Home » રશિયાના તમાચાથી ચીનનો ગાલ ‘લાલ’! લાલભાઈઓના હાલ બેહાલ!

રશિયાના તમાચાથી ચીનનો ગાલ ‘લાલ’! લાલભાઈઓના હાલ બેહાલ!

by Jaywant Pandya

કેનેડામાં ચીન વિરોધી દેખાવો

સારદર્શી

( અંક -૩૫, દિ. ૨૭/૭/૨૦૨૦)

◾ ભારતના ચીન પ્રેમીઓ અને સામ્યવાદીઓને મૂંઝવણ થાય તેવા સમાચાર તો હવે આવ્યા છે. બન્યું છે એવું કે રશિયાએ સપાટીથી હવામાં પ્રહાર કરતી એસ-૪૦૦ મિસાઇલ પ્રણાલિ આપવાનું અટકાવી દીધું છે. સામ્યવાદીઓને અને ભારતના ચીન પ્રેમીઓને તો બંને વહાલા. આ બંનેમાંથી કોનો પક્ષ લેવો? અમેરિકા હોત તો પ્રહારો કરવામાં કોઈ કસર ન રાખી હોત, પણ આ તો રશિયાએ પણ અટકાવી દીધી. હે ભગવાન! (અહીં ભગવાનના સ્થાને બીજા શબ્દો વિચારી લેવા.) આ શું થવા બેઠું છે! પણ એક વાત ચોક્કસ છે. જો રશિયાએ કે ફ્રાન્સે આપણને શસ્ત્રોની પૂર્તિ અટકાવી હોત તો સેક્યુલર મિડિયા ગાજી ઉઠત. આઠ કૉલમ ઓછી પડત. પ્રાઇમ ટાઇમમાં ડિબેટ થાત. પરંતુ આ મામલે શી…શ…ચૂપ!

◾ ચોરને ચોરી કરતો રોકો અને દરવાજે તાળાં મારી દો તો તે બીજો રસ્તો શોધી લેશે. આ ડિજિટલ જમાનામાં આવું ઘણું શક્ય છે જે ડિજિટલ ટૅક્નૉલૉજીના જાણકારો સારી રીતે જાણે છે. પરંતુ સામા પક્ષે એ બીજો રસ્તો પણ બંધ કરી દેવો પડે. તેના માટે સજાગ રહેવું પડે. આંખ-કાન ખુલ્લાં રાખવાં પડે. ભારત સરકારે આવું જ કર્યું. મોદી સરકારે ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ મૂકી દીધો પછી તે નવા નામે (ક્લૉન) આવી ગઈ હતી. આવી ૪૭ એપ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

◾ અક્સાઇ ચીનમાં ચીનના ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ સૈનિકો તંબુ તાણીને બેઠા છે. પરંતુ સામે પક્ષે ભારતે પહેલી વાર મિસાઇલ દાગતી ટી-૯૦ ટૅન્કની ટુકડી (૧૨) ખડકી દીધી છે. આ ઉપરાંત સૈનિકોને લઈ જતાં બખ્તરબંધ વાહનો અને ૪ હજાર સૈનિકોની પૂરી બ્રિગેડને દૌલત બેગ ઑલ્ડી પર ગોઠવી દીધી છે. જેથી શક્સગામ કારાકોરમ પાસ એક્સિસ પાસે ચીનની આક્રમકતાને ખાળી શકાય.

◾ દરમિયાનમાં જાપાન પણ પોતાની રીતે ચીન પર આખી દુનિયા જુએ તેમ દબાણ કરી રહ્યું છે. હૉંગ કૉંગમાં વિધાન પરિષદની સપ્ટેમ્બરમાં ચૂંટણી થવાની છે. તે ન્યાયી ઢબે થાય તે માટે જાપાનના બધા પક્ષોના સાંસદો નિરીક્ષક તરીકે હૉંગ કૉંગ જશે. ભારતે પાકિસ્તાનની બાબતમાં સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકૉટ ઍર સ્ટ્રાઇક કરીને પોતાની વિદેશ અને સંરક્ષણ નીતિ બદલી છે પરંતુ હજુ જાપાન કે અમેરિકાની જેમ આ રીતે રાજકીય દબાણ ઊભું કરવાની નીતિ અપનાવવાની બાકી છે. આપણે ત્યાં કાશ્મીરમાં વર્ષોથી વિદેશોનાં પ્રતિનિધિમંડળો આવતાં રહ્યાં અને આપણા પર પાકિસ્તાન તેમજ અલગતાવાદીઓ સાથે તેમના દ્વારા ગમે તેટલી હિંસા થાય તો પણ વાટાઘાટ કરતા રહેવાનું દબાણ કરતા રહ્યા, આપણી સેના સામે પ્રશ્નો ઉઠાવતા રહ્યા. માનવ અધિકારના પ્રશ્નો ઉઠાવતા રહ્યા. જોકે ગયા વર્ષે આપણે બ્રિટનના કેટલાક સાંસદોને (જે પાકિસ્તાન તરફી હતા)ને લીલા તોરણે પાછા મોકલ્યા. આપણે જાપાનની જેમ દુશ્મનની દુઃખતી નસ દબાવતા શીખવું પડશે. આપણા પ્રતિનિધિમંડળને આ રીતે બહાર મોકલતું કરવું પડશે. જોકે આ માટે પ્રશ્ન એ છે કે આપણા દેશમાં બધા પક્ષો આવા મુદ્દે સંમત થાય? પ્રશ્ન અઘરો છે અને જવાબ બધા જાણે જ છે.

◾ અમેરિકાએ તો જાસૂસીના આરોપસર હ્યુસ્ટનમાં ચીનની એલચી કચેરીને બંધ કરવા આદેશ કર્યો હતો અને સામે પક્ષે ચીને ચેંગદુમાં અમેરિકાની એલચી કચેરીને બંધ કરવાનો આદેશ કર્યો. આજે ચીને આગળ વધીને સવારે ૬.૧૮ કલાકે અમેરિકી એલચી કચેરી પરથી ઝંડો ઉતારી મોટું પરાક્રમ કર્યું હોય તેવો દાવો કર્યો.આ પરિસરમાં તેણે કડક સુરક્ષા ગોઠવી દીધી છે.

◾ અમેરિકાના નાના ભાઈ જેવા કેનેડામાં ચીનની એલચી કચેરી બહાર ચીન દ્વારા માનવ અધિકાર ભંગ બદલ વ્યાપક દેખાવો યોજાયા હતા. વાનકુવરમાં વિવિધ સંગઠનોના સભ્યો જેમાં તિબેટીયન સમુદાય અને ભારતીય મૂળના લોકો પણ હતા તેમણે ગઈ કાલે આ પ્રદર્શનો કર્યાં હતાં. વિરોધકારોએ ‘બૉયકૉટ ચાઇના, ચાઇના અગેઇન્સ્ટ ડેમોક્રસી, ઉઈઘુરને મુક્ત કરો’ જેવાં સૂત્રો લખેલાં પાટિયાં દર્શાવ્યાં હતાં. અમેરિકાએ પણ ચીનમાં ઉઈઘુર મુસ્લિમ લઘુમતીઓ પર અત્યાચાર થાય છે જે માનવ અધિકારનું ઉલ્લંઘન છે તેના કારણે ચીનની સરકાર અને તેના અધિકારીઓ સામે કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ જોવાની વાત એ છે કે ફ્રાન્સમાં ઇસ્લામ વિરોધી કાર્ટૂન છપાય તો ભારતમાં તેની સામે પ્રદર્શનો થાય છે, લાદેનને અમેરિકા મારી નાખે તો પણ ભારતમાં પ્રદર્શનો થતાં પરંતુ ચીનમાં ઉઈઘુર મુસ્લિમો પર અત્યાચાર સામે એક પણ પ્રદર્શન કેમ નહીં? આનું કદાચ કારણ એ છે કે સામ્યવાદી-કટ્ટર મુસ્લિમ ભાઈ ભાઈ છે. સામ્યવાદી દેશોમાં કટ્ટર મુસ્લિમો ચૂં કે ચાં નથી કરતા અને ઇસ્લામી દેશોમાં સામ્યવાદીઓનું નામનિશાન જોવા નથી મળતું.

◾ પણ ચીનમાં માત્ર ઉઈઘુર મુસ્લિમો પર જ અત્યાચાર થાય છે તેવું નથી. ત્યાં આ કૉલમમાં તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું તેમ ખ્રિસ્તીઓ પર પણ જોહુકમી થાય છે. તેઓ પણ મૌન છે. માત્ર ભારતમાં જ હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળી પર પોપ આવીને એશિયામાં ક્રુસેડ (જિહાદ) કરવાનું જાહેરમાં કહી શકે છે કારણકે અહીં જે પક્ષો છે તે મત માટે કટ્ટર મુસ્લિમો અને કટ્ટર ખ્રિસ્તીઓ સામે ઝૂકી જાય છે અને આ પ્રકારના પંથાતરણના નાનામોટા કાર્યક્રમો થવા દે છે. હિન્દુઓમાં પણ ‘સર્વ ધર્મ સમભાવ’ના નામે પોતાને હાનિ થાય તે હદે બીજા પંથોને ખુશ કરવાની લાગણી જોવા મળે છે. આથી તેઓ અંગ્રેજી અને ઉર્દૂ બોલશે. તેમની ગ્રીટિંગ (અભિવાદન)ની શૈલી ચાહે તે ગાલથી ગાલ ભટકાડવાની હોય, હાથ ચુમવાની હોય કે પછી આદાબ કરવાની હોય તે અપનાવશે. આ પંથો મહાન છે તેમ કહેશે (તેમાં ખોટું નથી પણ) સામા પક્ષે પોતાની ઉપાસના પદ્ધતિની ઝાટકણી કાઢશે અને ગર્વથી કહેશે કે હું તો પૂજા કરતો/કરતી જ નથી. હું મંદિરે જતો જ નથી. હું જનોઈ પહેરતો જ નથી. હું ચાંદલો કરતી જ નથી…આ તો આડ વાત થઈ, પણ ચીનમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ ઉપરાંત ત્યાંના એક સંપ્રદાય ફાલુન ગોંગ જેને ‘ધર્મ વ્હીલ પ્રેક્ટિસ’ પણ કહે છે, તેના લોકો પર પણ બહુ જ અત્યાચાર થાય છે. આ ફાલુન ગોંગમાં માનનારા જે લોકો હૉંગ કૉંગમાં રહે છે તેમને હૉંગ કૉંગ પર થોપાયેલા રાષ્ટ્રીય સુરક્ષા ધારાથી ફફડાટ થવા લાગ્યો છે.

૧૯૯૯માં આ ફાલુન ગોંગ પર ચીનમાં પ્રતિબંધ મૂકાઈ ગયો હતો પરંતુ તેના સભ્યો હૉંગ કૉંગમાં મુક્ત રીતે તે પદ્ધતિ અનુસાર ધ્યાન વગેરે કરતા હતા. હવે કેનેડાના સાંસદો તેમજ માનવ અધિકારના કાર્યકર્તાઓએ ચીનના અધિકારીઓ પર પ્રતિબંધ લાદવા માગણી કરી છે. તેમનું કહેવું છે કે ફાલુન ગોંગમાં માનનારા લોકોની ધરપકડ કરીને તેમને શ્રમ શિબિરો (અહીં રશિયાના યુરી દમિત્રિયેવે સામ્યવાદી સ્ટાલિનના સમયના શ્રમ શિબિરોમાં થતા દમનની વાત કરી હતી તે યાદ આવી જશે.)માં રાખવામાં આવે છે, જ્યાં તેમના પર અત્યાચારો કરાય છે, કોઈ કેસ-બેસ ચાલતા નથી, તેમને સીધી સજા જ અપાય છે અને તેમનાં અંગો કાઢી લેવાય છે અને તેનું પ્રત્યારોપણ જરૂરિયાતવાળા લોકોમાં કરાય છે. આ ફાલુન ગોંગ હકીકતે ચીનની પ્રાચીન કિગોંગ પરંપરાની એક શાખા છે જે મે ૧૯૯૨માં ચીનના પંથગુરુ લી હૉંગઝીએ સ્થાપી હતી. લીના આ વાદ પ્રત્યે કરોડો શહેરી ચીની નાગરિકો આકર્ષાયા હતા. એટલું જ નહીં, વિશ્વમાં પણ તેના પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. ૯૦ના દાયકામાં ફાલુન ગોંગની ક્લબો સ્થપાઈ હતી અને તેનાં સંઘો પણ રચાયા હતા. પરંતુ ૧૯૯૯માં ચી. સા. પ. (સીસીપી)એ તેના પર પ્રતિબંધ મૂકી દીધો. તેણે કહ્યું કે આ પંથ અંધશ્રદ્ધા ફેલાવે છે. તેણે તેને દુષ્ટોનો સંપ્રદાય કહ્યો. ૨૦૦૬માં કેનેડાના એક સાંસદ ડેવિડ કિલ્ગૉરે ફાલુન ગેંગના લોકો પર ચીનમાં થતા અત્યાચારોનો એક અહેવાલ જાહેર કર્યો. આ અહેવાલ મુજબ ૧૯૯૯માં ચીને તેના પર પ્રતિબંધ મૂક્યો તે પછીથી ચીનમાં દર વર્ષે થતાં અંગ પ્રત્યારોપણમાં વૃદ્ધિ જોવા મળી હતી. વર્ષ ૨૦૧૬માં એક અન્ય અહેવાલ જાહેર થયો જેમાં અંદાજ લગાવાયો હતો કે અંગ પ્રત્યારોપણની સંખ્યા એક લાખ જેટલી ચે. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રોની મહા સભા વખતે ફાલુન ગોંગના લોકોએ સં.રા.ના વડા મથક સામે દેખાવો કર્યા હતા. ફાલુન ગોંગના સભ્યો પર ચીનમાં અત્યાચારો સામે યુકેએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

◾ જોકે નોંધવા જેવી બાબત એ છે કે ચીનમાં ફાલુન ગોંગના સભ્યો પર થતા અત્યાચારોને રશિયાનું સમર્થન છે! રશિયામાં હજુ સામ્યવાદનાં મૂળ ગયાં નથી. યુરી દમિત્રિયેવને સજા તેનું એક ઉદાહરણ તો છે જ પરંતુ ફાલુન ગોંગના સભ્યો પર અત્યાચારોને સમર્થન પણ તેનું ઉદાહરણ છે. આ બાબતે ચીન અને રશિયા એકબીજાને મદદ કરે છે, તેવું અમેરિકાના આંતરરાષ્ટ્રીય સાંપ્રદાયિક સ્વતંત્રતા પરના પંચ (કમિશન)ના અહેવાલમાં કહેવાયું છે. ૨૦મી જુલાઈએ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયોએ ચીનમાં ફાલુન ગોંગ પર પ્રતિબંધની ૨૧મી તિથિએ સામ્યવાદી પક્ષને (ગઈ કાલે જ આપણે જોઈ ગયા છીએ કે અમેરિકા હવે ચીનના પ્રમુખ કે ચીન સરકાર નથી સંબોધતું, તે સામ્યવાદી પક્ષ જ સંબોધે છે જેથી તેને અને ચીનની જનતાને જુદી પાડી શકાય) ફાલુન ગોંગના સભ્યો પર અત્યાચાર બંધ કરવા અનુરોધ કર્યો હતો. આના જવાબમાં ચીને પૉમ્પિયોને ઇતિહાસમાં સૌથી ખરાબ અમેરિકી વિદેશ પ્રધાન કહ્યા હતા. જોકે આ ૨૦ જુલાઈએ જ રશિયાની સરાકરે ફાલુન ગોંગ સાથે જોડાયેલાં સાત વિદેશી એનજીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

ચીને બે કેનેડિયનોની કરેલી ધરપકડથી કેનેડા ધૂંઆપૂંઆ છે,

◾ પરંતુ કેનેડા અને ચીન વચ્ચે માત્ર એટલા માટે ઝઘડો નથી કે કેનેડા અમેરિકાનું નાનું ભાઈ છે. વાસ્તવમાં આ બંને વચ્ચે તેમના નાગરિકો સંદર્ભે ઝઘડો છે. ચીને બે કેનેડિયન નાગરિકો માઇકલ કૉવરિજ અને માઇકલ સ્પાવોરની ધરપકડ કરી છે અને તેમના પર જાસૂસીના આરોપો મૂક્યા છે. માઇકલ કૉવરિજ પૂર્વ રાજદ્વારી છે જ્યારે સ્પાવોર એક વેપારી છે. તેમની ધરપકડ તો ૨૦૧૮માં થઈ હતી. અને તે કેનેડાની એક કાર્યવાહીના બદલા રૂપે થઈ હતી. કેનેડાએ ચીનની ટેલિકૉમ ક્ષેત્રની મોટી કંપની હુઆવેઇના મુખ્ય નાણા અધિકારી (સી.એફ.ઓ.)ન મેંગ વાંઝોઉની અમેરિકાના વૉરન્ટ પર ધરપકડ કરી હતી. અમેરિકાએ મેંગ અને હુઆવેઇ પર ઈરાન સામે અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને બૅન્ક અને ટેલિકૉમ ટૅક્નૉલૉજી દ્વારા આર્થિક છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. કેનેડા અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે.

◾આ તરફ, અમેરિકા સામે ઈરાને બાંયો ચડાવી છે. તેણે હૉર્મુઝ સામુદ્રધુની તરફ એક વિમાનવાહક જહાજ મોકલ્યું છે. અમેરિકાના ઉપગ્રહોએ તેની તસવીરો જે ખેંચી હતી તેને આજે જાહેર કરાઈ હતી. આનો અર્થ એમ કાઢવામાં આવે છે કે જેમ ચીને અમેરિકા સામે જીવંત ગોળીબારનો યુદ્ધાભ્યાસ કર્યો તેમ ઈરાન પણ ટૂંક સમયમાં જ લાઇવ ફાયર ડ્રિલ કરવા જઈ રહ્યું છે. અત્રે એ અનુમાન વ્યક્ત કરાયું જ હતું કે જો ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ આવી ચડે તો ઈરાન ચીન સાથે હોઈ શકે છે.

◾ ઈરાન અને ભારતનું પડોશી પાકિસ્તાન ફરી એક વાર ત્રાસવાદ વિરોધી પ્રવૃત્તિઓ માટે ખુલ્લું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોના આઈએસઆઈએસ, અલ કાયદા અને તેને સંબંધિત વ્યક્તિઓ તેમજ કંપનીઓ સંબંધિત વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધ નિરીક્ષણ ટુકડી ના ૨૬મા અહેવાલમાં કહેવાયું છે કે ભારતીય ઉપખંડમાં અલ કાયદા, ઈરાકમાં ઇસ્લામિક સ્ટેટ, અને તહેરિક-એ-તાલિબાન વગેરે ત્રાસવાદી સંગઠનોનું નેતૃત્વ પાકિસ્તાનીઓ અને એ રીતે પાકિસ્તાનના હાથમાં છે. અહેવાલ મુજબ, એપ્રિલ અને મે માસમાં અફઘાનિસ્તાનનાં સુરક્ષા દળોએ આઈએસઆઈએસ કેના સરરદાર અસલમ ફારુકી ઉપાખ્યે અબ્દુલ્લા ઓરકઝઈની ધરપકડ કરી હતી જે કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. આ હુમલામાં ૨૫ શીખ મરાયા હતા. ઓરકઝાઈ પાકિસ્તાની છે. તેની સાથે જિયા ઉલ હક ઉપાખ્યે અબુ ઉમરની પણ ધરપકડ કરાઈ હતી જે પણ પાકિસ્તાની નાગિરક છે. આ બે સહિત હજુ ઘણા ત્રાસવાદીઓને સંયુક્ત રાષ્ટ્રોએ બ્લેક લિસ્ટમાં મૂક્યા નથી.

◾ કુલભૂષણ જાદવના કેસમાં જાદવને ફાંસી થાય તો ખુશ થવા તૈયાર બેઠેલા ભારતના પાકિસ્તાની પ્રેમીઓ માટે વધુ એક નિરાશાજનક સમાચાર છે. ભારતનું દબાણ રંગ લાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ચુકાદા મુજબ, જાદવને અપીલનો અધિકાર આપતો વટહુકમ પાકિસ્તાનની સંસદમાં રજૂ કરાયો છે. જોકે વિપક્ષોએ તેનો વિરોધ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે ભારતને ખુશ કરવા ઈમરાન સરકાર આવું કરી રહી છે.

◾ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શૈખ હસીના વચ્ચે ટેલિફૉનિક વાતચીત થઈ હતી જે સંદર્ભે એવી અટકળો થઈ હતી કે આ બંને દેશ વચ્ચે દોસ્તીનું કારણ ચીન હોઈ શકે છે. અને ૨૪ જુલાઈના અંકમાં (www.facebook.com/jaywant.pandya/posts/10157683417383510) એવી ટકોર પણ કરાઈ હતી કે મોદીએ પોતાના સંબંધોનો ઉપયોગ કરીને વાતચીત કરીને આ દોસ્તીને આગળ વધતી અટકાવવી જોઈએ. અંદરખાને- પડદા પાછળ જે થયું હોય તે પરંતુ જાહેરમાં, આજે બે ઘટનાઓ બની. ભારતીય રેલવેએ આજે બાંગ્લાદેશને ૧૦ ડીઝલ એન્જિન સોંપ્યા છે. પડોશી દેશો સાથે સંબંધ અને સંપર્ક વધુ સારા બનાવવા આ બ્રૉડગેજ ડીઝલ એન્જિન સોંપવામાં આવ્યાં છે. બાંગ્લાદેશે આ એન્જિનોની ખરીદી માટેનો પ્રસ્તાવ ગયા વર્ષે એપ્રિલમાં મોકલ્યો હતો. આ એન્જિન ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. બીજી ઘટના એ કે બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ .કે. અબ્દુલ મેનને કહ્યું કે પાકિસ્તાને બાંગ્લાદેશમાં કરેલો૩૦ લાખ બાંગ્લાદેશીઓનો નરસંહાર અને લાખો મહિલાઓ પર બળાત્કાર બાંગ્લાદેશ ભૂલ્યું નથી. પાકિસ્તાને હજુ સુધી તેના માટે ક્ષમા માગી પણ નથી. મેનને એ પણ સ્પષ્ટતા સાથોસાથ કરી દીધી કે ઈમરાને કોરોના અને પૂરની સ્થિતિ પર વાતચીત કરવા શૈખ હસીનાને ફૉન કર્યો હતો.

◾ નેપાળમાં ઓલી અને પ્રચંડ વચ્ચેનો વિવાદ હજુ ચાલુ જ છે (કોણે રાહતનો શ્વાસ ન લીધો?) ત્યાં મુખ્ય ન્યાયમૂર્તિના સંદર્ભે નવું વાવાઝોડું ઊભું થઈ ગયું છે. મુ.ન્યા. ચોલેન્દ્ર શમશેર રાણા વિરુદ્ધ ખૂબ જ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તેમની સામે મહાભિયોગ ચલાવવા માગણી થઈ રહી છે. આનું કારણ છે એક કેસ. ૨૦૧૨માં પત્નીની હત્યામાં ડીઆઈજી રંજન કોઈરાલાને ઉ. ન્યા.એ આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના વિરુદ્ધ ડીઆઈજીએ સ.ન્યા.માં અરજી કરી હતી. તેમાં મુ. ન્યા. રાણાએ કોઈરાલાની સજા માફ કરી દીધી અને તેમને નિર્દોષ છોડી મૂક્યા. વિરોધીઓનું કહેવું છે કે રાણા અને કોઈરાલા વચ્ચે ગાઢ દોસ્તી છે. આથી આ સજા માફ કરી દેવાઈ છે.

◾ ભારત માટે આનંદના સમાચાર એ છે કે ફ્રાન્સથી પાંચ રાફેલ ભારત આવવા નીકળી ચૂક્યા છે. સાત કલાકની ઉડાન બાદ તેઓ યુએઇ પહોંચ્યા હતા. ત્યાં તેના ચાલકો આરામ કરશે અને પછી સાત હજાર કિમીનું અંતર કાપીને ૨૯ જુલાઈએ ભારત આવી પહોંચશે. અંબાલામાં તેમને ભારતીય વાયુ સેનામાં સામેલ કરાશે. એમાં કોઈ શંકા નથી કે રાફેલના આવવાથી જવાનોનો ઉત્સાહ વધશે અને ભારતીય સેનાની તાકાત પણ. જય જવાન!

◾રાફેલ મામલે ‘ચોકીદાર ચોર હૈ’નું સૂત્ર ગજવનાર રાહુલ ગાંધી અને કૉંગ્રેસ આ બાબતે ખોટા પડ્યા. સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવી ગયો. હવે ચીન બાબતે રાહુલ ગાંધી રોજેરોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને વિડિયો સૉશિયલ મિડિયા પર મૂકી રહ્યા છે. આજે તેમણે કહ્યું કે “મારું રાજકીય ભવિષ્ય બરબાદ થઈ જશે તેની મને ચિંતા નથી, પરંતુ ભારતીય ક્ષેત્રમાં ચીનની ઘૂસણખોરી વિશે હું ખોટું નહીં બોલું.” આના જવાબમાં ભાજપે કહ્યું કે રાહુલના આ નિવેદનનો કોઈ અર્થ નથી કારણકે તેમની કારકિર્દી તો ક્યારની સમાપ્ત થઈ ચૂકી છે. ભાજપ તો આવા જવાબ આપે તે સમજી શકાય પરંતુ રાહુલ ગાંધીના આ નિવેદન સામે કૉંગ્રેસના લોકો પણ અસહજ અનુભવી રહ્યા છે. કૉંગ્રેસમાં એક નેતાનું કહેવું છે કે “તેઓ (રાહુલ) અમારી સાથે વાત નથી કરતા અને અમને ખબર નહીં (આવા વિડિયોની) તેમને કોઈ સલાહ આપે છે.” આ સભ્ય ગાંધી પરિવાર અને પક્ષ પ્રત્યે (આમ તો બંને એક જ) નિષ્ઠાના કારણે પોતાનું નામ જાહેર કરવા નથી માગતા. પક્ષની પત્રકાર પરિષદમાં પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ને આ અંગે પ્રશ્ન પૂછાયો હતો કે શું તેઓ વિદેશ નીતિ બાબતે રાહુલને સલાહ આપે છે? ચિદમ્બરમે સ્પષ્ટ કહ્યું કે તેમણે સંરક્ષણ અને વિદેશ પ્રધાન તરીકે કાર્ય નથી કર્યું. અને આ વિડિયો બાબતે રાહુલ તેમની સલાહ લેતા નથી. કૉંગ્રેસની અંદર કાનોકાન એવી ચર્ચા થઈ રહી છે કે શું કૉંગ્રેસનો પરિવાર સામે ચાલીને આપત્તિઓને આમંત્રી રહ્યો છે જે ભવિષ્યમાં તેમની સામે ધારદાર હથિયાર સાબિત થઈ શકે છે? હકીકતે આ જે ટીકાકાર વર્ગ છે તે ‘સોનિયા જૂથ’ જ છે. તેમનું કહેવું છે કે સોનિયા ગાંધીને કોઈ નિવેદન આપવાનું હોય તો તે અઅમારી સલાહ લે છે. તેના પર વિચાર કરે છે. દા.ત. સર્વપક્ષીય બેઠકમાં તેમણે વડા પ્રધાનને કયા પ્રશ્નો પૂછી શકાય તેની સલાહ લીધી હતી. આ નેતાને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી કેમ આવું નથી કરતા તો નેતાએ કહ્યું કે તેમને કદાચ લાગે છે કે અમે બેકાર લોકો છીએ અને તેમના સલાહકારોને વધુ ખબર પડે છે.

સી પી જોશી અને ગહલોત વચ્ચે ખરાબ સંબંધોથી અંતિમ હાસ્ય શું સચીન પાઇલૉટનું હશે?

◾ શું સચીન પાઇલોટે કૉંગ્રેસ છોડવાનો વિચાર માંડી વાળ્યો છે? આવો પ્રશ્ન સચીનની સૉશિયલ મિડિયા પર ત્રણ પૉસ્ટના કારણે થયો. પાઇલૉટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલી, સીઆરપીએફના સ્થાપના દિવસ અને મહારાષ્ટ્રના મુ.પ્ર.ના જન્મદિવસ પર શુભકામનાની ત્રણ પૉસ્ટ કરી. તેમાં બેમાં જે તસવીરોનો ઉપયોગ કર્યો તેમાં કૉંગ્રેસનું નિશાન ‘હાથ’ છે. આ રીતે પાઇલૉટ શું ગેહલોત જૂથના ધારાસભ્યોમાં અને જનતામાં સહાનુભૂતિ મેળવવા માગે છે કે જુઓ, મેં કૉંગ્રેસ છોડી નથી, પણ ગેહલોત મને કૉંગ્રેસમાંથી કાઢવા ષડયંત્રો કરી રહ્યા છે. બીજી તરફ, પાઇલૉટ જૂથના ધારાસભ્ય હેમારામ ચૌધરીએ દાવો કર્યો કે ગેહલોત જૂથના ૧૦થી ૧૫ ધારાસભ્યો તેમના (પાઇલૉટના) સંપર્કમાં છે. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી. પી. જોશીએ પાઇલોટ અને તેમના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની અરજી સર્વોચ્ચમાંથી પાછી ખેંચી લેતાં પણ અનેક તર્કો સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે સી. પી. જોશી પોતે મુખ્ય પ્રધાનની રેસમાં હતા. અને ગેહલોત વિરુદ્ધ પાઇલૉટની આ લડાઈ સુરેખ નથી, ત્રિકોણીય છે જેમાં ગેહલોત સામે સી. પી. જોશી પણ છે. ગેહલોત અને જોશી વચ્ચેના સંબંધો પણ ક્યારેય સારા નથી રહ્યા. ૨૦૦૮માં જોશી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા. તે વખતે પણ તેઓ મુખ્ય પ્રધાનની રેસમાં હતા. જોકે તે વખતે તેઓ એક મતથી હારી ગયા હતા. તેથી ગહલોત બીજી વખત મુખ્ય પ્રધાન બની ગયા. આથી ગહલોતના ઈશારે જોશીને લોકસભાની ટિકિટ આપી દેવાઈ અને ૨૦૦૯માં તેઓ સાંસદ બની ગયા. આના કારણે ગેહલોત રાજસ્થાનમાં તેમનું કદ વધુ મોટું કરી શક્યા. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં જોશી ગેહલોત સાથે એક મંચ પર આવ્યા નહોતા. તેમને બિહારના પ્રભારી બનાવાયા હતા પરંતુ ૨૦૧૮માં ગુજરાતના-ભાવનગરના શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી બનાવી દેવાતા, જોશીનું કદ વધુ નાનું થયું. આથી હવે બધાની નજર જોશી પર છે કે વિધાનસભા સત્રમાં તેઓ કેવી ભૂમિકા ભજવે છે. આ અરજી પાછી ખેંચી લીધી તે પાછળ પણ જોશીએ પાઇલૉટ સામેની કાનૂની લડાઈ ઢીલી છોડી દીધી હોવાનું મનાય છે.

◾ બીટીપીના બે ધારાસભ્યોના ટેકાથી ગેહલોત જૂથને શાંતિ મળી હતી પરંતુ માયાવતીએ આજે કૉંગ્રેસના અને ગેહલોત જૂથના શ્વાસ અદ્ધર કરી દીધા છે. અશોક ગેહલોતે પાણી પહેલાં પાળ બાંધતાં બસપના છ ધારાસભ્યોને કૉંગ્રેસમાં પક્ષ પલ્ટો કરાવી લીધો હતો. (કર્ણાટક, મધ્ય પ્રદેશના પક્ષપલ્ટા સામે પ્રજાદ્રોહના રાગ આલાપતા ગુજરાતના સેક્યુલરો આ મામલે ચૂપ રહે છે). પરંતુ આનાથી વાત પતી નથી. માયાવતીના પક્ષ બસપના રાષ્ટ્રીય મહા મંત્રી સતીશચંદ્ર મિશ્રએ વ્હિપ જાહેર કરી પક્ષની ટિકિટ પર ચૂંટાયેલા છએ છ ધારાસભ્યોને ગેહલોત સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે તો કૉંગ્રેસ વિરુદ્ધ મત આપવા આદેશ આપ્યો છે. બસપની દલીલ રસપ્રદ છે. તેનું કહેવું છે કે તે રાષ્ટ્રીય પક્ષ છે અને દસમી અનુસૂચિના ફકરા ૨(૧)(બી) હેઠળ કોઈ પણ રાજ્યમાં આખા પક્ષનો વિલય ગેરકાયદે છે. પક્ષનો કૉંગ્રેસમાં વિલય નથી થયો. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ ધારાસભ્યએ નિર્દેશ ન માન્યો તો તેના પર પક્ષપલ્ટાના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

◾ આજે ગેહલોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજસ્થાનના ઘટનાક્રમ પર વાત કરી હતી. બંને વચ્ચે વાતચીત શું થઈ (ખરેખર તો મોદીજીએ શું જવાબ આપ્યો) તે બહાર આવ્યું નથી. પરંતુ રાજ્યના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કેટલાક નિયમો સાથે વિધાનસભા સત્ર બોલાવવા મંજૂરી આપી છે. તેમનો નિર્દેશ છે કે ૨૧ દિવસની સમયસીમામાં સત્ર બોલાવે અને તેમાં કોરોના વાઇરસ સંદર્ભે ધારાસભ્યોને વિધાનસભામાં આવવામાં તકલીફ ન પડે તેની કાળજી રખાય. એકબીજાથી અંતર રાખવું પણ જરૂરી છે. જો બહુમતી પરીક્ષણ થાય તો લાઇવ ટેલિકાસ્ટ કરવું પડશે. તેનું વિડિયો રેકૉર્ડિંગ પણ કરાવવામાં આવે.

◾ આજે ઉત્તર પ્રદેશ બે કારણસર ચર્ચામાં રહ્યું. કાનપુર પછી હવે ગોરખપુરમાં અપહરણ અને હત્યાનો કિસ્સો બહાર આવ્યો. મુખ્ય પ્રધાન યોગીના જ મતવિસ્તાર રહી ચૂકેલા ગોરખપુર જિલ્લાના પિપરાઇચ વિસ્તારમાં અપહરણ કરાયેલા એક ૧૪ વર્ષીય બલરામ ગુપ્તની આજે લાશ મળી આવી. તેના પિતાની પાનની દુકાન છે. તેમના બાળકનું અપહરણ કરાયા પછી પરિવારને ખંડણી માટે ફૉન આવ્યો હતો. અપહરણકર્તાઓની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ, કોરોના ટેસ્ટિંગમાં ઉત્તર પ્રદેશમાં ગઈ કાલે ૧,૦૬,૯૬૨ ટેસ્ટ કરાવાયા. આ આંકડા સાથે એક દિવસમાં એક લાખ કૉવિડ ટેસ્ટ કરનારું ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

◾ કારગિલ યુદ્ધમાં વીરતાથી લડનારા જવાનોને શ્રદ્ધાંજલીના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ સૈનિક હૉસ્પિટલોના ઉપકરણોની ખરીદી માટે રૂ. ૨૦ લાખ આપ્યા છે. તેનાથી તબીબી કર્મચારીઓને કોરોનાની સામે લડવામાં મદદ મળશે. રાષ્ટ્રપતિની રકમમાંથી પાવર્ડ ઍર પ્યુરિફાઇંગ રેસ્પિરેટર ખરીદવામાં આવશે. તેનાથી તબીબી કર્મચારીઓની સુરક્ષા વધશે.

◾ કોરોનાની વાત નીકળી છે તો જાણી લો કે અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઑ બ્રાયનને કોરોના પૉઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ ભારતમાં સેલિબ્રિટીની રીતે રાહતની વાત એ છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને કોરોના નેગેટિવ આવ્યો છે પરંતુ તેઓ બંને પોતાના ઘરમાં એકાંતવાસમાં જ રહેશે.

◾ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈસીએમઆરની ત્રણ નવી લેબ જે નોએડા, કોલકાતા અને મુંબઈમાં બની છે, તેનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રતિદિન ૬,૦૦૦ સુધીના લોકોની તપાસ થઈ શકશે. આ અતિ આધુનિક લેબ હશે જેમાં ૧૨ RTPCR મશીન લાગશે. આ તબક્કે વડા પ્રધાને કહ્યું કે છ મહિના પહેલાં દેશમાં એક પણ પીપીઇ કિટ મેન્યુફૅક્ચરર નહોતા, આજે ૧,૨૦૦ છે. એક સમયે એન-૯૫ માસ્ક ભારત બહારથી મગાવતું હતું, હવે ભારતમાં ત્રણ લાખથી વધુ એન-૯૫ માસ્ક રોજ બની રહ્યા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ મોટા દેશોની સરખામણીએ ઘણાં ઓછાં છે. પણ મોદીજી, સાથે એ પણ જણાવજો કે વાલ્વવાળાં એન-૯૫ માસ્ક ન વાપરવા કહ્યું છે. જેમણે આ માસ્ક બનાવ્યા હશે તેમને તો માલ વપરાયા વગર પડી રહેશે ને. અને જેમણે ખરીદી લીધાં તેનું શું? તો કહેવાનો અર્થ કે સરકાર અને આઈસીએમઆર જરા વધુ તકેદારીથી સલાહ આપે.

◾ વડા પ્રધાન મોદી અયોધ્યામાં શ્રી રામમંદિરના ભૂમિ પૂજન માટે જવાના છે તેનાથી સેક્યુલરો અને કટ્ટર લોકોના પેટમાં તેલ રેડાયું છે. કૉંગ્રેસના હુસૈન દલવાઈ પછી કટ્ટર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાન શ્રી રામમંદિરના ભૂમિ પૂજન માટે જશે તે સેક્યુલરિઝમના બંધારણના નિયમનું ઉલ્લંઘન છે. તો ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ)એ પત્ર લખીને ભૂમિ પૂજનના દૂરદર્શન પર જીવંત પ્રસારણ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે દલીલ કરી છે કે દૂરદર્શન પર અયોધ્યામાં સાંપ્રદાયિક કાર્યક્રમનું પ્રસારણ ન કરવામાં આવે. તે રાષ્ટ્રીય એકતાના સ્વીકારાયેલા નિયમો વિરુદ્ધ છે. સીપીઆઈને કોઈએ કહેવું જોઈએ કે દૂરદર્શનની ઉર્દૂ ચેનલ પર રમઝાન મહિનામાં જે આવતું હતું તે શું હતું? તે બંધારણનું ઉલ્લંઘન નહોતું?

ઈન્દિરાજીએ લાલ કિલ્લાના પરિસરમાં મૂકાવેલા ટાઇમ કેપ્સ્યુલનું રહસ્ય શું છે?

◾ શ્રી રામમંદિરના સ્થળ પર જમીનમાં ૨૦૦ ફીટ નીચે એક ટાઇમ કેપ્સ્યૂલ મૂકાશે. એટલે કે તેમાં શ્રી રામની જન્મભૂમિ પર પુનઃ શ્રી રામમંદિર બનાવવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો તેનો ઇતિહાસ સચવાશે. (કદાચ એટલે કે ફરી કોઈ બાબર આવે અને પછી આ સેક્યુલર સરકારો આવે તો ન્યાયાલયમાં સાબિત કરવા પુરાવો રહે?) ટાઇમ કેપ્સ્યુલ શું છે? તે જાણવું પણ જરૂરી છે તે એક મોટું પાત્ર હોય છે. તે મુખ્યત્વે તાંબામાંથી બનેલું હોય છે. આ પાત્ર દરેક પ્રકારની ઋતુ અને તાપમાનમાં ટકી રહે છે. તેને કોઈ ઐતિહાસિક સ્થળ કે સ્મારકના પાયામાં દાટવામાં આવે છે. હજારો વર્ષ સુધી તેને કોઈ નુકસાન પહોંચતું નથી. તે સડતું કે ગળી જતું નથી. તેના લીધે ભવિષ્યમાં ઐતિહાસિક સ્થળ કે સ્મારકની ઓળખ કરવી સરળ રહે છે. જોકે આ પહેલી વાર નથી થઈ રહ્યું. ૧૫ ઑગસ્ટ ૧૯૭૩ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પરિસરની જમનીમાં ૩૨ ફીટ નીચે ટાઇમ કેપ્સ્યુલ રાખી હતી. તેનું નામ કાલપાત્ર રખાયું હતું. જોકે તે સમયે તે શાસક અને વિપક્ષ વચ્ચે વિવાદનો મુદ્દો બની હતી. ઈન્દિરા ગાંધીએ તેને સ્વતંત્રતાનાં ૨૫ વર્ષમાં દેશની ઉપલબ્ધિ અને સંઘર્ષની ગાથા ગણાવી હતી તો વિપક્ષનો આક્ષેપ હતો કે તેમાં ઈન્દિરા ગાંધીએ પોતાનો અને નહેરુ-ગાંધી પરિવારનો મહિમા જ ગાયો છે. વિપક્ષે તેને ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો અને વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો કાલપાત્રને જમીનમાંથી બહાર કાઢશે અને તેનું સત્ય જનતા સમક્ષ પ્રસ્તુત કરશે. ૧૯૭૭માં જનતા પક્ષની સરકાર બની પણ ખરી અને કાલપાત્રને કાઢવામાં પણ આવ્યું પરંતુ તેમાં શું હતું તે વાત રહસ્ય જ રહી.

આપઘાતની બીમારી ફિલ્મ કલાકારોને લાગી છે. તમિલ, કન્નડ અને મલયાલમ અભિનેત્રી વિજયાલક્ષ્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો

◾આજકાલ કોરોનાના લીધે હોય કે અન્ય કારણોસર, લોકોમાં નિરાશા વધી રહી છે. તમિલ અભિનેત્રી વિજયાલક્ષ્મીએ સૉશિયલ મિડિયા પર એક વિડિયો મૂકી તેણી આત્મહત્યા કરી રહી હોવાનું લખ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે અભિનેતા-રાજકારણી સીમ અને તેના પક્ષ નામ તમિલર કત્ચીના લોકો દ્વારા સતામણીના કારણે તેને આ પગલું ભરવું પડ્યું હતું. આત્મહત્યાના પ્રયાસ બાદ તેને ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિજયાલક્ષ્મીએ કહ્યું કે તેનું મિડિયામાં પણ ઘણું અપમાન કરાયું છે. તે કર્ણાટકમાં જન્મેલી હોવાથી સીમને તેને ઘણી યાતના આપી છે. તેણે ઘણું સહન કર્યું છે પરંતુ હવે તે સહન કરી શકે તેમ નથી. ગત ફેબ્રુઆરીમાં વિજયાલક્ષ્મીએ આક્ષેપ કર્યો હતો કે સીમન તેને લગ્નનું વચન આપીને ફરી ગયા છે. વિજયાલક્ષ્મી તમિલ ઉપરાંત કન્નડ અને મલયાલમ ફિલ્મોના દર્શકોમાં પણ લોકપ્રિય છે.

◾સુશાંતસિંહના કેસમાં હવે પોતાના પગ નીચે રેલો આવતાં પૂર્વ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટને અચાનક તત્ત્વજ્ઞાન યાદ આવી ગયું. તેમણે લખ્યું કે આપણે અહીં આંખના પલકારા જેટલું જ છીએ. મૃત્યુની હાજરીમાં ગર્વ ઓગળી જાય છે. આપણે આપણા મૃત્યુને સ્વીકારવું જોઈએ. આ પણ પસાર થઈ જશે. મહેશ ભટ્ટને પોલીસે ‘સડક-૨’, પરિવારવાદ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી સંદર્ભે પ્રશ્નો પૂછ્યા. મહેશ ભટ્ટે કહ્યું કે ‘સડક ૨’માં સુશાંતને લેવા માટે કોઈ વાત નહોતી થઈ. તેમણે એમ પણ કહ્યું કે અમારા નિર્માણવાળી ફિલ્મોમાં નવાંગતુકોને હંમેશાં તક અપાઈ છે. તેઓ સુશાંતને માત્ર બે વાર મળ્યા હતા. પહેલી વાર ૨૦૧૮માં મહેશ ભટ્ટના પુસ્તકના લોકાર્પણ વખતે. બીજી વાર ૨૦૨૦માં. બીજી વાર કયા કારણસર મળ્યા હતા તે કહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે રિયાને સુશાંતનો સાથ છોડવા માટે કહ્યું નથી. આ લડાઈમાં હવે આઉટસાઇડર કહેવાતા લોકો માટે લડવું થોડું મુશ્કેલ બનશે કારણકે તેમાં કોરોના કાળમાં લોકોની મદદ કરીને લોકપ્રિય બનેલો અભિનેતા સોનુ સુદ કૂદ્યો છે. તેણે કંગના સામે પ્રશ્ન ઉઠાવ્યો કે કેટલાક લોકો સુશાંતના મૃત્યુના બહાને પબ્લિસ્ટી મેળવવા કોશિશ કરી રહ્યા છે. જે લોકો જિંદગીમાં ક્યારેય સુશાંતને મળ્યા નથી તેઓ આ ડિબેટના હિસ્સા બની રહ્યા છે. સોનુનો ઈશારો કંગના રનૌત તરફ જ હતો. કંગનાએ પોતે કહ્યું છે કે તે સુશાંતને ક્યારેય નથી મળી. પરંતુ સોનુ સૂદને કહેવું જોઈએ કે, તારા સમાજસેવાના કાર્ય બદલ તને ભરપૂર વંદન. પરંતુ એક વાત એ પણ છે કે આજની દુનિયામાં શું માત્ર રૂબરૂ મળ્યા હોય તો જ મળ્યા કહેવાય? આજે ટૅક્નૉલૉજીના જમાનામાં ઘણા લોકો વર્ય્યુઅલી કે ટેલિફૉન દ્વારા પણ મિત્રો હોઈ શકે. પહેલાંના સમયમાં પત્ર દ્વારા પણ મિત્રતા થતી હતી. (‘આહ’, ‘સિર્ફ તુમ’, ‘મુઝ સે દોસ્તી કરોગે’ ફિલ્મો તો તેં જોઈ જ હશે). અને માનો કે મિત્ર ન હોય તો પણ કંગના જે મુદ્દાઓ ઉઠાવી રહી છે તે તો યોગ્ય જ છે. તેને ઘણા લોકોનું સમર્થન મળી રહ્યું છે.

અને હવે હિન્દી ફિલ્મોના સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકુટ્ટીએ હિન્દી ફિલ્મોદ્યોગ સામે કામ નહીં આપવાની ફરિયાદ કરી છે

◾ ગઈ કાલે અહીં એ. આર. રહેમાને વ્યક્ત કરેલી વ્યથા અને તેમની સામે પડેલી ગેંગની વાત લખી હતી. આજે ઑસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકુટ્ટીએ પણ આ ચર્ચામાં ઝૂકાવ્યું છે. રહેમાનના ઉપરોક્ત વાતના ઇન્ટરવ્યૂની તસવીર મૂકીને નિર્દેશક શેખર કપૂરે ટ્વિટર લખ્યું કે “તારી સમસ્યા શું છે, રહેમાન, તને ખબર છે? તને ઑસ્કાર મળ્યો. ઓસ્કારનો અર્થ થાય છે હિન્દી ફિલ્મોમાં મૃત્યુ. તે બતાવે છે કે હિન્દી ફિલ્મોમાં ચાલે તે કરતાં વધુ ટેલન્ટ તારામાં છે.” આના જવાબમાં રેસુલ પૂકુટ્ટીએ લખ્યું “શેખર કપૂર, તેના વિશે મને પૂછ્યું. મારા જેટલું કોઈ ભાંગી નહીં પડ્યું હોય. મને હિન્દી ફિલ્મોમાં કોઈ કામ નહોતું આપી રહ્યું પરંતુ પ્રાદેશિક સિનેમાએ મને જકડી રાખ્યો અને મને ઑસ્કાર મળ્યો. એવા નિર્માતાઓ હતા જેમણે મને મોઢા પર કહી દીધું કે અમને તારી જરૂર નથી, પરંતુ તેમ છતાં હું આ ઉદ્યોગને પ્રેમ કરું છું….” પૂકુટ્ટીએ ૨૦૦૪માં સંજય ગુપ્તની ‘મુસાફિર’ ફિલ્મથી પદાર્પણ કર્યું હતું અને તેને ૨૦૦૯માં ‘સ્લમડૉગ મિલિયોનેર’ માટે રહેમાન સાથે ઑસ્કાર મળ્યો હતો.

(તસવીર ૧: કેનેડામાં ચીન વિરોધી દેખાવો, તસવીર ૨: ચીને બે કેનેડિયનોની કરેલી ધરપકડથી કેનેડા ધૂંઆપૂંઆ છે, તસવીર ૩: સી પી જોશી અને ગહલોત વચ્ચે ખરાબ સંબંધોથી અંતિમ હાસ્ય શું સચીન પાઇલૉટનું હશે? તસવીર ૪: ઈન્દિરાજીએ લાલ કિલ્લાના પરિસરમાં મૂકાવેલા ટાઇમ કેપ્સ્યુલનું રહસ્ય શું છે? તસવીર ૫: આપઘાતની બીમારી ફિલ્મ કલાકારોને લાગી છે. તમિલ, કન્નડ અને મલયાલમ અભિનેત્રી વિજયાલક્ષ્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો, તસવીર ૬: અને હવે હિન્દી ફિલ્મોના સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકુટ્ટીએ હિન્દી ફિલ્મોદ્યોગ સામે કામ નહીં આપવાની ફરિયાદ કરી છે)

(આ અને આવા વધુ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો : SAT- Sach Aap Tak)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment