Home » યુનાની, મંગળ અને એન્કાઉન્ટર: ત્રણ હટકે ફિલ્મની વાત

યુનાની, મંગળ અને એન્કાઉન્ટર: ત્રણ હટકે ફિલ્મની વાત

by Jaywant Pandya

સબ હેડિંગ: આયુર્વેદ-યુનાની દવા, વિજ્ઞાન અને પોલીસની મુસ્લિમ ત્રાસવાદીઓ સામેની હિંમતભેર કામગીરી…આ બધું ભારતના સેક્યુલર લોકોની દૃષ્ટિએ ઉપેક્ષાપાત્ર બને છે. પરંતુ આ ઉપેક્ષાપાત્ર વિષયો પર બનેલી ત્રણ ફિલ્મો ‘ખાનદાની શફાખાના’, ‘મિશન મંગલ’ અને ‘બાટલા હાઉસ’ પોતાના વિષયને કેટલો ન્યાય આપી શકી છે?

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૧/૦૯/૧૯)

મારા પિતાજી એસબીઆઈમાં હૅડ કેશિયર હતા. પોતે પૂરું ભણી શક્યા નહીં એટલે સંતાનોને સારું ભણતર મળે તે માટે પ્રમૉશનો જતાં કરેલાં. પરંતુ અનેક સબ ઑર્ડિનેટ જે પછી તેમનાથી આગળ નીકળી ગયા તે તેમની સાથે ચર્ચા કરવા આવતા. અંગ્રેજી એટલું સારું કે પહેલાં ભાવનગર બંદરમાં નોકરી કરતા તો કોઈ પણ ડ્રાફ્ટિંગ કરવાનું હોય તો સલાહ લેવા તેમની પાસે આવે. મારું અંગ્રેજી સારું હોય તો તેનો શ્રેય તેમને જ જાય. પાઠમાળાથી લઈને મૉડર્ન ઇંગ્લિશ ટીચર, રેપિડેક્સ જે કંઈ જોઈએ તે તેઓ લાવી આપે. પરંતુ સાથે જ ગુજરાતીમાં જો ભૂલે ચૂકે હિન્દી શબ્દ આવી જાય તો તરત જ ટપારે.

આવા મારા પિતાજી જેને અમે ભાઈ-બહેનો ભાઈ કહેતા તે તેમની ૧૯૭૦ના દાયકામાં તબિયત બગડી ત્યારે આયુર્વેદનું જ્ઞાન મેળવવા લાગ્યા. આ વિષયમાં એટલા ઊંડા ઉતરી ગયા કે મને સાવ નાનો હતો અને પૉલિયો થયો ત્યારે તેમણે આયુર્વેદનાં પુસ્તકો ‘આર્યાભિષેક’ વગેરે વાંચી તેમાંથી દવા શોધી. અમે રાણાવાવમાં રહેતા એટલે દવા મેળવવી પણ સહેલી હતી. એ દવાથી આજે હું સંપૂર્ણ તંદુરસ્ત છું. એ જીવ્યા ત્યાં સુધી તાવ, પેટનો દુઃખાવો, ઝાડા, ઉલટી, આવી બધી નાનીમોટી બીમારીમાં અમારે ક્યારેય ડૉક્ટરના દવાખાનાનાં પગથિયાં ચડવાં નહોતાં પડ્યાં.

તેમની પાસે દવા લેવા અનેક સગાસંબંધીઓ આવતા. બૅન્કના ઉચ્ચ અધિકારીઓ પણ આવે. સવાર પડે અને ખાંડણી-દસ્તો લઈ ઔષધ ખાંડવા બેસી જાય. દવાની ગોળીઓ દીવાસળીના બાકસમાં મૂકીને લોકોને આપે. પરંતુ આજની પરિસ્થિતિમાં કહીએ તો આ રીતે દવા ન આપી શકાય. કેમ? બીએએમએસની ડિગ્રી તેમની પાસે નહોતી.  

શું ડિગ્રી વગરના જ્ઞાનની કોઈ કિંમત નથી? આ પ્રશ્ન મારા મનમાં ફરી તાજો થયો

સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘ખાનદાની શફાખાના’થી. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી આયુર્વેદ, યુનાની કે હૉમિયોપેથી ડૉક્ટરને કેન્દ્રમાં રાખીને બહુ ઓછી અથવા નહીંવત્ ફિલ્મ બની છે. અમરેલી પાસેના ખીજડિયાના નલિનકુમાર પંડ્યા જે હવે પાન નલિનના નામે ઓળખાય છે (તેમનો ઇન્ટરવ્યૂ મેં ‘અભિયાન’ સામયિક માટે કરેલો) તેમણે ‘સંસાર’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’ જેવી ફિલ્મો બનાવીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પાન નલિને આયુર્વેદ પર ‘આયુર્વેદ: આર્ટ ઑફ બીઇંગ’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ વિશે ભારતમાં કદાચ જ કોઈ જાણતું હશે કારણકે ભારતમાં તો ફિલ્મ પત્રકારત્વના નામે તૈમુરે આજે ગલોટિયું ખાધું, પ્રિયંકા ચોપરાએ ગુલાબી ડ્રેસ પહેર્યો, ફલાણુ કલાકાર યુગલ જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરતા દેખાયું, ફલાણી ગર્ભવતી કલાકારે પોતાનું પેટ દેખાય તેવો ડ્રેસ પહેર્યો, જેવી વાહિયાત ગૉસિપો જ ચાલે છે.

આ આયુર્વેદ, યુનાની, હૉમિયોપેથી સહિતની અનેક ચિકિત્સાપદ્ધતિઓ છે, પરંતુ સ્વતંત્રતા પછી પણ આપણે અંગ્રેજો અને મોગલ શાસનની માનસિક ગુલામીમાંથી મુક્ત ન થઈ શક્યા તેના કારણે આપણી દોટ મોંઘીદાટ અને આડઅસરવાળી એલોપેથિક સારવાર તરફ જ રહી. માથું દુઃખે છે તો ક્રૉસિન લઈ લો. તાવ આવે છે તો પેરાસિટામોલ લઈ લો. આનું બીજું કારણ એ પણ રહ્યું કે આયુર્વેદ વગેરેમાં પરેજી પાળવાનું કહેવામાં આવે. હવે તો એલોપેથિક દવાઓમાં પણ બી.પી.માં મીઠું, તળેલું વગેરે ઓછું ખાવાનું કહેવામાં આવે છે પરંતુ તેના પર જનરલી ભાર મૂકતા નથી હોતા.

કેટલીક દવાઓની જાહેરાતો પણ એવી જ બનાવાય છે કે તમારે જેટલું જમવું હોય તેટલું દાબો. પણ આ દવા લઈ લેશો એટલે પેટમાં દુઃખાવો મટી જશે. ગળામાં અવાજ બેસી ગયો હશે તો ખુલી જશે. પરંતુ રોગ થાય તે પહેલાંની કાળજી અંગે વાત નહીં કરાય.

‘ખાનદાની શફાખાના’ પણ આવી જ ઉપેક્ષિત ચિકિત્સા પદ્ધતિ યુનાનીની વાત કરે છે. સોનાક્ષી સિંહા જેના પાત્રનું નામ બોબી બેદી છે, તેને તેની માતા (નાદિરા બબ્બર), ભાઈ વરુણ શર્મા અને નાની પણ પરિણિત બહેન એટલું કુટુંબ છે. મોટી દીકરી હોઈ અને ભાઈ કામધંધો નહીં કરતો હોવાથી ઘરની કમાવવાની જવાબદારી એમ. આર. બોબી બેદી ઉપાડે છે. બોબી બોલવામાં જબરી છે. કરતારસિંહની ઉપજાવી કાઢેલી વાર્તાઓ દ્વારા લોકોને પોતાની વાત ગળે ઉતારી દે છે. તેના સગા કાકાનું દેવું છે અને તેમની નજર બોબીના પિતાના ઘર પર છે. એવામાં બોબી પાસે તેના મામાના યુનાની દવાખાનાનો વારસો તકરૂપે આવે છે. મામા (કુલભૂષણ ખરબંદા) મરતી વખતે શરત મૂકીને ગયા હોય છે કે અમુક દિવસ તેની ભાણેજે આ દવાખાનું ચલાવી તેમના દર્દીઓને દવા આપવાની. પછી જ તે વેચી શકશે.

આ મિલકતની કિંમત સારી એવી થતી હોવાથી બોબી તે કરવા લલચાય છે. જોકે મામા સેક્સના રોગોની દવા કરતા હોવાથી તેની માતાને તે પસંદ પડતું નથી. સમાજનો પણ વિરોધ થાય છે. બોબી ધીરેધીરે મામાએ લખેલા- ઑલમોસ્ટ એન્સાઇક્લૉપિડિયા જેવી મામાની ડાયરી વાંચીને યુનાની દવામાં નિષ્ણાત થઈ જાય છે પરંતુ સમાજ અને ખાસ કરીને યુનાની દવાની સંસ્થા તેના વિરુદ્ધ કૉર્ટમાં જાય છે…આમાં મસાલો ઉમેરવા માટે થઈને સેક્સના રોગોનું દવાખાનું બતાવ્યું. તે ન બતાવ્યું હોત તો પણ ફિલ્મ સારી જ બની હોત. સોનાક્ષી, વરુણ, નાદિરા બબ્બર અને અનુ કપૂર ચારેયનો અભિનય સારો છે. પરંતુ ફિલ્મ કોઈ કારણસર ચાલી નહીં. આવા પ્રકારની ફિલ્મોમાં એક જ સ્ટૉરી હોય છે, ચાહે તે ‘ચક દે ઇન્ડિયા’ હોય કે ‘લગે રહો મુન્નાભાઈ’, પહેલાં વ્યક્તિ અનિચ્છાએ મિશનમાં જોડાય. તેનો વિરોધ થાય અને પછી વિજય થાય. લોકો તેની સાથે ભાવનાથી જોડાય.

‘મિશન મંગલ’ અને ‘બાટલા હાઉસ’ પણ આવી જ ફિલ્મો છે. આ બંને ફિલ્મોમાં ‘મિશન મંગલ’ વધુ કમાણી કરી રહી છે. કદાચ એટલે કે તેમાં સ્ત્રીઓની વ્યથા કથારૂપે દર્શાવી છે. એક ટોચની વૈજ્ઞાનિક સ્ત્રીને ઘરમાં સવારમાં કેટલું કામ કરવું પડે છે, એક વૈજ્ઞાનિક સ્ત્રીને બાળક ન થતું હોવાથી સાસુ ટોણો મારે છે, એક વૈજ્ઞાનિક સ્ત્રી કાર ચલાવતા શીખે છે, એક વૈજ્ઞાનિક સ્ત્રીને નાસા જતા રહેવું છે. રાકેશ ધવન (અક્ષયકુમાર)ને શરૂઆતમાં શાંત મગજના દર્શાવવામાં આવે છે. તારા શિંદે (વિદ્યા બાલન)ની ભૂલના કારણે જીએસએલવી-એફ૦૬નું પ્રક્ષેપણ નિષ્ફળ જાય છે તો રાકેશ એ નિષ્ફળતા પોતાના માથે લઈ લે છે અને ગીત ગાતો ગાતો ચાલ્યો જાય છે. એ જ રાકેશ ધવન પછી ગુસ્સાવાળા બની જાય છે અને તેમની તો કોઈ ખાસ ભૂમિકા રહેતી જ નથી. તારા શિંદે જ પ્રેરણા જગાડનારાં બને છે.

હિન્દુવાદીઓનો વિરોધ તો વાજબી છે જ. શરૂઆતમાં પૂજા કરનારા પંડિતને બતાવે છે કે ૧૦૧ સે શુરૂ કરના ચાહિએ થા. પછી તારા શિંદેના ઘરમાં દિલીપ નામનો છોકરો એ. આર. રહેમાન દિલીપમાંથી રહેમાન બની ગયો એટલે તેને પણ મુસલમાન બનવું છે. સંતાનોની ચિંતા કરનારા પતિ સુનીલ શિંદે (સંજય કપૂર)ને ‘ઑન ધ રૉંગ સાઇડ’ બતાવાયા છે. છોકરો પહેલાં કુર્આન વાંચે છે, પછી મુસલમાન પ્રકારની દાઢી વધારે છે અને પછી નમાઝ પઢવા લાગે છે. આ બધી બાબતો સામે તારાને કોઈ વાંધો નથી. કુર્આન વાંચવા સામે વાંધો ન હોવો જોઈએ પરંતુ હિન્દુ ધર્મગ્રંથોનું જ્ઞાન આપવું જોઈએ. પરંતુ ફિલ્મમાં જે રીતે તે દર્શાવાયું છે તે ચોખ્ખો ઇસ્લામનો પ્રચાર અને હિન્દુ ધર્મનો વિરોધ લાગે છે. છેલ્લે આ બધાનું સાટું વાળવા પ્રયાસ કરાયો છે. મંગળયાનના પ્રક્ષેપણ પહેલાં તારા પોતે પૂજા કરે છે અને દીકરાને કહે છે કે ગમે તેની પૂજા કર, સુપ્રીમ પાવર એક જ છે. પરંતુ આ વાત કેટલા લોકો સમજે, ખાસ કરીને કુમળા માનસવાળી યુવા પેઢી?

દીકરી મોડી આવે, બારમાં જાય એટલે તેની પાછળ બારમાં જવું યોગ્ય છે કે તેને બારમાં જતા રોકવા સમજાવવી? તારા શિંદે હોય કે અન્ય વૈજ્ઞાનિકોની વાત, તેની રજૂઆત જ એવી રીતે કરાઈ છે કે લોકો ઊંધું જ સમજે. ડ્રાઇવિંગ શીખતી વખતે હાથ ગિયરના બદલે બાજુમાં બેઠેલા ડ્રાઇવિંગ શિક્ષકના પગના બદલે છેક શિશ્ન પર પડી જાય તે તો વધુ પડતું જ છે. શું કોઈ ફિલ્મ પરિવાર સાથે- બાળકો સાથે બેસીને જોઈ શકાય તેવી બનાવી જ ન શકાય?

‘લગે રહો મુન્નાભાઈ’, ‘પીકે’, ‘ઓહ માય ગૉડ’, ‘થ્રી ઇડિયટ્સ’ કે ‘મિશન મંગલ’ હિન્દુ રીતરિવાજોને-જ્યોતિષને જૂના, જડ અને અંધશ્રદ્ધાસભર બતાવવાની ફૅશન છે. હકીકતે તો આ ફિલ્મમાં એવું દર્શાવાઈ શક્યું હોત કે સંપૂર્ણપણે ગણિત અને વિજ્ઞાન પર આધારિત જ્યોતિષીઓ જે એક રીતે ખગોળશાસ્ત્રી હતા, તેમણે શોધી કાઢ્યું હતું કે મંગળ પર લાલ માટી છે અને તેથી તેને પ્રસન્ન (એટલે કે તેનાં કિરણોની આડઅસરમાંથી બચવા) કરવા લાલ ચીજો જરૂરી છે. ચંદ્રની સમગ્ર ચેતનવંતી સૃષ્ટિના મન પર અસર થાય છે- ભરતી ઓટ આવે છે. પરંતુ તેના બદલે શર્મન જોશીને મંગળની પૂજા કરતો બતાવી તેની મજાક ઉડાવાઈ છે. કીર્તિ કુલ્હારી મુસ્લિમ હોવાથી તેને ભાડે ઘર નથી મળતું, શું આ બેચાર કિસ્સાઓના આધારે ઊભો કરાયેલો નેરેટિવ નથી? આ રીતે સમગ્ર ફિલ્મમાં હિન્દુ વિરોધી અને ઇસ્લામ તરફી નેરેટિવ ચાલતો દેખાય છે. અક્ષયકુમાર પોતે સિગરેટ વિરોધી જાહેરખબરમાં આવે છે ત્યારે સોનાક્ષી સિંહાને સિગરેટ પીતી બતાવવાનું દૃશ્ય કેટલું યોગ્ય? વળી સોનાક્ષી સિંહા લગ્ન વગર જ શારીરિક સંબંધો રાખે છે. બીજા પ્રકારની ફિલ્મ હોય તો ચાલે, પરંતુ આ ફિલ્મ જેમાંથી અનેક લોકો પ્રેરણા લેવાના હોય તેમાં આ ટાળી શકાયું હોત. આનાથી શું સંદેશ જાય છે કે મહિલા વૈજ્ઞાનિક લફરાબાજ હોય છે?

 ’મૉમ’ સાથે જોડાયેલી સાચી મહિલા વૈજ્ઞાનિકોના ઇન્ટરવ્યૂ વાંચો તો તેમાં લગભગ બધાએ કહ્યું કે તેમના પતિ સહિત બધાએ તેમને સહકાર આપ્યો છે, તેમનો ઉત્સાહ વધાર્યો છે. તો પછી આ પ્રકારની મહિલા વૈજ્ઞાનિકોની કથા શા માટે? અને સિસ્ટમ ખોરવાઈ જાય એટલે કમ્પ્યૂટરની જેમ બંધ કરીને ચાલુ કરવાના ‘દેશી ઉપાય’ની વાત મંગળયાન બાબતે કોઈ વૈજ્ઞાનિક કરે તે કેટલું હાસ્યાસ્પદ! આ ખૂબ જ શક્તિશાળી વિષયને વેડફી નખાયો તે દુઃખદ છે.

આની સામે ‘બાટલા હાઉસ’ ખૂબ જ મુદ્દાસર વાત કરતી ફિલ્મ છે. સામાન્ય રીતે મુસ્લિમ વિરોધી લાગતી આ ફિલ્મ મુસ્લિમ વિરોધી નથી. તેમાં વિરોધ કટ્ટરતાનો છે. એટલે જ છેલ્લા સંવાદમાં જૉન કહે છે, ‘ઇન કે સિર્ફ દો દુશ્મન હૈ. હર બાત પે ઇસ કોમ કી હિમાયત કરનેવાલે ઔર હર બાત પે ઇસ કોમ કી મુખાલ્ફત કરનેવાલે.’ પરંતુ આ સંવાદ આવતા સુધીમાં આખી ફિલ્મમાં કટ્ટર મુસ્લિમો-બેલેન્સ કરવા માટે મુસ્લિમ સાથે હિન્દુને પકડવા કહેતા (સ્વાભાવિક જ કૉંગ્રેસ-સપા સહિતન) રાજકારણીઓ- સેક્યુલર મિડિયા-એનજીઓના કર્મશીલો-મસ્જિદોના લાઉડસ્પીકર પરથી પોલીસનો વિરોધ કરવા છૂટતા આદેશ-આ બધું વાસ્તવિક છે અને તેના માટે નિર્માતા-નિર્દેશક-કથા લેખકની હિંમત દાદને પાત્ર છે. ફિલ્મના નબળા સંવાદો, કથાના પ્રવાહમાં એકધારાપણાનો અભાવ છે પણ તે ચાલે તેવું છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

महेन्द्रभाइ रावल 01/09/2019 - 5:22 PM

ત્રણે ફિલ્મો ને સાચી રીતે ન્યાય આપ્યો છે. અવલોકન અને ટિકા બન્ને સંયમિત છે.
ધન્યવાદ

Reply

Leave a Comment