Home » ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

by Jaywant Pandya

સબ હેડિંગ: …તો ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે શક્તિશાળી લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે દર વર્ષે ‘તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા’ અને ‘અયોધ્યા તેરે ટુકડે હોંગે શ્રી લંકા શ્રી લંકા’ જેવાં સૂત્રો પોકારાયાં હોત!

ગઈ કાલથી ભાજપ પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ભાજપના દેવેન્દ્ર ફડનવીસે ઘોર વિરોધી અજિત પવાર સાથે વહેલી સવારે આખા દેશને અંધારામાં રાખીને શપથ લીધા જ કેમ?  ભાજપે આવું કરાય? ના ના. તે તો ‘પાર્ટી વિથ ડિફરન્સ’ હોવાનો દાવો કરે છે. તેણે આવું ન જ કરાય.

કર્ણાટકમાં પણ યેદીયુરપ્પાએ ૨૦૧૮માં ચૂંટણી પછી શપથ લીધા ત્યારે પણ આવું જ થયું. અને આ માછલાં ધોનાર કોણ હતા? વિરોધીઓ તો હોય જ પણ સમર્થકો સૌથી વધુ હતા.

જરા ઉદાહરણ સાથે સમજીએ. શ્રી રામે રાવણ સાથે યુદ્ધ લડતા પહેલાં કેટલાક કોઠા પાર કરેલા. શૂર્પણખાએ પરિણીત હોવા છતાં શ્રી રામ – લક્ષ્મણ પર નજર બગાડી. (આજની રાજકીય ભાષામાં કહીએ તો વિપક્ષના નેતાને તોડવા માટે હનીટ્રેપ કર્યું) તેમને વ્યભિચાર માટે ઉશ્કેર્યા. તે પણ તેમની પત્ની સામે! લક્ષ્મણે તેનાં નાકકાન કાપી નાખ્યાં. આજનો સમય હોત તો? ફેમિનિઝમના આજના સમયમાં બહુ મોટો મુદ્દો બની જાત. અરે ભાઈ! તમારે ઈચ્છા નહોતી તો ના પાડવી હતી ને? આવું થોડું કરાય? એક સ્ત્રીને કામુકતા પ્રગટ કરવાનો અધિકાર નથી? પુરુષની જેમ શું સ્ત્રી ઍક્સ્ટ્રા મેરિટલ અફેર, પરિણીત પુરુષ સાથે સંબંધ ન બાંધી શકે? યુ પીપલ આર રિગ્રેસિવ માઇન્ડેડ. બહાર છાનાખૂણે દારૂના પ્યાલા સાથે ટૂંકા કપડામાં દેખાતાં ફેમિનિઝમવાળા લાલ ચટ્ટાક ચાંદલા સાથે શિફૉનની સાડી પહેરી ડિબેટ કરવા બેસી જાત. મહિલા આયોગે શ્રી રામને નૉટિસ આપી દીધી હોત. ટીવી ચેનલોએ શ્રી રામને વિલન ચીતરી દીધા હોત. શ્રી રામે પોતાની સાથે તેમની પત્નીને લાવીને તો હેરાન કરી જ, પરંતુ લંકા પતિ રાવણની બહેન શૂર્પણખાનાં નાકકાન કાપીને એક દેશ સાથે દુશ્મની વહોરી લીધી છે. આવું કરાય? શ્રી રામને રાજનીતિ-વિદેશનીતિની કોઈ સૂજ નથી. જેએનયુમાં શૂર્પણખાનાં નાકકાન કપાયાં તે દિવસે ‘તુમ કિતને નાકકાન કાટોગે, હર જેએનયુ સ્ટુડન્ટ અપને નાકકાન કટવાયેગા’ અને ‘અયોધ્યા તેરે ટુકડે હોંગે શ્રી લંકા શ્રી લંકા’ જેવાં સૂત્રો પોકારાયાં હોત! સંજય લીલા ભણશાળી કોઈ સૂફી ગીત પર શૂર્પણખા અને સીતાજીનો સાથે ડાન્સ બતાવત!

શ્રી રામે વાલીનો છુપાઈને વધ કર્યો. તે મુદ્દે શ્રી લંકાવાળા જેટલો હોબાળો કરત તે કરતાં ઝાઝો હોબાળો અયોધ્યાવાળા કરત. લંકા પર વિજય મેળવવાનો છે, રાવણને હરાવવાનો છે, પણ વાલીને એમ કંઈ છુપાઈને મરાય? આવું કંઈ ક્ષત્રિયને શોભે? આ નીતિ છે?નહીં. શ્રી રામનો રથ નીચે ઉતરી ગયો છે. શ્રી રામને શ્રી લંકામાં ચડાઈ પહેલાં જ હતોત્સાહ કરી નાખત.

અને શ્રી કૃષ્ણની તો વાત જ શું કરવી? પાંડવોને મારવા લાક્ષાગૃહમાં આગ લગાવી દેવામાં આવે (વિચારો આજના સમયમાં આવી ઘટનામાં કેવી કેવી થિયરી અને વિતંડાવાદ ચાલ્યા હોત? પાંડવોએ કૌરવો પર આળ નાખવા પોતે જ પોતાનાં કપડામાં બીજા માણસોને રાખી લાક્ષાગૃહને આગ લગાડી દીધી વગેરે વગેરે), ભીમને ઝેરયુક્ત મિષ્ટાન્ન ખવડાવવામાં આવે, તેમને વનવાસ અને તે પણ અજ્ઞાતવાસમાં મોકલવામાં આવે, રાજ્ય તો શું પાંચ ગામ પણ ન આપવામાં આવે, દ્રૌપદીનું ભરી સભામાં ચીરહરણ થાય, પોતાની જાંઘ પર બેસાડવા ઈશારો થાય, તરુણ અભિમન્યુને મારવા બધા જ કૌરવો તૂટી પડે, ભીષ્મ, ગુરુ દ્રૌણ જેવા નીતિવાન (!) લોકો કૌરવોના પક્ષે યુદ્ધ લડે, શ્રી કૃષ્ણ પણ ‘તટસ્થ’ થવા માટે પોતાની સેના દુર્યોધનને આપી દે! અને જ્યારે યુદ્ધમાં કૃષ્ણના નિર્દેશથી પાંડવો થોડીઘણી અનીતિ આચરે તો પણ કૃષ્ણ ગાંધારીનો શાપ પામે! તેમનું કુટુંબ આ જ રીતે નાશ પામશે! બલરામ પણ નાના ભાઈ કૃષ્ણ પર ક્રોધિત થાય. શ્રી કૃષ્ણનું પણ અપમૃત્યુ થાય! અર્જુન કાબાના હાથે લુંટાયો તે દિવસે ‘ટેલિગ્રાફ’ સહિતનાં સેક્યુલર સમાચાર માધ્યમોની હરખી ઉઠતી હેડલાઇન હોય ‘કાબે અર્જુન લુટીયો વો હી ધનુષ વો હી બાણ’. અને અંતે, આ બધાં પછી પણ યુધિષ્ઠિર સિવાયના પાંડવોને તો નરક મળે અને કૌરવોને સ્વર્ગ!!

આપણે ફિલ્મોમાં પણ શું આ જ નથી જોયું? ‘દીવાર’માં મા નિરુપા રોય દીકરા વિજય ઉર્ફે અમિતાભને કહે કે ‘વો આદમી જિસને તેરે બાપ સે સાઇન લિયે વો તેરા કૌન થા, કોઈ નહીં, વો આદમી જિસને તેરી માં કો ગાલી દે કે નિકાલા વો તેરા કૌન થા, કોઈ નહીં, વો આદમી કે જિસને લિખ દિયા કિ તેરા બાપ ચોર હૈ, વો તેરા કૌન થા, કોઈ નહીં, મગર તૂ, તૂ તો મેરા અપના બેટા થા, મેરા અપના ખૂન, તૂને અપની માં કે માથે પે કૈસે લિખ દિયા કિ ઉસ કા બેટા એક ચોર હૈ’

‘અંધા કાનૂન’માં બહેન દુર્ગાદેવીસિંહ પોલીસ અધિકારી છે. ભાઈ વિજય એ જ રીતે બદલો લઈ રહ્યો છે જે રીતે તેના પિતાના હત્યારા અને બહેનના બળાત્કારી અમર, અકબર અને અન્થોનીએ હત્યા કરી હતી અને સજામાંથી છૂટી ગયા હતા. પરંતુ બહેન તેના પિતાના હત્યારા અને બહેનના બળાત્કારીઓને તેના ભાઈથી બચાવવા માટે છેક સુધી લડે છે. રક્ષાબંધને પોતાના ભાઈને રાખડી બાંધીને બહેન તરીકે ઇમૉશનલી મીઠી વાતોમાં ફસાવીને તેણે કઈ રીતે અમર અને અકબરને માર્યા તે જાણવા ટેપ રેકૉર્ડ કરે છે. કારણ? સિદ્ધાંત અને ફરજ!

‘આખરી રાસ્તા’માં પોલીસ અધિકારી દીકરો વિજય તેની માના બળાત્કારી-હત્યારા વકીલ, પોલીસ અને નેતાને બચાવવા તેના પિતા ડેવિડ સામે લડે છે. કારણ? સિદ્ધાંત અને ફરજ!

ફરીથી વર્તમાન રાજનીતિ પર આવીએ. જનતા પક્ષની સરકાર બની તો આરએસએસ અને ભાજપના બેવડા સભ્ય પદ ન ચાલે તેવા મુદ્દે જનસંઘના નેતાઓએ સરકાર છોડી દેવાનું પસંદ કર્યું. પરિણામ? અગિયાર વર્ષ વિપક્ષમાં અને તે પણ છેક સડસડાટ બે સભ્યો સુધી નીચે પહોંચી ગયા. એલ. કે. અડવાણી હવાલા કાંડમાં ફસાયા તો રાજીનામું આપી દીધું અને વડા પ્રધાન બનવાની તક ગુમાવી. ગુમાવી તે એવી કે પછી આવી જ નહીં. અટલજીએ મોરચા સરકાર બનાવી તો વિરોધીઓએ નેરેટિવ ચલાવ્યો- રામમંદિર, ૩૭૦ અને કૉમન સિવિલ કૉડ પડતા મૂક્યા! સિદ્ધાંતો સાથે સમજૂતી! ન ચાલે! મોંઘવારી ન ચાલે! પોખરણ પરીક્ષણ-કારગિલ વિજય-જી ૨૦માં સમાવેશ, ઊંચો જીડીપી બધું જ ભૂલી ગયા- ભૂલવાડી દેવાયું.

બાંગારુ લક્ષ્મણ કલ્પિત સોદો (એટલે કે વેશધારી પત્રકારોના સ્ટિંગમાં થયેલો સોદો)માં પક્ષ માટે એક લાખ રૂપિયા લેતા પકડાયા. પાણીચું આપી દેવાયું.

એ તો ભલું થજું અડવાણીનું અને બાળાસાહેબનું જેથી નરેન્દ્ર મોદી ૨૦૦૨નાં રમખાણોના પગલે ખુરશીમાંથી જતા બચ્યા. નહીંતર સિદ્ધાંતોના પાલનનો વધુ એક ભોગ મોદી બનવાના જ હતા.

આની સામે? નહેરુના કાળથી જીપ કૌભાંડથી લઈને કર્ણાટકમાં સિદ્ધરમૈયાની કૉંગ્રેસ સરકારમાં મધ્યમ વર્ગીય મુસ્લિમોને ડુબાડનાર આઈએમએ કૌભાંડ સુધી હારમાળા લાગે, ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોના કથિત આરોપી જગદીશ ટાઇટલર, એચ કે એલ ભગત, કમલનાથ છુટ્ટા ફરે, એટલું જ નહીં, મુખ્ય પ્રધાન પદે પણ બિરાજે, ૩૫૬ કલમોનો દુરુપયોગ થાય, રાજ્યપાલો અને વિધાનસભા અધ્યક્ષની ખુરશીનો દુરુપયોગ થાય, સીબીઆઈનો દુરુપયોગ થાય, અરે! લોકશાહીનું ખૂન કરી નાખતી કટોકટી લદાય તો પણ એ કટોકટીના અત્યાચારનો ભોગ બનેલી જનતા ત્રણ જ વર્ષમાં એ અત્યાચારની માતા ઈન્દિરાજીને ફરીથી સરકાર માટે જનાદેશ આપે! ૨૦૦૮ના, કદાચ આ દેશના સૌથી મોટા ત્રાસવાદી હુમલા- મુંબઈ હુમલા પછી તરત જ આવેલી ચૂંટણીમાં જનતા બધું જ ભૂલીને ફરીથી કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપીની સરકાર ચૂંટે! પિતાજી ફિરોઝ ગાંધી-સંજય ગાંધીને પરિવાર ભૂલી જાય – દેશ ભૂલી જાય તો ચાલે, સરદાર પટેલ, લાલબહાદુર શાસ્ત્રી, નરસિંહરાવને ભૂલી જાય તો ચાલે પણ નહેરુ-ઈન્દિરા-રાજીવને તો કદાપિ નહીં ભૂલવાના! ગઈ કાલે બે-બે કેસમાં મની લૉન્ડરિંગમાં વિવિધ ન્યાયાલયોના આદેશથી જેલમાં પુરાયેલા પૂર્વ ગૃહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ ને મળવા કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, હવે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વગેરે જાય અને કહે કે અમે તમારી સાથે છીએ. સોનિયા-રાહુલને નેશનલ હેરાલ્ડ કેસમાં ન્યાયાલયમાં હાજરી આપવા જવાનું હોય ત્યારે આખું લાવલશ્કર તેની સાથે જાય પરંતુ કૉંગ્રેસને ક્યારેય સિદ્ધાંતોની યાદ નહીં અપાવવાની. લાલુને ક્યારેય સિદ્ધાંતોની યાદ ન અપાવાય. એનસીપીને ક્યારેય સિદ્ધાંતોની યાદ ન અપાવાય. તે બધાં તો એવાં જ છે.

શિવસેના હિન્દુત્વના નામે મત લઈ આવીને હિન્દુત્વને ભૂલીને એનસીપી-કૉંગ્રેસ સાથે ઘર માંડે તો ચાલે, તેને કોઈ પ્રશ્ન નહીં પૂછવાના. કારણકે સિદ્ધાંતોનો ઠેકો તો માત્ર ભાજપે જ લીધો છે ને. તેણે કોઈ શૉર્ટ કટ નહીં લેવાના. પીડીપીનાં મુફ્તિ મોહમ્મદ સઈદ અને મહેબૂબા મુફ્તિ સઈદ સાથે સમાધાન કરીને સરકાર બનાવે તે ન ચાલે (જેમાં મહેબૂબાએ માતા ખીર ભવાની મંદિરમાં આરતી કરે, પથ્થરબાજને પકડીને જીપ આગળ બાંધીને લઈ જવાની સેનાની હિંમત ખુલે, ઉડી પછી સર્જિકલ સ્ટ્રાઇક થાય, સરકાર અંદર ઘૂસવાથી સિસ્ટમ જાણવા મળે તે બધું ન ચાલે) પછી ભલે ને એ સિસ્ટમ જાણ્યા પછી જ કલમ ૩૭૦ દૂર કરવાનો રસ્તો જડ્યો હોય. અમારે તો પરિણામથી જ મતલબ છે. ૩૭૦ દૂર થવી જોઈએ. પરંતુ તેના માટે તમે પીડીપી સાથે સરકાર કેવી રીતે બનાવી શકો?

રામમંદિર બનવું જોઈએ પરંતુ જે ઈમારત મુસ્લિમોના પૂજાસ્થાન તરીકે ઘણાં વર્ષોથી વપરાતી જ નહોતી તે પાડી કેવી રીતે શકાય? પણ હા પાડ્યા વગર એએસઆઈએ ત્યાંથી શોધી કાઢવાનું કે તેની નીચે મંદિરના અવશેષો હતા. સિદ્ધાંત સાથે સમજૂતી? નોઈ ચોલબે!

પણ આ રોગ મને-તમને આપણને સહુને- સંઘ પરિવારના લોકોને કે હિન્દુ સમાજને આજનો નથી. અગાઉ કહ્યું તેમ મહાભારતકાળથી બધું ચાલ્યું આવે છે. મહાભારતમાંથી બોધપાઠ ન લીધો અને તે પછી રાજાઓ- યુદ્ધના નિયમો ન પાળનાર મોગલો અને અંગ્રેજો સામે નીતિથી લડતા રહ્યા. ગઝની હોય કે ઘોરી, ક્યારેય પીછો કરીને તેમના પ્રદેશમાં જઈને આક્રમણ ન કર્યું. સામેનો પક્ષ ગાયને આગળ કરે તો યુદ્ધ નહીં લડવાનું. અંગ્રેજો જલિયાવાલાં બાગ કરે, ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપે, વીર સાવરકરને જન્મટીપ આપે પણ અહિંસાથી આંદોલન કરવાનું. ચાહિયે હમેં આઝાદી બિના ખડક બિના ઢાલ! સાબરમતી કા સંત હી કરેગા કમાલ! સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજ ન બનાવી હોત તો? ના, ના, બનાવી જ નહોતી જોઈતી. અંગ્રેજો પર જાપાન અને જર્મની સાથે મળીને દબાણ લાવવાની શી જરૂર? અંગ્રેજો તો ૧૮૫૭થી જ સ્વતંત્રતા આપી દેવાના હતા ને.

પાકિસ્તાન કબાઈલીઓને આગળ કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કરે, અડધું કાશ્મીર પચાવી પાડે તો પણ તેના ભાગના ૫૩ કરોડ રૂપિયા તો આપવાના જ. નહીંતર અમે (ગાંધીજી) ઉપવાસ કરીશું. સિદ્ધાંત અને ન્યાયનો સવાલ છે. પાકિસ્તાન ૧૯૪૭થી લઈને ૨૦૧૬ સુધી ઉડીમાં સૂતેલા લોકોને મારીને ચાલ્યા જાય પણ આપણે પાકિસ્તાનમાં સૂતેલા લોકો પર હુમલો ન કરાય. અરે! આપણે તો પાકિસ્તાન પર હુમલો જ ન કરાય. ‘અમન કી આશા’ જ કરાય. તેનાં ગાયકો- અભિનેતા-અભિનેત્રીઓને બોલાવાય. ક્રિકેટ રમાય. ‘પંછી નદીયાં પવન કે ઝોંકે કોઈ સરહદ ના ઈન્હેં રોકે’, ‘મેરે દુશ્મન મેરે ભાઈ મેરે હમસાયે’ જેવાં (આજકાલ ખૂબ અકળાયેલા) જાવેદસાહેબનાં સુંદર ગીતો જ ગવાય. ‘મૈં હૂં ના’માં હિન્દુ સૈનિકને વિલન ચિતરાય. તેના વડા પ્રધાન અંગત મુલાકાતે આવે તો પણ બિરયાની સહિત પાર્ટી અપાય, પછી ભલે ને તેના થોડા વખત પહેલાં જ આપણી સરહદની અંદર આવીને આપણા બે સૈનિકોનાં માથાં વાઢીને તેના સૈનિકો આરામથી ચાલ્યા ગયા હોય.

ક્રિકેટમાં શારજાહમાં વર્ષો સુધી ફિક્સિંગનો ભોગ બનતા રહ્યા. ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવા જતા તો ત્યાં પણ અમ્પાયરોની અંચઈ, હરીફ ટીમના ક્રિકેટરોની ગાળો અને ઘણી વાર ખરાબ પ્રકાશનો ભોગ બનતા રહ્યા. પણ અવાજ ન ઉઠાવાય. મહેન્દ્ર ધોનીનો તો તાજેતરનો જ દાખલો છે વિશ્વ કપનો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાનમાં નમાઝ પઢે તે ચાલે, પણ ધોની સેનાનો બૅજ કઈ રીતે રાખી શકે? અને સૌથી મોટું બજાર ભારત હોય, ટીઆરપી, ઍડ વગેરે રેવન્યૂ ભારત લાવતું હોય અને જો રમવાની ના પાડી દે તો વિશ્વ કપનું આયોજન જ ખોરવાઈ જાય તેમ છતાં ભારતનું બીસીસીઆઈ (જેમાં ભાજપના જ નેતાઓ કર્તાહર્તા છે) નીચી મુંડીએ સ્વીકારી લે! સિદ્ધાંત કા સવાલ હૈ ભાઈ!

તો કરવાનું શું? ભાજપને પણ કૉંગ્રેસ જેવો થવા દેવાનો? તે તો થઈ જ ગયો છે. હવે શું બાકી છે?

ના. ન જ થવા દેવાય. રોકવાનો. જેટલો બગડ્યો છે ત્યાંથી પાછો લાવવાનો છે. ભલે વિપક્ષામાં બેસવું પડે તો ચાલશે. સિદ્ધાંતોના પથ પરથી તે એક ડગલું પણ ખસે તે નહીં ચાલે. તેણે બધાં પરિણામો મેળવવાનાં છે. અખંડ ભારત કરવાનું છે. ભારતને પુનઃ વિશ્વ ગુરુ બનાવવાનો છે. પરંતુ આ બધું સિદ્ધાંત પર ચાલીને કરવાનું છે. કેમ? આપણા મહાભારતકાર લખી ગયા છે, પાંડવોને નરક મળે છે. જે સજ્જન હોય છે તેને નાની અમથી ભૂલની પણ મોટી સજા મળે છે. દેવી-દેવતાઓની જરા સરખી ભૂલ પર મોટો શાપ મળી જતો હતો. શકુંતલાનો કિસ્સો તો બધાં જાણે જ છે. સીતાજીને તો કોઈ શાપ પણ નહોતો મળ્યો તો પણ બબ્બે વાર અગ્નિપરીક્ષા આપવી પડી.

લક્ષ્ય તો મહાન હોવું જ જોઈએ, તેને મેળવવાનો રસ્તો પણ શું એટલો જ મહાન હોવો જોઈએ? શ્રી રામ-રાવણનું યુદ્ધ હોય ત્યારે બરાબર, પણ મહાભારતનું યુદ્ધ હોય ત્યારે પણ પાંડવોએ નીતિનિયમોના પાલનથી યુદ્ધ કરવાનું? આ દ્વંદ હંમેશાં સિદ્ધાંતવાદીઓને રહે છે. તેનાથી ફાયદો થાય છે કે નુકસાન તે તાત્કાલિક ખબર નથી પડતી, તે તો ઇતિહાસમાં જોઈએ ત્યારે જ ખબર પડે છે.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment