ કરવી છે.

ટંકારા: રૂપાણી દયાનંદ સરસ્વતીના વિચારોને દેશ-દુનિયામાં ફેલાવશે

મહાશિવરાત્રિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ટંકારામાં હતા. મહા શિવરાત્રિએ સ્વામી દયાનંદ સરસ્વતીને બોધ થયો હતો. વિજયભાઈએ જાહેરાત કરી કે ટંકારામાં દુનિયાભરના લોકો આવે અને દયાનંદ સરસ્વતીને થયેલો બોધ પોતે પણ પામે તે માટે ટંકારાને યાત્રાધામ તરીકે વિકસાવાશે અને રાજકોટ-ટંકારા રૉડ પર આર્યસમાજની નિશાળને સરકાર જમીન આપશે. વિજયભાઈ વિકાસની વાતો તો ઘણી કરે છે પરંતુ ગુજરાતની સંસ્કૃતિની વાતો પણ હમણાંથી કરવા લાગ્યા છે તે આનંદની વાત છે.

ઈડર: જૈન અવશેષોએ મુસ્લિમ આક્રાંતાના અત્યાચાર તાજા કરાવ્યા

ઈડર ગઢની તળેટીમાં સંભવનાથ જૈન દહેરાસરની બાજુમાં ખાલી જગ્યા પર સંત ભવનના નિર્માણ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે પુરાતનકાળની જૈન મૂર્તિઓ અને અવશેષો મળી આવ્યા હતા. આ બતાવે છે કે મુસ્લિમ સલ્તનત (મોટા ભાગે ખીલજી)ના કાળ દરમિયાન ત્યાં દહેરાસર તોડી પડાયું હશે. પરંતુ દેશભરના સેક્યુલર મિડિયાએ આ સમાચાર જે રીતે તમારી સમક્ષ પહોંચાડવા જોઈએ તે રીતે પહોંચાડ્યા નહીં.

ચિત્રભારતી શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ: સારી શરૂઆત

ડાબેરીઓએ કળા, શિક્ષણ, કાયદો અને મિડિયા- આ ચાર મહત્ત્વનાં ક્ષેત્રો પર કબજો જમાવી દીધેલો, પરંતુ રા.સ્વ. સંઘ આ પૈકી કળા, કાયદો અને મિડિયાથી દૂર રહ્યો. શિક્ષણમાં પણ હિન્દુ વિચારધારાવાળા શિક્ષકો-પ્રૉફેસરો ખરા પરંતુ પોતાના વર્તુળમાં જ પોતાની વાત મૂકનારા. જેએનયુ અને હિન્દી ફિલ્મ જગતમાં જે રીતે રોજેરોજ ટ્વિટર પર કકળાટિયા કલાકારો હિન્દુ વિરોધી શોરબકોર કરે છે અને જે રીતે ફિલ્મો-સિરિયલો-નાટકો-વેબસીરિઝ દ્વારા હિન્દુવિરોધી નેરેશન બનાવાય છે તે જોતાં હવે ધીમેધીમે તેની રણનીતિ બદલાઈ રહી છે. આ માટે તેણે ‘સંસ્કાર ભારતી’ સંસ્થા તો બનાવી જ છે, પરંતુ તેનું કામ એટલું ‘દેખાતું’ નથી, જેટલું અત્યારના સમયમાં દેખાવું જોઈએ. આ જ રીતે ભારતીય મૂલ્યોવાળી ફિલ્મોના પ્રોત્સાહન માટે ‘ભારતીય ચિત્ર સાધના’ સંસ્થા બનાવાઈ છે. તેના નેજા હેઠળ ૨૧-૨૨-૨૩ એમ ત્રણ દિવસ અમદાવાદમાં ‘ચિત્રભારતી શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ’ યોજાઈ ગયો. સંઘનું કામ ધીમું પણ લાંબા ગાળે પ્રભાવી હોય છે, તે જોતાં આવનારાં વર્ષોમાં તેની અસર દેખાશે. જોકે સંઘના આ પ્લેટફૉર્મનો ઉપયોગ ડાબેરી વિચારસરણીવાળા ન કરી જાય તેનું ધ્યાન તેણે રાખવું પડશે.

હવે ખરાબ સમાચાર…

જાફરાબાદ-ખંભાત: કનેક્શન ક્યા હૈ?

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આવવાના હતા તેના આગલા દિવસે ગુજરાતના ખંભાતમાં એકપક્ષીય તોફાનો અને દિલ્લીના જાફરાબાદ અને તે પછી અલગ-અલગ વિસ્તારોમાં પ્રસરેલી સાંપ્રદાયિક હિંસા. આ બધાં વચ્ચે કોઈ કનેક્શન? હા. હ્યુસ્ટનમાં ટ્રમ્પે ‘ઇસ્લામિક ત્રાસવાદ’ સામે લડવાની વાત કરેલી. તેમને અને મોદીને પોતાની તાકાત દેખાડી દેવા, ભારતને દુનિયામાં બદનામ કરવા, ટ્રમ્પ જે બે રાજ્યો જવાનાં હતાં તે ગુજરાત અને દિલ્લીમાં મુસ્લિમ ગુંડાઓએ આતંક મચાવ્યો. ખિલાફત આંદોલન વખતે કેરળમાં મોપલા દ્વારા નરસંહારથી લઈને સ્વતંત્રતા પહેલાં ‘ડાયરેક્ટ ઍક્શન’, ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ કાશ્મીરમાંથી હિન્દુઓનો નરસંહાર અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ નિર્દોષ રામભક્ત કારસેવકોની નૃશંસ હત્યા…કેરળમાં બિશપ કાઉન્સિલ દ્વારા પણ લવજિહાદની તપાસની માગણી…આ બધું બતાવે છે કે આ દેશમાં વર્ષોથી જે મુસ્લિમ કટ્ટરવાદી તત્ત્વો ઉધામા મચાવે છે તેમને રોકવા તમામ સરકારો નિષ્ફળ ગઈ છે. આનો ઉપાય? ચીન અને અન્ય દેશોની જેમ ડિરેડિકલાઇઝેશન. મસ્જિદોને પારદર્શી બનાવવી-મૌલવીઓના જુમ્માની નમાઝનાં ભાષણો રેકૉર્ડ કરવાં. તે સમયે પોલીસની હાજરી રખાવવી કેમ કે મોટા ભાગનાં તોફાનો શુક્રવારની નમાઝ પછી જ થાય છે. મુસ્લિમોમાં જે ઉદારવાદી-રાષ્ટ્રવાદી લોકો છે તેમને પ્રોત્સાહન આપી આગળ લાવવા.

ન્યાયમૂર્તિ દીપક ગુપ્ત: શું વારિસ પઠાણ, શરજિલ ઈમામ માત્ર અસંમતિનો અવાજ છે?

આજકાલ એક ફેશન થઈ ગઈ છે. સરકારનો વિરોધ કરનારા પર દેશદ્રોહીનું બિરુદ લગાડી દેવાય છે તેમ કહેવાની. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ દીપક ગુપ્ત (સાચી અટક શુક્લ, મિશ્ર, મૌર્ય અને ગુપ્ત છે, પરંતુ યોગનું યોગા થયું તેમ આ અટકોનું અંગ્રેજીકરણ થઈ ગયું.) પણ આમાંથી બાકાત ન રહ્યા. તેમને પૂછવું જોઈએ કે શું ૧૫ કરોડ લોકો (એટલે મુસ્લિમો) ૧૦૦ કરોડ (એટલે હિન્દુઓ) પર ભારે પડશે તેવું ઓવૈસીના પક્ષના નેતા વારીસ પઠાણનું જાહેર પ્રવચન, ચિકનનેક (સિલિગુડી)ને ભારતથી કાપીને પૂર્વોત્તર ભારતને અલગ કરી દેવું તેવું જેએનયુના પૂર્વ વિદ્યાર્થી શરજિલ ઈમામનું જાહેર પ્રવચન માત્ર અસંમતિ છે? કે પછી દેશના ભાગલા પાડવાનું ષડયંત્ર?

રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર: શીશ…આ ગુજરાત નથી

રાજસ્થાનની કૉંગ્રેસ સરકારના શાસનમાં નાગૌર જિલ્લામાં બે દલિત યુવકોને ઑટોમોબાઇલ સર્વિસ સેન્ટરમાંથી રોકડ ચોરવાના આક્ષેપસર રબર બૅલ્ટથી મારવામાં આવ્યા. પેટ્રોલમાં બોળેલા સ્ક્રૂ ડ્રાઇવરને એક યુવકના ગુપ્તાંગમાં ઘૂસાડવામાં આવ્યું. આ બનાવનો વિડિયો પણ વાઇરલ થયો. પરંતુ ત્યાં રાહુલ ગાંધી, માયાવતી, કેજરીવાલ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ કોઈ ન ગયાં. આ બધાં તો ગુજરાતમાં કંઈ થાય તો જ ઉમટી પડે. આ બનાવના ત્રણ દિવસ પછી ત્રણ દલિતોની ગધેડા ચોરવાના આક્ષેપમાં ધોલાઈ કરવાનો બનાવ પણ બહાર આવ્યો, પરંતુ સેક્યુલર મિડિયા સહિત કૉંગ્રેસ સમર્થિત સમગ્ર ઇકો સિસ્ટમ મૌન રહી.

બળાત્કારના આરોપી મુલક્કલ પર બીજી નનનો આક્ષેપ

કેરળના બળાત્કાર આરોપી ફ્રાન્કો મુલક્કલ સામે બીજી એક નને પોતાની જાતીય સતામણી કરવાનો આક્ષેપ કર્યો. તેણે કહ્યું કે મુલક્કલ વિડિયો કૉલ દરમિયાન તેણીને પોતાનાં ગુપ્તાંગો દેખાડવા ફરજ પાડતો હતો. આસારામ, બાબા રામરહીમ, સ્વામિનારાયણના સાધુ, નમ્ર મુનિ મહારાજ આ બધા સામે આક્ષેપો થતાંવેંત (સાબિત થાય પછી બતાવે તો તો બરાબર છે) એટલે સેક્યુલર મિડિયા ચિલ્લમચિલ્લી કરવા લાગે. નાટ્ય રૂપાંતરણ બતાવાય. પરંતુ આ કિસ્સામાં સેક્યુલર મિડિયા સાવ મૌન છે!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment