Home » એક સમયના વિપંથી આક્રાંતાઓનું કામ બુદ્ધિજીવીઓએ હાથમાં લીધું છે

એક સમયના વિપંથી આક્રાંતાઓનું કામ બુદ્ધિજીવીઓએ હાથમાં લીધું છે

by Jaywant Pandya

એક બુદ્ધિજીવી બહેને લખ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ (તેના માટે વિવાદિત ઢાંચો કે બાબરી મસ્જિદ ખોટો શબ્દ છે) મંદિર કે મસ્જિદની જગ્યાએ હૉસ્પિટલ બનવી જોઈએ. આવું સૂચવનારા એ પહેલાં નથી અને અંતિમ પણ નહીં હોય. આ વિવાદ પેદા કરાયો છે ત્યારથી આવાં સૂચનો કેટલાક -નામથી હિન્દુ જણાતા- અથવા હિન્દુ-મુસ્લિમ ઇત્તર લોકો કરી રહ્યા છે. મારે તેમને આ વાત કહેવી છે.

માનો કે તમારા ઘર પર કોઈ કબજો કરી લે અને પછી હું કહું કે તેના પર હૉસ્પિટલ બનાવીએ તો? મંદિરનું મહત્ત્વ કોઈ હૉસ્પિટલથી કમ નથી. જો મંદિરો ન હોત ને તો આ દેશમાં જંગલરાજ ચાલતું હોત. લોકો મંદિર જાય છે પોતાની વ્યથા રજૂ કરે છે અને પછી ભૂલી જાય છે. આવા લોકો હિન્દુઓ પર ટીપ્પણી કરી કરીને કટ્ટરવાદ જન્માવી રહ્યા છે. ‘પીકે’ જેવી ફિલ્મો પણ એમાં ઇંધણ પૂરવાનું કામ કરે છે. આલિયા માલિયા ને બીજા લોકો જેને ભારતમાં રહીને ભારતની સંસ્કૃતિ બદલવી છે, નિયમો નહીં સ્વચ્છંદતા જોઈએ છે, એક પંથના કટ્ટર લોકોની દાસતા પસંદ છે, તે લોકો હિન્દુઓ અને હિન્દુ ધર્મ એ જાણે ગરીબ કી જોરુ હોય તેમ તેના પર ટીપ્પણી કરી કરી રોજ ટપલી દાવ રમી રહ્યા છે. આ કામ બહુ જોખમી છે. ક્યારેક નબળી વ્યક્તિ પણ રોજના ટપલી દાવથી કંટાળી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી કચકચાવી -એક પણ જબરદસ્ત- લાફો (૬ ડિસેમ્બર ૧૯૯૨ની જેમ) મારી દઈ શકે પણ એ સમયે લોકો ભૂલી જાય છે કે આ નબળી વ્યક્તિ સાથે ટપલી દાવ રોજ રમાતો હતો તેનો પ્રત્યાઘાત છે.

જ્યાં સુધી મંદિરની વાત છે, મંદિર હકીકતે સામાજિક મિલનનાં કેન્દ્રો, કેથાર્સિસ સેન્ટર અને ગરીબ-પછાત વ્યક્તિ માટે સહાય-ભોજનનાં કેન્દ્રો રહ્યાં છે. જરા અમદાવાદના પાલડીમાં જલારામ મંદિર, રામદેવનગરનું સાઈબાબા મંદિર કે વેજલપુરના બુટભવાની મંદિરનો આંટો મારી આવો, ખબર પડશે કે કેટલા લોકોને રોજ જમવાનું મળે છે. મંદિરો દ્વારા નિદાન કેમ્પ, ગૌશાળા ચાલતી હોય તેવી પ્રવૃત્તિ તો અલગ. અને માઇન્ડ વેલ, મંદિરો કંઈ બીજાં ઉપાસના સ્થળોની જેમ બંધ બારણે ચાલતાં નથી. કેટલાક અપવાદ સિવાય મંદિરો હિન્દુ ઇત્તર પંથોના લોકો માટે પણ ખુલ્લાં હોય છે. મંદિરના લીધે પીપળા, આકડા, ગુલાબ, સૂરજમુખી, કમળકાકડી, દર્ભ, બિલીપત્ર, આ બધાના રૂપમાં પર્યાવરણની જાળવણી, પક્ષીઓને ચબૂતરાના રૂપમાં ચણની વ્યવસ્થા, ઉનાળામાં પાણીની પરબ આ બધું તો અલગ. ક્યાંય કોઈ મંદિરમાં દેશના ટુકડા કરવાની, કોઈ ઇત્તર પંથીઓને મારી નાખવાની સલાહ-ઉપદેશ અપાતા નથી જે ઘણી વાર મસ્જિદોમાંથી અપાયા છે.

પ્રસાર માધ્યમોમાં મંદિરોની આવી વિગતો પ્રસિદ્ધ થતી નથી. બનાસકાંઠામાં તાજેતરમાં પૂર આવ્યાં ત્યારે મંદિરો આશ્રય કેન્દ્રો બન્યાં હતાં. જે સ્વામીનારાયણ સંસ્થાની કેટલીક વાર નેગેટિવ પબ્લિસિટી કરી સાધુને શૈતાન ચિતરાય છે (એ સમાચાર પણ પ્રસિદ્ધ થવા જોઈએ અને આવા શૈતાનોની ભરપૂર ભર્ત્સના થવી જોઈએ પણ) એ સંસ્થા, ગાયત્રી પરિવાર કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂરની રાહત અને બચાવ કામગીરીમાં મોખરે રહ્યા અને હંમેશાં રહે જ છે ચાહે એ મચ્છુ હોનારત હોય, કચ્છ ભૂકંપ હોય કે સુરતનો પ્લેગ. જો આ સંસ્થાઓ ન હોય તો કોઈ સરકારની તાકાત નહોતી કે મોરબી, કચ્છ કે સુરત આજે જેવા છે તેવા સુંદર રીતે બેઠા થઈ દોડતા થયા હોત.

વિપંથીઓનાં આક્રમણો પણ આ દેશમાંથી બધાં મંદિરોને તોડી શક્યા નથી. જેટલી વાર, જેટલી તીવ્રતાથી આક્રમણો થયાં તેનાથી વધુ ભવ્યતાથી મંદિરો ઊભાં પણ થયાં છે. સોમનાથ મંદિર તેનું ભવ્ય ઉદાહરણ છે. જે કામ અત્યાચારી વિપંથીઓ ન કરી શક્યા એ કામ બુદ્ધિજીવીઓએ હાથમાં લીધું છે. મંદિરો પરથી લોકોની શ્રદ્ધા તોડો. દર હિન્દુ તહેવારના દિવસે જ ગરીબ બાળકોને યાદ કરી દૂધ-તેલનો વેડફાટ યાદ અપાવો. રામમંદિરની જગ્યાએ હૉસ્પિટલ કે શૌચાલય બનાવવા જેવું તિકડમી સૂચન કરી વિવાદ સર્જો અને લોકપ્રિયતા મેળવો.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

smdave1940 21/08/2017 - 10:43 AM

રામ એક ઐતિહાસિક વ્યક્તિ હતા. રામ બાબર કરતાં સીનીયર હતા. મસ્જીદ ખસેડી શકાય છે. કોઈ મહાપુરુષને ભગવાન માનવાથી તેની ઐતિહાસિકતા મટી જતી નથી. પણ સમાચાર માધ્યમોમાં પોતે કેવા ક્રાંતિકારી છે તે બતાવવાની ફેશન છે. અને તેનો ભોગ હમેશા હિન્દુ ધર્મને જ બનાવવામાં આવે છે. ભારતના બુદ્ધિજીવીઓએ ધર્મને બાજુ મુકી ઐતિહાસિક દૃષ્ટિકોણ અપનાવવો પડશે.

Reply

Leave a Comment