Home » પ્રત્યૂષા: સેક્સ, ડ્રગ્ઝ અને નાણાંની છેતરપિંડીનો સુશાંત જેવો જ કિસ્સો

પ્રત્યૂષા: સેક્સ, ડ્રગ્ઝ અને નાણાંની છેતરપિંડીનો સુશાંત જેવો જ કિસ્સો

by Jaywant Pandya

સબ હેડિંગ: પ્રત્યૂષાના ખભે ચડીને રાહુલરાજસિંહ ટીવીમાં કામ મેળવવા માગતો હતો. તેણે પ્રત્યૂષાના લાખો રૂપિયા ઉપાડ્યા. પ્રત્યૂષાને તેનાં માતાપિતાથી વિમુખ કરી દીધી. તે તેને ગાળો દેતો, મારતો હતો. તેની પ્રેમિકા (હવે તેની પત્ની) સલોની પણ પ્રત્યૂષાને મારતી હતી. રાહુલે અનેક યુવતીઓને ફસાવી તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. પણ હજુ સુધી તેની સામે ન તો મહાન મુંબઈ પોલીસે આરોપો ઘડ્યા છે કે ન તો કેસમાં ખટલો ચાલુ થયો છે! રાહુલ જામીન પર છુટ્ટો ફરી રહ્યો છે!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨૦/૯/૨૦૨૦)

(ગતાંકથી ચાલુ)

દિવ્યા ભારતીના શંકાસ્પદ મૃત્યુને તરત જ આત્મહત્યામાં ખપાવી કેસ બંધ કરીદેવો, તેનાં લગ્ન જાહેર ન થવાં…ઝિયા ખાનની હત્યાને પણ પહેલાં આત્મહત્યામાં ખપાવી દેવી પણ ત્યાં સુધીમાં સૉશિયલ મિડિયા અને મિડિયાની સંખ્યા વધતાં, દાદાગીરી અને ગુંડાગીરી માટે જાણીતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સામે કેસ નોંધાવો, પણ તેમાં પૈસાના કારણે સલમાન ખાનનું સીબીઆઈ પર દબાણ….આ બે કેસ આ કૉલમમાં તમે વાંચ્યા. હવે ‘બાલિકા વધૂ’ ફેમ યુવાન, લોકપ્રિય અને આશાસ્પદ બંગાળી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જી વિશે જાણીએ.

પ્રત્યૂષાને ‘બાલિકા વધૂ’, ‘ઝલક દિખલા જા’ વગેરે શૉના કારણે ખૂબ જ લોકપ્રિયતા અને નાણાં મળી રહ્યા હતા. તે મુંબઈમાં એકલી રહેતી હતી. તેના જીવનમાં રાહુલરાજસિંહ નામના એક વ્યક્તિનો પ્રવેશ થયો. પ્રત્યૂષા અને સુશાંતના કેસમાં કેટલી સમાનતા છે તે તમને અનેક ઉદાહરણથી દેખાઈ આવશે. અને એ પણ જણાશે કે પ્રેમમાં આંધળા થઈને યુવાન-યુવતીઓ પોતાના પરિવારથી વિમુખ થઈ જતા હોય છે. તેમને સારા-ખોટાનું ભાન નથી થતું. તેઓ પોતાનું તન-મન-ધન બધું જ પોતાના પ્રેમી-પ્રેમિકાને અર્પી દે છે. માબાપ તેમને સાચું સમજાવવા જાય તો તેમને તે કડવાં લાગે છે.

આ રાહુલરાજસિંહ કોણ હતો? પ્રત્યૂષાનાં માતાપિતા અને ટીવી ઉદ્યોગના લોકો કહે છે કે તેની ઓળખ એક સંઘર્ષરત્ અભિનેતા તરીકે છે. તે પ્રત્યૂષાના સંપર્કોનો ઉપયોગ કરીને પોતે કામ અને નામ કમાવવા માગતો હતો. સુશાંત અને રિયાના કેસની જેમ અહીં પણ તમને સામ્યતા લાગશે. બીજી સામ્યતા એ છે કે સુશાંત-રિયાની જેમ જ પ્રત્યૂષા-રાહુલના પરિચય/પ્રેમને માત્ર એક જ વર્ષ થયું હતું. બંને જમશેદપુરનાં હતાં. એક વર્ષમાં જ તેમની વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા.

પ્રત્યૂષાની બહેનપણી અને અભિનેત્રી સારા ખાન મુજબ, “રાહુલ ડિંગો બહુ મારતો હતો. તેણે એક ‘માતા કી ચોકી’માં કામ કર્યું હતું. તે પોતે નિર્માતા હોવાની અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી હોવાની ડિંગો પણ મારતો હતો.” પ્રત્યૂષાની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે “રાહુલ બે પ્રૉડક્શન હાઉસ, ચાર એપાર્ટમેન્ટ, ત્રણ વાહન અને રાંચીમાં ૧૫૦ ઍકરનો પ્લૉટ હોવાની શેખી મારતો હતો.”

ભાગ ૧: દિવ્યા ભારતીનો કિસ્સો કંગના રનૌતની વાત સાચી ઠરાવે છે

રાહુલે પ્રત્યૂષાને મીઠી મીઠી વાતો કરી તેની સાથે પ્રત્યૂષાના શંકાસ્પદ મૃત્યુના બે મહિના પહેલાં મંદિરમાં લગ્ન કરી લીધા હતા, તેમ પ્રત્યૂષાની પિતરાઈ સુરભિ ચેટર્જીએ કહ્યું હતું. સારા ખાને પણ કહ્યું હતું કે પ્રત્યૂષાએ તો પોતાના માથામાં રાહુલના નામનું સિંદૂર લગાડવાનું ચાલુ કરી દીધું હતું.

પણ રાહુલે તેની ઍર હૉસ્ટેસ પત્નીથી અગાઉ છૂટાછેડા લઈ લીધા હતા અને તે માત્ર પ્રત્યૂષાને નિષ્ઠાવાન (વફાદાર) નહોતો. તેનું અભિનેત્રી સલોની શર્મા સાથે પાંચ વર્ષથી ચક્કર ચાલુ હતું. પ્રત્યૂષાના મૃત્યુ વખતે સલોનીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચાલુ કરવાના નામે તેના પિતા પાસેથી રૂ. ૨૫ લાખ પડાવી લીધા હતા.પરંતુ બે વર્ષ પહેલાં ૧૬ નવેમ્બરે એ સલોનીએ રાહુલ સાથે લગ્ન કરી લીધાં!

રિયા ચક્રવર્તીની જેમ જ રાહુલ પ્રત્યૂષાનો માત્ર તેના ટીવી ઉદ્યોગમાં સંપર્કો માટે ઉપયોગ કરવા નહોતો માગતો, પણ તેના તન અને ધનનો પણ ઉપયોગ કરી રહ્યો હતો. એટલું જ નહીં, સુશાંત-રિયાની જેમ પ્રત્યૂષા પણ ડ્રગ્ઝની વ્યસની બની હોવાના સમાચારો આવ્યા હતા. એક મનોરંજન વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રત્યૂષાના પિતાએ ડ્રગ્ઝના આક્ષેપો અંગે કહ્યું હતું, “પતા નહીં યે કૈસે હુઆ.” માતાએ કહ્યું, “અબ યંગ બચ્ચે હૈં, બંધ રૂમ મેં ક્યા કરતે હૈં, અમને કેવી રીતે ખબર?” પિતાએ કહ્યું, “ફ્રેન્ડ સર્કલ મેં પાર્ટી મેં કુછ હો ગયા, એનો અર્થ એ નથી કે તે વ્યસની હતી.” આ ઇન્ટરવ્યૂમાં પ્રત્યૂષાના પિતાએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે રાહુલનું તેનાથી મોટી ઉંમરની અભિનેત્રી સાહિલા ચઢ્ઢા (‘હમ આપ કે હૈં કૌન’માં જેઠાલાલ-દિલીપ જોશીની પ્રેમિકા બને છે તે) સાથે પણ ચક્કર હતું. સાહિલા સંજય દત્તના પિતરાઈ નિમય બાલીની પત્ની છે. પણ રાહુલના કારણે નિમય સાહિલાને છોડી ગયો હતો. ૨૦૧૭માં એક મનોરંજન વેબસાઇટના અહેવાલ મુજબ, રાહુલ પ્રત્યૂષાના મૃત્યુ પછી સાહિલાના ભવ્ય ઘરમાં રહેવા લાગ્યો હતો. અને આથી નિમયને તેના એક સાથી સાથે ગોરેગાંવમાં ભાડે ફ્લેટ રાખવાની ફરજ પડી હતી! રાહુલ નિમયના કબાટમાંથી તેના કપડાં પણ પહેરવા લાગ્યો હતો અને અંધેરીમાં સાહિલાની કાર ચલાવતો પણ નજરે પડ્યો હતો. આ બધું તેની તસવીરો દ્વારા ખબર પડી હતી. અને સાહિલા એ વ્યક્તિ હતી જે પ્રત્યૂષાના શંકાસ્પદ મૃત્યુના વિવાદ વખતે ચુસ્ત રીતે રાહુલની પડખે ઊભી રહી હતી.

ભાગ ૨:  ઝિયા ખાન: મુંબઈની જાંબાઝ પોલીસે પહેલા જ દિવસે આત્મહત્યા જાહેર કરેલી

રાહુલ અને પ્રત્યૂષાના કથિત પ્રેમની વાત જૂન ૨૦૧૫થી ચાલુ થઈ અને ૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ પ્રત્યૂષાની પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવેલી લાશ સાથે પૂરી થઈ. પ્રત્યૂષાની માતા સોમા તેમની દીકરી સાથે રહેવા આવતા હતા પણ રાહુલ ઘરમાં જ રહેતો હતો. સોમાએ પ્રત્યૂષાને રાહુલ બરાબર વ્યક્તિ ન હોવાનું કહેલું પણ પ્રત્યૂષા રાહુલના પ્રેમમાં આંધળી હતી. બંને જૂન ૨૦૧૫માં પ્રેમમાં પડ્યાં અને રાહુલ ઑક્ટોબર ૨૦૧૫થી તેનો વર્સોવામાં તે જ્યાં રહેતો હતો તે ઘર છોડીને કાંદિવલીમાં પ્રત્યૂષાના ઘરમાં સાથે રહેવા આવી ગયો. પણ થોડા જ સમયમાં રાહુલનું અસલી સ્વરૂપ પ્રત્યૂષાને દેખાવા લાગ્યું. તે પ્રત્યૂષાના ચક્કર અંગે શંકા કરતો. તેના પુરુષ મિત્રો અંગે પૂછપરછ કરતો. આ માટે તેને માર મારતો અને માનસિક રીતે પણ ત્રાસ આપતો. ગાળો દેતો. (દિવ્યા-ઝિયા-સુશાંત જેવું જ થયું) રિયા ચક્રવર્તીની જેમ તે પ્રત્યૂષાના ડેબિટ કાર્ડે જલસા કરતો.

રાહુલે પ્રત્યૂષાના બૅન્ક ખાતા સાથે તેની માતા સોમાનું નામ હતું તે કઢાવડાવી નાખ્યું હતું. આથી સોમાના મોબાઇલ પર પ્રત્યૂષાના બૅન્ક ખાતાની લેવડદેવડની વિગતો એસએમએસ દ્વારા મળતી નહોતી. (સુશાંતસિંહ પણ છેલ્લે તેના બૅન્ક ખાતા સાથે સંકળાયેલ મોબાઇલ નંબર બદલવા માગતો હતો.) પ્રત્યૂષાના પિતાના કહેવા પ્રમાણે, રાહુલના ખિસ્સામાં ક્યારેય સો રૂપિયાથી વધુ નાણાં જોવાં ન મળે. પ્રત્યૂષાના મૃત્યુ પછી બૅન્કમાંથી વિગતો મેળવી તો ખબર પડી કે પ્રત્યૂષાની માતાનું નામ પ્રત્યૂષાના બૅન્ક ખાતામાંથી કઢાવી નખાયું તે પછી ઓછામાં ઓછા પચાસ લાખ તેના ખાતામાંથી ઉપાડાયા હતા. (ડિટ્ટો સુશાંત-રિયા કેસ) રાંચીમાં કુલદીપ જ્વેલર્સ દુકાનમાંથી ઘણું બધું સોનું ખરીદવામાં આવ્યું હતું.

પ્રત્યૂષા તેની માતા તેને કડવી સલાહ આપતી હોવાથી તેનાથી કટ ઑફ થઈ ગઈ હતી (અથવા કરી દેવામાં આવી હતી) પણ તેની આંટી અને અંકલ સાથે તે સંપર્કમાં રહેતી હતી. મૃત્યુ પહેલાં જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં અને ૩૧ માર્ચે તેના મૃત્યુના આગલા દિવસે તેણે અંબરનાથમાં રહેતાં તેનાં આ આંટીને ફૉન કરી તેને રાહુલ મારતો અને ગાળો દેતો હોવાનું કહ્યું હતું. આંટીએ તેને સાંત્વના આપી હતી અને પોતાની સાથે રહેવા આવી જવા કહ્યું હતું. (સુશાંત પણ તેના મૃત્યુના થોડા મહિના પહેલાં ચંડીગઢ તેની બહેન નીતુસિંહના ઘરે થોડા દિવસ રહેવા ગયો હતો.) જોકે અહીં પ્રત્યૂષા કદાચ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૬માં તેનાં આંટીના ઘરે ગઈ હતી પણ ૩૧ માર્ચ પછી ગઈ નહોતી. ગઈ હોત તો કદાચ બચી ગઈ હોત…

જાન્યુઆરીમાં તે જ્યારે તેનાં આંટીના ઘરે ગઈ ત્યારે તેણે તેમને પોતાના શરીર પર મારના ઘા બતાવ્યા હતા. પ્રત્યૂષાએ કહ્યું હતું કે તેને રાહુલરાજસિંહ તેના પુરુષ મિત્રો અને ઍક્સ બૉયફ્રેન્ડ સાથે ચક્કરની શંકાએ મારતો હતો અને ગાળો દેતો હતો. તેણે એમ પણ ધમકી આપી હતી કે જો પ્રત્યૂષા તેના પરિવારને આ વાત (માર મારવાની વાત) કરશે તો તેના પરિવારનો વિનાશ કરી નાખશે.

પ્રત્યૂષાની આ મુલાકાત પછી પ્રત્યૂષાના અંકલે પ્રત્યૂષાની માતા સોમાને જાણ કરી હતી કે હવે પ્રત્યૂષા રાહુલ સાથે રહેવા નથી માગતી. અંકલે પ્રત્યૂષાને જમશેદપુર તેનાં માતાપિતા પાસે રહેવા જવા માટે ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી.

ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન પણ પ્રત્યૂષા તેની આ આંટીના ઘરે ગઈ હતી. ત્યારે પણ તેણે આ વાત કરી હતી અને કહ્યું હતું કે રાહુલ દારૂનો નશો કરીને તેને બહુ મારતો હતો. (અને આપણે ત્યાં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા અને વડોદરાનાં રાધિકારાજ ગાયકવાડ ટુરિઝમના નામે દારૂ પર પ્રતિબંધ ઉઠાવી લેવાની તરફેણ કરે છે!) પ્રત્યૂષાની માતા સોમા અને તેના ઘરની કામવાળી/કામવાળો પ્રત્યૂષાને રાહુલ દ્વારા મરાતા મારની અને ગાળો આપવાનાં સાક્ષી હતાં. સોમાએ પોલીસ સમક્ષ આપેલા નિવેનદમાં કહ્યું કે રાહુલે પ્રત્યૂષાની તેનાં માતાપિતા સાથે વાતચીત બંધ કરાવી દીધી હતી. (ડિટ્ટો રિયા ચક્રવર્તી જેવું. કદાચ રિયાને દુષ્પ્રેરણા આ કેસમાંથી જ મળી હોઈ શકે.)

એક તબક્કે પ્રત્યૂષાનાં માતાપિતા પ્રત્યૂષા સાથે રહેતા હતા, પણ રાહુલ પણ તેમની સાથે જ રહેતો હતો. પોતાની દીકરી આ રીતે પોતાની નજર સામે હેરાન થતી હોય તે માતાપિતા કેમ જોઈ શકે? દીકરીને સમજાવી પણ માનતી નહોતી. સોમાનું કહેવું હતું કે તેમને ઘણા ઝઘડા થતા. પ્રત્યૂષા રાત્રે તેના રૂમમાં રડતી હોય તેનો અવાજ તેમને સંભળાતો. તે દખલ દેતી પણ તેનાથી કોઈ ફરક પડતો નહોતો. આથી છેવટે જાન્યુઆરી ૨૦૧૬માં પ્રત્યૂષાનાં માતાપિતા જમશેદપુર પાછાં ચાલ્યાં ગયાં.

સોમાનું કહેવું છે કે પ્રત્યૂષા કો વો (રાહુલ) કરીબ કરીબ પાગલ કર ચૂકા થા. (કદાચ ડ્રગ્ઝની ટેવ પાડીને- અને સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચન જેવા મહાન અભિનેત્રી ડ્રગ્ઝનો વિરોધ કરવાના બદલે ભાજપ સાંસદ રવિ કિશનનો વિરોધ કરી જિસ થાલી મેં ખાતે હૈ ઉસી મેં છેદ કરતે હૈ તેવું કહે છે. જયાજી, અત્યારે ઘણા ફિલ્મ કલાકારોની થાળીમાં ડ્રગ્ઝ જ છે. જે તસવીરો ફરે છે તે મુજબ તો કદાચ મહાન પરિવારની- અભિનેત્રી નહીં તેવી શ્વેત રંગી દીકરી પણ આની વ્યસની હોઈ શકે.)

પ્રત્યૂષાના વકીલે આક્ષેપ કર્યો હતો કે રાહુલે પ્રત્યૂષાને વેશ્યાવૃત્તિમાં બળજબરીથી ધકેલી હતી. ઝિયાએ છેલ્લે સૂરજ પંચોલી માટે કાગળ લખ્યો હતો તો પ્રત્યૂષાએ રાહુલ સાથે છેલ્લી જે વાતચીત કરી હતી તેની ટ્રાન્સ્ક્રિપ્ટ મુંબઈના એક સમાચારપત્રએ છાપી હતી. તેમાં પ્રત્યૂષાએ કહ્યું હતું, “તું બા×××ડ માણસ છો. મેં દરેક ચીજ માટે ઘણી મહેનત કરી છે. હું અહીં મારી જાતને વેચવા નથી આવી. હું અહીં અભિનય કરવા આવી છું. અને તેં મને આજે ક્યાં લાવીને મૂકી દીધી છે. રાહુલ, તને ખબર નથી કે હું અત્યારે કેટલું ખરાબ અનુભવી રહી છું.” પ્રત્યૂષાના વકીલે કહ્યું કે પ્રત્યૂષાની રાહુલ સાથે આ વાતચીત તેના મૃત્યુના થોડા સમય પહેલાં જ થઈ હતી.

ઝિયા ખાન પણ સૂરજ સાથે લગ્ન વગર ગર્ભવતી થઈ હતી અને પછી તેનું બાળક સૂરજના ઘરે પડાવી નખાયું હતું. તેનાથી તે પડી ભાંગી હતી. (આ અભિનેત્રીઓ ગમે તેટલી આધુનિક દેખાતી હોય પણ હોય તો અંદરથી ભારતીય નારી જ ને.) પ્રત્યૂષાની તબીબી તપાસમાં જણાયું હતું કે તે મૃત્યુ પહેલાં ગર્ભવતી થઈ હોઈ શકે. પ્રત્યૂષાની માતાનો આક્ષેપ છે કે રાહુલે તેની હત્યા કરી હતી.

પ્રત્યૂષા અને સલોની સિવાય બીજી ચાર મહિલાઓને પણ રાહુલે છેતરી હતી. એક હીર પટેલે આક્ષેપ કર્યો હતો કે તેણીને હિરોઇન અને પોતાને હીરો તરીકે લઈ રાહુલે ફિલ્મ બનાવવાના નામે રૂ. ૨૫ લાખ તેની પાસેથી પડાવ્યા હતા. આ જ રીતે એક કેશા ખંભાતી નામની અભિનેત્રી જે દક્ષિણની ફિલ્મોમાં કામ કરે છે, તેની પાસેથી રૂ. ૨.૫ લાખ પોતાના ઘરનું ભાડું ચૂકવવાના નામે પડાવ્યા હતા. જ્યારે પૈસા માગ્યા ત્યારે તે બહાનાં કાઢવાં લાગ્યો હતો. તેણે કેશાને મારી નાખવા ધમકી આપી તે પછી કેશાએ પોલીસ ફરિયાદ કરી હતી. કેશાના કહેવા પ્રમાણે, રાહુલ ક્યારેય એક જગ્યાએ રહેતો નથી. આ તેની મૉડસ ઑપરેન્ડી છે. આ જ રીતે બે ગૃહિણીઓ શોભાસિંહ અને શીતલ માલવિયા પાસેથી પણ રાહુલે અનુક્રમે રૂ. ૭ લાખ અને રૂ. ૮ લાખ પડાવ્યા હતા. તેમને તેણે પોતાની કંપનીમાં મૂડીરોકાણ કરવાના બહાને છેતરી હતી.

પણ આ આખા કેસમાં, ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર અને સંજય રાઉત જેની સરખામણી સ્કૉટલેન્ડ પોલીસ સાથે કરે છે તે મુંબઈ પોલીસ અને ન્યાયાલયની ભૂમિકા કેવી રહી? પ્રત્યૂષાનાં માબાપ કહે છે કે તેમને પ્રત્યૂષાના પૈસે ખરીદાયેલાં તેનાં કપડાં અને એવૉર્ડ ટ્રૉફીઓ અપાઈ નહીં. સોનાની તો વાત જ દૂર રહી. તેમણે પોલીસ કમિશનરને ફૉન કરીને પ્રત્યૂષાની કથિત આત્મહત્યા જે રૂમમાં થઈ તે રૂમ જોવા માગ્યો. (આ રૂમ સીલ કરી દેવાયો પણ સુશાંતના રૂમને સીલ ન કરાયો) તેમને જણાવવામાં આવ્યું કે તેઓ જ્યાં સુધી ત્યાં છે ત્યાં સુધી રૂમ નહીં ખોલાય! તેઓ ચાલ્યા ગયાં પછી રૂમ ખોલાયો હતો પણ તેની જાણ તેમને (પ્રત્યૂષાનાં માબાપને કરાઈ નહોતી). આના પર નમ્રતાથી જવાબ આપવાના બદલે મહારાષ્ટ્ર પોલીસે કહ્યું: “આપ કૌન હોતે હૈં ડિસાઇડ કરનેવાલે કિ રૂમ કબ ખોલા જાયે ઔર કબ બંધ કિયા જાયે?”

આ કેસમાં સલોનીની ભૂમિકા પણ ઓછી શંકાસ્પદ નથી. સોમા જ્યારે જમશેદપુર પાછાં ચાલ્યાં ગયાં તે પછી પ્રત્યૂષાના કામવાળા/કામવાળીએ ફૉન કરી સોમાને કહેલું કે સલોની પ્રત્યૂષાના ફ્લેટમાં આવી હતી અને તેણે પ્રત્યૂષાને માર માર્યો હતો. તે વખતે રાહુલ ઘરમાં જ હતો અને તે શાંતિથી જોઈ રહ્યો હતો! સલોની પાસે પ્રત્યૂષાના ફ્લેટની ડુપ્લીકેટ ચાવી હતી!

આટલી બધી ઘટનાઓ રાહુલની સામે હોવાથી છેવટે રાહુલ પર પ્રત્યૂષાને આત્મહત્યા માટે ઉશ્કેરી તેવો આરોપ જરૂર લગાડ્યો. તેની ધરપકડ પણ કરાઈ પરંતુ પછી જામીન પર છોડી દેવાયો. રાહુલના પિતાનું કહેવું છે કે પ્રત્યૂષાને પૈસાની તકલીફ થઈ ગઈ હતી અને પ્રત્યૂષાનાં માતાપિતા વીમા માટે હત્યાની વાત કરી રહ્યા છે. (ડિટ્ટો રિયાના વકીલ પણ આવું જ કહે છે)

પરંતુ ૧ એપ્રિલ ૨૦૨૦એ આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રત્યૂષાનાં માતાપિતાએ બળાપો કાઢ્યો છે કે અમારી દીકરીના મૃત્યુને બે વર્ષ થઈ ગયાં. હજુ ખટલો શરૂ નથી થયો અને પોલીસે આરોપ ઘડ્યા નથી. આટલા બધા મિડિયા કવરેજ છતાં આ સ્થિતિ છે. રાહુલ જામીન પર છુટ્ટો ફરે છે.

મુંબઈ સ્થિત હિન્દી ફિલ્મ-ટીવી સેક્સ, ડ્રગ્ઝ અને રાહુલ જેવા અપરાધીઓ તેમજ મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, સોનમ કપૂર આહુજા, કરીના કપૂર ખાન જેવાં રાષ્ટ્રવિરોધી ડાબેરી હિન્દુ વિરોધી તત્ત્વોથી ખદબદી રહી છે અને હવે તો કર્ણાટકમાં કન્ન્ડ ફિલ્મ કલાકારોમાં પણ આ બધું બહાર આવી રહ્યું છે.

વાત માત્ર ફિલ્મ કલાકારોની નથી. અત્યારે બહુ મોટી સંખ્યામાં લાખો તરુણ-તરુણી અભ્યાસ અને નોકરી અર્થે મહાનગરોમાં આવે છે. એકલા અથવા પી.જી. તરીકે રહે છે. તેઓ આ રીતે કહેવાતા પ્રેમ-નાણાં અને સેક્સના ચક્કરમાં ફસાતા હશે. અને એટલે જ માબાપોએ-તરુણ-તરુણીઓએ સાવધ થવાની જરૂર છે અને આવાં તત્ત્વો સામે અવાજ ઉઠાવવાની જરૂર છે.

(સમાપ્ત)

 

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

1 comment

Pradeep Gala 20/09/2020 - 4:36 PM

ભયજનક પરિસ્થિતિ છે. અને સરકાર બધામાં ભાગીદાર છે.

Reply

Leave a Comment