Home » ત્રણ ભરત અને ત્રણ ભારતની કથા

ત્રણ ભરત અને ત્રણ ભારતની કથા

by Jaywant Pandya

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૨/૮/૧૮)

ભારતનો ૭૨મો સ્વતંત્રતા દિવસ ત્રણ દિવસ પછી છે. ઘણા નાગરિકોને આ એક દિવસે દેશભક્તિનો ‘સિઝનલ’ વા લાગશે. ૧૬મી ઑગસ્ટથી વો હી રફતારમાં આવી જશે. આપણે સ્વતંત્રતા સમયથી જ કેટલીક ભૂલો કરી પણ તેને સુધારવા હજુ સુધી પ્રયાસ જ નથી થયો. દા.ત. સ્વતંત્રતા પછી આપણે રાષ્ટ્રકુળ દેશોના સમૂહમાં રહેવાની શું જરૂર હતી? એ આપણને સતત યાદ અપાવતું રહ્યું કે હા, તમે હજુ પણ દાસ જ છો. સ્વતંત્રતા પછી માન્યું કે હિન્દી સામે વિરોધ હતો, પરંતુ સંસ્કૃત ભાષાને અપનાવી શકાઈ હોત. તે સમયે લોકોને જેટલી અંગ્રેજી આવડતી હતી તેટલી જ સંસ્કૃત પણ આવડતી જ હતી. અને તો, દક્ષિણનાં રાજ્યોએ કદાચ આ ભાષાનો વિરોધ ન કર્યો હોત કારણકે આજે પણ દક્ષિણની ભાષાઓમાં ઘણા શુદ્ધ સંસ્કૃત શબ્દો છે. દા.ત. મલયાલમમાં ફળને ફલમ્ કહે છે, પગને પાદમ્ કહે છે. તમિલમાં અર્થને અર્થમ્, ખોરાકને અન્નમ્, પાણીને જલમ્ કહે છે. કન્નડમાં ગ્રાઉન્ડને ભૂમિ કહે છે. લાખ (સંખ્યાકીય શબ્દ)ને લક્ષ કહે છે. દુશ્મનને વૈરી કહે છે. તેલુગુમાં પણ સંસ્કૃત અથવા સંસ્કૃતમાંથી વ્યત્પન્ન શબ્દો છે જ. આકાશને તેલુગુમાં આકાશમ્, ભૂમિને તેલુગુમાં બુવી, લક્ષ્મીને તેલુગુમાં લછ્મી કહે છે. તેલુગુમાં તો કહેવાયું છે કે જનની સમ્સ્કૃતમ્બુ સકલ ભાષાલા કુનુ. સંસ્કૃત તમામ ભાષાઓની જનની છે.

આપણે સંસ્કૃતનો ઉચ્ચાર સ+ન્+સ્+કૃ+ત કરીએ છીએ. અને અંગ્રેજીમાં સ્પેલિંગ Sanskrit એવો ખોટો સ્પેલિંગ કરવાના કારણે હવે તેના પરથી ઉચ્ચાર સ+ન્+સ્+ક્રિ+ત કરવા લાગ્યા છીએ. હકીકતે સ+મ્+સ્+કૃ+ત છે. તેલુગુમાં આ બરાબર લખાયું છે. સંસ્કૃતનો ઉચ્ચાર ખોટા અંગ્રેજી સ્પેલિંગના કારણે થયો અને અંગ્રેજી આપણા દેશમાં વિવિધ ભાષી લોકો વચ્ચે મધ્યસ્થ લિપિ અને ભાષા બનવાના કારણે આમ થયું. જો સંસ્કૃત ભાષા મધ્યસ્થ ભાષા અને દેવનાગરી લિપિ મધ્યસ્થ લિપિ હોત તો આવું ન થયું હોત. ઘણાં ગુજરાતી નામો હિન્દીમાં ખોટાં બોલાય છે, જેમ કે પંડ્યાને હિન્દી ભાષીઓ તેના અંગ્રેજી સ્પેલિંગના કારણે પાંડ્યા બોલે છે. આ જ રીતે ખરો શબ્દ દિલ્લી છે પરંતુ તેના અંગ્રેજી સ્પેલિંગના લીધે ગુજરાતી લોકો દિલ્હી કે ડેલ્હી બોલે છે. અટક મૌર્ય, મિશ્ર અને ગુપ્ત છે. (ચંદ્રગુપ્ત મૌર્યને યાદ કરો). પરંતુ અંગ્રેજી સ્પેલિંગના લીધે તે મૌર્યા, મિશ્રા અને ગુપ્તા બની ગઈ! એક અંગ્રેજી ચેનલનો મેનેજિંગ એડિટર બાબા રામદેવના ઇન્ટરવ્યૂમાં પાટંજલી બોલતા હતા! આ જ પ્રકારની માનસિકતાવાળા લોકો ‘સંજુ’ સહિતની અનેક ફિલ્મ-સિરિયલોમાં ગુજરાતીઓના અંગ્રેજી ઉચ્ચારોની મજાક ઉડાવશે.

આ જ રીતે સ્વતંત્રતા પછી તરત જ વિવિધ શહેરોનાં-પ્રદેશોનાં-રાજ્યોનાં કે વિસ્તારોનાં નામ ભારતીય કરવાની જરૂર હતી. પરંતુ તેમ ન થયું. મોગલો-અંગ્રેજો સહિત કોઈ પણ આક્રમણકારી પ્રજા જેને જીતે છે તે પ્રદેશનાં નામ બદલાવી નાખે છે. ચીને અરુણાચલ પ્રદેશ જીતેલો ન હોવા છતાં તે તેને દક્ષિણ તિબેટ તરીકે ઓળખે છે. બ્રહ્મપુત્રા નદીને યાર્લુંગ ઝાંગ્બો તરીકે ઓળખે છે. અંગ્રેજોએ તો આપણી વનસ્પતિનાં નામો પણ બદલી નાખ્યાં. આનું છેલ્લું ઉદાહરણ યોગમાંથી થયેલું યોગા છે. યોગને લોકો અપનાવે તે માટે આપણા કેટલાક લોકો (તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી ગયા) તેને ધર્મ સાથે જોડવાની ના પાડે છે. પરંતુ તેમ કરવા જતાં આપણે યોગ પર આગામી કેટલાંક વર્ષો પછી અધિકાર ભાવ ગુમાવી બેસીશું. ઑલરેડી, યોગ દિવસ શરૂ થયો તે ૨૦૧૫ના વર્ષના જ સમાચાર છે. પાકિસ્તાનના બાબા રામદેવ ગણાતા શમશાદ હૈદર કહે છે કે યોગનો જન્મ તો પાકિસ્તાનમાં થયો હતો! જે લોકો ઇતિહાસ નથી જાણતા કે જાણવા નથી માગતા તે લોકો કેટલાંક વર્ષો પછી આ વાતને સાચી માની પણ લેશે. માનો કે એક પળ માટે માની લઈએ કે ભૌગોલિક રીતે યોગનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો તો પણ પાકિસ્તાનનું સ્વતંત્ર અસ્તિત્વ તો ૧૯૪૭ પછી છે, એ પહેલાં જે થયું તે ભારતમાં જ જન્મ્યું કહેવાય.

કોઈ પણ સંપ્રદાય અલગ પડે છે તો પણ તે સંપ્રદાય પોતાને આદિ કાળથી સ્થાપિત ધર્મ લેખવા લાગે છે. કોઈ સંપ્રદાયનું નામ નથી લેવું પરંતુ તમામ સંપ્રદાયોનો ઇતિહાસ જે ગણાવાય છે તે જોઈ લેજો. લાગે છે કે જગદગુરુ આદિ શંકરાચાર્ય જેવી વિભૂતિએ ફરી અવતાર લેવાની જરૂર છે જે હિન્દુ ધર્મનું ગૌરવ અને તેની સચ્ચાઈથી જનતાને જાગૃત કરી શકે. પરંતુ નામો કે ઇતિહાસ છોડો, આપણા તો દેશનું નામ જ ઇન્ડિયા સ્વીકારાયું અને ભારત દેશનું ગૌણ નામ બનાવી દેવાયું. (સંદર્ભ: બંધારણ- ઇન્ડિયા ધેટ ઇઝ ભારત) આપણા વર્તમાન વડા પ્રધાન સહિત ઘણા બધા લોકો ઇન્ડિયા પોતાના ઉદ્ભોધનોમાં બોલતાં-લખતાં થઈ ગયા છે.

આવી કોઈ બાબત કરીએ એટલે કેટલાક લિબરલો-સેક્યુલરો વિવાદ ઉત્પન્ન કરશે. ભારત નામ કયા ભરત પરથી પડ્યું? જે ભરત પરથી પડ્યું હોય તે, પરંતુ ત્રણેય ભરત મહાન અને પરાક્રમી હતા. તેમાં બે મત નથી. આ પૃથ્વી પર પહેલા મનુષ્ય હતા સ્વયંભૂ મનુ. તેમના પુત્ર પ્રિયવ્રત હતા. વિષ્ણુપુરાણ મુજબ, પ્રિયવ્રતે પૃથ્વીને સાત ખંડોમાં વિભાજીત કરી હતી. અંગ્રેજો સહિત યુરોપ અને તે પછી અમેરિકાએ આટલી પ્રગતિ કરી, આટલા ઇસ્લામી આક્રમણ થયાં તે પછી પણ આજેય ખંડ તો સાત જ છે જે વિષ્ણુપુરાણમાં લખાયેલું છે. મેં મારી અન્યત્ર એક કૉલમમાં સાબિત કરવા પ્રયાસ કરેલો છે કે આપણાં વેદો-પુરાણો એ નર્યું વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ અને ગણિત જ છે. આ પ્રિયવ્રતના દીકરા ઋષભદેવ થયા, જેમને જૈનો પોતાના પ્રથમ તીર્થંકર માને છે. તેમને સેંકડો પુત્રો હતા. તેમાંના સૌથી મોટા એટલે રાજા ભરત. વિષ્ણુપુરાણ મુજબ, આ મહાન ભરત પરથી જ આ દેશનું નામ ભારતવર્ષ અથવા ભરતનું ક્ષેત્ર પડ્યું.

વિષ્ણુપુરાણમાં ભારતવર્ષનું વર્ણન કરતો શ્લોક છે:

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेष्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।

આટલી ચોખ્ખી અને ૫૦૦૦ વર્ષથી પણ જૂની વ્યાખ્યા બીજે ક્યાં મળે? જે દેશ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે સ્થિત છે તે ભારતવર્ષ છે. ત્યાં ચક્રવર્તી ભરતની સંતતિ ભારતી નિવાસ કરે છે. આ ભારતભૂમિ એ કર્મભૂમિ છે. અહીંથી જ તમને સ્વર્ગ કે નરક મળી શકે.

गायन्ति देवाः किल गीतकानि
धन्यास्ते तु भारतभूमि भागे ।
स्वर्गापवर्गास्पदमार्गभूते
भवन्ति भूयः पुरुषाः सुरत्वात् ।।

વિષ્ણુપુરાણમાં ભારતવર્ષનો મહિમા આ રીતે ગવાયો છે: જેમણે સ્વર્ગ અને નર્ક માટે માર્ગરૂપ એવા ભારતવર્ષમાં જન્મ લીધો છે તે લોકો આપણા દેવતાઓની સરખામણીએ વધુ ધન્ય છે. બીજા કયા ઉપાસના ગ્રંથમાં ભારતભૂમિનું મહત્ત્વ આ રીતે વર્ણવાયું હશે? આ ભરત રાજાએ ધર્મમાં સૂચવાયેલા માર્ગ મુજબ શાસન કર્યું અને પછી પોતાના પુત્રને ગાદી સોંપી ઋષિ પુલહના આશ્રમમાં તપ કરવા ચાલ્યા ગયા. (આ ભારતની સાચી પરંપરા. સમય આવે એટલે સત્તાનો ત્યાગ કરી દેવો. ખુરશી કે કુટુંબના મોહને વળગી ન રહેવું.) ભાગવત પુરાણ મુજબ, તેઓ ગંડકી નદીમાં મળેલા અનાથ હરણબાળની સારવાર કરવા લાગ્યા. તે જ્યારે ચાલ્યું ગયું ત્યારે તેના વિરહમાં તેમનો દેહ છૂટ્યો અને બીજા જન્મે તેઓ હરણ જ બન્યા, ત્રીજા જન્મે જડભરત નામના બ્રાહ્મણ બન્યા. (બ્રાહ્મણોને ગાળો દેનારાએ આ પણ વિચારવા જેવું છે કે જે નામ હવે મજાક બની ગયું છે તે જડભરત એક બ્રાહ્મણનું નામ શા માટે બ્રાહ્મણ ગ્રંથકારોએ રહેવા દીધું હશે?) આમ, (જ્યાં જરૂરી છે ત્યાં) અહિંસા અને જીવદયા તો આપણા લોહીમાં જ છે. અમેરિકા કે બીજા કોઈ દેશે તે આપણને શીખવવાની જરૂર નથી.

હવે રામાયણકાલીન ભરતની વાત. રામાયણકાલીન ભરત ત્યાગ અને સાધનાની મૂર્તિ હતા. તેમણે ધાર્યું હોત તો સરળતાથી તેઓ અયોધ્યા પર રાજ કરી શક્યા હોત કારણકે તેમના પિતાએ આપેલા વચન પ્રમાણે તેમને અયોધ્યાની ગાદી અને શ્રી રામને વનવાસ મળ્યો હતો. પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેઓ શ્રી રામને મનાવવા ગુરુ વશિષ્ઠ અને માતા કૌશલ્યા સાથે ગયાં. શ્રી રામ ન માન્યા તો તેમની ચરણપાદુકા રાખીને રાજ્ય કર્યું અને જ્યારે શ્રી રામ પાછા ફર્યા ત્યારે તેમને પાછું સોંપી દીધું. વિશ્વનું પહેલું વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) આ ભરતે તક્ષશિલાના રૂપમાં સ્થાપી હતી. એમ મનાય છે કે ભરતે મધ્ય એશિયા સુધી રાજ્યને વિસ્તાર્યું હતું જેમાં ગાંધાર (જે પછી આજનું કંદહાર બન્યું) રાજ્યનો પણ સમાવેશ થતો હતો. અમેરિકામાં જે મૂળરૂપે વસેલા તે મધ્ય એશિયાના લોકો જ મનાય છે, જેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. ભારત શોધવા નીકળેલા કૉલંબસને એટલે તો અમેરિકા જ ભારત લાગેલું. (આજે કોઈ કૉલંબસ નીકળે તો ભારત અમેરિકા જેવું લાગે એ હદે અમેરિકી સંસ્કૃતિ હાવી થતી જાય છે!)

વિશ્વના કદાચ પહેલા પ્રેમલગ્નના પરિપાક રૂપે જેનો જન્મ થયો તે આપણા ત્રીજા ભરત. રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર. તેમનું એક નામ સર્વદમન પણ હતું પરંતુ તે દુષ્ટોનું જ દમન કરતા. ગમે તેનું નહીં. પરાક્રમી એટલા કે સિંહનું મોઢું ખોલી તેનાં દાંત ગણતા! આ ભરત રાજાના નવ પુત્રો હતા પરંતુ ભરત રાજાને તેમાંથી એકેય પોતાની ગાદી સોંપવા લાયક ન લાગ્યા. તેથી તેમણે ઋષિ ભારદ્વાજના પુત્ર ભૂમન્યુને રાજગાદી સોંપી. (એક મત મુજબ, ભરતે ભારદ્વાજ મુનિના માર્ગદર્શનથી કરેલા યજ્ઞથી ભૂમન્યુ ઉત્પન્ન થયો હતો.) દુર્ભાગ્યે ધૃતરાષ્ટ્ર સુધી બરાબર ચાલ્યું. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી તેમને ગાદી ન મળી. પરંતુ પાંડુ વનવાસમાં જતાં તેમને ગાદી મળી એટલે પછી ગાદીમોહ છોડી ન શક્યા. એ પરંપરા આજે પણ વિવિધ રાજકીય પક્ષોમાં જોઈ શકાય છે.

ત્રણ ભરત પછી હવે ત્રણ ભારતની વાત. આ દેશની અંદર ત્રણ ભારત વસે છે. એક છે- ભારત, બીજું ઇન્ડિયા અને ત્રીજું હિન્દુસ્તાન. નામ પરથી જ સમજી ગયા હશો. ભારત એટલે જે આ દેશને પોતાનો માને છે, ગર્વ અનુભવે છે, અને આ દેશના પ્રાચીન વારસાનું ગૌરવગાન કરે છે. તેના વિવિધ વારસાને જાળવી રાખવા મથે છે. ઇન્ડિયાવાળા પશ્ચિમી સંસ્કૃતિથી મોહિત છે. તેઓ પણ દેશભક્ત તો છે જ પરંતુ તેમને બધી જ બાબતોમાં પશ્ચિમનું ઉદાહરણ લેવાની ટેવ પડી ગઈ છે. તેમને પ્રાચીન ભારત સાથે જોડાયેલી વાતો સામે વાંધો છે. ત્રીજું છે- હિન્દુસ્તાન. તેઓ પણ દેશભક્ત છે પરંતુ તેઓ હજુ પણ અકબર અને વાજીદ અલી શાહના જમાનાનું ભારત પાછું લાવવા માગે છે. આ ત્રીજા ‘ભારતવાળા’ દેશભક્તો પહેલા ‘ભારત’વાળા દેશભક્તોથી બહુ જુદા નથી પરંતુ તેમની સોય ત્યાં અટકી ગઈ છે, તેનાથી પાછળ જવા તૈયાર નથી. હકીકતે આ ત્રણેય ભારત હવે પ્રિયવ્રતના પુત્ર ભરતવાળા પ્રાચીન ભારત સાથે જોડાય તેવી સમયની માગણી છે અને તેની શરૂઆત દેશનું નામ બદલવાથી જ થઈ શકે. ગુલામીના સમયમાં સિલોન તરીકે ઓળખાતું શ્રીલંકા પોતાનું નામ બદલી શકે તો ભારત જેવી હવે આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર દેશ કેમ નહીં?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

4 comments

BRIJESH GANDHI 12/08/2018 - 11:26 AM

Dear Jaywant bhai, nice article.

Reply
JBJitendra Bhatt 12/08/2018 - 3:23 PM

Excellent, Bharatbhai….!! See information are, in fact, new to many of your readers, including me. Thanks, indeed.

Reply
Jaywant Pandya 12/08/2018 - 4:05 PM

Thanks. Just a correction- my name is Jaywant Pandya.

Reply
Prasad jambhekar 12/08/2018 - 3:39 PM

Very very nice article.

Reply

Leave a Comment