Home » ‘કૉલેજસ્ય પ્રથમ દિવસે’: ગુજરાતી પત્રકારત્વમાં સંસ્કૃત ભૂલાતું જાય છે

‘કૉલેજસ્ય પ્રથમ દિવસે’: ગુજરાતી પત્રકારત્વમાં સંસ્કૃત ભૂલાતું જાય છે

by Jaywant Pandya

સૌજન્ય: ગૂગલ

પહેલાં પત્રકારત્વમાં સંસ્કૃત પ્રચૂરતા વધુ હતી. તેનું કારણ બ્રાહ્મણો વધુ હતા અથવા સંસ્કૃતના જાણકાર વધુ હતા તેવું બની શકે. (હું ખોટો પણ હોઈ શકું.) ‘સૌરાષ્ટ્ર સમાચાર’ માં ચીફ રિપૉર્ટર શ્રી રમેશભાઈ ઓઝા, હું ન ભૂલતો હોઉં તો, કૉલેજના પ્રથમ દિવસે ‘કૉલેજસ્ય પ્રથમ દિવસે’ (કાલિદાસના મેઘદૂતના નામના કાવ્યમાં ‘અષાઢસ્ય પ્રથમ દિવસે) નામની કૉલમ લખતા. બાય ધ વે, સંસ્કૃતનો ખરો ઉચ્ચાર સન્સ્કૃત નહીં, પણ અનુસ્વાર પછી આવતા સના કારણે મ થાય છે એ ઘણાને નહીં ખબર હોય! એ ગુજરાતી અને સંસ્કૃત વ્યાકરણના કારણે છે. ગુજરાતી મૂળાક્ષરોના કંઠવ્ય, તાલવ્ય, દંતવ્ય, મૂર્ધન્ય, ઔષ્ઠ્ય આવા પ્રકાર પડ્યા છે જેમાં દરેકમાં અનુસ્વારનો અક્ષર ઙ, ઞ, ણ, ન, મ વગેરે છે. અનુસ્વાર પછી અક્ષરની હરોળમાં છેલ્લે જે અનુસ્વારવાચક વ્યંજન આવતો હોય તેનો ઉચ્ચાર કરવો જોઈએ. અનુસ્વાર કરીએ એટલે ન્ નો જ ઉચ્ચાર કરવો યોગ્ય નથી.

પહેલાંના સમયમાં અને હજુ પણ ક્યાંક મથાળાંમાં, સમાચારમાં, વાર્તા, નવલકથા, કાવ્યમાં આવી સંસ્કૃત લોકોક્તિ અને શબ્દોના પ્રયોગો થાય છે; જેમ કે ‘વચનેષુ કિમ્ દરિદ્રતા’ (વચન આપવામાં શું જાય છે) ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ (પહેલા પ્રયાસમાં જ વિઘ્ન), ‘અહો આશ્ચર્યમ્’ (કેવું આશ્ચર્ય), ‘આનંદો’ ‘અથ શ્રી મહાભારત કથા’, ‘ઇતિ કરો’, ‘ઇતિ સિદ્ધમ્’ (સાબિત થયું), ‘યુદ્ધસ્ય કથા રમ્યા:’ (યુદ્ધની વાર્તા બધાને ગમે) ‘પરોપદેશે પાંડિત્યમ્’ (બીજાને ઉપદેશ આપતી વખતે બધા નિષ્ણાત બની જાય છે), ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ’ (જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે), ‘બુભુક્ષિત કિમ્ ન કરોતી પાપમ્’ (ભૂખી વ્યક્તિ ગમે તે પાપ આચરી શકે છે), ‘સ્વાહા’, ‘હોમાઈ જવું’, ‘આહૂત’, ‘શઠમ્ પ્રતિ શાઠ્યમ્’ (જેવા સાથે તેવા), ‘વીરભોગ્યા વસુંધરા’ (પૃથ્વીનો ઉપભોગ વીરપુરુષ જ કરી શકે છે), ‘તે હિનો દિવસો ગતા:’ (તે દિવસો ગયા), ‘અતિ સર્વત્ર વર્જયેત’ (કોઈ પણ બાબતનો અતિરેક સારો નહીં), ‘વિનાશ કાલે વિપરીત બુદ્ધિ), ‘છિદ્રાન્વેષી’ (કોઈ પણ બાબતમાં માત્ર દોષ જોનાર વ્યક્તિ), ‘મુણ્ડે મુણ્ડે મતિર્ભિન્ના’ (દરેક વ્યક્તિનો વિચાર અલગ હોઈ શકે), ‘મહાજનો યેન ગત: સ પન્થા:’ (મહાપુરુષ જે માર્ગે જાય છે તે પંથ અનુકરણીય છે), ‘વિદ્યા દદાતિ વિનયમ્’ (વિદ્યાથી વિનય આવે છે), ‘સત્યમેવ જયતે’ (અંતમાં સત્યનો જ વિજય થાય છે), ‘વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ’ (સજ્જન વજ્રથી કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે), વિદ્યાવિહીન: પશુ:’ (વિદ્યા વગરની વ્યક્તિ પશુ સમાન હોય છે), ‘શુભસ્ય શીઘ્રમ્’ (શુભ કાર્ય શીઘ્ર કરવું જોઈએ), ‘સત્યમ્ બ્રુયાત્ પ્રિયં બ્રુયાત્’ (સત્ય બોલો પણ પ્રિય બોલો)…આવી તો ઘણી બધી શબ્દાવલિ અને લોકોક્તિ હશે જે માત્ર સંસ્કૃતના જાણકાર જ નહીં, સામાન્ય જન પણ વાપરતા હશે.

પરંતુ પંદરેક વર્ષમાં તકલીફ એ થઈ છે કે અમદાવાદ કેન્દ્રિત પત્રકારત્વમાં અમદાવાદમાં રહેલા પત્રકારો અને ખાસ તો નવા પત્રકારોનું વાંચન છૂટી ગયું છે. અંગ્રેજી એટલું સારું નથી, એટલે હિન્દી ચેનલો અને હિન્દી વેબસાઇટોનો આધાર વધુ લેવાય છે. આથી ડેસ્કવાળા હોય કે રિપૉર્ટર, તેમની ભાષામાં હિન્દી હાવી થતું જાય છે અને હિન્દી ચેનલોમાં ઉર્દૂ શબ્દોની વધુ ભરમાર હોય છે. હુજૂમ (સાગર), દિલ, જહન (મન), ફેહરિસ્ત (સૂચિ), ફરમાન (આદેશ), દહશત (ભય, ડર), અફરાતફરી (અંધાધૂંધી, ભાગાદોડી) વગેરે શબ્દોનો બિનજરૂરી ઉપયોગ થાય છે. જ્યાં ઉર્દૂ/ફારસી/પર્શિયનનો વિકલ્પ જ નથી (રૂમાલ) ત્યાં બરાબર છે પરંતુ જ્યાં વિકલ્પ હતો, આપણે વાપરતા જ હતા ત્યાં બિનજરૂરી આ અઘરા શબ્દો વાપરવા શા માટે? લોકોના માથે થોપવા શા માટે?  હવે તો વર અને કન્યાના બદલે દુલ્હા, દુલ્હન, લગ્નના બદલે શાદી, પ્રાર્થનાના બદલે દુઆ/ઇબાદત/બંદગી જેવા શબ્દો વપરાવા લાગ્યા છે. આ કોઈ મુસ્લિમ પરિપ્રેક્ષ્યમાં હોય તો હજુ પણ સમજાય. પરંતુ તેમ ન હોય ત્યારે તેનો પ્રયોગ ખૂંચે છે. નવોઢા, નવદંપતી, શિશુ, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, ઉંબરો, ડેલો, ડેલી, ફળિયું, પરસાળ, શયનકક્ષ, બેઠકરૂમ, રસોડું, વઘાર (તેના બદલે હવે તડકો શબ્દ વપરાય છે! તડકાનો અર્થ ગુજરાતીમાં જુદો થાય છે), મીઠું (તેના બદલે નમક વપરાય છે), એલચી (ઇલાયચી વપરાય છે), શાક (સબ્જી વપરાય છે), આવા સામાન્ય બોલચાલમાં હમણાં સુધી હતા તેવા શબ્દો પત્રકારત્વમાં ઓછા વપરાવા લાગ્યા છે અને તેથી જનમાનસમાં પણ ભૂલાઈ જવા લાગ્યા છે. ‘ક્યાંક ને ક્યાંક’ એ હિન્દી ‘કહીં ન કહીં’નું ગુજરાતી છે જે હિન્દી ચેનલ પર છૂટથી વપરાય છે. હિન્દીમાં પણ રાજદીપ સરદેસાઈ જેવા મૂળ અંગ્રેજી પત્રકારો વધુ વાપરે છે. તે અંગ્રેજી ‘somewhere’નું હિન્દી છે. પરંતુ તે બિનજરૂરી અને વધુ પડતું વપરાય છે. ગુજરાતી પત્રકારો ટીવી પર હવે નામ આખાં બોલે છે. ભાઈ કે બહેન લગાડતા નથી. આ પણ હિન્દીનું ખોટું અનુકરણ છે. સારું અપનાવું જોઈએ અને ખોટું ઉમેરવું ન જોઈએ, પરંતુ ભાષાની ઘણાને પડી નથી.

હિન્દીમાં ‘કો લેકર’ શબ્દ વપરાય છે. બજેટ કો લેકર વિપક્ષ કે નેતાને પ્રતિક્રિયા દી. અહીં હિન્દી પણ ખોટું છે. બજેટ કે બારે મેં વિપક્ષ કે નેતાને પ્રતિક્રિયા દી. આવું હોવું જોઈએ. ગુજરાતીમાં ‘લેકર’નું ‘લઈને’ થઈ ગયું છે. બજેટને લઈને વિપક્ષના નેતાએ પ્રતિક્રિયા આપી. અહીં માત્ર ‘કો’, ‘લેકર’ અને ‘દી’ જ બદલાયા છે. ગુજરાતીમાં કહી શકાય, “બજેટ વિશે વિપક્ષના નેતાએ પોતાનો પ્રતિભાવ આપ્યો.’ પરંતુ મગજ ચલાવવું નથી. હરીફરીને પાંચસોથી વધુ શબ્દો ગુજરાતી પત્રકારત્વમાં વપરાતા નહીં હોય. આના હિસાબે, સૌરાષ્ટ્રના સમાચારપત્રોમાં હજુ પણ ભાષાવૈભવ જળવાયો છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

5 comments

Jayeshdave 04/07/2019 - 4:40 PM

અદભુત……

Reply
Ashish Kharod 05/07/2019 - 12:52 AM

સૌરાષ્ટ્રના અખબારોનો ભાષાવૈભવ પણ ઉદાહરણો સાથે લખો તો મોજ પડી જાય.

Reply
પરભુભાઈ મિસ્ત્રી 05/07/2019 - 8:52 AM

વાહ! મારા જ મનની વાત કહી.
આપણી પાસે શબ્દોની મૂડી કેટલી?
પત્રકાર મિત્રોએ આ સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. ઓછી મૂડીથી ચાલતો વ્યવસાય એટલે પત્રકારિત્વ?

Reply
પરભુભાઈ મિસ્ત્રી 05/07/2019 - 9:35 AM

પંડ્યાજી! આપે સંસ્કૃતના અનુસ્વાર બાબતે ઠીક ધ્યાન દોર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. મ અનુનાસિક તો *પ* વર્ગના વ્યંજનોમાં આવે ને? સ વર્ણને મ અનુનાસિક કેવી રીતે લગાડાય? જેમ હંસ, વંશ, કંશ, માંસ માં હઉંસ વઉંશ … બોલાય છે તેવો ઉચ્ચાર ન થઈ શકે?
વળી, કૃ માં ૠષિનો ૠ છે તેનો વિશિષ્ટ ઉચ્ચાર પણ સમજાવ્યો હોત તો ઠીક થયું હોત. સંસ્ક્રિત ઉચ્ચાર તો ખોટો જ છે. Sanskrit, Sannkrut પણ ખોટું જ છે.
વધુ પ્રકાશ પાડવા વિનંતી.

Reply
AJIT POPAT 05/07/2019 - 6:14 PM

અહીં જોડણી શુદ્ધ અને વ્યાકરણ શુદ્ધ એક વાક્ય માતૃભાષામાં લખવાના ફાંફા હોય ત્યાં સંસ્કૃત ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે? અજિત પોપટ

Reply

Leave a Comment