Home » સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીઃ કૉંગ્રેસના ઇતિહાસનું એક કડવું પ્રકરણ

સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીઃ કૉંગ્રેસના ઇતિહાસનું એક કડવું પ્રકરણ

by Jaywant Pandya

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૧/૧૦/૧૮)

ઇતિહાસમાં ઘણાં ‘ઇફ્સ એન્ડ બટ્સ’ હોય છે. જો આમ થયું હોત તો…પરંતુ કેટલીક વાર સમય સાથ નથી દેતો. તે સારા માટે કે ખરાબ માટે તે નક્કી કરવાનું કામ વિશ્લેષકો પર છોડી જાય છે અને જે-તે સમયે જે કંઈ થયું તે સારા માટે થયું કે ખરાબ માટે તેની ચર્ચા ચાલતી જ રહે છે. ભારતની સાથે સમયે અને ઇતિહાસે સર્જેલા વિવાદનો આવો એક મુદ્દો એટલે સુભાષચંદ્ર બોઝની સાથે ઘટેલી ઘટનાઓ…

તેમના વિશે ‘જો અને તો’ ઘણા છે. આજે સુભાષબાબુએ દેશની બહાર રચેલી આઝાદ હિન્દ સરકારને ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ભૂતકાળને ઉખેળવો જોઈએ, કારણકે આપણે ત્યાં ઘણો ઇતિહાસ મારીમચડીને રજૂ થયો છે.

સુભાષબાબુની આઝાદ હિન્દ સરકારને નવ દેશોએ માન્યતા આપી હતી. આ નાનીસૂની વાત નથી. વિકિપિડિયા ફંફોળશો તો તેમાં ‘માત્ર’ નવ દેશોની વાત આવશે અને તે નવ દેશોનાં નામ ‘નાઝી જર્મની’, ‘ઇમ્પિરિયલ જાપાન’ એ રીતે લખ્યાં છે. આમ કહીને વિકિપિડિયા કહે છે કે સુભાષબાબુની સરકારને તો માત્ર નવ દેશોની સરકારોએ જ માન્યતા આપી હતી અને તેમાંય જે હતા તે તો નાઝી જર્મની, ઇમ્પિરિયલ જાપાન અને તેના પીઠ્ઠુ દેશો હતા. ઇતિહાસ વિજેતાની દૃષ્ટિએ લખાતો હોય છે, બાકી અમેરિકા અને બ્રિટને કરેલા અત્યાચાર હિટલરના શાસનમાં જર્મનીએ કરેલા અત્યાચાર કે ઇમ્પિરિયલ જાપાન તરીકે વિકિપિડિયા જેને ઓળખાવે છે તેના અત્યાચાર કરતાં ઓછા નથી.

અને જે સમયે બ્રિટનનો સૂર્ય ક્યારેય આથમતો નથી તેમ કહેવાતું હોય તે સમયે નવ કે અગિયાર દેશોની માન્યતા મળવી તે પણ મોટી વાત છે. સુભાષચંદ્ર બોઝના અનુયાયીઓ અને સમર્થકોએ આ ૨૧ ઑક્ટોબરે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. જો તેઓ ન આવે તો પોતે પોતાની રીતે આ પ્રસંગ મનાવશે તેમ પણ કહ્યું હતું. મિશન નેતાજી સુભાષના સ્થાપક પ્રસનજીત ચક્રવર્તીએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માટે વિનંતી કરતા લખ્યું છે,

“…સ્વતંત્રતા પછી આવેલી સરકારોએ ઈરાદાપૂર્વક આઈએનએ (આઝાદ હિંદ સેના) અને નેતાજી સુભાષચંદ્ર બોઝની મહાન નાયક જેવી સેવાને સંભવિત તમામ રીતે અવગણી છે. ક્રાંતિકારી નાયકોના અગણિત પ્રદાનને ભૂંસી નાખવા અને સ્વતંત્રતાથી જેમને લાભ મળ્યો છે માત્ર તેવા સ્વતંત્રતાની ચળવળના એક ચોક્કસ વર્ગને જ મહાન ચિતરવાના તમામ પ્રયાસો થયા છે…સાહેબ, જેમના ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતા મળી છે તેવા સાચા નાયકો પ્રત્યે જે અમાનવીય બેદરકારી બતાવાઈ તેનાથી ભારતની જનતા ભારે દુઃખી છે.”

તો, નેતાજીના પ્ર-ભત્રીજા (ગ્રાન્ડ નૅફ્યૂ) ચંદ્રકુમાર બોઝ જે ભાજપના પશ્ચિમ બંગાળના ઉપપ્રમુખ છે, તેમણે વડા પ્રધાન મોદી અને મમતા બેનર્જી સહિત તમામ મુખ્યપ્રધાનોને ૨૧મીના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ કહે છે, “૨૧ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ આઝાદ હિન્દ સરકારની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂરાં થયા તે નિમિત્તે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા આપણે કોઈની અનુમતિની જરૂર નથી…મહાત્મા ગાંધી અને પં. નહેરુ સહિતના કૉંગ્રેસના નેતાઓએ તે સમયે આઝાદ હિંદ સરકારનો વિરોધ કર્યો હતો. જો તેમણે આને સમર્થન આપ્યું હોત, આઝાદ હિન્દ ફૌજે દિલ્લી તરફ કૂચ કરી હોત તો આપણે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ કરતાં ઘણા વહેલાં આઝાદ થઈ ગયા હોત. નહેરુ તો વિભાજીત ભારતના વડા પ્રધાન બન્યા, પરંતુ નેતાજી (સુભાષબાબુ) અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત.”

અહીં જો અને તોની વાત આવી. અગાઉ કહ્યું તેમ સુભાષબાબુ વિશે ઘણાં જો અને તો છે. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસના સભ્ય હતા. તેમના ગુરુ ચિત્તરંજન દાસ હતા. ગરમ લોહી અને તેવો જ મિજાજ સુભાષબાબુને યુવાનોમાં લોકપ્રિય ન બનાવે તો જ નવાઈ હતી! કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં ભારતની વિરુદ્ધ બોલનાર અંગ્રેજ પ્રાધ્યાપક ઇ. એફ. ઑટન પર તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આમ, સુભાષબાબુ આજના નેતાઓ જેવા નહોતા જે ઉશ્કેરીને તોફાનો-રમખાણો-હિંસા કરાવે અને કાર્યકર્તા જેલમાં જાય અને પોતે ગાદી મેળવે. સુભાષને તેની સજા મળી. તેમને કૉલેજમાંથી કાઢી મૂકાયા હતા.

કૉંગ્રેસમાં સુભાષની નહેરુ સાથે શરૂઆતમાં જોડી જામી હતી. બંને સફળ વકીલોના પુત્રો, ઇંગ્લેન્ડથી ભણીને આવેલા અને રાષ્ટ્રવાદી વિચારોના (તે સમયે રાષ્ટ્રવાદી કહેવામાં ગૌરવ અનુભવાતો, આજે જેમ કેટલાક લોકો તેને ટીકાત્મક શબ્દની જેમ લે છે તેવું નહોતું) હતા. તેથી જોડી જામવી સ્વાભાવિક હતી. કૉંગ્રેસમાં ‘ઇન્ડિપેન્ડન્સ ઑફ ઇન્ડિયા લીગ’ રચાયેલી જેના અધ્યક્ષ એસ. શ્રીનિવાસન અયંગર હતા અને મંત્રીઓ તરીકે સુભાષ અને નહેરુ હતા. ૧૯૨૮ના કોલકાતા અધિવેશનમાં ગાંધીજી અને મોતીલાલ નહેરુ ‘ડૉમિનિયન સ્ટેટસ’ની માગણી કરતો ઠરાવ લાવેલા. આનો અર્થ થાય કે મુખ્ય સત્તા બ્રિટનની જ રહે, તેના તાબા હેઠળ ખંડણિયા રાજાની જેમ આપણી સત્તા આવે. જે રીતે પાકિસ્તાનના તાબા હેઠળ કાશ્મીરનો એક ભાગ છે તેના જેવું. કહેવાતી સ્વાયત્તતા આપવાની. પરંતુ સુભાષબાબુ આના વિરોધી હતા. તેમણે આ ઠરાવમાં સુધારો સૂચવ્યો કે “જ્યાં સુધી બ્રિટનનો સંબંધ (ભારત સાથે) રહે ત્યાં સુધી સ્વતંત્રતા મળી તેમ ન કહી શકાય અને કૉંગ્રેસનો ઉદ્દેશ્ય સંપૂર્ણ સ્વતંત્રતાનો જ હોવો જોઈએ.” (નેતાજી કલેક્ટેડ વર્ક્સ, પૃષ્ઠ ૨૭૫-૨૭૮).

નહેરુએ પહેલાં તો આ સુધારાનું સમર્થન કર્યું પરંતુ પછી પિતા મોતીલાલ અને ગાંધીજીના સમર્થનમાં આવી ગયા. સુભાષબાબુનો સુધારો પસાર ન થયો. કૉંગ્રેસે એવું નક્કી કર્યું કે જો બ્રિટિશ સરકાર આપણો ઠરાવ માનીને બે વર્ષમાં ડૉમિનિયન સ્ટેટસ આપી દે તો કોઈ વાંધો નથી! પણ જો ન આપે તો (જ) સંપૂર્ણ સ્વરાજ માગવું. જોકે કૉંગ્રેસની અંદર જ પ્રચંડ વિરોધને જોઈને ગાંધીજીએ અંગ્રેજોને બે વર્ષના બદલે એક વર્ષનો સમય આપ્યો! તે પછીના વર્ષે નહેરુ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ૧૯ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. આમ, પૂર્ણ સ્વરાજનો ઠરાવ હતો સુભાષબાબુનો પણ જશ મળ્યો નહેરુને. આમાં કોણ-કોણ જવાબદાર હતા તે કહેવાની જરૂર નથી.

આ જ રીતે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષબાબુએ ૧૯૩૮માં ભારત સ્વતંત્ર થાય પછીનું વિચારીને આર્થિક યોજના માટે પ્લાનિંગ કમિટી બનાવી હતી. તેમની ઉદારતા એ હતી કે તેના અધ્યક્ષ તરીકે તેમણે નહેરુને નિમ્યા હતા! (અને તેમને ફાસિસ્ટ કહેવાય છે!) આ સિવાય તેમણે વૈજ્ઞાનિક મેઘનાદ સહા, રાહુલ ગાંધીને જે નામ બોલતા જીભના લોચા વળી જાય છે તે નામ (પરંતુ વ્યક્તિ તે નહીં, તેઓ તો એમ. વિશ્વૈશ્વરયા હતા) આર્કિટેક્ટ વિશ્વૈશ્વરયા, વાણિજ્ય અને ઉદ્યોગના કે. ટી. શાહને આ સમિતિમાં નિમ્યા હતા. પરંતુ નહેરુ વડા પ્રધાન બન્યા પછી તેમને જ પંચવર્ષીય યોજના માટે શ્રેય અપાયો અને સુભાષબાબુને વિસરાવી દેવાયા.

સુભાષબાબુ જ એક એવા વ્યક્તિ હતા જે ગાંધીજીને તાબે ન થતા. ગાંધીજી માટે માન પૂરતું હતું પરંતુ વિચારોનો વિરોધ હતો. આથી ૧૯૩૯માં કૉંગ્રેસના પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ! ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારમૈયા હારી ગયા! ગાંધીજીએ ત્રાગું કર્યું, ઇમૉશનલી બ્લેકમેઇલિંગ, કહ્યું કે પટ્ટાભીની હાર એ તેમની હાર છે. કૉંગ્રેસની કારોબારીમાં ગાંધીજી સમર્થકો વધુ હતા. સુભાષબાબુ માંદા હતા. તે વખતે કારોબારી બોલાવવામાં આવી. સુભાષબાબુએ તે બેઠક મોકૂફ રાખવા વિનંતી કરી. પરંતુ કારોબારીએ તેને સરમુખત્યાર પ્રકારનું પગલું ગણ્યું. પરિણામે તેઓ માંદગીમાં પણ આવ્યા હતા. તેમણે કૉંગ્રેસને સ્પષ્ટ ચેતવેલી કે આગામી સમયમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેનો લાભ લઈને પૂર્ણ સ્વરાજ માટે પૂરી શક્તિથી મેદાનમાં કૂદી પડવું જોઈએ. કૉંગ્રેસ કારોબારીમાંથી ટપોટપ રાજીનામાં પડ્યાં.

તેમને કૉંગ્રેસમાંથી નીકળી જવું પડે તેવું વાતાવરણ બનાવાયું. એપ્રિલ ૧૯૩૯માં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. જો તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોત તો? સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવવા માટે કૉંગ્રેસ સમર્થકો દલીલ કરે છે કે તેઓ યુવાન નહોતા અને સ્વતંત્રતા પછી ત્રણ વર્ષમાં જ તેમનું નિધન થયું તેને ટાંકીને તેઓ પોતાની વાતનું સમર્થન પણ કરે છે. પરંતુ સુભાષબાબુ તો નહેરુ કરતાં આઠ વર્ષ નાના હતા! કૉંગ્રેસમાં રહ્યા હોત તો તેમને કૉંગ્રેસની અંદરના સમર્થનને જોતાં તેઓ દેશના પહેલા વડા પ્રધાન બને તેવી સંભાવના પ્રબળ હતી. વળી, જેમ સરદાર પટેલ પોતે ચૂંટાઈને આવ્યા તેમ છતાં ગાંધીજીની વાત માનીને નહેરુ માટે ખસી ગયા તેમ સુભાષબાબુ કદાચ ન ખસ્યા હોત.

આ જ રીતે સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજનો રકાસ ન થયો હોત તો? જાપાન-જર્મનીનો વિજય થયો હોત તો? તો કદાચ ભારત અખંડ હોત. હિન્દુ-મુસ્લિમોના ઝઘડા ન હોત. મતબૅન્કનું રાજકારણ પણ ન હોત કારણકે સિંગાપોરમાં આપેલા એક ભાષણમાં તેમણે કહેલું કે ભારતને સ્વતંત્રતા પછી ઓછામાં ઓછાં ૨૦ વર્ષ કડક સરમુખત્યારની જરૂર છે. (જોકે સરમુખત્યારશાહીના ગેરલાભો પણ બહુ છે.)

સુભાષબાબુ ૧૯૪૫માં તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જો તેમ ન બન્યું હોત તો? તો કદાચ, ભારતમાં તેમણે બહુ પહેલેથી મજબૂત વિપક્ષ અથવા તો કદાચ શાસક પક્ષ આપ્યો હોત! તો કદાચ કૉંગ્રેસનું વિભાજન પણ બહુ વહેલાં થઈ ગયું હોત. તો કદાચ…નહેરુના અને સરદારના આટલા મતભેદ ન થયા હોત, કારણકે સરદાર પણ સુભાષબાબુના વિચારોના ઘણા અંશે વિરોધી હતા!

સુભાષબાબુ ફાસિસ્ટ, સામ્યવાદી અને નાસ્તિક હતા? આવી ભ્રમણાઓ સ્વતંત્રતા પછી એટલી ફેલાવાઈ કે લગભગ એ જ મનમાં ઠસી જાય. દુશ્મનના દુશ્મનના સંબંધે તેમણે જર્મની અને જાપાનનો સહકાર માગ્યો હતો, તે એક કૂટનીતિ હતી જે નિષ્ફળ ગઈ (ચર્ચિલે પણ વિરોધી સ્ટાલિનનો ટેકો લીધેલો), સફળ ગઈ હોત તો તેમની ભરપૂર પ્રશંસા થઈ હોત. તેમણે કોલકાતાના મેયર તરીકે માત્ર ૩૩ વર્ષની વયે કહેલું કે આપણે ત્યાં તો સમાજવાદ (સૉશિયલિઝમ)નો પાયો એવો ન્યાય, સમાનતા અને પ્રેમ છે તેમજ યુરોપ જેને ફાસિઝમ કહે છે તેના તત્ત્વો એટલે કાર્યક્ષમતા અને શિસ્ત પણ છે. તેઓ સામ્યવાદી પણ નહોતા. હા, તેઓ સામ્રાજ્યવાદના વિરોધી હતા. તેમણે પોતાને સમાજવાદી ગણાવ્યા છે, સામ્યવાદી નહીં. તેઓ શિવ, શક્તિ અને દુર્ગા એમ ત્રણેય દેવીદેવતામાં માનતા હતા. તેથી તેઓ નાસ્તિક પણ નહોતા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

महेंद्रभाई रावल 21/10/2018 - 10:13 AM

Nice and balanced with useful information…
ગુજરાતી ભાષામાં સુભાષચંદ્ર બોઝ વિશે બીજી ભાષા કરતા ધણું ઓછું લખાયું છે અને તેમાં પણ, સંશોધનાત્મક પત્રકારીતામાં, ખૂબ ઓછું કામ થયું છે. આનુ કારણ અગાઉની કોંગ્રેસની સરકાર અને પત્રકારોની ડરપોક વૃત્તિ પણ હોઈ શકે.
આ લેખને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. હાલની ગુજરાત સરકાર દ્વારા પણ આવા સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરવા જોઈએ.
સુભાષચંદ્ર બોઝ વિશે હજુ ઘણું લખવાની જરૂર છે.
અભિનંદન અને શુભેચ્છાઓ સાથે…

Reply

Leave a Comment