Home » અયોધ્યાનાં આંગણે આવ્યો અલબેલો અવસર

અયોધ્યાનાં આંગણે આવ્યો અલબેલો અવસર

by Jaywant Pandya

સબ હેડિંગ: રામમંદિર માટે વિપંથીઓ કરતાં સેક્યુલર હિન્દુઓએ આપેલી પીડા વધુ કષ્ટદાયક છે. રામમંદિરના બદલે હૉસ્પિટલ બનવી જોઈએ, શૌચાલય બનવું જોઈએ તેવી દલીલો થઈ. કેસને લટકાવવા માટે પૂરેપૂરા પ્રયાસો થયા. અને હવે જ્યારે મંદિરનિર્માણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાનના જવાથી બંધારણ ખતરામાં આવી જશે તેવી દલીલ થઈ રહી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૨/૦૮/૨૦૨૦)

આમ તો નીચેનું ગીત પ્રેમી માટે લખાયું છે પરંતુ ભગવાનને તેના સ્થાને મૂકી જુઓ તો અયોધ્યામાં પાંચ ઓગસ્ટે જે પ્રસંગ ઉજવાવાનો છે તેના માટે અબજો હિન્દુ હૃદયમાં જે ભાવના છે તે આ ગીતના શબ્દો દ્વારા વ્યક્ત થાય છે:

અલબેલા સજન આયો રી

મોરા આત્મન સુખ પાયો રી

ચૌકી પુરાઓ મંગલ ગાઓ

મન રંગ નિસ પાયો રી

ભગવાનની સ્વભૂમિમાં પધરામણી ૧૪ વર્ષે થઈ હતી ત્યારે અયોધ્યાવાસીઓ કેવા હર્ષોલ્લાસથી ભરપૂર હતા તે દીપાવલીનો તહેવાર શરૂ થયો! આ તો ૪૯૨ વર્ષના વનવાસ પછી (અને ખરા અર્થમાં તો જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે) શ્રી રામ તેમના અનુજ અને સીતા મૈયા સાથે બિરાજશે. તો હૈયામાં હરખ સમાય ખરો? ઘરેઘરે ઘીનો દીવો પ્રગટાવવાનો, રંગોળી કરવાનો અને તોરણ બાંધવાનો, મોઢું મીઠું કરાવવાનો (અલબત્ત, કોરોનાના લીધે પરિવારમાં જ નિયમો સાથે ઉજવવાનો) આ અવસર છે.

પાંચ ઑગસ્ટે અયોધ્યા સાથે આખું ભારત પ્રસન્નતાથી ભરાઈ જશે. અનેક આંખોમાં હર્ષનાં અને કેટલીક આંખોમાં મરચું ખાધું હોય ને બળતરા થાય ત્યારે જે આંસું આવે તેવાં આંસું આવશે. કેટકેટલા સંઘર્ષમાંથી પસાર થઈને આ શ્રી રામમંદિર નિર્માણનો પાવન અવસર આવ્યો છે! મંદિરના પરિસરમાં ટાઇમ કેપ્સ્યૂલ (ઇતિહાસ) ધરબાવાના સમાચાર પ્રસરેલા પરંતુ ટ્રસ્ટે તેની ના પાડી છે. જો રખાયો હોત તો અનેક પેઢીઓ સુધી આ ઇતિહાસ સચવાયેલો રહેત.

આ પ્રસંગે અમંગળ વિચારવું નથી પરંતુ રાક્ષસી પ્રવૃત્તિઓ કરનારા દિનપ્રતિદિન વધી રહ્યા છે. એ જોતાં ઇતિહાસ યાદ રાખવો અને યાદ રખાવવો બહુ જરૂરી છે. ગત વર્ષે નવ નવેમ્બરે જ્યારે ચુકાદો આવ્યો તેની આસપાસ આ કૉલમમાં શ્રી રામમંદિર માટેનો ૪૯૨ વર્ષનો સંઘર્ષ આલેખ્યો હતો એટલે તે ફરીથી નથી આલેખવો. વિપંથી બાબર અને પછીના મોગલકાળમાં, અંગ્રેજ કાળમાં તો જે અત્યાચાર થયા તે થયા પણ સ્વતંત્રતા પછી સેક્યુલરિઝમના નામે હિન્દુઓનો અને શ્રી રામમંદિરનો અત્યાર સુધી અને હજુ પણ કેવોકેવો વિરોધ અને તે પણ સેક્યુલર હિન્દુઓ દ્વારા થતો આવે છે તે જોઈને એમ થાય કે આ પાપની પરાકાષ્ઠા છે! કળિયુગની પરાકાષ્ઠા છે! શિશુપાલે તો શ્રી કૃષ્ણની નિંદા કરી હતી અત્યારે તો સ્ટેન્ડ અપ કૉમેડીના નામે ઇન્ટરનેટ પર સેન્સરશિપના અભાવે શ્રી રામની ગંદી મજાક થાય છે! વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોરની વોહરા મસ્જિદમાં જાય કે અમદાવાદની સીદી સૈયદ મસ્જિદમાં જાય ત્યારે બંધારણ ખતરામાં નથી આવતું પરંતુ શ્રીરામમંદિરના ભૂમિપૂજન માટે જવાના છે તેનાથી આ સેક્યુલરો અને ડાબેરીઓના મતાનુસાર બંધારણનું ઉલ્લંઘન થાય છે!

‘વાયર’ નામની અતિ (એક્સ્ટ્રીમ) હિન્દુ વિરોધી વેબસાઇટ પર રાજકીય વિશ્લેષક બદ્રી રૈના લખે છે કે આ દેશ પર મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો પહેલો હક છે કારણકે તેમના મૃત્યુ પછી તેમને અહીંની માટીમાં દફનાવવામાં આવે છે. તેનાથી આ માટી ફળદ્રુપ બની જાય છે. જ્યારે હિન્દુઓના અંતિમ સંસ્કાર પછી અસ્થિઓને ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં વહેવડાવવામાં આવે છે. તે નદીનું પાણી સમુદ્રમાં જાય છે અને પછી તે ભારત બહાર ચાલ્યું જાય છે. આમ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મર્યા પછી પણ આ દેશની માટીને ફળદ્રુપ કરે છે! બદ્રી રૈનાને પૂછવું જોઈએ કે જો આમ જ હોય તો અરબ દેશોમાં કેમ ખેતી ફૂલીફાલી નથી? મુસ્લિમોની કે ખ્રિસ્તીઓની દેશભક્તિ પર પ્રશ્ન નથી પરંતુ જો આમ જ હોય તો તમામ કબ્રસ્તાનો ખેડૂતોને સોંપી દેવાં જોઈએ કારણકે મૃત્યુ પછી ખાલી યાદગીરીરૂપે કબર રહે તેના કરતાં ખેડૂતો ખેતી કરે ને! આ દેશના લોકોને સારું અનાજ, ફળ-ફૂલ આપે. આવું ન કરાય પરંતુ આ દલીલના વિરોધમાં જ આ વાત કરાઈ છે કારણકે બદ્રી રૈનાના કહેવા પ્રમાણે તેમને અબ્દુલ રશીદ નામનો જે ડ્રાઇવર મળ્યો તેણે આ વાત કરી હતી. જો આવી વિચારધારા મુસ્લિમોમાં ચાલતી હોય તો તેનો વિરોધ થવો જ જોઈએ.

બદ્રી રૈનાને કોઈએ કહેવું જોઈએ કે સમુદ્ર ભલે ભારતનો હોય કે દુનિયાનો હોય પરંતુ સમુદ્ર, નદી, તળાવ, ઝરણાંના પાણીનું સૂર્યના તાપમાં બાષ્પીભવન થાય છે. તે બાષ્પથી વાદળ બને છે અને તે વાદળ જ વરસાદ વરસાવે છે અને આ વરસાદ થાય છે ત્યારે તે પાણીથી અથવા વરસાદથી હરીભરી રહેતી નદીના પાણીથી ખેતીમાં પાક થાય છે. બીજું કે અસ્થિઓનું નદીમાં વિસર્જન થવા પાછળ સાંપ્રદાયિક કારણ શંખ ઋષિએ રચેલા શંખસ્મૃતિ ગ્રંથમાં અપાયું છે:

यावदस्थीनि गंगायां तिष्ठन्ति पुरुषस्य तु ।

तावद वर्ष सहस्राणि स्वर्गलोके महीयते ।।

જેટલો સમય અસ્થિઓ ગંગા નદીમાં રહે છે તેટલો સમય દિવંગત આત્મા હજારો વર્ષ સુધી સ્વર્ગમાં રહેવાનું સુખ ભોગવે છે.

આ તો થયું સાંપ્રદાયિક કારણ, પરંતુ તેની પાછળ વિજ્ઞાન શું છે? હાડકાંઓમાં અને તેની રાખમાં ફૉસ્ફેટ ઘણી માત્રામાં હોય છે. શરીરને હાડકાં સાંધવા અને બનાવવામાં ફૉસ્ફરસની જરૂર પડે છે. તેનાથી ચેતાઓ પણ સુચારુ રીતે કામ કરે છે. ફૉસ્ફેટમાં રહેલું મોટા ભાગનું (૮૫ ટકા) ફૉસ્ફરસ હાડકામાં મળી આવે છે. એટલે અસ્થિઓને ગંગા કે પવિત્ર નદીમાં પ્રવાહિત કરવામાં આવે તેનાથી આ નદીઓના પાણીમાં ફૉસ્ફરસનું પ્રમાણ વધે છે. આ નદીના પાણીથી સિંચાઈ કરીને કરાતી ખેતીમાં પાણીની સાથે ફૉસ્ફરસ પણ આવે છે. અને ફૉસ્ફરસ ખેતીમાં સારો પાક લેવા જરૂરી છે. તો મૃત્યુ પછી ખેતીમાં ઉપયોગી કોણ થયું?

શ્રી રામમંદિર માટે પણ બદ્રી રૈના જેવા અનેક બુદ્ધુજીવીઓએ અનેક ખોટા તર્કો કર્યાં. ત્યાં હૉસ્પિટલ બનાવો તેમ કોઈએ કહ્યું. તો કોઈએ કહ્યું કે શૌચાલય બનાવો. કોઈએ વળી સ્કૂલની વાત કરી. કોરોનામાં પણ એક સંદેશ ફર્યો કે હમ હૉસ્પિટલ કે લિયે કહાં લડે થે, હમ તો મંદિર-મસ્જિદ કે લિયે લડે થે ઔર દેખિયે, કોરોના કાલ મેં મંદિર-મસ્જિદ બંધ હૈ. આ સંદેશ દેખીતી રીતે તો મંદિર-મસ્જિદ બંને માટે હતો પરંતુ તેમાં નિશાન મંદિર જ હતું- ખાસ કરીને શ્રી રામમંદિર, કારણકે તેના માટે જ લડત ચાલી હતી.

ટીવી પર મંદિરોએ પોતાની સંપત્તિ કોરોના કે આ કાળમાં કામ નહીં હોવાથી ભૂખ-બેરોજગારીથી પીડિત લોકોને આપી દેવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ. અનેક મંદિરોએ પોતાના ખજાના પીએમ કૅર્સ અને સીએમ રિલીફ ફંડ માટે ખોલી નાખ્યા. અનેક મંદિરોએ તેમના પરિસરના રૂમોને આઇસૉલેશન વૉર્ડમાં ફેરવી નાખ્યા. પરંતુ આની સામે કેટલી મસ્જિદોએ, કેટલાં વકફ બૉર્ડે, કેટલાં ચર્ચોએ દાન આપ્યું તેની કોઈ ચર્ચા નહીં. મંદિરોનાં તો કોરોના સિવાય સામાન્ય સ્થિતિમાં પણ સદાવ્રત ચાલતા હોય છે. તમે તમારી આજુબાજુનાં મંદિરોમાં નજર કરજો, કેટલી ગરીબ, બે ટંક ભોજનનો વેંત ન હોય તેવા લોકો મંદિરમાં જમતા હોય છે. અનેક મંદિરો ફ્રી નિદાન કેમ્પ ચલાવતાં હોય છે. અનેક મંદિરોમાં રક્તદાન જેવાં સેવાકાર્યો થતાં હોય છે. અનેક મંદિરોમાં ભગવદ્ ગીતા કે અન્ય ગ્રંથો પર પ્રવચન થતાં હોય છે. ઘરેથી ત્રસ્ત અનેક લોકો મંદિરે આવીને ત્યાંના પરિસરમાં શાંતિ અનુભવે છે. કેટલાક વડીલો તો ઘરેથી નીકળીને મંદિરમાં બેસી ઈષ્ટદેવના જાપ કરતા હોય છે.

મંદિરમાં પીપળો વગેરે વૃક્ષ હોય છે જેના લીધે પર્યાવરણનું જતન થાય છે. કેટલાંક મંદિરોમાં ગોશાળા પણ હોય છે. તેના કારણે ગાયનું પણ જતન થાય છે અને ગાયના દૂધ, દહીં, ઘી, છાણ વગેરે જેના ગુણો અનેક રોગોમાં રાહત અથવા મટાડવામાં કામ લાગે છે તે રાહત ભાવે મળે છે. મંદિરોની બહાર ફળ અને ફૂલ વેચનારાઓ વેચી પેટિયું રળતા હોય છે. મંદિરની બહાર દેવીદેવતાના અથવા સારા વિચારનાં પુસ્તકો-સીડી, માતાજીની ચૂંદડી, પ્રસાદ વગેરે વેચી અનેક લોકો કમાણી કરતા હોય છે. મંદિર એ આધ્યાત્મિક પર્યટનનું સ્થળ પણ છે. તમે કોઈ પણ શહેર કે નગરમાં ફરવા જાવ ત્યારે ત્યાંનાં આસ્થાના કેન્દ્ર એવા જાણીતા મંદિરે જરૂર જાવ છો. તો તેના માટે રિક્ષા, કાર વગેરેની પણ કમાણી થાય છે. મંદિરમાં કોઈ માર્ગદર્શક હોય તો તે મંદિરનો ઇતિહાસ, તેની સાથે જોડાયેલી કથા સંભળાવીને કમાય છે. અર્થશાસ્ત્રના જનક ગણાતા આદમ સ્મિથે ‘વૅલ્થ ઑફ નેશન’માં સંપ્રદાય (religion)નાં અનેક પાસાં ચર્ચ્યાં છે.

વિપંથીઓનાં આક્રમણો સમયે, તેમના અત્યાચારી શાસન દરમિયાન હિન્દુ ટક્યો કેવી રીતે? મંદિર થકી! મંદિરમાં થતી ભક્તિ થકી! જૂના સમયમાં મંદિરમાં પંચાયત સભા અને ગ્રામ સભા બેસતી હતી. કર ઉઘરાવવાનું સ્થાન પણ મંદિર હતું. મંદિર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર હતું. મોટા મેળાઓ, લોક નાટકો, સંગીત સભાઓ, પંથીય કથાઓનું કથન, વગેરે મંદિર પરિસરમાં આયોજિત થતું. બનાસકાંઠામાં ૨૦૧૭માં પૂર આવ્યું ત્યારે કેટલાંક મંદિરો આશ્રયસ્થાન બન્યાં હતાં. આજે ભાવનગર જિલ્લાનું રાજપરા ગામ આર્થિક રીતે ધમધમતું હોય તો મા ખોડિયાર માતાના મંદિરના કારણે. શું પાલિતાણા શેત્રુંજય પર્વત પર આવેલા જૈન મંદિરોના કારણે નથી ધમધમતું? વેરાવળ અને પ્રભાસપાટણ સોમનાથ કે દ્વારકા દ્વારકાધીશ મંદિર, અંબાજી મા અંબાના મંદિરના કારણે આર્થિક રીતે વેગવાન નથી? આમ જુઓ તો પ્રસિદ્ધ મંદિરો નાનાં ગામોમાં જ છે.

એટલે જ મંદિરનો મહિમા ઓછો આંકનારા કે “અમે તો મંદિરે જતા જ નથી”, “અમે તો કર્મમાં માનીએ છીએ”, “ભૂખ્યાને ખવડાવવું એ સૌથી મોટી પૂજા છે” આવું કહેનારાને મંદિરે લઈ જઈ બતાવજો કે તેની બહાર કેટલા લાચાર ભીખારીઓ (કેટલાક સાચા ભીખારી નહીં પણ હોય) ભીખ માગીને પોતાનું જીવન ચલાવે  અને કેટલા લોકો તેના સદાવ્રતમાં જમે છે! અમદાવાદના ઇસ્કૉન કે જલારામ મંદિરની પ્રસાદીમાં મળતી ખીચડી કે ફરાળી વાનગીથી પેટ ભરનારા કેટલા લોકો છે!

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment