Home » રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: એનઆરસી, ફેશન અને ફિલ્મો

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: એનઆરસી, ફેશન અને ફિલ્મો

by Jaywant Pandya

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૯/૧૮)

(ગતાંકથી ચાલુ)

રાજીવ ગાંધી ભ્રષ્ટાચાર માટે બોલી ગયા કે દિલ્લીથી એક રૂપિયો મોકલીએ છીએ પણ નીચે માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. આ વાક્ય આજે પણ કૉંગ્રેસ વિરુદ્ધ મોદી વાપરી રહ્યા છે. રાજીવજીની બીજી એક ભૂલ એ હતી કે તેઓ ચંડાળ ચોકડી તરીકે જાણીતા કેપ્ટન સતીશ શર્મા, માખનલાલ ફોતેદાર, અરુણસિંહ, અરુણ નહેરુ વગેરેથી ખૂબ જ પ્રભાવિત હતા. તેના કારણે તેમને નુકસાન પણ થયું. કાશ્મીરમાં ત્રાસવાદની શરૂઆત રાજીવ ગાંધીના સમયમાં જ થયેલી અને ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્લીમાં શીખોને જે રીતે કૉંગ્રેસના ગુંડાઓએ મારી નાખ્યા અને રાજીવે તેને એમ કહીને વાજબી ઠરાવ્યું કે મોટું ઝાડ પડે ત્યારે પૃથ્વી ધ્રૂજી જ ઊઠે છે.

તે પછી પંજાબમાં ખાલિસ્તાની સમર્થક આતંકવાદ પણ બહુ જ ચગ્યો. રાજીવ ગાંધીએ આર્થિક ઉદારીકરણની વાત તો કરી પરંતુ પછી રાજકીય અંકુશ જળવાઈ રહે તે માટે આ નીતિ પડતી મૂકી. મોદીએ આર્થિક સુધારા મજબૂતાઈથી આગળ ધપાવ્યા. રાજીવ ગાંધીએ પણ ગંગાની સફાઈનું કામ હાથમાં લીધેલું અને મોદીએ પણ લીધું છે. જોકે ગંગા એકેય શાસનમાં સાફ નથી થઈ તે હકીકત છે.

રાજીવ ગાંધી દલિતો માટે એટ્રોસિટી કાયદો લાવેલા. વર્તમાનમાં સુપ્રીમના ચુકાદા પછી નરેન્દ્ર મોદીએ આ કાયદો પુનઃસ્થાપિત કર્યો. રાજીવ ગાંધીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાંથી કાઢવા માટે આંદોલન ચાલ્યું અને તેના પરિણામે કેન્દ્રની રાજીવ ગાંધી સરકાર, આસામ સરકાર અને આસામ સ્ટુડન્ટ્સ યુનિયન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા. તેના પરિણામે નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન-એનઆરસી) તાજું કરવાની વાત આવી જેને હવે મોદી સરકારે કડક રીતે અમલમાં મૂકી છે.

રાજીવ ગાંધીને વિપક્ષમાં કોઈ નેતા સાથે વિશ્વાસ અને સન્માનના સંબંધ નહોતા. મોદી વિશે પણ આવું જ કહેવાય છે. રાજીવ ગાંધીએ રાજ્યમાં કે કેન્દ્રમાં કોઈ નેતાને મોટા ન થવા દીધા. મોદી વિશે પણ આવું જ કહેવાય છે. રાજીવ ગાંધી મનમોહનસિંહની જેમ મૌની બાબા નહોતા. તેઓ ઘણું બોલતા. તેમનું બોલેલું ક્યારેક વિવાદ પણ સર્જતું. ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્લીમાં શીખોની ક્રૂર હત્યા કૉંગ્રેસના ગુંડાઓએ કરેલી ત્યારે તેમણે કહેલું- જબ બડા પૈડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ.

રાજીવ ગાંધીએ ૧૯૮૬ના સ્વાતંત્ર્ય દિનના પ્રવચનમાં સ્વાતંત્ર્ય દિનના બદલે પ્રજાસત્તાક દિન તરીકે ઉલ્લેખ કરતાં ભારે મજાકનું પાત્ર બનેલા. ત્યારે તો આજના જેવું સૉશિયલ મિડિયા નહોતું પરંતુ લોકો કહેતા કે આપણા વડા પ્રધાનને સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન વચ્ચેનો ભેદ પણ ખબર નથી. (ત્યારથી કોઈ વડા પ્રધાન લાલ કિલ્લા પર મોઢે ભાષણ નથી કરતા. અટલજી વાંચ્યા વગર ભાષણ કરવા માગતા હતા પરંતુ અધિકારીઓએ તેમને તેમ કરતા અટકાવેલા. માત્ર મોદી જ અપવાદ છે.) ‘રાજકારણ’ નામના પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે, “રાજીવ ગાંધીને ખો-ખો નામની કોઈક રમત છે તે ખબર નથી. ઉત્તર પ્રદેશમાં એક વાંસનાં ઝાડ જોઈને ખુશ થઈને બોલ્યા: આ વર્ષે શેરડીનો પાક સરસ થયો છે!
આંદામાન ટાપુઓમાં પ્રધાનમંત્રી અને મિત્રમંડળ ક્રિસમસમાં જલસો ઉડાવવા ગયા ત્યારે આઈએનએસ વિરાટની નૌકા દળની કસરતોની રાજીવપુત્ર રાહુલે વિડિયો ફિલ્મ ઉતારી. આ મેક્સિમમ સિક્યોરિટી વિસ્તાર છે…વિદેશ પ્રવાસ સમયે વહેમી રાજીવ ગાંધી જમણા બાવડા પર મુસ્લિમોની જેમ ‘ઇમામ ઝમીન’નું તાવીજ બાંધી જાય છે- સલામત પ્રવાસ માટે! કંઈક નવું શરૂ કરતી વખતે ‘બિસ્મિલ્લાહ’ કહે છે કે નહીં એ વિશે સમાચારપત્રો શાંત છે. એમને વિદાય આપવા માટે પૂરી કેબિનેટ લાઇનમાં ઊભી હોય છે…ભૂતપૂર્વ કૉંગ્રેસી મુખ્યમંત્રી ગુન્ડુરાવ કહે છે કે રાજીવ ગાંધીનાં સંતાનો રોમન કેથલિક શિક્ષા-દીક્ષા પ્રમાણે ઊછરી રહ્યાં છે. રાજીવ સ્વયં કેથલિક બની ગયા છે અને ઇટલીમાં કેથલિક લગ્નવિધિ કરી ચૂક્યા છે…

…રાજીવ ગાંધી વેનકુવર ગયા ત્યારે જે ઐશ્વર્ય છલકી ગયું એ પત્રોમાં આવી ચૂક્યું છે. એર-ઇન્ડિયાના જહાજ પર એમની સાથે હતા એ દરેકને એક બેગ, બ્લેક લેબલ, અડધી ઇમ્પૉર્ટેડ વ્હિસ્કી, એક કાર્ટન સ્ટેટ ઍક્સ્પ્રેસ સિગારેટો, એક લોહચુંબકીય શતરંજની રમત, એક બૉક્સ ચૉકલેટ, છ વિભિન્ન મિની ડ્રેસ, એક વિશ્વપ્રસિદ્ધ ગિવાન્ચી, જેન્ટલમેનનો શેવિંગ સેટ, એક ગિવાન્ચીનો લેડિઝનો મેક-અપ સેટ આપવામાં આવ્યો હતો…
…દરમિયાનમાં ભૂલો થવી શરૂ થઈ ચૂકી હતી…અમેરિકામાં જઈને રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિ રેગનને કહીને અમેરિન જેલમાં સબડતા આદિલ શહરિયાર વલ્દ મોહમ્મદ યુનુસને છોડાવ્યો. પાંત્રીસ વર્ષીય શહરિયાર અવૈધ કેફી દ્રવ્યોના કૌભાંડ માટે અમેરિકામાં ૩૫ વર્ષની સખત કેદની સજા ભોગવી રહ્યો હતો.” (આદિલ, સંજય ગાંધી અને અમિતાભના ભાઈ અજિતાભ બચ્ચનનો ખાસ મિત્ર હતો.)
રાજીવ ગાંધી સાથે ૧૯૮૪ના શીખ નરસંહાર અને નરેન્દ્ર મોદી સાથે ૨૦૦૨નાં રમખાણો જોડાઈ ગયાં છે. રાજીવ ગાંધીએ મુસ્લિમો અને હિન્દુઓ બંનેમાં કટ્ટરપંથ જન્મવા દીધો. પહેલાં શાહબાનો કેસ દ્વારા, પછી સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર પ્રતિબંધ દ્વારા અને ત્યાર બાદ રામજન્મભૂમિના તાળા ખોલાવીને. નરેન્દ્ર મોદીના કાળમાં લગભગ એકાંતરે ટીવી પર હિન્દુ-મુસ્લિમ જેવા કોઈ ને કોઈ વિષયની ડિબેટ હોય છે અને સૉશિયલ મિડિયા પર પણ આ જ પ્રકારની ચર્ચા વધુ થઈ રહી છે. જોકે મોદીએ વિપક્ષોને નરમ હિન્દુ બનવા માટે વિવશ કરી દીધા છે.

રાજીવ ગાંધીની આપખુદશાહી કેવી હતી? તેમણે આંધ્રના દલિત મુખ્ય પ્રધાન અંજય્યાને બેગમપેટ ઍરપૉર્ટ પર ખખડાવી નાખ્યા હતા. કારણ? તેમના સ્વાગત માટે ઍરપૉર્ટ પર બેન્ડબાજા વગાડવામાં આવ્યા હતા. આ વાત પસંદ ન આવી એટલે રાજીવે તતડાવી નાખ્યા. એક વાર એક પત્રકાર પરિષદમાં એક પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે તમારા અને તમારા વિદેશ સચિવ વચ્ચે પાકિસ્તાનની તમારી ભવિષ્યની યાત્રા અંગે વિચારોમાં આટલો ફરક કેમ છે? તો રાજીવ ગાંધીએ કહી દીધું, “ટૂંક જ સમયમાં, તમે નવા વિદેશ સચિવ સાથે વાત કરશો.”

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ સી. જી. સોમૈયાએ પોતાના પુસ્તક ‘ધ ઑનેસ્ટ ઑલવેઝ સ્ટેન્ડ અલૉન’માં લખ્યું છે કે રાજીવ ગાંધીએ મનમોહનસિંહને જૉકર કહ્યા હતા! (રાજીવના પુત્ર રાહુલે પણ મનમોહનનું જાહેરમાં અપમાન કરેલું તોય મનમોહન ગાંધી પરિવારને વફાદારીથી વળગી રહ્યા છે!) વાત એમ હતી કે તે વખતે રાજીવ ગાંધી હોદ્દાના લીધે આયોજન પંચના અધ્યક્ષ હતા અને મનમોહન ઉપાધ્યક્ષ. રાજીવ ગાંધીના વિચારો શહેરી કેન્દ્રિત વિકાસના હતા. ૧૯૮૫-૧૯૯૦ માટેની પંચવર્ષીય યોજના બની રહી હતી. રાજીવ ગાંધી શૉપિંગ મૉલ, ઍરફિલ્ડ, ઝડપી ટ્રેનો, મોટા હાઉસિંગ કૉમ્પ્લેક્સ વગેરે ઈચ્છતા હતા. પરંતુ મનમોહને નબળી આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું. પરંતુ રાજીવને મનમોહનના વિચારો પસંદ ન પડ્યા. તેમણે પત્રકારો સમક્ષ આયોજન પંચના સભ્યોને ‘બંચ ઑફ જૉકર્સ’ કહ્યા! દુઃખી મનમોહન રાજીનામું આપી દેવાના હતા પરંતુ સોમૈયાએ તેમને સમજાવી લીધા.
રાજ્યોમાં મુખ્યપ્રધાન પોતાના મંત્રીમંડળમાં કોને સમાવે તે પણ રાજીવ નક્કી કરતા. આમ ન કરે તો પોતાની જ સરકારને ઉથલાવી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાતું. વીરેન્દ્ર પાટીલ રાજીવની આવી જ આપખુદશાહીનો ભોગ બનેલા. તો વિપક્ષો તો બન્યા જ હોય. એસ. આર. બોમ્માઈની સરકારને પણ ઉથલાવીને રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયું હતું. બોમ્માઈ કેસમાં સુપ્રીમે રાજીવ ગાંધીની સરકારે ઉથલાવી દીધી હતી. નરેન્દ્ર મોદીના સમયમાં શરૂઆતમાં અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકારો ઉથલાવવા માટે પ્રયાસો થયા હતા જેને સુપ્રીમ કૉર્ટમાંથી સ્વીકૃતિ મળી નહીં.

રાજીવ ગાંધીના સમયમાં ‘ઉપર’ના આદેશથી ભોપાલ ગેસ ટ્રેજેડી કાંડના મુખ્ય આરોપી વૉરન એન્ડરસનને ભાગી જવા દેવાયો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં વિજય માલ્યા અને નીરવ મોદી-મેહુલ ચોકસી ભાગી ગયા છે. રાજીવ ગાંધીએ કહેલું: વિરોધ પક્ષો દેશદ્રોહીઓ છે. મોદી આવું નથી કહેતા, પણ મોદી સમર્થકો જરૂર કહે છે. રાજીવ ગાંધીએ કહેલું: બંગાળમાં ફક્ત માર્ક્સવાદનું શિક્ષણ જ અપાય છે. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અજાણ છે. રાજીવ મુસ્લિમ વીમેન બિલ વખતે સંસદમાં બોલેલા, “સ્ત્રીની સ્વતંત્રતા એ પશ્ચિમી વિચાર છે અને ભારતમાં સ્વીકાર્ય નથી.” નરેન્દ્ર મોદી હંમેશાં સ્ત્રી સ્વતંત્રતાના તરફદાર રહ્યા છે.

રાજીવ ગાંધી સંસદમાં બોલેલા કે વિરોધ પક્ષો જૂઠું જ બોલે છે. સ્પીકરે આ વાત કાઢી નાખી હતી. નરેન્દ્ર મોદી પણ રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી વખતે કૉંગ્રેસના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદ વિશે કરેલી ટીપ્પણી “ઉનકે નામ કે આગે બીકે થા, કોઈ ન બીકે” કોઈ સાંસદો વેચાયા નહીં તેવા આશયની કરેલી ટીપ્પણી રાજ્યસભાના રેકૉર્ડમાંથી દૂર કરાઈ.

રાજીવ ગાંધી જોધપુરી સૂટની ફેશન લાવેલા. કુર્તા-પાયજામા પર શાલ ડાબા ખભેથી જનોઈની જેમ પહેરવાની સ્ટાઇલ લાવ્યા જે તે સમયના સાંસદ અમિતાભ બચ્ચને પણ અનુસરી. નરેન્દ્ર મોદી, મોદી કુર્તાની ફેશન લાવ્યા. જોકે સૂટ પહેરવો તેમને ‘મોંઘો’ પડી ગયો. રાજીવ ગાંધીના સમયમાં સૌથી સકારાત્મક પાસુ હોય તો તે મનોરંજનનું હતું. આ મનોરંજન ભારતીય સંસ્કૃતિથી ભરપૂર રહ્યું. દૂરદર્શન પર હમલોગ, બુનિયાદ, ભારત એક ખોજ, ફૌજી, કરમચંદ, મિ. યોગી, રામાયણ, મહાભારત, વિક્રમ વૈતાલ જેવી એકથી એક ચડિયાતી સિરિયલો આવી. એટલું જ નહીં, ઇતિહાસનો બોધ થાય તેવી સિરિયલો ‘કહાં ગયે વો લોગ’, ‘રાજ સે સ્વરાજ તક’ વગેરે આવતી. મોદીએ દૂરદર્શન પર હિન્દુત્વની આ પ્રકારની વાતો કરતા ધારાવાહિક લાવીને તેનો સકારાત્મક ઉપયોગ કરવાનું વિચાર્યું જ નહીં. ઉલટાનું અત્યારે સાવ ભંગાર ગુણવત્તાનાં ધારાવાહિકો પ્રસ્તુત થાય છે. રાજીવ ગાંધીના સમયે ફિલ્મો કેવી આવતી હતી? આજ કા એમ.એલ.એ., ઘર એક મંદિર, ઇન્સાફ કૌન કરેગા, કાનૂન ક્યા કરેગા, સારાંશ, ઉત્સવ, ગુલામી, મેરી જંગ, મર્દ, ઇન્સાફ મૈં કરુંગા, માસ્ટરજી, રામ તેરી ગંગા મૈલી, એક રુકા હુઆ ફૈસલા, મિ. ઇન્ડિયા, ઇન્સાફ કી પુકાર, આખરી અદાલત, તેઝાબ, ઝખ્મી ઔરત, પરિન્દા વગેરે ફિલ્મો આવી. આ બતાવે છે કે તે વખતે કાળાબજારી, ધારાસભ્યો-સાંસદોનો ભ્રષ્ટાચાર વગેરે ચરમસીમાએ હતો. વહુઓ પર દહેજના કારણે થતા અત્યાચાર સહિતની સામાજિક સમસ્યાઓ પણ હતી. કાયદો કાયદાનું કામ કરતો નહોતો.

મોદીના શાસનમાં હિન્દુત્વ પર ચોટ કરનારી અને સંસ્કારોનો ફજેતો કરનારી ફિલ્મો-સિરિયલો અને વેબસિરિઝનું પ્રમાણ ચરમસીમાએ છે. પીકે, સિંહમ રિટર્ન્સ, હૉલિ ડે, રાગિણી એમએમએસ ૨, મસ્તરામ, હેટ સ્ટોરી ૨, બજરંગી ભાઈ જાન, પ્રેમ રતન ધન પાયો, દિલવાલે, પીકુ, બેબી, ડર્ટી પૉલિટિક્સ, બાજીરાવ મસ્તાની, દંગલ, સુલતાન, ઍરલિફ્ટ, ક્યા કૂલ હૈ હમ ૩, વન નાઇટ સ્ટેન્ડ, ઉડતા પંજાબ, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, ટોઇલેટ એક પ્રેમ કથા, ગૉલ્ડ, રાઝી, પદ્માવત, પરમાણુ જેવી ફિલ્મો આવી, જેમાં કેટલીક બાયોપિક હતી તો ઘણી બધી ફિલ્મોમાં સેક્સ અને હિંસાનો પ્રચૂર ઉપયોગ કરાયો.

રાજીવ ગાંધીના સમયમાં ૧૯૮૮ના સ્વતંત્રતા દિવસે રાજીવ ગાંધીના પ્રવચન પછી કૈલાસ સુરેન્દ્રનાથ, વિનોદ શર્મા, પીયૂષ પાંડેની ટીમે મળીને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ જેવું આજે પણ યાદગાર એવું એક ગીત રાષ્ટ્રીય એકતા માટે આપ્યું. આ જ રીતે ૧૯૮૯ના સ્વતંત્રતા દિને રાજીવ ગાંધીએ આવું જ એક બીજું અદ્ભુત ગીત રાજીવ ગાંધીએ દેશને આપ્યું…‘બજે સરગમ હર તરફ સે’. જોકે રાજીવ ગાંધી ટીવી પર પૉપ કલ્ચર એટલે કે પૉપ મ્યૂઝિક પણ લાવેલા. તેમણે ‘મેરા ભારત મહાન’ જેવું સૂત્ર આપી ભારતની મહાનતાની વાત કરી તો મોદીએ પણ ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘મેરા દેશ બદલ રહા હૈ’ સૂત્ર સાથે દેશવિદેશમાં ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું.
(સમાપ્ત)

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment