Home » આવતી દિવાળી અત્યારથી સુધારવી છે?

આવતી દિવાળી અત્યારથી સુધારવી છે?

by Jaywant Pandya

તસવીર સૌજન્ય: ઇન્ટરનેટ

સબ હેડિંગ: દિવાળી સંદર્ભે ત્રણ કહેવત બોલાય છે: મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. કોના બાપની દિવાળી? અને દિવાળી સુધરી ગઈ. જો તમારે આવતા વર્ષની દિવાળી અત્યારથી સુધારવી હોય તો પહેલી બંને કહેવતોને સમજીને વ્યવહારમાં ઉતારવાની જરૂર છે.

આજે દિવાળી છે. દીપોનો ઉત્સવ એટલે દિવાળી. શરીરની અંદર જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવવાનો આ ઉત્સવ છે. આપણે ત્યાં દિવાળીના સંદર્ભે ત્રણ કહેવત બોલાય છે: ૧. દિવાળી સુધરી ગઈ. ૨. અમે તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. અને ૩. કોના બાપની દિવાળી?

દિવાળી સાથે દેવાળું શબ્દનો પ્રાસ બેસે છે. એટલે આ દિવાળી તો જેવી છે તેવી ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ પણ આવતી દિવાળી જો સુધારવી હોય અને દેવાળું ન કાઢવું હોય તો અત્યારથી તૈયારી કરવી પડે. અને આ તૈયારી કરવામાં ઉપરની બે કહેવત પણ કામ લાગે છે.

કોના બાપની દિવાળી? ગજાં બહારનો ખર્ચો કરવામાં આવે અને તે પણ પારકે પૈસે ત્યારે આ કહેવત પ્રયોજાતી હોય છે. ભારતમાં જે આર્થિક સ્થિતિ સર્જાઈ રહી છે તે જોતાં હવે કોના બાપની દિવાળી? કહેવું પડે તેવો ખર્ચો ટાળવાની જરૂર છે.

શું આપણે ગણતરી કરીએ છીએ ખરા કે આપણે દર મહિને કેટલો બિનજરૂરી ખર્ચ કરી નાખીએ છીએ? અને આ વાત એક પરિવાર માટે જેટલી લાગુ પડે છે તેટલી એક વેપારી- એક કંપનીને પણ લાગુ પડે છે. જો બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળીએ તો ગમે તેવી મંદીમાં પણ વધુ પડતી તકલીફ ભોગવવાથી બચી જઈએ.

આપણે ઘરમાં કેટલી ટૂથપેસ્ટ લાવીએ છીએ? જો બે કે તેથી વધુ ટૂથપેસ્ટ લાવતા હોઈએ તો વિચારી શકીએ કે એક જ ટૂથપેસ્ટમાં આપણે ચલાવીએ? આવું જ સાબુનું પણ છે. કોઈની ફલાણી સુગંધવાળા સાબુની પસંદગી હોય તો કોઈની કોઈ ખાસ તત્ત્વવાળા સાબુની પસંદગી હોય. એવું કરવાની જરૂર નથી. ઘરમાં એક જ પ્રકારના સાબુથી ન રોડવી શકાય? વળી, એક જ પ્રકારની ટૂથપેસ્ટ કે સાબુની ખરીદીમાં સ્કીમનો પણ લાભ મળી શકે છે. આવું જ શૅમ્પૂનું પણ છે. શું તમને પાકી ખાતરી છે કે જાહેરખબરમાં દાવો કરાય છે કે પ્રૉટીનવાળા કે બીજાં તત્ત્વવાળા ખાસ શૅમ્પૂથી તમારા વાળને લાભ થાય જ છે?

પહેલાં તો અરીઠા ઉકાળીને વાળ ધોતા. ઘણા શિકાકાઈ સાબુથી વાળ ધોતા. કેટલાક લોકો તો કપડાં ધોવાના સાબુથી વાળ ધોતા. તો પણ આજ કરતાં તે વખતની સ્ત્રીઓના વાળ જાડા અને લાંબા હતા. વાળનો ગ્રૉથ પણ સારો રહેતો. ઘરનું બનાવેલું તેલ માથામાં દર રવિવારે ઘસીને, માલિશ કરીને નખાતું. જેટલી નવી ચીજો નીકળે છે તેટલી આપણને વધુ ખરીદવાની લાલચ થાય છે. હવે શૅમ્પૂ પછી કન્ડિશનર પણ આવ્યું. હૅર ક્રીમ, હૅર સ્પ્રે, જૅલ, હૅર ડ્રાયર વગેરે કેટલી પ્રૉડક્ટ ઘૂસી ગઈ? આનાથી વાળ મજબૂત થયા કે વાળનાં મૂળ નબળાં થવાથી વધુ ખરવા લાગ્યા?

આવું જ કપડાં અને પગરખાં, ચશ્મા અને બ્યૂટી પ્રૉડક્ટ, લેડિઝ/જેન્ટ્સ પર્સ, બૅલ્ટ, ઇલેક્ટ્રૉનિક ગેઝેટ, અલગ-અલગ પ્રકારની અને કિંમતની પેન… આ બધું કેટલું બધું તમારા ઘરમાં વધી ગયું તે તમે જોયું? આ જ રીતે ઘરમાં બધાં માટે એક જ રસોઈ બને છે કે અલગ-અલગ? મહિનામાં કેટલી વાર તમે બહાર હૉટલમાં જાવ છો અને કેટલી વાર ઘરે બહારથી મગાવો છો? આ તો ઠીક, પણ ઑફિસે કે પછી શાક લેવા ગયા હો ત્યારે કેટલી વાર બહાર નાસ્તો કરો છો?

ઘરની નજીક જવાનું હોય તો પણ સ્કૂટરના બદલે ચાલીને જઈ શકાય. તે બહાને કસરત પણ થઈ જશે. ચાલતા જતી વખતે પડોશી કે બાજુની સૉસાયટીના માણસ મળશે તો બે ઘડી વાત થશે તો સુખદુઃખની વાત થશે. સહકાર ભાવના વધશે. નવી વાત જાણવા મળશે.

આ જ રીતે તમે જો કોઈ માર્ટ કે મૉલમાં ખરીદી કરવા જાવ તો પહેલેથી ઘરમાં જરૂરી ચીજોની યાદી બનાવી લો. તેમાં પણ બે વાર ચૅક કરો. કેટલી ચીજો વગર ચાલે તેમ છે? આટલી ચીજો યાદીમાંથી કાઢી નાખો. અને નક્કી કરો કે માર્ટ કે મૉલમાં જતી વખતે યાદીમાં જેટલી ચીજો નક્કી કરી છે તેટલી જ લેશો. ગમે તેવી આકર્ષક સ્કીમ કેમ ન હોય, ગમે તેટલી કોઈ વસ્તુ ફ્રી ન મળતી હોય, યાદી બહારની એક પણ ચીજ નહીં લો.

શું તમે એક જ મૉબાઇલથી ન ચલાવી શકો? આજે ઘણા માણસો ત્રણ-ત્રણ મૉબાઇલ રાખે છે. કયો મૉબાઇલ શેના માટે તે કેમ યાદ રહેતું હશે તે પ્રશ્ન છે. શું બાળકોને મૉબાઇલની ટેવથી દૂર ન રાખી શકાય? એના માટે બાળક નાનું હોય ત્યારથી માતાપિતાએ પોતે સંયમ રાખવો પડશે. લાઇબ્રેરીમાંથી પુસ્તક ભાડે લાવી વાંચવાની ટેવ પાડશો તો ટીવી અને મૉબાઇલ બંનેની લતથી બચી જશે. તેનું જ્ઞાન પણ વધશે, બુદ્ધિ પણ વિકસશે અને સમજણ પણ કેળવાશે.

આ ઉપરાંત મોંઘીમોંઘી રમતો લાવી દેવાના બદલે તેને સાધન વગરની રમતની ટેવ પાડો. પકડ દાવ, સંતાકૂકડી, નારગેલ, આઇસપાઇસ, કબડ્ડી, ખોખો, ચપ્પલ મૂકીને રમાતી લાંબી કૂદ, લાકડીના ઉપયોગથી ઊંચી કૂદ, લીંબું ચમચી, કોથળા દોડ, દેડકા દોડ…આવી રમતોથી ન માત્ર પૈસા બચશે, પરંતુ બાળકનું શરીર સૌષ્ઠવ પણ રહેશે. તેમની સાથે તમે પણ રમશો. પાકી ગેરંટી કે તમને પણ મજા આવશે. તમારું બાળપણ તમને ફરી મળી ગયાની અનુભૂતિ થશે. વચ્ચે હાથે કરીને થોડી અંચઈ કરો. બાળક તમારા પર ખિજાય તો તમે માની જાવ. તેનો નગણ્ય એવો અહંકાર સંતોષાશે. ક્યારેક હાથે કરીને હારી જાવ. તેને વિજેતા થવાની લાગણી અદ્ભુત આનંદ આપશે. ક્યારેક તેને પડકાર આપો કે તે તમને ગમે તેટલા બૉલ ફેંકીને આઉટ નહીં જ કરી શકે. આ પડકારથી તેને એક જનૂન ચડશે જે તેના કૌશલ્યની ધાર વધુ તેજ બનાવશે.

હવે જન્મદિવસની ઉજવણીનું મહાત્મ્ય ખૂબ વધ્યું છે. જન્મદિવસ ઉજવવો જ જોઈએ. પરંતુ શું દર જન્મદિવસે બહાર જ જમવું જોઈએ? કેક કાપવી જ જોઈએ? અને તેમાં પાછી કેક મોઢા પર લગાડીને તેને બરબાદ કરવામાં આવે છે. તેના બદલે મંદિરે દર્શન કરવાની ટેવ પાડો. ગાયને ઘાસ નીરવાની ટેવ પાડો. આનાથી ઘાસ ખરીદશો તેનો ફાયદો પણ થશે. એક મૂંગા પ્રાણીને ખવડાવવાનો નિજાનંદ પણ મળશે. પશ્ચિમી અર્થશાસ્ત્રી કહેતા હોય છે કે પૈસા વાપરો તો અર્થતંત્રમાં રૂપિયો ફરતો રહે અને તેજી આવે. પરંતુ ગાયને ઘાસ નીરવા જેવા ખર્ચાથી પણ રૂપિયો ફરતો રહી શકે છે. અને મનને આનંદ પણ મળે છે. હૉટલવાળા મોટા માણસ કરતાં નાના માણસને કમાણી થાય છે.

તમે મહિનામાં કેટલી ફિલ્મ જોવા થિયેટરમાં જાવ છો? દરેક ફિલ્મ જોયા પછી શું તમને લાગે છે કે પૈસા વસૂલ થયા? આવી કેટલી પૈસા વસૂલ ફિલ્મ દર વર્ષે આવે છે? તમારાં તરુણાવસ્થાનાં બાળકો પોતાના સમોવડિયા સાથે કેટલી ફિલ્મ જોવા જાય છે? તે જોવા જતી વખતે થિયેટરમાં અત્યંત મોંઘો નાસ્તો અને પીણાં કેટલાં ઓહિયા કરો છો? આના બદલે ડીવીડી ઘરે લાવીને ઘરે પૉપકૉર્ન બનાવીને, લીંબુંમાં મીઠું, સંચળ, મરી અને ઈનો નાખીને સોડા બનાવીને પી જુઓ. ઘરે સકુટુંબ ફિલ્મ જોવાનો પણ એટલો જ આનંદ આવે છે. વળી, કેટલીક ફિલ્મો તો થિયેટરમાં રિલીઝ થયાના એકાદ બે મહિનામાં જ ટીવી પર રિલીઝ થઈ જતી હોય છે. પહેલાં શું આપણે ફર્સ્ટ ડૅ ફર્સ્ટ શૉ જ જોતા હતા? પહેલાં તો ભાવનગર, અમરેલી જેવાં દેશનાં અનેક શહેરોમાં મુંબઈમાં ફિલ્મ રિલીઝ થયાના અનેક મહિના પછી ફિલ્મ રિલીઝ થતી.

આનંદ જતો કરવાની કે બદલવાની જરૂર નથી, પરંતુ તેની રીત અને સમય બદલવાની જરૂર છે. એ જ ફિલ્મ જોવાની છે, પરંતુ થોડી ધીરજ રાખો તો ઘરે બેઠાં જોઈ શકાય. પેટ્રોલ/ગેસ, પાર્કિંગનો ખર્ચો અને માથાકૂટ વગેરે પણ બચી જશે.

જેમને સગવડ હોય તે લોકો કુંડામાં ઉગાડી શકાય તેવાં શાકભાજી ઉગાડી શકે. ઘરમાં તીખા ગાંઠિયા, સેવ, ખીચું, ચવાણું, ચેવડો, ઘૂઘરા, મઠિયાં વગેરે નાસ્તો બનાવો. તેનાથી તમને તમારા હાથે નાસ્તો બનાવીને બાળકો-પતિને ખવડાવવાનો જે સંતોષ મળશે તે અવર્ણનીય છે. પરંતુ સાથે તમારાં બાળકોને પણ તે બનાવવાની રીત શીખવાડશો તો ગુજરાતી નાસ્તાનું મહત્ત્વ જળવાઈ રહેશે, ખર્ચ બચશે તે અલગ. વળી, આજે તો વિભક્ત કુટુંબ હોવાથી પહેલાં સંયુક્ત કુટુંબમાં એકસાથે ખરીદી થતી તેનો ફાયદો થતો તે હવે નથી થતો, પરંતુ શું એક જ શહેરમાં રહેતા બે ભાઈઓ, કે સહકર્મચારી અથવા ખાસ મિત્ર કે પડોશી સાથે મળીને ખરીદી ન કરી શકે? સારું ડિસ્કાઉન્ટ પણ મળશે. સ્કીમ હોય તો ફ્રી ચીજ પણ મળશે. એક જ સ્કૂટર કે કારમાં જશો તો પેટ્રોલ/ડીઝલ બચશે. પાર્કિંગની માથાકૂટ પણ ઓછી થશે.

દસ-પંદર જણાનું સંયુક્ત કુટુંબ ફરી શક્ય ન બને તે સમજી શકાય, પરંતુ શું દાદા-દાદી, દીકરો-પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી પણ એક ઘરમાં ન રહી શકે? વિચારો, અહં અને પોતાની સગવડ જતી ન કરવાના બહાને કેટલો ખોટો ખર્ચો નોતરીએ છીએ અને છતાં સુખી તો નથી જ થતા. બે ઘર અથવા ઓછામાં ઓછું એક ઘર ખરીદવું પડે અથવા ભાડાનો ખર્ચો થાય. દાદાદાદી ગામડે કે નાના શહેરમાં રહે એટલે તેમને કચરા-પોતા માટેના ત્રણસોથી પાંચસો આપવા પડે. વાસણ અને કપડાં માટે પણ આટલો જ ખર્ચ થાય. રસોઈયાના મહિને છ હજાર થાય. દિવાળીમાં સાફસફાઈના એક હજારથી લઈને અઢી હજાર. આમ, દાદાદાદીનો ખર્ચ જ મહિને સાતથી આઠ હજાર થાય. પતિ-પત્નીનો ખર્ચ પણ આટલો જ થવાનો. બંને ઘરે વૉશિંગમશીન, લાઇટ, પંખા, એસી ચાલે તો વીજળી બિલ પણ ડબલ થવાનાં. જો એક જ હૉલ/રૂમમાં દાદા-દાદી અને પૌત્ર-પૌત્રી સૂવે તો વીજળી બિલ બચી જવાનું. પૈસા મહત્ત્વના કે પ્રાઇવસી? અને બાળકો-તરુણો માટે એવી તે કેવી પ્રાઇવસીની જરૂર કે દાદા-દાદીની સાથે ન સૂઈ શકાય? પહેલાં તો એક જ રૂમમાં ગાદલાં પાથરીને નીચે છથી આઠ જણા સૂઈ જતાં. આમ, બે ઘર, બે વીજળી બિલ, બે પાણી બિલ, બે મિલકતવેરાનાં બિલ, અને કામવાળા-રસોઈયાના પગાર. આમ છતાં, દાદાદાદી કે દીકરા-પુત્રવધૂ બંનેને તકલીફો તો ઊભી ને ઊભી જ હોય. હું એમ નથી કહેતો કે દીકરા-પુત્રવધૂનો જ કાયમ વાંક હોય છે.

દાદાદાદીને પણ ભક્તિ સંગીત જોવું હોય, પોતાના વતનમાં પોતાનું વર્ષોનું મિત્ર/સગાસંબંધીનું વર્તુળ છૂટતું ન હોય, અથવા દીકરા-પુત્રવધૂ પાઉંભાજી, ભેળ, પિઝા, વગેરે પ્રકારનું ખાતા હોય તે પસંદ ન હોય અથવા ખાસ રીતે જ કામ થવું જોઈએ તેવો આગ્રહ હોય તેના કારણે દાદાદાદી પોતે પણ વતનમાં એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. આવા અલગ રહેવાના કારણે પ્રવાસનો ખર્ચ થાય તે તો જુદો કેમ કે તહેવાર પર દીકરો-પુત્રવધૂ તેમનાં બાળકો સાથે વતન જાય કે પછી દાદાદાદી દીકરા-પુત્રવધૂ આગળ આવે અથવા દાદા કે દાદી માંદાં પડે ત્યારે દીકરાને દોડીને જવું પડે કે લગ્ન જેવા પ્રસંગ હોય ત્યારે દાદાદાદી એમ કહીને દીકરા-પુત્રવધૂને દોડાવે કે વતનમાં જ પ્રસંગ છે અને જો તે નહીં આવે તો તેમનું ખરાબ લાગશે. આમ, દાદાદાદી પોતે તો લગ્ન/મરણમાં જાય જ, પરંતુ દીકરા-પુત્રવધૂ પણ કામધંધા પડતાં મૂકીને આવે તેવો આગ્રહ રાખે. બધા જ પ્રસંગોમાં કંઈ આખા પરિવારની હાજરી હોય તે જરૂરી નથી હોતી. દૂર-દૂરના સંબંધી હોય તો જે શહેરમાં જે રહેતું હોય તે વ્યવહાર કરી આવે તો પ્રસંગ સચવાઈ જતો હોય છે. વળી, દર વખતે પાછા જેમને ત્યાં આ રીતે સપરિવાર જતા હો તે સામેવાળા લોકો તમારી સાથે એવી રીતે જ સંબંધ સાચવતા નથી હોતા. તો પછી એક પક્ષીય હરખપદુડા કે વ્યવહારઘેલા થવાની શી જરૂર?

આ જ રીતે બીજી કહેવત છે, તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. અનુભવી લોકો આ કહેવતનો દુરુપયોગ કરી દરેક વાતમાં દીકરા, પુત્રવધૂ-પૌત્રને ઉતારી ન પાડે. પરંતુ સામાપક્ષે એ વાત પણ સમજવાની જરૂર છે કે આજકાલ લોકોને અનુભવીઓની વાત સાંભળવામાં રસ નથી. હકીકતે ઘણા લોકો સારા શ્રોતા જ નથી હોતા. બીજાની વાત ત્રણ મિનિટ પણ નિરાંતે સાંભળી નથી શકતા. તમે માર્ક કરજો. અનુભવી લોકોનો અનુભવ સાંભળવો જોઈએ. તેમાંથી ઘણું શીખવા મળશે. જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે તેમનું ભવિષ્ય તેમને ભૂલી જાય છે. કોઈ વયના કારણે વારંવાર ઇતિહાસ કહે, એમ કહે કે તે વખતે અમે ૨૦૦ રૂપિયામાં ઘર ચલાવતા હતા, તો પણ સાંભળો. યાદ રાખો કે તમે બાળક હતા ત્યારે તમે પણ ઘણી વાર એક ને એક વાત વારંવાર કહેતા હતા ત્યારે તમારા માતાપિતાએ કે તમારા પડોશી કાકા/માસીએ તમારી વાતને સાંભળી છે.

યાદ રાખો તમારી પાસે આજે પૈસા છે એટલે તમને લાગશે કે અભાવને સ્વભાવ શા માટે બનાવવો જોઈએ? પોતાના માટે અને બાળકો માટે જે જોઈએ તે લાવો. પરંતુ જો તમે થોડા અભાવથી ચલાવતા શીખશો તો તમારા, દેશ કે વિશ્વના ખરાબ સમયમાં તમારો પ્રભાવ પડશે. તમારે વ્યક્તિ કે બૅન્ક, કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. એ સમયે તમને તમારા પર ગર્વ અને સંતોષની જે અનુભૂતિ થશે તે અત્યાર સુધી કરેલી કરકસરની કસર સારી દેશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Gopal Prafulbhai Bhatt 27/10/2019 - 8:38 PM

ખૂબ ઉપયોગી માહિતી છે.. આભાર..

Reply

Leave a Comment