Home » અલ્જીરિયામાં વસતિ વિસ્ફોટથી રમખાણો અને અંતે જિહાદ તરફ ગતિ

અલ્જીરિયામાં વસતિ વિસ્ફોટથી રમખાણો અને અંતે જિહાદ તરફ ગતિ

by Jaywant Pandya

અલ્જીરિયામાં જિહાદ લેખાંક: ૩

સબ હેડિંગ: રમખાણો પછી લોકતાંત્રિક સુધારો થયો અને એક જ રાજકીય પક્ષની પ્રણાલિના બદલે બીજા રાજકીય પક્ષોને સ્થાન મળ્યું. એફઆઈએસ નામના નવા પક્ષના નેતા મદનીએ કહેલું, “જ્યાં સુધી ઇસ્લામ, શરિયા, તેનાં સિદ્ધાંતો અને મૂલ્યોની વિરુદ્ધ હોય તેવા ચૂંટાયેલા પ્રતિનિધિને સ્વીકાર કરે તેવી લોકશાહીને આપણે સ્વીકારતા નથી.”

(સાંપ્રત કૉલમ, સાધના સાપ્તાહિક, દિ. ૨૪/૭/૨૦૨૧)

(ગયા અંકથી ચાલુ)

ગયા બે અંકમાં આપણે જોયું કે અલ્જીરિયામાં ઇસ્લામ કેવી રીતે આવ્યો અને તે પછી મુસ્લિમોના બે ફાંટા સુન્ની-શિયા પોતાનું વર્ચસ્વ જમાવવા લડાઈ લડ્યા. ફ્રેન્ચોએ અલ્જીરિયા જીત્યા બાદ ત્યાંની સંસ્કૃતિ બદલવા પ્રયાસ કર્યો. મુસ્લિમો જાહેરમાં મળી ન શકે તેવો નિયમ બનાવ્યો. મદરેસાઓ સમાપ્ત કરી. ઇસ્લામિક ચેરિટેબલ ટ્રસ્ટોની મિલકતો સરકારી મિલકતો તરીકે જાહેર કરી. બીજા વિશ્વ યુદ્ધ પછી અનેક દેશોમાં યુરોપના દેશોથી સ્વતંત્ર થવાની લડાઈએ જોર પકડ્યું. આવું અલ્જીરિયામાં પણ થયું.

સ્વતંત્ર થયા પછી અલ્જીરિયા ઇસ્લામિક દેશ જાહેર થયો. તેમ છતાં કટ્ટર મુસ્લિમોને તેનાથી સંતોષ થયો નહીં. તેઓ તો સ્ત્રીઓને બુરખા પહેરવા ફરજ પાડતા, ન પહેરે તેની હેરાનગતિ કરતા. અલ્જીરિયાના શિક્ષણનું અરબીકરણ થવા લાગ્યું. આ બધાના કારણે અલ્જીરિયામાં બેરોજગારી વધી ગઈ, મોંઘવારી પણ વધી ગઈ. સામાજિક તણાવ તીવ્ર હતો. આ સંજોગોએ અલ્જીરિયામાં ગૃહ યુદ્ધનો પાયો નાખ્યો હતો.

જોકે કહેવાય છે આ ગૃહ યુદ્ધ (સિવિલ વૉર) પણ હકીકતે તે જિહાદ જ હતી. કઈ રીતે? આવો જોઈએ.

ઉત્તર પ્રદેશમાં વસતિ નિયંત્રણ ધારા માટેનો મુસદ્દો હજુ મૂકાયો છે ત્યાં સેક્યુલરો અને મુસ્લિમ તરફી લોકો વિરોધ કરવા લાગ્યા છે. પરંતુ આ ધારો મુસ્લિમ વિરોધી નથી. આપણે ત્યાં કુટુંબ નિયોજન હોવું જોઈએ તેવી વાતો ૧૯૫૨માં નહેરુજીના વખતથી થાય છે. જોકે આપણો વિષય આ નથી, પણ વસતિ વિસ્ફોટ કેવી પરિસ્થિતિ સર્જી શકે છે તેનું અલ્જીરિયા મોટું ઉદાહરણ છે. અલ્જીરિયામાં પણ ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં વસતિ વિસ્ફોટ થયો હતો. વસતિ વિસ્ફોટ થાય એટલે સંસાધનો ઓછાં પડે. ઘર, પાણી, ખોરાક, રોજગાર વગેરેની સમસ્યા ઊભી થાય. અલ્જીરિયામાં નિકાસમાં ૯૫ ટકા હિસ્સો પેટ્રોલિયમ પેદાશોનો હતો. તેના ભાવ ગગડી ગયા. આમ તો, અલ્જીરિયામાં એક જ પક્ષ એફએલએનની સરકાર હતી. અને તે સમાજવાદમાં માનતી હતી, સામ્રાજ્યવાદની વિરોધી હતી. થોડી ઘણી લોકશાહી પણ હતી. પરંતુ તેનાં ખરાં સૂત્રો તો સેનાના અધિકારીઓ પાસે જ રહેતાં હતાં. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો હતો.

લેખાંક : ૧:  આઠમી સદીમાં ઉમયાદના આક્રમણ પછી અલ્જીરિયનો મોટા પાયે મુસ્લિમ બન્યા

લેખાંક : ૨:  સ્વતંત્રતા પછી ઇસ્લામિક કાયદાઓ લાગુ કરાયા તો પણ કટ્ટરોને સંતોષ ન થયો!

લેખાંક ૪:  અલ્જીરિયામાં જિહાદમાં દોઢ લાખ લોકો માર્યા ગયા!

ફ્રેન્ચો ભલે ચાલ્યા ગયા પણ ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્વ હતું (જેનું કારણ ગયા લેખમાં આપણે જોઈ ગયા હતા). ફ્રેન્ચ ભાષામાં ભણેલાઓને નોકરીમાં પ્રાથમિકતા મળતી. આથી અરબી ભાષામાં ભણેલા સ્નાતકો નિરાશ થઈ ગયા હતા. આનું પરિણામ ૧૯૮૮માં મોટા પાયે રમખાણોમાં આવ્યું. પાંચ ઑક્ટોબર ૧૯૮૮ના રોજ ચાલુ થયેલાં રમખાણો ૧૧ ઑક્ટોબર ૧૯૮૮ સુધી ચાલ્યાં. અલ્જીરિયાની સ્વતંત્રતા પછી આ સૌથી મોટાં રમખાણો હતાં. તે અલ્જીયર્સથી શરૂ થયાં અને અનેક શહેરોમાં ફેલાયાં. તેમાં પાંચસો જણાનાં મૃત્યુ થયાં અને ૧,૦૦૦ લોકો ઘાયલ થયા હતા.

જોકે આ રમખાણો બેરોજગારી, મોંઘવારીના નામે હતા, પરંતુ મૂળ તો તેનો હેતુ રાષ્ટ્ર પ્રમુખ ચડલી બેન્જેડિડને ઉથલાવવાનો હતો કારણકે હુલ્લડખોરોનું સૂત્ર હતું – “અમારે બટર કે પેપર (મરી) નથી જોઈતાં, અમારે અમે માન આપી શકીએ તેવા નેતા જોઈએ છે.” આનો અર્થ એ થયો કે તેમનો હેતુ રોજગારી કે સોંઘવારીનો નહોતો, તેમનો હેતુ વધુ કટ્ટર ઇસ્લામિક સત્તા પ્રાપ્ત કરવાનો હતો. આ રમખાણોમાં દુકાનો, ઑફિસો, સરકારી વાહનો અને સરકારી ભવનોને આગ લગાડી દઈ સરકારી સંપત્તિને પારાવાર નુકસાન કરાયું. પોલીસને જ્યુ (યહૂદી) તરીકે સંબોધવામાં આવતી હતી. (આ પણ નિશાની હતી કે આ રમખાણો કે આક્રોશ મોંઘવારી કે બેરોજગારી વિરુદ્ધ નહોતાં. ઘણા મુસ્લિમો યહૂદીઓને પોતાના મોટા દુશ્મન માને છે. જોકે હવે સાઉદી અરેબિયા અને યુએઇએ ઇઝરાયેલ સાથે સારા સંબંધ બનાવી લીધા છે.) આ રમખાણો બેરોજગારી અને મોંઘવારી સામે નહોતાં પરંતુ રાજકીય રીતે પોતાની સત્તા સ્થાપવા માગતા કટ્ટર ઇસ્લામવાદીઓએ કરાવ્યા હતા તેનો વધુ એક પુરાવો એ હતો કે પ્રમુખ બેન્જેડિડ અને ઇસ્લામ આગેવાનો અલી બેન્હેદ્જ અને મુસ્લિમ બ્રધરહૂડના અન્ય સભ્યો વચ્ચે સફળ મંત્રણા થઈ તે પછી આ રમખાણો બંધ થઈ ગયાં!

એક રીતે જુઓ તો શાહીનબાગ ધરણા પણ આવી જ જિહાદનો પાયો હતો. તેમાં પણ ભાષણો થયાં હતાં. સીએએ અને એનઆરસીના નામે મુસ્લિમોને વિપક્ષોએ અને શરજીલ ઈમામ જેવા કટ્ટરવાદીઓએ ભ્રમિત કરી ભડકાવ્યા હતા. ભારતના ભાગલા માટે ઉશ્કેરણી કરવા પ્રયાસ કર્યો હતો. તે પછી દિલ્લીમાં હિન્દુ વિરોધી હિંસા પણ થઈ હતી. પરંતુ તેને નિષ્ફળ બનાવાઈ અને કોરોનામાં શાહીનબાગના ધરણા પણ પોલીસે સમાપ્ત કરી દીધા.

અલ્જીરિયામાં રમખાણોનું પરિણામ એ આવ્યું કે પ્રમુખ બેન્જેડિડે રાજકીય સુધારાઓ અને બંધારણમાં ફેરફારો કરવા વચન આપ્યું. આપણે ત્યાં નિયમ છે કે કોઈ પણ કાયદો બનાવવા ખરડો લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવો પડે. એમાંય બંધારણના આમુખમાં સુધારો કરવો હોય તો ખાસ. પરંતુ કટોકટીમાં આ નિયમોનું ઉલ્લંઘન કરીને બંધારણના આમુખમાં સમાજવાદી અને પંથનિરપેક્ષ શબ્દો ઘૂસાડી દેવાયા. આજ સુધી આ શબ્દો દૂર કરવાનું સાહસ કોઈ સરકાર કરી નથી શકી. પરંતુ અલ્જીરિયામાં થયેલાં રમખાણોના પગલે આ સમાજવાદનો સંદર્ભ નવા બંધારણમાંથી દૂર કરી નાખવો પડ્યો.

સ્વતંત્રતા પછી અલ્જીરિયામાં ઇસ્લામ પર સલાફીઓનું વર્ચસ્વ હતું. સલાફીઓને શાંતિ માટે જોખમરૂપ માનવામાં આવે છે. આવું આ લેખકનું માનવું નથી, પણ વિશ્વના અનેક રિપૉર્ટ આમ કહે છે. યુરોપીય સંસદના એક અહેવાલનું શીર્ષક છે – “ધ ઇન્વૉલ્વમેન્ટ ઑફ સલાફિઝમ/વહાબિઝમ ઇન ધ સપૉર્ટ ઍન્ડ સપ્લાય ઑફ આર્મ્સ ટૂ રિબેલ ગ્રૂપ્સ એરાઉન્ડ ધ વર્લ્ડ”. અર્થાત્ વિશ્વ ભરમાં જે બળવાખોર સમૂહો છે તેમને સમર્થન આપવામાં અને શસ્ત્રો પૂરા પાડવામાં સલાફી/વહાબીઓની સંડોવણી. ૨૦૧૮નો એક રિપૉર્ટ કહે છે કે જર્મનીમાં સલાફીઓ ખતરનાક રીતે વધી રહ્યા છે. પુલિત્ઝર પુરસ્કાર જાણીતો છે. તેની વેબસાઇટ પર ૨૦૧૨નો એક અહેવાલ કહે છે કે કાશ્મીરમાં પણ પહેલાં સૂફીઓ વધુ હતા. પરંતુ પાકિસ્તાનના સમર્થનથી અને કેન્દ્ર-રાજ્ય સરકારોની ઉપેક્ષાથી ત્યાં સલાફીઓ વધવા લાગ્યા. તેનું પરિણામ ૧૯૯૦માં કાશ્મીરમાંથી હિન્દુઓને પ્રતાડિત કરી ભાગવા ફરજ પાડી.

અલ્જીરિયામાં સલાફીઓનું વર્ચસ્વ એફએલએન સરકારના કારણે પણ હતું. સલાફીઓ રાજકીય ઇસ્લામમાં માનતા હોય છે. બીજી તરફ, મુસ્લિમ બ્રધરહૂડ અને તેના જેવી સંસ્થા (દા.ત. એસોસિએશન ઑફ સ્કૉલર્સ) સરકારને ટેકો ન આપતાં તેને સરકારે વિખેરી નાખ્યાં હતાં. પરંતુ તમે જુઓ, કે બહારના આયાતી ઇસ્લામી વિદ્વાનો દેશ માટે કેટલા ખતરનાક સાબિત થતા હોય છે અને સત્તા ટકાવવા સરકારો આવા લોકોને લાવે-છાવરે તે દેશ માટે કેટલું ખતરનાક સાબિત થાય છે. આપણે ત્યાં ગયા વર્ષે કોરોના છતાં જમાવડો કરનાર તબલીગી જમાતીઓમાં ઘણા વિદેશીઓ પણ હતા. સરકારે પકડ્યા તો ન્યાયાલયોએ તેમને મુક્ત કરી દીધા અને વિદેશ જવા દીધા. અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો આથી જ નિશ્ચિંત હોય છે અને સરકારને પૂછી શકે છે કે ઉત્તર પ્રદેશમાં ત્રાસવાદ અને અલ કાયદા સાથે સાંઠગાંઠ ધરાવવા માટે પકડાયેલાઓને ન્યાયાલયો નિર્દોષ છોડી મૂકશે તો સરકાર શું જવાબ આપશે?

૧૯૮૦ના દાયકામાં અલ્જીરિયાની એફએલએન સરકાર ઇજિપ્તના બે જાણીતા ઇસ્લામિક વિદ્વાન મોહમ્મદ અલ ગઝલી અને યુસૂફ અલ કરાદવીને લઈ આવી. તેની પાછળનો હેતુ પંથીય પરિમાણને મજબૂત કરવાનો હતો. મૂળ હેતુ તો સરકારની રાષ્ટ્રવાદી વિચારસરણીને તેઓ ટેકો આપે તેનો હતો. પરંતુ આ પ્રકારના લોકો રાષ્ટ્રથી ઉપર પોતાના પંથને મૂકે છે, તે અનેક વાર જોવાયું છે. આ બે કહેવાતા વિદ્વાનોએ પણ આવું જ કર્યું. સાઉદી અરેબિયા અને અખાતના દેશોની મુસ્લિમ રાજાશાહીના સમર્થક એવા આ બે વિદ્વાનોએ મુસ્લિમોને ભડકાવવાનું કાર્ય કર્યું. સ્થાનિક કટ્ટરવાદી ઈમામો જે વલણ અપનાવે તેની તરફેણમાં ઉપરોક્ત પૈકીના અલ ગઝલી ફતવા બહાર પાડી દેતો, જેથી ઈમામોને સમર્થન મળી જતું.

આને જોઈને મુસ્લિમોમાં જોર વધ્યું. મુસ્તફા બોઉયલી નામના એક ઝાકિર નાઇક જેવા ઇસ્લામિક ઉપદેશકે જિહાદ કરીને દેશમાં શરિયા લાગુ કરી ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા આહ્વાન આપ્યું. ૧૯૮૨માં સરકારી સંસ્થાઓએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી. આથી તેણે મૂવમેન્ટ ઇસ્લામિક આર્મી (એમઆઈએ) નામની ભૂગર્ભ ચળવળ આદરી. સરકારના કહેવા પ્રમાણે, તેમણે વડા પ્રધાનની હત્યા સહિત અનેક હુમલાઓની યોજના બનાવી હતી. પાંચ જ વર્ષમાં તે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો.

‘સાધના’ના નિયમિત વાચકો જાણે છે કે કટ્ટરવાદી અને ત્રાસવાદી મુસ્લિમો કોઈ એક દેશના નથી હોતા. આથી તેઓ બીજા દેશમાં પણ લડાઈ લડવા ચાલ્યા જાય છે. ૧૯૮૦ના દાયકામાં અનેક રીતે મુસ્લિમોનું કટ્ટરીકરણ વધુ થયું હતું. ઈરાનમાં ખોમૈની આવ્યા હતા. તેઓ પણ સાઉદી અરેબિયાથી વધુ ચડિયાતા સાબિત થવા માગતા હતા. આ તરફ, અમેરિકા સૉવિયેત સંઘ સામે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં જિહાદીઓ તૈયાર કરી રહ્યું હતું. ભારતમાં પણ શાહબાનો કેસ હોય કે સલમાન રશ્દીનું પુસ્તક ‘સેતાનિક વર્સીસ’, રાજકારણમાં કટ્ટરતાને શરણે જવાનું પસંદ કરાઈ રહ્યું હતું. અલ્જીરિયામાં પણ આવું થયું. અલ્જીરિયાના કટ્ટર મુસ્લિમ યુવાનો અફઘાનિસ્તાનમાં જિહાદ લડવા પાકિસ્તાનના પેશાવરમાં લાગેલી શિબિરોમાં આવી ગયા. સૉવિયેત સંઘને આ જિહાદીઓ દુશ્મન માનતા હતા અને અલ્જીરિયા સૉવિયેત સંઘનું સાથી હતું. તેથી અફઘાનિસ્તાનની લડાઈને અલ્જીરિયાની એફએલએન સરકાર વિરોધી લડાઈ માનતા હતા.

આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે, અલ્જીરિયામાં થયેલાં રમખાણોના પગલે ૩ નવેમ્બર ૧૯૮૮ના રોજ નવું બંધારણ ક્રિયાન્વિત થયું. તેના કારણે અન્ય પક્ષો પણ હવે કાયદેસર કામ કરી શકતા હતા. આનો લાભ લેવા, અલ્જીયર્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શૈખ અબ્બાસી મદનીના નેતૃત્વમાં બીજો પક્ષ એફઆઈએસ (ઇસ્લામિક સાલ્વેશન ફ્રન્ટ)ની સ્થાપના થઈ. ભલે લોકતાંત્રિક સુધારાના ભાગ રૂપે આ પક્ષ સ્થપાયો હોય, પણ આ કટ્ટર ઇસ્લામીઓ જ્યાં સુધી શરિયા ન સ્થપાય ત્યાં સુધી લોકતંત્રના વિરોધી હોય છે. મદનીએ ડિસેમ્બર ૧૯૮૯માં એટલે કે એફઆઈએસ સ્થપાયાના થોડા જ મહિનામાં નિવેદન આપ્યું:

“જ્યાં સુધી ઇસ્લામ, શરિયા, તેનાં સિદ્ધાંતો અને મૂલ્યોની વિરુદ્ધ હોય તેવા પ્રતિનિધિ ચૂંટાયેલા હોય તેને સ્વીકાર કરે તેવી લોકશાહીને આપણે સ્વીકારતા નથી.”

આનો અર્થ એ થયો કે જે સાંસદ કે ધારાસભ્ય ઇસ્લામમાં માનતો હોય તેને આ મદની ચલાવી લેવા માગતા નહોતા.

ઉપર આપણે જોયું કે રમખાણો વખતે પ્રમુખ બેન્જેડિડે અલી બેન્હેદ્જ વચ્ચે મંત્રણા થઈ તે પછી રમખાણો બંધ થઈ ગયાં હતાં. આ અલી બેન્હેદ્જે તો ફેબ્રુઆરી ૧૯૮૯માં એવું કહેલું કે લોકશાહી-ફોકશાહી શું? લોકોમાં શક્તિ નથી, શક્તિ તો અલ્લાહમાં કુર્આન મારફતે છે. જો લોકો અલ્લાહના કાયદા વિરુદ્ધ મત આપે તો તે ઈશનિંદા (બ્લાસ્ફેમી) કહેવાશે. આવું થાય તો કાફિરોને સારા કારણસર (એટલે કે ઇસ્લામવાદીઓની સત્તાની સ્થાપના માટે) મારી નાખવા આવશ્યક છે!”

૧૯૯૦માં અલ્જીરિયામાં પહેલી સ્થાનિક અને મુક્ત ચૂંટણી યોજાઈ. આનું ગંભીર પરિણામ જિહાદ રૂપે કઈ રીતે આવ્યું તેની વાત આવતા અંકે.

(ક્રમશ:)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment