Home » ટ્રાફિક લેખ-૨: કાયદા તર્કસંગત હોય તે અત્યંત જરૂરી!

ટ્રાફિક લેખ-૨: કાયદા તર્કસંગત હોય તે અત્યંત જરૂરી!

by Jaywant Pandya

સબ હેડિંગ: હૅલ્મેટના કારણે એલોપેશિયા સ્થિતિ થાય છે જેથી વાળ ખરવાની સમસ્યા થાય છે. અકસ્માત માટે શું ખરાબ રૉડ પણ જવાબદાર નથી? ધૂમાડા ઓકતી ફૅક્ટરી, નદીમાં પ્રદૂષિત પાણી છોડતી ફૅક્ટરીઓને અટકાવવાના બદલે ઓછું પ્રદૂષણ કરતા દ્વિચક્રીય વાહનો પર તવાઈ શા માટે? લોકોને લાગે છે કે ટ્રાફિકના કાયદા વધુ તો દ્વિચક્રીય વાહનચાલકો માટે જ મુસીબતરૂપ છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૯/૯/૧૯

(ગતાંકથી આગળ)

ગયા અંકે આપણે ટ્રાફિકની ‘નૉન’ સેન્સના કારણે કેટલી હેરાનગતિ થાય છે તે જોયું. લોકોને ડંડા વગર કાયદો પાળવો નથી ગમતો તે જોયું. તેના કારણે કાયદો-નિયમો પાળનારા, પ્રમાણિક, કાર્યનિષ્ઠ અને દક્ષ લોકો પણ દંડાય છે. ટ્રાફિકમાં પણ આવું જ થયું છે. ટ્રાફિકના નિયમો ભંગ કરનારા માટે દંડ અનેક ગણો વધારાયો છે. તેના કારણે લોકોને ગુસ્સો છે. તેનાં કારણો ઘણાં બધાં છે. વાજબી પણ છે. રસ્તા સારા કરતા નથી. (ચોમાસામાં તૂટી જાય એ સ્વાભાવિક છે પરંતુ રસ્તા પર થાગડથીગડ શા માટે કરાય છે- સમતલ સર્ફેસ કેમ નથી રખાતી? રિપેર કરીને થાગડથીગડ કરીને એક સર્ફેસ રહેતી નથી. દંડ બાબતે અમેરિકાનું ઉદાહરણ દેવાય છે તો રસ્તા બાબતે પણ તેની સરખામણી કરો ને.) બીજું, રસ્તા રિપેર કરવાનો વારો મોડો આવે છે, ઘણી વાર તો આવતો જ નથી. કેટલાક વિસ્તારોમાં જો મધ્યમ કે ગરીબ લોકો રહેતા હોય તો તે રસ્તાઓ રિપેર ન થાય. (દા.ત. અમદાવાદમાં રેડિયો મિર્ચીવાળો રૉડ લગભગ ખરાબ સ્થિતિમાં જ હોય છે) અથવા રાજકારણીઓમાં જૂથો હોય અને જો વિરોધી જૂથના સાંસદ/ધારાસભ્ય/કૉર્પોરેટરનો વિસ્તાર હોય કે વિપક્ષી વિસ્તાર હોય તો ત્યાંના રસ્તા વર્ષોથી બિસ્માર હાલતમાં જ હોય છે. ત્યાંથી નીકળવાનું તો અમીર વર્ગને પણ હોય, પરંતુ તેમની પાસે કાર હોય એટલે તેમને વાંધો ન આવે.

કેટલીક જગ્યાએ સિગ્નલ ચાલુ જ ન હોય. તો કેટલીક જગ્યાએ ટાઇમર બંધ હોય. એક તરફ પ્રદૂષણ ઘટાડવાની વાત થાય તો પછી ટાઇમર પણ ચાલુ રાખો ને જેથી બંધ સિગ્નલે લોકો વાહન બંધ રાખી શકે. આ તો સિગ્નલ બંધ થયા પછી પાછળ આવેલા વાહનચાલકોને ખ્યાલ જ ન આવે કે કેટલી સેકન્ડ પછી સિગ્નલ ખુલશે અને પરિણામે એક તરફ સિગ્નલે વાહન બંધ રાખી વાહનની આવરદા સારી રાખો, ઈંધણ બચાવો જેવાં સરકારી સૂત્રોનો પ્રચાર થાય અને બીજી તરફ, ફરજિયાત વાહન ચાલુ રાખવું પડે. ટાઇમરનો કન્સેપ્ટ આવ્યો હશે ત્યારે આજની જેમ જ તે વખતના નેતાઓએ એવી આંબલીપીપળી દેખાડી ટાઇમરનો કૉન્ટ્રાક્ટ પોતાના લાગતાવળગતાને અપાવ્યો હશે ને કે સિગ્નલ પર ટાઇમર હશે તો તમને કેટલી સેકન્ડની વાર છે તે ખબર પડશે. તેના કારણે તમે વાહન બંધ કરી શકશો જેથી તમારું ઈંધણ બચશે અને પ્રદૂષણ ઘટશે. તમારા વાહનની આવરદા પણ વધશે.

કેટલાક રસ્તાની ડિઝાઇન ખરાબ બનાવાઈ છે. તમારે જમણી બાજુ વળવું હોય તો ખૂબ આગળ જઈ યૂ ટર્ન લઈ પાછા આવવું પડે. અમદાવાદમાં એસ. જી. હાઇવે સહિત અનેક રસ્તા પર આવું છે. પકવાન ચાર રસ્તાએ વ્યસ્ત સમયમાં જમણી બાજુ વળવા નથી દેવાતું. આ બધાના કારણે લોકો રૉંગ સાઇડે જવા પ્રેરાય છે. લોકોને શોખ નથી હોતો.

બીજું કે જ્યાં સુધી હેલમેટ, વીમો અને પીયૂસીની વાત છે ત્યાં સુધી, આ તો વીમા, હેલમેટ કંપની કે પીયૂસી કેન્દ્રોના માલિકોને કમાવવાની વાત થઈ. આનું કારણ એ છે કે તમારે તમારું આરોગ્ય, તમારી જિંદગી જાળવવી હોય તો હેલમેટ પહેરવી જોઈએ. એક તો હૅલમેટના કારણે લોકોના વાળ ખરવાની સમસ્યા થાય છે (ઍલોપેશિયા સ્થિતિ થાય છે જેના લીધે વાળ ખરે છે.) હૅલમેટ પહેરવાનું ઍક્સ્પ્રેસ કે હાઇવે પૂરતું ફરજિયાત હોવું જોઈએ. શહેરમાં નહીં. શહેરની અંદર તો દર ચાર રસ્તે સિગ્નલ હોય, રસ્તામાં ઢોર ઊભાં હોય (માલધારીઓ તો પોલીસ પર હુમલા કરે છે પરંતુ મત બૅન્કના કારણે તેમને કશું કરી શકતા નથી) ત્યાં વાહન ઑવરસ્પીડમાં ક્યાં ચાલવાનું? અને માનો કે ચલાવે તોય મરે તો તે મરશે. પરંતુ તેનો વાંક જે નથી ચલાવતા તેમણે પણ હેલમેટ પહેરીને સજા ભોગવવાની? તેની કરતાં ઑવરસ્પીડ જ બંધ કરાવો ને. થોડું લિવર દે અથવા પહેલા જ ગિયરમાં ગાડી ભાગે તેવાં વાહનો બંધ કરાવો ને.

લગ્નમાં જતી વખતે કે બીજા સારા પ્રસંગોએ સ્ત્રીઓને તો હૅરસ્ટાઇલની તકલીફ થવાની. હૅલમેટ મૂકવાની પણ તકલીફ થતી હોય છે. તેના માટે પાછું લૉક વસાવવું પડે તે અલગ.

સામાન્ય જનતાની આ તકલીફો ત્યારે ખબર પડે જો વડા પ્રધાનથી લઈને મુખ્ય પ્રધાન અને પ્રધાનો પૂર્વ સૂચના વગર, અગાઉથી રૉડ રિપેર કરાવ્યા વગર, ટાઇમર કે સિગ્નલ વગરના ખાડાવાળા રસ્તા પર સ્કૂટર પર કે રિક્ષામાં બેસીને વિક્રમ રાજાની જેમ નીકળે. રોદા ન લાગે તેવી આધુનિક કારમાં બેસીને જનતાની તકલીફ ખબર ન પડે.

પ્રદૂષણ તો ફૅક્ટરીઓથી પણ થાય છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. આવાં મોટાં લોકોને ફંડ મેળવવા દંડતા નથી પરંતુ (શ્રી શ્રી રવિશંકરનું યમુનાવાળા પ્રદૂષણના કિસ્સામાં શું થયું?) નાના માણસોને જ દંડો છો તેથી લોકોમાં ગુસ્સો છે. અમદાવાદમાં ટૉઇંગવાળાનો પણ ત્રાસ છે. એક તો પાર્કિંગ માટે પૂરતી જગ્યા નથી ને તેમાં બે મિનિટ માટે ખરીદી કરવા સ્કૂટર રાખીને ગયા હોય ત્યાં ટૉ કરી જાય. પણ કારોની સામે ઓછી કાર્યવાહી થાય છે. કરતા હોય તો પણ વ્યાપક નહીં. સ્કૂટર ટૉ કરે એટલે તેના બૉડીને નુકસાન થાય, તમારે છોડાવવા કેટલાય કિમી આગળ બૂથ કે પોલીસ સ્ટેશન જવું પડે અને દંડ ભરવો પડે. અને નૉ પાર્કિંગનાં બૉર્ડ તો રાખ્યાં નથી. વળી, આ ટૉઇંગવાળા આઉટસૉર્સિંગવાળા હોય છે. તેમાં પણ ચોક્કસ સમુદાયના હોવાનો અને તેઓ પોતાના સમુદાયના લોકોને છાવરતા હોય છે તેવા આક્ષેપોની સચ્ચાઈની તપાસ થવી જોઈએ. વળી, એવા સમાચાર પણ આવ્યા કે કોઈક જગ્યાએ ટૉઇંગવાળાનું જ લાઇસન્સ નહોતું.

વળી, કેટલીક ચૅનલોએ પ્રધાનો-સચિવો વગેરેને પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા દેખાડ્યા જેના કારણે પણ લોકોમાં રોષ થયો કે શું ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? તો અમદાવાદમાં રૉંગ સાઇડ આવતી પોલીસ વાનને અટકાવવા સામાન્ય નાગરિકે પ્રયાસ કર્યો તો એવી દલીલ કરાય કે જનતાના હિતમાં પોલીસ વાહનને રૉંગ સાઇડ જવામાં કોઈ વાંધો નથી. આવું ન ચાલે. કાયદો બધા માટે સમાન!

ટ્રાફિક નિયમોને બીજી નૉટબંધી સાથે સરખાવાય છે પણ નૉટબંધી તો દેશના હિતમાં હતી, ત્રાસવાદને અને કાળાં નાણાંને નાથવા માટે હતી તેમ માની લોકોએ સાથ અને મત બંને આપ્યા. ટ્રાફિક નિયમોમાં તેવું નથી. કાલે ઊઠીને સરકાર લેખની શરૂઆતમાં દર્શાવ્યું તેવા દાખલાની જેમ કહે કે નેચરોપથીના સિદ્ધાંત અનુસાર કોઈએ ખાંડ-મીઠું ન ખાવાં. તેલથી કૉલેસ્ટેરોલ થાય છે. હાર્ટ એટેક આવે છે. તેથી તેલ ખાવાનું બંધ કરવું. જેના ઘરમાં તેલ મળશે તેને ૨,૦૦૦ રૂપિયાનો દંડ થશે. ઠંડીમાં બધાએ ફરજિયાત સ્વેટર પહેરીને જ નીકળવું. ઉનાળામાં દરેકની પાસે ડિકીમાં લીંબું પાણી હોવું જ જોઈએ જેથી ચક્કર ન આવે. રસ્તા પર કામચલાઉ દુકાનમાં પચાસ રૂપિયામાં દાઢી-વાળ ન કરાવવા કારણકે તે અસ્ત્રો ક્વૉલિટીવાળો નથી હોતો, તમને એઇડ્સ થઈ શકે છે. ફરજિયાત એસીવાળા સલૂનમાં પાંચસો રૂપિયામા જ કપાવવા. મરચું ખરીદતી વખતે તમે તેનો ઉપયોગ કોઈની આંખમાં નાખીને મારવા માટે નહીં કરો તેની ખાતરી આપવાની રહેશે તો? છરી ખરીદતી વખતે બાંયધરી આપવાની કે તેનો ઉપયોગ તમે શાક સુધારવામાં જ કરશો, કોઈની હત્યા કરવા માટે નહીં કરો તો?

આ અગાઉ તમને મનોરંજનની સારી ક્વૉલિટી મળશે તેમ કહીને અગાઉ કૉંગ્રેસ સરકાર ફરજિયાત ડીટીએચનું ડિંડવાણું લઈ આવી હતી. ડિંડવાણું મોદી સરકારે તે ડિંડવાણું ૨૦૧૪ પછીથી ચાલુ રાખ્યું છે. સહેજ વરસાદ પડે તો પણ ચેનલ બંધ થઈ જાય. ટીવી જોવા બે રિમોટ રાખવાં પડે (જોકે કેટલાક કિસ્સામાં એક રિમોટ હોય છે.) અને પહેલાં જ્યાં વિસ્તાર પ્રમાણે, કેબલ ઑપરેટરો આંખની શરમે અને સંબંધે સો-દોઢસો રૂપિયામાં અનેક ચેનલો વત્તા પોતાની હિન્દી ફિલ્મ વત્તા અંગ્રેજી ફિલ્મ વત્તા ભક્તિ વત્તા સંગીતની એમ ચાર ચેનલ લટકામાં દેખાડતા, તેના બદલે હવે ચારસોથી પાંચસો રૂપિયા મિનિમમ પેકેજ થઈ ગયું છે. સેટ ટૉપ બૉક્સ કે રિમૉટ બગડે કે કેબલ (જ્યાં કેબલ ડીટીએચ સાથે છે ત્યાં) બગડે તો તમારા ખર્ચે નવું લેવાનું કે રિપેર કરાવવાનું. આનું કારણ? ટાટા, રિલાયન્સ, વિડિયોકોન, ઝી, ઍરટેલ વગેરે ઉદ્યોગપતિઓ ૨૦૦૬ની આસપાસ આ ધંધામાં આવી ગયેલા પણ વરસાદ વગેરેના કારણએ ખરાબ અનુભવ વત્તા નવું પિક્ચર જોવું હોય તો ચાર રૂપિયા એક ફિલ્મના આપો તો બતાવે, તેના કારણે લોકો ફરી કેબલ તરફ વળી ગયેલા. એટલે ૨૦૧૦ની આસપાસ કાયદામાં સુધારો કરી ડીટીએચ ફરજિયાત કરાયું.

પ્લાસ્ટિકનું પણ આવું જ તૂત છે. પ્લાસ્ટિકની પહેલાં ટેવ પાડી અને હવે તેના પર પ્રતિબંધ મૂકવા નીકળ્યા છે. તેમાં પાછું સૂકા-ભીના કચરાને અલગ-અલગ આપવાનું તૂત છે. તો માણસ અલગ-અલગ કચરો શેમાં ભેગો કરે? પરંતુ પ્લાસ્ટિક ઉદ્યોગો બંધ થશે તો રોજગારી છિનવાશે અને સાથે જ તેના વિકલ્પો તો પહેલાં ઊભા કરવા જોઈએ ને. ટ્રાફિકમાં વિકલ્પો પહેલાં ઊભાં ન કર્યાં. પીયૂસીનાં એટલાં કેન્દ્રો ઊભા કર્યાં વગર જ અમલ શરૂ કર્યો. (નૉટબંધીમાં જુદી વાત હતી. તે વખતે કોઈને તે કરવાની છે તે કહેવાનું નહોતું એટલે વ્યવસ્થા ન કરી હોય, કારણકે તેનાથી પણ શંકા થાય, ખબર પડી જાય. પરંતુ આમાં કંઈ આવું નહોતું.) પરિણામે લોકોને કલાકો લાઇનમાં ઊભા રહેવાનું આવ્યું. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાની અમદાવાદમાં પાંચ વર્ષની મુદ્દત એક વર્ષ ઘટાડવાનું તુઘલખી ફરમાન કર્યું. (જોકે સામે પક્ષે એ પણ વાત છે કે જનતાનો એક વર્ગ આવો કડક કાયદો આવે પછી જ લાઇસન્સ રિન્યૂ કરાવવા કેમ જાગે છે?) પીયૂસીના કેસમાં પણ જેના વાહનમાંથી ધૂમાડો નીકળતો હોય તેને જ પકડવાનો હોય, જેને ત્યાં પેટ્રૉલ-ડીઝલ ભેળસેળવાળું વેચાતું હોય તેને પકડવાના હોય પરંતુ પાંચ-દસ ટકા લોકોના કારણે આખી જનતાને પીયૂસીનું ડીંડવાણું શા માટે? માનો કે વધુ પૈસા દેવાથી પીયૂસી મળી જશે તો શું કૌભાંડી નેતા ભાજપમાં આવીને શુદ્ધ થઈ જાય છે તેમ પ્રદૂષણ કરતું વાહન ચોખ્ખું થઈ જશે? જેનાં વાહનો દસ વર્ષ કે તેથી જૂનાં છે તેમના માટે પીયૂસીની જરૂર ખરી?

દરેકે લાઇસન્સ વગેરે દસ્તાવેજો સાથે રાખવા કે મોબાઇલમાં રાખવાના બદલે શું ટ્રાફિક પોલીસના ફૉનમાં એપ ન આપી શકાય જેમાં નંબર દાખલ કરે એટલે ચાલકની બધી વિગતો આવી જાય? ગામ ફરે કે ગાડું ફરે? બધામાં વન નેશન, વન…ની વાત કરો છો તો આઈડી પ્રૂફમાં પણ આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વૉટિંગ કાર્ડ, રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ આટલા બધા દસ્તાવેજો શું કામ? શું બધું એકમાં જ આવે તેવું સર્વગ્રાહી એક જ કાર્ડ ન હોઈ શકે?

અત્યારે કોઈ વિકલ્પ નથી અને ૩૭૦ કલમ નાબૂદ કરવા જેવાં સારાં કાર્યો પણ સરકાર કરે છે એટલે ઠીક છે, પરંતુ જે દિવસે વિકલ્પ મળી ગયો તે દિવસે…શાસકો, થોડામાં ઘણું સમજજો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Gopal Prafulbhai Bhatt 29/09/2019 - 2:41 PM

*👌🏻👌🏻ખૂબ ખૂબ આભાર જયવંતભાઈ…*🙏🏻

ખૂબ જ સ્પષ્ટ ભાષા માં , સરળ શબ્દો થી , આપે હેલ્મેટ , ફરજિયાત PUC ની અપ્રસ્તુતતા રજુ કરી છે..

મારા મન ની વાત તમે રજૂ કરી છે..

વાહન વિમા પોલીસી માં જે લૂંટ ચાલે છે , તે પણ સરકાર ની ૩૩૦/- માં અને ૧૨/- માં વાર્ષિક પ્રિમિયમ વાળી વિમા યોજના જેવી યોજના દ્વારા અટકાવવાની જરૂર છે..

આપશ્રી એ ટીવી ચેનલ માટે જે લખ્યું છે , તે માટે પણ ભારત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે..
अस्तु

Reply
Kamlesh 30/09/2019 - 12:03 AM

અતી સરળ ભાષા મા મુદ્દાસર વાત … આ લેખ મા ઘણા કટાક્ષ વાક્યો લખ્યા…સરસ હસાવિ ગયા
લેખ ઉત્તમ રહ્યો

Reply

Leave a Comment