Home » રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

by Jaywant Pandya

તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ!

ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું સંવાદો લખવાની નિપુણતા છે! સંજય દત્તનાં કાળાં કૃત્યોને શું સફાઈપૂર્વક સફેદ કરી બતાવ્યાં!

પહેલી સ્પષ્ટતા કરી દઉં કે સંજય દત્તની ફિલ્મો વિરુદ્ધ આ લેખ નથી. સંજય દત્તની ‘રોકી’થી લઈને ‘ઑલ ધ બેસ્ટ’ સહિત ઘણી ફિલ્મો મને ગમે છે. સુનીલ દત્ત નખશીખ સજ્જન અને લોકકલ્યાણનાં કામો કરનારા તેમજ નરગીસ હિન્દી ફિલ્મોનાં શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીનાં એક હતાં તે સ્વીકાર્યું, પણ તેના કારણે સંજય દત્તની નિર્દોષતા પ્રમાણિત નથી થઈ જતી. એ પણ સ્વીકાર્યું કે સંજય દત્તે કેટલાંક સારાં કામો પણ કર્યાં જ હશે, તેના કારણે તેનાં પાપો ધોવાઈ ન જાય. આ લેખ કલ્ચરલ માર્ક્સિસ્ટો દ્વારા કઈ રીતે કલાનો ઉપયોગ કરીને સારાને ખરાબ અને ખરાબને સારા દેખાડવાની પ્રવૃત્તિ થાય છે તેના પર છે. કલ્ચરલ માર્ક્સિસ્ટ સમીક્ષકો પણ ગયા અઠવાડિયે લખ્યું હતું તેમ ‘પ્રેમ રતન ધન પાયો’, ‘ઈન્દુ સરકાર’ કે ‘પરમાણુ’માં ખામીઓ શોધી કાઢી પણ ‘સંજુ’ની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે રણબીર કપૂર, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, વિકી કૌશલ બધાના અભિનયની પ્રશંસા થવી જ જોઈએ.

‘સંજુ’ ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી…એકેક દૃશ્યમાં રાજુ હિરાણી અને અભિજાત જોશીની ‘મહેનત’ લેખે લાગે છે. પહેલાં જ દૃશ્યમાં સંજય દત્તની કોઈ ગીતકાર ડી. એન. ત્રિપાઠીએ લખેલી આત્મકથાનું પહેલું પ્રકરણ વાંચતાં મહાત્મા ગાંધી સાથે તેની સરખામણી કરાયેલી છે. આ રીતે મજાકમાં પણ દર્શકોના મગજમાં એક છૂપો સંદેશ (subtle message) જાય છે કે વાત તો સાચી છે.

સંજય દત્તને સજાના સમાચાર આવે છે ત્યારે તેનાં બાળકોને દેખાડવામાં આવે છે. બાળકોને ત્રાસવાદી પિતાનાં બાળકો કહેવામાં આવશે તેવા ભયથી સંજય દત્ત આપઘાત કરવા જાય છે અને પછી પત્ની દ્વારા રોનાધોના! આ ન્યાયે તો કોઈ પણ ત્રાસવાદીને, હાફીઝ સઈદ, અજમલ કસાબ, કે પછી દિલ્લીની ગેંગ રેપના બળાત્કારીઓ સહિતના ગુનેગારો પ્રત્યે પણ તેમનાં બાળકોની આડશે સહાનુભૂતિ ઊભી કરી શકાય.

વેશ્યાઓ સહિત ૩૦૮ સ્ત્રીઓ સાથે સહશયન કરનાર સંજય દત્તને કેવી સિફતપૂર્વક સારો માણસ બતાવી શકાય તે કળા રાજકુમાર હિરાણી પાસેથી શીખવા જેવી છે. માતા કેન્સરની જીવલેણ બીમારી સાથે ન્યૂ યૉર્કની હૉસ્પિટલમાં દાખલ છે અને તેવા વખતે પોતે પોતાના પહેલી વાર જ મળેલા મિત્ર સાથે ટૉપલેસ ડાન્સરની ક્લબમાં ઉપડી જાય અને ત્યાં ડ્રગ લઈ ડાન્સર સાથે રાત વિતાવવા ઈચ્છા વ્યક્ત કરે તેમ છતાં સંજય દત્ત મહાન! પોતાના મિત્રની પ્રેમિકા સાથે સહશયન કરે તેમ છતાં સંજય દત્ત મહાન! વાહ રાજુભાઈ!

રાજુ હિરાણીની ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘પીકે’ હોય કે પછી ‘સંજુ’, દરેકમાં નાયિકાના પિતાને ખલનાયક ચિતરવામાં આવ્યા છે. રાજુભાઈ વિશે પ્રાપ્ય માહિતી મુજબ, રાજુ હિરાણીને દીકરી નથી. પરંતુ જો હોત તો તેમને પ્રશ્ન કરવાનું મન થાત કે શું તેઓ તેમની દીકરીને સંજય દત્ત જેવા ડ્રગ વ્યસની, દારૂડિયા, રાત્રે ઘરમાં એક વાગે ઘૂસી આવતા કે દસ રૂપિયા (જેનું મૂલ્ય એ સમયે ખૂબ મોટું હતું)ની નૉટ ફાડતા વ્યક્તિને પરણાવત? કે પછી પાકિસ્તાનીને (પીકે ફિલ્મ) પરણાવત?

ડ્રગ્ઝ લેવાથી કેવું સારું લાગે તે પણ કેવું સુંદર રીતે બતાવ્યું છે રાજુ હિરાણીએ. આસપાસ ફૂલોનો બગીચો આવી જાય તે જોઈને અંતઃસ્ત્રાવોની અસરમાં ઉન્માદ અને ઉત્સાહ ઊછાળા મારતા હોય તેવા યુવાનો સરળતાથી આ તરફ વળે. અને ડ્રગ્ઝ માટે બહાનાં પણ સરસ આપ્યાં. પિતા ખખડાવે એટલે ડ્રગ્ઝ લેવાના, માતા મરણપથારીએ હોય એટલે ડ્રગ્ઝ લેવાના, અને પ્રેમિકા છોડીને જાય એટલે ડ્રગ્ઝ લેવાના! વાહ રાજુભાઈ! હકીકતને કેવી તોડીમરોડી છે. રૂબીનું પાત્ર જેના પરથી પ્રેરિત હોવાનું લાગે છે તે ટીના અંબાણીને પૂછજો. સંજય દત્તને ટીના મુનીમે ડ્રગ્ઝ અને દારૂની લતમાંથી છોડાવવા બહુ પ્રયાસ કરી જોયા હતા, પરંતુ જ્યારે તે ન જ સુધર્યો ત્યારે તેણે તેને છોડી દીધો હતો.

સંજય દત્ત જેમ તેની માતાને કેન્સર માટે દાખલ કરેલા ત્યારે રંગરેલિયા મનાવવા ઉપડી ગયેલો તેમ તેની પહેલી પત્ની રિચા શર્માને કેન્સરમાં મરવા છોડી દીધી હતી અને કહેવાય છે કે માધુરી દીક્ષિત સાથે લફરું કરેલું. રિચા સાથે તેણે છૂટાછેડા પણ લઈ લીધા હતા, પરંતુ જેવા સાથે તેવાની જેમ માધુરીએ ટાડામાં સંજયનું નામ આવતા તેને છોડી દીધો તેમ તે વખતે ચર્ચા હતી. રિચા ઉપરાંત તેની દીકરી ત્રિશલાની પણ કોઈ વાત ફિલ્મમાં નથી જેણે સંજય દત્તને ત્રીજા લગ્ન ન કરવા સલાહ આપી હતી અને તોય સંજયે કર્યાં. સંજયની બીજી પત્ની રિયા પિલ્લઈની પણ કોઈ વાત નથી જેણે ટાડા વખતે સહારો આપ્યો હતો. ફિલ્મમાં જેલ જવાની સ્થિતિમાં પણ લડવાની હિંમત આપતી સંજયની ત્રીજી પત્ની માન્યતા (જેનું સાચું નામ દિલનવાઝ શૈખ છે)ને જ બતાવાઈ છે.

રાજુ હિરાણી જેવા લોકો માટે પાકિસ્તાન ગમે તેટલો ત્રાસવાદ ફેલાવે, પાકિસ્તાનીઓ સારા હોય, ખરાબ હોય તો માત્ર હિન્દુઓ. લિબરલો-સેક્યુલરો-કલ્ચરલ માર્ક્સિસ્ટો જ્યારે ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણોની વાત કરશે ત્યારે તેનાં કારણોની ચર્ચા નહીં કરે, પરંતુ મુંબઈમાં રમખાણો થયાં ત્યારે તે માટે રામજન્મભૂમિ પર નકામા-વણવપરાયેલા ઢાંચાના ધ્વંસ (તેને બાબરી મસ્જિદ કહેવી હળાહળ ખોટું છે, તેને વિવાદિત ઢાંચો કહેવો પણ ખોટું છે)નું કારણ આપવાનું રાજુ હિરાણી ‘સંજુ’માં ચૂકતા નથી.

સુનીલ દત્ત રમખાણોમાં મુસ્લિમોને મદદ કરે તે માટે તેમને હિન્દુઓના ધમકીના ફૉન આવે તે ભલે કદાચ સંજય દત્ત અને તેના પરિવાર તરફથી આખા કેસને પોતાના સમર્થનમાં લાવવા કહેવાયેલી કે સાચી વાત હોય તો પણ તેના કારણે પિતાની સુરક્ષા માટે એકે ૫૬ રાઇફલ દાઉદની ત્રાસવાદી ટોળી તરફથી લેવી તે વાત ગળે ઉતરતી નથી. સૉરી રાજુભાઈ! યૉર જૉબ ઇઝ નૉટ ડન!

તમે કદાચ સંજય દત્તે ટાડા ન્યાયાલયને આપેલી જુબાની (તમે ફિલ્મવાળાઓ શું કહો તેને? ઈકબાલિયા બયાન) નહીં વાંચી હોય (અથવા ઈરાદાપૂર્વક અવગણી હશે) જેમાં સંજય દત્તે સ્વીકાર્યું છે કે તેની પાસે ત્રણ ફાયર આર્મ હતાં જ અને તે તેના પિતાની સુરક્ષા માટે નહોતાં! તેના શિકારના શોખ માટે હતાં. અને માનો કે તેને તેના પિતાની સુરક્ષાની ચિંતા હતી જ, તો પણ તેની પાસે તો બે રાઇફલ અને એક ગન હતી જ. એકે-૫૬ લેવાની શું જરૂર પડી? શું બે રાઇફલ અને ગન ધરાવતો સંજય દત્ત નાનો કીકલો હતો કે તેને એકે-૫૬ વિશે કોઈ ગતાગમ જ ન હોય? આ પ્રશ્ન સંજય દત્તને નહીં, પરંતુ રાજુ હિરાણી તમને અને અભિજાત જોશી, તમને છે. કારણકે આ આખો કેસ ટાડા કૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ચાલીને સંજય દત્તને સજા થઈ છે. તે સજા પૂરી કરીને આવ્યો તેના લીધે આ કેસને ખોટી રીતે રજૂ કરવાનો તમને કોઈ હક નથી, પછી ભલે સંજય દત્તે પેલી આત્મકથા લેખિકા વિની ડાયઝને જેમ પૈસા આપી આત્મકથા લખાવી તેમ તમને પણ કદાચ આપ્યા હોય.

ફિલ્મમાં તમે સરકાર અને જેલને તો ખરાબ ચિતરી દીધી છે! તે વખતે કૉંગ્રેસની સરકાર કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં હતી! કોઈ રાજકારણીઓ-પ્રધાનોએ સુનીલ દત્તને મદદ ન કરી તે માટે તમે તેમને ખરાબ ચિતર્યા છે. શું આવા કેસમાં કૉંગ્રેસના પ્રધાનોએ સંજય દત્તને મદદ કરવી જોઈતી હતી? કૉંગ્રેસના નેતાઓ ક્યાં છે? તમારી સરકારોને રાજુ હિરાણી ખરાબ દર્શાવે છે અને તમે ચલાવી લો છો? શું માત્ર ઈન્દિરા-સંજય-રાજીવ પર ફિલ્મો બને તેનો જ વિરોધ કરવાનો?

ફિલ્મમાં બહુ સલુકાઈથી સંજય દત્તનો અંધારી આલમમાં કોઈ દોસ્ત જ નથી તેમ દર્શાવાયું છે. સુનીલ દત્ત (પરેશ રાવલ) સંજય દત્ત (રણબીર)ને કહે છે, “અંડર વર્લ્ડ સે દોસ્તી કરોગે તો પ્રેસવાલે પીછે પડેંગે હી ના?” ત્યારે સંજય દત્ત એકદમ નિર્દોષતાથી કહે છે, “મેરા કૌન સા દોસ્ત હૈ અંડર વર્લ્ડ મેં ડેડ?” અને પછી જે નામ આવે છે તે મુંડુ દાદા (વાસ્તવિક જીવનમાં અરુણ ગવળી)નું છે અને અંધારી આલમ સાથે દોસ્તીનું કારણ તેમના તરફથી જીવનું જોખમ હોવાનું કહેવાય છે. જો સંજય દત્તે ખરેખર પોતાનો જીવ બચાવવા નામ માત્રના સંબંધ અંધારી આલમ સાથે હોત કે માત્ર ખંડણી આપી હોત તો વાત જુદી જ હતી, પરંતુ તેવું નથી.

ફિલ્મમાં સંજય દત્ત કહે છે કે તે દુબઈ ગયો હતો પણ ડરના લીધે. પરંતુ તેને તેના પિતાના સમજાવવાથી મુંડુદાદાનો ડર નથી લાગતો. તે કેસરી ખેસ સાથેના ગુંડાઓના સરદાર મુંડુદાદા (અરુણ ગવળી)ને કહે છે કે તેણે તેને ગોળી મારવી હોય તો મારી દે પણ તે ગણપતિ વિસર્જનમાં તો નહીં જ આવે. આવી હિંમત દુબઈના ડોન દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને અબુ સાલેમની આગળ કેમ ન દેખાડી શક્યો?

ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમનો નામ સાથે કે નામ વગર નક્કર કોઈ ઉલ્લેખ નથી તેનાથી આ ફિલ્મને પડદા પાછળ કોનું સમર્થન હોઈ શકે કે ખ્યાલ આવી જાય. ૨૦૦૦ના વર્ષમાં છોટા શકીલ સાથે સંજય દત્ત, નિર્દેશક-અભિનેતા મહેશ માંજરેકર અને નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તા આ ત્રિપુટીની વાતચીતની ટેપ જ યૂટ્યૂબ પર છે. તેનો કોઈ ઉલ્લેખ નથી. આ ટેપ ટાડા હેઠળ સજા થોડા સમય માટે ભોગવી આવ્યા પછીની છે, અર્થાત્ તે પછી પણ સંજય દત્ત સુધર્યો નહોતો અને અંધારી આલમ સાથે તેણે સંબંધ ચાલુ રાખ્યા હતા. તેમાં ઋત્વિક રોશનને મારવાની વાત ચર્ચાઈ હતી, ગોવિંદાની લૅટ લતીફી વિશે વાત થઈ હતી અને મહેશ માંજરેકરે છોટા શકીલ પર ફિલ્મ બનાવવાની વાત કરી હતી.

સંજય દત્ત ત્રાસવાદી નથી, માત્ર તેને ગેરકાયદે શસ્ત્રો રાખવાના ગુનામાં જ સજા થઈ છે તેમ તમે આ ફિલ્મ દ્વારા કહેવડાવવા અને ગળે ઉતારવા માગો છો. રાજુભાઈ, પણ સંજય દત્તને શસ્ત્રો પહોંચાડનારા તમામને ટાડા હેઠળ સજા થઈ છે પરંતુ સંજય દત્તને (કૉંગ્રેસ સિવાય) તમામ પક્ષોનો ટેકો છે તેનાથી તે બચી ગયો છે. શિવસેના-ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર હતી ત્યારે સુનીલ દત્ત-સંજય દત્ત બાળાસાહેબને મળી આવ્યા અને સંજય દત્તને જામીન મળી ગયા હતા! ૨૦૧૩માં કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી સરકારમાં સંજયને જેલ થઈ ત્યારે તેને જેલમાં વારંવાર પૅરૉલ મળી છે જે બીજા કેદીઓને મળતી નથી. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે પણ આ અંગે મહારાષ્ટ્ર સરકારને પ્રશ્ન ગત જાન્યુઆરીમાં પૂછ્યો છે કે શું બધા કેદીઓને આવી ‘સુવિધા’ મળે છે? એટલું જ નહીં, સંજય દત્ત આઠ મહિના વહેલો જેલમાંથી છૂટ્યો છે. જેલમાંથી છૂટ્યા પછી ભાજપ દ્વારા મહારાષ્ટ્ર દિનની ઉજવણીમાં મંચ પર પણ તે જોવા મળ્યો છે. તે સમાજવાદી પક્ષનો નેતા પણ રહી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તો ‘સંપર્ક ફૉર સમર્થન’ કાર્યક્રમ હેઠળ સંજય દત્તનું લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે સમર્થન પણ માગી ચૂક્યા છે!

સૉરી, રાજુભાઈ! તમારી ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ જોઈને મને તમારામાં ઋષિકેશ મુખર્જીની છાંટ દેખાઈ હતી. કોઈ પ્રકારની અશ્લીલતા વગર, સ્થૂળ કૉમેડી વગર અને એક સંદેશ સાથે તમે એ ફિલ્મ બનાવી હતી, પણ  ‘પીકે’ પછી આ ફિલ્મ દ્વારા પણ તમે મને નિરાશ કર્યો છે. ‘લગે રહો મુન્નાભાઈ’માં પણ તમે ગાંધીગીરીનો સંદેશ લઈને આવ્યા હતા. જોકે તેમાં તમે જ્યોતિષીઓની મજાક જરૂર ઉડાવી હતી. ‘થ્રી ઇડિયટ્સ’એ ફરી તમારા માટે આશા જગાડી કારણકે શિક્ષણ પ્રણાલિ પર હળવી શૈલીમાં ચોટદાર રજૂઆત કરતી એ ફિલ્મ હતી જેનો શ્રેય ચેતન ભગતને પણ મળે જ. પરંતુ ‘પીકે’ દ્વારા તમે હિન્દુ ધર્મની મજાક, તેમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન કરવાનું કામ કરેલું. તેના પર તે વખતે જ સ્વતંત્ર લેખ લખેલો તેથી તેનું પુનરાવર્તન નથી કરતો. એક ટૅક્નિકલ ભૂલ પણ કાઢી લઈએ. ગુજરાતી (કમલેશ કપાસી) બાથરૂમ-વિથરૂમ ન બોલે. એવું મરાઠીઓ બોલે. ગુજરાતીઓ બાથરૂમ-વાથરૂમ બોલે. પંજાબીઓ બાથરૂમ-શાથરૂમ બોલે. મરાઠી ઈ લગાડીને બોલે.

રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

15 comments

dip Pandya 01/07/2018 - 11:13 PM

ખુબ જ સુંદર વિવેચન કર્યું છે. બાત નીકલી હૈ દૂર તક જા ની ચાહિયે.

Reply
Prasad jambhekar 02/07/2018 - 12:05 AM

Fantastic article as usual

Reply
Maulik Joshi 02/07/2018 - 7:18 AM

સંપૂર્ણપણે સહમત

Reply
Hitesh chhaya 02/07/2018 - 8:35 AM

Fine

Reply
સુરેશ ' ચંદ્ર ' રાવલ 02/07/2018 - 9:37 AM

જયવંતભાઈ…નિર્ભિક કલમ માટે હ્દયથી આભાર…
આવું જ લખતા થહો આને સમાજની આંખ ઊઘાડતા રહો…..

Reply
તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ! – RKD-रंग कसुंबल डायरो 02/07/2018 - 12:23 PM

[…] તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ! ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું સંવાદો લખવાની નિપુણતા છે! સંજય દત્તનાં કાળાં કૃત્યોને શું સફાઈપૂર્વક સફેદ કરી બતાવ્યાં! પહેલી સ્પષ્ટતા કરી દઉં કે સંજય દત્તની ફિલ્મો વિરુદ્ધ આ લેખ નથી. સંજય દત્તની ‘રોકી’થી લઈને ‘ઑલ ધ બેસ્ટ’ સહિત ઘણી ફિલ્મો મને ગમે છે. સુનીલ દત્ત નખશીખ સજ્જન અને લોકકલ્યાણનાં કામો કરનારા તેમજ નરગીસ હિન્દી ફિલ્મોનાં શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીનાં એક હતાં તે સ્વીકાર્યું, પણ તેના કારણે સંજય દત્તની નિર્દોષતા પ્રમાણિત નથી થઈ જતી. એ પણ સ્વીકાર્યું કે સંજય દત્તે કેટલાંક સારાં કામો પણ કર્યાં જ હશે, તેના કારણે તેનાં પાપો ધોવાઈ ન જાય. આ લેખ કલ્ચરલ માર્ક્સિસ્ટો દ્વારા કઈ રીતે કલાનો ઉપયોગ કરીને સારાને ખરાબ અને ખરાબને સારા દેખાડવાની પ્રવૃત્તિ થાય છે તેના પર છે. કલ્ચરલ માર્ક્સિસ્ટ સમીક્ષકો પણ ગયા અઠવાડિયે લખ્યું હતું તેમ ‘પ્રેમ રતન ધન પાયો’, ‘ઈન્દુ સરકાર’ કે ‘પરમાણુ’માં ખામીઓ શોધી કાઢી પણ ‘સંજુ’ની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે રણબીર કપૂર, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, વિકી કૌશલ બધાના અભિનયની પ્રશંસા થવી જ જોઈએ. ‘સંજુ’ ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી…એકેક દૃશ્યમાં રાજુ હિરાણી અને અભિજાત જોશીની ‘મહેનત’ લેખે લાગે છે. પહેલાં જ દૃશ્યમાં સંજય દત્તની કોઈ ગીતકાર ડી. એન. ત્રિપાઠીએ લખેલી આત્મકથાનું પહેલું પ્રકરણ વાંચતાં મહાત્મા ગાંધી સાથે તેની સરખામણી કરાયેલી છે. આ રીતે મજાકમાં પણ દર્શકોના મગજમાં એક છૂપો સંદેશ (subtle message) જાય છે કે વાત તો સાચી છે. સંજય દત્તને સજાના સમાચાર આવે છે ત્યારે તેનાં બાળકોને દેખાડવામાં આવે છે. બાળકોને ત્રાસવાદી પિતાનાં બાળકો કહેવામાં આવશે તેવા ભયથી સંજય દત્ત આપઘાત કરવા જાય છે અને પછી પત્ની દ્વારા રોનાધોના! આ ન્યાયે તો કોઈ પણ ત્રાસવાદીને, હાફીઝ સઈદ, અજમલ કસાબ, કે પછી દિલ્લીની ગેંગ રેપના બળાત્કારીઓ સહિતના ગુનેગારો પ્રત્યે પણ તેમનાં બાળકોની આડશે સહાનુભૂતિ ઊભી કરી શકાય. વેશ્યાઓ સહિત ૩૦૮ સ્ત્રીઓ સાથે સહશયન કરનાર સંજય દત્તને કેવી સિફતપૂર્વક સારો માણસ બતાવી શકાય તે કળા રાજકુમાર હિરાણી પાસેથી શીખવા જેવી છે. માતા કેન્સરની જીવલેણ બીમારી સાથે ન્યૂ યૉર્કની હૉસ્પિટલમાં દાખલ છે અને તેવા વખતે પોતે પોતાના પહેલી વાર જ મળેલા મિત્ર સાથે ટૉપલેસ ડાન્સરની ક્લબમાં ઉપડી જાય અને ત્યાં ડ્રગ લઈ ડાન્સર સાથે રાત વિતાવવા ઈચ્છા વ્યક્ત કરે તેમ છતાં સંજય દત્ત મહાન! પોતાના મિત્રની પ્રેમિકા સાથે સહશયન કરે તેમ છતાં સંજય દત્ત મહાન! વાહ રાજુભાઈ! રાજુ હિરાણીની ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘પીકે’ હોય કે પછી ‘સંજુ’, દરેકમાં નાયિકાના પિતાને ખલનાયક ચિતરવામાં આવ્યા છે. રાજુભાઈ વિશે પ્રાપ્ય માહિતી મુજબ, રાજુ હિરાણીને દીકરી નથી. પરંતુ જો હોત તો તેમને પ્રશ્ન કરવાનું મન થાત કે શું તેઓ તેમની દીકરીને સંજય દત્ત જેવા ડ્રગ વ્યસની, દારૂડિયા, રાત્રે ઘરમાં એક વાગે ઘૂસી આવતા કે દસ રૂપિયા (જેનું મૂલ્ય એ સમયે ખૂબ મોટું હતું)ની નૉટ ફાડતા વ્યક્તિને પરણાવત? કે પછી પાકિસ્તાનીને (પીકે ફિલ્મ) પરણાવત? ડ્રગ્ઝ લેવાથી કેવું સારું લાગે તે પણ કેવું સુંદર રીતે બતાવ્યું છે રાજુ હિરાણીએ. આસપાસ ફૂલોનો… આખો લેખ વાંચવા ક્લિક કરો: jaywantpandya.wordpress.com/2018/07/01/raju-hiran-justified-crimes-of-sanjay-dutt-in-sanju/ […]

Reply
Mihir Parekh 02/07/2018 - 4:00 PM

saras

Reply
Romesh 02/07/2018 - 7:12 PM

Agree sir

Reply
Parag Shah 03/07/2018 - 9:51 AM

પિક્ચર જોયા પછી ની મારી લાગણીઓ ને અદભુત રીતે લખવા બદલ અભિનંદન!

Reply
Ajay 03/07/2018 - 11:21 AM

In fact for such misleading movie the producer must be prosecuted

Reply
Priyank 03/07/2018 - 9:44 PM

Khub j sachi vat kahi chhe tame. Aabhar.

Reply
Deep Bhojani. 06/07/2018 - 6:46 AM

Perfect interpretation and above all excellent presentation Jaywant bhai. Wish one day Almighty will grant us strength to become and remain Hindu.

Reply
Deep Bhojani. 06/07/2018 - 6:47 AM

Perfect interpretation and excellent way of presetation. Wish Almighty will grant us strength of become and remain Hindu one day!!!

Reply
pravinshastri 06/07/2018 - 7:59 AM

જયવંતભાઈ, આપનો આ આર્ટિકલ મિત્ર મનસુખભાઈ ગાંધી દ્વારા ઈમેલમાં વહેંચાયો. મને સરસ લાહતાં મેં ફેસબુક પર પણ શેર કર્યો. તે સમયે મને ખબર ન હતી. ક્ષમા યાચના. એ મેં મારે નામે કે મારી ક્રેડિટ સાથે નથી ચદાવ્યો. હું ફિલ્મ જોતો નથી. તમે સરસ લખ્યું છે. ધન્યવાદ.
પ્રવીણ શાસ્ત્રી.

Reply
महेंद्रभाई रावल 06/07/2018 - 3:07 PM

सही आकलन और सच्चाई सामने रखी गई है.
धन्यवाद और शुभकामनाएं 🌼

Reply

Leave a Comment