Home » ટી-૨૦ વિશ્વ કપ: ફરીથી ‘મૌકા મૌકા’

ટી-૨૦ વિશ્વ કપ: ફરીથી ‘મૌકા મૌકા’

by Jaywant Pandya

સબ હેડિંગ : ભારત-પાકિસ્તાનની મેચોનો રસપ્રદ ઇતિહાસ રહેલો છે. ‘શારજાહ’ એટલે ભારત માટે અંચઈથી હાર જા એવું કહેવાતું. ૧૯૮૯માં કરાચીમાં પાકિસ્તાનની ત્રણ વિકેટ પડી ગયેલી એમાં તો પાકિસ્તાનના દર્શકોએ મેચ ખોરવી નાખી હતી. પાકિસ્તાનની જીતથી ભારતમાં ઘણા લોકો ખુશ થતા અને હાર પચાવી શકતા નહીં. આ રીતે મેચોથી રમખાણો પણ થતાં.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૧૦/૨૦૨૧)

એક વર્ષની પ્રતીક્ષા પછી આજથી ટી-૨૦નો વિશ્વ કપ ચાલુ થવા જઈ રહ્યો છે. આઈપીએલમાં પણ વચ્ચે વિરામ કૉરોનાના કારણે આવી ગયો હતો. ટી-૨૦ વિશ્વ કપનું આયોજન પણ બે વાર બદલવું પડ્યું. પહેલાં ઑસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો, તે પછી ભારતનું નક્કી થયું. હવે યુએઇ અને ઓમાનમાં યોજાશે.

આ વખતે બધાની નજર ભારત અને પાકિસ્તાન પર મંડાયેલી રહેશે. એક દિવસીય મેચના વિશ્વ કપમાં ભારતની પાકિસ્તાન સામે સાત વાર જીત થયેલી છે. અત્યારના પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન અને ઉપ કપ્તાન જાવેદ મિંયાદાદની ટીમ વખતે પાકિસ્તાનનો જુસ્સો પ્રબળ હતો. ભારત-પાકિસ્તાનની મેચો યુદ્ધની જેમ લડાતી. તે વખતે મુસ્લિમ કટ્ટરતા શિરમોર હતી. તેથી મેદાનમાં પણ તેમ જોવા મળતું. જાવેદ મિંયાદાદનો શારજાહમાં ચેતન શર્માના છેલ્લા દડે છગ્ગો જેમ ભારતના દર્શકો ભૂલી નથી શકતા તેમ પાકિસ્તાન પણ ભારતીય ટીમ દ્વારા વિશ્વ કપમાં એક પછી એક મેચમાં તેની સામેની જીત ભૂલી શકતું નથી.

૨૦૧૯માં વિશ્વ કપમાં ભારતના હાથે પરાજય ખમ્યા પછી પાકિસ્તાનના તે વખતના કપ્તાન સરફરાઝ અહમદ પર દર્શકો અને પૂર્વ ક્રિકેટરો ટીકાના મારા વડે તૂટી પડ્યા હતા. બિચારો સરફરાઝ અહમદ સ્ટમ્પ પાછળ વિકેટકીપિંગ કરતી વખતે બગાસું ખાતા કેમેરામાં ઝડપાઈ ગયો તેમાં તો તેનું આવી બન્યું હતું. ટ્વિટર પર મીમ પર મીમ બનવા લાગ્યા હતા. તે મેચમાં વાદળછાયું વાતાવરણ હતું અને ૪૬.૪ ઑવર પછી વરસાદ પડતાં મેચ અટકાવવી પડી હતી. આથી એક આર્યન ત્યાગી નામના ટ્વિટર વપરાશકારે લખેલું, “આવા સુંદર વાતાવરણમાં જ્યારે તમારે ચા અને ભજિયાંની જરૂર હોય પણ ઇનિંગ્સ પૂરી ન થાય ત્યારે…” (આવું બગાસું આવે.)

એક જણાએ સરફરાઝની બગાસું ખાતાની તસવીર મૂકવાની સાથે રાજુ શ્રીવાસ્તવની માથા પાછળ આળસની મુદ્દરામાં હાથ મૂકવાની તસવીર મૂકી હતી અને લખ્યું હતું: પહેલી તસવીર સરફરાઝ બગાસું ખાય તેની છે અને બીજી પાકિસ્તાનના લોકોની પ્રતિક્રિયા છે. રાજુની તસવીર પર લખ્યું હતું: હાં, યે કર લો પહેલે!

બગાસું ખાવાને અંગ્રેજીમાં યૉન કહે છે. હિન્દીમાં યૌન એટલે જાતીય થાય છે. આની શબ્દરમત કરતાં શિવાની ધાર સેન નામની ટ્વિટર વપરાશકારે લખ્યું હતું: સરફરાઝ આટલા બધા બગાસાં ખાય છે. કારણકે તે ગત રાત્રે ઊંઘી શક્યો નહોતો. તેણે ઝાઝું ખાઈ લીધું હતું, તેથી ઊંઘ આવતી હતી. તેને કંટાળો આવતો હતો. આમ લખી તેણે નીચે લખ્યું, “સરફરાઝ અહમદ અને તેના Yawn સંબંધ.”

ભારત આ મેચ ૮૯ રનથી જીતી ગયું હતું. એ મેચમાં બૅટિંગથી લઈને બૉલિંગ બધામાં ભારતનું પ્રભુત્વ રહ્યું હતું. પાકિસ્તાનના ખેલાડીઓએ જાણે ભારતની શરણાગતિ સ્વીકારી લીધી હતી. જીતવાની ઝંખના જ દેખાઈ નહોતી. એક ખૂબ જ રમૂજી વિડિયો વાઇરલ થયો હતો. મેચ પૂરી થયા પછી પાકિસ્તાનનો એક દર્શક સ્ટેડિયમની બહાર આવીને રોવા લાગ્યો હતો. તેણે કહ્યું, “મને ખબર પડી છે કે ગઈ કાલે રાત્રે તેઓ બર્ગર ખાતા હતા. ગઈ રાત્રે તેઓ પિઝા ખાતા હતા. તેમને ક્રિકેટ રમવાનું બંધ કરાવો અને દંગલ (કુશ્તી) રમાડો. તેમને કહો, કુશ્તી લડે. કહેવાનો અર્થ કે કોઈ ફિટનેસ નથી. આપણે લોકો આટલી બધી આશા રાખીને બેઠા હતા, અને એ લોકો બર્ગર ખાતા હતા, પિઝા ખાધે રાખતા હતા.” આટલું કહ્યા પછી તે પાકિસ્તાની ફેન રોતા આજુબાજુ ઊભેલા લોકોને કહે છે, “ઓ ભાઈ, મને મારો. આપણે અહીં શું કરવા આવ્યા છીએ. આપણે આ લોકોનું સમર્થન કરવા આવ્યા છીએ. આપણે સમર્થન કરીશું. પણ પ્રેમ બંને તરફથી થાય છે. આ રીતે પ્રેમ ન થાય.”

આ વિડિયોનો તો પછી મીમ તરીકે ઉપયોગ થવા લાગ્યો. કોઈ ફિલ્મનું ખરાબ દૃશ્ય હોય કે કોઈની એવી ટીપ્પણી હોય તો તેની પાછળ વિડિયોમાં ‘ઓ ભાઈ, મારો મુઝે મારો.” વાળું દૃશ્ય ઉમેરી દેવામાં આવે છે.

મેચ પછી સૉશિયલ મિડિયા પર એક પાકિસ્તાની પ્રશંસક દ્વારા એક વિડિયો પૉસ્ટ કરાયો હતો જે ઑલ્ડ ટ્રેફર્ડ મેદાનનો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે મેચ હાર્યા પછી બહાર જતી વખતે પાકિસ્તાનના પ્રશંસકો તેમના ખેલાડીઓનો હુરિયો બોલાવે છે, અપશબ્દો કહે છે. એક પ્રશંસકે કહ્યું હતું, “ફિટે મુંહ. કોઈ શરમ હોય છે, લજ્જા હોય છે. તમારામાં ન શરમ છે, ન લજ્જા છે.”

૨૦૨૧ના ટી-૨૦ વિશ્વ કપની ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં ‘મૌકા મૌકા’ વાળી જાહેરખબરનું પણ પુનરાગમન થયું છે. ૨૦૧૫માં એક દિવસીય મેચના વિશ્વ કપ પહેલાં ‘મૌકા મૌકા’ જાહેરખબર ઘણી પ્રસિદ્ધ થઈ હતી. સ્ટાર સ્પૉર્ટ્સ ચેનલે આ જાહેરખબર તરતી મૂકી હતી. આ જાહેરખબરમાં માર્ચ ૧૯૯૨થી શરૂઆત થાય છે. એક નાનકડો પાકિસ્તાની દર્શક વિશ્વ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તે માટે ફટાકડા ફોડવાની રાહ જોતો હોય છે પરંતુ પાકિસ્તાન મેચ હારી જાય છે. વિડિયોમાં બતાવાય છે કે તે દિવસે ને દિવસે મોટો થતો જાય છે પણ ફટાકડા ફોડી શકતો નથી. છેવટે ૨૦૧૧નો વિશ્વ કપ આવે છે. હવે દર્શક મોટો થઈ ગયો છે. પરણી ગયો છે અને તેને એક બાળક પણ છે. તે ગુસ્સામાં તેના દીકરાને પૂછે છે, “કબ ફોડેંગે યાર?”

૨૦૧૬માં ટી-૨૦ વિશ્વ કપ પહેલાં પણ આવી જ એક જાહેરખબર રિલીઝ કરાઈ હતી. તેમાં એક પાકિસ્તાની દર્શક શાહિદ અફ્રીદી માટે એક વિડિયો સંદેશ રેકૉર્ડ કરતો દેખાડાય છે અને કહે છે કે ટી-૨૦ વિશ્વ કપમાં સઘળી ચાર મેચોમાં પાકિસ્તાનની ભારતના હાથે હારથી તે ખૂબ જ નિરાશ છે.

૮૦ અને ૯૦ના દાયકામાં પાકિસ્તાનને અમેરિકાની ભરપૂર મદદ મળતી. ભારતમાં પણ નિરાશાજનક નેતૃત્વ હતું. આ બધાની મનોવૈજ્ઞાનિક અસર રમત પર પણ પડતી હતી. ભારતની અંદર પણ પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડનારા તત્ત્વો હતા. તેમાંય જ્યારે શારજાહમાં મેચ થવાની હોય ત્યારે તો પાકિસ્તાનના ખેલાડીઓનો જુસ્સો બુલંદ રહેતો કારણકે ત્યાંના ઘરેલુ દર્શકો પણ પાકિસ્તાન તરફી હોય. દાઉદ ઇબ્રાહિમ બિન્દાસ્ત રીતે મેચ જોતો હોય તેમ ટીવીમાં દેખાતો. તેની પડખે અનિલ કપૂર, ફિરોઝ ખાન, સંજય ખાન, સીમી ગરેવાલ, અંજુ મહેન્દ્રુ, ભારતનો રાષ્ટ્ર તરીકે જન્મ બ્રિટિશરો આવ્યા પછી થયો તેમ કહેનાર સૈફ અલી ખાનની અભિનેત્રી માતા શર્મિલા ટાગોર અને મંદાકિની જેવાં ભારતીય કલાકારો કોઈ ખચકાટ વગર બેસેલા દેખાતા. તે વખતે દાઉદ સાથે સારા સંબંધો હોય તે ભારતીય ફિલ્મ કલાકારોમાં ગર્વની વાત ગણાતી. ત્યારે આજના જેવું સૉશિયલ મિડિયા નહોતું કે જે વિરોધ કરે તો દબાણની અસર કલાકારો પર થાય. દાઉદ અને તેની ગેંગ સાથે સારા સંબંધોનો ગર્વ તથાકથિત ઑડિયો ટેપમાં સલમાન ખાન ઐશ્વર્યા રાય સાથે ફૉન પર વાત કરતી વખતે લેતો હતો. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની મુંબઈ એડિશન ૧૪ જુલાઈ ૨૦૦૫ના રોજ શરૂ થઈ ત્યારે આ ટેપની ટ્રાન્સ્ક્રિપ્ટ (લખાણ) છપાઈ હતી. તેમાં સલમાન ખાન કથિત રીતે ઐશ્વર્યા રાય પર અબુ સલેમનો શૉ કરવા દબાણ કરે છે અને પોતે કહે છે કે તેણે છોટા શકીલના કહેવાથી ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ કરી હતી. છોટા શકીલે કહ્યું હતું, “યે મુસલમાન હમારા હિન્દુસ્તાન કો આગે લેકર જાયેગા.” અર્થાત્ સલમાન ખાનની પસંદગી એક ઉમદા (!) અભિનેતા તરીકે નહીં, એક મુસલમાન હોવાથી થઈ હતી. (અને તો પછી કોઈ ખોટાં કામ માટે પકડાય તો મુસલમાન હોવાથી પકડાયા તેવું રોદણું ન રોવું જોઈએ.)

ટૂંકમાં, આ સ્થિતિમાં શારજાહમાં મેચ રમાતી. તે વખતે દેખીતી રીતે જ મેચ ફિક્સિંગ થતું જેના કારણે બાદમાં ભારતે શારજાહમાં રમવાનું બંધ કર્યું હતું. મોટા ભાગે ભારતની હાર નિશ્ચિત હતી. ભારતીય ઑલ રાઉન્ડર મનોજ પ્રભાકરે ૧૯૯૭માં પોતાની જ ટીમના એક ખેલાડી પર મેચ ફિક્સિંગનો આક્ષેપ કર્યો હતો. તેમણે જે મેચોની વાત કરી હતી તેમાંની કેટલીક ૧૯૯૧માં શારજાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચો હતી. એક મેચનું ઉદાહરણ લો. અંધારું થઈ ગયું હતું. અમ્પાયરોએ ભારતીય બૅટ્સમેનોને બેડ લાઇટમાં ન રમવું હોય તો તેમ કરવાની છૂટ આપી હતી, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્રભાકર અને સંજય માંજરેકરને ઓછા પ્રકાશમાં રમવાનું ચાલુ રાખવા કહ્યું હતું. કહેવાની જરૂર નથી કે છેલ્લી ઑવરમાં પાકિસ્તાન જીતી ગયું હતું અને સ્પર્ધાની ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયું હતું. પ્રભાકરે જે બીજી મેચની વાત કરી હતી તે શ્રીલંકાના કોલંબોમાં ૧૯૯૪માં રમાઈ હતી. તેમાં ભારતને હરાવવા માટે પ્રભાકરે રૂ. ૨૫ લાખની દરખાસ્ત કરી હતી.

૧૯૮૬ કે ૮૭માં શારજાહમાં રમાયેલી એક સ્પર્ધામાં દાઉદ ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં આવી ગયો હતો. જોકે કપિલ દેવે તેને તગેડી મૂક્યો હતો. અભિનેતા મહેમૂદ તેને ડ્રેસિંગ રૂમમાં લાવ્યો હતો! આ વાત પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કરી હતી. મહેમૂદે દાઉદની ઓળખ છુપાવી હતી અને તેનો પરિચય વેપારી તરીકે કરાવ્યો હતો!

આવી હાર મળે એટલે કાશ્મીરથી લઈને ભારતના અનેક વિસ્તારોમાં જબરદસ્ત ખુશીનું વાતાવરણ છવાઈ જતું. ફટાકડા ફૂટતા અને ઘણી વાર તેમાંથી હિંસક ઝઘડા પણ થતા. તો ભારત જીતે તો પણ હિંસક ઝઘડા થતા. ભારત જીતે અને ભારતીયો તેની ઉજવણીમાં ફટાકડા ફોડે તે કેટલાક કટ્ટર મુસ્લિમોથી સહન થતું નહીં. ૨૦૦૩ની જ વાત કરીએ તો, ત્યારે વિશ્વ કપમાં ભારતનો પાકિસ્તાન સામે ભવ્ય છ વિકેટે વિજય થયો તે ગુજરાતમાં કેટલાક કટ્ટર મુસ્લિમોને પચ્યું નહોતું અને હિંસક અથડામણો થઈ હતી. ભારતીયો શેરીઓમાં નાચી રહ્યા હતા ત્યારે હિંસા શરૂ થઈ હતી. દુકાનો અને વાહનોને સળગાવવામાં આવ્યાં હતાં.

૧૯૮૯માં કૃષ્ણમાચારી શ્રીકાંતની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ ત્યારે ત્રીજી એક દિવસીય મેચ પડતી મૂકવી પડી હતી. કારણ? દર્શકો પાકિસ્તાનનો રકાસ સાંખી શક્યા નહીં. માત્ર ૧૪.૩ ઑવર જ રમાઈ હતી અને પાકિસ્તાને માત્ર ૨૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આટલું પણ પાકિસ્તાનના દર્શકો જોઈ ન શક્યા અને તેઓ મેદાનમાં ધસી આવ્યા. જો ધાર્યું હોત તો પોલીસથી તેમને નિયંત્રણમાં કરી શકાયા હોત પરંતુ તેના બદલે મેચ જ રદ્દ કરી દેવાઈ.

હવે એવી ઉત્તેજના રહી નથી. હવે પાકિસ્તાનની ટીમ બોદી થઈ ગઈ છે. ભારતીય ટીમ તેનાથી ઘણી ઘણી ચડિયાતી છે પરંતુ મેચ ફિક્સિંગ થયું હોય તેવો દેખાવ ભારતીય ટીમનો પણ ઘણી વાર હોય છે. પાકિસ્તાન સામે હાર ભારતીયો સાંખી શકતા નથી. પાકિસ્તાનને તો હવે ટેવ પડી ગઈ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment