Home » લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

લોકસભા ચૂંટણી પછી કૉંગ્રેસમાં જામી છે યાદવાસ્થળી!

by Jaywant Pandya

સબ હેડિંગ: લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાના એક મહિનો થયો. રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ તરીકે ચાલુ રહેવા મનાવવા કૉંગ્રેસીઓ ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ રાહુલબાબા માનતાય નથી અને નવા પ્રમુખ આવતા નથી. પ્રાદેશિક નેતાઓ વચ્ચે યાદવાસ્થળી જામી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસીઓ ભારે મૂંઝવણમાં છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૭/૦૭/૧૯)

કૉંગ્રેસને આ શું થયું છે? આવો પ્રશ્ન પહેલાં ક્યારેય ન થયો હોય તેટલો તીવ્રતાથી સ્વયં કૉંગ્રેસીઓ પૂછી રહ્યા છે. હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે અને હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી એવાં રાજ્યો છે જ્યાં કૉંગ્રેસ હમણાં સુધી મુખ્ય દાવેદાર હતી, સત્તાધીશ હતી. પરંતુ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનાં આઘાતજનક પરિણામોની હજુ કળ વળી નથી. સ્વયં અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું અધ્યક્ષપદ છોડી દીધું છે અને તેઓ હવે આ પદ સંભાળવા માગતા નથી. પરંતુ ૧૩૮ વર્ષ જૂની અને કરોડો સભ્યોની આ કૉંગ્રેસને ચૂંટણીનાં પરિણામોના એક મહિનો થયે હજુ અધ્યક્ષપદનો દાવેદાર મળ્યો નથી.

કૉંગ્રેસીઓ માબાપ પોતાના હઠીલા બાળકને મનાવે તેમ મનાવી રહ્યા છે અને બાળક માની રહ્યો નથી! કૉંગ્રેસ કાર્યકારિણીએ મનાવ્યા, સાંસદોએ મનાવ્યા અને છેલ્લે મુખ્ય પ્રધાનોએ મનાવ્યા, પરંતુ રાહુલજી માનવા તૈયાર નથી. એક કાર્યકરે તો વૃક્ષની ડાળી પર ગળેફાંસો ખાવાનું નાટક કરી જોયું તો પણ રાહુલજી, આ લખાય છે ત્યાં સુધી, માન્યા નથી.

બરાબર છે. તમારે અધ્યક્ષપદ નથી રાખવું તે સારી વાત છે. પરંતુ તો પછી કૉંગ્રેસને આમ અદ્ધરતાલ લટકાવી રાખવાનો પણ તમને કોઈ હક નથી. છત્તીસગઢના કૉંગ્રેસ પ્રમુખની નિમણૂક કરી તેમાં રાહુલજીનું નામ નથી. પ્રશ્ન એ છે કે તો પછી નિમણૂક કરી કોણે? કયા હકથી કરી? ભાજપનો વિરોધ કરો તે બરાબર છે પરંતુ તેની પાસેથી ઓછામાં ઓછું, એ તો શીખવા જેવું જ છે કે ત્યાં હાર થાય કે વિવાદમાં નામ આવે એટલે નિર્દયી રીતે પક્ષપ્રમુખ બદલી નાખવામાં આવે છે. અટલજી, અડવાણીજી, બાંગારુ લક્ષ્મણ, વેંકૈયા નાયડુ, રાજનાથસિંહ, નીતિન ગડકરી…તેનાં ઉદાહરણો છે. રાહુલના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ હાર થઈ અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ હાર થઈ. અને ભૂંડી હાર થઈ. આ દરમિયાન મહત્ત્વનાં અનેક રાજ્યોમાં હાર્યાં કે તે રાજ્યોમાં ફરીથી સત્તા મેળવવામાં નિષ્ફળ ગયા તે તો અલગ. અને તેમ છતાં કૉંગ્રેસીઓ રાહુલની માળા જપે છે!

૨૦૧૯ની હાર પછી પણ વિનમ્રતાનો છાંટો દેખાતો નથી કૉંગ્રેસમાં. મોદીજી જીતી ગયા પણ હિન્દુસ્તાન હારી ગયું. લોકતંત્ર હારી ગયું. આવું તે કહે તે કેટલું વાજબી? રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માને રાજ્યસભામાં અધ્યક્ષની ખુરશીમાં બિરાજમાન સભાપતિ દ્વારા વારંવાર પોતાનો સમય સમાપ્ત થયો હોવાથી ભાષણ ટૂંકાવાનું કહેવામાં આવે અને તો પણ તે ચાલુ રાખે. ચાર મિનિટ વધુ આપ્યા પછી પણ આ સ્થિતિ. અને આ સમય પાછો કૉંગ્રેસે જ નક્કી કર્યો હતો તેમ સભાપતિનું કહેવું હતું. તે દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાપાનમાં જી-૨૦ની શિખરમાં ભાગ લેવા જવા રવાના થવાનું હતું. મોદીજીએ પોતાના ભાષણમાં પણ આ દુઃખ વ્યક્ત કર્યું. સત્તા ગુમાવ્યા પછી આટલો અહંકાર?

જો કેન્દ્રીય નેતાઓમાં આટલો અહંકાર હોય તો પ્રાદેશિક નેતાઓમાં આવવાનો જ. ચૂંટણીમાં હાર પછી સંગઠિત થઈને ‘પુનશ્ચ હરિ ઓમ્’ કરવાના બદલે અત્યારે તમામ રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ વચ્ચે યાદવાસ્થળી ચાલી રહી છે. શીલા દીક્ષિતને દિલ્લી કૉંગ્રેસ પ્રમુખ પદેથી હટાવવા માગણી થઈ રહી છે. શીલા દીક્ષિતે ચૂંટણીનાં પરિણામો અવળાં આવતાં ૨૮૦ બ્લૉક સ્તરીય સમિતિ ભંગ કરી તો કૉંગ્રેસના દિલ્લી પ્રભારી પી. સી. ચાકોએ આ નિર્ણય ફેરવી તોળ્યો!

મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલનાથ અને કૉંગ્રેસના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે જોરદાર શીતયુદ્ધ ચાલી રહ્યું છે. કેબિનેટની બેઠકમાં સિંધિયા જૂથના તેમજ ખાદ્ય પ્રધાન પ્રદ્યુમ્નસિંહ તોમર અને કમલનાથ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તોમરનું કહેવું હતું કે તેમને પૂછ્યા વગર અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. આની સામે લોક આરોગ્ય ઈજનેરી પ્રધાન સુખદેવ પાંસે ઊભા થઈને બોલ્યા કે મુખ્ય પ્રધાન સામે આવા સ્વરમાં વાતને સાંખી નહીં લેવામાં આવે. તોમર બેસી જાય. આ પછી તોમર અને પાંસે વચ્ચે જીભાજોડી ચાલુ થઈ ગઈ. તોમરે ચાલતી પકડી તો સિંધિયા જૂથના પ્રધાનો તેમને રોકવા ગયા. આ વાત એટલી વણસી કે કમલનાથ બોલી ઊઠ્યા, “આ ઝઘડા પાછળ કોણ છે તે હું જાણું છું. તમારે જવું હોય તો જઈ શકો છો. કોઈ તમને રોકતું નથી.”

રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત અને સચીન પાઇલૉટ વચ્ચે આવો જ ઝઘડો ચાલી રહ્યો છે. ગેહલોતે પોતાના દીકરા વૈભવની હાર માટે પાઇલોટને જવાબદાર ગણાવ્યા છે. સચીને આની જવાબદારી લેવી જોઈએ તેમ કહ્યું છે. તો પૃથ્વીરાજ મીણા નામના ધારાસભ્યએ હારની જવાબદારી ગેહલોતે સ્વીકારી લઈ રાજીનામું આપવું જોઈએ અને સચીન પાઇલૉટને મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ તેવી માગણી કરી છે.

કર્ણાટકમાં આઈએમએ જ્વેલ્સના કૌભાંડના કારણે કૉંગ્રેસ ભીંસમાં છે. કૉંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રોશન બેગ પર આઈએમએ જ્વેલ્સના કૌભાંડી માલિક મન્સૂર ખાને રૂ. ૪૦૦ કરોડ લેવાનો આક્ષેપ કર્યો છે. રોશન બેગે તો ચૂંટણી પરિણામોના આગલા દિવસે જ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં કૉંગ્રેસ ખરાબ દેખાવ કરશે તેવું ભવિષ્ય ભાખતાં તેના માટે કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયા, કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુરાવ તેમજ રાહુલ ગાંધીના ખાસ મનાતા કે. સી. વેણુગોપાલ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. (અપડેટ: ૦૬ જુલાઈ ૨૦૧૯એ કર્ણાટકમાં કૉંગ્રેસના ૧૧ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. તેમનું રાજીનામું આપવાનું કારણ આંતરિક લડાઈ છે. રામલિંગા રેડ્ડી જેવા ચુસ્ત વફાદાર નેતાએ રાજીનામું આપ્યું તેનું કારણ ત્યાંના પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ કૉંગ્રેસની બેઠકમાં એવું આપ્યું કે ઉપ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વર રામલિંગા રેડ્ડીની વાત સાંભળતા નહોતા.)

ચૂંટણીનાં પરિણામોના વિપરિત પડઘા પંજાબમાં પણ જોવા મળી રહ્યા છે. પરિણામોના બીજા જ દિવસે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રાહુલ ગાંધીને તેમની અને નવજોતસિંહ સિદ્ધુની વચ્ચે કોઈ એકની પસંદગી કરવા કહ્યું. અમરિન્દરસિંહે ૬ જૂને સિદ્ધુનું ખાતું બદલી તેમનું કદ વેતરી નાખ્યું. સિદ્ધુ પણ પોતાનું કામ સુપેરે કરવાના બદલે વીજળી પ્રધાન બન્યા પછી ગાયબ થઈ ગયા છે. ૨૯ જૂને અમરિન્દરસિંહે અહમદ પટેલ સાથે મુલાકાત કરી પરંતુ ‘પંજાબ કેસરી’ના અહેવાલ મુજબ, અમરિન્દરસિંહે અહમદ પટેલને સ્પષ્ટ કહી દીધું કે તેઓ સિદ્ધુ બાબતે વાત કરવા નથી આવ્યા. આમ, કૉંગ્રેસમાં એ સ્થિતિ આવી ગઈ છે કે હવે અહમદ પટેલને સામા જવાબ મળતા થઈ ગયા છે.

ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસના સંગઠનની સ્થિતિ સારી નથી. પરિણામોની સમીક્ષા માટે મળેલી બેઠકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. તેમણે ટિકિટોના વિતરણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતે અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ હાર માટે જવાબદાર ગણાવ્યા હતા. સામાન્ય રીતે આવી બેઠકો બંધબારણે થતી હોય છે અને તેની વાતો બહાર આવતી નથી. પરંતુ સમાચારસંસ્થા એએનઆઈએ ટ્વીટ કરેલા વિડિયોમાં આ નેતાઓ બેઠકના સ્થળની બહાર પણ ઉગ્ર જીભાજોડી કરતા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં કૉંગ્રેસમાં ડખ્ખા બહાર આવતા નથી, પરંતુ અંદરની દરેક વ્યક્તિ જાણે છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે બધું સમુસૂતરું નથી. ગુજરાત કૉંગ્રેસે જમ્બો માળખું વિખેરવા હાઇ કમાન્ડને ભલામણ કરી છે. અને આ લખાય છે ત્યારે સમાચાર આવ્યા છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગના ભયે કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જશે. જોકે આમાં અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, અનિલ જોષીયારા, ગ્યાસુદ્દિન શેખ, ધવલસિંહ ઝાલા, એમ પાંચ ધારાસભ્યો જવાના નથી. અલગ-અલગ મતદાન થવાનું છે અને તેના લીધે રાજ્યસભામાં ભાજપના બે ઉમેદવાર જીતવાની પાકી સંભાવના છે ત્યારે આ પ્રકારે આબુ જલસા કરવા જવાની શું જરૂર હતી? (૨૦૧૭માં બનાસકાંઠામાં પૂર હતું ત્યારે પણ કૉંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીના બહાને જલસા કરવા બેંગ્લુરુ ઉપડી ગયેલા તે યાદ જ હશે.) (અપડેટ: કૉંગ્રેસના ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસૉર્ટ લઈ જવાયા હતા, પરંતુ રિસૉર્ટ પણ શા માટે લઈ જવાવા જોઈએ. બીજું અપડેટ એ કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પાંચ જુલાઈએ ભાજપને મત આપ્યા પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું.)

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોર જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નજીક ગણાય છે તેમણે ટિકિટોના વિતરણમાં રૂપિયા લેવાય છે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. વિધાનસભા-લોકસભા ચૂંટણી પહેલાં જે રીતે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને રાતોરાત માથે બેસાડી દેવાયા, ચૂંટણીમાં હાર્દિક પટેલને હેલિકૉપ્ટર આપી સ્ટાર પ્રચારક બનાવી દેવાયા તેનાથી પ્રાદેશિક નેતાઓ અને કાર્યકર્તાઓના મનોબળ પર અત્યંત ખરાબ અસર પડી જ હોય.  

આ તો બધી પ્રાદેશિક યાદવાસ્થળીની વાત છે. પરંતુ કેન્દ્રીય સ્તરે શું ચાલી રહ્યું છે? ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓની નજરમાંથી ઉતરી પડવા તેમજ ભાજપના આક્ષેપોથી બચવા પોતે જવાબદારી સ્વીકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. ૩ જુલાઈએ મોડા મોડા તેમણે પોતાનું રાજીનામું ટ્ટીટ કરી નવા અધ્યક્ષ પર નિર્ણય લેવા કહ્યું છે. પણ પ્રશ્ન એ છે કે નિર્ણય કરશે કોણ? આખરે તો તેઓ, તેમની માતા, તેમની બહેન, મોતીલાલ વોરા, અહમદ પટેલ વગેરે તેમના જ સાથીદારો ને? તો પછી આવું નાટક શા માટે? તેમને કોઈ ને કોઈ રીતે કૉંગ્રેસની ચોટલી પોતાના હાથમાં રાખવી છે. બીજી તરફ, રાહુલે પી. ચિદમ્બરમ્, અશોક ગેહલોત અને કમલનાથ જેવા વરિષ્ઠ નેતાઓ પર પક્ષનાં હિત કરતાં દીકરાનાં હિતોને પ્રાધાન્ય આપવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો. આવો આક્ષેપ તો સોનિયા ગાંધી પર પણ થઈ શકે, રાહુલના પોતાના પર પણ થઈ શકે. પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે ચૂંટણીની લડતમાં કૉંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને એકલા પાડી દીધા.

૨૦૧૪ પછીથી એ સ્પષ્ટ દેખાતું હતું કે સોનિયા ગાંધીની નજીક ગણાતા નેતાઓને રાહુલ ગાંધી સાથે બનતું નહોતું. જનરેશન ગેપ કહો કે કામ કરવાની પદ્ધતિ, તે આની પાછળ કારણભૂત હતું. પરંતુ હવે ૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામો પછી આ આખું નાટક કામરાજ યોજનાની રાહ પર સોનિયા તરફી નેતાઓને કોરાણે પાડવા માટે રચાયું હોય તેમ લાગી રહ્યું છે.

સ્પષ્ટ છે કે કૉંગ્રેસને બેઠી કરવી કપરું કામ છે. પરિણામો પછી રાહુલ ગાંધી રજા માણવા લંડન પહોંચી ગયા! હજુ સુધી તેઓ અમેઠી ગયા નથી. જ્યારે વાયનાડમાં જનતાનો આભાર માનવા તેઓ ત્રણ દિવસ ગયા અને ત્યાં તેમણે અનેક રૉડ શૉ પણ કર્યા. આ શું બતાવે છે? ભાજપે અમેઠીમાં ગત ચૂંટણીમાં હાર પછી પણ સ્મૃતિ ઈરાનીને સતત ત્યાં મોકલ્યા. ત્યાંના મુદ્દા ઉપાડ્યા અને આ ચૂંટણીમાં જીતી બતાવ્યું. શું રાહુલ નમ્રતાથી આવું ન કરી શક્યા હોત?

આ સંજોગોમાં આશાનું એક જ કિરણ દેખાય છે, પ્રિયંકા ગાંધી. તેઓ સક્રિય દેખાઈ રહ્યાં છે. તેમણે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસને વિધાનસભા ચૂંટણી માટે સજ્જ કરવા અત્યારથી પ્રયાસો આદરી દીધા છે. એમ તો રાહુલ ગાંધીએ પણ દેશમાં પદયાત્રા માટે જાહેરાત કરી છે, પરંતુ જે રીતે કૉંગ્રેસમાં યાદવાસ્થળી ચાલી રહી છે તે જોતાં કૉંગ્રેસને આગામી પાંચ વર્ષમાં બેઠી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ભારતના આત્માને સમજ્યા વગર આ કામ બિલકુલ નહીં થઈ શકે. યોગ દિવસ પછી રાહુલ ગાંધીએ સેનાના જવાનો અને શ્વાનને સાંકળીને જે ટ્વીટ કર્યું હતું તેનાથી યોગ પ્રેમીઓ, શ્વાન પ્રેમીઓ અને સેના પ્રેમીઓ આ ત્રણેય વર્ગને તેમણે એક સાથે નારાજ કરી દીધા હતા. બની શકે કે પદયાત્રા સાચા અર્થમાં થાય તો રાહુલ ભારતના આત્માને સમજી શકશે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Dr Anil Patel 07/07/2019 - 9:32 AM

Very good analysis

Reply
Jaywant Pandya 07/07/2019 - 9:40 AM

આભાર ડૉ.અનિલભાઈ.

Reply

Leave a Comment