Home » રાજ કુન્દ્રા, કોઈ ચિંતા ન કરશો, ‘બિગ બૉસ’ તમારી રાહ જુએ છે

રાજ કુન્દ્રા, કોઈ ચિંતા ન કરશો, ‘બિગ બૉસ’ તમારી રાહ જુએ છે

by Jaywant Pandya

ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા અને કહેવાતી અભિનેત્રી ગહના વશિષ્ઠ. બંને પર પૉર્ન ફિલ્મોના આરોપસર પોલીસ કેસ થયા છે

ભાઈ રાજ કુન્દ્રા,
ચિંતા ન કરો.
થોડો સમય હવા બનશે. જાતજાતના આક્ષેપો જે “પોલીસના અનુસાર” મિડિયામાં છપાશે અને દેખાડાશે, સૉફ્ટ પૉર્ન પ્રકારની ફિલ્મો કરનાર પૂનમ પાંડે અને શેરલીન ચોપરાને પણ ફૂટેજ મળી જશે. ‘વીરા દી વેડિંગ’માં પૉર્ન જેવો સીન કરનાર સ્વરા ભાસ્કર, ‘લસ્ટ સ્ટૉરિઝ’ બનાવનાર કરણ જૌહર, અનુરાગ કશ્યપ વગેરે બોલકી જમાત ચૂપ રહેશે અને કાં તો ભલું હશે તો સન્ની લિયોનને ઇન્ટરવ્યૂમાં પૉર્ન અભિનેત્રી તરીકે ઉલ્લેખ કરનાર સીએનએન-ન્યૂઝ ૧૮ના પત્રકાર ભૂપેન્દ્ર ચૌબેની જેમ તમારો વિરોધ કરનારનો એટલો તિરસ્કાર કરશે કે તે વિરોધ કરતા વિચાર કરશે.
કેટલાક કલમઘસુઓ કહેશે કે ભારતીયો દંભી છે. છાને ખૂણે મોબાઇલમાં પૉર્ન જુએ છે અને એવા રિપૉર્ટ પણ ટાંકશે કે ભારતીયો દુનિયામાં સૌથી વધુ પૉર્ન જુએ છે અને એ હદે પણ લખશે કે પૉર્નમાં શું વાંધો છે? રાજ કુન્દ્રે પાસે જવાની શું જરૂર છે? મારી એફ. બી. વૉલ જ જોઈ લો. પૉર્નને શરમાવે તેવી ગલગલિયા કરાવે તેવી ભાષા હું લખી શકું છું અને કોઈ વિરોધ કરવા આવે તો તાલિબાની, વાનર સેના કરી તેને તિરસ્કારી-ધૂત્કારી કે ઉપહાસને પાત્ર બનાવી શકું છું અને તેની વાહ-વાહ કરનારા પણ આવી જશે. ભાજપના નેતાઓ કલમ બોસી પણ કરી આવશે.
અને કેટલાક ખરેખર એવા હશે પણ ખરા જે બહારથી વિરોધ કરશે પણ અંદર ખાને તમારી કઈ વેબસાઇટ હતી, કઈ ઍપ પર વિડિયો મૂકાતો હતો, આવી બીજી કઈ કઈ વેબસાઇટ અને કંપની છે તે લિંક વૉટ્સઍપમાં શૅર કરશે.
ચિંતા ન કરો. થોડા સમય સુધી કુખ્યાતિ સહન કરી લો. પછી દાઉદ ઈબ્રાહિમ, મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની, હસીના પાર્કર, સંજય દત્તની જેમ તમારી પણ બાયોપિક બનશે જેમાં ઉપર જણાવ્યો તેવો દંભ બતાવાશે અને તમે તો મહાન સમાજ સેવા કરી છે તેવું ચિત્રિત થશે. તમને પોલીસે કેટલી ખોટી રીતે હેરાન કર્યા છે અને જેલમાં તમારી બાજુમાં મળ ગટરમાંથી બહાર આવે છે તેવું વિકૃત દૃશ્ય કે તેનાથીય વિકૃત દૃશ્ય બતાવાશે.
આ બધું થોડો સમય જ છે. તમારા દ્વારા જે કંઈ “જરૂરિયાત” હશે તે પૂરી થઈ જશે એટલે તમે મુક્ત થઈ જશો અને વધુ જોરશોરથી તમારા “ધંધા”માં તમે લાગી જઈ શકશો, કારણકે તબલિગી જમાતી હોય કે ઉંમર ખાલિદ, લાલુપ્રસાદ યાદવ હોય કે રિયા ચક્રવર્તી…ન્યાયાલયો બધાને જામીન આપે છે.
રિયા ચક્રવર્તી પરથી યાદ આવ્યું કે સુશાંતસિંહ રાજપૂત, દિશા સાલિયાન આત્મહત્યા અને બળાત્કાર કેસ તેમજ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીતસિંહ, ભારતીસિંહ, અર્જુન રામપાલ, નમ્રતા શિરોડકર, આ બધાંને સાંકળતા ડ્રગ્ઝ કેસને પણ ભૂલાવી દેવાયો ને? રિયા ચક્રવર્તીની જેમ તમને પણ કોઈ રાજદીપ સરદેસાઈ તમે જાણે બહુ મોટા પીડિત હો તેમ ઇન્ટરવ્યૂ કરશે. બરખા દત્ત તમારા પિતાનું સ્કૂલ હેડમાસ્ટરનું બૅકગ્રાઉન્ડ કે તમારી પત્ની તમારા બનેવી સાથે જાતીય સંબંધ ધરાવતી હતી તેથી તમે આ રવાડે ચડ્યા તેવી તમારા પ્રત્યે સહાનુભૂતિ ઉપજાવનાર વાતો લઈ આવશે. એ લોકો કોને દોષી ઠરાવવા અને કોને બચાવવા તેમાં અત્યંત હોંશિયાર છે. દાનિશ સિદ્દિકીની તાલિબાનો હત્યા કરે તો તેઓ ગોળીઓને લાનત મોકલશે. અને ગો તસ્કરોની હત્યા માટે વગર કૉર્ટે તેઓ હિન્દુવાદી સંસ્થાઓને દોષી ઠરાવી દેશે. વડા પ્રધાન અને હિન્દુવાદી સંસ્થાઓ પણ એમના નેરેટિવમાં આવીને હિન્દુઓની ટીકા કરી નાખશે.
દિવ્યા ભારતી, ઝિયા ખાન, પ્રત્યૂષા બેનર્જી, દિશા, સુશાંત…દરેક કેસ પછી લાગેલું કે હવે કોઈ હત્યાને આત્મહત્યામાં ખપાવી શકાય તેવાં મૃત્યુ નહીં થાય. પણ શિવસેના અને એનસીપીની કૃપાથી પોલીસ અધિકારી સચીન વાઝેએ બધાને ખોટા પાડ્યા. એક ગુજરાતી મનસુખ હિરેનની હત્યા થઈ ગઈ. મૂકેશ અંબાણી જે મોદી સરકાર અને મિડિયા ચલાવે છે તેવા વિરોધીઓના આક્ષેપ છે તેમને પણ ભાગીને ગુજરાતમાં આવવું પડ્યું તેવા અહેવાલો આવ્યા, અને છતાં ઑક્સિજન પહેલાં મહારાષ્ટ્રને આપ્યો પછી વિજયભાઈ રૂપાણી સ્વયં મેદાનમાં આવ્યા ત્યારે ગુજરાત દેખાયું. એટલે આત્મહત્યાઓ તરીકે દેખાડાતી હત્યા થતી રહેશે અને તમે પણ ધ્યાન રાખજો. કંઈ આડુંઅવળું બોલ્યા તો તમારી આત્મહત્યા થઈ જશે. મહારાષ્ટ્ર સરકારો આવા કેસોમાં હોંશિયાર છે.
તમારા કેસમાં અગાઉ કોઈએ નામ ન સાંભળ્યું હોય અને ખરેખર અભિનેત્રી કહેવાય કે નહીં તે ખબર નથી, પણ આ મોટામોટા મિડિયા લખે છે એટલે આપણે પણ અભિનેત્રી જ કહીએ, તે ગહના વશિષ્ઠ પકડાઈ હતી. કહેવાય છે કે તેણે એકતા કપૂરની ‘ગંદી બાત’માં કામ કર્યું હતું. પરંતુ હંમેશાં નાના ચોર જ પકડાય છે. સાસ-બહુની સિરિયલો દ્વારા શહેરી સ્ત્રીઓને કાવદાવા શિખવાડી દીધા પછી ‘ડર્ટી પિક્ચર’ દ્વારા ગામડા સુધી ‘ગંદી બાત’ કરનારી એકતા કપૂરને થોડી પકડાય? એના પર તો મોદી સરકારના અને ખાસ તો સ્મૃતિ ઈરાનીના પણ હાથ છે. એમ ને એમ પદ્મ પુરસ્કાર થોડો મળે છે. કેટલી મોટી સમાજ સેવા કરી છે તેણે! તમારે કરવાની જરૂર એ હતી કે આ બધું કરતા પહેલાં મહારાષ્ટ્ર કે મોદી સરકારમાં કોઈ વગદાર પ્રધાન સાથે સારાસારી કરી કોઈ એવૉર્ડ મેળવી લેવાનો હતો. પછી જુઓ, કોઈ હાથ અડાડવાની હિંમત ન કરત. ઉલટાનું સન્ની લિયોની, એકતા કપૂર, રાખી સાવંત આ બધાની જેમ તમને પણ માનભેર જોવાત. તમે જિમમાં જાત તો રાખી સાવંતની જેમ તમને પણ મિડિયા ફૉલો કરત.
અને હા, કેટલાક લિબરલોને તો કેટલી મજા પડી ગઈ, નહીં? તમારી જેટલી વાતો થઈ તેમાં દરેકમાં “શિલ્પા શેટ્ટીના પતિ” એવું ચોક્કસ લખાયું-બોલાયું. કેટલો આધુનિક જમાનો છે? આ લોકોને ખબર હોય છે કે કોના કેસમાં કોની ઓળખ આપવાથી તેમનો હેતુ સિદ્ધ થાય. એટલે સ્મૃતિ ઈરાની વિશે લખે તો એક્ટ્રેસ ટર્ન્ડ પૉલિટિશિયન લખે, પણ કોઈના ભૂતકાળના અંદર-‘બાર’ ધંધા વિશે લખવાની હિંમત તો ઠીક, પણ એફિડેવિટમાં લખેલું સાચું નામ પણ બોલવાની હિંમત ન કરે અને જે બોલે તેની સામે ૨૦૦ એફઆઈઆર અને ૧૨ કલાક પૂછપરછ થઈ જાય. પરંતુ એમને શિલ્પા શેટ્ટીનો વિરોધ નથી. એમને વિરોધ શિલ્પા શેટ્ટીના યોગ કરવા સામે છે. હજુ એમનું ચાલશે તો ગમે ત્યાંથી સ્વામી રામદેવને પણ વચ્ચે લઈ આવશે.
એમને વિજય માલ્યાના સૉફ્ટ પૉર્ન પ્રકારના કેલેન્ડર સામે પણ વાંધો નહોતો. એને તો તેઓ પોતાની ટીવી ચેનલ પર પ્રમૉટ કરતા હતા. ફિલ્મફેર સહિતના પ્રૉગ્રામોમાં સ્ટેજ પર શાહરુખ ખાનો, કરણ જૌહરો, વિદ્યા બાલનો જે પ્રકારની કૉમેડી કરતા હોય છે તેની સામે પણ કોઈ વાંધો નથી હોતો. એઆઈબીમાં દાદીની ઉંમરનાં પ્રખ્યાત અભિનેત્રી ફરીદા જલાલની જે પ્રકારની અભદ્ર શબ્દ પણ ટૂંકો પડે તેવી મજાક કરણ જૌહર, રણવીરસિંહ, અર્જુન કપૂર, તન્મય ભટ્ટ, વગેરે કરે અને તે પણ કરણ જૌહરની માતા હીરુ જૌહરની સામે ત્યારે કોઈને વાંધો હોતો નથી. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ક્યા કૂલ હૈ હમ, મસ્તીઝાદે, મર્ડર, ટીવી પર બાળકો જોઈ શકે તેવા સમયે (એડલ્ટ ફિલ્મો માટે સમય હોય છે) આવે તો કોઈ વાંધો હોતો નથી. ભાબીજી (અંગ્રેજીમાં આવું જ લખે છે) ઘર પર હૈમાં જેવી વાતો થાય છે તેની સામે કોઈ વાંધો હોતો નથી. સાવધાન ઇન્ડિયા જેવા ટીવી પરના ક્રાઇમ શૉમાં ભાભી-દિયર, શિક્ષિકા-વિદ્યાર્થી, સસરા-વહુ વગેરેના સંબંધોની સ્ટૉરી મલાવીમલાવીને બતાવે તો ચાલે. આ તો છિંડે ચડ્યો એ ચોર.
પણ ચિંતા ન કરતા. શું ખબર, ‘બિગ બૉસ’ની નેક્સ્ટ સિઝનમાં તમને સ્પર્ધક તરીકે ખૂબ મોટી રકમ આપી બોલાવવામાં આવે. એમાં આમ પણ તમારી ફિલ્મને આંટી મારે એવાં દૃશ્યો ભજવવામાં આવે છે. વધુ પૈસા મેળવીને એ શૉમાં જવું હોય તો જેલમાંથી છૂટીને પેલા ઓમ્ જેવા ઠગની જેમ નકલી ભગવાધારી બાબા બની જાજો. એ શૉ કુખ્યાતોને સૉફિસ્ટિકેટેડ કરી સમાજમાં માનભર્યું સ્થાન આપવા માટે તો છે. હજુ દાઉદને કેમ નથી બોલાવ્યો તે જ નવાઈ છે.
તમે ચિંતા ન કરશો. તમારો મુદ્દો બે-ત્રણ મહિના જ ચાલશે. અહીં માલમલીદા આપી શકે તેના જ કેસ ચગાવાય છે. મારા ધ્યાનમાં એક એવો કેસ છે જેમાં ગરીબ વ્યક્તિ સ્કૂટર પર એક જણાને ઉડાવી દીધો તો ન તેનું મિડિયામાં આવ્યું ન તો પોલીસે કોઈ કાર્યવાહી કરી. પર્વ શાહે પહેલાથી કહ્યું હતું કે કોઈ પોલીસ વેશધારી પીછો કરતો હતો પણ તેની કોઈ વાત માનવા તૈયાર નહોતો. તેનો મિડિયા ટ્રાયલ ચાલી શકે, તેને જામીન પણ ન મળે. પહેલેથી ગુનેગાર માની જ લેવામાં આવે અને ગુનેગાર તો છે જ. માણસને ઉડાવી દે તે કેમ ચાલે? પર્વ ક્યાં સલમાન ખાન છે?
તમે લિબરલોનો સંપર્ક કરો. તેઓ ગુનેગારને નિર્દોષ સાબિત કરવામાં હોંશિયાર છે. સ્ટેનસ્વામીનો કેસ જોઈ લો. તેમની સામે આરોપો સાબિત નથી થયા એટલે તેની વિરુદ્ધ ન લખી શકાય તેવું ડાબેરીઓ-ખ્રિસ્તી પંથ ગુરુ મારા વડીલ મિત્ર વિક્રમ વકીલ Vickram Vakil અને દિવ્ય ભાસ્કર પર દબાણ લાવ્યા હતા. એ તો સારું થયું કે દિવ્ય ભાસ્કર ઝૂક્યું નહીં. અસીમાનંદ, પ્રજ્ઞા ઠાકુર, નરેન્દ્ર મોદી, અમિત શાહ આ બધા સામે નિર્દોષ છૂટે તે પછી પણ ગુનાના આરોપ સાથે વારંવાર લખી શકાય પરંતુ સ્ટેનસ્વામી સામે લખી ન શકાય.
તમે ચિંતા ન કરશો. અહીં બૉફૉર્સ, ૧૯૮૪નો શીખ નરસંહાર, કાશ્મીરમાં હિન્દુઓનો નરસંહાર, ટુ-જી, કૉલસા કૌભાંડ, રાજસ્થાન અને હરિયાણાના જમીન કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, કૉમનવેલ્થ કૌભાંડ, પનામા કૌભાંડ, ટુકડે ટુકડે ગેંગ, આઈએનએક્સ મિડિયા કૌભાંડ, મૌલાના સાદ શરજીલ ઈમામ, મુંબઈનું ટીઆરપી કૌભાંડ, આ બધું ભૂલાઈ જશે. આ બધું તો ચૂંટણીમાં હવા બનાવવા માટે હોય છે. તમારો કેસ પણ ભૂલાઈ જશે. દેશને યાદ રાખવા માટે કેટલું છે? આ જુઓ, આઈસીએમઆરે ફૉર્મમાં ઑક્સિજનની કૉલમ રાખી નહીં, હૉસ્પિટલોએ ભરી નહીં, રાજ્ય સરકારોએ હૉસ્પિટલોને પૂછ્યું નહીં ને કેન્દ્ર સરકારે તેની પર લોકશાહીની હત્યા થાય તે ડરથી રાજ્ય સરકારો સામે પ્રશ્નો ઉઠાવ્યા નહીં! સલમાન ખાનના હિટ ઍન્ડ રન કેસની જેમ ઑક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નહીં. આ તો સારું થયું કે એવું ન કહ્યું કે કોરોનાથી કોઈનું મૃત્યુ થયું નથી.
શિલ્પા શેટ્ટીને એમ કહેવાની જરૂર હતી કે મારી ‘હંગામા’ ફિલ્મ આવવાની હતી તેને ફ્લૉપ બનાવવા આ કૌભાંડ બહાર પડાયું છે. આપ ક્રૉનૉલૉજી સમજિયે. કૉંગ્રેસ, સન્ની લિયોન અને એકતા કપૂરમાંથી ભાજપે અને રાજ કુન્દ્રા બંનેએ શીખવાની જરૂર છે. કર્યું તો કર્યું, એમાં શું ખોટું કર્યું? રાષ્ટ્રીય હિતમાં કર્યું છે. જાસૂસી રાષ્ટ્રીય હિતમાં કરી. સન્નીએ પૉર્ન ફિલ્મો અને એકતા કપૂરની ગંદી બાત વૂમેન ડિઝાયર એબાઉટ સેક્સ્યુઆલિટીના હિતમાં છે તેમ તમે પણ કહી શકો કે મારી ફિલ્મો તો કોરોના, રમખાણો, આર્થિક મંદી, મોંઘવારી, વિરોધીઓને દેશદ્રોહમાં ખપાવવા, અર્બન નક્સલિઝમ, ખાલિસ્તાન સમર્થકો, ટુકડે ટુકડે ગેંગ, જાસૂસી, કૉંગ્રેસમાં આંતરકલહ, કેજરીવાલ દ્વારા ઑક્સિજન વધુ માગી બીજાં રાજ્યોને ઑક્સિજન ઓછો આપી મૃત્યુ નિપજાવવા, સૉરી ઑક્સિજનના અભાવે તો ક્યાં મૃત્યુ થયું જ છે! આ બધી અનેક સામાજિક ચિંતાઓમાંથી મુક્ત કરાવવા મેં બનાવી છે.
અને તમે જુઓ કે ફેબ્રુઆરીમાં તમારો કેસ બહાર આવી ગયો, તો પણ ચાર મહિના સુધી આપણા એક્ટિવ ન્યાયતંત્રએ કોઈ સુઓ મૉટો નોંધ ન લીધી કે કોઈ પીઆઈએલ ન થઈ. જો ગુજરાત સરકારે, મધ્ય પ્રદેશ સરકારે કે ઉત્તર પ્રદેશ સરકારે ચાર મહિના સુધી તમારી સામે કાર્યવાહી ન કરી હોત તો આ સાહેબોની ઍક્ટિવનેસ જોવા મળત. પીઆઈએલ કરનારા પણ જાણે છે કે જાહેર હિત તો તમારી ફિલ્મોમાં જ રહેલું છે. એટલે એની સામે કોઈ પીઆઈએલ ન કરાય. અને સુઓ મૉટો નોંધ પણ ન લેવાય કારણકે શું જોવું અને શું ન જોવું જેમ પ્રાઇવસીનો અધિકાર છે તેમ શું દેખાડવું અને શું ન દેખાડવું તે પણ કલા સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો અધિકાર જ છે. પહેલાં ફિલ્મોવાળા કહેતા કે એમટીવીમાં કેવું દેખાડે છે તો અમે દેખાડીએ તેમાં શું વાંધો છે. હવે કહે છે કે ઇન્ટરનેટ પર વેબસીરિઝમાં બધું આવે જ છે. એમ તમે પણ કહી શકો કે મહેશ ભટ્ટની ઈમરાન હાશ્મીવાળી ફિલ્મો લોકો જોતા જ હતા ને. એકતા કપૂરની વેબસીરિઝો, નવાઝુદ્દીન સિદ્દિકી, મિર્ઝાપુર વગેરે વેબસીરિઝોમાં પણ બધું બતાવાય જ છે ને.
થોડા વખત પહેલાં કર્ણાટક અને ગુજરાતમાં ધારાસભ્યો પૉર્ન જોતા વિધાનસભામાં પકડાયેલા. એમ તો રાજકીય પક્ષોના ગ્રૂપમાં પણ આવી ફિલ્મોના વિડિયો શૅર કરાતા હોય છે. ઘણા મિડિયા હાઉસની વેબસાઇટ પોતે જ આ સુવિધા પૂરી પાડે છે. તેની પર મૂકાતા ગેલેરી/પિક્ચર/વિડિયો સેક્શનને જુઓ અને તે જોતાં કોઈ વ્યક્તિનો પાપારાઝી ફૉટો પાડી લે તો એમ જ લાગે, જાણે પૉર્ન જુએ છે. પણ એ તો અખબારી અને ઇલેક્ટ્રૉનિક મિડિયા સ્વાતંત્ર્ય છે.
આ દેશનું તંત્ર બહુ સહિષ્ણુ છે. શાહરુખ ખાનો અને આમિર ખાનો ભલે તેને અસહિષ્ણુ કહેતા. કેટલાક મુસ્લિમો ભલે ડર દેખાડતા, પણ ‘હેટ સ્ટૉરી’ કરનારી ઝરીન ખાનો, કેટરિના કૈફ, પાકિસ્તાનની આફ્રીન ખાનો વગેરે સામે કોઈ ફતવા બહાર નથી પડતા, એ તો ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, ઝાયરા વાસીમ, કાશ્મીરના એકલા સ્ત્રીઓના જ બનેલા બેન્ડ સામે જ બહાર પડે છે. પણ આ દેશ ગુનાઓ કરનારા પ્રત્યે બહુ જ સહિષ્ણુ છે. તમારી સામે પણ તંત્ર સહિષ્ણુ જ રહેશે.
તમારે કરવાની જરૂર એ હતી કે તમારે બીજો પંથ અંગીકાર કરી લેવાનો હતો. તો તમારી સામે કોઈ નામ ન લેત અને લેત તો તમે કહી શકત કે પંથ વિશેષના હોવાથી તમને ફસાવાય છે. કાં તો તમારે વિદેશ જઈ ત્યાંના મિડિયામાં સ્ટેટમેન્ટ આપી દેવાની જરૂર હતી. પછી જુઓ, વિદેશી મિડિયા કેવું તમારા પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરત. અને એને ટાંકીને અહીંનું સેક્યુલર મિડિયા તમને માથા પર બેસાડત.
કંઈ વાંધો નહીં. કોઈ ચિંતા ન કરતા. જેલમાં જઈને ઘણા વડા પ્રધાન પણ થયેલા છે. શું ખબર, તમારી પણ કોઈ લોટરી નીકળી આવે. પણ તેના માટે કોઈ લિબરલ ગુરુ હોવો જરૂરી છે.
 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment