Home » રાફેલનો રણટંકાર, નવી શિક્ષણનીતિના પદસંચાર

રાફેલનો રણટંકાર, નવી શિક્ષણનીતિના પદસંચાર

by Jaywant Pandya

જાપાનના પાઇલૉટોની ઊંઘ ચીન પીપલ્સ લિબરેશન આર્મીએ ઉડાડી મૂકી છે,

સારદર્શી

( અંક -૩૭ દિ. ૨૯/૭/૨૦૨૦)

◾ આજે સવાર પડતાંની સાથે જે સમાચાર આંતરરાષ્ટ્રીય ફલક પરથી આવ્યા તેણે અનેકોનો શ્વાસ અદ્ધર કરી દીધો હશે. આ સમાચાર એ હતા કે ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલાં રાફેલ વિમાનો રાત્રે જ્યાં રોકાણા હતા તે યુએઇના અલ ધફ્રા વાયુ મથક પાસે ઈરાને મિસાઇલ હુમલો કર્યો હતો. આને કેટલાક લોકો ચીને તાજેતરમાં ઈરાનને પોતાના તરફ વાળ્યું હોવા સાથે જોડીને જુએ છે પરંતુ હકીકત એ છે કે યુએઇના અબુ ધાબી પાસે આવેલા અલ ધફ્રા વાયુ મથક પાસે અમેરિકા અને ફ્રેન્ચ દળો રોકાયેલા છે. આ સમાચાર સીએનએન તરફથી આવેાલ છે. સીએનએનની બાર્બરા સ્ટારે ટ્વીટ કર્યું, “સીએનએનને ખબર પડી છે કે જ્યારે ઇન્ડિકેટરોએ દર્શાવ્યું કે કદાચ ઈરાની મિસાઇલો રસ્તામાં હોઈ શેક છે ત્યારે અલ ઉદૈદ અને અલ ધફ્રાને સાબદાં કરવામાં આવ્યાં. જવાનોએ અનેક મિનિટ સુધી છુપાઈ જવા કહેવામાં આવ્યું. કોઈ મિસાઇલ અથડાઈ નહીં.” ફૉક્સ ન્યૂઝના લ્યુકાસ ટોમલિન્સને એક અધિકારીને ટાંક્યું કે ત્રણ ઇરાની મિસાઇલો આ મથકો પાસેનાં પાણીમાં પડી. તે ઈરાનની સેનાની કવાયતના ભાગરૂપે હતી.”

◾અમેરિકાએ જર્મનીમાંથી તેના ૧૨,૦૦૦ જવાનોને પાછા બોલાવી લેવા નિર્ણય કર્યો છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર મુજબ, આ યોજનાથી અબજો ડૉલરનો ખર્ચ થશે. આ નિર્ણયના પક્ષ અને વિપક્ષમાં ખૂબ જ ચર્ચા ચાલી નીકળી છે. ક્રોધિત સાથી દેશો આને ‘નાટો’ સંગઠન પર ફટકા રૂપે જુએ છે. તેમના કહેવા મુજબ આનાથી અમેરિકાની સેનાની તાકાત રશિયાની સામે નબળી થશે. જોકે ટ્રમ્પ સરકારે આ મુદ્દે આગળ વધવા નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આજે આ નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે સૈનિકોને પાછા બોલાવાઈ રહ્યા છે કારણકે જર્મની ‘નાટો’ના લક્ષ્ય મુજબ તેના જીડીપીના બે ટકા જેટલો ખર્ચ સંરક્ષણ પાછળ કરી રહ્યું નથી અને જર્મની અમેરિકાનો લાભ ઉઠાવી રહ્યું છે.

◾ તમે બરાબર આરામથી નિંદર માણતા હો ત્યારે કોઈ આવીને તમારા કાનમાં ‘હૂ’ કરી જાય તો? અને આવું વારંવાર બને તો? તમે કેટલા ચીડાઈ જાવ? જાપાનની સ્થિતિ આવી જ થઈ રહી છે. જાપાનના લડાકુ પાઇલૉટ કર્નલ તાકામાચી શિરોતાએ કહ્યું છે કે તેમના દેશ પર ચીન તરફથી હવામાં દબાણ વધી રહ્યું છે. દિવસમાં બેથી વધુ વાર જાપાનના લડાકુ પાઇલૉટોને સાયરન સાંભળવા મળે છે. તેઓ તેમના રૂમમાંથી ઊભા થાય છે, જેટ તરફ ભાગે છે અને બૂમ પાડીને કહે છે કે જાપાનની વાયુ સીમામાં અજાણ્યાની ઘૂસણખોરીને તોડી પાડવા તૈયાર છે. માર્ચ મહિનામાં સમાપ્ત થયેલા ગયા એક જ નાણાકીય વર્ષમાં જાપાનના વાયુ સ્વ સંરક્ષણ દળ સાથે આવું ૯૪૭ વાર થયું હતું! અને આવું કરનાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના વાયુ દળનાં જહાજો છે.

◾ જેમને ઘર વાસ પસંદ નથી તેમને સ્વીડનની આ વાત પસંદ પડશે. સ્વીડનમાં છેલ્લાસપ્તાહથી કોરોના પૉઝિટિવ કેસોમાં ઘટાડો થયો છે અને મૃત્યુના પ્રમાણમાં પણ. અને ઘર-વાસ નથી તો પણ આવું થયું છે. તેના ટોચના રોગચાળા નિષ્ણાત એન્ડર્સ ટેગનેલ મુજબ, ગંભીર રીતે બીમાર દર્દીઓની સંખ્યા લગભગ શૂન્ય છે. ટર્ગનેલ કહે છે કે જાહેર પરિવહનમાં ફેસ માસ્ક પહેરવાથી કોઈ અર્થ સરતો નથી! સ્વીડનમાં ગયા સપ્તાહે માત્ર ૧,૭૧૬ કેસો નોંધાયા હતા જે જૂન મહિનાથી ૯,૦૯૪ જેટલા ઓછા છે. સ્વીડનમાં ઘર-વાસ જાહેર કરાયો નથી. દુકાનો અને રેસ્ટૉરન્ટો ખુલ્લી છે. જોકે લોકોના મોટા પ્રમાણમાં ભેગા થવા પર પ્રતિબંધ છે. પરંતુ જેમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ છે તેવા સ્ટૉકહૉમમાં પ્રાથમિક શાળાઓ ખુલ્લી રહી છે. પરંતુ આ બધાનું કારણ હવે આવે છે. લોકોએ કોરોનાને અટકાવવા માટેના એકબીજાથી અંતર સહિતના નિયમો પાળ્યા છે.

◾આજે અનેક વિરોધ પછી રાફેલ આવ્યાના આનંદ સાથે એક મહત્ત્વના (અને કદાચ રાફેલ કરતાં વધુ મહત્ત્વના) સમાચાર એ રહ્યા કે કેન્દ્રીય પ્રધાન મંડળે આજે નવી શિક્ષણ નીતિને અનુમતિ આપી દીધી છે. ઘણા સમયથી પ્રશ્ન થતો હતો કે શિક્ષણને લગતા ખાતાને માનવ સંસાધન વિકાસ ખાતું કેમ કહે છે? આ તો જાણે કંપનીનું ખાતું હોય તેમ લાગે. આ ભૂલ સુધારી લેવાઈ છે. આ ખાતાનું નામ શિક્ષણ ખાતું (એજ્યુકેશન મિનિસ્ટરી) કરી દેવાયું છે. ઇસરોના પૂર્વ પ્રમુખ કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિએ શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકને નવી શિક્ષણ નીતિનો મુસદ્દો સોંપ્યો હતો. આ મુદ્દે સરકારે લોકોનાં અભિપ્રાયો અને સૂચનો પણ મગાવ્યાં હતાં. બીજી અનેક બાબતોની જેમ આ બાબતે પણ ત્રીસેક વર્ષ પછી આ નિર્ણય લેવાયો છે. આ નીતિના મહત્ત્વના મુદ્દા એ છે કે વિદ્યાર્થીને ઓછામાં ઓછું પાંચમા ધોરમ સુધી, પછી જો શક્ય બનશે તો તેના આગળનાં ધોરણો પણ સ્થાનિક કે માતૃભાષામાં ભણવું પડશે. હિન્દી અને અંગ્રેજી વિષય તરીકે હશે પરંતુ બાકીના અભ્યાસક્રમ સ્થાનિક કે માતૃભાષામાં જ હશે. નવમાથી ૧૨મા ધોરણ સુધી સેમેસ્ટર પદ્ધતિથી પરીક્ષા લેવાશે. પહેલાં દસ વત્તા બારનું સૂત્ર હતું હવે ૫ + ૩ +૩ + ૪નું સૂત્ર છે. વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર વિષયની પસંદગી કરી શકશે. એટલે કે કોઈને વિજ્ઞાન સાથે સંગીત લેવું હોય તો લઈ શકશે.બૉર્ડની પરીક્ષાને ગોખણપટ્ટીના બદલે જ્ઞાન આધારિત બનાવવામાં આવશે. બાળક જ્યારે ભણીને નીકળે તો તે કોઈ ને કોઈ કૌશલ્ય સાથે નીકળે તે હેતુ છે. બાળક પોતાનું પ્રગતિ પત્રક તૈયાર કરશે. અત્યાર સુધી માત્ર શિક્ષક પ્રગતિ પત્રક તૈયાર કરતા હતા, પણ હવે બાળક પોતાના વિશે મૂલ્યાંકન કરશે, બીજું મૂલ્યાંકન તેના સહાધ્યાયીઓ કરશે અને ત્રીજું શિક્ષક કરશે. જેમને ઉચ્ચ શિક્ષણ લેવું નથી તેમણે ત્રણ વર્ષ જ ભણવાનું રહેશે, પરંતુ ઉચ્ચ શિક્ષણ લેવું હોય તો ચાર વર્ષ અને પછીનું એક વર્ષ કરાતાં એમ. એ. જેવી ડિગ્રી મેળવી શખશે. હવે વિદ્યાર્થીઓેને એમ. ફિલ. કરવાની જરૂર નથી. એમ.એ.ના વિદ્યાર્થીઓ સીધા પીએચ.ડી. કરી શકશે. એક કૉર્સ કરતી વખતે વચ્ચે બીજો કૉર્સ કરવો હોય તો પહેલા કૉર્સમાંથી નિશ્ચિત સમય સુધી વિરામ લઈને બીજો કૉર્સ કરી શકાય છે. નવી નીતિ શાળા અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં બહુભાષાને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રીય પાલી સંસ્થાન, ફારસી અને પ્રાકિત, ભારતીય અનુવાદ સંસ્થાન અને વ્યાખ્યાની સ્થાપના કરવામાં આવશે. કેટલાક મુદ્દા જેમ કે દસ વત્તા બારના બદલે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચારનો ફેરફાર સમજાયો નથી. અનુસ્નાતક ડિગ્રીમાં ચાર વત્તા એકની ફૉર્મ્યુલા સમજાઈ નથી. મૂલ્યાંકનમાં નવો ફેરફાર સારો છે પરંતુ વિદ્યાર્થીઓમાં પણ જૂથવાદ હોય છે. તેમાં હિન્દી ફિલ્મની જેમ જૂથ બનાવીને કોઈ તેજસ્વી વિદ્યાર્થીને હેરાન ન કરાય તે ધ્યાન રાખવું પડશે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે સ્થાનિક કે માતૃભાષામાં શિક્ષણ. એ વાત સદંતર ખોટી છે કે ઉચ્ચ કે પ્રૉફેશનલ અભ્યાસ માત્ર અંગ્રેજીમાં જ થઈ શકે છે. જો અંગ્રેજોનાં સંસ્થાન રહેલા દેશોને બાદ કરી દઈએ તો બાકીના દેશોમાં પોતાની ભાષામાં જ ભણાવાય છે. ચીનમાં તો સૉફ્ટવેર, સૉશિયલ મિડિયા વગેરે તમામ તેની ભાષામાં છે. ઉપરાંત, જે દેશમાં ભણવા કે કમાવવા જવું હોય તે દેશની ભાષા અને ઉચ્ચાર પહેલાં શીખવા પડે છે. તેની પરીક્ષા આપવી પડે છે. જ્યારે ભારતમાં આવું નથી.

◾ ભાષાની વાત આવે છે તો આ દેશમાં આપણને દાસ બનાવનારની ભાષાનું ગૌરવગાન વધુ થતું આવ્યું છે. અહીં વાંધો અંગ્રેજી કે ઉર્દૂ સામે નહીં, પરંતુ પોતાની ભાષાના ભોગે તેના પ્રત્યેની ચાહના અને પોતાની ભાષામાં બોલવાને હીન અને આ બે ભાષાઓમાં બોલવાને સન્માનજનક ગણવાની માનસિકતા સામે વાંધો છે. બાકી, આ લખનારને પણ ઉર્દૂ અને અંગ્રેજી પસંદ છે. પરંતુ સંસ્કૃત, સંસ્કૃતમય શુદ્ધ હિન્દી, ગુજરાતીની ઉપેક્ષા અને તેની ભદ્રંભદ્ર કહીને ઠેકડી ઉડાડવા સામે વાંધો છે. તેમાં રહેલી શિષ્ટતા પસંદ છે. અને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલનું ભારતની ધરતી પર બપોરે ૩.૧૮ કલાકે ઉતરાણ થયું તેને વધાવતા સંસ્કૃતમાં ટ્વીટ કર્યું હતું- રાષ્ટ્રરક્ષાસમં પુણ્યં…તેનો અર્થ છે રાષ્ટ્રની રક્ષા સમાન કોઈ પુણ્ય નથી.

◾ આજે સવારથી બધા એકીટશે ટીવી સામે રાફેલના આગમની રાહ જોઈ રહ્યા હતા. આનાં બે મુખ્ય કારણ હતાં: એક તો લગભગ ૨૨ વર્ષો પછી વાયુ દળમાં કોઈ વિમાનનો ઉમેરો થઈ રહ્યો હતો અને તેના કારણે વાયુ દળ દુશ્મનો સામે મજબૂત થવાનું હતું આ એવા સમયે ઘટના બની રહી હતી જ્યારે ચીન અને પાકિસ્તાન લડવા માટે બેબાકળાં છે. અને રાફેલના આગમનના સમાચારથી તેમના હૃદયના ધબકારા વધી ગયા હશે. બીજું કારણ એ હતું કે રાફેલ આવતાની સાથે કોઈ ત્રાસવાદી હુમલો ન થઈ જાય. અંબાલાના વાયુ દળના મથક આસપાસ ચાર ગામોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. લોકોને ઘરોની અગાશીએ ચડીને જોવાની મનાઈ કરવામાં આવી હતી.

◾ જિજ્ઞાસા એ વાતની થાય કે અંબાલા જ શું કામ? તો જવાબ એ છે કે અંબાલા દિલ્લીથી માત્ર ૨૦૦ કિમી દૂર છે. તેનું વાયુ મથક વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં પાકિસ્તાનમાં બાલાકોટ વાયુ હુમલો અહીંથી મિરાજ દ્વારા થયો હતો. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે પણ અંબાલાના વાયુ મથકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અહીંથી તે વખતે ૨૩૪ ઉડાનો ભરાઈ હતી. અહીંથી ભારત-પાકિસ્તાન સીમા માત્ર ૨૨૦ કિમી છે જ્યારે ચીનની સીમા અંદાજે ૪૫૦ કિમી દૂર છે.

અનંતનાગના હિલાલ અહમદ રાઠેરની રાફેલ સોદામાં ભૂમિકાથી કાશ્મીરીઓ ખુશ છે

◾ રાફેલના સોદામાં એક કાશ્મીરી વાયુ સેના અધિકારી હિલાલ અહમદ રાઠેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે રાફેલના પહેલા જથ્થાની ઉડાન રવિવારે ૨૬ જુલાઈએ થઈ ત્યારે રાઠેર પેરિસમાં હાજર હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ગત દશેરા આસપાસ ઑક્ટોબર ૨૦૧૯માં ફ્રાન્સ જઈ રાફેલની શસ્ત્ર પૂજા કરતા હતા ત્યારે પણ હિલાલ ત્યાં હાજર હતા. આ હિલાલ કાશ્મીરના અનંતનાગના રહેવાસી છે જે ત્રાસવાદીઓનો અડ્ડો મનાય છે. તેઓ વાયુ દળમાં ઍર કૉમૉડોરના પદ પર સેવારત છે. તેમનો જન્મ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વ. મોહમ્મદ અબ્દુલ્લા જ.કા.ના પોલીસ ખાતામાં ડેપ્યુટી એસ. પી. હતા. હિલાલનું નામ રાફેલ સાથે જોડાવાથી આજે કાશ્મીરીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. ટ્વિટર પર Anantnag ટોચના ટ્રેન્ડમાં હતું. તેમને એ વાત પર ગર્વ હતો કે રાફેલમાં બેસેલી પહેલી વ્યક્તિ અનંતનાગની નિવાસી છે. કેટલાક લોકોએ હિલાલ મારફતે પાકિસ્તાનને પણ ખિજવ્યું હતું. @Beingsajiddarr નામના ટ્વિટર હેન્ડલ પરથી વિડિયો મૂકાયો હતો જેમાં હિલાલ અહમદ રાઠેરને રાફેલની શસ્ત્રપૂજાની તૈયારી કરતા દેખાય છે અને તેમાં લખાયું હતું, “પ્રિય પાકિસ્તાન, આ વિડિયોને જુઓ. એક કાશ્મીરી ઍર કૉમૉડૉર હિલાલ અહમદ રાઠેર રાજનાથસિંહની હાજરીમાં આયોજિત સમારોહમાં એક શીખ ગ્રૂપ કેપ્ટન આનંદ સાથે શસ્ત્રપૂજાની તૈયારી કરી રહ્યા છે. હવે ખાલિસ્તાન અને કાશ્મીર પર રોતા રહો.

◾પરંતુ આ ક્ષણે મોદી સરકારના બિન વિવાદાસ્પદ અને મજબૂત સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની યાદ આવ્યા વગર ન રહે. તેમણે જ સપ્ટેમ્બર ૨૦૧૬માં આ વિમાનના કરાર કર્યા હતા. તેમણે ઉડી હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ગોવાના મુખ્ય પ્રધાન તરીકે તેઓ જ ચાલશે તેવી સાથી પક્ષોએ માગણી કરી ત્યારે સંરક્ષણ પ્રધાનનું પદ છોડીને તેઓ ગોવા ચાલ્યા ગયા હતા અને કેન્સરની ગંભીર બીમારી છતાં તેમણે છેક સુધી નાકમાં નળી સાથે કામ કર્યું હતું. પરંતુ તે સમયે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અશોભનીય વર્તન કર્યું હતું. તેઓ પર્રિકરની તબિયત પૂછવા તેમના ઘરે ગયા હતા અને પછી તેમણે એવું કહ્યું કે “હું કાલે પર્રિકરજીને મળ્યો હતો. પર્રિકરજીએ પોતે કહ્યું કે રાફેલ ડીલ બદલતી વખતે વડા પ્રધાને દેશના સંરક્ષણ પ્રધાનને પૂછ્યું નહોતું.” આ વાતને પછી પર્રિકરે નકારી હતી પરંતુ આ રીતે બીમાર વ્યક્તિને મળવા જઈ અને પછી તેમના નામે જૂઠ બોલવું કેટલું યોગ્ય કહેવાય. અને અંતે તો સર્વોચ્ચ ન્યાયાલયમાંથી પણ રાફેલ મામલે ક્લીન ચિટ આવી ગઈ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ‘ચોકીદાર ચોર હૈ’નું સૂત્ર બનાવી તેને પ્રમુખ મુદ્દો બનાવ્યો પરંતુ જનતાના ન્યાયાલયમાંથી પણ મોદીજીને સમર્થન મળ્યું.

◾જોકે કૉંગ્રેસ હજુ પણ જૂનો રાગ આલાપી રહી છે. તેના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ રાફેલનું સ્વાગત કરતાં ચાર પ્રશ્નો પૂછ્યા- ૫.૨૬ અબજના એક રાફેલની કિંમત હવે ૧૬.૭૦ અબજ શા માટે? ૧૨૬ રાફેલના બદલે ૩૬ રાફેલ જ કેમ? મેક ઇન ઇન્ડિયાના બદલે મેક ઇન ફ્રાન્સ કેમ? પાંચ વર્ષનો વિલંબ કેમ? મને લાગે છે કે આ મુદ્દે પહેલાં જ ચર્ચા ઘણી થઈ ચૂકી છે. હવે કૉંગ્રેસે શરદ પવારની વાત માની લેવી જોઈએ…

◾શરદ પવાર ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે સામે બોલ્યા હતા. આજે કૉંગ્રેસ અને ગાંધી પરિવાર સામે બોલ્યા હતા. તેમણે સીએનએન ન્યૂઝ ૧૮ને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે કૉંગ્રેસને જોડી રાખનાર પરિબળ ગાંધી પરિવાર છે (અને તોડનાર પણ. શરદભાઉ કેમ ભૂલી જાય છે કે તેઓ સોનિયાજીના વિરોધમાં જ કૉંગ્રેસમાંથી નીકળ્યા હતા અને રા.કૉ.પ. બનાવ્યો હતો) તેથી હવે કૉંગ્રેસનું નેતૃત્વ સંપૂર્ણ રીતે રાહુલને આપી દેવું જોઈએ.” વેઇટ. અહીં થોભી જાવ. આનો અર્થ સમજો. શરદભાઉના આ વિધાન પરથી અને જે જગજાહેર પણ છે કે કૉંગ્રેસમાં અત્યારે બે મોટા જૂથો દેશભરમાં છે. એક સોનિયા જૂથ અને બીજું રાહુલ જૂથ. જ્યારે રાહુલ કૉંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે સોનિયા જૂથે રાહુલને સમર્થન ન આપ્યું અથવા રાહુલે સોનિયા જૂથના ઘરડા લોકોને સાઇડલાઇન કર્યા અને હવે સોનિયા ફરી ધુરા સંભાળી રહ્યા છે ત્યારે રાહુલ જૂથના મનાતા યુવાન નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અથવા બળાપો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ શરદભાઉ કહેવા માગે છે કે હવે માત્ર રાહુલને જ સંપૂર્ણ જવાબદારી સોંપી દો. પવારદાદાએ રાહુલને બીજી એક સલાહ પણ આપી કે મોદીને ટાર્ગેટ ક રવાનું છોડી દેવું જોઈએ. જ્યારે તમે એક જ જણને વ્યક્તિગત રીતે નિશાન બનાવો છો ત્યારે તમારી પોતાની વિશ્વસનીયતા ઘટે છે. શું શરદભાઉની સલાહ રાહુલ માનશે? અગલે એપિસૉડ મેં દેખેંગે હમ લોગ!

તસવીર ૩: કંગનાએ એક જૂનો અહેવાલ રજૂ કરી આક્ષેપ કર્યો કે દીપિકાએ તેના લગ્નમાં સુશાંત અને તેને બોલાવી નહોતી પરંતુ પાકિસ્તાની એજન્ટ અનિલ મુસર્રતને બોલાવ્યો હતો

◾હિન્દી ફિલ્મ જગતના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે તેનો વધુ એક આક્ષેપ આજે થયો અને તે બીજા કોઈ તરફથી નહીં, પરંતુ પૂર્વ રૉ અધિકારી એન. કે. સૂદ તરફથી. તેમણે આક્ષેપ કર્યો કે ગયા વર્ષે ‘છપાક’ ફિલ્મની રિલીઝ પહેલાં દીપિકા પદુકોણ જવાહરલાલ નહેરુ વિ.વિ. (જેએનયુ)માં વિરોધ કરી રહેલા ડાબેરી વિદ્યાર્થીઓને સમર્થન આપવા ગઈ ત્યારે તેને પાકિસ્તાની એજન્ટ અનીલ મુસર્રતે આ માટે પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે યૂટ્યૂબ વિડિયો (www.youtube.com/watch?v=u0VY8qVuJDI&feature=youtu.be) માં કહ્યું કે દીપિકાને કરાચી અને દુબઈથી ફૉન આવ્યા હતા જેમાં તેને જેએનયુ પરિસર જવા કહેવાયું હતું. આ મામલે અભિનેત્રી કંગના રનૌતની ટીમ પણ મેદાને આવી હતી. કંગનાએ કહ્યું કે આ પાકિસ્તાન એજન્ટ અનિલ મુસર્રતને દીપિકાએ તેનાં લગ્નમાં આમંત્રણ આપ્યું હતું પરંતુ ફિલ્મ ઉદ્યોગના બે જણને નહોતું આપ્યું. એક સુશાંતસિંહ રાજપૂત અને બીજી કંગના રનૌત. કંગનાની ટીમે લખ્યું કે એકની હત્યા થઈ ગઈ છે અને બીજી તેના અસ્તિત્વ માટે લડી રહી છે.

◾ પરંતુ આ મામલે સેક્યુલર મિડિયાએ કેવી બદમાશી કરી છે તે જુઓ. ગુગલમાં pak agent, deepika કરીને સર્ચ કરશો તો જેણે આ સમાચાર લીધા છે તેમાં જે મેઇનસ્ટ્રીમ મિડિયા કહેવાય તેમાં એક ફ્રીપ્રેસ જર્નલ છે અને બીજું આજ તક છે. આ બંનેએ રૉના પૂર્વ અધિકારીના નામે હેડિંગ નથી બનાવ્યું, પરંતુ ટીમ કંગનાના નામે બનાવ્યું છે. જો રૉના પૂર્વ અધિકારીનો હેડિંગમાં ઉલ્લેખ થાય તો તેનું મહત્ત્વ વધી જાય કારણકે કેટલાક લોકો કંગના તો બોલતી રહે તેમ માનતા હોય છે. બીજું કે ફ્રી પ્રેસ જર્નલે તો સમાચારની અંદર પૂર્વ રૉ અધિકારીનો ઉલ્લેખ કર્યો છે, આજ તકે તો તે પણ નથી કર્યું. માત્ર કંગના ટીમના આધારે જ સમાચાર બનાવ્યા છે. બંનેએ એ વાત દબાવી દીધી કે દીપિકાને પાંચ કરોડ આ કામ માટે મળ્યા હોવાનો સૂદનો આક્ષેપ છે. જ્યારે ગુગલમાં સર્ચ કરતાં યાહુ ન્યૂઝની લિંક તો મળે છે પરંતુ તે ખોલો તો પેજ ડિલીટ થઈ ગયાનો સંદેશો આવે છે. આનો અર્થ એ થયો કે યાહૂ ન્યૂઝે સમાચાર અપલૉડ કર્યા હતા પરંતુ કોઈ ધમકી કે પૈસા કે અન્ય કોઈ કારણસર સમાચાર ગાયબ કરી દીધા. ગુગલ તો સ્કીનશૉટ લઈ લે છે તેથી તેમાં યાહુના સમાચારની લિંક આવી જાય છે. આ બતાવે છે કે પાકિસ્તાન તરફી સમાચારને અને પાકિસ્તાન તરફી વ્યક્તિ સાથે કોઈ મોટી સેલિબ્રિટીની સાંઠગાંઠ હોય તો તે સમાચારને આ સેક્યુલર મિડિયા કેટલું મહત્ત્વ આપે છે. બીજી તરફ, અમેરિકાના પૂર્વ રા. સુ. સલાહકાર ટ્રમ્પ ભારત-ચીનની લડાઈમાં નહીં જોડાય તેવો ફાલતુ બકવાસ કરે તો પણ અહીં મુખ્ય સમાચાર બને છે! કંગનાની વાત પરથી એ પણ સાબિત થાય છે કે આ બહારી લોકોને હિન્દી ફિલ્મનો કરણ જૌહર, આદિત્ય, સહિત એક મોટો વર્ગ બહિષ્કાર કરી રહ્યો હતો. તેમાં દીપિકા પણ સામેલ હતી.

◾ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં આજે રિપબ્લિક વર્લ્ડ ચેનલ પર અર્નબ ગોસ્વામીની ડિબેટમાં સુશાંતના મિત્ર અને નિર્માતા સંદીપસિંહને અર્નબે ભારે ઉલટ તપાસ કરતાં બે વાત નીકળી. એક તો એ કે સંદીપ માનતો નથી કે સુશાંતે આત્મહત્યા કરી હોય. બીજું કે તેનું ઑફિશિયલ સ્ટેટમેન્ટ પોલીસે લીધું નથી! તેણે કહ્યું કે તેણે મુંબઈ પોલીસને બધી વિગતો આપી હતી પરંતુ તે સત્તાવાર રીતે નહીં. અર્નબે આના પરથી મુંબઈ પોલીસને પ્રશ્ન કર્યો કે તો પછી શા માટે મુંબઈ પોલીસે સંદીપનું સત્તાવાર નિવેદન ન લીધું? જોકે અર્નબે સંદીપસિંહને શરૂઆતમાં કરણ જૌહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ વગેરેને બચાવાય તેવાં નિવેદનો કરવા માટે ભીંસમાં લીધો હતો.

◾સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે રિયા ચક્રવર્તીની ધરપકડની માગણી કરી હતી. અને તેના પર સુશાંતને આત્મહત્યા કરવા પ્રેર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે મુંબઈ પોલીસ તપાસને ભટકાવવા માગે છે. તેમણે એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે બાંદ્રા ડીસીપીને એક સત્તાવાર વિનંતી કરીને કહેવાયું હતું કે સુશાંત પર નજર રાખવામાં આવે. ગઈ કાલે આ કૉલમમાં પ્રશ્ન કરાયો હતો કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર કેમ મૌન છે? પરંતુ વકીલ વિકાસસિંહે કહ્યું કે નીતીશની પરવાનગી પછી જ બિહાર પોલીસ આટલાં મોટાં માથાંઓ સામે ફરિયાદ નોંધવા તૈયાર થઈ. તેથી તેમનો આભાર માનું છું. જોકે એક વાત નીતીશકુમારના પક્ષે એ છે કે ગઈ કાલે ફરિયાદ થઈ ગઈ છતાં બિહાર પોલીસે પણ રિયાની ધરપકડ કરવા કોઈ ગંભીર પ્રયાસો કર્યા હોય તેવું ધ્યાનમાં નથી આવતું. શું આમાં કોઈ પૈસાનો ખેલ રમાઈ રહ્યો છે?

◾ મુંબઈ પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં કેટલી ઢીલાશ છે તે વાતનો અંદાજ એ વાત પરથી આવશે કે સોમવારે ૨૭ જુલાઈએ પૂર્વ નિર્દેશક મહેશ ભટ્ટે બાંદ્રા પોલીસ સ્ટેશને જઈને પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું. તેમાં પોલીસે તેમને એક મહત્ત્વની વાત જે સૌ પ્રથમ પૂછવી જોઈએ તે પૂછી જ નહીં. આ વાત એ કે જે દિવસે સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા તે દિવસે મહેશ ભટ્ટની સાથી સુહૃતા સેનગુપ્તાએ રિયા ચક્રવર્તીના નામે એક સૉશિયલ મિડિયા પૉસ્ટ લીખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે તેણે રિયાના સંઘર્ષને જોયો છે. જ્યારે સુશાંત ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો અને રિયા તેના કારણે પરેશાન હતી અને વારંવાર મહેશ ભટ્ટની ઑફિસમાં કાઉન્સેલિંગ માટે આવતી હતી. તે મહેશ ભટ્ટને અનેક વાર ફૉન કરતી હતી અને વાત કરતી હતી. એક વાર સુશાંતના ઘરની અગાશીએ અમે લોકો મળ્યા ત્યારે મહેશ ભટ્ટે તેમના ગુરુએ પરવીન બાબી માટે જે કહ્યું હતું તે સુશાંત માટે કહ્યું કે અલગ થઈ જા. નહીંતર તારા પતનની શરૂઆત થશે. આ વાત પર મહેશ ભટ્ટની પૂછપરછ થઈ જ નહીં. મહેશ ભટ્ટના એવા કેટલા ગાઢ સંબંધ સુશાંત સાથે હતા કે તે જઈને આવી ધમકી કે ચેતવણી સુશાંતને આપી શકે? શું દીકરી આલિયાને (જે તેણે કરણ જૌહરને કોફી વિથ કરણમાં કહ્યું હતું) સુશાંત નહોતો ગમતો તેથી તેને માનસિક રીતે ખલાસ કરી દેવાનો?

◾ ભાજપ અને સેક્યુલર પક્ષો વચ્ચે મોટો તફાવત શું છે? ભાજપ સરકારો મિડિયાના દબાણમાં આવી જાય છે. મોદીએ ગોરક્ષકોને ગુંડા કહેવા પડ્યા હતા યાદ છે? રોહિત વેમુલા મુદ્દે પણ નિવેદન આપવું પડ્યું હતું. બીજી તરફ, સુશાંત સામે આટલા હોબાળા છતાં, પોલીસ તપાસ ચાલતી હોવા છતાં શિવસેના બિન્દાસ્ત રીતે સુશાંતની મજાક જેવું નિવેદન આપી શકે છે, તપાસનું તારણ ન નીકળ્યું હોવા છતાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સુશાંતના મૃત્યુને આત્મહત્યા કહી શકે છે. આજે ફરી એક વાર મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈ તપાસને નકારી અને કહ્યું કે મુંબઈ પોલીસ જ તપાસ કરશે.

◾ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ થઈ એટલે ૨૮મીની રાતથી જ તેણે વકીલની સલાહ મેળવવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ આજે સમાચાર આવ્યા કે રિયાએ સતીશમાને શિંદેને વકીલ તરીકે રાખ્યા છે. આ વકીલ દેશના સૌથી મોંઘા વકીલોમાં ગણાય છે. સતીશમાને સલમાન ખાન અને સંજય દત્તનો કેસ લડી ચૂક્યા છે. ૧૯૯૮માં કાળિયારના શિકાર કેસમાં સલમાનના અને ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ ધડાકાના કેસમાં સંજય દત્તના વકીલ સતીશમાને જ હતા. ૫૦ વર્ષના સતીશમાનેને મોંઘી કારો ખૂબ જ ગમે છે. તે એક દિવસની ૧૦ લાખ રૂપિયા ફી લે છે. અને આ પાછા વર્ષ ૨૦૧૦ના આંકડા છે. હવે વિચારો કે રિયા જેવી ઉગતી અભિનેત્રીને આટલી મસમોટી ફી લેતા વકીલ કેવી રીતે પોસાય? પરંતુ એક પછી એક કડી જોડો. રિયા -> મહેશ ભટ્ટ -> સંજય દત્ત -> સતીશમાને શિંદે. મહેશ ભટ્ટ સંજય દત્તના કેસમાં મજબૂત દીવાલની જેમ ઊભા હતા. આમ, જુઓ તો સંજય દત્તે તેમની ‘નામ’, ‘ગુમરાહ’ જેવી એક બે ફિલ્મમાં જ કામ કર્યું હતું. પરંતુ ત્યારે પણ મહેશ ભટ્ટ સંજય દત્તના બચાવમાં ઉતરી આવ્યા હતા અને જાણે સંજય દત્તને બહુ મોટું દુઃખ આવી પડ્યું હોય તેમ ત્યારે તેમણે આર્થર રૉડ જેલમાં સંજયને મળ્યા પછી કહ્યું હતું: “બહુ ઓછા લોકો આવા તબક્કામાંથી પસાર થાય છે અને તેમાંથી બહાર નીકળવા સક્ષમ હોય છે. મેં તેને આર્થર રૉડ જેલમાં જોયો. તે ભાંગી પડેલો સંજય દત્ત હતો. એ કહેવું મુશ્કેલ છે કે તે તેની તૂટેલી જિંદગીને ફરીથી જોડી શકશે કે કેમ. તે વખતે પણ સંજય દત્તના પિતા સુનીલ દત્તે બાળ ઠાકરેની પાસે મદદ માગી હતી અને તેના થોડા સમય બાદ સંજય દત્ત જેલમાંથી છૂટ્યો હતો! આજે ફરીથી એ જ ચક્ર છે. શિવસેના-કૉંગ્રેસ-રિયા ચક્રવર્તી-મહેશ ભટ્ટ…અત્યારે સંજય દત્તની જગ્યાએ રિયા છે તેટલો ફેર.

◾રાજસ્થાનમાં હજુ પણ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ વચ્ચે ટકરાવ શાંત નથી થયો. રાજ્યપાલે ત્રીજી વખત વિધાનસભા સત્ર બોલાવવાની ફાઇલ પાછી મોકલી દીધી છે. રાજ્યપાલે કહ્યું કે કોરોના કાળમાં વિધાનસભા સત્રનું ઔચિત્ય શું છે? ૧૦૦૦ કર્મચારી અને ૨૦૦ ધારાસભ્યોને કેવી રીતે કોરોનાથી બચાવી શકશું? તે પછી અશોક ગહલોતે ફરી પ્રધાનમંડળની બેઠક કરી અને આ વખતે ૧૪ ઑગસ્ટથી સત્ર બોલાવવાનો પ્રસ્તાવ કર્યો. આ વખતે રાજ્યપાલ માની ગયા. કોરોના માટે તેમણે નિર્દેશ પણ આપ્યા હતા.

◾ રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી. પી. જોશીએ ફરી જાણે ઢીંગલાઢીંગલીની રમત હોય તેમ સર્વોચ્ચમાં પાઇલૉટ જૂથ વિરુદ્ધ અરજી કરી અને રાજસ્થાન ઉ. ન્યા.ને રોકવા કહ્યું છે. અગાઉ તેમણે જ સર્વોચ્ચમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. સામાન્ય માણસે જો આમ કર્યું હોય તો તેને ન્યાયાલયમાંથી ઠપકો મળે, પરંતુ મોટા રાજકારણીઓ આવું કરી શકે. એક દિવસ અરજી પાછી ખેંચે, બીજા દિવસે ફરીથી દાખલ કરે.

◾ આ તરફ, સચીન પાઇલૉટે આજે સી. પી. જોશીને જન્મદિનની શુભેચ્છા પાઠવતી હતી, સાથે કૉંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષને પણ અભિનંદન આપી ઠંડા કલેજે રાજનીતિ કેવી રીતે થઈ શકે તેનો પરચો આપ્યો હતો. સચીન પોતે હજુ કૉંગ્રેસમાં જ હોવાનો સંદેશ આપવા માગે છે.

◾ ગુજરાત, રાજસ્થાન કે મધ્ય પ્રદેશની વાત આવે ત્યારે કૉંગ્રેસમાં અંદર જ ખેંચતાણ હોવા છતાં તેને ભાજપ સાથે જોડીને પ્રજાદ્રોહનો મુદ્દો બનાવતા સેક્યુલરોએ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીની વાત સાંભળવી જોઈએ. કુમારસ્વામીએ કહ્યું છે કે સોદાબાજીનું બીજું નામ જ કૉંગ્રેસ છે. તેમણે કહ્યું કે ભાજપ સામે કૉંગ્રેસ ‘લોકશાહી બચાવો’ અભિયાન ચલાવે છે પરંતુ તેણે પોતે શું કર્યું છે? તેણે રાજસ્થાનમાં સરકાર બનાવવા શું બસપના બધા ધારાસભ્યોને લોભલાલચ નથી આપી? જો તમે સમવૈચારિક પક્ષના ધારાસભ્યોને તોડશો તો તમને કોણ ટેકો આપશે? આ ભૂલો તમને દેખાતી નથી? કૉંગ્રેસ રાજકીય પક્ષોમાં ભાગલા પડાવવામાં અને ધારાસભ્યોને ખરીદવામાં નિષ્ણાત છે. રાજકારણમાં હૉર્સ ટ્રેડિંગ શબ્દ જ માત્ર અને માત્ર કૉંગ્રેસના કારણે આવ્યો.

◾ મહારાષ્ટ્રમાં એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. ફેક સૉશિયલ મિડિયા ફૉલોઅર કૌભાંડ. તેમાં રેડિયો જૉકી રોસન અબ્બાસ અને આઈપીએલના પૂર્વ કૉમેન્ટેટર અને અભિનેતા ગૌરવ કપૂરને પૂછપરછ માટે બોલાવાયા છે. આ કૌભાંડના મૂળમાં ચીટરબૉક્સ ડિજિટલ કંપની છે. તેના સ્વામી પ્રણય સ્વરૂપને પોલીસે આજે બોલાવ્યા હતા પરંતુ તેઓ કોરોનાના બહાને પોલીસ પાસે ગયા નથી. ચીટરબૉક્સ સૉશિયલ મિડિયા પ્રભાવ ઉત્પન્ન કરનાર માર્કેટિંગ કંપની છે. ગયા વર્ષે તેના પર ૪.૯ કરોડ ઇન્સ્ટાગ્રામ વપરાશકારોનો ખાનગી ડેટા લીક કરવાનો આક્ષેપ થયો હતો. મુંબઈ પોલીસે સૉશિયલ મિડિયા ફૅક ફૉલોઅર કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો અને હિન્દી ફિલ્મોની અનેક હસ્તીઓ, ખેલાડીઓ અને હાઇ પ્રૉફાઇલ બિલ્ડરો ફૉલોઅર ખરીદતા હોવાનું કહેવાય છે. ૧૭૬ આવા લોકોએ ફૉલોઅર ખરીદવા નાણાં ચુકવ્યાં છે. વડોદરાની અને હાલ મુંબઈ રહેતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાની ખોટી પ્રૉફાઇલ સૉશિયલ મિડિયા પર હોવાની ફરિયાદ કરી હતી. આના કારણે આ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસને શંકા છે કે કાં તો ટૅક્નૉલૉજી વગર અથવા ‘બૉટ’ સાધનોનો ઉપયોગ કરાયો છે.

◾ પશ્ચિમ જર્મની (તે વખતે જર્મનીના બે ભાગ હતા)ની ટીમ ૧૯૬૬ના વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી હતી. તે વખતે તેના ખેલાડીઓ જુસ્સો મેળવવા શું કરતા હતા તેનો એક રસપ્રદ કિસ્સો હવે ૫૪ વર્ષ પછી બહાર આવ્યો છે. તેઓ (તે વખતે) એક પ્રતિબંધિત પદ્ધતિનો ઉપયોગ કરી આનંદ અને જુસ્સો મેળવતા હતા. સ્પર્ધામાં નિયમિત વિરામ પડે ત્યારે તમામ ૨૨ ખેલાડીઓ તેમની હૉટલના રૂમ નંબર ૨૪માં ભેગા થઈ જતા. આ રૂમ ગૉલકીપર સેપ માયેરનો હતો. તેઓ ચોરીછૂપીથઈ પૉર્ન ફિલ્મ જોતાં! તેમનો કૉડ ‘પૉર્ન ઇન રૂમ ૨૪’ રહેતો. સ્ક્રીન પ્રૉજેક્ટરની મદદથી તેઓ આ કામ કરતા હતા. માયેરે ૭૬ વર્ષની વયે હવે જર્મનીના ‘બિલ્ડ’ નામના ટેબ્લૉઇડને આ વાત જાહેર કરી છે. તેમાં બન્યું એવું કે પ્રૉજેક્શનમાં કંઈ ગરબડ થઈ. માયેરે તે સુધારવા પ્રયાસ કર્યો પણ ફિલ્મની પટ્ટી તૂટી ગઈ. હવે શું? ખેલાડીઓ તો બૂમબરાડા કરવા લાગ્યા. આ શું કર્યું વગેરે વગેરે. માયેરે કાઢી કાર અને ઉપડ્યા નવી ફિલ્મ લેવા. એક કલાકનો પ્રવાસ ખેડ્યો અને બીજી ફિલ્મ લઈ આવ્યા. જોકે ફાઇનલમાં પશ્ચિમ જર્મની ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. તે ફાઇનલ પણ રસપ્રદ બની હતી કારણકે જર્મની ૧૯૫૪માં જીતી ચૂક્યું હતું. ઇંગ્લેન્ડ એકેય વાર નહીં. અને જર્મની સેમી ફાઇનલમાં સોવિયેત સંઘને હરાવીને ફાઇનલમાં પ્રવેશ્યું હતું. એટલે આ સ્પર્ધા કોઈ વિશ્વ યુદ્ધ કરતાં કમ નહોતી. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકા-સોવિયેત સંઘ-ઇંગ્લેન્ડ-ફ્રાન્સ એક પક્ષે હતા અને જર્મની-જાપાન બીજા પક્ષે. એટલે સોવિયેત સંઘને હરાવ્યા પછી જર્મની તેના રાજકીય હરીફ સામે કેવી રીતે હારી શકે? જોકે ફૂટબોલમાં જર્મની અને ઇંગ્લેન્ડ કટ્ટર હરીફ નહોતા. ઇંગ્લેન્ડનું પરંપરાગત શત્રુ સ્કૉટલેન્ડ છે જ્યારે જર્મનીનું નેધરલેન્ડ્સ. ઇંગ્લેન્ડે એ મેચ ૪-૨થી જીતી લીધઈ હતી જેમાં એક્સ્ટ્રા ટાઇમમાં વિવાદાસ્પદ ગૉલ જવાબદાર હતો. જર્મન લોકોને લાગ્યું કે બૉલે લાઇન ક્રૉસ નહોતી કરી. રેફરીને ખાતરી નહોતી આથી તેણે તેના લાઇન્સમેનને પૂછ્યું. તોફીક બખરામોવ નામના સોવિયેત સંઘના લાઇન્સમેને ઇંગ્લેન્ડનો ગૉલ થયો છે તેમ જાહેર કર્યું. આથી જર્મનીના મિડિયાના કેટલાક વર્ગે આક્ષેપ કર્યો કે લાઇન્સમેન પૂર્વગ્રહયુક્ત હતો કારણકે પશ્ચિમ જર્મનીએ સેમી ફાઇનલમાં સોવિયેત સંઘને હરાવ્યું હતું.

(તસવીર ૧: જાપાનના પાઇલૉટોની ઊંઘ ચીન પીપલ્સ લિબરેશન આર્મીએ ઉડાડી મૂકી છે, તસવીર ૨: અનંતનાગના હિલાલ અહમદ રાઠેરની રાફેલ સોદામાં ભૂમિકાથી કાશ્મીરીઓ ખુશ છે, તસવીર ૩: કંગનાએ એક જૂનો અહેવાલ રજૂ કરી આક્ષેપ કર્યો કે દીપિકાએ તેના લગ્નમાં સુશાંત અને તેને બોલાવી નહોતી પરંતુ પાકિસ્તાની એજન્ટ અનિલ મુસર્રતને બોલાવ્યો હતો તસવીર ૪: બદમાશી? યાહુએ દીપિકાના સમાચાર મૂકીને ડિલીટ કરી દીધા તસવીર ૫ અને ૬: ગુગલમાં દીપિકાના સમાચાર સર્ચ કરતાં મેઇનસ્ટ્રીમ મિડિયામાં માત્ર ફ્રી પ્રેસ જર્નલ અને આજ તકે જ સમાચાર લીધા હોવાનું જણાય છે, પરંતુ તેમાં હેડિંગમાં રૉના પૂર્વ અધિકારીનો ઉલ્લેખ નથી)

(આ વિશ્લેષણ છે, પરંતુ આવા સમાચારો દિવસભર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો: SAT-Sach Aap Tak)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment