Home » રાજીવ ગાંધીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ, વાંસ અને શેરડીનો ભેદ ખબર નહોતી!

રાજીવ ગાંધીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ, વાંસ અને શેરડીનો ભેદ ખબર નહોતી!

by Jaywant Pandya

વિખ્યાત તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીના ‘રાજકારણ’ નામના પુસ્તકમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે વિશેષ લેખો છે, તો કેટલાક લેખોમાં તેમનો સંદર્ભ છે.

એક લેખકનું શીર્ષક છે- ‘આપણો બૌદ્ધિક રાજીવ ગાંધીની બુદ્ધિને વફાદાર છે.’ આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કર્યો તેનાથી આ બૌદ્ધિકો રાજીવજીના બચાવમાં આવી ગયા છે. તેનાથી બક્ષીબાબુનું ઉપરોક્ત કથન સાચું સાબિત થાય છે.

બીજા લેખનું શીર્ષક છે-રાજીવરત્ન ગાંધીના સત્યના પ્રયોગો.

તમને થશે કે બક્ષીબાબુ રાજીવરત્ન કેમ લખતા? “રાજીવનો જન્મ થયો ત્યારે નહેરુ અને ફિરોઝ બંને જેલમાં હતા…નહેરુના મિત્ર અને કૉંગ્રેસના તત્કાલીન મંત્રી શંકરદાવ દેવે નામ શોધ્યું: રાજીવરત્ન (રાજીવ એટલે કમલા અને રત્ન એટલે જવાહર! દાદાદાદી બંનેનું નામ આવી જાય એવું આ નામ હતું.) કાળક્રમે રાજીવ નામ રહ્યું.

ઉપરોક્ત લેખમાં બક્ષીબાબુ લખે છે:
* દરેક ભસતા કૂતરાને હું ઉત્તર આપવા બેસતો નથી.- રામ જેઠમલાણીને ઉત્તર આપતાં.

તમને યાદ છે કે આ રીતે વિરોધીને કૂતરા કહેવા માટે તે વખતે મિડિયાએ ગામ ગજવ્યું હોય? વિચારો, અત્યારે મોદી તો ઠીક, ભાજપના મામૂલી નેતા પણ આવું બોલે તો મિડિયામાં તે કેટલું ગાજે?

હમણાં જવાહર ચાવડાના નિવેદન પર મિડિયાએ ભાજપને ટાર્ગેટ બનાવ્યું. બરાબર છે, પણ બક્ષીબાબુએ જ લખ્યું છે:
“રોજ ષડયંત્રો બનાવવામાં આવે છે અને એમના બાપ પરદેશોમાં છે. હમ ઉનકો નાની યાદ દિલા દેંગે.- બૉટક્લબ પાસે કૉંગ્રેસની ભીડમાં.”

વિચારો, આજના સમયમાં મોદીજી ‘બાપ’, ‘નાની’નો ઉલ્લેખ આ રીતે કરે તો?

“પ્રધાનમંત્રીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસના ભેદની ખબર નથી. એમને ખો-ખો નામની કોઈ રમત છે એ ખબર નથી. ઉત્તરપ્રદેશમાં વાંસના ઝાડ જોઈને ખુશ થઈને બોલ્યા: “આ વર્ષે શેરડીનો પાક બહુ સારો થયો છે.” એ કહેતા ગયા કે વિરોધ પક્ષો વિદેશી શક્તિઓ સાથે મળેલા છે…”

“આસામના ગૃહમંત્રી ભૃગુકુમાર કૂકનને પ્રધાનમંત્રીએ મળવા બોલાવ્યા અને એમના સંત્રીઓએ આસામના ગૃહમંત્રીને નિર્વસ્ત્ર કરી નાખ્યા. પછી પ્રધાનમંત્રીએ માફી માગી. આંદામાન ટાપુઓમાં પ્રધાનમંત્રી અને મિત્રમંડળ ક્રિસમસમાં જલસો ઉડાવવા ગયા ત્યારે આઈ. એન. એસ. વિરાટની નૌકાદળની કસરતોની રાજીવપુત્ર રાહુલે વિડીયો ફિલમ ઉતારી. આ મેક્સીમમ સિક્યુરિટી વિસ્તાર છે.

વિદેશ પ્રવાસ સમયે વહેમી રાજીવ ગાંધી જમણા બાવડા પર મુસ્લિમોની જેમ ‘ઈમામ ઝમીન’નું તાવીજ બાંધી જાય છે-સલામત પ્રવાસ માટે! કંઈક નવું શરૂ કરતી વખતે ‘બિસ્મિલ્લાહ’ કહે છે કે નહીં એ વિશે સમાચારપત્રો શાંત છે. એમને વિદાય આપવા પૂરી કેબિનેટ લાઇનમાં ઊભી હોય છે.”

દુકાળ વખતે ખર્ચ બચાવવા રાજીવે નવવર્ષ અભિનંદન પત્ર નહીં લખવા અને અભિનંદનપત્રના ઉત્તરો આપશે નહીં તેવો નિર્ણય કર્યો હતો. જોકે ૩૧ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી ૧૯૮૮ સુધી એમણે, એમના પરિવારે અને મિત્રમંડળે લક્ષદ્વીપમાં વેકેશન જરૂર ગાળ્યું હતું.

“રાજીવ ગાંધી વેનકુવર ગયા ત્યારે જે ઐશ્વર્ય છલકી ગયું એ પત્રોમાં આવી ચૂક્યું છે. એર ઇન્ડિયાના જહાજ પર એમની સાથે હતા એ દરેકને એક બેગ, બ્લેક લેબલ અડધી ઇમ્પૉર્ટેડ વ્હિસ્કી, એક કાર્ટન એક્સ્પ્રેસ સિગારેટો, એક લોહચુંબકીય શતરંજની રમત, એક બૉક્સ ચોકલેટ, છ વિભિન્ન મિની ડ્રેસ, એક વિશ્વપ્રસિદ્ધ ગિવાન્ચી જેન્ટલમેનનો શેવિંગ સેટ, એક ગિવાન્ચીનો લેડીઝનો મેકઅપ સેટ આપવામાં આવ્યો હતો.” આ પ્રવાસમાં પત્રકારો પણ હશે જ. તેમને પણ આવા અનેક લાભ મળ્યા હશે. એટલે તેમાંના હયાત કેટલાક આજે ‘નમકહલાલી’ દાખવે તે સ્વાભાવિક છે.

‘રાજીવરત્ન ગાંધી : ગ્રાફ અસ્થિર થઈ રહ્યો છે?’ લેખમાં બક્ષીબાબુ લખે છે:

“અૉક્ટોબર ૧૯૮૨માં દિલ્હીના ડેપ્યૂટી કમિશનરે કહ્યુ઼ં કે સોનિયા ગાંધીનું નામ મતદાન સૂચિમાંથી બાતલ કરવામાં આવ્યું છે. વિરોધીઓ શોર મચાવી મૂકે એમ હતું કારણકે સોનિયાજી હજી ઇટાલિયન હતાં! અમેઠીમાં ૧૯૮૩માં સોનિયા ગાંધીએ સ્વયં કહ્યું હતું કે એમના પાસપૉર્ટનો નંબર યુ-૧૨૧૫૭૮ હતો અને રાહુલ-પ્રિયંકાને એમના નાબાલિગ સંતાનો તરીકે બતાવવામાં આવ્યાં હતાં. સોનિયા ગાંધી પતિ જીવ્યા પછી ચૂપચાપ ઇટાલિયનમાંથી ભારતીય નાગરિક બની ગયાં હતાં. ૧૯૮૦ના રાષ્ટ્રીય નિર્વાચનમાં રાજીવ ગાંધીએ કોઈ જ ભાગ લીધો ન હતો.”

મોદીના વિદેશપ્રવાસોની ફળશ્રુતિ તો હવે લોકોને સમજાવા લાગી છે, ઈન્દિરાજી-પોતાની માતાની હત્યા પછી તમામ નિયમોને નેવે મૂકીને સત્તા પર આરૂઢ થયેલા રાજીવ ૧૯૮૪ની ચૂંટણીમાં જીત્યા પછી તરત જ વિદેશયાત્રાઓ પર નીકળી ગયેલા. તેની તારીખવાર વિગતો બક્ષીબાબુએ ઉપરોક્ત લેખમાં આપી છે:

“…શરૂનાં વર્ષો એમનો સ્વર્ણકાળ છે. એ કાળનો અંદાજ માત્ર રાજીવજીની વિદેશ યાત્રાઓ પરથી આવી જાય છે. રાજીવ ગાંધી, ભારતની જનતાના પ્રિન્સ ચાર્મિંગ મે ૨૧થી ૨૬, ૧૯૮૫ મૉસ્કોની યાત્રા કરે છે. પાંચમી જૂનથી ૧૮મી જૂન સુધી ઇજિપ્ત, પેરિસ, અલ્જીરિયા, વોશિંગ્ટન, જીનીવા જાય છે. યાત્રાઓમાં સર્વત્ર સોનિયા ગાંધી અને ક્યાંક ક્યાંક સંતાનો સાથે જ છે. નવેમ્બર ૨૭થી ડિસેમ્બર ૧: વિયેતનામ, જાપાન! ૧૯૮૬ની ૧૪મે થી ૧૮ મે: ઝામ્બિય, ઝિમ્બાબ્વ, અંગોલા તાન્ઝાનિયા. જુલાઈ ચારથી પાંચ: મોરેશિયસ, ઓગસ્ટ ૨ થી ૧૧: લંડન, મેક્સિકો પ્રાગ-ઝેકોસ્લોવેકિયા. ઓક્ટોબર 13 થી ૨૧: ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ!

“… સિંહાસન પાસે ફુદડી ફરતા ગોઠિયાઓને રાજીવજીએ કહ્યું ભારતના વિરોધ પક્ષો દેશદ્રોહીઓ છે… કૉંગ્રેસની શતવાર્ષિકીમાં રાજીવજી બોલતા ગયા: કૉંગ્રેસનો જન્મ મોતીલાલ નહેરુની અૉફિસમાં થયો હતો! ગાંધીજી અને નહેરુ-પરિવાર સિવાય બધા જ દેશનેતાઓ કેન્સલ થઈ ગયા…” નરેન્દ્ર મોદીએ વિપક્ષોને પાકિસ્તાનની ભાષા બોલતા હોવાનું જરૂર કહ્યું છે પણ દેશદ્રોહીઓ કહ્યા નથી. આમ, સ્પષ્ટ હતું કે રાજીવજી કૉંગ્રેસને બાપીકી મિલકત સમજતા હતા.

“… રાજીવજી મુસ્લિમ વિમેન બિલ વખતે સંસદમાં બોલ્યા હતા કે સ્ત્રીની સ્વતંત્રતા એ પશ્ચિમી વિચાર છે અને ભારતમાં સ્વીકાર્ય નથી… રાજીવજીએ કટોકટીનો બચાવ કર્યો હતો.”

“… રાજીવ ગાંધીને જૉર્ડનના રાજાએ આપેલી મર્સિડીઝ કાર એ રસ્તાના કાયદા તોડીને ભયંકર તેજ દોડાવી રહ્યા હતા- રાજ્ય કક્ષાએ આપેલી ભેટો ખાનગી સંપત્તિ નહીં પણ રાજીવની ‘એસ્ટેટ પ્રૉપર્ટી’ ગણાય છે. દેશની પણ એવી જ હાલત થઇ રહી નથી?

મોદી પોતાને મળતી ભેટો સરકારી તોષાખાનામાં કે સરકારી કર્મચારીઓને આપી દે છે ત્યારે બંને મહાનુભાવો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે-એક, દેશ કરતાં અંગત મોજશોખને પ્રાધાન્ય આપતા, બીજા અંગત કરતાં દેશને હંમેશાં કેન્દ્રમાં રાખે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment