Home » ચીનનો નવો મોરચો, મારુતિ સુઝુકીના વેચાણના આંકડાથી અર્થતંત્રમાં સુધારાના સંકેત

ચીનનો નવો મોરચો, મારુતિ સુઝુકીના વેચાણના આંકડાથી અર્થતંત્રમાં સુધારાના સંકેત

by Jaywant Pandya

૨: બેલારુસમાં ૨૬ વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલા પ્રમુખ સામે ત્રણ માનુનીઓ પડી છે

સારદર્શી

( વર્ષ ૧, અંક -૪૦, દિ. ૦૧/૦૮/૨૦૨૦)

◾ ચીને નવો મોરચો ખોલ્યો છે. પીપલ્સ લિબરેશન આર્મીની એક બટાલિયનને ઉત્તરાખંડના લિપુલેખ પાસે મૂકી છે. લદ્દાખ ક્ષેત્રની બહાર હવે ચીને ભારતની સેનાને પડકાર ફેંકવા પ્રયાસ કર્યો. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં ચીનના સૈનિકોનું ત્યાં આવાગમન જોવામાં આવ્યું છે. ભારત અને ચીની સૈનિકો વચ્ચે મે માસના પહેલા સપ્તાહમાં તણાવની શરૂઆત થઈ અને ૧૫ જૂનની રાતે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો. તેમાં ભારતના ૨૦ સૈનિકો વીર ગતિને પ્રાપ્ત થયા તો ચીનના પણ ૩૦-૪૦ સૈનિકો મરાયા.

◾નેપાળ ચીનના પડખામાં બરાબર ભરાઈ ગયું છે. તે નવા વિવાદિત નકશાને વિશ્વ સમક્ષ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેના ભૂમિ પ્રબંધન ખાતા મુજબ, દેશના નવા નકશાને અંગ્રેજીમાં પ્રકાશિત કર્યા પછી તેને સંયુક્ત રાષ્ટ્ર અને ગૂગલને મોકલવામાં આવશે. તેમાં ભારતના લગભગ ૩૩૫ કિલોમીટરના ભૂભાગને નેપાળમાં દેખાડાયો છે.

◾ નેપાળને ખબર નથી પરંતુ જ્યારે ખબર પડશે ત્યારે મોડું થઈ ગયું હશે કે ચીનના સકંજામાં આવ્યા પછી તે કોઈ મિત્રભાવે મદદ નથી કરતું. ગળી જ જાય છે. માલદિવ્સને આવો અનુભવ થઈ રહ્યો છે. કોરોના સંકટ સામે લડી રહેલી માલદિવ્સ સરકારની સામે નવું સંકટ આવ્યું છે. ચીનની ઍક્સ્પૉર્ટ-ઇમ્પૉર્ટ (એક્ઝિમ) બૅન્કે માલદિવ્સ સરકારને કહ્યું છે કે તે ૧ કરોડ ડૉલરની રકમ ચૂકવે. ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એન. સાહિત્ય મૂર્તિ મુજબ, આ રકમ સન ગ્રૂપને આપવામાં આવેલી ૧૨.૭ કરોડ ડૉલરના ધીરાણનો હપ્તો છે જે ‘સંપ્રભુતા ગેરંટી’ હેઠળ આપવામાં આવ્યું હતું. માલદિવ્સની આર્થિક સ્થિતિ પહેલેથી ખરાબ જ છે. જો તે આ ધીરાણ ચુકવવાની ના પાડશે તો ચીન કડક પગલાં લેશે અને ચુકવશે તો તેના ચલણની કિંમત ઘટશે અને વિદેશી વેપાર પર અસર પડશે.

◾ હૉંગ કૉંગમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ કર્યા પછી ચીન હવે ત્યાં લોકશાહી તરફી ચળવળકારોની ધરપકડ કરાવી રહ્યું છે. હૉંગ કૉંગની પોલીસે ચીનના આ નવા ધારાનું ઉલ્લંઘન કરવાની શંકા પર ભૂગર્ભમાં રહેતા અનેક લોકશાહી તરફી ચળવળકારોની ધરપકડનો આદેશ આપ્યો છે.

◾ અમેરિકાએ શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકાર ભંગના આરોપસર ત્યાંના ચીનના અર્ધસૈન્ય સંગઠનના વડા અને તેના કમાન્ડર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધની જાહેરાત ટ્રમ્પ સરકારના વિદેશ અને નાણા વિભાગે કરી હતી. અમેરિકામાં પ્રતિબંધિત સંગઠન અને તેના વ્યક્તિઓની કોઈ પણ સંપત્તિને ટાંચમાં લઈ શકાય છે. તેમજ અમેરિકાના નાગરિકો સાથે તેમના વેપાર પર પણ મનાઈ હશે.

ટિકટૉક પર પ્રતિબંધ લાગશે તો માઇક્રૉસૉફ્ટ તેના અમેરિકાની શાખા ખરીદી શકે છે,

◾ અમેરિકા પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીની ઍપ ટિકટૉક પર પ્રતિબંધ મૂકશે. એવી શક્યતા છે કે માઇક્રૉસૉફ્ટ ટિકટૉકની અમેરિકા કામગીરી ખરીદી લેશે. જોકે આવું થશે તો તેમાં અમેરિકાના લોકો પોતાના દેશનું જ હિત જોશે કારણકે એક તરફ, કોઈ કંપની ખોટું કરે તો તેની સામે કૉંગ્રેસમાં પૂછપરછ થાય છે પરંતુ જો ટિકટૉકને માઇક્રોસૉફ્ટ ખરીદવાની દિશામાં વાત આગળ વધતી હોય તો ત્યાં એવો આક્ષેપ નહીં થાય કે ટ્રમ્પ માઇક્રૉસૉફ્ટ માટે જ કામ કરે છે.

◾ બેલારુસમાં લાંબા સમયથી એલેક્ઝાન્ડ લુકાશેન્કોનું શાસન છે અને નવ ઑગસ્ટે પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. ત્યારે તેમને પડકારવા ત્રિદેવી એટલે કે ત્રણ મહિલાઓએ હાથ મેળવ્યા છે. તેઓ વિરોધનું મુખ્ય પ્રતીક બની ગઈ છે. લુકાશેન્કો ૨૬ વર્ષથી અહીં શાસન કરી રહ્યા છે અને તેમને યુરોપના છેલ્લા સરમુખત્યાર કહેવામાં આવે છે. આ ત્રણ મહિલાઓ પૈકી શ્વેત્લાના તિખનોવસ્કાયા જાણીતા બ્લૉગર સર્ગેઇ તિખનોવસ્કીનાં પત્ની છે. તેમની ગત મે મહિનામાં પોલીસ અધિકારી પર હુમલો કરવાના આરોપસર ધરપકડ થઈ છે. તેઓ હવે ચૂંટણી લડી શકે તેમ નથી. આથી તેમના સ્થાને શ્વેતલાના ચૂંટણી લડી રહ્યાં છે. આ જ રીતે વેનોનિકા ત્સેપકાલો વલેરી ત્સેપકાલોનાં પત્ની છે. વલેરી ત્સેપકાલોને પણ ચૂંટણી લડતા અટકાવાયા છે અને તેઓ તેમની ધરપકડ થવાની બીકે બેલારુસમાંથી મોસ્કો નાસી ગયા છે. મારિયા કોલેસ્નિકોવા વિક્ટર બાબરિકોના પ્રચાર અભિયાન સાથે સંકળાયેલાં હતાં. વિક્ટર બાબરિકોને લાંચના આરોપસર ધરપકડ કરાયા પછી ચૂંટણી લડતા અટકાવાયા હતા. કોલેસ્નિકોવા કહે છે કે “અમારા ત્રણેય જણીઓનું લક્ષ્ય એક સરખું જ છે. ચૂંટણી જીતવી.”

◾શું હવે કોરોના ટેસ્ટ કરવાની જરૂર નથી, પોલીસના કૂતરા કહી દેશે કે કોરોના છે? ચીલી પોલીસ સ્નિફર કૂતરાઓને પ્રશિક્ષણ આપી રહી છે જેથી તેઓ લોકોના પરસેવામાં શરૂઆતના તબક્કામાં કોરોના વાઇરસ હોય તો તેને પકડી પાડી શકે. યુકેમાં આ બાબતનાં પ્રોત્સાહક પરિણામો મળી ચૂક્યાં છે. આ માટે ચાર કૂતરાઓને પસંદ કરવામાં આવ્યા છે.

◾ આજે વેપાર જગતમાંથી સારા સમાચાર આવ્યા. મારુતિ સુઝુકીનું વેચાણ હવે સામાન્ય થઈ ગયું છે જે દેશના અર્થતંત્રમાં સુધારાનો સંકેત હોઈ શકે છે. જુલાઈ દરમિયાન મારુતિ સુઝુકીએ કુલ ૧,૦૮,૦૬૪ ગાડીઓ વેચી! ગયા વર્ષે જુલાઈમાં પણ લગભગ આટલી જ કાર વેચાઈ હતી. ઉલ્લેખનીય છે કે મંદીના સૂર ઑટો ક્ષેત્રમાંથી જ ગત જુલાઈ આસપાસ જ ઉઠ્યા હતા જેની પાછળ કેન્દ્ર સરકાર દ્વારા કાર્બન એમિશનને લગતા નવા નિયમો મુજબ જે કારો કે વાહનો હતા તેને ફટકો પડે તેમ હતો.

◾ આ દેશમાં કેટલાક કટ્ટર મુસ્લિમો પ્રચાર કરે છે કે તેઓ ડરેલા છે. પરંતુ દેશમાં દ્વિતીય દરજ્જો કોણ ભોગવે છે અને કોને ડરીને રહેવું પડે છે તે બધા જાણે છે. કાશ્મીર, કૈરાના, મેવાતમાંથી કોને ભાગવું પડ્યું અને કોના લીધે તે બધા જાણે છે. ગુજરાતના પાટણના વારાહીમાં કોણે કોના ડરની ફરિયાદ કરી તે પણ ખબર છે. હવે દિલ્લીમાં પણ આ સ્થિતિ આવી ગઈ છે. દિલ્લીના મોહનપુરી, મૌજપુર અને નૂર-એ-ઇલાહી વિસ્તારોમાં હિન્દુઓએ પૉસ્ટર મૂક્યાં છે કે ‘ચોક્કસ સમુદાયના સભ્યોના ડરના લીધે ઘરો વેચવા મૂક્યા છે.’ આ આખો વિસ્તાર બહારપુર વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. અહીંથી આઆપના નેતા અને દિલ્લી સરકારમાં પ્રધાન ગોપાલરાય ચૂંટાયા છે.

અમર, અમિતાભ અને અનિલ અંબાણીની ત્રિપુટી હતી જે ઘણી જગ્યાએ સાથે જોવા મળતી

◾ અમરસિંહનું આજે ૬૪ વર્ષની વયે નિધન થઈ ગયું. તેઓ સિંગાપોરમાં છેલ્લા છ મહિનાથી સારવાર લઈ રહ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. એક સમયના શક્તિશાળી રાજનેતાઓ પૈકીના એક એવા અમરસિંહની કિડનીનું પ્રત્યારોપણ થયું હતું. જોકે તેમાં તેઓ પૂરા સ્વસ્થ ન થઈ શક્યા. તેઓ સમાજવાદી પક્ષના એક સમયના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવના ખૂબ જ નિકટના મૂ઼ડીવાદી સાથી હતા.તેઓ સમાજવાદી પક્ષના રણનીતિકાર હતા. તેઓ જ્યારે સમાજવાદી પક્ષના પ્રવક્તા તરીકે બોલવા આવતા ત્યારે ધાણીફૂટ શુદ્ધ હિન્દીમાં બોલતા તે વિરોધીઓને પણ સાંભળવું ગમતું. કવિતા-શાયરી-ફિલ્મી ગીતો તેમને મોઢે હતાં. જે તેઓ રાજકીય પ્રસંગને અનુરૂપ ટાંકતાં. અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના તેઓ મિત્ર હતા. જોકે મુલાયમપુત્ર અખિલેશના આવ્યા પછી તેમને કોરાણે કરી દેવામાં આવ્યા હતા. ગત દિવસો તેમના નિધનની અફવા ઊડી હતી ત્યારે વિડિયો જાહેર કરીને તેમણે કહ્યું હતું, “ટાઇગર અભી ઝિંદા હૈ’.

◾ અમરસિંહ એક સમયે અમિતાભના આટલા નિકટ રહ્યા અને એમ પણ મનાય છે કે અમિતાભને જ્યારે એબીસીએલના લીધે દેવું થઈ ગયું ત્યારે તેને ફેડવામાં અમરસિંહે ઘણી મદદ કરી હતી. પરંતુ બંને વચ્ચે અંટસ પડી ગઈ હતી. જોકે થોડા સમય પહેલાં સૉશિયલ મિડિયા દ્વારા તેમણે અમિતાભની ક્ષમા માગી હતી. તેમણે લખ્યું હતું, “આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને આજે જ મને અમિતાભ બચ્ચનજીનો સંદેશ મળ્યો. જીવનના આ તબક્કે જ્યારે હું જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છું ત્યારે મને અમિતજી અને પરિવાર વિરુદ્ધ પોતાની ટીપ્પણી માટે દુઃખ છે. ઈશ્વર બધાને આશીર્વાદ આપે.”

◾અમરસિંહ માત્ર સંવાદોના રાજા નહોતા. તેઓ સાચા અર્થમાં ક્ષત્રિય હતા. એક વખત દિલ્લીમાં સતીશ ગુજરાતના ઘરમાં એક પાર્ટીમાં રાજકીય મહાનુભાવો હાજર હતા. શરાબ, કબાબ વગેરે બધું જ હતું. આ દરમિયાન મણિશંકર અય્યર (મોદીને ‘નીચ’ કહેનાર અને લાહોરથી સીધા સીએએના વિરોધમાં શાહીનબાગ જનારા નેતા યાદ જ હશે) અમરસિંહ પાસે આવીને એલફેલ બોલવા લાગ્યા. મણિશંકર અમરસિંહને સતત ગાળો દેવા લાગ્યા. અમરસિંહે કહ્યું કે “હું તમને અડધો કલાકનો સમય આપું છું. ચૂપ થઈ જાવ. નહીં તો તમને ધીબેડી નાખીશ.” પણ મણિશંકર ચૂપ ન થયા અને તેમણે મુલાયમસિંહ યાદવને ગાળો આપી અને કહ્યું, હવે ધીબેડો. તે પછી અમરસિંહ અસલી ક્ષાત્રત્વના મિજાજમાં આવી ગયા. તેમણે મણિશંકરની ગરદન પકડી અને ધક્કો દીધો. પછી તેમના પર ચડીને તેમને બરાબર ધીબેડ્યા. તે પછી મણિશંકર અય્યરે પૂછ્યું કે “અડધો કલાક ચૂપ કેમ રહ્યા?” તો અમરે કહ્યું “મેમાનવ છીએ. ક્ષત્રિય છીએ. ભગવાને પણ શિશુપાલની સો ગાળો સાંભળીને પછી ચક્ર ચલાવ્યું હતું. હું તમારી હત્યા તો નથી કરી શકતો. આથી ધીબેડી નાખ્યા.”
અમરસિંહે પોતે આ ઘટના સંભળાવતાં કહ્યું હતું કે “વાસ્તવમાં તેઓ એટલે ક્રુદ્ધ હતા કારણકે તેમને હતું કે સોનિયા ગાંધીને વડાં પ્રધાન બનતાં મેં રોક્યા હતા.પરંતુ તે મારો નહીં, સપના સાંસદો અને ધારાસભ્યોનો સામૂહિક નિર્ણય હતો જે મેં માત્ર પ્રવક્તા તરીકે વ્યક્ત કર્યો હતો.”

◾અમરસિંહ ગુજરાતના જમાઈ થાય. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે દરેડ ગામના તેઓ જમાઈ હતા. દરેડના રાજવી પરિવારની દીકરી સાથે તેઓ પરણ્યા હતા. દરેડના રાજમાતા એટલે કે અમરસિંહના સાસુનું અવસાન થયું ત્યારે તેઓ અંતિમવિધિમાં હાજર રહેવા દરેડ આવ્યા હતા. તેમની સાથે અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી પણ આવ્યા હતા.

◾જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે કૉંગ્રેસ સાથે નિકટતા હોવાના કારણે (અને આમ પણ તે તોછડો તો છે જ) અભિેનતા શાહરુખ ખાને અમરસિંહને જાહેરમાં એવૉર્ડ સમારંભમાં કહ્યું હતું કે તમારી આંખોમાં દરિંદગી (ક્રૂરતા) દેખાય છે. ૨૦૦૪માં ઝી સિને એવૉર્ડમાં અમિતાભ બચ્ચનને ૧૧મી હરોળમાં બેસવા મળ્યું હતું. આનું સીધું કારણ તો નથી, પણ એમ મનાય છે કે અમિતાભ બચ્ચનને રાજીવ ગાંધી સાથે ખૂબ નિકટતા અને દોસ્તી હતી, પરંતુ તેમના અવસાન પછી સોનિયા ગાંધી સાથે તેમને બનતું નહોતું. તેમના પડદા પાછળના શાસનમાં અમિતાભને ત્યાં આવકવેરા વિભાગની કાર્યવાહી પણ થઈ હતી અને અમિતાભે માત્ર એટલું કહ્યું હતું, “વો રાજા હૈ ઔર હમ રંક હૈ.” એ સમય દરમિયાન ઝી સિને એવૉર્ડમાં અમિતાભ સાથે આવો વ્યવહાર કરાયો હતો. આના પરિણામે દોસ્તી નિભાવી જાણતા અમરસિંહ અમિતાભ માટે થઈને ઝી સિને એવૉર્ડ્સ સમારંભના આયોજક કરીમ મોરાની સાથે બાખડી પડ્યા હતા. હવે આ ઇતિહાસ પણ જાણી લો. મોદી સરકાર આવ્યા પછી આ કરીમ મોરાનીનું ૨-જી સ્પેક્ટ્રમ સંબંધિત કાળાં નાણાંને સફેદ કરવાના કેસમાં આરોપી તરીકે નામ આવ્યું છે. શાહરુખ ખાન નિર્માતા તરીકે જે ફિલ્મો બનાવે છે તેમાં નિર્માતા તરીકે કરીમ મોરાની પણ હોય છે. શાહરુખ ખાનની ‘ટેમ્પટેશન વર્લ્ડ ટુર’ આયોજિત કરવામાં પણ કરીમ મોરાનીનો હાથ રહેતો હતો. ૨૦૦૮માં શારજાહમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના કાર્યક્રમનું આયોજન પણ કરીમ મોરાની બંધુઓએ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આઈપીએલ યોજાઈ ત્યારે તેના પૂર્ણાહુતિ સમારંભનું આયોજન પણ મોરાની બંધુઓએ કર્યું હતું. જોકે જ્યારે ઝીના સુભાષચંદ્રને જ્યારે અમિતાભના અપમાનની ખબર પડી હતી ત્યારે તેઓ કરીમ પાસે ગયા હતા અને તેને એક લાફો ઝીંકી દીધો હતો.

◾યુપીએ પ્રથમ સરકારમાં અમેરિકા સાથે પરમાણુ સંધિના મુદ્દે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લીધો ત્યારે સરકાર બચાવવામાં અમરસિંહની ભૂમિકા મહત્ત્વની રહી. ‘કેશ ફૉર વૉટ’ કૌભાંડમાં પણ આરોપી તરીકે તેમનું નામ આવ્યું હતું. આ જ રીતે બિપાશા બસુ સાથેની કથિત વાતચીતની તેમની ઑડિયો ટેપે પણ ખળભળાટ મચાવ્યો હતો.

◾ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું રહસ્ય ગૂંચવાતું જ જાય છે. અને હવે મહારાષ્ટ્રના શિવસેનાના કોઈ ટોચના નેતા તેમાં સંકળાયેલા છે તેમ કહેવાય છે. સુશાંતની મેનેજર દિશાના મૃત્યુના કારણે સુશાંતની હત્યા હોઈ શકે છે. રિપબ્લિકન વર્લ્ડ ચેનલ પર અર્નબ ગોસ્વામીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તેમનો ટૉન અનુચિત હોઈ શકે પરંતુ તેમની જે શ્રેણી છે તે દાદને પાત્ર છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ આ કેસની સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ અને તેઓ કેમ આ બાબતે ચૂપ છે? જોકે ઉદ્ધવ ઠાકરેએ આજે બોલવું પડ્યું (જે અર્નબ અને રિપબ્લિકન ચેનલની તાકાત બતાવે છે). ઉદ્ધવ ઠાકરેએ સીબીઆઈ તપાસની ના પાડતાં કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસ ઉકેલવા સક્ષમ છે.

◾ એવા સમાચાર પણ છે કે અક્ષયકુમારે મુંબઈ પોલીસને ૧,૦૦૦ ફિટનેસ બૅડ આપ્યા. આ માટે તેમણે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે સાથે મુંબઈ પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. તેમાં સુશાંતસિંહની આત્મહત્યા વિશે ચર્ચા થઈ હતી. ‘ટાઇમ્સ નાવ’ના અહેવાલમાં કહેવાયું હતું કે સુશાંતના મૃત્યુ પહેલાં તેમના ઘરે થયેલી પાર્ટીમાં એક મોટી હસ્તિ હાજર હતી. આ વ્યક્તિ કોઈ મોટા રાજનેતાનો દીકરો હોઈ શકે છે. સુશાંત અને તેની વચ્ચે ઘણી જીભાજોડી થઈ હતી તે પછી સુશાંત ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે પછીથી તે ઘરના સીસીટીવી ખરાબ છે. સૂત્રો મુજબ, પોલીસ અધિકારી તે વ્યક્તિની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

◾ રહસ્ય એ વાતનું પણ છે કે સુશાંતે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર કે પછી સંઘર્ષરત્ અભિેનતા કે પછી સુશાંતની પ્રેમિકા રિયા જેને ઇન્સ્ટાગ્રામ પર ફૉટોગ્રાફ માટે ક્રેડિટ આપતી હતી તે સિદ્ધાર્થ પિઠાનીના સિમ કાર્ડનો સુશાંત ઉપયોગ કરતો હતો. વળી આ સિમ મુંબઈ નહીં, હૈદરાબાદના સિદ્ધાર્થનાં નાના-નાનીના સરનામા પર લેવાયેલું હતું. સુશાંત બીજા સિમનો પણ ઉપયોગ કરતો હતો જે તેના કર્મચારી સેમ્યુઅલ મિરાન્ડાના નામે હતું. એટલે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. આ બધી વાતોની તપાસ થવી જોઈએ. પણ મુંબઈ પોલીસ માત્ર સુશાંત માનસિક બીમાર હતો તે દૃષ્ટિકોણથી જ તપાસ કરી રહી છે.

◾ સેક્યુલર અને ડરેલા મુસ્લિમ નસીરુદ્દીન શાહને સુશાંતનો કેસ ચગી રહ્યો છે તેનાથી તકલીફ પડી રહી છે. તેમણએ કહ્યું કે આપણે આપણાં ગંદા અંતર્વસ્ત્રો જાહેરમાં કેમ ધોઈ રહ્યાં છે? વાત એમ છે કે નસીરજી કે ફિલ્મ જગતની સેક્યુલર અને માફિયા ગેંગ ગંદકી પસંદ કરે છે અને તેને છુપાવે છે. અને હવે એ સમય આવી ગયો છે કે સ્વચ્છતા અભિયાન માત્ર રોડ-ગટરના કચરા માટે જ નથી ચલાવવાનું, પણ હિન્દી ફિલ્મ જગતમાં વર્ષોથી પેધા પડી ગયેલા અને અંધારી આલમના જોરે દાદાગીરી કરતા અને મુંબઈ બહારથી આવતા લોકોને એકલા પાડી દેતા લોકો સામે પણ ચલાવવાનું છે. તમે પણ એક સમયે બહારના જ હતા, પણ હવે તમે તમારાં નિવેદનોના કારણે આ જ ગેંગનો હિસ્સો હોય તેમ લાગો છો અને એટલે જ સુશાંતના મૃત્યુનાં રહસ્યો, એ. આર. રહેમાન, ચેતન ભગત, કંગના રનૌત વગેરેએ જે રીતે હિન્દી ફિલ્મ ઉદ્યોગના કચરા વિશે અંગૂલિનિર્દેશ કર્યો છે તેનાથી તમને તકલીફ પડે તે સ્વાભાવિક છે.

◾ શું એક પોલીસ બીજા રાજ્યની પોલીસ સામે ફરિયાદ નોંધાવશે? લાગે છે તો આવું જ. મુંબઈ પોલીસ સુશાંતના કિસ્સામાં જે રીતે કરણ જૌહર, મહેશ ભટ્ટ, સોની રાઝદાન, મૂકેશ ભટ્ટ વગેરે ગેંગની રાહે પહેલેથી નક્કી કરેલા એંગલ પર જ તપાસ કરી રહી છે તે જોતાં બિહારમાં સુશાંતના પિતાએ ફરિયાદ નોંધાવી. હવે બિહાર પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ મુંબઈ પોલીસ તેને સહકાર આપી નથી રહી. આથી બિહારના ડીજીપી ગુપ્તેશ્વ પાણ્ડેયે ગઈ કાલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા કરી. તેમાં જાણવા મળ્યું કે મુંબઈ પોલીસ સહકાર નથી આપતી. આથી હેવ બિહાર પોલીસ મુંબઈ પોલીસના ટોચના અધિકારો સમક્ષ ફરિયાદ નોંધાવશે.

◾ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે કહ્યું કે જો સુશાંતના પિતા કહેશે તો રાજ્ય સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસે બિહારની પોલીસને તપાસમાં સહયોગ આપવો જોઈએ.

◾ સેક્યુલર સરકાર ચાહે તે રાજસ્થાનમાં અને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની હોય, કે પછી મહારાષ્ટ્રમાં શિવસેના-રા.કૉં.પ.-કૉંગ્રેસની હોય, તે આવતાં વેંત પહેલું કામ પાઠ્યક્રમ બદલવાનું અને આપાતકાળમાં જે લોકો સરમુખત્યાર બનવા જઈ રહેલા ઈન્દિરા ગાંધીના અત્યાચારો સામે લડ્યા હતા તેમના પેન્શન બંધ કરવાનું કામ કરે છે. મહારાષ્ટ્રમાં પણ કૉંગ્રેસ ચોથા ક્રમનો પક્ષ છે પરંતુ શિવ સેનાને તેણે સવાઈ કૉંગ્રેસ બનાવી દીધી છે અને મહારાષ્ટ્ર સરકારે કટોકટીમાં લડેલા યૌદ્ધાઓના પેન્શન બંધ કરી દીધા છે.

◾રાજસ્થાનમાં અશોક ગેહલોતે આજે નવો દાવ ખેલ્યો. તેમણે અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે જો પક્ષના શીર્ષ નેતાઓ અસંતુષ્ટોને માફ કરશે તો તેઓ પણ તેમને ગળે લગાડશે. પરંતુ ગેહલોતજી, આ માટેનો સમય હવે વિતી ગયો છે. તમે જે રીતે પાઇલૉટને નકામા કહ્યા તે પછી તેઓ અને તેમના જૂથના ધારાસભ્યો પક્ષમાં જ રહે અને તમને સમર્થન આપે તો તે રાજકારણનો ચમત્કાર જ કહેવાશે.

◾ શ્રી રામમંદિર હવે બનવા જઈ રહ્યું છે ત્યારે કૉ઼ંગ્રેસીઓના સૂર બદલાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે તેનું સ્વાગત કર્યું. પરંતુ તેના જવાબમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “દિલ કી બાત ઝબાં પર આ ગઈ.” બીજી તરફ, બીજા પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહે પણ હવે શ્રી રામમંદિરનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે આજે આખો દેશ રામભરોસે ચાલી રહ્યો છે. આથી આપણા બધાની આકાંક્ષા છે કે જલદીથી એક ભવ્ય રામમંદિર બને અને રામલલા તેમાં બિરાજે. સ્વ. રાજીવ ગાંધી પણ તેમ જ ઈચ્તા હતા. પરંતુ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા જયભાણસિંહ પવૈયા તેના પર ચાબખા મારતા કહે કે હવે રામમંદિર નિર્માણ પર કૉંગ્રેસીઓનું સમર્થન કે વિરોધનો કોઈ અર્થ નથી. આતંકવાદીઓની હત્યા પર રોવાવાળા પરંતુ કારસેવકોના બલિદાન પર એક શબ્દ નહીં બોલનારા તમે લોકો જ હતા.

◾ કેટલાક લોકો બધા રાજકારણીઓને એક લાકડીએ જ હાંકે છે. બધા રાજકારણી ખરાબ તેવું નથી હોતું. જે ખરાબ છે તેમને ખરાબ અને જે સારા છે તેમને સારા કહી સારા લોકોનું મનોબળ વધારવું જોઈએ. ખરાબનું મનોબળ તોડવું જોઈએ. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર સ્થિત સરકારી કચેરીઓના ભવન મોતી મહેલ ગયેલા ઊર્જા પ્રધાન પ્રદ્યુમનસિંહ તોમરને ત્યાં ગંદકી જોઈ ગુસ્સો આવી ગયો. કાર્યાલયની કેટલીક મહિલા કર્મચારીઓએ ફરિયાદ પણ કરી કે કાર્યાલયમાં તેમના માટે બનાવાયેલ શૌચાલયની સાફસફાઈ નિયમિત રીતે થતી નથી.અને તેથી તેમને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે. આ સાંભળી તેમણે પોતે જ આવશ્યક સામગ્રી મગાવીને શૌચાલયોની સાફસફાઈ કરવાનું શરૂ કરી દીધું. તેમણે કર્મચારીઓને કહ્યું કે સરકારી પરિસરમાં શૌચાલયોની સાફસફાઈનું મહત્ત્વ અને જવાબદારી સમજો. તેના માટે અધિકારી સતત નિરીક્ષણ રાખે. આ અગાઉ એક વાર ગટરની સફાઈ કરવા પાવડો લઈ તેઓ ગટરમાં ઉતરી ગયા હતા.

◾ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ્ને કોઈ ગ્રહણ લાગી ગયું લાગે છે. અગાઉ ગેસ લીકની મોટી દુર્ઘટના થઈ હતી જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં તો આજે હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેઇન પડવાના કારણે ૧૦ લોકોનાં મૃત્યુ થયાં. દુર્ઘટના સમયે તેમાં ૩૦ લોકો હતા.

ભારતે 'મૌસમ' ઍપ વિકસાવી છે જે ઋતુઓની જાણકારી આપશે

◾ સરકારે એક નવી મોબાઇલ ઍપનો પ્રારંભ કર્યો છે. તે ઋતુઓની જાણકારી માટે છે. તેના દ્વારા ઋતુનું પૂર્વાનુમાન અને અન્ય જાણકારી મળશે. ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સેમી એરિડ ટ્રૉપિક્સ, ભારતીય ઉષ્ણ કટિબંધીય મૌસમ વિજ્ઞાન સંસ્થાન (આઈઆઈટીએમ) પૂણએ અને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે મળીને આ ઍપ બનાવી છે. તેનું લોકાર્પણ કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કર્યું હતું. ‘મૌસમ’ નામની એપ ગૂગલ પ્લે સ્ટૉર અને એપલના ઍપ સ્ટૉર પર ઉપલબ્ધ છે.

◾ દરિયાના ઊંડાઈમાં અનેક દુર્લભ જીવ અને ચીજો છે જેની કલ્પના કરવી સંભવ નથી. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ કેટલાક એવા જીવની શોધ કરી છે જે એક હજાર કરોડ વર્ષ જૂના છે. તે સમુદ્રના તળિયે છે. જાપાનની મરિન અર્થ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી સંસ્થાએ આ સંશોધનમાં જાણ્યું કે ખરાબ પોષણવાળા વાતાવરણમાં પણ જીવનનું અસ્તિત્વ હોઈ શકે છે. આ સંશોધનનાં મુખ્ય લેખિકા યુકી મોરોનાનું કહેવું છે કે સમુદ્રતળમાં જૈવમંડળ (બાયૉસ્ફીયર) જીવની ઉંમરની કોઈ સીમા નથી. પ્રયોગશાળામાં સંશોધનકર્તાઓ લાંબા સમયથી બેકાર પડેલા એક કોષ જીવોને ફરીથી જીવિત કરવામાં સફળ થયા. તે માટે તેમણે સમુદ્ર તળમાં લેવામાં આવેલા નમૂનામાં કાર્બન અને નાઇટ્રૉજન ના સબ્સ્ટ્રૉટ આપ્યા. ૬૮ દિવસ બાદ જોવામાં આવ્યું કે લગભગ ૭,૦૦૦ કોષો નવા વાતાવરણમાં ફરી સક્રિય થઈ ગયા.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment