Home » ક્રૂર, ભોગી, મૂર્ખ શાસક જહાંગીર પરથી સૈફે દીકરાનું નામ રાખ્યું!

ક્રૂર, ભોગી, મૂર્ખ શાસક જહાંગીર પરથી સૈફે દીકરાનું નામ રાખ્યું!

by Jaywant Pandya

સબ હેડિંગ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પહેલા દીકરાનું નામ વિદેશી અને અત્યાચારી આક્રાંતા તૈમૂર પરથી રાખ્યું. તેનો ખૂબ વિરોધ થયો. તો વધુ ભુરાટાં થઈ બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું. જહાંગીર એક ક્રૂર, ભોગી, દારૂડિયો, મૂર્ખ અને ભ્રષ્ટાચારી શાસક હતો.

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, ૨૮/૦૮/૨૦૨૧)

ભારતમાં એક આખો વર્ગ એવો બની ગયો છે કે બનાવી દેવાયો છે જે ભારતના પ્રાચીન કે આધુનિક વારસાનું ગર્વ નથી લેતો. તેનાથી શરમ અનુભવે છે. અને તેને એવા ઇતિહાસનું ગર્વ છે જે ભારતના એક હિસ્સાની પરાધીનતા લાવ્યો હતો. જેમાં ભારતીયો પર અત્યાચારોનો પાર નહોતો. ભારતમાં અંગ્રેજો અને મોગલો અને એટલે અંગ્રેજી અને ઉર્દૂનું દાસત્વ મગજમાં ઘર કરી ગયું છે. તેથી આજે જો કોઈ એમ કહે કે જહાંગીર કોઈ ન્યાયપ્રિય રાજા નહોતો પરંતુ ક્રૂર શાસક હતો જેણે પોતાના દીકરાને પણ નહોતો છોડ્યો અને જેણે મુસ્લિમ નાસ્તિકોને પણ નહોતા છોડ્યા તો કોઈ માનવા તૈયાર ન થાય. એનું કારણ છે ડાબેરી ઇતિહાસકારો, હિન્દી ફિલ્મો સહિત કલાકૃતિઓ.

‘મોગલ-એ-આઝમ’, ‘જહાંઆરા’, ‘અનારકલી’,  ‘તાજમહલ’, ‘તાજમહલ: એન ઇટર્નલ લવ સ્ટૉરી’ વગેરે ફિલ્મોમાં મોગલ બાદશાહોને સારા ચિતરવામાં આવ્યા. આ બધી ફિલ્મો ભવ્ય નિર્માણ થયું. ઉત્તમ અભિનય પણ કરાયો. સંગીત પણ ઉત્તમ. સંવાદો પણ ચડિયાતા. પરંતુ કથા? સાચી કથા દર્શાવાઈ નહીં. અનેક ફિલ્મોમાં એક યા બીજા બહાને મોગલ બાદશાહો આક્રાંતાઓને સારા દર્શાવાતા રહ્યા; જેમ કે ‘વેલકમ’ ફિલ્મમાં દુબઈના હિન્દુ ડૉન તરીકે ફિરોઝ ખાને ભૂમિકા કરી હતી જે ઘણી વખણાઈ હતી. દુબઈમાં કયો ડૉન રહેતો હતો તે આખી દુનિયા જાણે છે, પરંતુ તેને ફિલ્મમાં હિન્દુ દર્શાવી દેવાયો. ખરાબ પાત્રો જો વાસ્તવમાં મુસ્લિમ કે ખ્રિસ્તી હોય તો તેને ફિલ્મમાં હિન્દુ બતાવી દેવાના અને જો વાસ્તવમાં સારું પાત્ર હિન્દુ હોય તો તેને ફિલ્મમાં મુસ્લિમ બતાવી દેવાના. આવું બહુ થાય છે હિન્દી ફિલ્મો અને વેબ સીરિઝોમાં.

તો, ઘૂંઘરુ શેઠ (પરેશ રાવલ) પોતાના ભાણેજ રાજીવ(અક્ષયકુમાર)ને ડૉન ઉદય શેટ્ટી (આ પણ હિન્દુ નામ) (નાના પાટેકર)ની બહેન સંજના (કેટરિના કૈફ) સાથે ન પરણાવવો પડે તે માટે પોતાની સાળી ઈશિકા (મલ્લિકા શેરાવત) પાસે નાટક કરાવે છે. ઈશિકા રૂપ બદલીને આવીને કહે છે કે તેનાં લગ્ન બાળપણમાં જ રાજીવ સાથે થઈ ચૂક્યાં છે. ડૉન ઉદય શેટ્ટી આ વાત નથી માનતો. તેને ત્યાંથી કાઢી મૂકાય છે ત્યાં જ ઈશિકા ઉદયથી મોટા ડૉન આર. ડી. ઍક્સ.ના ચરણોમાં પડી તેને ઝિલ્લેઇલાહી કહી ન્યાયની ભીખ માગે છે એટલે આર.ડી. ઍક્સને પણ પોતે જાણે કોઈ શહેનશાહ હોય તેવી અનુભૂતિ થાય છે અને તે ન્યાય તોળતાં સંજનાના રાજીવ સાથે લગ્ન અટકાવી દે છે. આ આખી કૉમેડીમાં પણ એવો સંદેશો જાય છે કે ઝિલ્લેઇલાહી એટલે મોગલ બાદશાહને કહેવાય. અને તે તો ન્યાયપ્રિય હતા. ડૉનને પણ જો ઝિલ્લેઇલાહી કહી દેવાય તો તેનામાં માનવતા-ન્યાય કરવાની ભાવના આવી જાય.

આ તો કમાલ છે મનોરંજન જગતનો. જે દેખાય તે તરત ગળે ઉતરી જાય. દાદાસાહેબ ફાળકેએ ઈશુ ખ્રિસ્તની ફિલ્મ જોઈ તેના પરથી તેમને વિચાર આવ્યો કે હિન્દુ રાજા પરથી, હિન્દુઓના ભગવાન પરથી ફિલ્મ કેમ ન બને. તેમણે ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ બનાવી શરૂઆત તો સારી કરી. પરંતુ પછી શનૈ: શનૈ: હિન્દી ફિલ્મ જગતમાં મોગલો, અંગ્રેજીયત, અંગ્રેજી અને ઉર્દૂ છવાતા ગયા.

આ બધી ચર્ચાનું કારણ? ફિલ્મ જગતનાં નામાંકિત દંપતી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને પોતાના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું તેના કારણે આપણે આ ચર્ચા છેડી છે. પહેલા પુત્રનું નામ વિદેશી અત્યાચારી આક્રાંતા તૈમૂર લંગના નામ પરથી તૈમૂર રાખ્યા પછી બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું. વિચાર કરો કે રાજ કપૂરની ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘પ્રેમ રોગ’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ વગેરે અનેક ફિલ્મોમાં સાચા ભારતના દર્શન થતા હતા. ભારતના તત્ત્વચિંતન-સત્યમ્ શિવમ્ સુંદરમ્ને કેટલું સરળ રીતે ગીત દ્વારા સમજાવી દેવાયું? સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ. એક સૂર્ય હૈ, એક ગગન હૈ, એક હી ધરતી માતા. દયા કરો પ્રભુ એક બને સબ. સબ કા એક સે નાતા. રાધામોહન શરણમ્. રામ અવધ મેં, કાશી મેં શિવ, કાન્હા વૃંદાવન મેં, દયા કરો પ્રભુ દેખૂં ઈન કો, હર ઘર કે આંગન મેં, રાધામોહન શરણમ્. રાજ કપૂરની ફિલ્મોમાં શરૂઆત તેમના પિતા પૃથ્વીરાજ કપૂરની શિવપૂજાથી થતી. એ જ રાજ કપૂરની પૌત્રી કરીના કપૂર માનસિક રીતે આટલી બધી વટલાઈ જાય?

સૈફ અલી ખાનનું તો સમજાય. કોઈ પણ શૉમાં સૈફને નવાબ પટૌડી કહીને બોલાવવામાં આવે છે. રાજા-રજવાડાં સમાપ્ત થઈ ગયા. હવે શેના નવાબ. અને ઇતિહાસ તો જુઓ. પટૌડી રાજ્ય અંગ્રેજોએ ઈ. સ. ૧૮૦૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે સ્થાપિત કર્યું હતું. એક અફઘાન મુસ્લિમ ફૈઝ તલબ ખાનને પહેલા નવાબ બનાવાયા હતા કારણકે હિન્દુ (મરાઠા) સામે લડવામાં તેણે બીજી મરાઠા-અંગ્રેજ લડાઈમાં મદદ કરી હતી. તેના વંશજ મન્સૂર અલી ખાન પટૌડી અને તેનો દીકરો સૈફ અલી ખાન પટૌડી. સૈફના અભિનય વિશે બધા જ જાણે છે પણ ઈ. સ. ૨૦૧૦માં કૉંગ્રેસ નીત યુપીએ શાસનમાં પદ્મ શ્રી પુરસ્કાર તેને મળી ગયો હતો. સૈફની માતા શર્મિલા ટાગોર (જેના સુંદર અભિનય વિશે કોઈ શંકા નથી) સેન્સર બૉર્ડનાં પ્રમુખ હતાં. તેના કારણે સૈફને લાભ મળી ગયો હોવાની તે સમયે ઘણી ચર્ચા થઈ હતી. જોકે આપણે તેમને શર્મિલા ટાગોર ન કહેવા જોઈએ. બેગમ આયેશા સુલતાના ખાન કહેવાં જોઈએ કારણકે મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન માટે તેઓ મુસ્લિમ પંથમાં પરિવર્તિત થઈ ગયાં હતાં અને આ નામ રાખી લીધું હતું. કેટલું વિચિત્ર! શર્મિલા ટાગોરની નાની રવીન્દ્રનાથ ટાગોરનાં ભાઈની પૌત્રી હતાં!

કૉંગ્રેસ નીત સરકારમાં શર્મિલા ટાગોરને સેન્સર બૉર્ડનાં અધ્યક્ષા બનાવાયાં હતાં. ગયા વર્ષે શર્મિલા ટાગોર, સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશી સહિત આઠ જાણીતા લોકોએ બંધારણ અમલમાં આવ્યાની ૭૦મી જયંતિ પ્રસંગે બંધારણના કામ કરવા અંગે (એટલે મોદી સરકારના કામ કરવા અંગે) આત્મનિરીક્ષણ અને તપાસ કરવા વિનંતી કરતો પત્ર લખ્યો હતો જે એક રીતે એવૉર્ડ વાપસી જેવું જ પગલું હતું.

સૈફ અલી ખાને ‘તાન્હાજી’ ફિલ્મમાં ખલનાયક અને મોગલોના સેનાપતિ ઉદયભાનસિંહ રાઠોડનું પાત્ર ભજવ્યું હતું. પાત્ર તો હિન્દુનું હતું પરંતુ વેશભૂષા અને ચાલ-ચલગત બધાથી તે મોગલ જેવો જ લાગતો હતો. ફિલ્મ કરતાં તો તેણે કરી લીધી પણ કર્યા પછી તેને પસ્તાવો થયો! તેણે કહ્યું કે “લોકો કહે છે કે આ ઇતિહાસ છે, પણ હું જાણું છું કે આ ઇતિહાસ નથી…કેટલાંક કારણોસર મેં ફિલ્મ કરતી વખતે કોઈ વલણ ન લીધું. પરંતુ હવે પછી હું લઈશ.” તો ભઈલા, કયાં કારણોસર ફિલ્મ કરી? મોગલોના સેનાપતિનું પાત્ર હતું એટલે? કે પછી તને એમ હતું કે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ની જેમ આમાં તારું પાત્ર હીરો કરતાં વધુ મજબૂત બતાવાયું હશે?

ફિલ્મના પ્રમૉશનમાં મહત્ત્વના દરેક કલાકારે હાજર રહેવું પડતું હોય છે. સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાન અને સાળી કરિશ્મા કપૂર સાથે સ્વિત્ઝર્લેન્ડ ભાગી ગયો. આ ફિલ્મ અજય દેવગને નિર્માણ કરી હતી. અને આ પહેલાં તેની ‘ઓમકારા’ ફિલ્મનું નિર્માણ અજયના સચિવ કુમાર મંગતે જ કર્યું હતું. ‘ઓમકારા’ વખતે પણ સૈફે આવું જ કરેલું તો પણ પૃથ્વીરાજ ચૌહાણની જેમ અજય સમજ્યો નહીં. ‘તાન્હાજી’ને સૈફ પ્રમૉટ ન કરે તેનું કારણ સમજવું અઘરું નથી. તેની પાછળનું કારણ હિન્દુઓ પ્રત્યેનો રોષ અને મોગલો પ્રત્યેનો પ્રેમ છુપાયેલો હોઈ શકે.

સૈફ પણ કાળિયારના શિકારના કેસમાં આરોપી હતો, પરંતુ સલમાનની જેમ તેની સામે પણ કોઈ કાર્યવાહી ન થઈ. તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડીએ પણ કાળિયારનો શિકાર કર્યો હતો. સૈફનાં પાંચ વર્ષ પછી. મન્સૂરે શિકાર કર્યો હતો તે દિવસ હતો વિશ્વ પર્યાવરણ દિવસ!

‘તાન્હાજી’માં સ્વરાજ માટે શિવાજી લડતા હોવાની વાત આવે છે. પણ સૈફ અલી ખાને આ ફિલ્મની રિલીઝની આસપાસના દિવસોમાં એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે આ ફિલ્મમાં ખોટો ઇતિહાસ છે. તે વખતે ભારત જેવું કંઈ હતું જ નહીં. ભારતની-રાષ્ટ્રની અવધારણા તો બ્રિટિશરોએ આપી. આનો જવાબ આપતાં અત્યારે કેન્દ્રીય પ્રધાન અને તે વખતે ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ સાચું જ કહેલું કે તુર્કોને પણ તૈમૂર ક્રૂર લાગ્યો હતો પણ સૈફે તેના દીકરાનું નામ તૈમૂર રાખ્યું.

ચીન હોય તો આવાં નામ સૈફને ન રાખવા દેત. ચીન તો શું, બીજા કોઈ દેશમાં તે દેશ પર આક્રમણ કરનારા પરથી પોતાના સંતાનનું નામ રાખવા ન દેત. ભારત તો શું, શ્રીલંકામાં ય રાવણ નામ નથી જોવા મળતું. જે ખલનાયક છે તે ખલનાયક છે. જેણે દુષ્ટતા આચરી છે, અત્યાચાર આચર્યા છે તેના પરથી કોઈ પોતાના સંતાનનું નામ કેવી રીતે રાખી શકે? એડૉલ્ફ હિટલર પરથી કોઈનું નામ સાંભળ્યું છે? પરંતુ આ તો જે ભારતને પ્રેમ કરે છે તેમની વેદના પર મીઠું ભભરાવવા માટે કરાયેલું કામ છે. અને તૈમૂર પહેલાં સેક્યુલર મિડિયાએ કોઈ સ્ટારના સંતાનની એકએક ગતિવિધિના સમાચાર નહોતા છાપ્યા-બતાવ્યા પણ તૈમૂરનો વિરોધ થયો એટલે સેક્યુલર મિડિયા પણ રોજેરોજ તૈમૂરના સમાચાર બતાવી અત્યારથી તેનો પ્રચાર કરવા લાગ્યું-તેને હીરો તરીકે ચિતરવા લાગ્યું. તૈમૂરનો વિરોધ ખૂબ થયો તે પછી વધુ ભુરાટા બનેલાં સૈફ-કરીનાએ તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું. કરીના કપૂર ખાને ‘કઠુઆ બળાત્કાર’ કેસ વખતે સ્વરા ભાસ્કર સહિત બીજી ડાબેરી કલાકારો સાથે ‘મને ભારતીય હોવાની શરમ છે’ લખેલું પાટિયું લઈ વિરોધ દર્શાવ્યો હતો.

સરકાર ગમે તેટલા સારા આશયવાળી અને દૃઢાગ્રહવાળી હોય પરંતુ ઘણી વાર અધિકારીઓના કારણે ભૂલ કરી બેસાતી હોય છે. રાષ્ટ્રવાદી અંગ્રેજી સાપ્તાહિક ‘ઑર્ગેનાઇઝર’ના અહેવાલ પ્રમાણે, ગત જૂનમાં યોગ દિવસ પહેલાં આયૂષ મંત્રાલયના પ્રમૉશનલ વિડિયોમાં કરીના કપૂર ખાનને દર્શાવાઈ હતી. ભાજપના નેતા કપિલ મિશ્ર સહિત અનેકોએ તેનો વિરોધ કર્યો એટલે પછી એ વિડિયો દૂર કરાયો.

હવે વાત કરીએ જહાંગીરની. જહાંગીરને ન્યાયપ્રિય દર્શાવાયો છે પરંતુ તે લખણોમાં પૂરેપૂરો હતો. પોતાની આત્મકથામાં તેણે જ લખ્યું છે, “એક સમયમાં તે દિવસમાં દારૂના ૨૦ પ્યાલા પીતો હતો. ૧૪ દિવસમાં અને છ રાતમાં.” અર્થ કે તે દારૂડિયો હતો. એટલું જ નહીં, તેનો દીકરો દારૂ નહોતો પીતો તેનું તેને દુઃખ હતું કે ૨૪ વર્ષનો થઈ ગયો તો દારૂને હાથ કેમ નથી લગાડ્યો? દારૂ ઇસ્લામમાં વર્જિત છે. તો શું જહાંગીર મુસ્લિમ ગણાય? જહાંગીર ભોગવિલાસમાં પૂરેપૂરો રાચતો હતો. તેને ૧૮ રાણી હતી અને બધીને તે પૂરેપૂરી ભોગવતો હતો.

જહાંગીરે અકબરના નિકટના ચરિત્રલેખક અબુલ ફઝલની હત્યા કરાવી દીધી કારણકે અબુલ ફઝલ જહાંગીરને પસંદ કરતો નહોતો. જહાંગીરે તેની પત્ની નૂરજહાંની એક દાસીને ખાડામાં ખોડી દીધી હતી કારણકે તે એક કિન્નરને ચુંબન કરતાં પકડાઈ હતી. જહાંગીર બીજા લોકો નહીં, પોતાના દીકરા પ્રત્યે પણ ઘણો ક્રૂર હતો. તેના દીકરા ખુસરોએ પિતા સામે વિદ્રોહ કરી દીધો હતો. (મોગલોમાં કોઈ કોઈનું સગું નથી હોતું. બધાંને સત્તા વહાલી હોય છે.) તેમાં ખુસરો હારી ગયો. મોહમ્મદ ઘોરી તો પૃથ્વીરાજનો કોઈ સગો નહોતો તો પણ યુદ્ધમાં હાર પછી તેમણે ઘોરીને ક્ષમા આપી દીધી હતી તો જહાંગીર તો ખુસરોનો પિતા હતો. તેણે તેને ક્ષમા આપી દેવાની હોય. પરંતુ તેણે ખુસરોની આંખ ફોડી દીધી હતી અને તેને આજીવન કાળી કોટડીમાં પૂરી દીધો હતો!

આ ખુસરો ભાગીને પંજાબ ગયો હતો જ્યાં શીખોના ગુરુ અર્જુનદેવજીએ તેને ધનની મદદ કરી. આનાથી જહાંગીર ખૂબ જ રોષે ભરાયો. તેણે અર્જુનદેવજીની હત્યાનો આદેશ આપ્યો હોત તો હજુ કદાચ સમજાત, પણ તેણે કહ્યું કે યાતના આપીને અર્જુનદેવજીની હત્યા કરો. આ આદેશ મુજબ અર્જુનદેવજીને પાંચ-પાંચ દિવસ યાતના આપવામાં આવી અને તે પણ કેવી! જ્યેષ્ઠ શુક્લ (સુદ) ચતુર્થી, સંવત ૧૬૬૩ (૩૦ મે ૧૬૦૬)ના રોજ તેમને લાહૌરની ભીષણ ગરમીમાં ગરમ મોટી લોઢી પર બેસાડવામાં આવ્યા! તેમના ઉપર ગરમ રેતી અને તેલ નાખવામાં આવ્યું. યાતનાના કારણે તેઓ મૂર્છિત થઈ ગયા તો તેમના શરીરને રાવી નદીમાં વહાવડાવી દીધું.

પણ શું માત્ર ખુસરોને સાથ આપવાના જ કારણે જહાંગીરે શીખોના ગુરુ અર્જુનદેવને આ ક્રૂર રીતે મરાવી નાખ્યા? પોતાની આત્મકથા ‘તુઝુકે જહાંગીર’માં જહાંગીરે લખ્યું છે, “ગોઇંદવાલમાં વ્યાસ નદીના કિનારે એક હિન્દુ અર્જુન સંતના વેશમાં રહે છે. હિન્દુ પણ તેના શિષ્ય બની રહ્યા છે અને કેટલાક મુસ્લિમ પણ મૂર્ખતાના કારણે તેની પાસે જઈ રહ્યા છે. (અસલી કારણ આ બીજું હતું-મુસ્લિમોવાળું) ગુરુ અર્જુન ધાર્મિક હોવાનો અને દુનિયાનું નેતૃત્વ કરવાનો પાખંડ કરતો હતો. દુર્ભાગ્યથી મૂર્ખ અને મંદબુદ્ધિ લોકો દૂરદૂરથી તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા હતા. તેઓ તેને ગુરુ માનતા હતા અને તેના પર પૂર્ણ નિષ્ઠા વ્યક્ત કરતા હતા.”

જહાંગીર બીજા બધા મોગલ બાદશાહોની જેમ પોતાને હિન્દુ સમાજનો પણ બાદશાહ કહેવડાવવાનું પસંદ કરતો હતો પરંતુ હિન્દુઓ તેને પોતાનો રાજા નહોતા માનતા. તેમનો એક વર્ગ ગુરુ અર્જુનદેવને સાચા રાજા કહેતો હતો. જહાંગીરને માત્ર અર્જુનદેવ પ્રત્યે રોષ નહોતો. તેને ગુરુ પરંપરા સામે રોષ હતો કારણકે આ ગુરુ પરંપરાના કારણે હિન્દુ ધર્મ ટક્યો રહ્યો છે. (અહીં નોંધવું જોઈએ કે જહાંગીરને મન શીખો હિન્દુથી જુદા નહોતા. એ તો અંગ્રેજોની ચાલ અને કૉંગ્રેસની વિભાજનકારી નીતિના કારણે શીખો પોતાને અલગ પંથના માનતા થઈ ગયા.) આથી જ જહાંગીરે આત્મકથામાં લખ્યું, “ત્રણ ચાર પેઢીઓથી તેણે પોતાની આ જૂઠાણાની દુકાનને ગરમ કરી રાખી છે…લાંબા સમયથી હું વિચારી રહ્યો હતો કે તેમના આ ધંધાને હંમેશ માટે સમાપ્ત કરી દેવામાં આવે અથવા તેને (ગુરુ અર્જુનદેવજીને) મુસલમાન બનાવી દેવા જોઈએ.”

આમ, અર્જુનદેવજીને મારી નાખવા પાછળ જહાંગીરનું કારણ માત્ર તેના પુત્રને સહાય કરી હોવાનું નહોતું-હિન્દુ અને તેની ડાળ શીખ સંપ્રદાયને સમાપ્ત કરવાનું હતું. જહાંગીરે માત્ર ખુસરો કે અર્જુનદેવને જ સજા ન આપી, પરંતુ આગરાથી પુત્ર ખુસરો પાછળ લાહોર જતાં રસ્તામાં તેણે એ ૭૦૦ જણાને યાતના આપીને મારી નાખ્યા જેમણે તેના પુત્રને સહાય કરી હતી!

જહાંગીર કોઈ શક્તિશાળી નહોતો. તે વાતનું પ્રમાણ એ છે કે તેના એક સૈનિક મહોબ્બત ખાંએ તેનું અપહરણ કરી લીધું હતું. જોકે સૈનિક તેને પૂરું માન આપતો. પણ આ અપહરણ કરવાનું કારણ એ હતું કે જહાંગીર ખરાબ સોબતમાં હતો અને તેનો સૈનિક તેને ખરાબ સોબતથી બચાવવા માગતો હતો.

જહાંગીર તો સેક્યુલર હતો તેવું મુસ્લિમ અને ડાબેરી ઇતિહાસકારોએ દર્શાવવા પ્રયત્ન કર્યો. પરંતુ ‘તુઝુકે જહાંગીર’માં જહાંગીર પોતે જ આ ઇતિહાસકારોની પોલ ખોલે છે. તેણે રાજસ્થાનના પુષ્કર પાસે વરાહ મંદિર તોડવા અંગે લખ્યું છે: “હું મંદિરમાં ગયો. મેં એક કાળો પથ્થર જોયો જેનું શીશ ડુક્કરનું હતું અને શરીર માણસ જેવું. હિન્દુ ધર્મ કેટલો નકામો છે કે સર્વોચ્ચ શક્તિએ પોતાને આ સ્વરૂપમાં દેખાડવાનું પસંદ કર્યું, આ માટે તેઓએ (હિન્દુઓએ) તેને વહાલું માન્યું અને તેની પૂજા કરી. મેં તેને તોડવાનો આદેશ આપ્યો.”

અમદાવાદ-અહમદાબાદ નામ ઘણાને ગૌરવશાળી લાગે છે અને જ્યારે તેનું નામ બદલવાની વિચારણા થાય છે ત્યારે અહીંના હિન્દુઓ જ તેનો વિરોધ કરે છે. પરંતુ આ મોગલો-મુસ્લિમ શાસકોની હિન્દુઓ અને તેમાંથી નીકળેલી પ્રત્યેક ડાળ ચાહે તે શીખ હોય, બૌદ્ધ હોય, કે જૈન હોય, તેના પ્રત્યે અસહિષ્ણુતાની નીતિ તેમને ખબર નથી હોતી. ‘ઇન્તિખાબ-એ-જહાંગીરશાહી’માં લખાયું છે કે જ્યારે જહાંગીરને અમદાવાદમાં જૈન મંદિરોની ખબર પડી ત્યારે તેણે તેને તરત જ તોડી નાખવાનો આદેશ આપ્યો.

જ્યારે જહાંગીર પહેલી વાર ઈ.સ. ૧૬૧૭માં અમદાવાદ આવેલો ત્યારે તેને આ શહેર બિલકુલ નહોતું ગમ્યું અને તેને ‘ગર્દાબાદ’ એટલે કે ધૂળની નગરી કહેલું. જહાંગીર શાસક તરીકે કેટલો નબળો હતો તે એ વાત પરથી ખબર પડશે કે તેણે પૉર્ટુગલો અને અંગ્રેજોને ગુજરાતના સુરતમાં વેપાર કરવા મંજૂરી આપી હતી. એટલું જ નહીં, અંગ્રેજો વચ્ચે ઝઘડા થતા તો તેનો ઉકેલ ભારતની ન્યાય વ્યવસ્થા પ્રમાણે લવાતો પરંતુ તેણે અંગ્રેજોને તેની કંપનીમાં કંઈ ગરબડ થાય તો તેનો ન્યાય તેમની રીતે કરવા છૂટ આપી હતી. પરંતુ જહાંગીરે તપાસ ન કરાવી. થોમસ રૉ (જેની આગળ ‘સર’ અંગ્રેજો ભલે લગાવે, આપણે ન લગાવું જોઈએ. આપણા માટે ‘સર’, ‘લૉર્ડ’ વગેરે શાના?) તેની આગળ દૂત બનીને આવ્યો તો તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કર્મચારી હોવાની સાથે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમનો દૂત પણ હતો. આનો અર્થ સ્પષ્ટ હતો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી હોવાનું તો બહાનું હતું. તે વખતે એટલે કે સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં ભારે આર્થિક સમસ્યાઓ હતી. પણ મૂર્ખ જહાંગીરે તેને માન્યતા આપી દીધી.

થોમસ રોએ તેની નોંધમાં મોગલ કાળમાં પ્રવર્તી રહેલી ક્ષુલ્લક માગણી માટે લાંચની વ્યવસ્થાનું વર્ણન પણ કર્યું છે, જેમાં સામાન્ય મોગલ કર્મચારી અસફ ખાન થોડાં રમકડાં માટે ભેટ માગી રહ્યો હતો ત્યારથી લઈ છેક જહાંગીર સુધી લાંચની વાત છે. થોમસ રો લખે છે કે જહાંગીરને જો ભેટ ન અપાય તો તે કોઈ વિનંતી કાને ધરતો નહોતો. ઘણી વાર તો તે સામેથી માગી જ લેતો હતો. આમ, અંગ્રેજોના રાજના પાયા પણ જહાંગીરના રાજમાં નખાયા હતા.

આવા દારૂડિયા, ભોગવિલાસી, ક્રૂર, મૂર્ખ, ભ્રષ્ટાચારી, હિન્દુ વિરોધી એવા જહાંગીર પરથી પોતાના દીકરાનું નામ પાડીને સૈફ અને કરીના શું તેના જેવો પોતાના દીકરાને બનાવવા માગે છે? કારણકે જ્યારે કોઈ વ્યક્તિના નામ પરથી પોતાના સંતાનનું નામ પાડવામાં આવે ત્યારે માતાપિતાની ઈચ્છા હોય છે કે તે એ વ્યક્તિ જેવો બને. અલબત્ત, નામ એવા ગુણ હોય જ તેવું નથી હોતું કે જેના પરથી નામ પડાયું હોય તેવી તે વ્યક્તિ ન પણ બને કારણકે કિશન નામવાળા બધાં કૃષ્ણ ભગવાન જેવા નથી હોતા. પરંતુ નામ પાડવા પાછળ સૈફ-કરીનાનો જે આશય છે, હિન્દુઓના ઘા પર મીઠું ભભરાવવા તેઓ માગે છે તે સ્પષ્ટ છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment