Home » સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

સનાતન ધર્મ સતત વહેતી નદી જેવો છે

by Jaywant Pandya

સબ હેડિંગ: તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે આવું શક્ય બને ખરું?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૫/૦૯/૧૯)

આજકાલ અચાનક જ બધાને સનાતન ધર્મની બહુ ચિંતા થઈ પડી છે. ખબર ન હોય તેમના માટે, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ તે એક જ. સનાતન ધર્મની વ્યાખ્યા કરનારા બધા પેલા આંધળા જેવા છે જે સનાતન ધર્મરૂપી હાથીના એકાદ અંગને સ્પર્શીને તે અંગ મુજબ તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ. આમાં મારો પણ સમાવેશ થઈ જાય કારણકે સનાતન ધર્મનો પાર તો કોણ પામી શક્યું છે?

સનાતન એટલે શાશ્વત. અનાદિ કાળથી ચાલતું આવતું. સૂર્ય-ચંદ્રની જેમ સનાતન ધર્મ પણ શાશ્વત છે. કોણે શરૂ કર્યો, ક્યારે શરૂ કર્યો તે ભેદ પામવો મુશ્કેલ છે. તેનો કાચો અંદાજ જ લગાવી શકાય. બ્રહ્માના ચાર મુખોમાંથી ચાર વેદ નીકળ્યા અને તે વેદના આધારે ચાલતો ધર્મ તે સનાતન ધર્મ.

વેદ મુજબ તો ભગવાન, પરમાત્મા અથવા બ્રહ્મ (અંગ્રેજીમાં એક સરખા સ્પેલિંગના કારણે બ્રહ્મને ઘણા બ્રહ્મા અથવા તેનાથી ઉલટું, બ્રહ્માને બ્રહ્મ માની લે છે) નિરાકાર છે. અપરિવર્તનીય છે. સંપૂર્ણ છે. સર્વશક્તિમાન છે. ઋગ્વેદમાં અગ્નિ, વાયુ, મિત્ર, વરુણ, અશ્વિનીકુમાર, ઈન્દ્ર, વિશ્વદેવા, સરસ્વતી, મરુત, પ્રજાપતિ, સૂર્ય, વૈશ્વાનર, રુદ્ર, સવિતાનો ઉલ્લેખ મળે છે. યજુર્વેદમાં સવિતા, યજ્ઞ, વિષ્ણુ, અગ્નિ, પ્રજાપતિ, ઈન્દ્ર, વાયુ, બૃહસ્પતિ, પિતર, પૃથ્વીનો ઉલ્લેખ મળે છે. સામવેદમાં અગ્નિ, વાયુ, પૂષા, વિશ્વદેવા, સોમ, વરુણ વગેરેનો ઉલ્લેખ મળે છે. તો અથર્વવેદમાં વાચસ્પતિ, પર્જન્ય, આપઃ, ઈન્દ્ર, પૃથ્વી, બ્રહ્મ, ગંધર્વ, પ્રાણ, અગ્નિ, વાયુ, મરુત, ચંદ્ર વગેરેનો ઉલ્લેખ મળે છે. વેદોમાં યજ્ઞનો ઉલ્લેખ પણ મળે છે.

આમ, વેદ સંપૂર્ણપણે પ્રકૃતિ કેન્દ્રિત હતા. પ્રાકૃતિક તત્ત્વોને પૂજવાનું (અને તેથી જ તેમની રક્ષા કરવાનું) તેમાં નિહિત હતું. કાળક્રમે ભિન્ન મતોના કારણે માત્ર બૌદ્ધ જ નહીં, જૈન નહીં, પરંતુ પૂરણ કશ્યપ અથવા પૂર્ણ કશ્યપનો અક્રિયાવાદી પંથ પણ વિકસ્યો! પૂર્ણ કશ્યપ માનતા હતા કે પાપ કે પુણ્ય જેવું કંઈ છે જ નહીં. તેઓ પરલોકમાં જેનું ફળ મળતું હોય તેવા કોઈ પણ કર્મને પાપ કે પુણ્ય માનતા નહોતા. પાકુદા કચ્છાયને અનુવાદી મત આપ્યો. મક્ખી ગૌશાલે આજીવિક મત આપ્યો. અજિતકેશ કમ્બલે અનાત્મ ભૌતિકવાદી મત આપ્યો. સંજય બેલથીપુતે સર્વસંશયવાદી મત આપ્યો. સિદ્ધાર્થ ગૌતમ અર્થાત ગૌતમ બુદ્ધે બૌદ્ધ મત આપ્યો અને વર્ધમાન મહાવીરે જૈન મત આપ્યો. ચાર્વાકનું દર્શન પણ સ્વીકાર્ય બન્યું.

કહેવાય છે કે તે વખતે સનાતન ધર્મમાં યજ્ઞમાં બલિ પ્રથાના વિરોધમાં આ બૌદ્ધ અને જૈન મત આરંભાયા. પરંતુ તેમના પણ ગ્રંથોમાં કાળક્રમે તેમનો પંથ આદિ કાળથી હતો તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરાયો. જૈનોની રામાયણ પણ જુદી. જૈન રામાયણ મુજબ રાવણ લક્ષ્મણ દ્વારા મરાયો હતો. લક્ષ્મણ નરકમાં જાય છે. કાળક્રમે ગિરનાર સહિત કેટલાંક તીર્થધામ પર પણ જૈન અને જૈનેતર સનાતન ધર્મીઓ વચ્ચે વિવાદો થયા.

બીજી તરફ, સનાતન ધર્મમાં પણ અનેક દેવીદેવતાઓ પૂજાવા લાગ્યા. મૂર્તિપૂજા કેમ? તેનો એક રસપ્રદ દાખલો સ્વામી વિવેકાનંદનો છે. કથા એવી છે કે સ્વામી વિવેકાનંદ અલવરના રાજદરબારમાં ગયા હતા. ત્યાંના નરેશ ભગવાનમાં માનતા નહોતા. તેમણે કહ્યું, “સ્વામીજી, તમે કયા પ્રભુની વાત કરો છો? પ્રભુ મંદિરમાં પથ્થરની મૂર્તિઓના રૂપમાં હાજર કેવી રીતે હોઈ શકે?” સ્વામી વિવેકાનંદે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા ન આપી (આ સનાતન ધર્મીઓએ ખાસ શીખવા જેવું છે.) તેમણે દીવાનને કહીને મહારાજાની તસવીર મગાવડાવી. પછી દીવાનને કહ્યું કે તેના પર થૂંકો. દીવાન કહે કે “આવું હું કઈ રીતે કરી શકું?” સ્વામી વિવેકાનંદ કહે, “કેમ? આ તો મહારાજાની તસવીર જ છે ને, મહારાજા પોતે ક્યાં છે?”

પછી સ્વામી વિવેકાનંદે રાજાને સમજાવ્યું કે જે રીતે આ તસવીર તમે નથી, પરંતુ તમારી પ્રતિનિધિ તો છે ને? તે જ રીતે મૂર્તિ પણ ભગવાનની પ્રતિનિધિ જ છે.

સનાતન ધર્મની વિશેષતા એ છે કે એ સદા વહેતી નદી જેવો છે. તે સંકુચિત ખાબોચિયા જેવો નથી કે તેમાં જે કહી દીધું તે જ સાચું. પથ્થર કી લકીર. અને એટલે જ નિરાકાર, સાકાર, અનેકેશ્વર, દ્વૈત, અદ્વૈત, ભક્તિ, કર્મ, જ્ઞાન, યોગ, સાધના…વગેરે અનેક રીતે તમે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો. અંતિમ લક્ષ્ય મોક્ષનું છે અને મોક્ષ એટલે મૃત્યુ નથી! મોક્ષ એટલે સમભાવ. સુખ અને દુઃખમાં સમાન. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. મારી દૃષ્ટિએ કદાચ મોક્ષની સરળ વ્યાખ્યા જો કોઈએ કરી હોય તો તે દેવ આનંદની ‘ગાઇડ’ ફિલ્મના અંતમાં આવે છે:

“આજ મૈં કિતની આઝાદી મહેસૂસ કર રહા હૂં, જિસ્મ જૈસે માંગે કરના ભૂલ ગયા, તડપના, તડપાના ભૂલ ગયા. જીવન આજ જૈસે મુઠ્ઠી મેં હૈ. મૌત જેસે ખેલ હૈ. લગતા હૈ આજ હર ઈચ્છા પૂરી હોગી. પર મઝા દેખો, આજ કોઈ ઈચ્છા હી નહીં રહી. જિંદગી પિઘલકર પ્રકાશ બન ગઈ ઔર સચ્ચાઈ મેરા રૂપ હૈ. તન રહે ન રહે, મૈં રહૂંગા. આગ મેં ફેંક દો, મૈં જલૂંગા નહીં. તલવાર સે વાર કરો, મૈં કટૂંગા નહીં. તુમ અહંકાર હો, તુમ્હેં મરના હોગા. મૈં આત્મા હૂં, અમર હૂં. મોત એક ખયાલ હૈ જૈસે જિંદગી એક ખયાલ હૈ. ન સુખ હૈ, ન દુઃખ હૈ, ન દીન ન દુનિયા. ન ઇન્સાન, ન ભગવાન. સિર્ફ મૈં હૂં, મૈં હૂં, સિર્ફ મૈં.”

સંવાદ લેખક તરીકે વિજય આનંદનું નામ છે અને આત્મા અને મોક્ષની આટલી સરળ પ્રસ્તુતિ માટે આપણે તેમને શ્રેય આપવો જોઈએ અને આભાર પણ માનવો જોઈએ.

પરંતુ આ મોક્ષની મહેચ્છા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યા. કેટલાકે ઉગ્ર તપશ્ચર્યા કરી. તેમને થયું કે હું મારી રીતે સંદેશ આપું. અશ્વિની ભટ્ટની ‘કટિબંધ’ નવલકથામાં એક દૃશ્ય આવે તેમાં બે-ત્રણ પાત્રો હોય તે બધાની રીતે એ દૃશ્યની રજૂઆત થતી. ‘રામાયણ’થી લઈને ‘ગીતા’ સુધી અનેક ગ્રંથો પર અનેકાનેક અર્થઘટનો કરાયાં. કેટલાકે તો વાહિયાત રજૂઆત પણ કરી. મહિષાસુરનું મહિમામંડન પણ કરાયું અને દુર્ગા માતાને ખરાબ શબ્દો કહેવાયા પરંતુ હિન્દુ ધર્મની વિશિષ્ટતા એ રહી કે દરેકનો જવાબ બને ત્યાં સુધી તર્કથી જ અપાયો.

આ જ રીતે તર્કથી જવાબ આપીને જીતવાની પરંપરા હતી તેથી જ તો આદિ શંકરાચાર્ય હિન્દુ ધર્મને પુનઃસ્થાપિત કરી શક્યા, તે પણ જૈન અને બૌદ્ધ પંથના વાવાઝોડામાં. તેમણે તો આગળ વધીને સમગ્ર ભારતમાં ચાર પીઠ સ્થાપિત કરીને હિન્દુ રાષ્ટ્રનું એક નવું રૂપ આપી દીધું. તે સમયે શાસ્ત્રાર્થ થતા અને સામેવાળાનો તર્ક સાચો હોય તો તે સ્વીકારાતો. આજે આવું શક્ય બને ખરું? આજે તો તર્ક સામે કુતર્ક અપાય અને તમે આ ખોટું કર્યું કે પેલાએ આ ખોટું કર્યું એટલે અમે પણ કરીશું તેમ કુતર્ક અપાય. આદિ શંકરાચાર્યને ભગવાન શંકરનો અવતાર જરૂર મનાયો પરંતુ ભગવાન શંકરથી મોટા ક્યારેય ન મનાયા. તેમનો સંપ્રદાય શરૂ ન કરાયો. હા, એક વાત જરૂર બની કે વર્ષો પછી આજે શંકરાચાર્યની પધરામણી કરવી હોય તો સામાન્ય માનવીના ઘરે શક્ય બને ખરી?

આવું જ સંતો-મહંતોનું છે. જૈન પરંપરામાં હજુ પણ ઘરે ઘરે વહોરવા મુનિ-સાધ્વીઓ જાય છે અને તે પણ પગપાળા. આજે હિન્દુ ધર્મમાં સાધુઓએ આશ્રમ બનાવી સંપત્તિ એક યા બીજી રીતે ઊભી કરી લીધી છે. આશ્રમમાં ભવ્ય વ્યવસ્થાઓ છે અને અંદરની વ્યવસ્થા સુધી સામાન્ય માનવીની પહોંચ છે? કદાચ હશે તો કટ્ટર અને વિશ્વાસુ ભક્તની જ હશે. શા માટે સાધુઓ ઘરેઘરે ભિક્ષા લઈ ત્યાં થોડા કલાકો વિતાવી સનાતન ધર્મનો પ્રચાર નથી કરતા? કોઈ એમ દલીલ કરી શકે કે તેમાં વ્યભિચારની શક્યતા રહે. પરંતુ તેવું તો ઑલરેડી અનેક કહેવાતા બાબાઓના કિસ્સામાં બહાર આવ્યું જ છે. પરંતુ જો સાધુ રોજ એક ઘર નક્કી કરી ત્યાં થોડા કલાકો વિતાવે અને તેમની સાચી તપશ્ચર્યા હોય, તો તેમની જીવનશૈલીથી હિન્દુ ઘરમાં બાળકો પર સારી અસર પડ્યા વગર ન રહે.

આદિ શંકરાચાર્ય સમયે વિખવાદ હતો, તેથી તેમણે પંચાયતન પૂજાની પ્રથા શરૂ કરાવી. તેમાં જે માનતા હોય તે માની શકે પરંતુ આગળ જતાં અનેક લોકો જેમણે ધર્મ માટે સર્વોચ્ચ ત્યાગ આપ્યો, સમાજમાં દાખલો બેસાડ્યો તેવા લોકો પૂજાતા થયા. તેમાં પ્રભુ શ્રી રામથી લઈને શ્રી કૃષ્ણ અને રામદેવ બાબા પીર સુધીના લોકો આવી ગયા. મોરારીબાપુ કહે છે કે નીલકંઠવર્ણી પર અભિષેક ન કરાય અને ઝેર પીએ તે જ નીલકંઠ ગણાય. તેમના સમર્થનમાં દલીલો કરનારા કહે છે કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ભગવાન સ્વામીનારાયણની પૂજા કરતા હોય તેવાં ચિત્રો છે. સ્વીકાર્ય. પરંતુ વર્ષોથી દરેક ભગવાન સંબંધિત પુરાણ જોશો તો તેમાં જેના વિશે પુરાણ હોય તેની મહત્તા આ રીતે દેખાડાઈ જ છે. શિવ પુરાણમાં શિવજીની મહત્તા છે, તો વિષ્ણુ પુરાણમાં વિષ્ણુજીની છે.

શંકરાચાર્ય પહેલાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચે પણ ગંભીર સંઘર્ષ હતો. ૧૭૬૦માં શૈવ સંન્યાસીઓ અને વૈષ્ણવ વૈરાગીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. શંકરાચાર્ય અને તે પછી તુલસીદાસજી જેવા અનેક સંતોએ તેમની વચ્ચે એકતા લાવવા પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. પ્રભુ શ્રી રામ જે વિષ્ણુના અવતાર મનાયા તેમણે રાવણ સામે યુદ્ધ પહેલાં શિવપૂજા કરી શિવલિંગ સ્થાપિત કર્યું જે આજે રામેશ્વર તરીકે પ્રસિદ્ધ છે તો ભગવાન શિવજી પણ શ્રી રામની સ્તુતિ કરતા હોવાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં છે.

જો વૈદિક ધર્મ પ્રમાણે જોવા જઈએ તો આ તમામની પૂજા અમાન્ય છે. ભગવાન શંકરાચાર્ય મુજબ, પાંચ જ ભગવાન પૂજનીય છે. ગણેશ, શિવ, પાર્વતી, વિષ્ણુ અને સૂર્ય. તે રીતે પણ જોવા જાવ તો શ્રી રામ અને શ્રી કૃષ્ણની પણ પૂજા ન થઈ શકે. પરંતુ સનાતન ધર્મ સતત વિકસતો રહ્યો. તેમાં શાક્ત સંપ્રદાય ઉમેરાયો. આ સંપ્રદાય નારીને શક્તિ માનીને દેવી ઉપાસના કરે છે. અને ચંડીપાઠ ભણશો તો ખ્યાલ આવશે, ઈન્દ્ર છે તો ઈન્દ્રાણી છે, વરાહ છે તો વારાહી છે, દરેક દેવના ધર્માચારિણી દેવી છે.

તત્ત્વતઃ સનાતન ધર્મમાં સાકાર હોય કે નિરાકાર, ગુણ પૂજાનું મહત્ત્વ છે. જેણે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સર્વોચ્ચ બલિદાન કર્યું, ત્યાગ કર્યો, લડાઈ લડી, તેમની પૂજા થતી આવી છે. આની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે જેના વિશે સતત વિચાર કરો તેના જેવા બનો. એક અદ્વૈત વાદ છે જેમાં જીવ અને બ્રહ્મ એક જ છે. અહં બ્રહ્માસ્મિ. બીજો દ્વૈતવાદ છે. તેમાં ભગવાન અને ભક્ત અલગ છે. ભક્તએ ભક્તિ કરતાંકરતાં ભગવાન બનવાનું છે. ટૂંકમાં, દ્વૈતવાદથી અદ્વૈતવાદની સફરે પહોંચવાનું છે.

જો આપણે સર્વ પંથ સમભાવની વાત કરતા હોઈએ અને ભારતની બહાર જન્મેલા મતો-પંથોને પણ ભારતમાં ફૂલવા-ફાલવાની (પોતાના પગ પર કુહાડી મારવાની હદે) છૂટ આપી શકતા હોય, તેમના ગુણગાન ગાઈ શકતા હોય, અરે! અલગ-અલગ રામાયણો સ્વીકારી શકતા હોય તો ભારતની અંદર જન્મેલા પંથોની માન્યતાઓ ભલે અસ્વીકાર્યતા હોય, પરંતુ સમભાવ તો રાખવો જ ઘટે. સત્યની વાત કરતાંકરતાં પ્રેમ અને કરુણાને વિસરી ન શકાય અને સાથે ‘અમે મોટા, બાકી તુચ્છ’ તે ભાવના પણ ભૂલવી જ પડે. ભારતમાં રહેતા અલગ-અલગ પંથોના તમામ લોકોનું હિત તેમાં જ સમાયેલું છે. લાકડીઓના ભારાની વાર્તા તો સહુએ સાંભળેલી જ છે. તેને ભૂલવી ન જોઈએ.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

2 comments

Kamlesh 15/09/2019 - 3:24 AM

જોરદાર નહી અતી જોરદાર કલમ ચાલે છે….. અને મલકતા મો 😊 એ કહેવુ પડે કે ફિલ્મ ની વાત આવે તો ખરી જ…. પણ વાહ આટલા વર્ષે ડાયલોગ યાદ કેવિ રીતે આવ્યો.એ પણ અક્ષર સહ. લેખ ઉત્તમ કહેવો પડે એવો છે

Reply
dip Pandya 15/09/2019 - 8:40 AM

ખુબ જ સુંદર છણાવટ પરંતુ આ અભિષેક અન્ય લોકો ના ઘરે શું કામ ? સંપ્રદાયના લોકો માટે જ હોવો જોઈએ. શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે અને આ બધા ના ઘર પર જાય છે અને અભિષેક કરવાથી આ વિવાદ સર્જાયો છે જે જરૂરી નથી . સનાતન ધર્મ આદિઅનાદિ થી ચાલ્યો આવે છે અને આ સંપ્રદાય ને 180 વર્ષ કદાચ થયા હશે. એક પ્રકારનું વ્યાપારી કરણ જોવા મળશે.

Reply

Leave a Comment