Home » આ વિવાદ રામદેવ વિરુદ્ધ એલોપેથીનો નથી!

આ વિવાદ રામદેવ વિરુદ્ધ એલોપેથીનો નથી!

by Jaywant Pandya

સબ હેડિંગ: આઈએમએને સ્વામી રામદેવ સામે વાંધો નથી. તેમનાં ભગવાં વસ્ત્રો અને તેમના દ્વારા સસ્તી યોગ અને આયુર્વેદ ચિકિત્સાનો પ્રચાર સામે વાંધો છે. મિડિયાએ રિપૉર્ટ ભલે ન કર્યું પણ આઈએમએના વર્તમાન અધ્યક્ષ ડૉક્ટરના રૂપમાં ક્રિશ્ચિયન મિશનરી છે. સાથે ફાર્મા ઉદ્યોગ અને હૉસ્પિટલમાં ઈલાજના નામે થતી લૂટ કરનારાઓ પણ સામે પડેલા છે.

આપણા ઘણાં ઘરોમાં તાવ આવે છે અને શે વાતેય નથી ઉતરતો ત્યારે દાદીમાનો નુસ્ખો અજમાવાય છે જે કારગત પણ છે. મીઠાંવાળાં પાણીનાં પોતાં કપાળે મૂકવાનાં. આ સિવાય પગના તળિયે ઘી લઈને કાંસાના વાટકાથી ઘસવામાં આવે તો પણ ઘણી રાહત થઈ જાય છે. કંઈ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો મસાલાના ડબ્બામાંથી હળદર લગાડી લેવી. તરત જ લોહી બંધ થઈ જાય અને ઘા રૂઝાવાની શરૂઆત થઈ જાય છે.

હળદર ન હોય તો કરોળિયાએ બનાવેલું જાળું લઈ લગાડી દેવું. લોહી બંધ થઈ જશે. પેટમાં દુઃખતું હોય તો પેટ પર ડુંટી આસપાસ હિંગનો લેપ કરવાથી મટે છે. આ જ રીતે, રસોઈમાં વપરાતા હળદર, લાલ મરચું, જીરું, રાય, હિંગ, તજ સહિત દરેક મસાલાના આરોગ્યસંબંધી ફાયદા છે. લસણ, ડુંગળી વગેરેના પણ ફાયદા છે. આજે માંસાહારથી દુનિયા વિમુખ થઈ રહી છે અને શાકાહારને અપનાવી રહી છે. પ્રાણીને થતા રોગ, માંસાહાર કરવાથી થઈ શકે છે તે પણ સત્ય છે.

આ બધું આયુર્વેદ છે, પણ અંગ્રેજોના આવ્યા પછી પદ્ધતિસર આયુર્વેદને ભૂલાવી દેવામાં આવ્યું. રોગ મટાડે યોગને પણ ભૂલી ગયા. અરે! આપણી તો પૂજામાં પણ પ્રાણાયામ જોડાયેલું છે. તાંબાના લોટમાં છંદબદ્ધ કરાયેલ મંત્ર અને રેશમના આસન પર બેસી પદ્ધતિસર (ન્યાસ, કિલક વગેરે સાથે) કરાયેલ પૂજા સાથે મંત્રજાપ અને તેના દ્વારા અભિમંત્રિત (ચાર્જ્ડ) પાણીથી આરોગ્ય સુધરે જ છે. પહેલાંના સમયમાં (એટલે કે આજથી દસ-વીસ વર્ષ પહેલાં સુધી) બહારગામથી આવો તો અમદાવાદના બસ સ્ટેશને દાતણ વેચાતાં મળતાં. કિંમત એક રૂપિયા-બે રૂપિયા જેવી મામૂલી રહેતી. લીમડાં, બાવળ વગેરેનાં દાતણ (ડાળી)નો ઉપયોગ દંતમંજન કરવા કરાતો. આ ઉપરાંત, ખેર, અર્જુન, આંબો, આમળાં, જાંબુડાં, વડલા, આ બધાની ડાળીઓ પણ દાતણ તરીકે ઉપયોગી થાય છે. તેનાથી દાંતનો દુઃખાવો મટે છે, પીડા દૂર થાય છે, પેઢાં મજબૂત થાય છે. આ દાંતણ સસ્તું હતું. તેનો ઉપયોગ માત્ર દંતમંજન તરીકે જ નહીં, ઉળ ઉતારવા પણ થતો. તેનાથી દાતણ વેચનારાઓ પણ કમાતા.

પરંતુ ૮૦ના દાયકામાં આપણે દૂરદર્શન જોતા ત્યારે કૉલગેટ વગેરેની જાહેરખબર આવતી કે દાંતે મીઠું ઘસો છો? કેટલું શરમજનક! સ્વામી રામદેવે દંતક્રાંતિ ટૂથપેસ્ટ મૂકી ત્યાર પછી તે કૉલગેટે વેદશક્તિ ટૂથપેસ્ટ મૂકવી પડી જેમાં લવિંગ, લીમડો, મધ, આમળાં, તુલસી, કપૂર, ફૂદીના વગેરે ઘટકો છે. આ બધાં આયુર્વેદ અને આપણા દૈનિક જીવનપદ્ધતિમાં વણાયેલાં ઘટકો છે. કોલગેટે એક્ટિવ સૉલ્ટ નામની ટૂથપેસ્ટ પણ મૂકી જેમાં મીઠું હોય છે. અર્થાત્ કોલગેટને પણ સમજાયું.

આ આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા, યોગ, પૂજા, વગેરે બધું આપણી હિન્દુ સંસ્કૃતિમાં વણી લેવાયું છે. સવારથી લઈ રાત સુધી આપણી જીવનપદ્ધતિ આરોગ્યમય હતી. સવારમાં તાંબાના કળશમાં રાખેલું પાણી પીવું. જમીને કે નાસ્તો કર્યા પછી કે પહેલાં અડધો કલાક સુધી પાણી ન પીવું. ઉનાળામાં દૂધી, તુરિયાં, ગલકાં વગેરે ખાવાં. શિયાળામાં રીંગણાં, વાલોળ, લીલા ચણા વગેરે ખાવાં. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક મેથીપાક, વસાણાં વગેરે ખાવાં. સુખડી, સેવમમરા, બટેટાપૌઆ, ચેવડો, ચવાણું, ઉપમા, સિંગ-દાળિયા, બોર, જમરૂખ, બદામ (સૂકા મેવાવાળી નહીં), શેરડી, જાંબુ, ચીકુ, કાકડી, આંબલિયા, બખાઈ આંબલી, જેવો નાસ્તો બનાવવો પણ સરળ રહેતો કે ખરીદવો પણ સરળ અને સસ્તો રહેતો. ધર્મેન્દ્ર જેવા અનેક કલાકારોએ તેમના સંઘર્ષના દિવસો સિંગ-દાળિયા ખાઈને કાઢેલા છે. તેનાથી પેટ ભરાઈ જતું અને સ્વાસ્થ્ય પણ સચવાતું.
પરંતુ આ બધું ધીમેધીમે આપણા જીવનમાંથી નીકળતું ગયું. પદ્ધતિસર કઢાતું ગયું. અમેરિકા, બ્રિટન, વગેરે પશ્ચિમી દેશોમાં અવારનવાર સર્વે થાય છે. તેમનો જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો તેની પોલ ખુલ્લી પડી જશે. એક સર્વેમાં કહેવામાં આવે કે ચા પીવાથી નુકસાન થાય છે પણ કોફી પીવાથી ફાયદો થાય છે. થોડા સમય પછી બીજા સર્વેમાં કહેવામાં આવશે કે કોફી પીવાથી નુકસાન થશે અને ચા પીવાથી ફાયદો. આવા સર્વેના આધારે એક માનસિકતા બને. તેનો સંઘેડાઉતાર ભારતનાં પ્રસાર માધ્યમોમાં લેખ કે સ્ટૉરી રૂપે કરવામાં આવે. તેને આંધળી રીતે માની લેવામાં આવે. તે પછી બીજું આક્રમણ જાહેરખબરો દ્વારા થાય. ત્રીજું આક્રમણ સેલિબ્રિટીને સાધી તેમને જાહેરખબરોમાં લેવામાં આવે અને પછી તેઓ તે ભારતનાં મૂળ સાથે જોડાયેલી પરંપરા અને આવી બધી બાબતોનો વિરોધ કરે. ચોથું આક્રમણ કોલગેટ, વનસ્પતિ ઘી વગેરને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રમાણિત કરીને જાણે તે ડૉક્ટરો દ્વારા સર્ટિફાઇડ હોય તેમ બતાવાય છે.

આ આઈએમએ કઈ બલા છે જેણે સ્વામી રામદેવ પર નિશાન સાધીને હકીકતે આયુર્વેદ પર નિશાન સાધ્યું છે? વાસ્તવમાં સ્વામી રામદેવ સામે હિન્દુ વિરોધીઓને પેટમાં દુઃખે છે તેનાં પાંચ કારણો છે: ૧. તેઓ સાધુ છે, ભગવાં વસ્ત્રો પહેરે છે. હિન્દુત્વનો પ્રચાર કરે છે. ૨. તેમણે નિઃશુલ્ક યોગશિબિરો અને આયુર્વેદિક ઘરેલુ નુસ્ખાઓ દ્વારા ઘરે ઘરે યોગ અને આયુર્વેદ પહોંચાડ્યું છે. ૩. તેમણે પતંજલિ દ્વારા આયુર્વેદિક દવાઓ, નાસ્તાઓ વગેરે બજારમાં મૂકી નેસલે જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ, તેલ-સાબુ વેચતી કંપનીઓ, નાસ્તા બનાવતી કંપનીઓ, એલોપેથી અનુસાર દવા વેચતી કંપનીઓને જબરદસ્ત ફટકો માર્યો છે. તેમની કોરોના અંગેની કોરોનિલ દવાથી અનેક લોકોને ફાયદો થયો છે. કંઈ નહીં તો ગળો, આમળાંનો રસ (ચાહે તે પતંજલિ હોય કે અન્ય કંપનીનો કે પોતાના ખેતરમાં ઉગાડેલી વનસ્પતિનો હોય) વગેરે લેવાથી લોકોની કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધી છે. ૪. તેમણે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારના મુદ્દે ૨૦૧૧માં કૉંગ્રેસ સરકાર સામે આંદોલન છેડ્યું હતું. ૫. જે લોકો હિન્દુત્વને ચાહે છે, રાષ્ટ્રને ચાહે છે તેઓ સ્વામી રામદેવમાં પણ શ્રદ્ધા ધરાવે છે. આમ, તેમના લાખો અનુયાયીઓ છે. તેઓ રાજકીય શક્તિ ઊભી કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ભાજપનો તેમને સાથ ન મળ્યો હોત તો તેઓ ૨૦૧૦માં ભારત સ્વાભિમાનના બેનર હેઠળ રાજકારણમાં ઉમેદવારોને મેદાનમાં ઉતારવાના મતના પણ હતા.

આ આઈએમએ કઈ બલા છે? તેના પ્રમુખના કયા કાળા ધંધા છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોઈ સત્તાવાર સંસ્થા નથી. એ તો મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા હતી. તેના બદલે હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય તબીબી પંચ રચ્યું છે. આઈએમએ તો ડૉક્ટરોની સ્વૈચ્છિક સંસ્થા છે. તેની સ્થાપના બ્રિટિશકાળમાં ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન તરીકે કરવામાં આવી હતી. ૧૯૩૦માં તેનું નામ બદલાઈને વર્તમાન નામ કરવામાં આવ્યું. તેના વર્તમાન પ્રમુખ છે ડૉ. જૉનરોઝ ઑસ્ટિન જયલાલ. આ પ્રમુખ ખ્રિસ્તી છે અને તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ તેમના ઇન્ટરવ્યૂ જોશો તો ખબર પડશે કે ડૉક્ટરના વેશમાં આ ખરેખર તો મિશનરી છે જે ડૉક્ટરના નામે વટાળ પ્રવૃત્તિ કરે છે.
‘ફર્સ્ટ પૉસ્ટ’ પર તેમના અંગેનો એક અહેવાલ કહે છે કે તેઓ દાક્તરી છરી લઈને આવે ત્યારે દર્દીઓએ તેમની શ્રદ્ધા (ઉપાસના પદ્ધતિ) અને ઓળખ બચાવવાની હોય છે. આનો અર્થ એ કે તેઓ જ્યારે દર્દી આગળ આવે ત્યારે પૂરી શક્યતા છે કે તે ઈલાજની સાથો સાથ દર્દીનો તેની પંથીય માન્યતા સાથેનો ગર્ભનાળ સંબંધ પણ છરી વડે કાપી નાખે.

ડૉક્ટર ક્યારેય હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી ન હોઈ શકે. તેણે ડૉક્ટર તરીકે માનવતાનું જ કામ કરવાનું હોય. પરંતુ આઈએમએના અધ્યક્ષ ડૉ. જૉનરોઝ તો દાક્તરી ઉપર ઈસાઈયતને મૂકે છે. તેઓ માને છે કે એલોપેથી અને ક્રિશ્ચિયાનિટીનું તંદુરસ્ત મિશ્રણ હોવું જોઈએ. તેઓ ખ્રિસ્તી બાબતોને ચિકિત્સા સાથે જોડવા માગે છે. તેઓ કહે છે કે “જ્યારે હું ખ્રિસ્તી ડૉક્ટર તરીકે કામ કરવા માગતો હોઉં ત્યારે મારી મુખ્ય નિસબત એ જોવાની છે કે મારી પાસે વ્યક્તિની સુખાકારી અને આધ્યાત્મિક (એટલે કે ખ્રિસ્તી) ઉપચાર વિશે વાત કરવાનો સમય હોય.” જો આ જ વાત કોઈ હિન્દુ ડૉક્ટરે કહી હોત તો કેટલો ઉહાપોહ મચ્યો હોત? આ ડૉક્ટર એમ કહેવા માગે છે કે તેમણે દર્દીના ઈલાજની સાથે તે ખ્રિસ્તી બને તેવી વાતો પણ કરવી જોઈએ. તેઓ ઈચ્છે છે કે વધુ ને વધુ ખ્રિસ્તી ડૉક્ટરો સેક્યુલર સંસ્થાઓ, મિશનરી સંસ્થાઓ અને મેડિકલ કૉલેજમાં કામ કરે.

તેઓ મેડિકલ કૉલેજમાં ભણાવે છે તેને મેડિકલ અભ્યાસ કરતાં ખ્રિસ્તી પંથના પ્રચારની સારી તક તરીકે તેઓ જુએ છે. કોરોનામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન એમ બધાએ પોતપોતાની રીતે-સંસ્થા તરીકે સેવા કરી. પરંતુ આ ડૉક્ટર માને છે કે ગરીબો માટે માત્ર ચર્ચોએ જ કામ કર્યું. સરકારે તો કંઈ કર્યું જ નથી. આમ કહીને સરકારની ગરીબ કલ્યાણ યોજના કે આત્મનિર્ભર પેકેજ પર તેઓ ધૂળ પાડી ઢાંકી દેવા માગે છે.

જોકે તેઓ જે રીતના પંથાંધ છે તે જોતાં વર્તમાન સરકાર સામે અને આયુર્વેદ સામે તેમનો વિરોધ સ્વાભાવિક છે. મોદી સરકારે ભારતીય ચિકિત્સાઓ (ખરેખર તો એલોપેથી સિવાયની) આયુર્વેદ, હૉમિયોપેથી, યુનાની, સિદ્ધ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાને એલોપથી સાથે સંકલિત કરવાનો નિર્ણય કર્યો ત્યારે ડૉ. જૉનરૉઝ ઉકળી ઊઠ્યા હતા અને તેમણે પ્રબળ વિરોધ કર્યો હતો.
એટલે સ્વામી રામદેવ વિરુદ્ધ આઈએમએની લડાઈને માત્ર આયુર્વેદ વિરુદ્ધ એલોપેથીની લડાઈ તરીકે ન જોવી જોઈએ. આ પ્રકારના ડૉક્ટરો તો એવું બનાવવા માગે પણ હકીકતે આ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ રોમ સંસ્કૃતિની લડાઈ પણ છે. આ લડાઈ સસ્તામાં મળતા ભારતના સ્વદેશી ઉપચારની સામે વિદેશી ફાર્મા કંપનીઓની પણ છે.

આપણને ખબર છે કે કોરોનાની એલોપેથી ચિકિત્સામાં કેટલા યૂ ટર્ન માર્યા છે. ગયા વર્ષે હાઇડ્રૉક્સિક્લૉરોક્વિનની બોલબાલા હતી જે ભારતે અમેરિકા સહિતના દેશોને મદદરૂપે પૂરી પાડી હતી. પછી મોંઘા અને ઓછા પ્રાપ્ય ટોસિલિઝુમેબનો વાયરો ચાલ્યો. તે સાથે પ્લાઝ્મા થેરેપીનો ટ્રેન્ડ ચાલ્યો. પછી આ વર્ષે રેમડેસિવિર ઇન્જેક્શનની માગ ઊભી કરાઈ. હોસ્પિટલ, ફાર્મા ઉદ્યોગો, મેડિકલ સ્ટૉરોએ, કાળા બજારિયાઓએ  મબલખ  કમાણી કરી લીધી.  નકલી રેમડેસિવિરથી પણ લોકો સાજા થયાના અહેવાલો આવ્યા. પછી ખબર પડી કે બધાને રેમડેસિવિરની આવશ્યકતા નથી હોતી. તેની આડ અસરથી બ્લેક ફંગસ થઈ  શકે છે. લોકોએ એ પણ જોયું કે કઈ  રીતે કેટલીક હૉસ્પિટલોએ આ કોરોનાકાળમાં દર્દીઓની વિવશતાનો લાભ ઊઠાવી લૂટ્યા છે. લાખો રૂપિયનાં બિલ, રેમડેસિવિર જરૂર ન હોય તો પણ આપવાં, સ્ટીરોઇડની આડ અસર સમજાવ્યા વગર તે આપવાં જેના પગલે સેંકડોને મ્યુકરમાઇકૉસિસ થયાં, ઇન્જેક્શનનું કાળા બજાર હૉસ્પિટલના સ્ટાફની સાંઠગાંઠ વગર શક્ય જ નહોય. પરંતુ સામાન્ય સ્થિતિમાં પણ હૉસ્પિટલો લૂટે છે તેના અનેક અહેવાલો આવેલા છે. નૉર્મલ ડિલિવરી શક્ય હોય તો પણ સિજેરિયન કરાવવી, પેટમાં શસ્ત્રક્રિયા બાદ છરી ભૂલી જવી, મૃત્યુ થઈ ગયું હોય તો પણ વેન્ટિલેટર પર રાખી બિલ વધારવું, બિલ ચુકવવાની ત્રેવડ ન હોય તો મૃતદેહ ન સોંપવો, હૉસ્પિટલમાં દર્દીના સગા માટે કે દર્દી માટે ફરજિયાત હૉસ્પિટલની કેન્ટિનનું જ જમવાનું લેવાનું, કોરોનામાં એક જ પીપીઇ કિટ પહેરી હોય તો પણ અલગ-અલગ કિટના પૈસા ચડાવી દેવાના. જો સુપર ડિલક્સ રૂમ લો તો કેન્ટિનના ભોજનથી લઈને ડૉક્ટરની વિઝિટ વગેરેનો ચાર્જ બમણો થઈ જાય, દવાના કન્ટેન્ટના બદલે બ્રાન્ડેડ દવા લખવી, આવી તો મેડિકલ બેદરકારી કે લૂટની મોટી યાદી બને તેમ છે. એવા આક્ષેપો પણ થતા રહ્યા છે કે ફાર્મા કંપનીઓ ડૉક્ટરોને વિદેશ ટૂરના પેકેજ આપે છે જેના બદલામાં ડૉક્ટરોએ તેમની દવા પ્રિસ્ક્રાઇબ કરવાની હોય છે.
જોકે આના કારણે એલોપેથી બદનામ નથી થતી. આયુર્વેદના ક્ષેત્રે સાજા થયેલાઓના વધુ અને નક્કર આંકડા, વધુ ડૉક્યુમેન્ટેશનની આવશ્યકતા છે. મહાભારત કાળમાં કે ગણેશજી વખતે શસ્ત્રચિકિત્સા હશે પણ અત્યારે કેમ આયુર્વેદવાળા તે મુદ્દે સંશોધન નથી કરતા. નાક સારું કરવું, દાંત સારા કરવા, સ્તન સૌંદર્ય વધારવું, સ્ત્રીમાંથી પુરુષ કે તેનાથી વિરુદ્ધ બનાવવા, આઈવીએફ ટૅક્નૉલૉજી, કિડની ડાયાલિસિસ, હૅર ટ્રાન્સ્પલાન્ટ વગેરે જેવી બાબતો આયુર્વેદમાં છે ખરી? હોય તો તેની સફળતાનાં નક્કર પ્રમાણો છે ખરા?

હકીકત એ છે કે જેમ ઘરમાં માતા ભણવાનું કહે, સ્વાસ્થ્ય માટે ચોકલેટ કે પિઝા ખાવાની ના પાડે તો તે કડવી લાગે અને પિતા બધું અપાવે તો તે સારા લાગે. એલોપેથીમાં આવું જ છે. ખાવાપીવાની કોઈ ના નહીં. દવા પણ ફટ દઈને ગળી જવાય. કોઈ પરેજીની વાત નહીં. ભોગ કરો અને (ડૉક્ટરોને) ભોગ ધરાવો. જ્યારે આયુર્વેદ-યોગ-પ્રાકૃતિક ચિકિત્સા કહે છે બીમાર જ ન પડો તે માટે સંયમિત અને શિસ્તસભર જીવન જીવો. ખાવાપીવામાં નિયંત્રણ રાખો. આયુર્વેદ બીમારીને મન સાથે જોડે છે. યોગ મનને ઠીક કરવાનું- પ્રફૂલ્લિત કરવાનું કામ કરે છે. પ્રાકૃતિક ચિકિત્સા કહે છે કે કુદરતની વધુ ને વધુ નજીક જાવ. માટી, કાદવ વગેરે પણ ચિકિત્સામાં ઉપયોગી છે. એલોપેથીમાં માનનારાઓની વિચારપદ્ધતિ એવી છે કે કુદરતથી દૂર રહી એશોઆરામમાં રહો, બીમાર પડો અને પછી અમારી મોંઘી દાટ સારવાર લો. આયુર્વેદ કહે છે કે જેવા છો તેવા સુંદર જ છો. મન સુંદર હોવું જોઈએ. ભારત અને વેનેઝુએલા જેવા દેશોમાં સૌંદર્ય સ્પર્ધાઓ દ્વારા તેની સ્ત્રીઓને વિશ્વ સુંદરી બનાવી સૌંદર્યનું આખું બજાર ખડું કરાયું છે. જેનો ફાયદો સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓને પણ છે અને એલોપેથીથી ટ્રીટમેન્ટ કરતા ડૉકટરોને પણ. અમેરિકા, યુરોપ, ચીન અને હવે તો ભારતની પણ સ્ત્રીઓ અને પુરુષો ટ્રીટમેન્ટ કરાવી પોતાને સુંદર બનાવે છે. જોકે તેમાં સર્જરી ઊંધી પડ્યાના પણ દાખલા છે. આ જ રીતે પાતળું શરીર મેળવવા બેરિયાટ્રિક સર્જરીના દુષ્પરિણામો પણ છે. નવા ‘રામાયણ’ ધારાવાહિકમાં કુંભકર્ણનું પાત્ર ભજવનાર રાકેશ દીવાનાનું વજન ઘટાડવાની શસ્ત્રક્રિયા બાદ મૃત્યુ થયું હોવાના અહેવાલો હતા.

આમાં સરકારની ભૂમિકા એ આવે છે કે તે ભારતીય મૂળ ચિકિત્સા પદ્ધતિઓને રાજ્યાશ્રય આપે, તેને પ્રોત્સાહન આપે, તેમાં સંશોધનો થાય તે જુએ કારણકે ભારત સરકાર સિવાય કોઈ દેશની સરકાર તે કરવાની નથી. મોદી સરકારે આ બાબતે પહેલ તો કરી છે પરંતુ કોરોના કાળમાં આયુર્વેદને અથવા ભાવનગરના ડૉ. દીપક ગોળવળકરની મિથિનિલ બ્લુ જેવી વૈકલ્પિક દવાઓને પ્રમૉટ કરવાની તક તે ચૂકી ગઈ છે. અભિનંદન આંધ્ર પ્રદેશની સરકારને જેમણે નેલ્લોર જિલ્લાના ક્રિષ્નાપટનમ્ના વૈદ્ય બી. આનંદહૈયાની આયુર્વેદિક દવાના ઉપયોગને અનુમતિ આપી.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment