Home » ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે?

ગુજરાતમાં ઘેરઘેર દારૂ પીવાય છે?

by Jaywant Pandya

(તસવીર સૌજન્ય: યોગેશ ચૂડગર, ટીવી રાજકીય વિશ્લેષક)

આજે વીટીવીની ‘મહામંથન’માં ‘દારૂબંધી પર સાર્થક ચર્ચા ક્યારે?’ વિષય પર ડિબેટમાં મારી સહભાગિતા થઈ. મારા મુદ્દા આ મુજબ હતા:

૧. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતજીનું ‘ગુજરાતમાં ઘરેઘરે દારૂ પીવાય છે’ તે નિવેદન સ્વિપિંગ સ્ટેટમેન્ટ (અતિશયોક્તિસભર) છે. ગુજરાતમાં હજુ મોટા ભાગની જનતા દારૂના વ્યસનથી દૂર છે.

૨. અશોક ગેહલોતજીને દારૂબંધીની વાત કરવા માટે ગુજરાતનું જ ઉદાહરણ કેમ યાદ આવ્યું? કૉંગ્રેસ ગુજરાત વિરોધ ક્યાં સુધી કરતી રહેશે? વર્ષ ૨૦૦૯માં બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે સુજલામ્ સુફલામ્ યોજનાનો વિરોધ કરતો પત્ર તેમણે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો અને આ મુદ્દો ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે ફરી બનાસકાંઠાના ખેડૂતોએ ઉઠાવ્યો હતો.

૩. આટલી વાત સાથે, એ વાત પણ સાચી કે ગત સપ્ટેમ્બરમાં અમદાવાદના નિકોલમાં જનતાએ બુટલેગર પર દરોડો પાડ્યો હતો. તો આ જ મહિનામાં રાજકોટમાં, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કર્મભૂમિ રાજકોટમાં પણ જનતાએ દરોડો પાડ્યો હતો. તો આ જ મહિનામાં અમદાવાદનો (કહેવાય છે કે વાસણા વિસ્તારનો) એક વિડિયો અતિ પ્રસારિત (વાઇરલ) થયો હતો જેમાં જાહેરમાં છૂટથી પોટલી વેચાતી જોવા મળે છે. આ બતાવે છે કે દારૂ પણ વેચાય જ છે. શામળાજી વગેરે રાજ્યની સરહદી ચેક પૉસ્ટમાં ફરજ માટે પોલીસમાં ‘ભાવ’ બોલાતા હોવાનું અવારનવાર સાંભળવા મળે છે. જોકે સામા પક્ષે સરકારે વર્ષ ૨૦૧૭માં દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે. એટલું જ નહીં, વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં ‘મોટા’ માણસોને પકડવાની હિંમત પણ કરી છે, સુરતમાં પણ પકડ્યા છે. જોકે તે હજુ અપૂરતું છે.

૪. દારૂબંધી કરતાંય ચિંતા ડ્રગ્ઝની વધુ છે. આ વિશે મેં વર્ષ ૨૦૧૭ના ઝી ૨૪ કલાકના ચૂંટણી પર ‘ઇન્ટરૉગેશન’ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જિતુભાઈ વાઘાણીને પ્રશ્ન પૂછ્યો હતો. (www.youtube.com/watch?v=gYeq4OeC5H0)

ગઈ કાલે એક મહિલાના આંતરવસ્ત્રમાં અધધ ડ્રગ્ઝ પકડાયું છે. (timesofindia.indiatimes.com/city/ahmedabad/2-arrested-with-19g-amphetamine/articleshow/71470697.cms)

તો આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડને ડ્રગ્ઝ સપ્લાય કરવાના કેસમાં ૧૦ વર્ષની જેલની સજા કરી છે. પંજાબની જેમ ગુજરાત પણ પાકિસ્તાનની સરહદે આવેલું રાજ્ય હોઈ, પાકિસ્તાન આપણી સામે સીધા યુદ્ધમાં જીતી શકે તેમ ન હોઈ, પંજાબની જેમ ગુજરાતના યુવાનોને ડ્રગ્ઝમાં બરબાદ કરી નાખી નવી પેઢીને ખોખલી કરી નાખવા માગે છે. આ વિશે મેં ઘણા સમય પહેલાં મારી ‘સંજોગ ન્યૂઝ’ની ‘સતસંશોધન’ કૉલમમાં લેખ પણ લખેલો છે.

૫. દારૂબંધી છતાં લોકો દારૂ કેમ પીવે છે? આ પ્રશ્નના જવાબમાં અન્ય મહાનુભાવોએ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા હોવાથી આ મુદ્દાને બાદ કરતાં મારો જવાબ હતો: મનોવિજ્ઞાન એવું કહે છે કે પ્રતિબંધ હોય તે બાબત કરવાની કેટલાક લોકોને વધુ મજા આવે છે, ખાસ કરીને ભારતના કેટલાક લોકોને. કાયદાનો ભંગ કેમ કરવો તે વિશે છડેચોક વાત પણ ગર્વ સાથે કરતા હોય છે. આ સાથે ટીવીની ચૅનલો પણ દારૂની જાહેરખબર પૈસા કમાવવા લેતી હોય છે. ફિલ્મ, ટીવી, વેબસીરિઝ વગેરેમાં દારૂનો મહિમા ગવાય છે. ઉર્દૂ શાયરોની શાયરીમાં દારૂ પીવો એટલે દુઃખ ભૂલાવવું, દારૂ પીવામાં કંઈ ખોટું નથી, વગેરે પ્રકારની વાતો કરી દારૂ પીવાની વાતને રૂપાળી બનાવાઈ છે. વળી, આજે જ બ્રિટનના ‘ધ સન’ સમાચારપત્રની વેબસાઇટ પર એક સર્વે મૂકાયો છે જે મુજબ, જે લોકો એકી બેઠકે દારૂ પીવે છે તેના પ્રેમમાં સ્ત્રીઓ વધુ પડે છે તેવું ત્યાંના લોકો માને છે. હવે ત્યાં આવું છે! આનું કારણ એ છે કે એક બેઠકે આટલો દારૂ પી શકે છે, તેથી તેની તબિયત સારી છે, અને તે દારૂ પીવા આટલા પૈસા ખર્ચી શકે છે તેટલો પૈસાદાર છે, આ બે બાબતોને ધ્યાનમાં રાખીને સ્ત્રી તેના તરફ આકર્ષાય છે. હવે આવા સમાચારો હોય એટલે તેને ભારતના મિડિયામાં અચૂક ચમકાવાય છે (મિડિયામાં પણ કેટલાક લોકો તો દારૂ પીને કામ કરતા હોવાનું સંભળાય છે) તેના કારણે પણ કેટલાક દારૂ પીવા તરફ વળતા હોય છે.

૬. અંતમાં, ગુજરાતના સફળ મૉડલનું અનુકરણ કરીને બિહારમાં દારૂબંધી મૂકાઈ છે. તમિલનાડુ, રાજસ્થાન વગેરેમાં મહિલાઓએ દારૂબંધી માટે આંદોલન કર્યાં છે. પરંતુ રાજસ્થાનમાં જે બે જિલ્લાઓ- આદિવાસી બહુમતીવાળા ડુંગરપુર અને બાંસવાડામાં ભાજપની વસુંધરારાજે સિંધિયા સરકારે દારૂની ફૅક્ટરીની મંજૂરી આપી દીધી હતી તો કૉંગ્રેસની સરકાર આવ્યા પછી દારૂની દુકાનોની સંખ્યા વધારી દીધી છે. દારૂબંધીનો સામનો કરવા માટે મહિલાઓ જ તેમના તિ કે પુત્રનો બહિષ્કાર કરે તે સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ આજે નારીમુક્તિના લેફ્ટ લિબરલોની ચળવળમાં વેબસીરિઝ, ટીવી, ફિલ્મોમાં સ્ત્રીઓને પણ દારૂ પીતી બતાવાય છે, તેના પગલે આજે યુવતીઓ, જોકે હજુ પણ આ પ્રમાણ ઓછું છે, માં દારૂ-સિગારેટ પીવાનું અને ગાળો બોલવાનાં દૂષણો પેસી ગયાં છે. વળી, આજે ગુજરાતમાં સમાજસુધારકોની પણ ઓછપ વર્તાય છે. જે કંઈ કહેવાતા મૉટિવેટરો છે (મોટા-વેઇટવાળા બુદ્ધુજીવીઓ) તેઓ પણ મૉટિવેશનના નામે શાયરીઓ, ગલગલિયા કરાવે તેવું, જૉક, વાર્તાઓ કહીને પૂરું કરે છે. તેમનો ઉદ્દેશ સમાજસેવાનો જરા પણ હોતો નથી. તેઓ તો ઑડિયન્સ બૅન્ક (રાજકારણીની જેમ વૉટ બૅન્ક હોય છે તેમ આવા લોકોની ઑડિયન્સ બૅન્ક-રીડર બૅન્ક હોય છે) કેમ ખુશ થાય અને નવી પેઢીને કેમ આકર્ષી શકાય તેમ કરવાના પ્રયાસમાં, અળખામણા થઈને સાચી વાત કહેવાની પોતાની ફરજ ચૂકી જાય છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment