Home » સિગ્મંડ ફ્રૉઇડની વાહવાહ, ગિરીન્દ્રશેખર બોઝની ઉપેક્ષા!

સિગ્મંડ ફ્રૉઇડની વાહવાહ, ગિરીન્દ્રશેખર બોઝની ઉપેક્ષા!

by Jaywant Pandya

સબ હેડિંગ: ભારતમાં હિન્દુ તત્ત્વચિંતનને વણીને સાઇકૉએનાલિસિસ આપનાર ગિરીન્દ્રશેખર બોઝની ઉપેક્ષા કરાય છે. જ્યારે સિગ્મંડ ફ્રૉઇડની વાહવાહ. હકીકતે ફ્રૉઇડ અવૈજ્ઞાનિક, વિકૃતિથી સભર, અને કૉકેઇનનો વ્યસની હતો. સ્ત્રીઓ નબળી, નકામી, ઈર્ષાળુ, અન્યાયી અને સમાજમાં સમસ્યારૂપ છે તેમ માનતો હતો. તેણે એક મહિલા દર્દીની ઉધરસ માટે તેના અચેતન મનમાં રહેલી પિતા પ્રત્યેની જાતીય ઈચ્છાને જવાબદાર ગણાવી હતી!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૧/૦૮/૨૦૨૧)

ગયા અંકે આપણે જોઈ ગયા કે સંસ્કૃત ભાષા શીખવામાં જર્મનીના લોકોની વિશેષ રુચિ છે. જર્મનીની હૈદલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટે સંસ્કૃત સંભાષણની ઉનાળુ સ્કૂલ વર્ષ ૨૦૦૦માં સ્વિત્ઝર્લેન્ડ, ઈટાલી અને ભારતમાં શરૂ કરી હતી. હૈદલબર્ગ યુનિવર્સિટીમાં ભણતી મેડિકલ વિદ્યાર્થિની ફ્રાનેકેસ્કા લુનારીની વાત જાણવા જેવી છે. તે કહે છે કે સાઇકૉએનાલિસિસ ભણવા બંગાળી શીખવી જરૂરી છે કારણકે ઑરિએન્ટલ સાઇકિયાટ્રીના સ્થાપક ગિરીન્દ્રશેખર બોઝે બંગાળીમાં કામ કર્યું છે અને તેમનો અભ્યાસ કોઈ કરતું નથી. ભારતમાં પણ નહીં. અને આ માટે સંસ્કૃત શીખવું પ્રથમ પગથિયું છે.”

આ વાત બે રીતે મહત્ત્વની છે. આપણે ત્યાં ઠોકી બેસાડાયું છે કે ઉચ્ચ શિક્ષણ તો અંગ્રેજીમાં જ મળી શકે. હવે તો પ્રાથમિક શિક્ષણમાં માત્ર ક્રિયાપદ પૂરતું જ ગુજરાતી હોય તેમ લાગે છે. આપણે સહુ પૃષ્ઠતાણ, ઘનતા, શ્રેણિક, મધ્યક વગેરે ગુજરાતીમાં ભણ્યા તે આપણે નસીબદાર. ગુજરાતીમાં ભણ્યા તેથી અંગ્રેજી ખરાબ છે તેમ કહેવું ખોટું છે. અંગ્રેજીમાં ભણનારા લોકોનું અંગ્રેજી સારું હોય તે ભ્રમ છે. કોઈ પણ દેશમાં ભણવા કે નોકરી કરવા જાવ તો ત્યાંની ભાષા શીખવી પડે છે. રશિયામાં રશિયન, જર્મનીમાં જર્મન, ફ્રાન્સમાં ફ્રેન્ચ, અમેરિકામાં અમેરિકી છાંટવાળી અંગ્રેજી એ રીતે ભાષા શીખવી અને પરીક્ષામાં ગુણ મેળવવા જરૂરી છે. પરંતુ ભારત એવો દેશ છે જ્યાં અંગ્રેજી આવડતી હોય તો દેશમાં પ્રવેશ મળી જાય છે. પરંતુ જે લોકો અભ્યાસ (ભણવાનો નહીં, પણ કંઈક ઊંડું શીખવાનો) કરવાના ખંતીલા છે તેઓ જાણે છે કે ભારતની ભાષાઓ શીખવી જરૂરી છે. એટલે જ ફ્રાનેકેસ્કાએ સંસ્કૃત અને બંગાળી શીખવાનું ચાલુ કર્યું હતું.

બીજો મુદ્દો. ગિરીન્દ્રશેખર બોઝનો. ભારતમાં મનોચિકિત્સા અને સેક્સની કૉલમો લખનારાઓએ સિગમંડ ફ્રૉઇડને મહાન ચિતરી દીધો છે પરંતુ ગિરીન્દ્રશેખર બોઝ તરફ દૃષ્ટિપાત કર્યો જ નથી. કોણ હતા આ ગિરીન્દ્રશેખર બોઝ?

કાલિદાસની જેમ ગિરીન્દ્રશેખર બોઝને પણ લોકોએ અન્યાય કર્યો છે. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવાય છે તેમ ગિરીન્દ્રશેખર બોઝને ભારતના સિગ્મંડ ફ્રૉઇડ કહેવાય છે. તે ખોટું છે.

ગિરીન્દ્રશેખર બોઝ બંગાળે આપેલી વધુ એક મહાન હસ્તિ છે. તેઓ વીસમી સદીની શરૂઆતમાં થઈ ગયા. ૩૦ જાન્યુઆરી ૧૮૮૭ના રોજ જન્મ અને ૩ જૂન ૧૯૫૩ના રોજ મૃત્યુ. તેમણે ભારતમાં ૧૯૨૨માં કોલકાતામાં ઇન્ડિયન સાઇકૉએનાલિટિકિલ સૉસાયટી સ્થાપી અને તેના પ્રથમ પ્રમુખ બન્યા. વિદેશની કોઈ પણ થિયરીને ભારતની એરણ પર કસવી પડે. કસોટી કરવી પડે. કોઈ પણ થિયરી, કોઈ પણ સંસ્કૃતિ, ખાણીપીણી, કોઈ પણ બાબત એમ ને એમ અપનાવી ન લેવાય કારણકે ભારતની સંસ્કૃતિ અને ભૂગોળ અલગ છે. ગિરીન્દ્રશેખર બોઝે ૧૯૨૧માં ‘કન્સેપ્ટ ઑફ રિપ્રેશન’ નામનો ડૉક્ટરલ થિસીસ આપેલો જેમાં ફ્રૉઇડની પરિકલ્પના સાથે હિન્દુ તત્ત્વચિંતનને વણી લેવામાં આવ્યું હતું. તેમણે આ થિસીસ ફ્રૉઇડને મોકલેલો અને તેના પરિણામે બંને વચ્ચે પત્રવ્યવહાર થયેલો. આ પત્રવ્યવહાર વીસ વર્ષ ચાલ્યો હતો!

ગિરીન્દ્રશેખર બોઝ ભારતનાં પુરાણો તરફ આકર્ષાયેલાં અને તેઓ માનતા હતા કે પશ્ચિમની માનસશાસ્ત્રીય પરિકલ્પનાઓ તો પહેલેથી જ પુરાણોના તત્ત્વચિંતનમાં વર્ણવાયેલી જ છે. તેમણે પોતાના પુસ્તક ‘પુરાણ પ્રબેશ’ (બંગાળમાં વનો બ કરી નખાય છે. એટલે પ્રણવ હોય તો પ્રણબ બોલાય અને લખાય.)માં લખ્યું છે: “પુરાણો ભારતનાં પ્રાચીનતમ પુસ્તકો છે. તેઓ ભૂતકાળની વાર્તાઓ ધરાવે છે. પુરાણનો અર્થ થાય છે જૂનું. બધાં પુરાણ એક જ સમય અવધિમાં લખાયાં નથી. કેટલાંક જૂનાં છે અને કેટલાક અર્વાચીન.”

ગિરીન્દ્રશેખર બોઝ અને ફ્રૉઇડ વચ્ચે ચાલેલા પત્રવ્યવહારને વિશ્વ ભરમાં માનસશાસ્ત્રના વિદ્યાર્થીઓને ભણાવાય છે. તેમના માનમાં લંડનના ફ્રૉઇડ આર્કાઇવમાં ગિરીન્દ્રશેખરના નામની ગેલેરી છે. ગિરીન્દ્રશેખરે ફ્રૉઇડની થિયરીઓ ખાસ કરીને એડેપસ (Oedipus) કૉમ્પ્લેક્સની થિયરીને પડકારીને કહ્યું હતું હતું કે ઑસ્ટ્રિયાના વિએનીઝ પરિવારોને જે લાગુ પડે છે તે શું બંગાળના પરિવારોને પણ લાગુ પડી શકે?

સિગમન્ડ ફ્રૉઇડે અમુક ગાંડા જેવી વાતો કરેલી તેમાં આ એડેપસ સિદ્ધાંત પણ હતો. ફ્રૉઇડના આ સિદ્ધાંતની વાત કરતા પહેલાં તેનું અંગત જીવન જોઈ લેવા જેવું છે. આપણે પશ્ચિમની કોઈ થિયરીનો પ્રતિવાદ કરીએ એટલે ભારતના જ બુદ્ધુજીવીઓ આપણી (કોઈ પણ ભારતીયની) લાયકાત સામે પ્રશ્ન ઉઠાવે. તમે કેટલાં પુસ્તક વાંચ્યાં? કેટલા દેશોનો પ્રવાસ કર્યો? તમને શું ખબર પડે? તમે કેટલું ભણ્યા? તમે કેટલા લોકોને મળ્યા? જેમને બધું પશ્ચિમની નજરે જ જોવાની ટેવ પડી છે તેમને પશ્ચિમના લોકો જ ભટકાડી દેવાના.

ફ્રૉઇડના ફ્રૉડ (છેતરપિંડી) વિશે અમેરિકાની કેલિફૉર્નિયા યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યપક, નિબંધકાર અને વિવેચક ફ્રેડરિક ક્રુઝ (Frederick Crews)એ ‘ફ્રૉઇડ: ધ મેકિંગ ઑફ ઇલ્યૂશન’ નામનું પુસ્તક લખ્યું છે. ક્રુઝ પહેલાં જેમણે ફ્રૉઇડનું જીવનચરિત્ર લખ્યું તેમની પાસે કેટલીક સામગ્રી ઉપલબ્ધ નહોતી જે ક્રુઝ પાસે હતી. ફ્રૉઇડ અને તેની પ્રેમિકા માર્થા બર્નેસ (Martha Bernays) વચ્ચે થયેલા પત્રવ્યવહારથી ફ્રૉઇડના ચરિત્રમાં રહેલી ઉણપો, તેના જાતીય (સેક્સ્યુઅલ) અભિગમો અને તેઓ કૉકેઇન નિયમિત લેતા હતા તે ચોંકાવનારી વાતો ખુલ્લી પડે છે.

ફ્રૉઇડ વિજ્ઞાનમાં પ્રશિક્ષણ પામ્યો હતો પરંતુ તે દિશા ભૂલી ગયો. તે પુરાવા વગરના અસાધારણ વિચારોને સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત કરતો હતો, તે ઈરાદાપૂર્વક છદ્મ વિજ્ઞાનમાં ઉતરી ગયો હતો. પોતાની ભૂલોને ઢાંકી દેતો હતો. તેમણે એક સંપ્રદાય (ઉપાસના પદ્ધતિના અર્થમાં નહીં, પણ પ્રશંસક વર્ગના સંદર્ભમાં) ઊભો કર્યો હતો, તેના કારણે તેની ખ્યાતિ લાંબો સમય રહી છે. તે આળસુ હતો તેથી પૂરતા પુરાવા એકત્રિત કરતો નહીં. તે કોઈ એકાદો કિસ્સો (કેસ) મળી જાય તો તે જાણે કે બધાને લાગુ પડે છે તેવું પ્રતિપાદિત કરી દેતો અને ઘણી વાર તો આ કિસ્સો પોતાનો જ હોય.

તેને પોતાને જ અનેક તકલીફો હતી; માઇગ્રેન, અપચો, હતાશા (ડિપ્રેશન), થાક અને બીજી ઘણી બધી. આનો ઉપાય કરવા માટે તે કૉકેઇન લેતો. લેતો એટલું જ નહીં, તેને ઉચિત ગણાવવા દલીલો કરતો. તેને પેનેશીયા (panacea) એટલે કે રામબાણ ઈલાજ તરીકે રજૂ પણ કરતા! તેઓ એક મિત્રને મૉર્ફિનનું વ્યસન છોડાવવા સારવાર કરતા અને તેમની સારવારનું પરિણામ એ આવ્યું કે મિત્રનું મૉર્ફિનનું વ્યસન તો ન જ છૂટ્યું પણ સાથે કૉકેઇનનું વ્યસન લાગી ગયું! આ પછી પણ તેમણે તો પોતે સફળ સારવાર કરી હોવાનો જ દાવો કર્યો! તેણે કૉકેઇનની ફિઝિયૉલૉજિકલ અસર પર એક ‘વૈજ્ઞાનિક’ અભ્યાસ પ્રકાશિત કર્યો પણ આ અભ્યાસ કોના પર તેણે કર્યો હતો? માત્ર પોતાના પર! અભ્યાસમાં, બધા જાણે છે તેમ, એકલદોકલ વ્યક્તિથી કોઈ તારણ કાઢી ન શકાય.

સિગ્મંડ ફ્રૉઇડે સિદ્ધાંતો પોતાના જીવન પરથી જ ઘડી કાઢ્યા હોય તેમ લાગે છે. જેમ કે ઉપર ઉલ્લેખિત એડેપસ કૉમ્પ્લેક્સ સિદ્ધાંત. સિગ્મંડ ફ્રૉઇડ પોતે જ એક મનોરોગનો દર્દી હોય તેમ લાગે છે કારણકે તેણે પોતાની સાથે બનેલી ઘટનાઓનું ઓડનું ચોડ અથવા ખોટું અર્થઘટન કર્યું છે. તેનો જન્મ થયો ત્યારે તેના પિતા ૪૦ વર્ષના હતા. તેની માતા તેના પિતાની બીજી પત્ની અને વીસ વર્ષ નાની હતી. તેના પિતાને પહેલી પત્નીથી બે દીકરા ઇમેન્યુઅલ અને ફિલિપ હતા. ઇમેન્યુઅલ પરિણીત હતો. તેને એક દીકરો હતો. આથી સિગ્મંડ ફ્રૉઇડ જન્મ્યો ત્યારે જન્મતા વેંત કાકા બની ગયો હતો. (તે જમાનામાં આ સ્વાભાવિક હતું.) સિગ્મંડ બે વર્ષનો હતો ત્યાં સુધી પથારીમાં પેશાબ કરી જતા. હમણાં સુધી પિતા કડક રહેતા. હવે આ સ્થિતિ બદલાઈ છે. બાળક સિગ્મંડને તેના પિતા પથારીમાં પેશાબ ન કરવા કહેતા. કોઈ બાળક તેના પિતા કે માતા આવું કહે તો તેની સામે ગ્રંથિ બાંધી નથી લેતું, પણ સિગ્મંડે બાંધી લીધી. સિગ્મંડમાં ઈર્ષાનો ભાવ પણ હતો. નાનો ભાઈ જુલિયસ જન્મ્યો ત્યારે તેને તેની ઈર્ષા થઈ. તેને પસંદ નહોતું કે તેની માતા તેના ભાઈને પણ વ્હાલથી રાખે અને તેની કાળજી રાખે. સિગ્મંડ ફ્રૉઇડે તેનું ખરાબ ઈચ્છ્યું અને સાત મહિના પછી તેનું મૃત્યુ થઈ ગયું. સિગ્મંડ ફ્રૉઇડમાં પોતે દોષિત હોવાની ભાવના ઘર કરી ગઈ. તેણે તેના પિતાને પોતાના હરીફ તરીકે જોયા જે તેની માતાનો પ્રેમ મેળવવા માગતા હતા. તેનાથી તેમને પોતાને તેમની જિંદગીમાં પાછળથી માનસિક સમસ્યાઓ થઈ.

મોટા થઈને તેણે તેની માતા પ્રત્યેની લાગણીઓનું વિશ્લેષણ કર્યું. તેને લાગ્યું કે બાળ અવસ્થામાં તે તેની માતાને પરણવા માગતો હતો. ફ્રૉઇડે આ વાત દરેક બાળકમાં હશે જ તેમ માની લીધું અને તેને થિયરી બનાવી દીધી! ફ્રૉઇડના ગાંડા જેવા ‘એડેપસ કૉમ્પ્લેક્સ’ સિદ્ધાંત પ્રમાણે, બાળક વિકાસના જનનાંગ તબક્કામાં (ત્રણથી છ વર્ષની ઉંમરમાં) તે જો છોકરો હોય તો માતા પ્રત્યે અને છોકરી હોય તો પિતા પ્રત્યે અચેત (અનકૉન્સિયસ) ઈચ્છા અનુભવે છે. સિગ્મંડ મહાશયનું કહેવું છે કે છોકરો હોય તો માતા સાથે અને છોકરી હોય તો પિતા સાથે જાતીય ઈચ્છા ધરાવે છે! તેણે એવું તારણ કાઢ્યું હતું કે દરેક ઉન્માદનું લક્ષણ જાતીય કલ્પનાનું ચિત્રણ છે. એક અક્ષત યૌવના છોકરીને કફની તકલીફ હતી. સિગ્મંડ ફ્રૉઇડે શું નિદાન કર્યું? એ કે તેને ઉધસની તકલીફ તેના મનમાં તેના પિતા સાથે મુખમૈથુન કરવાની અચેતન ઈચ્છાના લીધે છે! એલોપેથી પણ કફના શ્વાસનળીમાં ચેપ લાગવું વગેરે કારણ આપે છે. આયુર્વેદ ઉધરસનાં કારણોમાં ઠંડી ઋતુ, ધૂમાડાની એલર્જી, વગેરે આપે છે પણ સિગ્મંડ ફ્રૉઇડને આમાં પણ વિકૃતિસભર કારણ દેખાય છે!

એક બાળક તરીકે તેણે જે જોયું તેમાં તેને જાતીય (સેક્સ્યુઅલ) આનંદનો સ્રોત દેખાયો! તેની પત્નીએ જ તેના સાઇકૉએનાલિસિસને ‘પૉર્નોગ્રાફી’નું એક સ્વરૂપ કહ્યું. સિગ્મંડ ફ્રૉઇડને માતાને ધાવવાથી લઈ મળત્યાગ વગેરે જાતીય આનંદનું રૂપ લાગતું હતું. કેટલી વિકૃતિ! તેના મનમાં પોતાના જીવનના ખોટા અર્થઘટનથી ખોટી વાતો ઘર કરી ગઈ હતી. તેના દર્દી જે વાત કહે તેને તે સાચી માની લેતો. પોતાના અને દર્દીના જીવન પરથી પહેલાં તેને લાગ્યું કે આયાઓ શોષણકર્તા હોય છે. પછી તેને લાગ્યું કે પિતા શોષણકર્તા હોય છે. પછી તેને અનુભૂતિ થઈ કે પિતા વિશેની વાતો અતિશયોક્તિવાળી છે. આથી તેણે ફરી ખોટું અર્થઘટન કર્યું કે તેમના દર્દી તેમના પિતા સાથે સેક્સની કલ્પના કરે છે. ઘણાં બાળકો ખોટી વાતો (ગપ્પાં) ઉપજાવી કાઢવામાં નિપુણ હોય છે. સિગ્મંડ ફ્રૉઇડ આવી વાતો સાચી માની લેતા. એક બાળકીએ તેમને કહ્યું કે તે મળત્યાગ કરે પછી તેને તે મળ ખાવા ફરજ પડાય છે. આવા કિસ્સાઓ પરથી સિગ્મંડ ફ્રૉઇડે ‘રિપ્રેશન’ની થિયરી બનાવી દીધી. તેને પોતાને પણ લાગવા લાગ્યું હતું કે તેનાં માતાપિતાએ પણ તેનું શોષણ કર્યું છે. જોકે પછી ઝડપથી તેણે આ વિચાર ખંખેરી નાખ્યો.

સિગ્મંડ ફ્રૉઇડનાં એક પણ સ્ત્રી સાથેના સંબંધો સારા રહ્યા નહીં. તેનું કારણ એ હતું કે તે સ્ત્રીને નબળી, નકામી, ઈર્ષાળુ અને અન્યાયી માનતો હતો. તેને લાગતું કે સ્ત્રીઓની સમસ્યાઓ તેને શિષ્ન નહીં હોવાના કારણે ઉદ્ભવે છે! તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે સ્ત્રીઓ તો સમાજમાં સમસ્યારૂપ જ છે. ફ્રૉઇડની આવી માન્યતા પાછળનું કારણ તેના પુરુષ મિત્રો સાથેના સંબંધો માનવામાં આવે છે. તેને પુરુષ મિત્રો સાથે મિત્રતાથી આગળ સંબંધો હતા. વિલ્હેલ્મ ફ્લિએસ નામના ઇએનટી સ્પેશિયાલિસ્ટ પુરુષ ડૉક્ટર સાથે તેના સજાતીય સંબંધો હતા તેવું તેના ફ્લિએસ સાથે પત્રવ્યવહાર પરથી સાબિત થયું છે. આના પરથી એટલે કે પોતાના જાતઅનુભવ પરથી તેણે તારણ કાઢ્યું કે બધા પુખ્ત લોકો બાયસેક્સ્યુઅલ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સાથે સંબંધ રાખનારા હોય છે! બીજી ગાંડા જેવી વાત સિગ્મંડ એ માનતો હતો કે પુરુષોની સજાતીયતા ન્યૂરૉટિક છે, સમસ્યારૂપ નથી, પણ સ્ત્રીઓની સજાતીયતાથી માનસિક બીમારી આવે છે. આનું કારણ તેના મતે એ હતું કે માત્ર પુરુષોમાં જ નૈતિકતાની સમજ હોય છે. પુરુષોમાં આ નૈતિકતાની સમજ ક્યાંથી આવે છે? તેની પાછળ પણ સિગ્મંડ ફ્રૉઇડ ગાંડા જેવું કારણ આપે છે. છોકરાઓને એ બીક હોય છે કે જો તેઓ અસભ્ય વર્તન કરશે તો તેમના પિતા તેમને નપુંસક બનાવી દેશે.

ફ્રૉઇડની દીકરી એન્ના લેસ્બિયન હતી. ફ્રૉઇડે તારણ કાઢ્યું કે લેસ્બિયન હોવું તે પિતાનો વાંક છે! તે સાઇકૉએનાલિસિસથી દૂર કરી શકાય છે. જ્યારે સ્વામી રામદેવે કહ્યું હતું કે સજાતીયતા વિકૃતિ છે અને તેને દૂર કરી શકાય છે ત્યારે આ દેશની અભિનેત્રીઓએ- ડાબેરીઓએ-લિબરલોએ હોબાળો કરી દીધો હતો. પણ ફ્રૉઇડ સ્ત્રીઓ માટે આવા વિચારો રાખે છે ત્યારે ભારતમાં તેની સામે કોઈ બોલતું નથી, ઉલટાનું ભારતમાં તેને મહાન સાઇકૉએનાલિસ્ટ તરીકે રજૂ કરાય છે. ફ્રૉઇડની દીકરી એન્નામાં લેસ્બિયન ઉપરાંત નાનપણથી બીજી કેટલીક વિકૃતિ પણ હતી. તેનામાં સેડો-મેસોકિઝમ (sado-masochism)ની કલ્પનાઓ હતી. આનો અર્થ થાય છે બીજાને પીડા આપવી અને પોતાને પણ આપવી. તેનામાં કમ્પલ્સિવ માસ્ટરબેશન (હસ્તમૈથુનની ન છૂટે તેવી ટેવ), ઇટિંગ ડિસઑર્ડર (ખાવાની અસામાન્ય ટેવ) અને હતાશા (ડિપ્રેશન) હતી.

એવા અનેક પ્રસંગો છે જેમાં ફ્રૉઇડ તેમના દર્દીઓને અવળી સલાહો આપી તેમની પાસેથી પૈસા પડાવતો હતો. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં પ્રસિદ્ધ એક લેખ મુજબ, ફ્રૉઇડે તેના બે દર્દીઓને તેમના જીવનસાથીથી છૂટાછેડા લેવા સલાહ આપી અને બંનેને પરસ્પર લગ્ન કરવા કહ્યું. વધુમાં તેણે અસ્પષ્ટ રીતે તેમને તેના સાઇકૉએનાલિટિકલ ફંડમાં દાન આપવા કહ્યું. તમને નથી લાગતું કે ૯૦ના દાયકાથી ભારતના મિડિયામાં શરૂ થયેલા સેક્સ અંગેની કૉલમોમાં ફ્રૉઇડને ટાંકીને સેક્સૉલૉજિસ્ટોએ અને મનોચિકિત્સકોએ લોકોને ખોટા માર્ગે દોર્યા છે?

સુરિઆના નામની લેખિકા લખે છે કે જેને સાઇકૉથેરાપીનો જનક માનવામાં આવે છે તે સિગ્મંડ ફ્રૉઇડને તંદુરસ્ત અને નૈતિકતા તેમજ સારી વર્તણુંક સાથેનો સંતુલિત પુરુષ માનવો અઘરો છે. જો આજે તે પ્રેક્ટિસ કરતો હોત તો તેનું લાઇસન્સ રદ્દ કરાયું હોત અને તેના શંકાસ્પદ વર્તન માટે તેની સામે પ્રશ્નો ઊભા કરાયા હોત.

આ લેખ આપને ગમ્યો? આ વેબસાઇટ પર આવા લેખો વાંચવા મળતા રહે તે માટે સપૉર્ટ કરો.
અહીં ક્લિક કરો.

You may also like

Leave a Comment