Home » રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષના વિડિયોથી ખળભળાટ, ઝારખંડમાં કૉંગ્રેસી ધારાસભ્યો વિદ્રોહના માર્ગે

રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષના વિડિયોથી ખળભળાટ, ઝારખંડમાં કૉંગ્રેસી ધારાસભ્યો વિદ્રોહના માર્ગે

by Jaywant Pandya

૨૦૧૯માં પર્યાવરણ ચળવળકારની હત્યામાં ભારે ઊછાળો જોવા મળ્યો

સારદર્શી

( અંક -૩૮, દિ. ૩૦/૭/૨૦૨૦)

◾ અમેરિકાના અર્થતંત્ર માટે આજે ખરાબ સમાચાર આવ્યા. તે એપ્રિલથી જૂનના ત્રિમાસમાં ૩૨.૯ ટકાના વાર્ષિક દરે સંકોચન પામ્યું. ઇતિહાસમાં સૌથી મોટો ઘટાડો છે તેમ બ્યુરૉ ઑફ ઇકૉનૉમિક્સ એનાલિસિસમાં કહેવાયું છે. ૧૧ વર્ષમાં પહેલી વાર અમેરિકા મંદીમાં સપડાયું છે. જ્યારે બે ઉપરાઉપરી ત્રિમાસમાં જીડીપી ઘટે છે ત્યારે સામાન્ય રીતે મંદી છે તેમ કહેવાય છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે જીડીપી વાર્ષિક પાંચ ટકાના દરે ઘટ્યો હતો.

◾ દરમિયાનમાં અમેરિકા અને ચીન વચ્ચેની શાબ્દિક અને રાજદ્વારી લડાઈને જોતાં નિષ્ણાતો એવું માની રહ્યા છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ અવશ્યંભાવી છે. ‘ફ્રાન્સ ૨૪’ના આંતરરાષ્ટ્રીય ડેસ્ક રિપૉર્ટર સનમ શાંતીઆઈએ કહ્યું કે “ચિંતા એ છે કે બંને સત્તાઓ એ બિન્દુએ પહોંચી ગઈ છે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ છે.”

◾ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરે કૉંગ્રેસ (લોકસભા જેવું) માં એક ખરડો દાખલ કર્યો છે જે પસાર થશે તો એમેઝૉન જેવા ઑનલાઇન વેચાણ કરતી કંપનીએ જાહેર કરવું પડશે કે કયાં ઉત્પાદનો ‘મેડ ઇન ચાઇના’ ઉત્પાદનો છે. આ ખડા મુજબ, ઑનલાઇન વેચાણ કરતી કંપનીઓએ તેમના વેબ પેજ પર જણાવવું પડશે કે ઉત્પાદન અથવા તો તે ઉત્પાદનનું મુખ્ય ઘટક ચીનમાં ઉદ્ભવ્યું (બનાવાયું) છે કે કેમ અને ઉત્પાદનનું મેન્યુફૅક્ચરિંગ અથવા એસેમ્બલિંગ તે દેશમાં થયું છે કે કેમ. આપણે ત્યાં પણ આવા ખરડાની જરૂર છે. માત્ર મેડ ઇન ચાઇના જ નહીં, જે પણ દેશમાં બન્યું હોય તેની વિગતો સ્પષ્ટ રીતે લખાવી જોઈએ.

◾ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ ભારત અને જાપાન સાથે ચતુષ્કોણીય સલાહને તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. એક તરફ ચીન પોતાના બાવડા બતાવી રહ્યું છે ત્યારે હિન્દ અને પ્રશાંત ક્ષેત્ર સુરક્ષિત, સમૃદ્ધ અને આંતરરાષ્ટ્રીય કાયદા આધારિત રહે તે માટે અન્ય ભાગીદારો સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પર તેમણે ભાર મૂક્યો છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો, અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક ઍસ્પર, ઑસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મરિસે પેને અને ઑસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન લિન્ડા રેનૉલ્ડ્સે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ પુનરોચ્ચાર કર્યો હતો.

◾વર્ષ ૨૦૧૯માં પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા કરવા પ્રયાસરત્ પર્યાવરણ કાર્યકર્તાઓની હત્યામાં વિક્રમજનક ઊછાળો આવ્યો હતો તેમ બ્રિટિશ એન.જી.ઓ. ગ્લૉબલ વિટનેસે ગઈ કાલે પ્રસિદ્ધ એક અહેવાલમાં જણાવ્યું છે. ૨૦૧૯માં પર્યાવરણની રક્ષા માટે કામ કરતા ઓછામાં ઓછા ૨૧૨ લોકોની હત્યા થઈ હતી. અહેવાલ મુજબ, દર સપ્તાહે સરેરાશ ચાર હત્યા થઈ. તેમાં પર્યાવરણ કાર્યકર્તાઓ ઉપરાંત આદિવાસીઓ અને ખેડૂતોનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાની આજીવિકા બચાવવા માટે પ્રાણની આહુતિ આપી. અગાઉ વર્ષ ૨૦૧૭માં આ મૃત્યુ આંક ૨૦૭ હતો. ૨૦૧૯ની આ હત્યા પૈકી બે તૃત્તીયાંશ હત્યા લેટિન અમેરિકામાં થઈ. કૉલમ્બિયામાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેમાં ઓછામાં ઓછા ૬૪ આવા કાર્યકર્તાઓની હત્યા થઈ. આ આંકડો ૨૦૧૮ના આંકડા કરતાં બમણો છે. બીજા ક્રમે ફિલિપાઇન્સ આવે છે જ્યાં ૨૦૧૯માં ઓછામાં ઓછા ૪૩ પર્યાવરણવાદીઓ માર્યા ગયા. હૉન્ડુરાસમાં પણ સ્થિતિ બગડતી જાય છે. ત્યાં વર્ષ ૨૦૧૯માં ઓછામાં ઓછા ૧૪ લોકોની હત્યા થઈ.

◾ લો! કર લો બાત! માઇક્રૉસૉફ્ટના સ્થાપક ભાઈ શ્રી બિલ ગેટ્સનું કહેવું છે કે કોરોના વાઇરસના મોટા ભાગના ટેસ્ટ ‘સંપૂર્ણપણે વેડફાટ’ જ છે કારણકે તેનાં પરિણામો આવતાં બહુ સમય લાગે છે. લોકોને પરિણામ જલદી મળી જવાં જોઈએ જેથી તેઓ તેમનું વર્તન બદલી શકે અને તેઓ બીજાને ચેપ ન લગાડી શકે. ભારતમાં તો ૩૦ મિનિટમાં પરિણામ આવી જાય છે. આનાથી કેટલું ઝડપી પરિણામ જોઈએ છે, બિલ ભાઈ? જોકે કદાચ બિલ ગેટ્સનું કહેવું એવું હોઈ શકે કે પરિણામ કરતાં ટેસ્ટિંગ સુવિધા વધારવી જોઈએ કારણકે અમેરિકામાં એરિઝૉના હોય કે ટેક્સાસ કે પછી ફ્લૉરિડા, ટેસ્ટ માટે લાંબી લાઇન લાગે છે અને એટલે કદાચ પરિણામ મોડું મળે છે.

◾ વિદેશોમાં- અમેરિકા, યુરોપમાં તો બધા બહુ પ્રમાણિક. કૌભાંડો થાય જ નહીં. કૌભાંડોનો દેશ તો ભારત જ. આવી છાપ ઘણા બુદ્ધુજીવીઓ પશ્ચિમના પ્રભાવમાં કરતા હોય છે. પરંતુ એવું નથી હોતું. હકીકતે આપણા સુધી અત્યાર સુધી મર્યાદિત મિડિયા એક્સેસ હતો અને એમાંથી પણ પશ્ચિમના પ્રભાવવાળા આવા બુદ્ધુજીવીઓ જે આપણને આપે તે જ આપણને જાણવા મળતું. પરંતુ હવે તેવું નથી રહ્યું. અનેક મિડિયા અને તેનો સીધો એક્સેસ આપણને મળ્યો. તેમાં પણ જે માહિતી ન મળતી તે ટ્વટિર, ફેસબુક જેવાં સૉશિયલ મિડિયા દ્વારા મળવા લાગી. એટલે હવે સત્ય બધા સુધી આવવા લાગ્યું છે. અમેરિકામાં આ કોરોના કાળમાં જે રિલિફ ફંડ અપાયું તેનો દુરુપયોગ કરનારા એક ભાઈનો દાખલો જુઓ. ફ્લૉરિડાના ૨૯ વર્ષીય ડેવિડ હાઇન્સે કોરોનાના રાહત ભંડોળમાંથી લગભગ રૂ. ૨૪. કરોડની લમ્બૉર્ગિની કાર ખરીદીને છેતરપિંડી કરી. આ ભાઈની ધરપકડ થઈ છે અને તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.

◾ પહેલાં એવું હતું કે ભારતમાં કોઈ ચીજ આવતી તો ગર્વ લેવાતું – ઇમ્પૉર્ટેડ છે. ઇમ્પૉર્ટેડ એટલે સુંદર નહીં, પણ આયાત કરેલી. પરંતુ ભારતની અંદર જે દાસત્વનાં મૂળિયાં ઘર કરી ગયા હતાં તેના કારણે આમ થતું અને બીજું કારણ એ પણ હતું કે કૉંગ્રેસ સરકારમાં લાઇસન્સ રાજની ગૂંગળામણમાં ઘણી ચીજો અહીં બનતી નહીં. આથી વિદેશથી મગાવવી પડતી. હવે સ્થિતિ બદલાઈ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન ભારતની હીરો સાઇકલ પર સવારી કરતા જોવા મળી રહ્યા છે. બ્રિટનમાં ડિઝાઇન કરાયેલી હીરોની આ સાઇકલને ચલાવીને તેમણે એક નવી જીબીપી ૨ બિલિયન સાઇકલિંગ અને વૉકિંગ ડ્રાઇવનો પ્રારંભ કર્યો. કોરોના વાઇરસનો સામનો કરવા માટે સરકારની મેદસ્વિતા વિરોધી રણનીતિનો આ હિસ્સો છે. ૫૬ વર્ષીય બોરિસ જૉન્સન પોતે મેદસ્વી છે. તેમણે ઇંગ્લેન્ડમાં નૉટિંધમ હેરિટેજ સેન્ટરમાં હીરો વાઇકિંગ પ્રૉ સાઇકલ પર સવારી કરી હતી. તેમણે નવી સંરક્ષિત બાઇક (સાઇકલ) લેન અને બધા માટે સાઇકલ પ્રશિક્ષણ યોજના લૉન્ચ કરી. આપણે ત્યાં તો હવે એવું થઈ ગયું છે કે સાઇકલ ચલાવનારાઓ માટે આવી કોઈ સુરક્ષિત જગ્યા જ નથી. વિદેશમાંથી શીખવું હોય તો આવી સારી બાબત શીખવી જોઈએ.

◾મણિપુરમાં મ્યાનમાર સરદેથી ત્રણ કિમી દૂર ચાંડેલ જિલ્લાના સદીક્તમ્પક ગામમાં પીપલ્સ લિબરેશન આર્મીના ત્રાસવાદીઓના હુમલામાં ગત રાત્રે ૪-આસામ રાઇફલ્સના ત્રણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા અને છ જણા ઘાયલ થયા. અહીં પીએલએ એટલે ચીનવાળી પીએલએ નહીં, પરંતુ સ્થાનિક ત્રાસવાદી જૂથ. પરંતુ નામ પરથી સ્પષ્ટ છે કે તે ચીનની પીએલએથી જ પ્રેરિત હશે અને કદાચ પોષિત હશે. આ કૉલમમાં આપણે જોઈ ગયા છીએ કે થોડા સમય પહેલાં મ્યાન્માર-થાઇલેન્ડ સરહદે તાઓ ક્ષેત્રમાં ગેરકાયદે ચીની હથિયારો પકડાયાં હતાં, જે મ્યાનમારના વિદ્રોહી જૂથો માટે લઈ જવાઈ રહ્યાં હતાં. બની શકે કે ભારતના આ સ્થાનિક પીએલએના તાર ચીનની પીએલએ સાથે જોડાયેલા હોય. તપાસ જરૂરી છે. પરંતુ એક વાત છે કે કાશ્મીરની જેમ હવે ઈશાન ભારતમાં આતંકવાદના મુદ્દે પણ નક્કર કામગીરી જરૂરી છે.

◾ઝારખંડમાં નવ કૉંગ્રેસી ધારાસભ્યોએ વિદ્રોહ કર્યો છે અને આ વાત દિલ્લી પહોંચી છે. રાજ્યસભાના સભ્ય ધીરજપ્રસાદ સાહૂના નેતૃત્વમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય ઇરફાન અન્સારી, રાજેશ કચ્છપ અને ઉમાશંકર અકેલા સાથે ધીરજ સાહૂ ઝારખંડની હેમંત સરકારની ફરિયાદ લઈને દિલ્લી ગયા હતા. ત્રણેય ધારાસભ્યોએ કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ અને ગુલાબનબી આઝાદ સાથે વાત કરી અને તેઓ પરત ફર્યા છે. જોકે આ ધારાસભ્યોએ અત્યારે મૌન રાખ્યું છે પરંતુ એમ મનાય છે કે તેમણે શીર્ષ નેતૃત્વને ફરિયાદ કરી છે કે સરકારમાં તેમનું સંભળાતું નથી. કૉંગ્રેસના ધારાસભ્યો સાથે વર્તન બરાબર કરાતું નથી. સરકારમાં એક પ્રધાન પદ ખાલી છે. આ ધારાસભ્યો કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી આર. પી. સિંહથી પણ અસંતુષ્ટ છે. તેમને એવું લાગે છે કે કૉંગ્રેસ પ્રભારી પોતે સરકાર અને પ્રધાન પર દબાણ કરવાની તેમના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી દે છે. ફરી એક વાર, ગુજરાતના સેક્યુલરોએ આ ધારાસભ્યોના પ્રશ્નો ઉકેલવા દિલ્લી ફૉન ડાયલ કરવો જોઈએ જેથી ભાજપવાળા ફાવી ન જાય. આ ધારાસભ્યો દ્વારા #પ્રજાદ્રોહ ન થાય.

◾ માયાવતીને અભિનંદન આપવા પડે. આખા દેશમાંથી રાજકારણીમાં સુબ્રમણિયન સ્વામી પછી એક માત્ર માયાવતી રાજકારણી તરીકે નીકળ્યાં જેમણે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની સીબીઆઈ તપાસ કરવા માગણી કરી છે. સાથે તેમણે કૉંગ્રેસને પણ લબડધક્કે લીધી છે. તેમણે કહ્યું છે કે કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં કંઈક બોલે છે અને બિહારમાં કંઈક. કૉંગ્રેસ તેનાં રાજકીય હિતો પૂરાં કરવા માટે આ કેસનો ઉપયોગ કરી રહી છે. પરંતુ આ કેસમાં મોટાં માથાં સંકળાયેલાં છે એટલે બધાં ચૂપ છે. સર્વોચ્ચે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા ના પાડી દીધી છે. કોઈ અલકા પ્રિયાએ સીબીઆઈ તપાસની માગણી કરી હતી. પ્રિયાએ કહ્યું કે સુશાંત સારી વ્યક્તિ હતો. તેણે અનેક બાળકોને નાસા મોકલવા પ્રયોજિત કર્યા હતા. સર્વોચ્ચે કહ્યું કે વ્યક્તિ સારો છે કે ખરાબ તેનો પ્રશ્ન નથી. આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. આ એ જ સર્વોચ્ચ છે જેને ૨૦૦૨નાં ગુજરાત રમખાણોમાં ગુજરાત પોલીસ પર ભરોસો નહોતો અને તેણે કેસ ગુજરાત બહાર ટ્રાન્સ્ફર કર્યા હતા. આ પછી સુશાંતનો પરિવાર પણ સર્વોચ્ચમાં ગયો. પરિવારે શીર્ષ ન્યાયાલયમાં કેવિએટ દાખલ કરી છે. તેણે અપીલ કરી છે કે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે કેસની સુનાવણી સર્વોચ્ચમાં કરાવી જોઈએ.

◾ આજે રિપબ્લિકન ટીવીના સ્ટિંગ ઑપરેશનમાં સુશાંતના જિમ ટ્રેનરે જે કહ્યું તે (www.youtube.com/watch?v=HQUZETaVmtE) ચોંકાવનારી વાત હતી. તેણે કહ્યું કે જે ડૉક્ટરો કથિત માનસિક બીમારી માટે સુશાંતને દવા આપતા હતા તેમણે સુશાંતનું કાઉન્સેલિંગ સેશન નહોતું કર્યું. કાઉન્સેલિંગ સેશન વગર ડિપ્રેશનનું કારણ કેવી રીતે જાણી શકાય? અને તે વગર દવા કેવી રીતે આપી શકાય? અને રિયા સુશાંતને દવા આપતી હતી. સુશાંત જાતે દવા નહોતો લેતો.

સુબ્રમણિયન સ્વામીએ સુશાંતસિંહની હત્યા થઈ હોવાની શંકા જન્માવતાં કારણોનો ટ્વિટર પર મૂકેલો દસ્તાવેજ

◾ તો રાજ્યસભાના સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણિયન સ્વામીએ તો આજે બૉમ્બ જ ફોડ્યો. તેમણે આક્ષેપ કર્યો કે સુશાંતની હત્યા થઈ હતી. ટ્વિટર પર તેમણએ ૨૪થી ૨૬ મુદ્દાનો દસ્તાવેજ મૂક્યો જે તેમના હત્યાના આક્ષેપને સમર્થન આપે છે. આ દસ્તાવેજ મુજબ, સુશાંતની ડોક પર જે નિશાન હતું તે આત્મહત્યાના લીધેનું નિશાન નહોતું પરંતુ હત્યા હતી. બીજો મુદ્દો એ છે કે લટકીને આત્મહત્યા કરવી હોય તો તેમાં પગેથી ટેબલ દૂર કરવું પડે છે. સુશાંતના શરીર પર ચિહ્નો માર માર્યાનાં હતાં. આત્મહત્યા કરવા માટે કોઈ પત્ર લખ્યો નહોતો. એવું શક્ય છે કે સુશાંતની મેનેજર દિશા સલિયાન જેણે આ પહેલાં આત્મહત્યા કરી હતી તે સુશાંતની સાથે જ કંઈક રહસ્ય જાણી ગઈ હતી.

◾પણ અર્નબે આજે પણ બોલિવૂડ માફિયાને પ્રશ્ન પૂછ્યા. કઈ રીતે સુશાંતના મૃત્યુના થોડા સમયમાં પૂરતી તપાસ વગર પોલીસે તેને આત્મહત્યા જાહેર કરી, કઈ રીતે તેના થોડા જ સમયમાં મહેશ ભટ્ટ, મૂકેશ ભટ્ટ, મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાન, કરણ જૌહરે સુશાંત માનસિક બીમાર હોવાનું ચલાવ્યું, તે બધું ખુલ્લું પાડ્યું. આજે ‘અપના સપના મની મની’ ફેમ અભિનેત્રી કોએના મિત્રાએ પણ મૂકેશ ભટ્ટને લબડધક્કે લીધા. તેણે કહ્યું, “સુશાંતના કેસમાં મૂકેશ ભટ્ટની હજુ સુધી પૂછપરછ કરાઈ નથી. તેમણે સુશાંતની સરખામણી પરવીન બાબી સાથે કરી હતી. તેમને પૂછવું જોઈએ કે તેમને કેવી રીતે ખબર પડી કે સુશાંત ડિપ્રેશનમાં છે? અને જ્યારે તમને ખબર પડી ત્યારે તમે કેમ તેમની મદદ ન કરી?” કોએના મિત્રાએ મુંબઈ પોલીસ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું, “ખબર નહીં કેમ, તે લોકો (પોલીસ) આપણે જે ચીજો જોઈ શકીએ છીએ તે જોતા નથી.” કેઆરકે ખાને પણ ટ્વીટ દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા કે “ગૉલ્ડ ડીગર રિયા ચક્રવર્તીએ દેશના ટોચના વકીલમાંથી એક મિસ્ટર સતીશ માનેશિંદેને કેસ માટે હાયર કર્યા છે. તેઓ એક સુનાવણીના લાખો રૂપિયા લે છે. કોએનાએ પોતાની ત્રણ-ચાર ફિલ્મથી માત્ર એક કરોડ રૂપિયાની કમાણી કરી છે તે આટલા પૈસા ક્યાંથી લાવી રહી છે?” સુશાંતના પરિવારના મિત્ર અને મુંબઈ સ્થિત વેપારી નિલોત્પલ મૃણાલે પણ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જે કહ્યું તે સાંભળવા જેવું છે.

◾ તેમણે કહ્યું કે મહેશ ભટ્ટ એક ફિલ્મ કલાકાર છે. તેમણે તેમના જીવનમાં ક્યારેય તબીબી અભ્યાસ નથી કર્યો. તેમને નવાઈ લાગે છે કે મહેશ ભટ્ટ શા માટે પરવીન બાબી વિશે વાત કર્યા રાખે છે (પરવીન બાબી સ્કિઝૉફ્રેનિયા સામે લડી રહી હતી). સુશાંતના મૃત્યુ પછી મહેશના ભાઈ મૂકેશે દાવો કર્યો હતો કે તેમને ભય હતો કે સુશાંત પરવીન બાબીના રસ્તે જઈ રહ્યો છે. રિયા મહેશ ભટ્ટની સલાહ લેવા જતી હતી તેમ મહેશ ભટ્ટની સહયોગીએ લખ્યું (જેના વિશે ગઈ કાલે અહીં વાત કરાઈ હતી) તો, જો સુશાંત બરાબર ન હોય તો રિયાએ સુશાંતના પરિવારને શા માટે જાણ ન કરી? રિયા સુશાંતને પરણી નહોતી. સુશાંતના પરિવારને જાણ કરવાના બદલે તેણે સુશાંતનો નંબર બદલાવી નાખ્યો. તેણે સુશાંતને તેના પરિવારથી અલગ કરી નાખ્યો,

◾ પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર ભાજપના કાર્યકર્તાની હત્યા થઈ છે. પૂર્વી મિદનાપુર જિલ્લામાં ગઈ કાલે ભાજપના કાર્યકર્તાનું શબ તેમના ઘરની પાસે એક ઝાડ પર લટકાયેલી સ્થિતિમાં મળ્યું. ભાજપે આક્ષેપ કર્યો કે તેના કાર્યકર્તાની હત્યા તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ કરી છે. થોડા દિવસો પહેલાં ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયની લાશ પણ આ રીતે જ મળી આવી હતી. પ્રશ્ન એ છે કે આના પર મોદી સરકાર કેમ ચૂપ છે? ક્યાં સુધી પોતાના કાર્યકર્તાઓની હત્યા થતી જોયા રાખશે? ચૂંટણીમાં સરકાર ન બની જાય ત્યાં સુધી? તમે તમારા કાર્યકર્તાની જિંદગીની કિંમત ન કરી શકો તો શું કામનું? આ કાર્યકર્તાઓ જ રાતદિવસ મહેનત કરીને તમને સત્તારૂઢ કરે છે. આની સામે કૉંગ્રેસ કે ડાબેરી સરકાર હોય તો અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું હોત. કમ સે કમ, કૉંગ્રેસે જેમ રાજસ્થાનના મુદ્દે લોકશાહી બચાવો એવું અભિયાન ચલાવ્યું તેમ પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હત્યાઓ માટે વિરોધ પ્રદર્શન કરી બીજાં રાજ્યોમાં તો વાત પહોંચાડો કે પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે.

◾ કેટલીક વાર બહુ ઝડપથી ન્યાય મળી જતો હોય છે! સમતા પક્ષનાં નેત્રી જયા જેટલીનું જ ઉદાહરણ લો ને. એનડીએ-૧ સરકાર વખતે તહલકાએ સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. કાલ્પનિક સંરક્ષણ સોદામાં લાંચ આપવાનો મામલો હતો. આ સોદામાં ભાજપના અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણ ઉપરાંત જયા જેટલીનું નામ પણ આવ્યું હતું. દિલ્લીના એક ન્યાયાલયે દોષી ઠરાવતાં તેમને અને તેમના સહયોગીઓને ચાર-ચાર વર્ષની સજા સંભળાવી પરંતુ આજે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેમને રાહત આપતાં આ સજાને સસ્પેન્ડ કરી દીધી! વાચકોને યાદ અપાવી દઉં કે સમતા પક્ષ એટલે ૧૯૯૪માં જ્યૉર્જ ફર્નાન્ડિઝે અને નીતીશકુમારે જનતા દળમાંથી છૂટા પડીને રચેલો પક્ષ. જનતા દળમાં બીજા ભાગલા પડ્યા અને દેવેગોવડાના નેતૃત્વમાં જનતા દળ (સેક્યુલર) રહ્યો અને શરદ યાદવના નેતૃત્વમાં જનતા દળ (યુ) થયો. ૨૦૦૩માં જ્યૉર્જ ફર્નાન્ડિઝે સમતા પક્ષને જનતા દળમાં વિલીન કરી દીધો. જોકે તે પછી ૨૦૧૮માં શરદ યાદવે જનતા દળ (યુ)માંથી નીકળી લોકતાંત્રિક જનતા દળ બનાવ્યું! ઉફ્ફ…કેટલો ગરબડ ગોટાળો! રાજકારણના ઇતિહાસમાં કૉંગ્રેસ અને આ જનતા દળના એટલા ટુકડા થયા અને તેમાંથી કેટલાક ટુકડા પાછા મૂળ પક્ષમાં જોડાયા તે બહુ રસપ્રદ છે.

તીસ્તા સેતલવાડને ૨૦૧૫માં ખૂબ જ ઝડપી ન્યાય મળ્યો હતો

◾ પણ જયાને તો કંઈ ઝડપી ન્યાય નથી મળ્યો, ઝડપી ન્યાય તો મળ્યો હતો તીસ્તા સેતલવાડને. ગુજરાતનાં રમખાણોમાં ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. પરંતુ પછી તેના ટ્રસ્ટને ગુલબર્ગ સોસાયટીમાં સ્મારક બનાવવા માટે વિદેશોથી લગભગ દોઢ કરોડ રૂપિયા જમા કરાવ્યા પરંતુ તે પૈસા ગુલબર્ગ સૉસાયટીના રહીશો સુધી પહોંચ્યા નહોતા. પોલીસનો દાવો હતો કે તીસ્તા અને તેના પતિ જાવેદે આ પૈસાથી ક્રેડિટ કાર્ડનાં બિલ ચુકવ્યા અને આ ક્રેડિટ કાર્ડથી તેમણે ઘરેણાં અને દારૂ ખરીદ્યો હતો. કપડાં ખરીદ્યાં હતાં અને ફિલ્મો જોઈ હતી. આ ફંડફાળાને પોતાના અંગત બૅન્ક ખાતામાં ટ્રાન્સ્ફર કર્યા. હવે બન્યું એવું કે ૨૦૧૫માં તીસ્તાની ધરપકડ થાય તેમ હતું કારણકે તેઓ પૂછપરછમાં હાજર રહેતાં નહોતાં. આથી પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવા માટે તેમની અટકાયત કરી શકતી હતી. તીસ્તાએ અમદાવાદ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી. પરંતુ તે ફગાવી દેવાઈ. તે પછી ગુજરાત ઉ. ન્યા.ને પણ લાગ્યું કે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. આથી ત્યાં પણ રાહત ન મળી. પરંતુ ગુજરાત ઉ. ન્યા.એ ચુકાદો આપ્યો તેના થોડા જ કલાકોમાં સર્વોચ્ચમાં અરજી કરી દેવામાં આી કે મુખ્ય ન્યાયમૂર્તિની બૅન્ચ દ્વારા આ બાબતની આગામી દિવસે સુનાવણી થાય ત્યાં સુધી તીસ્તાની ધરપકડ ન કરવામાં આવે. (હવે તો પ્રતિકૂળ ચુકાદો આવતા સેક્યુલર ટોળકીએ એ પણ બહાર પાડી દીધું છે કે સરકારને મનપસંદ ચુકાદા આપવા માટે કેટલાક મહત્ત્વના કેસો મુખ્ય ન્યાયાધીશ પોતાની પાસે રાખતા હોય છે. દીપક મિશ્ર અને રંજન ગોગોઈ વખતે જ આ ટોળકીએ આપણને આ બોધ આપ્યો હતો.) એટલે તીસ્તાના કેસમાં પણ જોઈ શકાય છે કે અર્જન્ટ કેસ દાખલ થયો, મુ.ન્યાયમૂર્તિની બૅન્ચે સુનાવણી હાથમાં લેવાનું નક્કી કર્યું અને તીસ્તાની ધરપકડ પર સ્થગન આદેશ પણ આવી ગયો! બીજા દિવસે એક રેગ્યુલ બૅન્ચે સુનાવણી કરી અને તીસ્તાના વકીલને વધુ દસ્તાવેજો ફાઇલ કરવા છૂટ આપી અને ધરપકડ પર એક સપ્તાહ સુધી રોક લગાવી! જોકે આ બૅન્ચ એટલી બાબતમાં કડક રહી ખરી કે તેણે મૌખિક રીતે (લેખિતમાં નહીં) કહ્યું કે તીસ્તા સામેના આરોપો ગંભીર છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે સર્વોચ્ચ ન્યાયાલય આને રાજકીય મુદ્દો નહીં બનવા દે. (અર્થાત્ તીસ્તા સામેની કાર્યવાહી બદલાથી થઈ રહી છે તેવો મુદ્દો નહીં બનવા દે.)

પરંતુ બલિહારી જુઓ, ૧૯ ફેબ્રુઆરીએ એટલે કે એક સપ્તાહ પછી, સમાચાર આવ્યા કે ૧૩ ફેબ્રુઆરીએ જે બેન્ચે કેસ સાંભળ્યો હતો તેના બદલે મુ. ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બૅન્ચ આવી ગઈ છે. એક ન્યાયાધીશે કેસમાંથી પોતાની જાતને હટાવી લીધી હતી. આ બૅન્ચે તેના ચુકાદા સુધી તીસ્તાની ધરપકડ પર રોક લગાવી દીધી! અને આમાં મિડિયાની પણ બદમાશી જુઓ. દરેક મિડિયા અહેવાલમાં લખાયું: કૉર્ટે તીસ્તાને ગુજરાત પોલીસ સાથે સહકાર આપવા નિર્દેશ આપ્યો. પરંતુ લેખિત આદેશમાં તીસ્તા અને તેના પતિને સહકાર આપવાની કોઈ વાત લખાઈ નહોતી. માર્ચના બીજા સપ્તાહમાં ચુકાદો આવ્યો તે પણ વિચિત્ર હતો. (તીસ્તાને સમય આપવા માટે) તેમાં કહેવાયું હતું કે ગુજરાત પોલીસ કહે છે કે તીસ્તા અને જાવેદ સહકાર નથી આપી રહ્યા તેથી, સર્વોચ્ચ ન્યાયાલયને લાગે છે કે આ કેસની સુનાવણી હજુ વધુ મોટી બૅન્ચ દ્વારા થવી જોઈએ! જોકે મોટી બૅન્ચ કેમ? તેનું કોઈ કારણ અપાયું નહોતું. કાયદાના જાણકારોના કહેવા મુજબ, કોઈ કેસ ત્યારે જ મોટી બૅન્ચને અપાય છે જ્યારે બંધારણને લગતો કોઈ જટિલ મુદ્દો હોય અથવા પૂર્વની બે ન્યાયાધીશોની બૅન્ચના આદેશ અને વર્તમાન બૅન્ચ દ્વારા અપાયેલા ચુકાદા વચ્ચે વિરોધાભાસ હોય. અહીં તો આવું કંઈ નહોતું.

◾ અશોક શ્રીવાસ્તવ નામના દૂરદર્શન – ડીડી ન્યૂઝના એન્કરે ‘નરેન્દ્ર મોદી સેન્સર્ડ’ પુસ્તક લખ્યું છે તેમાં લખ્યું છે કે તીસ્તા કેવી વગ ધરાવતાં હતાં! ૨૦૦૪માં યુપીએ સરકાર આવી તે પછી ડીડી ન્યૂઝમાં એક વિશેષ વિભાગ (સ્પેશિયલ સેલ) બનાવાયો જેમાં નરેન્દ્ર મોદીને ૨૦૦૨નાં રમખાણો બાબતે ટાર્ગેટ કરવા સમાચાર, દસ્તાવેજી ફિલ્મ, કાર્યક્રમો વગેરે નિર્માણ કરવાનું કામ થવાનું હતું. આ સેલ રૂમ નં. ૧૨૩માં બેસતો હતો. તીસ્તા સેતલવાડ આ સેલની નિયમિત મુલાકાત લેતાં હતાં. બરાબર છે કે આ સેલને આ કામ સોંપાયું હોય એટલે આ કામ કરે-પત્રકાર તરીકે, પણ અશોક શ્રીવાસ્તવ લખે છે કે આ સેલ તો સોનિયા ગાંધીનો જન્મદિવસ ઉજવતો અને મીઠાઈ વહેંચાતી! ૨૦૦૫માં જ્યારે નરેન્દ્ર મોદીને અમેરિકાએ વિઝા આપવા નકાર્યું ત્યારે આ સેલમાં મીઠાઈ વહેંચાઈ હતી!!

◾ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી આજે સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ થયાં છે. હૉસ્પિટલનાં સૂત્રો મુજબ તેઓ રૂટિન ટેસ્ટ માટે જ દાખલ થયા છે. તેઓ દિલ્લીની ખાનગી હૉસ્પિટલમાં રાત્રે સાત વાગે રૂટિન ટેસ્ટ અને તપાસ માટે દાખલ થયાં હતાં. જો નરેન્દ્ર મોદી આ રીતે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હોય તો વિરોધીઓ એમ કહ્યા વગર ન રહે કે આટલા વર્ષ શાસન કર્યું પણ એક એવી સારી સરકારી હૉસ્પિટલ ન બનાવી કે જેમાં પોતે દાખલ થઈ શકે. (કદાચ કોઈ ભાજપ નેતા વિશે આવું કહેવાયું પણ હતું.) તેઓ જલદી સાજા થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના.

◾ રાજસ્થાનમાં આજે વિધાનસભા અધ્યક્ષ સી. પી. જોશી અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત વચ્ચેની વાતચીતનો વિડિયો સૉશિયલ મિડિયા પર વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો અને અધ્યક્ષ કેટલા તટસ્થ છે તેના પર પ્રશ્નો ઊભા થયા. ગઈ કાલે વૈભવે સી. પી. જોશીને તેમના ઘરે જઈ જન્મદિનની શુભકામનાઓ આપી હતી. તેની વાતચીતમાં જોશી કહે છે કે ત્રીસ વ્યક્તિ નીકળી જાત તો તમે કંઈ ન કરી શકત. હોબાળો મચાવતા રહેત. તેઓ સરકાર પાડી દેત. બેકફૂટ પર તો… પોતાના હિસાબથી કૉન્ટેક્ટ માટે તેમણે ઉપયોગ કરાવી લીધો, બાકી બીજાના વશની વાત નથી. આથી ભાજપે હવે આક્ષેપ કર્યું છે કે વિધાનસભાના અધ્યક્ષનું પદ બંધારણીય છે. તેઓ એક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. જોશીને મુખ્ય પ્રધાન અને સરકારને બચાવવાની ચિંતા છે. આ અનૈતિક છે. તેમણે અધ્યક્ષનું પદ છોડી દેવું જોઈએ. સરકારના ઈશઆરે તેમણે રાતોરાત વિધાનસભા સચિવાલય ખોલાવીને કૉંગ્રેસના (પાઇલૉટ જૂથના) ધારાસભ્યોને નૉટિસ ફટકારી દીધી.

◾ રાજસ્થાનમાં અશોક ગેહલોતે તેમના પ્રસ્તાવમાં ગૃહમાં વિશ્વાસ મતની વાત લખી નથી. આની પાછળનું કારણ જણાવતા કૉંગ્રેસના એક નેતાનું કહેવું છે કે એટલા માટે નથી લખી કારણકે જો તે લખાઈ હોત તો રાજ્યપાલ કહી શકે કે સરકારને બહુમતીની ખાતરી નથી અને એટલે તે રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરી શકે છે. પરંતુ શું વિધાનસભા બોલાવવાના પ્રસ્તાવમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ ન હોય અને જ્યારે ગૃહ મળશે ત્યારે પ્રસ્તાવ લવાશે તો રાજ્યપાલ તેની સામે વાંધો ઉઠાવશે? આ ઘટનાક્રમ રસપ્રદ રહેશે. અત્યારે તો ૧૪ ઑગસ્ટ સુધી મુદ્દત પડી છે.

રાહુલ ગાંધી સાથે સલમાન નિઝમી

◾ આપણે અહીં વાત કરી હતી કે પાંચ ઑગસ્ટે પાકિસ્તાન કાશ્મીર માટે રુદાલીવેડા કરશે. દુનિયા સમક્ષ ભારત અને ભારતની સેનાને અત્યાચારી સાબિત કરવા પ્રયાસ કરશે. પરંતુ પાકિસ્તાનને આ કરવાની ખરેખર તો જરૂર નથી કારણકે ભારતની અંદર જ પાકિસ્તાનથી ચડે તેવાં તત્ત્વો બેઠાં છે અને તે પણ કૉંગ્રેસમાં. કૉંગ્રેસના નેતા સલમાન નિઝમીએ પાંચ ઑગસ્ટને જમ્મુ-કાશ્મીર માટે કાળો દિવસ ગણાવ્યો છે. સલમાને ટ્વીટ કર્યું છે કે કલમ ૩૭૦ પાછી લાવવી જોઈએ અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરી અપાવો જોઈએ. સલમાન નિઝમીએ ૨૦૧૩માં ટ્વીટ કર્યાં હતાં કે તેમને મોદીથી કોઈ સમસ્યા નથી. તે ભલે વડા પ્રધાન બને. પરંતુ અમે (સલમાન) અલગ દેશ અને અલગ વડા પ્રધાન ઈચ્છીએ છીએ. તેમણે ૨૦૧૩માં જ બીજા એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ ઉમર અબ્દુલ્લાને સ્વતંત્ર કાશ્મીરના વડા પ્રધાન તરીકે જોવા માગે છે. ૨૦૧૩માં જ તેમણે એ સૂત્ર લખ્યું હતું જે પછી જેએનયુમાં કન્હૈયાકુમાર અને ઉંમર ખાલિદે ત્રાસવાદી અફઝલ ગુરુને શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં બોલ્યું હતું- તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા. #સ્લૉગન #આઝાદી #કાશ્મીર

એટલું જ નહીં ૨૨ જુલાઈએ સલમાન નિઝમીએ એવું ટ્વીટ કર્યું હતું કે “કાશ્મીરમાંથી પંડિતોને ભગાવવા તે ભારતનું ધ્રૂવીકરણ કરવા ભાજપની યોજના હતી. આ સમુદાયને બલિનો બકરો બનાવવામાં આવ્યો. ભાજપ વી. પી. સિંહ સરકારની સાથે હતો. મુખ્ય પાત્રો અડવાણી, વાજપેયી, મુફ્તી (મોહમ્મદ સઈદ) અને જગમોહને ભજવ્યાં હતાં. આ કડવી વાસ્તવિકતા છે.” જોકે રાજીવ પંડિત નામના અમેરિકામાં વસતા કાશ્મીરી પંડિતે જવાબ આપતા લખ્યું, “હું કાશ્મીરી પંડિત છું. મારા સગાઓની હત્યા કરી દેવામાં આવી, કેટલાક હત્યાના પ્રયાસોમાં બચી ગયા અને “કાશ્મીર મેં અગર રહેના હૈ તો અલ્લાહ હૂ અકબર કહેના હૈ’ સૂત્રો પોકારાતાં હતાં તે સાંભળી તેઓ ભાગી ગયા. તે ભાજપ નહોતો, મૂર્ખ. તેઓ ત્રાસવાદી હતા જે પાકિસ્તાનનું પરોક્ષ યુદ્ધ લડી રહ્યા હતા.”

૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે એવા અહેવાલો હતા કે કૉંગ્રેસે મુસ્લિમ મતદારોને રાજી કરવા માટે સલમાન નિઝમીને પ્રચારની જવાબદારી સોંપી છે!

◾ પાંચ ઑગસ્ટે ભારતમાં તો ઉજવણી થશે જ પરંતુ અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર વિશાળ હૉર્ડિંગ પર ભગવાન શ્રી રામ અને શ્રી રામમંદિરનું ત્રિઆયામી ચિત્ર પ્રદર્શિત કરાશે. અમેરિકા ભારત જાહેર મામલાઓની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવાણીએ કહ્યું કે ન્યૂ યૉર્કમાં પાંચ ઑગસ્ટની તે ઐતિહાસિક ક્ષણ જ્યારે વડા પ્રધાન મોદી શ્રી રામમંદિરનું ભૂમિ પૂજન કરશે તે ભવ્ય રીતે મનાવવા તૈયારી થઈ રહી છે. સેવાણીએ કહ્યું કે વિશાળ નેસ્ડેક સ્ક્રીન ઉપરાંત ૧૭,૦૦૦ ચોરસ ફૂટવાળા એલઇડી સ્ક્રીન પર થ્રીડી ચિત્રોને પ્રદર્શિત કરાશે. પાંચ ઑગસ્ટે સવારે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી હિન્દી અને અંગ્રેજીમાં ‘જય શ્રી રામ’ પ્રદર્શિત કરાશે અને ભગવાન શ્રી રામનાં ચિત્રો અને વિડિયો, મંદિરની સંરચનાનાં થ્રીડી ચિત્રો તેમજ વડા પ્રધાન દ્વારા શિલાન્યાસ કરવાનાં ચિત્રો અનેક હૉર્ડિંગ પર પ્રદર્શિત કરાશે. તેમણે કહ્યું કે ભારતીય સમુદાયના લોકો પાંચ ઑગસ્ટે ટાઇમ્સ સ્ક્વેર પર એકઠા થઈ ઉત્સવ મનાવશે અને મીઠાઈ વહેંચશે. આ આખા જીવનમાં અથવા શતાબ્દિમાં એક વાર થનાર ઘટના છે.

◾ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે મંદિરે મંદિરે જઈ જનોઈ પહેરી સૉફ્ટ હિન્દુત્વ અપનાવી હિન્દુઓને આકર્ષવા પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમના આ સાચાખોટા પ્રયાસો પર તેમના જ પક્ષના લોકો પાણી ફેરવી દે છે. આ કાર્તિ ચિદમ્બરમ્ જ લો ને. પૂર્વ નાણા પ્રધાન અને ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ્ના પુત્ર અને કૉંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે આજે ટ્વીટ કરી કહ્યું કે આપણને નવા કોઈ મંદિરની જરૂર નથી. પક્ષના નેતા દિગ્વિજયસિંહે પણ ભૂમિપૂજનનો વિરોધ કર્યો છે. એટલે બિચારા કેટલાક સેક્યુલરો રાજીવ ગાંધીના સમયમાં શ્રી રામમંદિરના તાળાં ખોલાવ્યાની વાત કરે તો પણ તેનો કોઈ અર્થ રહેતો નથી કારણકે ૨૦૦૪ પછીની કૉંગ્રેસ શ્રી રામના અસ્તિત્વને નકારે છે અને શ્રી રામમંદિરનો વિરોધ કરે છે.

◾ શ્રી રામમંદિર જ નહીં, બીજી અનેક ગૌરવ અને પ્રેરણાની પ્રતીક સમાન ચીજો હતી જે કાં તોડી નાખવામાં આવી અથવા તેની ચોરી થઈ ગઈ. લુટારાઓ લઈ ગયા અથવા અંગ્રેજો લઈ ગયા. મોદી સરકાર આવ્યા પછી આવી અનેક મૂર્તિઓ પાછી આવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના ઘાટેશ્વર મંદિરમાં નટેશ શિવની નવમી શતાબ્દિની એક દુર્લભ મૂર્તિ ફેબ્રુઆરી ૧૯૯૮માં ચોરી થઈ હતી. આ મૂર્તિ લંડનમાં પકડાઈ હતી. ૨૨ વર્ષ બાદ હવે તેને પાછી લવાઈ છે. શ્રાવણના પવિત્ર મહિનામાં શિવજી પાછા ફર્યા છે! શિવની મૂર્તિને આજે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગને સોંપવામાં આવશે.

◾કર્ણાટકની ભાજપ સરકારને સેક્યુલરિઝમનું ભૂત વળગ્યું લાગે છે. પહેલાં બકરી ઈદની ઉજવણીની છૂટછાટ આપી અને હવે ધોરણ ૭ના પાઠ્યપુસ્તકમાંથી ટીપુ સુલતાન અને હૈદર અલીના પાઠ કાઢી નાખવા પર રોક લગાવી દીધઈ છે. અગાઉ તેણે જાહેરાત કરી હતી કે ટીપુને લગતાં અનેક પ્રકરણો પડતાં મૂકાશે, પરંતુ અત્યારે તેના પર રોક લગાવી દીધી. જોકે છથી દસ ધોરણના અભ્યાસમાં જિસસ અને મોહમ્મદ પયગંબર પર આખા પાઠ હતા, મોગલો અને રાજપૂતોનો ઇતિહાસ હતો તે બધું દૂર કરવામાં આવ્યું છે. પરંતુ ચૂંટણીમાં ટીપુ સુલતાનની જયંતીની ઉજવણી રદ્દ કરવાનું વચન આપીને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. હવે તે ટીપુ સુલતાનને લગતા પાઠ રદ્દ કરવાની તેની જ જાહેરાત પર રોક લગાવે છે!

◾ દિવંગત અભિનેતા ઈરફાન ખાન કટ્ટરવાદી મુસ્લિમોને પસંદ નહોતો. એક એવૉર્ડ સમારંભમાં શાહરુખ ખાન અને ઇરફાન વચ્ચે પણ હુંસાતુંસી થાય છે તેવો વિડિયો છે. ઈરફાને બકરી ઈદ પર બકરીની હત્યા કરવા સામે વાંધો ઉઠાવતાં ટ્વીટ કરેલું કે “જો કુર્બાનીનો અર્થ બલિદાન કરવાનો થતો હોય તો બીજાનો બલિ આપીને હું અને તમે શું બલિદાન ખરેખર કરીએ છીએ?” પરંતુ લાગે છે કે તેમના દીકરા બબલીને કટ્ટરતાની હવા લાગી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર પૉ્ટમાં તેણે કહ્યું કે તેને સત્તામાં રહેલા લોકોનો ભય છે જેથી તે સૉશિયલ મિડિયા પર કંઈ પૉસ્ટ કરતો નથી કારણકે તેના લીધે તેની કારકિર્દી બર્બાદ થઈ શકે છે. તેણે જોકે એમ તો લખ્યું જ કે રક્ષા બંધનના તહેવારે રજા છે પણ ઈદ પર રજા નથી, જે દેશના સેક્યુલરિઝમની વિરુદ્ધ છે. તેણે એમ પણ લખ્યું કે તેના મિત્રોએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે કારણકે તે મુસ્લિમ છે! હવે જરા તપાસ કરો તો કેન્દ્ર સરકારે જે રજાની યાદી જાહેર કરી છે તેમાં ઇદ ઉલ અધા (બકરી ઈદ) રજા છે પણ રક્ષા બંધન નથી! તો કેન્દ્ર સરકારે તો આમ કર્યું નથી, તો બબલીને વાંધો કોની સામે છે? કદાચ મહારાષ્ટ્ર સરકાર સામે? પણ મહારાષ્ટ્ર સરકારેય બકરી ઈદને સરકારી રજા જાહેર કરી છે. પરંતુ જો તે શનિવારે હશે તો નહીં. ઈદનો દિવસ ચંદ્રના દર્શન પરથી નક્કી થતો હોય છે. મહારાષ્ટ્ર સરકારે પણ રક્ષા બંધનની રજા જાહેર કરી નથી. તો પછી આવો આક્ષેપ કરીને બબલી કોની પ્રશંસા મેળવવા માગે છે? તેણે તેના પિતાની ટીવી ડિબેટ અને ટ્વીટ જોવા જોઈએ.

◾ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપને આજે મોટો ફટકો પડ્યો. યસ બૅન્કે સાંતાક્રુઝ ખાતે આ કંપનીના વડા મથક અને અન્ય બે ઑફિસોનો કબજો લેવા નૉટિસ આપી છે. નૉટિસમાં બૅન્કે કહ્યું છે કે તે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપેલી રૂ. ૨૮.૮૨ અબજની વસૂલી કરી રહી છે. આ મુદ્દે મોદી વિરોધીઓ શું કહેશે? કારણકે રાહુલ ગાંધી સહિત વિરોધીઓ કહેતા રહ્યા છે કે મોદી સરકાર અદાણી-અંબાણીની સરકાર છે. રાફેલ વખતે પણ મોદીએ રિલાયન્સની તરફેણ કરી હોવાનો રાહુલે આક્ષેપ કર્યો હતો. જો તેમ હોય તો વિજય માલ્યાની સામે જેમ કૉંગ્રેસ સરકારે લૉન બાબતે આંખ આડા કાન કર્યા હતા તેમ થવું જોઈએ.

◾ અમેરિકામાં પણ આવા મોટા ઉદ્યોગપતિઓ સામે કાર્યવાહી થઈ શકે છે. ગૂગલ, એમેઝૉન, ફેસબુક અને ઍપલના અધ્યક્ષોને અમેરિકાના નીચલા ગૃહ કૉંગ્રેસના સાંસદોની ન્યાયિક સમિતિ સમક્ષ હાજર થવું પડ્યું છે. તેમની સામે આક્ષેપ છે કે પ્રતિસ્પર્ધીઓને હરાવવા માટે તેમણે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ડેમોક્રેટ સાંસદોએ સ્પર્ધાના મુદ્દે આ મોટા ઉદ્યોગપતિઓને ભીંસમાં લીધા તો રિપબ્લિકનોને ચિંતા એ હતી કે તેઓ માહિતીનું શું કરે છે અને તેઓ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) મતોને દબાવી દે છે કે કેમ. સુનાવણીમાં સાસંદોએ ગૂગલ પર તેના જેવી જ પેઢીઓ દ્વારા રચાયેલી માહિતી ચોરવાનો આક્ષેપ કર્યો જેથી વપરાશકારો તેમના પોતાના જ વેબ પેજ પર રહે. એમેઝૉન પર આક્ષેપ કર્યો કે એક તરફ તે વેપારીઓને માલ વેચવામાં જગ્યા આપે છે પણ બીજી તરફ તેમના જેવાં જ ઉત્પાદનો વેચીને તેમની સાથે સ્પર્ધા કરે છે. આ બાબત યુરોપીય સાંસદોની તપાસ હેઠળ પણ આવી છે. જ્યારે ફેસબુક સામે તેના સ્પર્ધકો ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ વગેરે ખરીદી લેવાની વાત આવી છે. એપલનો એપ સ્ટોર પણ પૂછપરછનો વિષય હતો. ભારતને પણ આ ચાર કંપનીઓ થકી કોઈ મોટું નુકસાન થાય તે પહેલાં તેમને અંકુશમાં લેવી જોઈએ. અત્યારે લોઢું ગરમ છે, મારી દ્યો હથોડો….

◾ સોના ચાંદીમાં આગ ઝરતી તેજીમાં આજે લગામ લાગી હતી. દસ દિવસમાં પહેલી વાર ભારતીય બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. એમસીએક્સમાં ઑગસ્ટના સોનાના વાયદામાં ૦.૨ ટકા ભાવ ઘટીને પ્રતિ દસ ગ્રામે રૂ. ૫૩,૦૬૫ થયો હતો. નવ દિવસમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામે રૂ. ૫,૫૦૦ વધ્યો છે. ચાંદીના ભાવમાં બે ટકાનો ઘટાડો થઈ તે પ્રતિ કિલોગ્રામે રૂ. ૬૩,૫૦૯ થયો હતો. વૈશ્વિક બજારોમાં પણ આ જ ચાલ જોવા મળ્યો હતો.

(તસવીર ૧: ૨૦૧૯માં પર્યાવરણ ચળવળકારની હત્યામાં ભારે ઊછાળો જોવા મળ્યો, તસવીર ૨ : સુબ્રમણિયન સ્વામીએ સુશાંતસિંહની હત્યા થઈ હોવાની શંકા જન્માવતાં કારણોનો ટ્વિટર પર મૂકેલો દસ્તાવેજ, તસવીર ૩: તીસ્તા સેતલવાડને ઝડપી ન્યાય ૨૦૧૫માં મળ્યો હતો, તસવીર ૪: રાહુલ ગાંધી સાથે સલમાન નિઝમી)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment