Home » બ્રિટનના આ મુસ્લિમ પંથ ગુરુ કહે છે કે મુસ્લિમો કોરોનાને ગંભીરતાથી નથી લેતા

બ્રિટનના આ મુસ્લિમ પંથ ગુરુ કહે છે કે મુસ્લિમો કોરોનાને ગંભીરતાથી નથી લેતા

by Jaywant Pandya

સારદર્શી

( અંક -૩૯, દિ. ૩૧/૭/૨૦૨૦)

◾ ચીનને ફટકા રોજેરોજ પડી રહ્યા છે, પણ ભારતનું ચીન પ્રેમી મિડિયા તેને દર્શાવશે નહીં. ભારતને પડતા (કદાચ કાલ્પનિક અથવા અમેરિકાના પૂર્વ રા.સુ.સલાહકાર જેવા ખોટા દાવાવાળા) ફટકા જરૂર ગાઈવગાડીને કહેશે. આજે જે ફટકો પડ્યો છે તે અમેરિકા કે ચીન તરફથી નથી પડ્યો. મ્યાનમાર તરફથી પડ્યો છે. ગઈ કાલે મણિપુરમાં ત્રાસવાદી હુમલા વખતે આપણે જોયું હતું કે મ્યાનમાર-થાઇલેન્ડ સરહદે ચીનનાં બનાવટના શસ્ત્રો ઝડપાયા હતા જે મ્યાનમારના વિદ્રોહી જૂથ માટે હતા. આનાથી મ્યાનમાર ભડકે તે સ્વાભાવિક છે. એટલે ગત જાન્યુઆરીમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ મ્યાનમાર ગયા હતા અને કેટલીક સમજૂતીઓ પર તેમણે હસ્તાક્ષર કર્યા હતા. તેમાં યાંગોન શહેરને વિકસાવવાનો સમાવેશ થતો હતો, પણ મ્યાનમારે હવે આ પરિયોજના (ચીન સિવાયની) આંતરરાષ્ટ્રીય પેઢીઓ માટે ખોલી નાખ્યો છે. અર્થાત્ એક રીતે ચીનને તગેડી મૂક્યું છે. ચીનને બીજો ફટકો પડ્યો છે યુરોપીય સંઘ તરફથી. યુરોપીય સંઘે ગઈ કાલે રશિયાની સેનાની ગુપ્તચર સેવા અને ઉત્તર કોરિયા તેમજ ચીનની પેઢીઓ પર વિશ્વભરમાં સાઇબર હુમલા કરવા માટે પ્રવાસ અને આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. સાઇબર ક્રાઇમને લગતા આવા પહેલા પ્રતિબંધો છે.

ઝુમરાત દાવુત નામની ૩૮ વર્ષની એક મહિલાએ કહ્યું છે કે ચીનની સરકારે ઘણાં બાળકો હોવા માટે તેની ફરજિયાત નસબંધી કરી દીધી હતી

◾ ભારતના ઘણા લોકોને ચીનની ઘણી બાબતો ગમતી હોય છે પરંતુ ચીન જેવું જો આપણી સરકાર કરવા જાય તો અહીં હોબાળો મચી જાય. અત્યારે જનસંખ્યા નિયંત્રણ કાયદાની હજુ તો ચર્ચા જ થાય છે ત્યાં હોબાળો છે, પણ ચીનમાં? ઝુમરાત દાવુત નામની ૩૮ વર્ષની એક મહિલાએ કહ્યું છે કે ચીનની સરકારે ઘણાં બાળકો હોવા માટે તેની ફરજિયાત નસબંધી કરી દીધી હતી. ચીનના પશ્ચિમી શિનજિયાંગ ક્ષેત્રની રાજધાની ઉરુમ્કીની પૂર્વ નિવાસી આ મહિલાએ કહ્યું કે ત્રણ બાળકોને જણવા માટે તેને વર્ષ ૨૦૧૮માં અંદાજે ૧.૯૭ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે તે દંડ ભરવા ગઈ (વિચાર કરો કે આ મહિલા પણ કેવી કહેવાય કે હજુ ત્રણથી વધુ બાળકો તેને કરવા હશે, જેથી તે દંડ ભરવા ગઈ) ત્યારે ચીનના અધિકારીઓ તેને એક ક્લિનિકમાં લઈ ગયા અને તેને બેભાન કરી દેવામાં આવી અને તેની ફેલોપિયન ટ્યુબની શસ્ત્રક્રિયા કરી દેવામાં આવી. આ એક મહિલાની વાત નથી, વિઘુર (અત્યાર સુધી આપણે ઉઈઘુર ઉચ્ચાર કરતા હતા, Chirag Thakkarg એ ધ્યાન દોર્યું કે તેનો ઉચ્ચાર વિઘુર છે) મહિલાઓ ચીનની સરકાર પર વંધ્યીકરણ, સાંસ્કૃતિક બ્રેઇનવૉશ અને જાતીય હિંસાના આક્ષેપો કરતી રહી છે. પરંતુ આ બાબતે ભારત સહિત અનેક દેશોના મુસ્લિમો ચૂપ રહે છે. ભારતમાં જ વારીસ પઠાણ જેવા ઓવૈસીના એમઆઈએમના નેતા કહી શકે છે કે અમે ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ હિન્દુઓ પર ભારે પડીશું. ચીન સામે તેમની બોલતી બંધ થઈ જાય છે.

◾વિદેશમાં રહેતા એક વિઘુર સમૂહે ઑલિમ્પિક સમિતિને ગઈ કાલે અપીલ કરી હતી કે ૨૦૨૨ની શિયાળુ ઑલિમ્પિક રમતો બૈજિંગમાં યોજવામાં ન આવે કારણકે ચીન વિઘુર વસતિનો નરસંહાર કરી રહ્યું છે. દસ લાખ કરતાં વધુ વંશીય વિઘુર અને અન્ય લઘુમતીઓને ચીનમાં નજરબંદી કરીને કેમ્પમાં રખાય છે જ્યાં તેમનું રાજકીય બ્રેઇનવૉશ થાય છે. આ લોકોમાં મોટા ભાગના તુર્કી મુસ્લિમો છે. પરંતુ તુર્કીના પ્રમુખ આ બાબતે પણ કંઈ બોલતા નથી, જ્યારે પોતાના દેશમાં વર્ષો જૂના ખ્રિસ્તી મ્યુઝિયમ હગિયા સોફિયાને મસ્જિદમાં ફેરવી નાખે છે. બાય ધ વે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને હગિયા સોફિયાને મસ્જિદ બનાવી નાખવાના પગલાને આવકાર્યું છે. આ બાબતે કર્નલ અભિનંદન વખતે ઈમરાન ખાનને નોબલ પુરસ્કાર આપવો જોઈએ તેવું કહેનારા ભારતના સેક્યુલરો કંઈ કહેશે?

પોતાના સમુદાયને સાચી સલાહ આપનાર બ્રિટનના મુસ્લિમ પંથ ગુરુ અખ્તર મહેમૂદ (ડાબે) અને મોહમ્મદ અશરીફ તાહીર નુશાઈ

◾પોતાના સમુદાયના લોકો ખોટું કરે તો તેમને કહેવાની હિંમત પંથના ગુરુમાં હોવી જોઈએ. આવી હિંમત દાખવી છે યુકેના યૉર્કશાયરના મસ્જિદના એક નેતાએ. ઉત્તર ઇંગ્લેન્ડમાં કોરોનાના કેસમાં વધારો છે ત્યારે તેમના પોતાના પંથના મુસ્લિમ નમાઝીઓ કોરોનાના પડકારને પૂરતી ગંભીરતાથી નથી લેતા તે માટે તેમણે તેમની ટીકા કરી છે. બ્રેડફૉર્ડમાં ૮૪ વર્ષના મોહમ્મદ અશરીફ તાહીર નુશાઈએ કહ્યું કે “દુઃખની વાત છે કે અમારા મુસ્લિમ લોકો જ કોરોનાને પૂરતી ગંભીરતાથી નથી લેતા. ઘર-વાસ હળવો થયો ત્યારથી તેઓ પોતાના સગાવહાલા અને મિત્રોની મુલાકાત લે છે. અને એકબીજાનાં ઘરોમાં પ્રસંગોમાં ભાગ લે છે. તેઓ પોતાને સુરક્ષિત રાખવા વિશે જરા પણ વિચારતા નથી. આ મસ્જિદ સમિતિના એક સભ્ય અખ્તર મહેમૂદે કહ્યું: “અમારા લોકોની સમસ્યા એ છે કે કોરોનાથી કોઈનું મૃત્યુ થાય છે તો લોકો મોટી સંખ્યામાં તેમના બેસણામાં (ઝિયારત)માં જાય છે. બે સપ્તાહ પહેલાં અમારી પંથીય સભા (કૉન્ગ્રિગેશન)ના એક સભ્યનું અવસાન થયું તો ૫૦ લોકો તેમના ઘરે સાંત્વના આપવા એકઠા થયા હતા!” આથી હવે સરકારને નવો નિયમ બહાર પાડ્યો છે. તે મુજબ અન્ય પરિવારોના સભ્યોને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આના લીધે કેટલાક મુસ્લિમો ક્રોધિત છે કારણકે આ નિયમ ઈદની પૂર્વસંધ્યાએ બહાર પાડવામાં આવ્યો છે. તેમણે આ નિયમને સત્તાના બિલકુલ દુરુપયોગ સમાન ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બૉરિસ જૉન્સનની સરકારને બ્રિટિશ મુસ્લિમો પ્રત્યે કોઈ માન નથી!

◾બકરી ઈદ પર બલિદાન આપવાનું છે. પરંતુ તે પોતાની પ્રિય વસ્તુનું. નિર્દોષ પ્રાણીનું નહીં. આવું અભિનેતા ઈરફાન ખાન કહેતો હતો, પરંતુ હૈદરાબાદના એક પરિવાર તો હદ જ કરી નાખશે. કોરોનાથી મુક્તિ મેળવવા તે દોઢ લાખ રૂપિયાના ૧૩૦ કિગ્રા આસપાસ વજનના ઘેટાંનો બલિ આપશે! મોહમ્મદ સરવારનું કહેવું છે કે ઘેટાના બલિથી અલ્લાહ દુનિયાને કોરોના વાઇરસથી મુક્તિ અપાવશે. તેના પરિવારનું પણ માનવું છે કે ઇદ ઉલ અજહાના પર્વ પર દર વર્ષે સ્વસ્થ અને મજબૂત જાનવરનો ત્યાગ કરવાથી અલ્લાહ કોરોના જેવી મહામારીથી છૂટકારો અપવે છે! બોલો! આમને કોણ સમજાવે કે આવાં પાપના લીધે જ કુદરત કદાચ કોરાના જેવી મહામારી આપે છે! આ નિર્દોષ ઘેટાની આંતરડી નહીં કકળે? તેમની ચીચીયારીઓ, તેમનો આર્તનાદ શું આફત નહીં આમંત્રે?

◾ એક-બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં એક બકરીને પોલીસે પકડી લીધી હતી કારણકે તેના સ્વામીએ તેને છૂટી મૂકી દીધી હતી અને માસ્ક નહોતું પહેરાવ્યું. ત્યારે તેની મજાક ઊડી હતી. પોલીસનું કહેવું છે કે હવે લોકો પોતાના પાળીતા કૂતરાને પણ માસ્ક પહેરાવે છે તો બકરીને કેમ ન પહેરાવ્યું? જોકે હવે પ્રાણીઓને પણ બહાર ચરવા કે ફરવા લઈ જાવ તો તેને માસ્ક પહેરાવવું પડશે કારણકે અમેરિકામાં જર્મન શૅફર્ડ બડી નામના સાત વર્ષના એક કૂતરાનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો અને ૧૧ જુલાઈએ ત્રણ મહિનાની બીમારી પછી તેનું મૃત્યુ થઈ ગયું તેમ નેશનલ જ્યૉગ્રાફિકે જણાવ્યું છે. તેને શ્વાસની તકલીફ થઈ ગઈ હતી. આ કૂતરાને તેના સ્વામી રૉબર્ટ મેહોનીથી કોરોનાને ચેપ લાગ્યો હશે તેમ મનાય છે. અમેરિકામાં ૨૫ કૂતરા અને બિલાડીને કોરોનાનો ચેપ લાગ્યાની વાતને પુષ્ટિ થઈ છે.

◾ ફેસબુક અને ગૂગલને દુનિયાભરમાંથી રોષનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં તેમના વડાઓની પૂછપરછ થયા પછી હવે એવા સમાચાર આવ્યા છે કે ઑસ્ટ્રેલિયાની સરકારે ફેસબુક અને ગૂગલને સમાચારમાંથી મળેલી આવકનો હિસ્સો આપવા કહ્યું છે. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી કાર્યવાહી છે. આ બંને કંપનીઓએ પરંપરાગત મિડિયાની સાથે હવે વાટાઘાટ કરવી પડશે. જો કોઈ સમજૂતી નહીં થાય તો લવાદ પ્રક્રિયા થશે. અને નિયમોના ઉલ્લંઘન માટે તેમના પર ૭૦ લાખ ડૉલરનો દંડ થઈ શકે છે.

◾ હવે રાષ્ટ્રીય સમાચારોની વાત. આજે મોદી સરકારે ચીનને વધુ એક ફટકો પાડ્યો. સરકારે કલર ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધો લાદી દીધા છે. આ પગલાંના કારણે ભારતમાં મેન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહન મળશે અને ચીન જેવા દેશોમાંથી બિનજરૂરી ચીજોની આયાત અટકશે. આનાથી વિદેશી હુંડિયામણ પણ બચશે.

◾ ભારત ચીન સરહદે વધુ ૩૫,૦૦૦ સૈનિકો મૂકવા તૈયારી કરી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં આ સૈનિકોને મૂકાતાં, ભારતનો હાથ ચીન સામે ઉપર રહેશે કારણકે આ સૈનિકોએ સિયાચીન, પૂર્વ લદ્દાખ અથવા ઈશાન ભારત જેવાં ઊંચા સ્થાનો અને ઠંડી હવામાનમાં કામ કરેલું છે. તેથી તેઓ પ્રતિકૂળ હવામાન અને પ્રદેશમાં કામ કરવા માટે માનસિક રીતે તૈયાર છે. બીજી બાજુ, અગાઉ અહીં વાત કરી હતી તેમ ચીનના સૈનિકો આવી સ્થિતિથી ટેવાયેલા નથી.

◾ પંજાબના અનેક જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી મરનારની સંખ્યા ૪૯ થઈ છે. મરનારા તરનતારન, અમૃતસર અને બટાલા ક્ષેત્રનાં છે. અગાઉ સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. આજે ૪૨ લોકોનાં મૃત્યુ થયાં. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે આખા મામલાની તપાસના આદેશ આપ્યા છે. તાજેતરમાં ૯ મેએ પંજાબમાં નવી દારૂ નીતિ પર ચર્ચા કરવા એક બેઠક મળી હતી ત્યારે મુખ્ય સચિવ કરણ અવતાર સિંહની ટીપ્પણીના કારણે નાણા પ્રધાન મનપ્રીત બાદલ બેઠક છોડી ચાલ્યા ગયા હતા. તે પછી સહકાર પ્રધાન સુખજિન્દર રંધાવા અને અન્ય પ્રધાન પણ બેઠક છોડી ચાલ્યા ગયા હતા. એમ મનાય છે કે મુખ્ય સચિવે ટીપ્પણી કરી હતી કે પ્રધાનોએ જે સૂચનો કર્યા છે તે ટકે તેવાં નથી. મે મહિનામાં ગેરકાયદે દારૂ બનાવવાના કૌભાંડનો રહસ્યસ્ફોટ થયો ત્યારે તેમાં એવું બહાર આવ્યું હતું કે આ કૌભાંડમાં અલગ-અલગ રાજકીય પક્ષોના લોકો સંડોવાયેલા છે. આમાંના કેટલાક કૉંગ્રેસના છે, કેટલાક શિરોમણી અકાલી દળના છે તો કેટલાકની સ્થાનિક ભાજપના નેતાઓ સાથે નિકટતા છે. પ્રશ્ન એ છે કે મે મહિનામાં લઠ્ઠાકાંડ બહાર આવ્યો ત્યારે કેમ કૉંગ્રેસ સરકાર ન જાગી? અને ફરી વાર પચાસેક માણસો મરે તેવો કાંડ થવા દીધો?

◾સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રોજબરોજ નિતનવા ફણગા ફૂટી રહ્યા છે. આજે રિયાએ રોનાધોના કરી સફેદ વસ્ત્રોમાં પોતે નિર્દોષ હોવાની વાત કહી. પહેલાં સીબીઆઈ તપાસની માગણી કરનાર રિયા હવે બિહાર પોલીસ તપાસની સામે સુપ્રીમ કૉર્ટમાં કહી રહી છે કે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે બિહાર પોલીસને તપાસ કરતી અટકાવવામાં આવે. બિહાર પોલીસને સુશાંતના બૅન્ક ખાતાની વિગતોથી ખબર પડી છે કે તેમાં નામાંકનમાં તેની બહેન પ્રિયંકાસિંહનું નામ છે. પણ તેના ખાતામાંથી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી બિન્દાસ્ત પૈસા ખર્ચતા હતા. ૧૨ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ વિવિડ્રેઝને ૭૨,૦૦૦ રૂપિયા ચુકવાયા હતા. ૧૪ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ શોવિક ચક્રવર્તીની ફ્લાઇટના ૮૧,૦૦૦ રૂપિયા ચુકવાયા હતા. ૧૫ ઑક્ટોબરે શોવિક ચક્રવર્તીનો હૉટલનો ખર્ચ ૭૨,૦૦૦ રૂપિયા ચુકવાયો હતો. ૨૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ ન્યૂ ટર્મ ડિપોઝિટ ૨૦ લાખ રૂપિયાની કરવામાં આવી હતી ! આજે સુશાંતસિંહના બૉડી ગાર્ડે વટાણા વેરી નાખ્યા. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે જે આક્ષેપો કર્યા છે તે સાચા છે તેમ સુશાંતના બૉડી ગાર્ડનું કહેવું છે. બૉડી ગાર્ડે કહ્યું કે સુશાંત આપઘાત કરી જ ન શકે. રિયા અને તેના પરિવારે સુશાંતને લૂટી લીધો હતો અને તેનો ઉપયોગ મની કાર્ડ તરીકે કરતો હતો. બૉડી ગાર્ડનું કહેવું છે કે આરોપી રિયા સુશાંતને ડ્રગ્સ આપતી હતી. રિયા જ્યારથી સુશાંતના જીવનમાં પ્રવેશી ત્યારથી સુશાંતની જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. તે મોટા ભાગે સૂતો રહેતો હતો અને કાં તો અસ્વસ્થ રહેતો હતો. કોઈ તેનો સીધો સંપર્ક સાધી શકતું નહીં. તેણે એમ પણ કહ્યું કે રિયાએ ઘરના આખા સ્ટાફને બદલી નાખ્યો. સુશાંતના એકાઉન્ટન્ટને પણ. માત્ર બૉડી ગાર્ડને રાખ્યો. રિયાના આવ્યા પહેલાં સુશાંતનો પરિવાર, ખાસ કરીને તેની બહેન પ્રિયંકાસિંહ તેને વારંવાર મળવા આવતી, પરંતુ રિયાના આવ્યા પછી રિયાનો પરિવાર આવ્યા કરતો અને ગયા એક વર્ષમાં સુશાંતના પૈસાથી પાર્ટી કરતા રહેતા.

સિદ્ધાર્થ સુશાંતનો ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર હતો? કે પછી રિયાનો પર્સનલ ફૉટોગ્રાફર?

◾ અર્નબ ગોસ્વામી સતત આ કેસનું જડબેસલાક ફૉલોઅપ કરી રહ્યા છે. આજે રિપબ્લિક વર્લ્ડ પર સિદ્ધાર્થ પિઠાણીનો તેમણે ઇન્ટરવ્યૂ કર્યો. સિદ્ધાર્થ સુશાંત સાથે રહેતો હતો. પરંતુ આ ઇન્ટરવ્યૂમાં જ તે વારંવાર ફરી ગયો. તેણે એમ કહ્યું કે રિયાના કહેવાથી તે સુશાંતને દવા આપતો હતો પરંતુ કઈ દવા તે તેને ખબર નહોતી. સુશાંત સાથે તે કેમ રહેતો હતો તે પ્રશ્ન છે. સિદ્ધાર્થને એ ખબર નથી કે સુશાંત માનસિક બીમાર હતો કે નહીં. તેને એ પણ ખબર નથી કે રિયા ઘર છોડીને કેમ ચાલી ગઈ. રિયાએ સુશાંતનો ફૉન નંબર બ્લૉક કરી દીધો હતો પરંતુ સિદ્ધાર્થને તે સુશાંતને દવા આપવાનું કહેતી હતી! અર્નબે ઉલટ તપાસ બરાબર કરી એટલે સિદ્ધાર્થ ફૉન કટ થઈ ગયો તેમ કહીને ત્યાંથી નીકળી ગયો. અહીં પ્રશ્ન એક એ પણ છે કે સિદ્ધાર્થ હૈદરાબાદ પહોંચી ગયો છે. મૃત્યુ સમયે સિદ્ધાર્થ સુશાંત સાથે હતો. તો પોલીસે તેને કેમ મુંબઈથી બહાર જવા દીધો? સિદ્ધાર્થ સુશાંતનો ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર હોવાનું કહેવાય છે. પરંતુ તે સુશાંતના ઘરમાં ફ્રીમાં કેમ રહેતો હતો? તેને એટલી બધી સત્તા કેવી રીતે હતી કે રિયાના કહેવા પર તે દવા આપતો હતો? સૉશિયલ મિડિયા પર કેટલાક લોકો તેને સ્ટ્રગલિંગ ઍક્ટર તરીકે પણ ગણાવે છે. સિદ્ધાર્થ અર્નબ ગોસ્વામીના ઇન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીનો બચાવ કરતો હોય તેવું લાગ્યું. બીજો પ્રશ્ન એ છે કે સિદ્ધાર્થ પિઠાણીને રિયા સાથે કેવા સંબંધ હતા? કારણકે રિયાની લગભગ ઘણી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં ફૉટોગ્રાફર તરીકે સિદ્ધાર્થને ક્રેડિટ અપાઈ હતી! શું સિદ્ધાર્થ સુશાંતનો ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર હતો? કે પછી રિયાનો પર્સનલ ફૉટોગ્રાફર?

◾ રિયા ચક્રવર્તીનો એક વિડિયો બિહાર પોલીસને મળ્યો છે જેમાં આમ તો તે મજાક મસ્તીના મૂડમાં લાગે છે પરંતુ તેનાથી તેની છાપ ખોટી ઊભી થાય છે. જેમ ગુંડાને મુંબઈમાં ‘ભાઈ’ કહે છે તેમ રિયા પોતાને ‘તાઈ’ કહે છે. તાઈ એટલે બહેન. તેમાં તે હપ્તા વસૂલી, ગુંડા વગેરે શબ્દો પણ બોલે છે. (www.timesnownews.com/india/article/sushant-singh-rajput-case-apun-tai-hai-rhea-chakraborty-in-undated-video-accessed-by-bihar-police-watch/629962)

◾ સુબ્રમણિયન સ્વામીએ આજે પણ સુશાંતના કેસમાં પ્રશ્નો ઉઠાવવાનું ચાલુ રાખ્યું. સ્વામીએ કહ્યું કે મુંબઈ પોલીસે આ કેસમાં હજુ પણ એફઆઈઆર નથી નોંધી. પૉસ્ટ મૉર્ટમ રિપૉર્ટને શા માટે કામચલાઉ (પ્રૉવિઝનલ) ગણાવવામાં આવે છે? બંનેનું એક કારણ છે. હૉસ્પિટલના ડૉક્ટરો સુશાંતના વિસ્કેરા રિપૉર્ટની ફૉરેન્સિક વિભાગમાંથી રાહ જોઈ રહ્યા છે કે તેને ક્યાંક ઝેર તો નહોતું અપાયું ને. તેના નખ પણ મોકલાયા હતા.’

◾ સુશાંતના કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર સામસામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર-મુંબઈ પોલીસ બિહાર પોલીસને તપાસમાં સાથ નથી આપી રહી. તે તો ઠીક, પણ આજે એક વિડિયો આવ્યો જેમાં મુંબઈ પોલીસ બિહાર પોલીસને એક વાનમાં બેસાડીને લઈ જઈ રહી છે. એમ મનાય છે કે મહારાષ્ટ્ર પોલીસે બિહાર પોલીસને તપાસ કરતી અટકાવી છે. આના કારણે બિહારમાં શાસક જનતા દળ (યૂ)ના પ્રવક્તા અજય આલોકે કહ્યું કે “બિહાર પોલીસ મુંબઈમાં છે. આ કેસ સર્વોચ્ચમાં છે. મુંબઈ પોલીસ સહકાર નથી આપી ર ગી. અમે આ મુદ્દાને સર્વોચ્ચમાં લઈ જઈશું.” બિહાર સરકારે સુશાંત મામલામાં સર્વોચ્ચમાં કેવિયેટ દાખલ કરી છે, જેમાં રિયા ચક્રવર્તીના બિહાર પોલીસની તપાસને મહારાષ્ટ્ર ટ્રાન્સ્ફર કરવાનો વિરોધ કરાયો છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ રિયા ચક્રવર્તીની અરજીમાં સર્વોચ્ચમાં કેવિયેટ દાખલ કરી છે. અહીં એ જણાવી દઉં કે કેવિયેટ એટલે એવી અરજી કે અમને સાંભળ્યા વગર કેસમાં કોઈ ચુકાદો ન આપવામાં આવે. દરમિયાનમાં મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન શંભુરાજ દેસાઈનું કહેવું છે કે બિહાર પોલીસે પ્રૉટોકોલ અનુસર્યો નથી.

◾ અને હવે આ કેસમાં કરણી સેના પણ કૂદી છે. કરણી સેનાએ માગણી કરી છે કે આ કેસની સીબીઆઈ તપાસ કરવામાં આવે નહીંતર તે રાજમાર્ગોને રોકશે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવસિંહ ગોગમેડીનું કહેવું છે કે સુશાંતની કથિત હત્યામાં હિન્દી ફિલ્મની ગૅંગ મધ્યસ્થી છે. તે અંધારી આલમના ઈશારે કામ કરે છે. આ ગેંગ નવી પ્રતિભાને આવવા દેતી નથી. કરણી સેનાના વડાએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પણ આ બાબતે મળ્યા હતા. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સભ્યો બિહારમાં સુશાંતના ઘરે પણ ગયા હતા. આમ, હવે સીબીઆઈની તપાસની માગણી જોર પકડી રહી છે.

◾ જોકે હવે કેન્દ્ર સરકાર પણ મેદાને આવી છે. પ્રવર્તન નિદેશાલય (ઇડીએ સુશાંતના કેસમાં કાળાં નાણાં સફેદ કરવાનો કેસ દાખલ કર્યો છે. આ કેસ બિહાર પોલીસની એફઆઈઆરના આધારે દાખલ કરાયો છે. ઇડી સુશાંતનાં નાણાંનો ગેરવહીવટ થતો હતો કે કેમ અને કોઈ તેનાં નાણાંને કાળાં નાણાંને સફેદ કરવા અને ગેરકાયદે અસ્ક્યામતો ઊભી કરવા કરતું હતું કે કેમ તેની તપાસ કરશે.

◾ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે અહીં કૉંગ્રેસના ધારાસભ્યોને સાચવવા અલગ-અલગ હૉટલમાં રખાય તે સમજી શકાય, પણ આજે રાજસ્થાનમાં અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર ફેરવવામાં આવ્યા તે સમજાયું નહીં. જયપુરમાં એક હૉટલ ફૅરમૉન્ટમાં આ ધારાસભ્યો ૧૩ જૂનથી રહી રહ્યા હતા. શું તેઓ એક ને એક જગ્યાએ કેદ રહી કંટાળી ગયા હતા? આ ધારાસભ્યોને અલગ-અલગ જૂથમાં જેસલમેર લઈ જવા ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોનામાં જ્યારે શ્રમિકોને તેમના ઘરે પાછા જવું હતું ત્યારે તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂ. ૬૭૫ લેવામાં આવ્યા હતા. આ ધારાસભ્યો પાસેથી વિમાનનું ભાડું લેવામાં આવ્યું હશે? ઓહ, ભૂલ્યા. અહીં તો તેમને ‘સાચવવા’ના છે. ભાડું મગાય થોડું? સામેથી આપવું પડે. આજે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે હૉર્સ ટ્રેડિંગના ભાવ વધી ગયા છે. તેઓ આ ઉદાહરણ પરથી જ કહેતા હશે કારણકે તેમના જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર લઈ જવા પડ્યા. ગેહલોતે આની પાછળ કારણ આપતા કહ્યું કે અનેક દિવસોથી તેઓ જયપુરમાં હતા. તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અને તેમના પર તેમજ તેમના પરિવારજનો પર દબાણ ઊભું કરાઈ રહ્યું હતું. પ્રશ્ન એ છે કે શું આ ધારાસભ્યોના મોબાઇલ તેમની પાસે રાખવા દેવાયા હોય? ન જ હોય. કારણકે મોબાઇલ રાખવા દેવામાં આવે તો સચીન પાઇલૉટ જૂથના લોકો કે ભાજપના લોકો તેમનો સંપર્ક કરી તેમને પોતાની બાજુ લઈ આવે. દેખીતું કારણ તો એ જ લાગે છે કે જયપુરમાં તેઓ કંટાળી ગયા હશે.

◾ દરમિયાનમાં, એવી ચર્ચા છે કે ગહલોત જૂથનાં ૧૧ ઘેટાં, સોરી ધારાસભ્યો ગાયબ છે. તેમના છ પ્રધાન અને પાંચ ધારાસભ્યો હજુ જેસલેમર પહોંચ્યા નથી. તેમાં પરિવહન પ્રધાન પ્રતાપસિંહ ખાચરિયાવાસ, આરોગ્ય પ્રધાન ડૉ. રઘુ શર્મા, રમત પ્રધાન ચાંદના, કૃષિ પ્રધાન લાલચંદ કટારિયા, આરોગ્ય રાજ્ય પ્રધાન સુભાષ ગર્ગ, સહકારિતા પ્રધાન ઉદયલાલ આંજના, વગેરે સહિત અગિયાર લોકોનો સમાવેશ થાય છે.

◾ હવે રાજસ્થાન વિધાનસભા કૉંગ્રેસના મુખ્ય દંડક મહેશ જોશીએ રાજસ્થાન ઉ. ન્યા.ના નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચમાં ધા નાખી છે.

કૉંગ્રેસની અંદર ચાલી રહેલા વરિષ્ઠ અને યુવાન નેતાઓ વચ્ચેના ઝઘડાનો અણસાર મનીષ તિવારીના ટ્વીટ પરથી મળી શકે છે,

◾ પરંતુ રાજસ્થાન, અને ગઈ કાલે વાત કરી તેમ ઝારખંડ જ નહીં, કૉંગ્રેસ આખી જ આંતરિક વિખવાદમાં અભૂતપૂર્વ રીતે સપડાઈ ગઈ છે. આનું ઉદાહરણ છે રાજ્યસભા સાંસદોની એક આભાસી (વર્ચ્યુઅલ) બેઠક જે કૉંગ્રેસ અધ્યક્ષાએ બોલાવી હતી. (જોકે તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે, તેમની તપાસમાં શું આવ્યું વગેરે કોઈ માહિતી નથી.) આ બેઠકમાં ભારે ચર્ચા થઈ જેમાં વૃદ્ધ અને યુવાન નેતાઓએ એકબીજા પર ખૂબ જ આક્ષેપો કર્યા. આના પરથી સ્પષ્ટ છે કે અત્યારે કૉંગ્રેસ સોનિયાના નેતૃત્વમાં ઘરડા લોકોના અને બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવાન લોકોના જૂથમાં બિલકુલ સામસામે વહેંચાઈ ગઈ છે. તેમના વચ્ચે ભારે અંટસ પડી ગઈ છે. એક અહેવાલ મુજબ, તેમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબલે કહ્યું કે પક્ષે હારનાં કારણો માટે આત્મમંથન કરવાની જરૂર છે. પી. ચિદમ્બરમે પણ કહ્યું કે લોકોની વચ્ચે જઈને તપાસ કરવી પડશે કે લોકો કૉંગ્રેસથી દૂર કેમ થઈ ગયા છે? આની સામે રાહુલ ગાંધીના એકદમ નિકટના મનાતા અને નવા રાજ્યસભા સાંસદ બનેલા તેમજ ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ભોપાલથી (મધ્યપ્રદેશ) લઈને જયપુર (રાજસ્થાન) સુધીના કિસ્સામાં, ઉપરના સ્તરથી નીચેના સ્તર સુધી એક શૂન્ય જેવી સ્થિતિ બની ગઈ છે. રાજીવ સાતવનો આ આક્ષેપ દેખીતી રીતે સોનિયા સામે જ કહી શકાય કારણકે મધ્ય પ્રદેશમાં યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને કૉંગ્રેસે ગુમાવી દીધા છે અને જયપુરમાં પણ સચીન પાઇલૉટ હવે પાછા ફરે તેમ નથી. રાજીવ સાતવે એમ પણ કહ્યું કે આત્મમંથન કરવું હોય તો ૨૦૦૯થી એટલે કે યુપીએ-૨થી કરવું જોઈએ. ૨૦૦૯માં આપણી સંખ્યા બસ્સોથી ઉપર હતી. તે વખતે તમે બધા (સિબલ, ચિદમ્બરમ્) પ્રધાનો હતા. આપણે એ જોવું જોઈએ કે તમે લોકો કેમ નિષ્ફળ થઈ ગયા? આ સમયે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ હાજર હતા. તેમણે રાજીવને ટોક્યા. આના જવાબમાં વરિષ્ઠ નેતા શમશેરસિંહ ઢુલ્લોએ વળતો પ્રહાર કર્યો કે પક્ષમાં વરિષ્ઠ લોકોની અવગણના થાય છે અને ચમચાઓને પુરસ્કૃત કરાય છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ લોકોએ પક્ષને પોતાના લોહીથી સિંચ્યો છે, યુવાન નેતાઓએ નહીં. અન્ના હઝારે પર બેફામ આક્ષેપો કરનાર અને તોછડાઈ કરનાર પક્ષના પૂર્વ પ્રવક્તા અને પ્રધાન મનીષ તિવારીએ આજે ટ્વીટ કરીને આ વાતને સમર્થન આપ્યું. તેમણે ચાર પ્રશ્નો પૂછ્યા- શું કૉંગ્રેસની આ સ્થિતિ માટે યુપીએ સરકાર જવાબદાર હતી? બીજો પ્રશ્ન- શું યુપીએની અંદરથી જ તોડફોડ કરવામાં આવી હતી? ત્રીજો પ્રશ્ન- ૨૦૧૯ની હારનું પણ વિશ્લેષણ થવું જોઈએ. ચોથો પ્રશ્ન- છ વર્ષ થઈ ગયા પણ યુપીએ સરકાર સામે એકેય આરોપ સાબિત થઈ શક્યો નથી.

◾ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી હજુ પણ કૉંગ્રેસ સામે રોષિત છે. તેમણે કૉંગ્રેસને પ્રશ્ન કર્યો કે જો તમે તમને સમર્થન આપનાર અને એક સમાન વિચારધારાવાળા પક્ષને પણ તોડશો તો તમને સમર્થન કોણ આપશે? તમારી ભૂલ તમને કેમ નથી દેખાતી? આ પ્રશ્ન ગુજરાતના #પ્રજાદ્રોહનાં ગાણાં ગાનાર સેક્યુલરોને પણ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કૉંગ્રેસને સમર્થન આપનાર બસપના જ છ ધારાસભ્યોને અશોક ગેહલોત તોડી પોતાના પક્ષમાં લઈ આવ્યા હતા. કુમારસ્વામીએ કૉંગ્રેસને યાદ અપાવ્યું કે અગાઉ કૉંગ્રેસે કર્ણાટકમાં જનતા દળ (એસ)ના ધારાસભ્યોને પણ તોડ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રાજ્યસભાની માત્ર એક બેઠક માટે શું કૉંગ્રેસે કર્ણાટકમાં જનતા દળ (એસ)ના આઠ ધારાસભ્યોને ખરીદ્યા નહોતા? શું આ લોકશાહી છે?” તેમણે કહ્યું કે જ્યારે એસ. એમ. કૃષ્ણ કૉંગ્રેસના મુખ્ય પ્રધાન હતા ત્યારે શું કૉંગ્રેસે અમારા ધારાસભ્યોને ખરીદવા પ્રયાસ નહોતો કર્યો? શું કૉંગ્રેસે ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં અમારા ધારાસભ્યોને ખરીદીને સરકાર રચવાનું ષડયંત્ર નહોતું કર્યું?

◾ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે એક સારા સમાચાર આપ્યા. તેણે કહ્યું કે દેશ આખામાં સંપૂર્ણ ઘર-વાસ દરમિયાન એટલે કે એપ્રિલથી જૂનમાં તેનો નફો ૮૧ ટકા વધ્યો! નફો ૪૧.૮૯ અબજ રૂપિયાએ પહોંચ્યો. તેમાં એનપીએ એટલે કે પાછું નહીં આવનાર ધીરાણ, તેણે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. પહેલા ત્રિમાસમાં બૅન્કની એનપીએ ઘટીને ૫.૪૪ ટકા થઈ.

◾ આવા બીજા એક સારા સમાચાર એ છે કે સ્વતંત્રતા પછી પહેલી વાર ‘સ્વાતંત્ર્ય દિન’ સમારોહ જમ્મુ-કાશ્મીરના સરહદ પર આવેલા એક ગામ કેરનમાં જોવા મળશે! દેશના સૌથી અંતિમ આ ગામના લોકો પહેલી વાર લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિન સમારોહ જોશે અને વડા પ્રધાનનું લાલ કિલ્લા પરથી પ્રવચન સાંભળશે. વાત એમ છે કે ૧૨,૦૦૦ પરિવારના આ ગામે સ્વતંત્રતાનાં ૭૩ વર્ષ પછી વીજળી નહોતી જોઈ. પરંતુ ૭૪મા સ્વતંત્રતા દિવસ પર સવારમાં આ ગામમાં વીજળી હશે કારણકે સ્વતંત્રતા પછી પહેલી વાર અહીં વીજળીનું આગમન થયું છે. પહેલાં આ ગામના લોકો ડીઝલ જનરેટર પર નિર્ભર હતા જેમાં માત્ર સાંજે છથી રાતના ૯ વાગ્યા સુધી જ લાઇટ રહેતી હતી. કેરનમાં હવે પાવર ગ્રિડ પહોંચતા અહીં ૨૪ કલાક વીજળી મળે છે. અને જનરેટરના અવાજ તેમજ પ્રદૂષણથી પણ છૂટકારો મળી ગયો છે.

◾ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તિની નજરકેદ વધી છે. તેમને ત્રણ મહિના હજુ પણ નજરકેદ રહેવું પડશે. બીજી તરફ પીપલ્સ કૉન્ફરન્સના નેતા સજ્જાદ લોન છૂટી ગયા છે. કલમ ૩૭૦ દૂર થઈ તે પછીથી તેમને નજર કેદ કરાયા હતા. પ્રશ્ન એ છે કે મહેબૂબા મુફ્તિ કરતાં પણ વધુ, અથવા તેમના જેટલાં જોખમી તો ફારુક-ઉમર અબ્દુલ્લા છે કારણકે કાશ્મીરનો વર્ષોનો ઇતિહાસ જોઈએ તો તેમની કટ્ટરતા અને પાકિસ્તાન તરફદારીના કારણે જ એવું વાતાવરણ બની ગયું કે કાશ્મીરમાં અલગાવવાદ અને કટ્ટરતાની વાત કરો, ભારત વિરોધી વાત કરો તો જ સત્તા મળે. એટલે જ તો મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમની દીકરી મહેબૂબાને પણ એ જ પ્રકારનું રાજકારણ ખેલવું પડ્યું. તો પછી ફારુક-ઉમરને કેમ છૂટા કરવામાં આવ્યા?

◾ચેન્નાઈમાં ત્રણ મેટ્રો સ્ટેશનનાં નામ બદલીને દિવંગત મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરઈ, એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતાનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે.

‘જય શ્રી રામ’ વિશે વિકિપિડિયાનો લેખ હિન્દુ વિરોધી ભાવનાથી ઓતપ્રોત છે, જ્યારે…

◾ વિકિપિડિયા આમ તો, માહિતીનો ભંડાર છે પણ તેમાં ‘જય શ્રી રામ’ના સૂત્રને હિન્દુઓ દ્વારા યુદ્ધના સૂત્ર તરીકે વાપરવામાં આવતું હોવાનું લખીને એક તરફી વાત લખવામાં આવી છે. ભાજપે તેનો ઉપયોગ આ રીતે કરીને અન્ય સમુદાયના લોકો પર અત્યાચાર કરવા માટે કર્યો છે. આમ કહી વિવિધ હિંસક બનાવોમાં આ સૂત્રનો ઉપયોગ કરાયો હોવાની વાત વિકિપિડિયાએ લખી છે. પ્રશ્ન એ થાય કે શું જય શ્રી રામ આવું સૂત્ર છે? આની સામે ‘અલ્લાહૂ અકબર’ના લેખમાં તેનો હિંસામાં ઉપયોગ કરાયા ઉપરાંત તેના વિશે ગેરસમજની સ્પષ્ટતા પણ કરાઈ છે કે પશ્ચિમી મિડિયા આ સૂત્રને ખોટું સમજે છે. અલ્લાહૂ અકબર એટલે અલ્લાહ સૌથી મહાન (ગ્રેટેસ્ટ) છે. પરંતુ અમેરિકી મિડિયા તેનો અર્થ God is great કરે છે. વિકિપિડિયાના ભારતમાં જે લોકો કામ કરે છે તેમના લીધે વિકિપિડિયા હિન્દુ વિરોધી હોય તેવી છબિ ઉપસે છે કારણકે ૨૫ ફેબ્રુઆરીએ DBigXray નામના એક વપરાશકારે વિકિપિડિયાના North East Delhi Riots પર એક લેખ મૂક્યો હતો જેમાં કપિલ મિશ્રનું નામ અને તસવીર મૂકાઈ છે અને તેમને રમખાણોના આરોપી ગણાવાયા છે. બીજી તરફ આઆપના નેતા અમાનતુલ્લાહ ખાનનો ઉલ્લેખ નથી. અમાનતુલ્લાહ ખાને સીએએ અને એનઆરસી વિરુદ્ધ થયેલાં પ્રદર્શનોમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જે પછી તેમના પર રમખાણો ફેલાવવાનો કેસ થયો હતો.

◾ જે બાબતની નોંધ માહિતી અને પ્રસારણ મંત્રાલયે લેવી જોઈતી હતી અને કાર્યવાહી કરવી જોઈતી હતી તે હવે સંરક્ષણ ખાતાએ લીધી છે. ઇન્ટરનેટ પર વેબસીરિઝ, સ્ટેન્ડ અપ કૉમેડી શૉમાં હિન્દુ દેવીદેવતાનાં અપમાન, સેનાના અપમાનના અસંખ્ય કિસ્સા છે. પરંતુ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરના પેટનું પાણી પણ હલતું નથી. આની સામે સંરક્ષણ ખાતાએ ફિલ્મો અને વેબસીરિઝમાં ભારતીય સેનાના અધિકારીઓને ખોટી રીતે દર્શાવવાના સામે સેન્સર બૉર્ડ અને માહિતી-પ્રસારણ ખાતાને પત્ર લખ્યો છે કે જો ફિલ્મ, દસ્તાવેજી ફિલ્મ કે વેબસીરિઝમાં સેનાને કોઈ પણ રીતે દેખાડવાની હોય તો પહેલાં સંરક્ષણ ખાતા પાસેથી ‘વાંધો નહીં’ પ્રમાણપત્ર લે. એકતા કપૂરની એક વેબસીરિઝમાં સેનાના અધિકારીની પત્નીને સેનાના બીજા એક અધિકારી સાથે ખરાબ રીતે ચિતરવામાં આવી હતી જેમાં સેનાના ગણવેશની સાથે ખેંચતાણ કરવામાં આવી હતી. આ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને અનેક જગ્યાએ કેસ પણ થયા હતા. તેથી એકતાએ માફી માગી આ દૃશ્ય નિરસ્ત કર્યું હતું.

◾સુશાંતસિંહના મૃત્યુ પછી હિન્દી ફિલ્મ જગતમાં અલગ-અલગ મુદ્દે વાવંટોળ ઊભો થયો છે. ક્યાંક સગાવાદ અને પરિવારવાદની ચર્ચા છે તો ક્યાંક જૂથની તો ક્યાંક સંગીત કંપનીઓ દ્વારા શોષણની. અને હવે ચર્ચા ચાલી છે ગીતકારોને અન્યાયની. વરુણ ગ્રોવર સહિત અનેક ગીતકારોએ એક ગીત રિલિઝ કરી કહ્યું છે- ક્રેડિટ દો ના યાર! વરુણે કહ્યું કે મોટી મોટી સંગીત કંપનીઓ યૂ ટ્યૂબ ચેનલ પર ગીતો મૂકે છે તેમાં ગીતકારોને ક્રેડિટ નથી આપતી અથવા સાચી ક્રેડિટ નથી આપતી. સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, ગુલઝાર, આનંદ બક્ષી, જાવેદ અખ્તર, સમીર જેવા મહાન ગીતકારો હોય કે અત્યારના પુનીત શર્મા, હુસૈન હૈદરી, અભિરુચિ ચંદ જેવા ગીતકારોને ક્રેડિટ નથી આપતી. વરુણ ગ્રોવરની સાથે આ વિડિયોમાં સમીર, અમિતાભ ભટ્ટાચાર્ય, હુસૈન હૈદરી, પુનીત શર્મા, મયૂર પુરી, નીલેશ મિશ્ર, મનોજ મુંતશિર, શૈલી, અન્વિતા દત્ત, સ્વાનંદ કિરકિરે, કૌરાર મુનીર, અભિરુચિ ચંદ અને કુમાર જેવા ગીતકારો નજરે પડે છે. હકીકતે સ્વાનંદ કિરકિરેએ ૧૮ જુલાઈએ ‘દિલ બેચારા’ ફિલ્મના આલબમના કેટલાક સ્ક્રીનશૉટ મૂક્યા હતા જે એક મ્યૂઝિક ઍપ પર હતા. તેમણે લખ્યું કે આ મ્યૂઝિક ઍપ પર ગીતકારોનાં નામ લખવાનો રિવાજ જ નથી. થંબનેલમાં નામ ઝીણા અક્ષરોમાં છે પરંતુ અંદર દરેક ગીત પર સંગીતકારનું નામ છે, ગીતકારનું નથી. ગીતના શબ્દો પણ લખ્યા છે પરંતુ ગીતકારનું નામ નહીં. તે પછી તેમણે ‘તીસરી કસમ’, ‘લગાન’, ‘કલ હો ના હો’, ‘રૉકસ્ટાર’, ‘ઓમકારા’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ની ફિલ્મોના મ્યુઝિક ઍપના સ્ક્રીનશૉટ મૂક્યા. તે પછી ‘તેરી મિટ્ટી’ ગીતના ગીતકાર મનોજ મુંતશિર મેદાનમાં આવ્યા, તેમણે લખ્યું, “હવે વિનંતી નહીં, યુદ્ધ થશે.” એટલે આ મુદ્દા સાથે પણ યોગાનુયોગ સુશાંત, નહીં તો તેની ફિલ્મ જોડાયેલી કહી શકાય.

◾ તમે ગણમાન્ય વ્યક્તિ બની જાવ પછી તમારી પાસે પૈસા કમાવવાની અનેક તક આવતી હોય છે. પરંતુ તેમાં તમારે નીતિમત્તા જોવી જોઈએ. અભિનેતા, ખેલાડીઓ પાસે જાહેરખબર દ્વારા કમાવવાની તક આવતી હોય છે. પરંતુ શું દરેક જાહેરખબર કરવા લાયક હોય છે? આ પ્રશ્ન એટલા માટે થયો કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પર ઑનલાઇન જુગારને પ્રોત્સાહન દેવાનો આક્ષેપ થયો છે. કોહલીની આ આરોપમાં ધરપકડ કરવા ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી કરવામાં આવી છે. કોહલી સિવાય અભિનેત્રી તમન્ના ભાટિયા પર પણ આ આરોપ થયો છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment