Home » આજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ

આજે શ્રી કૃષ્ણના યોગેશ્વર સ્વરૂપને યાદ કરવાનો દિવસ

by Jaywant Pandya

સબ હેડિંગ: ગીતાજી વાંચો કે યોગ (માત્ર યોગાસન નહીં) પૂરી રીતે કરો તો કોઈ પણ પરિસ્થિતિમાં આનંદથી-મસ્તીથી જીવન જીવી શકાય. યોગાસન, ધ્યાન (ધ્યાન પણ યોગનો જ એક પ્રકાર છે), પ્રાણાયામ, મંત્રજાપ વગેરે કરવાથી એકાગ્રતા વધે છે. એટલું જ નહીં, કોઈ દિવ્ય શક્તિની અનુભૂતિ થાય છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૧/૬/૨૦૨૦)

આજે ૨૧ જૂન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ૨૦૧૫થી આ દિવસ સમગ્ર દુનિયા ઉજવે છે. સૌથી વધુ સંખ્યામાં તે મનાવવાનો વિક્રમ ભારતના નામે છે. આપણે મનુષ્યો સામાજિક પ્રાણી છીએ. પ્રાણીઓ પણ ટોળાંમાં રહેવાનું પસંદ કરતા હોય ત્યારે આપણે તો સદીઓથી-યુગોથી સમાજમાં રહેવાનું પસંદ કરીએ પરંતુ વિધિની બલિહારી કે ૨૫ માર્ચથી શરૂ કરીને બે મહિના જેટલો સમય આપણે સમાજથી કપાઈને રહેવું પડ્યું. ઘણાને તકલીફ પડી હશે કે આ રીતે બહાર નહીં નીકળવાનું અને ઘરમાં અને ઘરમાં જ કેવી રીતે રહેવાનું?

તો જેમને કોરોના પૉઝિટિવ આવ્યો હશે તેમને તો ૧૪ દિવસ ઘરમાં કે હૉટલમાં અથવા હૉસ્પિટલમાં ચૌદ દિવસ એકલા રહેવાનું આવે ત્યારે એમ થાય કે આ તો ભયંકર સજા છે. નહીં કોઈ સગુંવહાલું નજીક, રાત-દિવસ ડૉક્ટર અને નર્સના જ ચહેરા જોવાના.

આવું થાય ત્યારે આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓ યાદ આવે. એ સેનાનીઓ નહીં જેમને રાજકીય કેદી ગણીને જેલમાં સુખસુવિધાઓ આપતા હતા પરંતુ સ્વાતંત્ર્ય વીર સાવરકર જેવા કેદીઓ જેમને કાળા પાણીની સજા કરાઈ હતી અને જેલમાં ખૂબ યાતનાઓ આપતા તેમ છતાં તેમણે પોતાનું મનોબળ કઈ રીતે ટકાવી રાખ્યું હશે? આવી સ્થિતિમાં તેમણે કવિતાઓ જેવું સાહિત્ય સર્જન કેવી રીતે કર્યું હશે? તે પણ દીવાલ પર કોલસા અને ખીલીની મદદથી.

આપણું વેદ સાહિત્ય હોય કે પાંચમો વેદ ગણાતા આયુર્વેદના અનેક નુસ્ખાઓ- આ બધું પણ લિખિતના બદલે મૌખિક રીતે આગળ વધ્યું. એનું એક કારણ એ પણ કે મુસ્લિમ આક્રાંતાઓએ વિશ્વ વિદ્યાલયો-પુસ્તકો બાળી નાખ્યા. પરંતુ તે પહેલાં પણ શ્રુતિ-સ્મૃતિ ગ્રંથો હતા જ. આપણી યાદશક્તિ, ગણતરીનું કૌશલ્ય ગજબનું હતું. પહેલાં નાનપણમાં ૨૧થી ૩૦, પાયા, દોઢા સુધીના ઘડિયા મોઢે કરાવતા. આપણી સાત પેઢીનાં નામ મોઢે કરાવતાં. તેનું કારણ એ હતું કે આપણા સાત પેઢીએ પૂર્વજો કોણ-કોણ હતા અને તેઓ કેવું જીવન જીવતા, તેમણે કેવી સિદ્ધિ મેળવેલી તે નવી પેઢીને ખબર પડે. પરંતુ હવે આ બધું ગયું. હવે તો દુકાનદારને પણ સરવાળો કરવો હોય તો કેલ્ક્યુલેટરની મદદ લેવી પડે. નહીંતર કરિયાણાવાળા અનેક દુકાનદારોને સેંકડો આઇટમો ક્યાં પડી છે, તેનો ભાવ કેટલો છે અને ગ્રાહકે આટલા પ્રમાણમાં માગી તો તે ભાવ કેટલો થાય તે યાદ રહેતું. આજે પણ અનેક દુકાનદારો આવી યાદશક્તિવાળા હશે જ.

બાળકોને ઘડિયા વગેરે પાકા (કંઠસ્થ) કરાવવા માટે પાટીમાં (સ્લેટ) લખવા આપતા. આ પાટી પણ કેટલી પર્યાવરણમિત્ર? કાગળ બગડે નહીં. પેનનો ખર્ચ નહીં. ચૂનાની બનેલી પેનથી લખવાનું અને ભીના ગાભાંથી લૂછી નાખવાનું. જેટલું લખવું હોય તેટલું લખાય. આ લેખકે તો કૉલેજ કાળ સુધી પાટીનો ઉપયોગ મુદ્દા યાદ રાખવા માટે કર્યો છે.

ફરી એ મુદ્દા પર આવીએ કે એકલા રહેવાનું કેટલું કઠિન અને કેટલું સરળ! આપણે કેટલા એકલા રહી શકીએ, કેટલા મૌન રહી શકીએ? ચીજવસ્તુઓ વગર કેટલું ચલાવી શકીએ? આપણે આપણને પ્રિય એવી ચીજોને કેટલાક દિવસ અથવા સપ્તાહ/પખવાડિયા/મહિનામાં એક દિવસ છોડવાનો ઉપવાસ કરવો જોઈએ. હું આ એટલા માટે કહી શકું છું કે સ્વાનુભવ છે. ચા, છાશ, મુખવાસ, વગેરે અનેક દિવસો સુધી છોડવાનો અનુભવ કરી ચૂક્યો છું. કોઈ તકલીફ પડતી નથી. કામ ચાલુ હોય ત્યારે વૉટ્સએપ સહિતનું સૉશિયલ મિડિયા પણ નહીં જોવાનું. બેસણામાં ગયા હોય કે કોઈ વ્યાખ્યાન સાંભળવા ત્યારે પણ ફૉનની રિંગ સાઇલન્ટ કરી દઈ હરિનામ લેવાનું કે વ્યાખ્યાન સાંભળવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનું.

યોગ: કર્મશુ કૌશલમ્ એવું ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા છે. (આજકાલ જોકે આવા ભગવાનની નિંદાનો પણ ભારે ઉપક્રમ ચાલ્યો છે.) શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્મમાં કુશળતા જ યોગ છે. એટલે જે પરિસ્થિતિ આવી પડી હોય, આપણા ભાગે જે કર્મ આવ્યું હોય તે કર્મ કુશળ રીતે કેમ કરવું તેનું નામ યોગ. મારા પૂ. ભાઈ (પિતાજી) કહેતા કે સંજવારી કાઢો તો પણ એકદમ વ્યવસ્થિત રીતે. જે કામ કરો તે પૂરેપૂરી નિષ્ઠાથી અને પૂર્ણતાની કક્ષાએ કરવું. (જોકે થર્મોડાઇનેમિક્સના બીજા સિદ્ધાંત મુજબ, હીટ એન્જિનમાં ૧૦૦ ટકા કાર્યક્ષમતા ક્યારેય મેળવી શકાતી નથી.)

આપણે શ્રી કૃષ્ણના યોગી સ્વરૂપને ભૂલી ગયા અથવા આ કથાવાચકોએ આપણને ભૂલવાડી દીધા. માત્ર બાળ લીલા, ગોપીઓ સાથે રાસ, રાધા-કૃષ્ણનો પ્રેમ, રૂક્મિણી સાથે કિટ્ટા બુચ્ચા, યાદવોનો નાશ આવા પ્રસંગો જ આપણને કહ્યા રાખ્યા. પોતે રોયા અને કથાશ્રોતાઓને રોવડાવ્યા. દારૂ જેવા ઈશારામાં ભક્તિનો પ્યાલો પીવડાવવાની વાત કરતા કથાકારોએ શ્રી કૃષ્ણ કે શ્રી રામના વીર રસનો પ્યાલો ન પીવડાવ્યો. તેમની કથામાં ક્યારેય બંદા બૈરાગી કે ‘સવા લાખ સે એક લડાઉં, ચિડિયન તે મૈં બાજ લડાઉં, તબૈ ગુરુ ગોવિંદસિંહ નામ કહાઉં’ આવું કહેનારા ગુરુ ગોવિંદસિંહની વીરતાની વાત નહીં આવે. હા, ‘વાહે ગુરુ’ જરૂર આવશે. ધર્મને જાળવી રાખવા, તેમની રક્ષા કરવા આ લોકોએ બલિદાનો આપ્યાં ત્યારે આજે આપણે શ્રી રામનું નામ લઈ શકીએ છીએ, શ્રી કૃષ્ણનાં કીર્તન કરી શકીએ છીએ. (જોકે કેટલાક પ્રદેશોમાં અથવા કેટલાક વિસ્તારોમાં તો તેમ પણ નથી કરી શકાતું. પોતાનું લાઉડસ્પીકર વાગે તે ચાલે પણ તમારા લાઉડસ્પીકર પર કીર્તન થાય તો હિંસક અથડામણ થઈ જાય.)

એ જ યોગેશ્વર શ્રી કૃષ્ણ કહી ગયા છે કે “श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥“

સારી રીતે આચરણમાં લાવેલા પરધર્મથી, ગુણરહિત સ્વધર્મ શ્રેષ્ઠ છે. સ્વધર્મમાં મરવું કલ્યાણકારક છે, પરંતુ પરધર્મ તો ભય ઉપજાવનાર છે.

પરંતુ આપણને કથાવાચકો આજકાલ વ્યાસપીઠ પરથી પરધર્મના ગુણો સમજાવી રહ્યા છે. પરધર્મને આદર પણ આપણા શ્રી કૃષ્ણ શું કહી ગયા છે તેની જ વાત કરો તો ખૂટે તેમ નથી.

શ્રી કૃષ્ણએ ગીતાજીના ત્રીજા અધ્યાયમાં કહ્યું, “न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् । जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥ २६ ॥

અર્થાત જ્ઞાની માણસે ફળવાળાં કર્મોની આસક્તિ ધરાવતા અજ્ઞાની માણસની બુદ્ધિમાં તેમને આ કામ કરતા અટકાવીને ભ્રમ પેદા ન કરવો જોઈએ. પરંતુ તેમણે પોતાનાં કર્મો સારી રીતે કરીને અજ્ઞાનીઓને તેમનાં કર્તવ્યો પૂરાં કરવા પ્રેરવા જોઈએ. નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાના માત્ર પાઠ નથી ભણાવ્યા, પોતે ઝાડુ હાથમાં લઈને કે દશેરા પર ટિશ્યૂ પેપર પોતાના ખિસ્સામાં નાખીને ઉદાહરણથી લોકોને સમજાવ્યું છે. અહીં તો પોતે જ્યોતિષ, વાસ્તુ કે કર્મકાંડમાં ન માનતા હોય તેવા બાપુઓ બીજાને પણ અશ્રદ્ધા ઉત્પન્ન કરી ભ્રમ પેદા કરે છે.

કહેવાનો અર્થ એ કે ગીતાજી વાંચો કે યોગ (માત્ર યોગાસન નહીં) પૂરી રીતે કરો તો કોઈ પણ પરિસ્થિતિમાં આનંદથી-મસ્તીથી જીવન જીવી શકાય. યોગાસન, ધ્યાન (ધ્યાન પણ યોગનો જ એક પ્રકાર છે), પ્રાણાયામ, મંત્રજાપ વગેરે કરવાથી એકાગ્રતા વધે છે. એટલું જ નહીં, કોઈ દિવ્ય શક્તિની અનુભૂતિ થાય છે. નાનકડી એવી સિદ્ધિ એ કે તમે આમ કોઈ કામ ભૂલી ગયા હો પણ ધ્યાનમાં કે મંત્રજાપમાં બેસો એટલે યાદ આવી જાય. કોઈ મુદ્દે લખવાનું હોય કે વિષયમાં દ્વિધા હોય તો તે સૂજી આવે. આનું કારણ એ છે કે આ બધાથી આપણી કુંડલિની શક્તિ જાગૃત થાય છે. સાત ચક્રો શુદ્ધ થાય. આજ્ઞા ચક્ર અથવા છઠ્ઠી ઇન્દ્રિય આપણને શુભત્વ તરફ પ્રેરે. અગમચેતી આપે. શું કરવું અને શું નહીં.

પહેલાં મોબાઇલ કે લેન્ડલાઇન ફૉન પણ નહોતા. ટપાલ ઘણી વાર મોડી મળતી. તો પણ તમે તમારા પિતાજી કે દાદાજીને યાદ કરજો. તેમને પ્રેરણા થઈ આવતી કે આજે મીનાબહેન આવવા જોઈએ. અને તે આવ્યા જ હોય. આ કેવી રીતે શક્ય બનતું? કોઈ સ્વજન દૂર હોય તો તેના વિશે પ્રેરણા થઈ આવતી કે તે ઠીક નથી. આ બધાનું કારણ તે સમયે લોકો અત્યારની કહેવાતી આધુનિક ટૅક્નૉલૉજીથી દૂર હતા પરંતુ તેમની પાસે અત્યારની ટૅક્નૉલૉજી કરતાંય અનેક ગણી મનની અગાધ શક્તિની ટૅક્નૉલૉજી હતી.

આ અગાધ શક્તિ આપણા દિનપ્રતિદિન જીવનશૈલીમાં વણાઈ ગયેલા યોગને આભારી હતી. જમીન પર બેસીને શાંત અને પ્રફુલ્લિત ચિત્તે જમવું (જાપાનમાં પણ જમીન પર બેસીને જમવામાં આવે છે), ભણવામાં કાચા વિદ્યાર્થીને અંગૂઠા પકડાવવામાં આવતી કે કાનની બૂટ પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવતી. હવે વૈજ્ઞાનિક સંશોધનોમાં સાબિત થયું છે કે તેનાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. સૂતી વખતે સીધા-ચત્તા સૂવું. સૂતા પહેલાં ભગવાનનું નામ લઈને સૂવું જેથી સારી ઊંઘ આવે. ઊઠીને ભગવાનનું નામ લેવું જેથી દિવસ સારો જાય.

અને હા, યોગ એ હિન્દુ ધર્મની જ દેણ છે. વૈશ્વિક તેને ભલે બનાવીએ, વિશ્વને તેને અપનાવવો હોય તો સ્વાગત (અપનાવ્યો જ છે) પરંતુ તે સર્વસ્વીકૃત બને તે માટે એને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી તેમ કહેવું ખોટું છે. તેને ઉપાસનાપદ્ધતિ સાથે પણ લેવા દેવા છે અને ધર્મ સાથે પણ. તે શુદ્ધરૂપે સનાતન ધર્મની જ દેણ છે. અને તેને તે રીતે જ પ્રચારિત કરવો જોઈએ. બીજાને તેના લાભ જણાશે તો તે તેને અપનાવશે. જો આમ જ એક પછી એક ચીજ આપણે છોડતા જઈશું તો સનાતનનું પોતાના કહેવાપણું કંઈ નહીં રહે.

અંતમાં

यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |

यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति || 20||

અર્થાત્ યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનના લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment