Home » સોમવારની સાંજે (૧૩/૭/૨૦૨૦)

સોમવારની સાંજે (૧૩/૭/૨૦૨૦)

by Jaywant Pandya

પ્રતીકાત્મક તસવીર (ઇન્ટરનેટ)

સોમવારની સાંજે
(દાસભાઈ હાથમાં ચાના પ્યાલા સાથે ગેલેરીમાં પ્રવેશે છે…)
 
– શું દાસભાઈ, તમે અમદાવાદમાં આવી ગયા?
– (સહેજ ખીજાઈને) તે હું કંઈ એકલો થોડો આવ્યો છું, તમે પણ ન આવી ગયા?
 
– પણ એ તો ભાવનગરમાં રાજમાર્ગો વર્ષોથી બન્યા જ કરે, ઉદ્યોગધંધા ન આવે તો આવવું જ પડે ને.
– ભાઈ મારા, આ જ વાત છે. દરેક સાચા ભાવનગરીનો આ જ કકળાટ છે.
 
– કકળાટ તો અત્યારે કૉંગ્રેસમાં છે.
– રહેવા દો વાત જ કરવી. એક જૂના કૉંગ્રેસી પ્રવક્તા મને કહે, જોવાતું નથી. અમે ટીવી પર ભાજપવાળાને દોષ આપીએ પણ અમારાવાળા ઉપરથી જ એવા ઊંઘમાં છે, ન પૂછો વાત…હવે તો કપિલ સિબલે પણ કહ્યું કે શું ઘોડાને તબેલામાંથી ઉઠાવી જવાશે પછી જ જાગશો? નહીંતર કપિલ સિબલ તો ગમે તેવા કૌભાંડને પણ શૂન્ય નુકસાનમાં સાબિત કરી દે તેવા ધરખમ નેતા છે.
 
– પણ આ હાર્દિક પટેલ ધરખમ નેતા છે? બીજા કોઈ નેતા જ ન મળ્યા પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બનાવવા?
– અરે! એકએકથી ચડિયાતા નેતા છે, પણ ખબર નહીં, કૉંગ્રેસનું મોવડીમંડળ શું વિચારે છે? ગુજરાતને તો ભાજપ માટે ખુલ્લું મેદાન જ આપી દીધું છે ચરવા માટે.
 
– રાજસ્થાનમાંય ભાજપવાળા ચરી જ રહ્યા છે ને. ત્યાં તો કૉંગ્રેસની સરકાર હતી…
– હતી શું? છે….તમેય શું? ગેહલોત એમ કંઈ મચક આપે તેવા નથી. જમાનાના ખાધેલ છે. એફઆઈઆર કરીને પહેલેથી જ ચેતતા નર સદા સુખીની જેમ ભાજપના બે નેતાને પકડી લીધા. ભાજપવાળા આઈટીની રેડ પાડે કે ઇડીની…ગેહલોતને એમ હંફાવી શકાય તેમ નથી.
 
– દાસભાઈ, હાંફ તો હવે રસ્તા પર નીકળતા ચડી જાય છે…
– કેમ? તમે સ્કૂટર લઈને નથી જતા?
 
– ના, ના. આ માસ્કનો દંડ વધારી દીધો ને. સરકારને જલસો પડી ગયો છે…
– શું જલસો? સરકારની ચિંતા વધતી જાય છે…આ બ્રિટન જુઓ, તેમાં લોકો હજુ માસ્ક નથી પહેરતા. મૃત્યુની રીતે ચોથા નંબરનો દેશ બની ગયો. અમેરિકા, બ્રાઝિલનું પણ આવું જ છે. બેટમજી, તમને લાગે પણ થોડી કડકાઈ તો જરૂરી છે.
 
– કડકાઈ તો પેલાં લેડી સિંહમની…
– હા, પણ એ જરા વધુ પડતું થઈ ગયું. આ કંઈ રાતે નીકળવું ગુનો નથી. આ રોગચાળો છે, તોફાન નહીં અને એ માનુની તો મિડિયા સાથે પણ ખરાબ વર્તન કરવા લાગ્યાં… એટલો બધો ગુસ્સો સારો નહીં…પણ કેટલાક સુરતના પત્રકારોને તો તોય ઉપરથી કહે એટલે લેડી સિંહમ તરીકે ચલાવવું પડે છે…
 
– દાસભાઈ, સ્કૂટર ચલાવવામાં ધ્યાન રાખજો…ધરણીધરથી દાણીલીમડાના રસ્તે ભૂવો પડ્યો છે…
– હા ભાઈ, આ વગર વરસાદે અમદાવાદમાં ભુવા પડી રહ્યા છે…દર ચોમાસે આ એકની એક માથાકુટ પણ કોઈ કહેનાર જ નથી.
 
– કહેનાર તો પરીક્ષા બાબતે પણ કોઈ નથી…સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ બરાબર મૂંઝાયેલા છે…
– હા, સરકાર ઘડીકમાં કહે કે પરીક્ષા લેવાશે…વળી પાછું બીજા અઠવાડિયે ઉપરથી આદેશ આવે એટલે માંડી વાળે…માધ્યમિક અને કૉલેજના વિદ્યાર્થીઓ તો ‘બધું’ સમજતા હોય એટલે તેમને તો નિયમો સાથે પરીક્ષા લેવામાં કંઈ વાંધો નહીં….
 
– (અંદરથી અવાજ) એ કહું છું…આ દીકરીના સ્કૂલવાળા વૉટ્સએપ પર વૉટ્સએપ કર્યા રાખે છે ફી માટે…તે તમારે આ શિક્ષણ પ્રધાન બહેન સાથે ઓળખાણ છે તો તેમને કહો તો ખરા…ભાવનગરનાં જ છે ને…
 
– દાસભાઈ, મારા બેન સાચું કહે છે….
– શું સાચું…યાર, એમની આગળ આપણી ટંગડી ઊંચી રાખવી પડે…પણ ભાવનગરવાળાં ગાંધીનગરમાં આવીને જરા પણ ઓળખાણ નથી રાખતા…પણ આ સ્કૂલવાળાઓએ ખરેખર તો માબાપને ત્રણ મહિનાની ફી દેવી જોઈએ….
 
તમે સમજ્યા….?
 
(ભાવનગરના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના તંત્રી સ્વ. શ્રી રમેશભાઈ ઓઝા અને વર્તમાન તંત્રી શ્રી તારકભાઈ શાહ Tarak Shah ને સાદર અર્પણ…જેઓ આ કૉલમ વર્ષોથી લખે છે… તેમના જેવું તો ન લખી શકાય પણ આ એક પ્રયાસ એ દેખાડવાનો છે કે આવી કૉલમ અમદાવાદથી પ્રકાશિત છાપામાં નથી આવતી જે ભાવનગરમાં વર્ષોથી આવે છે…)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Jayesh dave 13/07/2020 - 6:34 PM

મૂળ ભાવનગરી જયવંતની અમદાવાદી સાંજ માણવાની મજા આવી

Reply
Jaywant Pandya 13/07/2020 - 7:08 PM

આભાર જયેશભાઈ.

Reply

Leave a Comment