Home » તનિષ્ક જાહેરખબર: હિન્દુ કેમ ભડકેલો છે?

તનિષ્ક જાહેરખબર: હિન્દુ કેમ ભડકેલો છે?

by Jaywant Pandya

સબ હેડિંગ: હિન્દુ ભડકેલો છે તેની પાછળ દેશની અંદરનાં ચાર અને વિદેશનું એક પરિબળ છે. તે સમજવું આવશ્યક છે.પરંતુ હજુ તે ઉગ્ર હિંસક નથી બન્યો તેટલું સારું છે. તે હજુ ગાંધીચિંધ્યા બહિષ્કારના માર્ગે જ છે. જેની કોઈ ના ન પાડી શકે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૮/૧૦/૨૦૨૦)

તનિષ્કની જાહેરખબરમાં મુસ્લિમ સાસુ હિન્દુ પુત્રવધૂની સિંમતવિધિ કરાવતી દેખાઈ. એમાં ઉહાપોહ થઈ ગયો. આ જાહેરખબર પાછી ખેંચવી પડી. ટાઇટનના શૅર ગબડી ગયા. રૂ. ૨૭ અબજનું નુકસાન થયું. કૉંગ્રેસના નેતાઓ અને બુદ્ધુજીવીઓએ હિન્દુઓને કટ્ટર કહ્યા. આ એ જ લોકો છે જે કટ્ટર મુસ્લિમોને કટ્ટર કહેતા ખચકાય છે. તેમના વિશે ક્વચિત જ વાત કરે છે કે વર્ષમાં એકાદ લેખ લખે છે અને તેમાંય પાછા હિન્દુવાદીઓને તો લબડધક્કે લીધા જ હોય.

આમ જુઓ તો આ જાહેરખબરમાં વાંધાજનક કંઈ નથી. એકત્વમ્ જેવું સંસ્કૃત સૂત્ર પણ આપેલું છે અને હિન્દુત્વ તો કણ-કણમાં ઈશ્વરને જોવાનું કહે છે. તો પછી આ વિવાદ કેમ થયો? ‘બિગ બૉસ’, ‘કપિલ શર્મા શૉ’, ‘સડક -૨’ અને હવે ‘લક્ષ્મી બૉમ્બ’નો બહિષ્કાર કરવાની ઘોષણા કેમ થઈ રહી છે? શું લેફ્ટ લિબરલો કહે છે તેમ હિન્દુ ખરેખર અસહિષ્ણુ બની રહ્યો છે? કટ્ટર બની રહ્યો છે? વાત-વાતમાં આળો બની જાય છે?

આનું કારણ જાણવું હોય તો ગાંધીજીના આગમન વખતથી ભારતનો ઇતિહાસ જોવો પડે. આ દેશમાં ગાંધીજીથી લઈને નકલી (ગાંધી અટક નકલી છે, મૂળ અટક પારસી ફિરોઝભાઈની જુદી હતી માટે) ગાંધી સુધી અને હજુ ભાજપ કે શિવસેના શાસનમાં હિન્દુઓને દિન-પ્રતિદિન એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈ ઇસ્લામિક અને ખ્રિસ્તી દેશમાં રહેતા હોય તેમ દ્વિતીય પણ નહીં પણ થર્ડ ક્લાસ કેટેગરીના નાગરિક હોય તેમ તેમની સાથે વર્તન થઈ રહ્યું છે. તેમને લાગે છે કે તેઓ લોકશાહીની રીતે વિરોધ કરે છે માટે તેમના વિરોધને કોઈ ગણકારતું નથી. વળી, અંગ્રેજોએ સરકારી કામકાજ અને શિક્ષણમાં ચાલુ કરેલી માત્ર હિન્દુ પૂરતી જ્ઞાતિ પદ્ધતિના કારણે હિન્દુ પણ વહેંચાઈ જાય છે. ‘પદ્માવતી’નો પ્રશ્ન આવે એટલે ક્ષત્રિયોને જ અપમાન લાગે, એકતા કપૂરની ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં ‘ઠાકોરજી’ના કોઈ સંવાદ સામે ગુજરાતમાં (ગુજરાતમાં જ) વૈષ્ણવોને વાંધો પડ્યો હતો.

ખિલાફત આંદોલનથી લઈને સ્વતંત્રતા પછી ઝંડો કયો નક્કી કરવો, રાષ્ટ્રગીત કયું રાખવું, રાષ્ટ્રગાન વંદે માતરમ્માં બધી કડી ન રાખવી અને છતાં આજે પણ તેનો વિરોધ કરવો, હિન્દુઓના કોઈ પર્સનલ લૉ નહીં, પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પર્સનલ લૉ, રાજકારણીઓ દ્વારા, શાહબાનો, સલમાન રશ્દી, ઇફ્તારથી લઈને અનેક બાબતોએ કટ્ટર મુસ્લિમો પ્રત્યે કૂણું વલણ, શ્રી રામમંદિર કેસમાં વારંવાર પડતી મુદ્દતો, તેમાં પૂછાતા પ્રશ્નો, લવજિહાદ, રમખાણો, વગેરે અનેક બાબતમાં હિન્દુઓને લાગે છે કે કટ્ટર મુસ્લિમોને હિન્દુઓ સાથે રહેવાનું નહીં ફાવે તેમ લાગતાં તેમને પાકિસ્તાન તો આપી દેવાયું તેમ છતાં આ દેશમાં-હિન્દુસ્તાનમાં એક ચોક્કસ વર્ગવિશેષને તો તેની મત બૅન્ક અને ટોળાં દ્વારા ગુંડાગીરીના કારણે થાબડભાણાં કરાય છે અને બીજી બાજુ હિન્દુની સતત અવગણના.

આ દેશમાં લોકશાહી છે. અને લોકશાહીને આમ તો મજબૂત બનાવતા જે જાણીતાં ચાર અંગો છે તે સિવાયની વાત કરીએ તો ૧. સંસદ/ધારાસભા, ૨. ન્યાયપાલિકા, ૩. પ્રસાર માધ્યમો અથવા મિડિયા ૪. ફિલ્મ/ટીવી શૉ/વેબસીરિઝ/નાટક/ચિત્ર/સાહિત્ય અને આ ઉપરાંત આ લોકશાહીમાં નથી આવતું પણ એક વધારાનું પરિબળ તો છે જ અને તે છે- ૫. વિદેશો અથવા આંતરરાષ્ટ્રીય મંચો પણ ગણી શકાય. આ ચાર અંગો વત્તા એક પરિબળ બાબતે હિન્દુને લાગે છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.

પહેલું સંસદ કે ધારાસભા. આપણે ત્યાં ભાજપને બાદ કરતાં (હવે તો શિવસેના પણ) બાકીના બધા પક્ષો સેક્યુલર છે. તેઓ મુસ્લિમ કે ખ્રિસ્તીનો નાનો પ્રશ્ન હોય તો પણ આખો દેશ ગજવી મૂકે છે. સામે પક્ષે રાજકારણીઓ હિન્દુઓને ખંડ-ખંડ એટલે કે જાતિના ગણિતથી જુએ છે. એટલે બળુકી જાતિ હોય, જેની જનસંખ્યા મોટી હોય તેને સાચવી લે છે અને પેલી જાતિને તેના નેતાને મળતા મહત્ત્વને કારણે લાગે છે કે આપણું કામ થઈ ગયું. આથી જ મનમોહનસિંહ વડા પ્રધાન પદ પર રહીને કહે છે કે આ દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આથી જ ઓડિશામાં ગ્રેહામ સ્ટેઇન્સને બાળીને મારી નખાય ત્યારે બધા પક્ષો આખો દેશ માથે લે છે. અખલાકની હત્યા થાય કે મુસ્લિમની હત્યા (લિંચિંગ) થાય તો બધા પક્ષો ગોકીરો કરી મૂકે છે. પરંતુ રાહુલસિંહ રાજપૂતની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ કરવા માટે હત્યા થાય તો ભાજપ સહિત બધા પક્ષો મૌન સાધી લે છે. રાજસ્થાનમાં પૂજારીને જીવતો સળગાવી દેવાય કે મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની પોલીસ સામે હત્યા થાય તો ભાજપ સિવાય બધા પક્ષો મૌન સાધી લે છે. મંદિરોના ટ્રસ્ટની સંપત્તિ સરકાર હસ્તક છે, પણ મુસ્લિમ કે ખ્રિસ્તી બાબતે આવું નથી. આવી તો અનેક વાતો લખી શકાય તેમ છે પણ લેખ લાંબો થઈ જશે એટલે સંસદ/ધારાસભાની વાત અહીં ટૂંકાવીએ.

બીજો મુદ્દો છે ન્યાયપાલિકાનો. ન્યાયપાલિકામાં હિન્દુની કોઈ બાબત હોય તો ફટ દઈને ચુકાદો આવી જાય છે પરંતુ જો મુસ્લિમ કે ખ્રિસ્તીની બાબત હોય તો ફૂંકી ફૂંકીને પગલાં લેવાય છે. હિન્દુ-મુસ્લિમની સંવેદનશીલ બાબત હોય તો ન્યાયાધીશોની બૅન્ચમાં મુસ્લિમ ન્યાયાધીશ હોવા આવશ્યક છે. જન્માષ્ટમીમાં દહીંહાંડીની ઊંચાઈ કેટલી રાખવી, જલ્લીકટ્ટુની રમત પર પ્રતિબંધ, શ્રી જગન્નાથજીની રથયાત્રા, દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ, સબરીમાલામાં માસિકમાં હોય તે સ્ત્રીઓના જવા પર પ્રતિબંધ ઉઠાવવો, શનિશિંગળાપુરમાં સ્ત્રીઓને પૂજાની છૂટ વગેર અનેક બાબતોમાં હિન્દુઓની જનભાવના વિરુદ્ધ ચૂકાદા આપતા ન્યાયપાલિકા અચકાતી નથી. પરંતુ ત્રિતલાક, શ્રી રામમંદિર, શાહીનબાગ વગેરે અનેક કેસમાં ચુકાદા આવતાં વર્ષો અથવા મહિનાઓ લાગે છે જ્યારે ચિડિયા ચુગ ગઈ ખેત જેવી સ્થિતિ થઈ ગઈ હોય છે. ન્યાયપાલિકા બાબતે કહેવાય છે કે જસ્ટિસ ડિલેય્ડ ઇઝ જસ્ટિસ ડિનાય્ડ. મોડો ન્યાય મળે તે ન્યાય ન મળવા બરાબર જ છે.

ત્રીજી વાત પ્રસાર માધ્યમોની છે. ૧૯૯૦ના દાયકાથી પ્રસાર માધ્યમો વધુ ને વધુ હિન્દુ વિરોધી બનતાં ગયાં છે. સમાચારોમાં જો આરોપી હિન્દુ હોય અને મુસ્લિમ પીડિત હોય તો તે સમાચારને વધુ મહત્ત્વ મળે. જો આરોપી મુસ્લિમ હોય અને હિન્દુ પીડિત હોય તો નગણ્ય બરાબર મહત્ત્વ મળે. પંથાંતરણના આક્ષેપો છતાં મધર ટેરેસાને ખૂબ જ મહત્ત્વ મળે, પણ કેશવાનંદ ભારતી જેનો કેસ કાયદાની દરેક કૉલેજમાં ભણાવાતો હશે તે અવસાન પામે તો તેની નોંધ ન બરાબર લેવાય. હિન્દુ તહેવારોમાં પણ સાત્વિક ઉજવણીવાળા (શિવરાત્રિ-શ્રી રામનવમી-મોળાકત-પોષી પૂનમ-પુરુષોત્તમ માસ) તહેવારોનું મહત્ત્વ ઓછું, પરંતુ જેમાં જાહેરખબરો મળે છે તેવા નવરાત્રિ, દિવાળી અને જન્માષ્ટમીનું મહત્ત્વ દેખાડવાનું. તેમાં પણ ભક્તિ કરતાં આડંબર વધુ બતાવાય છે એટલે કે જૈન પર્યૂષણ વખતે જેમ તપ કરનારાઓની તસવીરો છપાય તેમ નવરાત્રિમાં તપ કરનારાની તસવીરો નહીં છપાય, પણ પાર્ટી પ્લૉટમાં નાચતી બહેનોના ઘાઘરા ઊંચા થઈ ગયા હોય તે જ સમયે ક્લિક કરેલી તસવીરો કે બેકલેસ ચોળી પહેલી હોય તેવી બહેનો-દીકરીઓની તસવીરો મોટી જગ્યામાં છપાશે. નવા-નવા પશ્ચિમી તહેવારોને ધીમેધીમે મિડિયા ઘૂસાડાતું ગયું આપણને ખબર પણ ન પડી. હવે હેલોવીન માટે પ્રયાસ ચાલુ થઈ ગયા છે. અને જો કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી પંથગુરુએ અપરાધ કર્યો હોય તો તેના હેડિંગમાં બાબા લખી નાખવાનું. તસવીર પણ કોઈ સાધુની પ્રતીકાત્મક છાપી નાખવાની. આસારામ, બાબા રામરહીમ, નિર્મલબાબા માટે ભલે યથાર્થ બૂમબરાડા અને નાટકીય રજૂઆત અઠવાડિયાઓ સુધી કરે પણ ફ્રાન્કો મુલક્કલ કે અમદાવાદના અમરાઈવાડીમાં ક્લેશીય ચર્ચના પાદરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેઇલ કરી તેનો વિડિયો ઉતારી, તેને ખ્રિસ્તી બનવા કહે તે સમાચારને અંદરના પાને સૂવડાવી દેવાના (એટલે કે નગણ્ય મહત્ત્વ આપવાનું.)

ચોથી વાત ફિલ્મ/ટીવી/વેબસીરિઝ/નાટક/ચિત્ર/સાહિત્યની છે. ઉગ્રતા ફેલાવતી શાયરી ‘હિન્દુસ્તાન કિસી કે બાપ કા થોડી હૈ’ લખનાર, અટલબિહારી વાજપેયીના ઘૂંટણ વિશે અભદ્ર કૉમેન્ટ કરનાર રાહત ઇન્દૌરીને મહાન બતાવી દેવાના. જ્યારે પંજાબમાં ત્રાસવાદનો મુદ્દો અંકુશમાં આવી ગયો હોય ત્યારે ગુલઝાર ‘માચિસ’ બનાવીને તેને પુનર્જીવિત કરવા પ્રયાસ કરે. ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખાકી’ અને ‘જોલી એલએલબી-૨’માં નિર્દોષ લોકોને આતંકવાદના આરોપમાં ખોટા પકડી લેવાય છે તેવી વાત બતાવવાની. ‘લજ્જા’થી માંડીને અનેક ફિલ્મમાં હિન્દુ સ્ત્રીઓને વિદ્રોહ કરવા પ્રેરવાની પણ મુસ્લિમ સ્ત્રીના પ્રશ્ને ‘નિકાહ’, ‘લિપસ્ટિક ઇન માય બુરખા’ જેવી ગણીગાંઠી ફિલ્મો જ બનાવવાની. મુસ્લિમ પ્રેમી અને હિન્દુ પ્રેમિકા હોય તેવી અઢળક ફિલ્મો બને પણ હિન્દુ પ્રેમી અને મુસ્લિમ પ્રેમિકા હોય તેવી ફિલ્મ ગણીને ‘બૉમ્બે’ અને ‘ગદર’ જેવી ગણીગાંઠી ફિલ્મ જ બને કારણકે તે બંને વખતે ઉગ્ર મુસ્લિમોએ સિનેમાઘર પર કાં તો હુમલો કર્યો હતો અથવા તો કરવાની ધમકી આપી હતી જેના કારણે ફિલ્મની રિલીઝ ટાળવી પડી, કાં પાછી ખેંચી લેવી પડી. ઈરાની નિર્દેશક માજિદ માજિદે મોહમ્મદ પયગંબર પર બનાવેલી ફિલ્મ કે ‘દ વિન્ચી કૉડ’ પર પ્રતિબંધ ફટ દઈને મૂકાઈ જાય છે, પણ ‘પીકે’ સહિત અનેક ફિલ્મ અને વેબસીરિઝમાં હિન્દુઓનાં દેવી-દેવતા, હિન્દુઓ સાથે જોડાયેલી બાબતો- પરિવાર, ગોમૂત્ર, તુલસી, ગાય વગેરેને કાં ધૃણાસ્પદ રીતે અથવા ઉપહાસની રીતે દર્શાવવાનું. જાહેરખબરોમાં પણ આવું જ. બ્રુકબૉન્ડ રેડ લેબલ ચાની જાહેરખબરમાં મુસ્લિમ પડોશી મહિલા જે બુરખામાં છે તે સારી પણ હિન્દુ પડોશી તેના ઘરે ચા પણ ન પીવે. સર્ફ ઍક્સેલની હોળી પર જાહેરખબરમાં પણ મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરી બતાવવાની. તનિષ્કની જાહેરખબરમાં મુસ્લિમ પરિવાર તો સારો જ હોય તેવું દર્શાવવાનું. (ન હોય તેમ કહેવાનો અર્થ નથી, પણ હિન્દુનો દૃષ્ટિકોણ સમજવાનો પ્રયાસ છે, કારણકે આનાથી વિરોધી ક્યારેય દર્શાવાતું નથી જેમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી હોય) ચિત્રમાં પણ હિન્દુ દેવી સરસ્વતી અથવા દુર્ગાનાં ચિત્રો નગ્ન દોરે તે એમ. એફ. હુસૈનને બુદ્ધુજીવીઓ મહાન દર્શાવે. એમને પૂછવું જોઈએ કે તમારી માતા-બહેનનાં ચિત્રો આવાં દોરાય તો તમને ગમે? રેહાના ફાતીમા જેવાં લોકો હોય તો ગમે પણ ખરાં.

પાંચમું પરિબળ એટલે વિદેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. મોદી સરકાર આવી તે પહેલાં ખ્રિસ્તી ચર્ચનું છાપરું પણ પડી જાય તો ખ્રિસ્તી દેશો ભારતની ટીકા કરવા તૂટી પડતા હતા. કાશ્મીરમાંથી હિન્દુ સ્ત્રીઓ પર બળાત્કાર થાય, હિન્દુઓની હત્યા થાય, તેમને પહેરેલે કપડે નાસી જવું પડે તે બાબતે આ વિદેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મૌન રહેતાં હતાં. ગોધરાકાંડને અવગણીને માત્ર તે પછીનાં રમખાણો જેમાં હિન્દુઓ પણ મર્યા જ હતા, તેનું એકપક્ષીય ચિત્રણ (જે આ સેક્યુલર પક્ષો અને આજતક-એનડીટીવી જેવી ચેનલોને આભારી હતું) કરવાના કારણે વિદેશોમાં તેની બહુ ટીકા થઈ. નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન પદેથી દૂર કરવાની ભાજપમાં અટલજી વિચારણા કરવા લાગ્યા. થયા નહીં તે આ દેશનું સદ્નસીબ. હાથરસમાં દલિત પીડિતાની હત્યા બાબતે પણ સંયુક્ત રાષ્ટ્રોના ભારતના પ્રતિનિધિએ ભારતને ટપાર્યું પણ રાજસ્થાનના બારાં સહિતના બળાત્કારો બાબતે ન બોલ્યા.

આ બધાના કારણે હિન્દુ ભડકેલો છે. પરંતુ હજુ તે ઉગ્ર હિંસક નથી બન્યો તેટલું સારું છે. તે હજુ ટોળામાં આવીને તોડફોડ નથી કરતો, પેરિસમાં ‘શાર્લી હૅબ્દો’ કે બેંગલુરુની જેમ હત્યાઓ કે આગચંપી નથી કરતો, તે હજુ ગાંધીચિંધ્યા બહિષ્કારના માર્ગે જ છે. જેની કોઈ ના ન પાડી શકે. અને જો હિન્દુઓને વધુ ઉગ્ર અને કટ્ટર બનાવતા અટકાવવા હોય તો આ દેશની બહુમતી એવા હિન્દુઓને થર્ડ ક્લાસ નાગરિક ગણવાનું ઉપરનાં તમામ પરિબળોએ બંધ કરવું જ પડશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Jayesh dave 18/10/2020 - 8:41 AM

વાહ, સરસ કરતા પણ સટિક વાત વાત કરી, કથિત બૃધ્ધિજીવીઓ હિન્દુઓ કંઈ પણ વિરોધ કરે એટલે ભારત બીજા પાકિસ્તાન બનવાના રસ્તે…. એમ કહીને હિન્દુઓની માથે માછલા ધોવા લાગે, પરંતુ ભાગલા સમયથી આજ સુધી મોટો મુસ્લિમ વર્ગ ભારતને ઈસ્લામિક દેશ બનાવવા ખુલ્લેઆમ કહે છે, છાતીએ બેસીને કાળા કામો કરે છે તે દેખાતું નથી. હિન્દુઓની પીડા એ છે કે અમને અમારા હિન્દુત્વના મુલ્યો અને ગૌરવ સાથે રહેવા દો અને તમારે આ બિન સાંપ્રદાયિક દેશમાં રહેવું હોય તો એ રીતે રહેતા શીખો. અમને કોઈની લાગણી દુભાવવામાં રસ નથી, પરંતુ તમે જો આ કરતા રહો, સતત દુભવતા રહો, ડરાવતા રહો, પીડતા રહો તો એ મંજૂર નથી. કયાંય કયારે ગંગા જમુના તહેજીબ હતી નહી, કારણ કે એમણે કયારેય એ સ્વીકાર્યું જ નથી. કારણ કે, તેમના માટે હિન્દુ કાફિરથી વિશેષ કશું નથી. આ સમજાવા લાગ્યુ ફરક એટલો જ છે.

Reply
Hiren Jariwala 18/10/2020 - 6:35 PM

સુંદર સત્યનો પરિચય કરાવતો લેખ.

Reply

Leave a Comment